અજવાળાંનો ઓટોગ્રાફ - 32 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 32

અજવાળાંનો ઓટોગ્રાફ

(32)

રીક્ષાવાળા અબ્બાસભાઈ

નાના હતા ત્યારે ઘરેથી નિશાળે જવા માટે રીક્ષા લેવા આવતી. કોણ જાણે કેમ ? પણ એ રીક્ષાવાળા ભાઈનું નામ હજુપણ યાદ છે. ત્રીસેક વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં અબ્બાસભાઈનો ચહેરો આજેપણ યાદ છે.

અબ્બાસભાઈનું કામ બહુ જ મર્યાદિત હતું. એમની રીક્ષામાં આવતા બાળકોને નિશાળ સુધી પહોંચાડવાના અને નિશાળ પત્યા પછી ઘરે લઈ આવવાના. આપણા બાળમાનસના વિશાળ પડદા પર અબ્બાસભાઈ જેવા લોકોએ બહુ નાની અને તેમ છતાં બહુ યાદગાર ભૂમિકાઓ ભજવી હોય છે.

અબ્બાસભાઈ જેવા લોકો એટલા માટે યાદ રહી જાય છે કારણકે તેમણે બાળપણમાં આપણા આંસુઓ લૂછેલાં. કોઈ રડતા બાળકને ચોકલેટ આપવી કે આગળ પોતાના ખોળામાં બેસાડવું, કોઈના માથા પર પ્રેમથી હાથ ફેરવવો કે કોઈને ફાલતું જોક કહીને હસાવવા. અબ્બાસભાઈની જોબ પ્રોફાઈલમાં આવું કશુંજ ન આવતું હોવા છતાં પણ આ બધા કામો એ હ્ર્દયપૂર્વક કરતા અને આ કામ માટે તેમને કોઈ બોનસ કે ઇન્સેન્ટીવ્ઝ મળતા નહિ.

કોઈ માણસમાં ભરોસો મૂકવો હોય તો એડવાન્સ બુકિંગ નથી કરાવવું પડતું. પૂરી શ્રદ્ધા અને આસ્થાથી કોઈને જાત સોંપતા પહેલા આપણે તેનું આધાર કાર્ડ કે કેરેક્ટર સર્ટિફિકેટ નથી માંગતા.

ઘરની બહાર અસુરક્ષિત દુનિયામાં નીકળેલા આપણે આવા કેટલાય અબ્બાસભાઈઓના સહારે આપણા મુકામ સુધી પહોંચતા હોઈએ છીએ. અબ્બાસભાઈ જેવા લોકો એટલા માટે યાદ રહે છે કારણકે તેમણે આપણા હાસ્યની સાથે તેમના પર મૂકેલો આપણો વિશ્વાસ પણ અકબંધ રાખેલો.

કેટલાક લોકો રૂમાલ જેવા હોય. ગડી વાળીને ખિસ્સામાં રાખી શકાય. આમ જુઓ તો સાવ અળગા અને છતાં હાથવગા હોય. આવા લોકો ટાઈ કે બ્લેઝરની જેમ આપણી શોભા નથી વધારતા પણ આંસુઓ આવે ત્યારે ખિસ્સાથી ગાલ સુધીનું અંતર કાપતા તેઓ વાર પણ નથી લગાડતા.

આજે આપણા બાળકો નિશાળે જાય છે. તેઓ પણ સ્કુલ બસ કે રીક્ષામાં જાય છે. સ્કુલ બસના ડ્રાઈવર કે રીક્ષાવાળા ભાઈ રોજ સવારે ફક્ત બાળકોની હેરાફેરી નથી કરતા, તેઓ આપણા વિશ્વાસનું વહન કરે છે. નાનામાં નાના લોકો પર આપણે મૂકેલી શ્રદ્ધાનું જતન અને જાળવણી કરે છે આવા લોકો.

અબ્બાસભાઈ જેવા કેટલાય રીક્ષાવાળા અને સ્કુલબસના ડ્રાઈવર આપણને રોજ સવારે યાદ કરાવે છે કે લોકો પર વિશ્વાસ મૂક્યા વિના આ દુનિયા ચાલવાની નથી. ઘરમાં આવતી કામવાળીથી લઈને ઓફિસમાં રહેલા કારકૂન સુધી, હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી કરી રહેલી સ્ટાફ નર્સથી લઈને ફ્લેટની બહાર રહેલા ચોકીદાર સુધી. દરેક વ્યક્તિ પ્રત્યેક ક્ષણ આપણને એ પ્રતીત કરાવે છે કે રૂપિયો ભલે ગબડતો રહે, વિશ્વાસની કરન્સી આજે પણ મજબૂત છે અને કાયમ રહેશે.

રીક્ષાવાળા અબ્બાસભાઈ ફક્ત રીક્ષાચાલક નહોતા, તેઓ સારથી હતા. ડ્રાઈવિંગ લાયસન્સ અઢાર વર્ષે એટલે જ મળે છે કારણકે ત્યાં સુધીમાં આપણે સારથી પર ભરોસો મૂકતા શીખી જઈએ.

જિંદગીના શરૂઆતના વર્ષો જ આપણને શીખવાડી દે છે કે રીક્ષા હોય કે બસ, એરોપ્લેન હોય કે જિંદગી. એકવાર વાહનમાં બેઠા પછી મંઝિલ સુધી પહોંચાડવાની જવાબદારી સારથીની હોય છે. પછી એ રીક્ષાવાળા અબ્બાસભાઈ હોય કે રથવાળા રણછોડરાય.

-ડૉ. નિમિત્ત ઓઝા