અજવાળાંનો ઓટોગ્રાફ - 25 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 25

અજવાળાંનો ઓટોગ્રાફ

(25)

પેરેન્ટિંગ અને પ્રાઈઝ ટેગ

એક સમય હતો જ્યારે દર વર્ષે દિવાળીની ખરીદી કરવા મમ્મી પપ્પા સાથે બજારમાં જતા. રેડીમેઈડ કપડાના કોઈ આલીશાન શો-રૂમમાં પ્રવેશતા ત્યારે એવું લાગતું કે સાવ પામર અને પાંગળી ઓળખ લઈને કોઈ રાજમહેલમાં પ્રવેશી ગયા હોઈએ.

મમ્મી પપ્પાની આંગળી પકડી રાખવાનો ત્યારે પહેલો ફાયદો સમજાયો. આપણા ગજા અને લાયકાત બહારની જગ્યાએ પહોંચવું હોય, તો મમ્મી પપ્પાને સાથે રાખવા.

મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ક્ષેત્રફળ સમજતા વાર નથી લાગતી. ઘરના ઓરડાઓની સાથે ખિસ્સા પણ સાંકડા હોય એવા માળખાવાળા પગારમાં હાથ છુટ્ટો અને હથેળીઓ પહોળી રાખવી, ફક્ત પપ્પાને જ પોસાય.

દર મહીને મળતા મર્યાદિત પગારમાંથી પણ પોતાના સંતાનની ખુશીઓ અને સપનાઓની આટલી મોટી ઈમારત ચણતી વખતે, કેમ ક્યારેય કોઈ મમ્મી પપ્પાને FSI નડતો નહિ હોય ?

પ્રેમ આંધળો હોય છે, એ વાતની ત્યારે જ ખબર પડી ગયેલી જ્યારે રેડીમેઈડ કપડાના શો-રૂમમાં આપણને ગમતા કપડાઓનું પ્રાઈઝ ટેગ મમ્મી પપ્પાને દેખાતું નહિ.

સામે પાથરેલા રંગબેરંગી કપડાઓમાંથી આપણને ગમતા કપડા આપણે અલગ રખાવતા. એ અલગ રાખેલા દરેક કપડા પર રહેલું પ્રાઈઝ ટેગ, મમ્મી પપ્પાની નજર ન હોય ત્યારે આપણે જોઈ લેતા. આપણી પસંદગી મમ્મીના પર્સ કે પપ્પાના વોલેટ કરતા વધારે ભારે લાગે, તો એ કપડું ‘બહુ ગમ્યું નહિ’ એવું કહીને આપણે પાછું આપી દેતા.

પ્રેમ આંધળો હોવા છતાં પ્રેમને નક્કી ત્રીજી આંખ હોવી જોઈએ એવું ત્યારે સમજાતું જ્યારે પ્રાઈઝ ટેગ જોઈને આપણે રીજેક્ટ કરેલા કપડા, બિલીંગ કરાવવા માટે કાઉન્ટર પર પડેલા હોય. આપણી ખરીદી કરતી વખતે પ્રાઈઝ ટેગનો અંધાપો ધરાવતા મમ્મી પપ્પાને પોતાના કપડાની ખરીદી વખતે પ્રાઈઝ ટેગ અચાનક દેખાવા લાગતું. સારું છે એ જમાનામાં ઉદારતા પર ટેક્સ લાગતો નહિ. નહિ તો મમ્મી પપ્પા અત્યારે દેવામાં ડૂબેલા હોત.

બ્રાન્ડેડ વસ્તુઓ અને કપડાઓની વચ્ચે આપણે મોટા થતા ગયા. સાથે પેલું પ્રાઈઝ ટેગ પણ મોટું થતું ગયું. પ્રાઈઝ ટેગની સાથે મમ્મી પપ્પાની ઉદારતા પણ વધતી ગઈ અને એમની ઉંમર પણ. કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર સંતાનોમાં કરેલું એમનું રોકાણ ધીમે ધીમે વધતું ગયું અને પેન્શનની રકમ સ્થિર થતી ગઈ.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહેલા કોઈ કેસની જેમ સમયે બહુ જલ્દી ચુકાદો આપી દીધો કે જેના પર પ્રાઈઝ ટેગ લાગેલું હોય, એવી કોઈપણ વસ્તુ ખરીદવા માટે હવે આપણે સક્ષમ છીએ. એ માટે હવે મમ્મી પપ્પા પર નિર્ભર રહેવાની જરૂર નથી. પરંતુ ખરીદવા અને પામવા વચ્ચે તફાવત છે. જેના પર પ્રાઈઝ ટેગ લાગેલું હોય, એ ખરીદી શકાય. બાકીનું બધું પામવું પડે. ખરીદી શકવાની ક્ષમતાથી પામવાની લાયકાત સુધીની મુસાફરી આપણે સહુએ ખેડવાની છે.

એમેઝોન કે ફ્લીપકાર્ટ પર આશીર્વાદ નથી મળતા. કેટલીક વસ્તુઓ આપણે લઈ શક્તા નથી, આપણને એ આપવામાં આવે છે. કોઈ આપણને ભેંટ આપે ત્યારે તેનું પ્રાઈઝ ટેગ તેઓ કાઢી નાખતા હોય છે. ઈશ્વરને પણ આવી જ ટેવ હોવી જોઈએ. કારણકે મમ્મી પપ્પાના ચહેરા પર ક્યારેય પ્રાઈઝ ટેગ જોયું નથી. એટલે એમની કિંમત સમજાતી નથી.

-ડૉ. નિમિત્ત ઓઝા