વિષાદ યોગ - પ્રકરણ - 30

                                                 

“ચાલ બોલ હવે શું કરવું છે?” સમીરે નાસ્તો કરતાં કરતાં નિશીથને પુછ્યું.

“હમણા રોમેશભાઇ આવે છે. એ આવે એટલે આપણે અહીંથી પહેલા સુરસિંહને મળવા જવું છે અને પછી તેને સાથે લઇ તેના મિત્ર વિરમને મળવું છે.” નિશીથે જવાબ આપ્યો.

“જો આજે અમે પણ સાથે આવીશું. અહીં હોટલ પર રહીને કંટાળી ગયા છીએ.” કશિશે કહ્યું.

બધા મિત્રો સવારે નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા. કશિશની વાત સાંભળી નિશીથે કહ્યું “જો કશિશ તમે આવો તો અમને કોઇ વાંધો નથી પણ એક વાત તું સમજ કે આપણે આ બધી તપાસ છુપી રીતે કરવી છે. જો તમે સાથે આવશો તો લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચાશે. જે આપણને આગળ જતા નુકશાન કરી શકે છે. જે માહિતી આપણને જોઇએ છે તે ગુપ્તતા જળવાશે તોજ મળશે.”

“ મને લાગે છે નિશીથની વાત સાચી છે. જો આપણે સાથે જઇશું તો બધાનું ધ્યાન ખેંચાશે. જે અત્યારે આપણને પરવડે તેવું નથી.” નૈનાએ નિશીથની વાત સાથે સહમત થતાં કહ્યું. બધા વાત કરતા હતા ત્યાં રોમેશ આવી ગયો એટલે નિશીથ સમીર અને રોમેશ અનાથાશ્રમ જવા નિકળ્યાં. ત્રણેય અનાથાશ્રમ પહોંચ્યા ત્યારે અનાથાશ્રમમાં એક બીજી બાઇક પડેલી જોઇ એટલે તે લોકો વિચારમાં પડી ગયાં કે હવે શું કરવું? ત્યાં જવું કે નહી?

રોમેશે કારમાંથી નીચે ઉતરતા કહ્યું. “એક કામ કરીએ પહેલાં હું ત્યાં જઇને તપાસ કરી આવું કે અંદર કોણ કોણ છે? પછી તમને સિગ્નલ આપીશ તો તમે અંદર આવજો.” એમ કહી રોમેશ અનાથાશ્રમમાં ગયો. બે ચાર મિનીટ પછી તેણે સિગ્નલ આપ્યો એટલે સમીરે કારને પાર્ક કરી અને પછી બંને અનાથાશ્રમમાં ગયાં. ત્યાં જઇ જોયું તો સુરસિંહ સાથે બીજો એક વ્યક્તિ મેદાનમાં ખાટલા પર બેઠો હતો. નિશીથ રોમેશ પાસે પહોંચ્યો એટલે રોમેશે ધીમેથી કહ્યું “આપણા નસીબ જોર કરે છે. વિરમ અહીંજ છે.” આ સાંભળી નિશીથને સમજાઇ ગયું કે પેલો બીજો વ્યક્તિ વિરમ છે. ત્રણેય ખાટલા પાસે પહોંચ્યા એટલે વિરમે ઉભો થઇ અંદરથી ત્રણ ખુરશી લઇ આવ્યો. નિશીથને એ લોકો બેઠા એટલે સુરસિંહે નિશીથ સામે જોઇ કહ્યું “મને ખબર હતી કે તમે મને મળવા આવશો એટલે મે વિરમને અહીં બોલાવી લીધો છે.” આટલું કહી સુરસિંહે વિરમ સામે જોઇ કહ્યું “આ જ વિરમ છે જેણે મને પેલા ખજાના વિશે માહિતી આપી હતી.” નિશીથે વિરમ સાથે હાથ મિલાવ્યાં અને કહ્યું “ તમને મારા વિશે સુરસિંહજીએ બધીજ વાત કરીજ હશે. તમે અમને એ કહો કે આ ખજાના વિશે તમે શું જાણો છો?”

“મને જે પણ ખબર હતી તે મે સુરસિંહને કહેલી. અને તે બધી વાત તો સુરસિંહે તમને કાલે કરી દીધી છે. એનાથી વધારે મારી પાસે કોઇ માહિતી નથી.” વિરમે નિશીથ સામે જોઇ કહ્યું.

“છતા પણ તમે યાદ કરીને કહોને કદાચ કોઇ વાત રહી ગઇ હોય.” નિશીથે વિનંતીના સુરે કહ્યું.

આ સાંભળી વિરમે યાદ કરીને વાત કહેવાની શરુઆત કરી “મે જેલમાંથી છુટીને શક્તિસિંહના ખુનનાં રહસ્ય માટે તપાસ શરુ કરી હતી. શક્તિસિંહના ખુનના ગુના હેઠળ સુરસિંહને ખોટો ફસાવ્યો હતો એટલે મે નક્કી કરેલું કે તેના સાચા ખુનીને શોધીને રહીશ. જેલમાંથી બહાર નિકળી મે થોડી તપાસ કરી તો મને ખબર પડી કે શક્તિસિંહના ખુન પછી કૃપાલસિંહે કોઇક ખજાના વિશે તપાસ કરાવેલી. આ પછી મે તપાસમાં જોડાયેલા એક માણસની પુછપરછ કરેલી તો મને જાણવા મળેલું કે તે લોકો એ શેત્રુંજય ડુંગરમાં ખજાનાની તપાસ કરેલી. મે તેને થોડા પૈસા આપ્યા તો તેણે મને આ નક્શો અને પેલો કાગળ આપેલો. તેનાથી વધારે કોઇ માહિતી મારી પાસે નથી.” આ સાંભળી નિશીથ થોડો ઉદાસ થયો પણ રોમેશે તરતજ પુછ્યું “ તમે અમને તે માણસ સાથે મુલાકાત કરાવી આપો જેણે તમને આ માહિતી આપી હતી.”

“મે તેને બે ત્રણ વાર વાત કરેલી પણ તે ખુબ ગભરાય છે. તેને ડર છે કે કૃપાલસિંહને ખબર પડી જશે તો તેને મારી નાખશે.”  વિરમે કહ્યું.

“જો તું તેને હજુ એક્વાર મળી જો અને તેને સમજાવ કે વાત કોઇને ખબર નહી પડે અને માહિતીના બદલામાં તેને વિસ હજાર રુપીયા મળશે.” નિશીથે વિરમને સમજાવતાં કહ્યું.

વિસ હજાર રુપીયાની વાત સાંભળી વિરમની આંખમાં ચમક આવી તે નિશીથના ધ્યાનમાં આવી ગયું. આમ પણ નિશીથ જાણતો હતો કે આ વિસ હજારમાંથી વિરમ તેનું કમિશન રાખશે. એટલે જ તેણે જાણી જોઇને વિરમને પૈસાની વાત કરી હતી. આ સાંભળી વિરમે કહ્યું “ઓકે, હું વાત કરી જોઉં છું. જોઇએ તે શું કહે છે.” આ સાંભળી નિશીથના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું “જો તેને કહેજે કે માહિતી સાચીજ હોવી જોઇએ બાકી આ વિસ હજાર પાછા કેમ કઢાવવા તે પણ અમે જાણીએ છીએ.” આટલું કહી નિશીથ ઊભા થયો અને બોલ્યો “ તુ મારો મોબાઇલ નંબર લખીલે અને મને તમારા બંનેનો મોબાઇલ નંબર આપી દે.” ત્યારબાદ નંબરની આપલે કરી અને જવાની તૈયારી કરતા હતા, ત્યાં રોમેશે કહ્યું “જો આ વાત કોઇ જગ્યાએ લીક ન થવી જોઇએ નહીંતર આમાં તમને બંનેને જ તકલીફ પડશે. બાકી તો તમે સમજદાર છો.” આટલું કહી ત્રણેય ત્યાંથી નીકળી ગયાં. બધા જ્યારે રૂમ પર પહોંચ્યા તો કશિશે તેને કહ્યું “નિશીથ તે પેલો નકશો ધ્યાનથી જોયો એકદમ વચ્ચેથી કાપેલો છે. આ આખા નકશાનો બરાબર અડધો ભાગ છે. મને લાગે છે કે આ બે ભાગ જાણી જોઇને કર્યા છે.”

“હા એ તો મે જોયો અડધો નકશો છે. પણ તેમાં તું શું કહેવા માગે છે? કોણે તેના બે ભાગ કરેલા છે.” નિશીથે પુછ્યું.

“ એ તો નથી ખબર પણ જેણે પણ કર્યો છે તે એવુ ઇચ્છતુ હશે કે આ ખજાનો કોઇ એક માણસના હાથમાં ન આવે એટલેજ આ નકશાનો અડધો ભાગ બીજા કોઇ પાસે હોવો જોઇએ.” કશિશ હજુ કંઇ કહેવા જતી હતી ત્યાંજ નિશીથે કહ્યું “હા, એ તો અમને પણ ખબર છે પણ તેના પરથી શું કહી શકાય?” આ સાંભળી કશિશે કહ્યું

“ આ પરથી મે એવું તારણ કાઢ્યુ છે કે પેલા આચાર્યની પાછળ તે લોકો આ કાગળ માટેજ પડેલા હોવા જોઇએ. કદાચ આનો અડધો ભાગ આચાર્યની પાસે હોય તેને લીધેજ તે લોકોએ તેનું ખુન કરી નાખ્યું હોય.” આ સાંભળી નિશીથ બોલ્યો “હા, એલા આતો મે વિચાર્યુજ નહોતું. વાહ કશિશ તે જોરદાર મગજ ચલાવ્યું છે. બધીજ આ ખજાનાના નકશાની માથાકુટ છે.” નિશીથે કશિશને શાબાસી આપતાં કહ્યું.

ત્યારબાદ બધા જમવા ગયાં. જમતા હતા ત્યાંજ નિશીથનો ફોન વાગ્યો. નિશીથે વાત કરી અને ફોન  કટ કરી નાખ્યો. ફોન મુકી નીશીથે સમીરને કહ્યું “ આ વિરમનોજ ફોન હતો. પેલો માણસ સાંજે અનાથાશ્રમ મળવા આવશે. આપણે સાંજે 5 વાગે ત્યાં પહોંચી જવાનું છે.” ત્યારબાદ જમીને બધા પોતપોતાના રુમમાં જતા રહ્યાં.

-----************------------**************---------------------**************------------

સાંજે નિશીથને એ લોકો અનાથાશ્રમમાં પહોંચ્યા ત્યારે સુરસિંહ મેદાનમાં ખાટલા પર બેઠો હતો. ત્રણેય ત્યાં જઇને ખાટલા પાસે પડેલી ખુરશીમાં બેઠા. તે લોકો હજુ કંઇ પુછે ત્યાં તો વિરમનું બાઇક અનાથાશ્રમમાં દાખલ થયું. બાઇક પાછળ એક માણસ બેઠેલો હતો. તે બંને આવીને બેઠા એટલે વિરમે ઓળખાણ આપતા કહ્યું “આ ગુમાનસિંહ છે. જે કૃપાલસિંહની સાથે ખજાનાની તપાસમાં હતો. તેણે જ મને પેલા નકશાવાળા કાગળ આપેલા.” નિશીથે ગુમાનસિંહ સામે જોયું એકદમ એકવડી કાયા, મહેનત મજુરી કરીને નંખાઇ ગઇ હતી. ચહેરો સમયની થપ્પડો ખાઇને કરડો થઇ ગયો હતો. ચહેરા પર રાજપુતની શાખ સમાન મોટી મુછો હતી અને આંખોમાં આટલી નબળી પરિસ્થિતી છતા નામને સાર્થક કરતું એક ગુમાન છવાયેલું હતું. નિશીથ તેનું નિરીક્ષણ કરવામાં રોકાયેલો હતો એટલે રોમેશેજ વાતની શરૂઆત કરતાં પુછ્યું “તમે ખજાના વિશે શું જાણો છો?”

“ખજાના વિશે વધુ તો કંઇ નહીં. શક્તિસિંહના મૃત્યુ પછી મને અચાનક એક મિત્રે કહ્યું કે કૃપાલસિંહ કોઇ ખજાનાની શોધખોળ કરી રહ્યો છે. તેના થોડ દિવસ પછી કૃપાલસિંહે અમને બોલાવીને કહ્યું હતુ કે તમારે કાલથી પાલીતાણાના શેત્રુંજય ડુંગરની એક એક ઇંચ જમીન ચેક કરવાની છે ત્યાંજ કોઇક ખજાનો છે, અને ખાસ વાત કે આ વાત એકદમ ગુપ્ત રહેવી જોઇએ. ત્યારબાદ અમે દશબાર જણ શેત્રૂંજય ડુગરમાં ખુબ રખડ્યા પણ અમને કોઇ જગ્યાએ ખજાનો મળ્યો નહીં. ત્યારબાદ કૃપાલસિંહે  અમને પાછા બોલાવી લીધેલા. ખજાનો શોધતી વખતે કૃપાલસિંહે અમને એક નકશો અને એક કાગળ આપેલો જે મે વિરમને આપ્યો હતો.”

“ એ તો અમે જાણીએ છીએ. પણ તે આપેલો નકશો તો અડધો હતો, તેનો બીજો અડધો ભાગ કોની પાસે હતો?” નિશીથે થોડી અકળામણથી પુછ્યું.

આ સાંભળી ગુમાનસિંહ થોડી વાર વિચારમાં પડી ગયો અને બોલ્યો “ તેની ચોક્કશ તો મારી પાસે  માહિતી નથી પણ મે એવી વાત સાંભળેલી કે આ નકશાનો અડધો ભાગ આચાર્ય પાસે હતો તે મેળવવાજ આખાર્યનું ખુન કરી નાખેલું પણ તે નકશો આચાર્ય પાસેથી મળ્યો નહીં. આચાર્યના મૃત્યુ પછી કૃપાલસિંહે આચાર્યના ઘર અને સુર્યેશ્વર મંદીરની આજુબાજુના વિસ્તારમાં પણ ખુબ શોધખોળ કરેલી પણ તેને કશુજ હાથ નહોતુ લાગેલું.” પછી થોડુ રોકાઇને ગુમાનસિંહે આજુબાજુ જોયુ અને પછી નજીક આવીને બોલ્યો “મે તો એવુ સાંભળેલુ છે કે આચાર્યે સુરસિંહના પુત્ર અને નકશાના કાગળને એકસાથેજ ક્યાંક છુપાવી દીધા હતા.” આ સાંભળતા જ નિશીથનને કશિશની વાત યાદ આવી ગઇ. કશિશે પણ આજ વાત કરી હતી જે સાચી નીકળી. આ વિચારતો હતો ત્યાંજ નિશીથના  મગજમાં ચમકારો થયો અને તેણે પુછ્યું “પણ કૃપાલસિંહે શક્તિસિંહનું ખુન કેમ કરાવ્યું?”

“એ તો એ બંને ભાઇઓ વચ્ચે પહેલેથીજ થોડી ખટપટ હતી.  શક્તિસિંહ અને કૃપાલસિંહ આમતો બંને એકજ સિક્કાની બે બાજુ જેવા હતા. કૃપાલસિંહ અય્યાસી ખુલ્લે આમ કરતો અને શક્તિસિંહ એકદમ ગુપ્તતાથી કરતો.”

આ સાંભળી નિશીથ ચમક્યો. નિશીથને શક્તિસિંહ વિશેના ગુમાનસિંહના અભિપ્રાયથી થોડુ ખોટું લાગ્યું. પણ તરતજ નિશીથે પોતાના મનને ટપાર્યુ કે મને શું કામ તેમાં તકલીફ થાય છે શક્તિસિંહ જેવો હોય તેવો. અને આ વાતથી મન વાળવા તેણે પુછ્યું “પણ અમે તો સાંભળેલું છે કે શક્તિસિંહ ખૂબ સારો માણસ હતો. તે લોકોને મદદ કરતો હતો.”

આ સાંભળી ગુમાનસિંહના ચહેરા પર એક તુચ્છકાર ભરેલુ સ્મિત આવી ગયું અને તે બોલ્યો “હું પણ એવુજ માનતો હતો પણ પછી મને ખબર પડેલી કે એ તો શક્તિસિંહનું બહારનું મહોરુ હતું સાચો ચહેતો તો  કોઇ જાણતુ નથી. તે પણ કૃપાલસિંહની જેમજ અયાસ હતો. પણ તે આ બધુ એટલુ ગુપ્તતાથી કરતો કે કોઇને તેની ખબર ન પડે.”

“ આ બધી તમને કેમ ખબર? મારો એક મિત્ર શક્તિસિંહનો ખાસ માણસ હતો. તેણે મને આ બધી વાતો કરી હતી.” ગુમાનસિંહે કહ્યું.

“કૃપાલસિંહ પાસે આ નકશાનો અડધો ભાગ ક્યાંથી આવ્યો?” અત્યાર સુધી શાંત બેઠેલ રોમેશે પુછ્યું.

“ એ તો ખબર નથી પણ કદાચ શક્તિસિંહનું ખુન પણ તેણે આ નકશા માટેજ કરાવ્યું હતુ એવુ મે સાંભળ્યું હતું.” ગુમાનસિંહે રોમેશના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.

“બધાજ જાણતા હતા કે કૃપાલસિંહેજ શક્તિસિંહનું ખુન કર્યુ છે તો પછી કૃપાલસિંહને કેમ કોઇએ પોલીસના હવાલે ના કર્યો. શકિતસિંહના પત્નીએ કૃપાલસિંહ વિરુધ્ધ કોઇ ફરીયાદ કરી હતી?” નિશીથે પુછ્યું.

“ એક તો કૃપાલસિંહ માથાભારે માણસ હતો એટલે કોઇ બને ત્યાં સુધી તેની સામે પડવાનું વિચારેજ નહીં. અને પોલસને તો તમે જાણોજ છો કે પૈસાથી બધુજ દબાવી દે.  તેમા આ સુરસિંહે ગુનો કબુલ કરી લીધો અને આ વિરમે તેની સાક્ષી આપી દીધી પછી કૃપાલસિંહ તો નિર્દોશ જ ગણાય ને. હા, એક  ઉર્મિલાદેવી એ પોતે જાણતા હોવા છતા કૃપાલસિંહ વિરુધ્ધ કેમ ફરીયાદ ન નોંધાવી તે કોઇને સમજાયું નહોતું. શરૂઆતમાં તેની બહુંજ ચર્ચા થઇ હતી પણ પછી સમય સાથે આ ચર્ચા પણ શાંત પડી ગઈ.  શક્તિસિંહના મૃત્યુ પછી કૃપાલસિંહના વર્તનમાં પણ જોરદાર ફેરફાર થઇ ગયો. તે ગામ લોકોના સુખ દુખમાં મદદ કરવા લાગ્યો. લોકો પણ ધીમે ધીમે આ બધી વાત ભુલી કૃપાલસિંહને સાથ આપવા લાગ્યા હતા. તે પછીની વિધાનસભાની ચુટણીમાં કૃપાલસિંહને ટીકીટ મળી અને તે જીતીને તે એમ.એલ.એ બની ગયો.” એક સાથે વધારે બોલવાથી ગુમાનસિંહ થાક્યો અને રોકાયો.

ગુમાનસિંહની વાત સાંભળી નિશીથ વિચારમાં ખોવાઇ ગયો. અચાનક તેને યાદ આવતા તેણે પુછ્યું “ આ શક્તિસિંહ અને કૃપાલસિંહના કોઇ ફોટા જોવા હોય તો ક્યાં મળશે?”

“એના માટે તો તમારે રાજમહેલ જ જવુ પડે. ત્યાં જઇ ઉર્મિલાદેવી અથવા ગંભીરસિંહને મળો તોજ તમને શક્તિસિંહનો ફોટો મળે. કૃપાલસિંહતો અત્યારે રાજ્યનો મિનિસ્ટર છે એટલે તેના તો તમારે જોઇએ એટલા ફોટો મળી રહેશે.” ગુમાનસિંહ હવે જવા માટે ઉંચા નિચો થતો હતો. તેને ડર હતો કે જો કૃપાલસિંહને ખબર પડી જશે તો તેનું આવી બનશે. આ તો પૈસાની લાલચેજ તે અહીં આવવા તૈયાર થયો હતો.

નિશીથને પણ તેનો ડર સમજાતો હતો એટલે નિશીથે તેને કહ્યું “ઓકે હવે તું જા કોઇ માહિતી જોઇતી હશે તો વિરમ તારો કોંન્ટેક્ટ કરશે અને તું અમને મળવા આવ્યો છે તે કોઇને ખબર ન પડે  તે ધ્યાન રાખજે નહીંતર એમાં તારુ નુકશાન થશે.” ત્યારબાદ ત્રણેય ત્યાંથી નીકળી ગયાં.

હોટલ પર પહોંચી નિશીથે  કશિશ અને નૈનાને બધી વાત કરી. ત્યારબાદ  નિશીથ ફ્રેસ થવા તેના રુમમાં ગયો અને અચાનક તેને કંઇક વિચાર આવતા તેણે રાજકોટ તેની મમ્મીને ફોન કર્યો. ફોન પર વાત પતાવી તે ફ્રેસ થયો અને પછી  નીચે જમવા ગયો.  જમતી વખતે પણ નિશીથ સતત વિચારમાં ખોવાયેલો જ રહ્યો. તેને સતત એમ થયા કરતું હતુ કે કંઇક એવુ છે જે મારી આસપાસજ હોવા છતા મારા ધ્યાન બહાર રહે છે. કંઇક છે જે હું મિસ કરુ છું. હું લક્ષ્યની એકદમ નજીક છું પણ એક લીંક છે જે મને મળતી નથી. તે ક્યાંય સુધી વિચારતો જમતો રહ્યો. જમીને સમીર નૈના અને રોમેશ તેના રુમમાં જતા રહ્યા. નિશીથ અને કશિશ નીચે ગાર્ડનમાં જઇને બેઠા. કશિશે તેના ઘરે ફોન લગાવી વાત કરવા લાગી. કશિશ વાત કરતી રહી અને નિશીથ વિચારમાં ખોવાયેલો રહ્યો

કશિશે વાત પુરી કરી નિશીથને કહ્યું “હું જોઉં છું કે તું ક્યારનો વિચારમાં ખોવાયેલો છે. શું એવુ છે કે ક્યારનો વિચારે છે?”

“મને એવુ લાગે છે કે આ બધા જે કહે છે તેમા કંઇક ખોટું છે. વાત કંઇક જુદીજ છે. મારી સિક્સ્થ સેન્સ કહે છે કે આ માત્ર ઉપરનું મહોંરું છે અંદરનો ચહેરો કંઇક અલગ છે. ગુમાનસિંહે આખી વાત કરી તેમાં ઘણી બાબતો વિચિત્ર છે. આ કૃપાલસિંહનું શક્તિસિંહના મૃત્યુ પછી એકાએક હ્રદય પરીવર્તન કેમ થઇ ગયું? તે કંઇ સમજાતું નથી. શક્તિસિંહના મૃત્યુ પછી તો તેને કોઇ રોકવાવાળૂં નહોતું તો પછી તે એકાએક સુધરી કેમ ગયો? આ વાત જ મને ગળે ઉતરતી નથી. જરૂર એવુ કંઇક છે જે આપણને દેખાતું નથી અથવા તો આપણને ન દેખાય તે રીતે ગોઠવેલું છે.”

“કદાચ એવુ બને કે શક્તિસિંહના ખુન કર્યા પછી તેને પસ્તાવો થયો હોય. તેને લીધે તેણે તેના ખરાબ કામ બંધ કરી દીધા હોય.” કશિશે દલીલ કરતા કહ્યું.

“ના, મને લાગે છે કે આની પાછળ બીજીજ કોઇક વાત છે. આ ઉપરાંત ખજાનાની શોધખોળ ચાલી એ બધાને ખબર છે પણ ખજાનો મળ્યો કે નહીં અથવા તો ખજાનો શેનો છે તે કોઇને ખબર નથી. આમા હજું થોડી કળીઓ ખુટે છે. મને અંદરથી એવી લાગણી થાય છે કે આપણે હવે લક્ષ્યની એકદમ નજીક છીએ. એકજ લીંકની જરૂર છે.”

“મને લાગે છે આ ડુંગર સાથે કોઇ લીંક જરૂર જોડાયેલી છે તને સ્વપ્નમાં પણ ડુંગર દેખાયો હતો. આપણે એ દિશામાં પણ વિચારવું જોઇએ. “ કશિશે કહ્યું.

નિશીથને પણ કશિશની વાત યોગ્ય લાગી કેમકે સ્વપ્નમાં ડુંગર દેખાયો હતો તે ચોક્કસ કોઇ સંકેત હતો. તે હજુ કંઇક કહેવા જતો હતો ત્યાં ફોનની રીંગ વાગી. નિશીથે ફોન ઉપાડ્યો અને વાત કરવા લાગ્યો. જેમ જેમ વાત કરતો ગયો તેમ તેમ તેના ચહેરા પર હાવભાવ બદલાતા ગયાં.

----------#######--------------------##########---------------#######‌‌‌‌-----------------

      ઉર્મિલાદેવી એવુ શું જાણે છે, જે ગંભીરસિંહને ખબર નથી? આ પ્રશાંત કામત કોણ છે? તેને સુરસિંહ અને વિરમ સાથે શો સંબંધ છે? વિલી આ બધામાં કંઇ રીતે જોડાશે? પ્રશાંત કામતને આ બધામાં શું રસ છે? આ બધા પ્રશ્નના જવાબ જાણવા માટે આ નોવેલ વાંચતા રહો. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહીઓ અને મિત્રોને વાંચવાની ભલામણ જરૂર કરજો.
-----------------------------------------------------------------------------------------------------------------------------   

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલરલવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Karnelius Christian 9 કલાક પહેલા

Verified icon

Jyotika Thakkar 3 અઠવાડિયા પહેલા

Verified icon

Kandhal 2 માસ પહેલા

Verified icon

Alpeshbhai Ghevariya 2 માસ પહેલા

Verified icon

Vijay Maradiya 2 માસ પહેલા