Niyati - 24 books and stories free download online pdf in Gujarati

નિયતિ - ૨૪

સવારે જશોદાબેને બેઠક રૂમમાં મુરલીને સૂતો જોયો. પહેલાતો એમને થયું કે ઘરમાં ચોર ગુસ્યો, એ બૂમ પાડવાજ જતા હતા પણ, પછી વિચાર આવ્યો કે ચોર હોય તો અહીંયા ઊંઘી થોડો જાય!  એમણે ક્રિષ્નાના રૂમમાં જઈને એને જગાડી. બહાર સોફા પર કોઈ ઊંઘી રહ્યું છે!એમણે એકદમ ધીરા અવાજે કહ્યું.


ક્રિષ્નાની સમજમાં આવી ગયું. એ મુરલી વિશે વાત કરી રહ્યા હતા. શું જવાબ આપવો એ ના સુજતા એ થોડીવાર મૌન રહી. જશોદાબેનને થયું કે ક્રિષ્ના પણ નહીં જાણતી હોય એ કોણ છે. હવે એમણે જ પૂછવું પડશે એમ વિચારીને એ બેઠક રૂમમાં પ્પાછા ગયા. એમની પાછળ જ ક્રિષ્ના પણ ભાગી. જશોદાબેન મુરલીને ઉઠાડવા જ હતા કે ક્રિષ્નાએ એમને રોક્યા. એકપલ માટે એને થયું કે, કાશ કાલે મમ્મીને મુરલી વિશે ના જણાવ્યુ હોત.....!


મમ્મી એ મુરલી છે!જાળવીને, એક એક શબ્દ ગોઠવીને એ બોલી અને મમ્મીનાં હાવભાવ જોવા એના મોંઢા સામે તાકી રહી...જશોદાબેન મલકાઈ રહ્યાં હતા!  


શું થયું તું હસે છે, કેમ?”


આના માટે થઈને તું પાર્થકુમારને ના કહે છે!  આ કાળિયા માટે?" જશોદાબેન હસી પડ્યા.


મુરલીનો દાઢી કર્યા વગરનો ચહેરો વધારે કાળો લાગતો હતો. ઉપરથી એણે લાલ રંગનું ટીશર્ટ પહેર્યું હતું જેમાં એ હતો એનાથી પણ ચાર ગણો વધારે કાળો લાગતો હતો. ક્રિષ્નાને મમ્મી પર ગુસ્સો આવ્યો, એ આમ મુરલીનું અપમાન કેવી રીતે કરી શકે? સાથે સાથે મુરલી પર ખીજ પણ ચઢી, પોતાની પ્રેમિકાને ઘરે કોઈ આમ આવતું હોય!  સાવ લગરવગર! પાર્થ કેટલો બનીઠનીને આવે છે. પહેલી જ નજરે કોઈને પણ ગમી જાય.


મમ્મી એ ના ભૂલીશ કે આપણા આરાધ્ય દેવ, જેની તું રાત દિવસ પૂજા કરે છે એ પણ કાળા જ છે!” ક્રિષ્ના એની મમ્મીને રસોડામાં હાથ પકડીને ખેંચી ગઈ, “કાલે રાતે એ આવેલો. ખૂબ મોડું થઈ ગયેલું એટલે મે તને ના ઉઠાડી. એ રાતનો ભૂખ્યો હશે એના માટે કંઇ નાસ્તો બનાવ હું એને જગાડું છું.


પેલા એ કહે કે, એ આવ્યો છે શું કરવા અને આમ આપડા ઘરમાં અમદાવાદમાં હોટલોની કમી છે?” જશોદાબેન જરા કડપ રાખીને બોલ્યા.


મેં નથી બોલાવ્યો એને. હશે, કોઈ કામથી આવ્યો હશે!  એણે મને બેંગલોરમાં ખુબ સાચવી હતી, કંઈ નહિ તો એટલા ખાતરેય તું શાંતિ રાખજે!


ક્રિષ્નાએ મુરલીના ગાલે હળવી ટપલી મારી. તરત જ મુરલીએ આંખો ખોલી અને સામે ક્રિષ્નાને જોતા એના ચહેરા પર અનાયાસ જ સુંદર સ્મિત આવી ગયું.


ક્રિષ્નાને એ સ્મિત, એ એક ગાલ પર પડતો ખાડો, એ શ્યામ ચહેરો મનમોહક લાગ્યાં! એને થયું કે કાશ, મમ્મી પણ મારી નજરથી એકવાર મુરલીને જોઈ શકતી હોત!


ગુડ મોર્નિંગ!"

ક્રિષ્ના પોતાને જોઈ રહી હતી એ જોઈને મુરલી બોલ્યો.


ચાલ ઊભોથા જલદી હવે. સામે બાથરૂમ છે, બ્રશ કરીને નાહીને, આ દાઢી નીકાળીને જ બહાર આવજે.


કપડા પહેરીને... કે ટુવાલ લપેટીને બહાર આવુ તો ચાલશે?”


ચૂપ કર!  મમ્મીને સાંભળતાં આવી બકવાસ મહેરબાની કરીને ના કરતો. જરી સરખા કપડાં પહેરજે. આ લાલ ટીશર્ટને તો હું ભિખારીને આપી દઈશ. જો કોઈ દિવસ આ કલર પહેર્યોને તો... જા તું બાથરૂમમાં ઘુસ.ક્રિષ્નાએ બે હાથની મુઠ્ઠીઓ વાળીને એના સામે ધરતાં કહ્યું.


મુરલી હસીને ઊભો થયો અને તૈયાર થવા ચાલ્યો ગયો.


જશોદાબેન અને ક્રિષ્ના બંને જમવાના ટેબલ પર મુરલીની રાહ જોઈ રહ્યા હતા. સફેદ શર્ટ અને બ્લુ જીનસમાં સજજ થઇ મુરલી ત્યાં આવ્યો ત્યારે ચારે આંખો એને જ જોઈ રહી હતી. ક્લીન સેવ ચહેરામાં એ શ્યામ પણ ઘાટીલો લાગતો હતો. બંને બાયને એણે કોણી સુંધી વાળી હતી. જશોદાબેન સામે જોઇને એણે સ્મિત સહ, હાથ જોડીને નમસ્કાર!કહ્યું.


એના વિવેક આગળ જશોદાબેનને પણ હાથ જોડવા પડ્યા. ઉતાવળમાં એમણે ચા અને બ્રેડ શેકીને ટોસ્ટ બનાવેલા. ટોસ્ટ પર થોડું બટર લગાવીને એમણે મુરલીની ડિશમાં મૂક્યું. બીજા ટોસ્ટ પર થોડું વધારે બટર લગાડીને એને ક્રિષ્નાની પ્લેટમાં મૂક્યું. ક્રિષ્નાને મમ્મીનો આ ભેદભાવ જરાય ના ગમ્યો. જો પાર્થ માટે નાસ્તો તૈયાર કરવાનો હોત તો અત્યારે ટેબલ બે ત્રણ જાતના ગરમ સ્વાદિષ્ટ નાસ્તાથી સજ્જ હોત!  


શું મમ્મી તું પણ મારું ઓછા બટરવાળું ટોસ્ટ મુરલીને આપી દીધું.ક્રિષ્નાએ બંનેના ટોસ્ટ બદલી દીધા.


વાહ!  ચા મસ્ત બનાવી છે મમ્મી, સુપર!મુરલી બોલ્યો.


જશોદાબેનને એનું મમ્મી” ખુચ્યું. પણ, હાલ એ ચૂપ રહ્યા અને બીજો સવાલ કર્યો, “તમે અહી આમ અચાનક આવવાનું કોઈ કારણ?”


હમમ...ક્રિષ્ના કોઈને કંઈ કહ્યા વગર અચાનક પાછી આવતી રહી એટલે મને ચિંતા હતી. થોડું કામ પણ હતું મારે અમદાવાદમાં થયું કે, ચક્કર મારી જવ!  તારી ઑફિસમાં મે વાત કરી એ લોકો પંદર દિવસથી વધારે રજા આપવાની ના કહે છે, તને નીકાળી બીજી છોકરી લઈ લેશે!  


મને હતું કે આવું જ કંઈ થશે.” ક્રિષ્ના થોડી ઉદાસ થઇ ગઇ.


કંઈ વાંધો નહી બેટા!  પાર્થકુમાર તને અહિંયા જ કોઈ સારી જગાએ ગોઠવી આપશે. અને હમણાં સગાઈ કરસુ પછી બે ચાર મહિનામાં લગ્ન લેવાશે એટલે ત્યાં સુંધી તું અહીં હોય એજ સારું.” જશોદાબેને ચાલિકીથી મુરલીના કાને સગાઈ અને લગ્નની વાત નાખી જેથી એ કંઈ બીજું વિચારતો હોય તો અટકી જાય. મુરલી એમનો ઈરાદો પામી ગયો હતો અને ચૂપચાપ નાસ્તો કરતો રહ્યો. ક્રિષ્નાએ એને બીજું ટોસ્ટ એક્સ્ટ્રા બટર લગાડીને આપ્યું હતું.


ચાલો બેટા જલદી કરો. એમ્બ્યુલન્સ આજે તું જ બોલાવી લેજે. રોજ રોજ પાર્થકુમાર લઈ આવે એ સારું નથી લાગતું એમાં પણ આજે એને ઘરે મહેમાન છે, એને આવતા થોડું મોડું થશે. તું ફોન કરી દેજે.


જશોદાબેન વાસુદેવભાઇને તૈયાર કરવા એમના રૂમમાં ગયા. ક્રિષ્નાએ મુરલીને પપ્પા વિશે બધું જણાવ્યું.


ઘરમાં ગાડી છે?” મુરલીએ પૂછ્યું.


હા.


તો તું ડ્રાઈવ કરી લેજે પપ્પાને હું ઉઠાવી લઈશ. એમ્બ્યુલન્સનું ભાડું ભરવાની શી જરૂર! 


પણ, મને ડ્રાઈવ કરવાનો બઉં અનુભવ નથી. ક્યાંક ઠોકી દઇશું તો?” ક્રિષ્નાની નજર આગળ પાર્થની નવી નકોર BMW તરી રહી....


લે તારી આંખમાં કાંઈ તકલીફ છે દેખાતું નથી સરખું એમ કેવી રીતે ઠોકી દેવાય તારે બસ એક વાત યાદ રાખવાની, દુનિયાના બે સૌથી બેસ્ટ પપ્પા તારી ગાડીમાં બેઠા છે, એમને તું સલામત રીતે લઈ જઈશ!


બે પપ્પા?”


હમમ....એક તારા અને એક તારી દીકરીના!


ક્રિષ્ના ગાડીને ઘરના દરવાજા આગળ લઈ આવી ત્યારે જશોદાબેન બૂમો પાડતા બહાર આવ્યા. હકીકતમાં મુરલીએ વાસુદેવભઇને નાના બાળકની જેમ પોતાના બંને હાથોમાં ઉઠાવી લીધા હતા. વાસુદેવભાઇનો એક હાથ એણે એની ગરદન ફરતે લપેત્યો હતો. આ નવા મહેમાનને વાસુદેવભાઇ કંઇક અહોભાવથી જોઈ રહ્યા હતા. મુરલી એમની સાથે વાતો કરી રહ્યો હતો.સામેવાળી વ્યક્તિ બોલી નહતી શકતી પણ, સમજતી તો બધું જ હતી!  જશોદાબેનને એમ કે આ ક્યાંક વાસુદેવભાઇ ને પાડી ના નાખે એટલે એ બૂમો પાડતા આગળ ચાલતા હતા......


ક્રિષ્નાએ બહાર આવીને ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. મુરલી પપ્પાને અડધા સિટ પર અને અડધા પોતાના ખોળામાં લઇને બેસી ગયો. જશોદાબેન આગળ બેઠાં. ક્રિષ્નાએ ગાડી ઉપાડી. એણે એક નજર ઉપરના મીરર પર નાખી. મુરલી અને પપ્પાનો ચહેરો એમાં દેખાયો એને મુરલીની બે પપ્પા વાળી વાત યાદ આવી ગઈ....


ડૉક્ટર વાસુદેવભાઇને કસરત અને મસાજ કરાવતા રોજ જેથી એમની નબળી પડી ગયેલી નસો પાછી ચેતનવંતી થાય. સાથે દવા પણ ચાલુ જ હતી. પપ્પા અને મમ્મી બંને અંદર હતા. ક્રિષ્ના આજે ઘણાં દિવસો બાદ થોડી ખીલેલી લાગતી હતી. એ મુરલીની કોઈ વાત પર ખડખડાટ હસી રહી હતી ત્યારે દુરથી આવતો પાર્થ એને અને મુરલીને જોઈ રહ્યો હતો!

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED