અજવાળાંનો ઓટોગ્રાફ - 23 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 23

અજવાળાંનો ઓટોગ્રાફ

(23)

દોસ્તીનો ડ્રેસકોડ

આપણે અવારનવાર આપણી ગૌરવગાથાઓ આસપાસના લોકોને સંભળાવતા હોઈએ છીએ. આપણી સફળતા, આપણી ઉપલબ્ધિઓ કે આપણને મળેલા મૂલ્યવાન ઈનામોની આપણે છડેચોક જાહેરાત કરીએ છીએ. સફળતા એ બજારમાંથી ખરીદેલા બ્રાન્ડ ન્યુ કપડા જેવી છે. એ પહેરવાની જેટલી મજા છે, એનાથી વધારે મજા લોકોને દેખાડવાની છે.

સાવ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે પણ આપણે આપણી સફળતા વહેંચી લેતા હોઈએ છીએ. પરંતુ નિષ્ફળતાનું એવું નથી. આપણી નિષ્ફળતાઓ માટે આપણે બહુ પઝેસીવ હોઈએ છીએ. એ આપણે કોઈની સાથે શેર કરી શક્તા નથી.

જિંદગીમાં ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલીક ક્ષણો, કેટલાક પ્રસંગો, કેટલીક પરિસ્થિતિઓ અરીસા જેવું કામ કરે છે અને આપણને સતત એવી પ્રતીતિ કરાવે છે કે આપણે કદરૂપા છીએ. આપણો ખરાબ સમય આપણી નગ્ન-અવસ્થા જેવો હોય છે. એ સતત આપણને આપણી ઉણપોની પ્રતીતિ કરાવ્યા કરે છે. એવી અવસ્થા કોઈની પણ સાથે વહેંચવાની ઈચ્છા નથી થતી. એવા સમયે એકલા રહેવું ગમે છે. પણ ઈશ્વરે આપેલા વરદાનના ફળ સ્વરૂપે આપણા દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ હોય છે, જેની સાથે આપણે અંધારું વહેંચી શકીએ. એ વરદાન એટલે મિત્ર.

જિંદગીમાં જે વ્યક્તિની સાથે આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓની કોઈપણ જાતના ખચકાટ વગર ચર્ચા થઈ શકે, એ જ સાચો મિત્ર. આપણી જિંદગીમાં એ વ્યક્તિ સૌથી સ્પેશીયલ હોય છે જેની સાથે આપણો ડર, આપણી નિરાશાઓ, આપણી ચિંતાઓ અને આપણને અનુભવાતી અસલામતી શેર કરી શકાય.

જેની હાજરીમાં રડવાનું મન થાય કે કરેલી ભૂલો સ્વીકારવાનું અને વાગોળવાનું મન થાય, એ સૌથી નજીકનો મિત્ર. જેની સામે ભૂતકાળમાં કરેલા પાપોનો ફક્ત ઉલ્લેખ કરીને, એ પાપોમાંથી મુક્ત થયાનો અહેસાસ થાય એ સૌથી નજીકનો મિત્ર. એક એવો મિત્ર જેની સાથે સહેજ પણ દુખી થયા વિના આપણી નિષ્ફળ પ્રેમ-કહાનીઓ વિશે ખુલ્લા દિલે વાતો થઈ શકે.

મિત્ર એ નથી જે આપણા શબ્દોમાં અર્થો શોધે, મિત્ર એ છે જે આપણા મૌનમાં શબ્દો શોધતો હોય. મિત્ર એટલે એક એવી જગ્યા જ્યાં કોઈપણ જાતના જસ્ટિફીકેશન વગર આપણે લીધેલા નિર્ણયને સન્માન મળે. જ્યાં મહોરાઓ ન પહેરવા પડે, જ્યાં ચહેરાઓ ન બદલવા પડે.

દોસ્તીનો ડ્રેસકોડ એક જ હોય છે. દંભ સિવાયનું કાંઈ પણ પહેરી શકાય. મનમાં આવતા બેડોળ અને કદરૂપા વિચારોને કોઈપણ જાતના મેકઅપ કે કૃત્રિમ આવરણોના લેપ લગાડ્યા વગર જ્યાં મુક્ત રીતે અભિવ્યક્ત કરી શકાય, એ સ્થળ એટલે ભાઈબંધી.

મિત્રતા એટલે એક એવી દુનિયા જ્યાં ઝગડાઓ સુવાળા અને ફરિયાદો આહલાદક હોય. ત્યાં બનાવટી વખાણોથી ઉપરછલ્લી અને તકલાદી સગવડો આપવાની પ્રથા નથી. મિત્રતાની દુકાન નથી હોતી, એના ઓટલા હોય છે. જગતની સૌથી દુર્લભ વસ્તુ ફક્ત ત્યાં જ મળે છે. ત્યાં કોઈપણ જાતની ભેળસેળ વગરનું સત્ય મળે છે. સ્યુગર કોટેડ ન હોવા છતાં પણ ભાઈબંધો પાસેથી મળેલું સત્ય બે હાથ ફેલાવીને સ્વીકારવું ગમે છે.

જે વ્યક્તિને ઓળખ્યા પછી આપણે એ નક્કી ન કરી શકીએ કે એનું ખિસ્સું મોટું છે કે હ્રદય ? એ આપણો સાચો મિત્ર. જે અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડે અને ધોળે દિવસે સપનાઓ દેખાડે.

મિત્રતાએ દિવાળીનો તહેવાર છે. એમાં ફક્ત રોશનીઓ થાય છે, ચોપડા-પૂજન નથી થતું. કારણકે મિત્રતામાં ફક્ત અજવાળાને જ સ્થાન હોય છે, હિસાબોને નહિ.

-ડૉ. નિમિત્ત ઓઝા