Ajvadana Autograph - 21 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 21

અજવાળાંનો ઓટોગ્રાફ

(21)

આપણું ડાયપર ચક્ર

નાની સાઈઝના ડાયપરમાંથી એક સમયે માંડ બહાર આવેલા આપણે જિંદગીના છેલ્લા તબક્કામાં ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. આટલા વર્ષો ખુમારીથી જીવ્યા પછી પણ આપણે અંતે તો આપણા ડાયપરની સાઈઝ બદલ્યા સિવાય બીજું કશું જ કરી શક્તા નથી. બાળપણના ડાયપર અને એડલ્ટ ડાયપર વચ્ચે રહેલા સમયને જ કદાચ આપણે જિંદગી કહીએ છીએ.

બહારની અનેક પરીસ્થિતિઓ તથા પરિબળો પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરનારા આપણે, આપણા પોતાના જ યુરીન અને સ્ટુલ પરનો કંટ્રોલ ગુમાવી બેસીએ છીએ. વાણી, વિચાર અને વર્તનમાં આજીવન નિયંત્રણ રાખીને જીવનારો માણસ પોતાના જ શરીર પર નિયંત્રણ રાખી શક્તો નથી. આપણા આંતરડાની ગતિ (પેરીસ્ટાલસીસ) અને હ્રદયના ધબકારા પણ આપણા કહ્યામાં નથી હોતા અને આપણે આજીવન વ્યર્થ પ્રયત્ન કર્યા કરીએ છીએ સંજોગો અને સમય ઉપર કાબુ મેળવવાના.

જિંદગીના બંને અંતિમો પર આપણું ડાયપરમાં હોવું, એ આપણી લાચારી નથી. એ આપણી પ્રકૃતિ છે. સંસ્કારો, એટીકેટ્સ, મેનર્સ, વ્યવહાર, વિવેક અને સંસ્કૃતિના આવા તો કેટલાય આભૂષણો આપણા ડાયપર પહેરતાની જ સાથે જ ઉતરી જતા હોય છે. ડાયપર જ આપણો મૂળ સ્વભાવ છે કારણકે એ પ્રાકૃતિક છે. એડલ્ટ ડાયપરનો અર્થ એ નથી કે હવે બેગ-બિસ્તરા પેક કરીને એના આમંત્રણની રાહ જોઈએ. એનો સંકેત એટલો જ છે કે હવે જે કાંઈ જીવાય રહ્યું છે, એ કુદરતને આધીન છે.

નાની હોય કે મોટી, ડાયપરમાં રહેલી દરેક વ્યક્તિ પોતાની જાતને કુદરતને સોંપી દે છે. ઈશ્વરની આધીનતાને સ્વીકારવાનો આનાથી વધારે સારો અવસર બીજો કયો હોય શકે ? ડાયપર સમપર્ણ શીખવે છે. એક એવી અવસ્થા જ્યાં વ્યક્તિનો અહંકાર સંપૂર્ણપણે ખરી પડે છે અને ઉગતો જાય છે એક વિશ્વાસ કે હું હવે કુદરતના ભરોસે છું. વેકેશનમાં જંગલો, પહાડો કે નદીઓ પાસે જઈને આપણે ફોટા પડાવીએ છીએ. પ્રકૃતિના સાન્નિધ્યમાં પાડેલા એ ફોટાઓ આપણે ફેસબુક પર અપલોડ કરીએ છીએ. આપણને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે. ડાયપર પહેરેલા ફોટાઓ પણ એ વાતની સાબિતી છે કે આપણે પ્રકૃતિની નજીક છીએ.

છેક સુધી આપણા દરેક દંભમાં આ શરીરે આપણો સાથ આપ્યો છે, તો આપણી પણ ફરજ છે કે આ શરીર જ્યારે પોતાનું મૂળ સ્વરૂપ અને સ્વભાવ પ્રગટ કરે ત્યારે એને સાથ આપવો. ડાયપર પહેરવું એ શરમની વાત નથી, એ આનંદની વાત છે કે હવે આપણે સરન્ડર કરતા શીખી ગયા છીએ. સમય અને સંજોગોના તાબે થઈ જવું, આપણને ડાયપર જ શીખવે છે. ખેંચી-તાણીને પરીસ્થિતિઓને આપણને અનુકૂળ બનાવવાના આપણે આજીવન નકામા અને વામણા પ્રયત્નો કરીએ છીએ. કોઈ વસ્તુ, વિચાર કે ઈચ્છા જેટલી આપણાથી દૂર થતી જાય છે, એટલી જ મજબૂતીથી આપણે તેને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ડાયપર આપણને છોડી દેતા શીખવે છે. જિંદગીનો સૌથી મોટો પાઠ ડાયપર જ આપણને શીખવે છે કે આપણી પકડમાં કશું જ રહેવાનું નથી. ડાયપરનો વિચાર માત્ર આપણને મુઠ્ઠીઓ ખોલીને જીવતા શીખવે છે. બેંક બેલેન્સ, હોદ્દો, પ્રસિદ્ધી કે જાતિ. કોઈપણ જાતના પક્ષપાત વગર ડાયપર બધાનો સ્વીકાર કરે છે. ડાયપર પાસેથી બસ આટલું જ શીખવાનું છે, સ્વીકાર !

-ડૉ. નિમિત્ત ઓઝા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED