?આરતીસોની?
?હીલ સ્ટેશન?
શાળામાં વેકેશન પડી ગયું.. ચકલી, કબૂતર, કાબર, કાગડો, પોપટ, મેના બધાં આજે બહુ ખુશ હતાં. કેમકે એમણે બધાંએ હીલ સ્ટેશન ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. સૌ પોતપોતાના માળામાં ધરે એમનાં મમ્મી-પપ્પા પાસે ગયાં અને હીલ સ્ટેશન ફરવા જવાની જીદ પકડીને બેસી ગયાં. કબૂતર અને હોલાના પપ્પા ગામડે ખેતી કામમાં દાદાજીને મદદ કરવા જવાનું સમજાવી રહ્યાં હતાં. કબૂતર તો ગળું ફૂલાવીને ખૂણામાં જઈને બેસી ગયું અને કહેવા લાગ્યું, "બસ મારે હીલ સ્ટેશને ફરવા જવું તો છે જ. ભણભણ કરીને બહુ કંટાળી ગયો છું. અને ચકલીએ તો જમવાનું જ છોડી દીધું ને અને કાબર કાગડાએ જોરશોરથી ચિચિયારીઓ પાડીને આખાયે જંગલમાં હોબાળો મચાવી દીધો..
આ બધો તમાશો જોઈને પોપટ મેના આંખોના ઉલાળા મારી એમને વધારે ચિડવવા મીઠા મીઠા ગીતો ગાવા લાગ્યા ને ફરવા નીકળી પડ્યા એમના મમ્મી-પપ્પા સાથે હીલ સ્ટેશને.
સૂરજદાદા આકાશ મંડળમાં બેઠા બેઠા બધાં બાળ પક્ષી બાળકોને જોઈ રહ્યાં હતાં. એ પણ મનોમન બાળપક્ષીઓને દુઃખી જોઈને દુઃખી દુઃખી થઈ ગયાં. પણ હવે સાંજ પડવા આવી હતી એમને જવાનો વખત પણ થઈ ગયો હતો. એમણે સાંજના સોનેરી કિરણો ફેલાવી સૌ બળપક્ષીઓને હસાવવાની અને ચહેંકાવવાની કોશિશ કરી પણ બધાં જીદ પર ઉતરી ગયાં હતાં. હવે ચાંદામામાનો આવવાનો સમય થઈ ગયો હતો. સૂરજદાદાએ ચાંદમામાને વિનંતી કરી કે આપણા બાળપક્ષીઓને સમજાવવાનું કામ હવે તમારું. મારે નીકળવાનો સમય થઈ ગયો છે. ચાંદામામા રાજીના રેડ થઈ ગયા. ને બોલ્યા,
"મારા માટે તો ચપટી વગાડવાનું કામ છે. સવારે તમે આવશો એ વખતે તો બાળપક્ષીઓ ખેલકૂદ કરતા નજરે આવશે."
ચાંદામામાએ ખડખડાટ હાસ્ય વેરી ચકલીને પોતાની સાથે જમવા બોલાવી પણ ચકલી ટસની મસ ન થઈ.. એમણે કબૂતર અને હોલાને સીટી મારીને બારીમાંથી રમવા બોલાવ્યા તો એ વધારે રિસાઈ ગયાં. અને કાગડો કાબર તો કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા. કલબલાટમાં એવા ખોવાઈ ગયાં હતાં કે ચાંદામામાનો અવાજ સાંભળતાં નહોતાં. ચાંદામામા મુંઝાઈ ગયાં કે, 'હવે બાળપક્ષી બાળકોને સમજાવવા કંઈ રીતે? હું હવે સુરજદાદાને શું જવાબ આપીશ.?'
સવાર થવા આવી હતી, સુરજદાદા આરામ કરી પાછા ફરવાની તૈયારીમાં હતાં. ને ચાંદામામાને મોરનો ટહુકો સંભળાયો. એ તો ખુશ ખુશ થઈ ઉઠ્યાં. 'મોર અને ઢેલ જ બાળપક્ષીઓને સમજાવી શકશે.'
એમણે મોર ઢેલને બધી વાત કરી કે, "આપણા બાળપક્ષીઓ રિસાઈ ગયાં છે. બહુ પ્રયત્નો છતાં માનતાં નથી. તમે એમના ટીચર છો તો હવે તમે જ કંઈક કરો."
મોર ઢેલ સમજી ગયા કે શાળામાં છેલ્લા દિવસે બધાં બાળ પક્ષીઓ ફરવા જવા માટે ગુસુર પુસુર કરી ચિચિયારીઓ કરી મૂકી હતી. પણ કદાચ એમના માતા-પિતાને ફરવા જવાનું અનૂકુળ ન પણ હોય .
મોર ઢેલ એમના માળા નજીક ગયાં ને સહુ બાળપક્ષીઓને ટહુકો કરી પોતાની પાસે બોલાવ્યા. મોર ઢેલ ટીચર હતાં એટલે બધાં બાળ પક્ષીઓ પોતપોતાની રીસ છોડી એમની પાસે આવ્યાં. મોર સરે ખૂબ પ્રેમથી સમજાવ્યું કે, 'બેટા આવી બાબતે ક્યારેય રિસાવું ન જોઈએ.. આપણા માતા-પિતાએ આપણને જન્મ આપ્યો એમનો ઉપકાર માનવો જોઈએ. કદાચ એમની પાસે પૈસા ના હોય એટલે ના લઈ જતાં હોય અથવા એ જ્યાં કામ કરતા હોય ત્યાંથી રજાઓની પરવાનગી ના મળી હોય અથવા તમને ભણાવવા માટે અહીં આવ્યા છે ગામડેથી, એટલે ગામડાંના ખેતરોમાં અત્યારે વાવણીનો સમય પાકી ગયો હોય.. એટલે શક્ય ન બને.. ને બધાં બાળપક્ષી એકસાથે બોલી ઉઠ્યાં,
"પણ ટીચર પોપટ મેના તો ગયાં છે.. અમારે પણ જવું છે."
ઢેલ બોલી, 'જુઓ બેટા કોઈની દેખાદેખી કરી ક્યારેય આપણે એ કરે છે, એવું જ કરવાની જીદ ના કરાય. કોઈને સો રૂપિયા વાપરતા જોઈને આપણે પણ દેવું કરીને વાપરવા ના જોઈએ. કોઈનો બંગલો જોઈને આપણી ઝુંપડી બાળી થોડી નખાય..!? એના મમ્મી પપ્પા બહુ બધું ભણેલાં ગણેલાં છે, એટલે એમનો પગાર પણ બહુ છે.. એટલે એમને ફરવા જવાના ખર્ચા પોસાય. પણ આપણાં મમ્મી-પપ્પાને ના પણ પોસાય.. શું તમારે પણ આટલું બધું ભણીગણીને આગળ આવવું છે ને?''
બધાં બાળપક્ષીઓ એકસાથે બોલી ઉઠ્યાં
"હા ટીચર.."
"રૂપિયા કમાવવા છે ને?"
"હા ટીચર.."
"તો પછી બધી જીદ છોડી મમ્મી-પપ્પા કહે એમ કરવાનું, અને ખૂબ ભણીને મોટા થઈને ખૂબ રૂપિયા કમાવાના. બરાબરને?"
"હા ટીચર.."
અને એ પછી બધાં બાળપક્ષીઓએ એમનાં મમ્મી-પપ્પાની માફી માંગી, ક્યારેય ખોટી જીદ નહીં કરીએ અને રિસાઈશું નહીં એવું વચન આપ્યું.. અને રુહાનુ જીવન જીવવા લાગ્યા..
-આરતીસોની