અંગારપથ - ૧૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ - ૧૨

અંગારપથ.

પ્રકરણ-૧૨.

“ગોલ્ડન બાર” ના સી.સી.ટીવી કેમેરામાં તેની તમામ હરકતો કેદ થઇ ગઇ હશે એ અભિમન્યુ જાણતો હતો છતાં તેને ધરપત એ હતી કે ઓફિસમાંથી ફાઇલ ઉઠાવતા કોઇએ તેને નહી જોયો હોય, કારણ કે એ એરીયામાં કેમેરા લગાવેલા નહોતા.

તે અને પેલી અજાણી યુવતી સિફતપૂર્વક બારમાંથી બહાર નિકળી આવ્યાં હતા. એક પોલીસવાળીને આ કેસમાં શું મતલબ હોઇ શકે અને તે શું કામ આમ હુલીયો બદલીને બારમાં ઘૂસી હતી એ અભીને જાણવું હતુ. તો સામા પક્ષે યુવતી પણ હેરાન હતી. એક અજનબી વ્યક્તિ તેના પહેલાથી જ ઓફિસમાં હતો, વળી તેની જેમ એ પણ કશુંક શોધવા અંદર ઘૂસ્યો હતો. તેને એક ફાઇલ મળી હતી જે અત્યારે તેના પેન્ટમાં ખોસેલી હતી. આ બધું બહુ અટપટુ જણાતુ હતુ પણ ફિલહાલ એ વિશે વધુ વિચારવાનો સમય નહોતો. સૌથી પહેલા તો અહીથી નિકળવું જરૂરી હતુ. પાર્કિંગ એરીયામાંથી અભિએ પોતાનુ બુલેટ બહાર કાઢયું. યુવતી તેની પાછળ બેસી ગઇ અને બુલેટ વળી પાછુ ગોવાની સડકો ઉપર દોડવા લાગ્યુ. લગભગ અડધા કલાકના ડ્રાઇવ બાદ અભિએ દરીયા કિનારાની ફૂટપાથ નજીક બુલેટ થોભાવ્યું હતુ અને તેઓ નીચે ઉતર્યા હતા. સામે જ ગોવાનો દરીયો ઘૂઘવતો હતો. એ તરફથી મંદમંદ વહેતા વાયરામાં યુવતીના ખુલ્લા કેશ ઉડીને તેના ચહેરાને ઢાંકતા હતા. યુવતી દરીયાકાંઠે બનેલી પાળી નજીક જઇને ઉભી રહી. અભી તેની પાછળ પહોચ્યો. યુવતીએ પહેરેલું એકદમ ટૂંકુ સ્કર્ટ અત્યારે વિચિત્ર લાગતું હતુ. અભિને પોતાની નજીક આવતો જોઇને સંકોચથી તેણે સ્કર્ટ સરખું કર્યુ અને ચહેરા ઉપર છવાયેલી વાળની લટોને સરકાવી કાનની પાછળ નાખી.

“ચોખવટથી વાત કરી લઈએ?” અભિએ તેની લગોલગ ઉભા રહેતા સીધો જ સવાલ પુછયો.

“એ બહેતર રહેશે.” યુવતી બોલી અને અભિ તરફ ફરી. “પહેલા મારી કેફિયત જણાવી દઉં. મારું નામ ચારું દેશપાંડે છે અને હું હાલમાં જ ગોવા પોલીસમાં સબ-ઇન્સ્પેકટર તરીકે ભરતી થઇ છું.”

“ઓહ, પણ ગોલ્ડન બારમાં શું કામ હતું? મતલબ કે ગોલ્ડન બારમાં આવા કપડામાં જવાનું કોઇ ખાસ કારણ હશે ને?” અભિએ પુંછયું.

“સવાલો પુછવાનું કામ પોલીસનુ છે, તારું નહી. પહેલા તારી વિશે જણાવ કે તું ત્યાં શું કરતો હતો? અને એ ફાઇલ મને આપ.” યુવતીને એકાએક ભાન થયુ હતુ કે તે પોલીસમાં છે અને તેણે આમ કોઇ અજનબી સામે ઢીલું મુકવું જોઇએ નહી. અભિ એ સાંભળીને હસ્યો. તેણે ફાઇલ કાઢી અને ચારુંના હાથમાં મુકી.

“આમા જે છે એ તારા કામનું જરૂર છે પણ તું કંઇ કરી શકીશ નહી. પણ ખેર, મારું નામ અભિમન્યુ છે. મેજર અભિમન્યુ સૂર્યવંશી. રક્ષા સૂર્યવંશીને તું કદાચ ઓળખતી હોઇશ, તેના કેસ વિશે પણ જાણતી હોઇશ. એ મારી બહેન છે, અને તેના અપરાધીઓને નશ્યત કરવા હું ગોલ્ડન બાર આવ્યો હતો. રહી વાત આ ફાઇલની, તો એ તું મને પાછી આપી દે કારણ કે જે કામ ગોવાની સમસ્ત પોલીસ ફોર્સ એકઠી થઇને નહી કરી શકે એ કામ હું મારી રીતે થોડા સમયમાં જ પતાવી નાંખીશ. રક્ષા... મારી બહેન મને જીવથી પણ વધુ વહાલી છે. તેના અપરાધીઓને હું ક્યારેય નહી બક્ષુ. ચાહે એ માટે ભલે મારે કાયદો હાથમાં લેવો પડે.” અભિ એકધારું બોલી ગયો હતો. તેના ખૂનમાં ગરમી ભળી હતી. ચારું દેશપાંડે તેની વાત સાંભળીને આશ્વર્યચકિત બની ગઇ.

“ઓહ, મને ખબર નહોતી કે તું રક્ષાનો ભાઇ છે. તેં હમણા જે બહાદુરીથી હોસ્પિટલમાં આતંકીઓનો સામનો કર્યો એ કાબિલે-તારીફ હતો. મેં એ વિશે થોડા કલાકો પહેલા જ સાંભળ્યુ. નાઇસ ટુ મીટ યુ.” તેણે અભિ તરફ હાથ લંબાવ્યો. અભિએ ચારુંનો કોમળ હાથ પોતાના હાથમાં લીધો.

“પણ તું અહી સુધી કેવી રીતે પહોંચી?”

“મને કોઈએ કહ્યું હતુ કે મારે ગોલ્ડન બારની મુલાકાત લેવી.” ચારું ખચકાતા બોલી. પણ એ સાંભળીને અભી ચોંકયો હતો કારણ કે તેને પણ કોઇકે ગોલ્ડન બારનું નામ ચિંધ્યું હતુ.

“તને કોણે કહ્યું?” ભારે હેરાનીથી તે બોલ્યો. ચારું ખામોશ રહી. તે નામ આપતાં ડરતી હતી અથવા તો ખચકાતી હતી. કોઈકે તેની હેલ્પ કરી હતી એટલે તેનું નામ અભિને જણાવવું કે નહી એ દુવિધામાં તે ફસાઇ હતી. અભિને તેની સ્થિતિ સમજાઇ. “ઓ.કે. તારે ન કહેવુ હોય તો હું કોઇ ફોર્સ નહી કરુ.”

“રંગા ભાઉ!” એકાએક તે બોલી. દરીયા તરફથી વાતો પવન તેના સુંવાળા ચહેરા ઉપર અથડાતો હતો. એ પવનનાં કારણે તેની આંખોમાં પાણી આવતું હતુ. રાતના લગભગ બે વાગ્યાનો સમય હતો અને ઉપર આકાશમાં ચંદ્રમાં તેની ફૂલ કળાએ ખીલ્યો હતો. ચારુંએ એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને મનમાં જ કોઇ નિર્ણય કર્યો હોય એમ બોલવા લાગી. “બાગા બીચની પાછળ જે બસ્તિ છે તેમાં રંગા ભાઉ નામના ગેંગસ્ટરને હું મળવા ગઇ હતી. મારો મકસદ અહી ડ્રગ્સનું જે દુષણ ઘર કરી ગયું છે તેને નશ્યત કરવાનો છે. રંગા ભાઉએ મને મદદ કરવાનું વચન આપ્યું હતુ. આજે તેનો ફોન આવ્યો હતો જેમાં તેણે મને ગોલ્ડન બારમાં તપાસ કરવાનું સૂચવ્યું હતુ.”

“રંગા ભાઉ! એ કોણ છે? અને તારી મદદ કરવામાં તેને શું ફાયદો હોઇ શકે?” અભીને શંકા જાગી કે એક બદમાશ વ્યક્તિ પોલીસની મદદ ક્યા કારણોસર કરે!

“તેની બસ્તિમાંથી ઘણા નાના બાળકો ગાયબ થઇ ગયા છે. તેને શંકા છે કે એ કામ ડ્રગ્સનો વેપાર કરનારાઓનું છે. એટલે જ તે મને સાથ આપવા તૈયાર થયો હતો. તેનો એક પન્ટર, શું નામ હતું તેનુ...! હાં, કાદરી. આલમ કાદરી પણ એ દિવસે ત્યા હાજર હતો. રંગા ભાઉ કરતા પણ વધું જાણકારી આલમ કાદરી પાસે હશે એવું મને લાગે છે. આપણે તેને ખંગોળવો જોઇએ” ચારું બોલી. સ્તબ્ધ થઇ ગયો અભિમન્યુ. આલમ કાદરીનુ નામ સાંભળીને તેને ઝટકો લાગ્યો. હોસ્પિટલમાં ફોન કરીને તેને ચેતવનાર અને પેલી ખતરનાક ઔરતના હાથે ગોળીઓથી છલણી થનાર બીજું કોઇ નહી પરંતુ આલમ કાદરી જ હતો એ તેને હોસ્પિટલની હોનારત પછી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું હતુ.

“આલમ કાદરી જીવીત નથી રહ્યો.” તે બોલ્યો.

“વોટ?” હવે ઝટકો ખમવાનો વારો ચારુંનો હતો.

“હોસ્પિટલમાં જે ફાઇરીંગ થયુ તેમાં એ પણ મરાયો છે. હવે મને સમજાય છે કે આખો માજરો શું હશે!” અભિએ આંખો ઝિણી કરીને સમગ્ર ઘટનાક્રમનો તાળો મેળવાનું શરૂ કર્યુ. “રક્ષા, એટલે કે મારી બહેન... કોઇ એન.જી.ઓ.માં કામ કરતી હતી. તે ઘાયલ અવસ્થામાં બાગા બીચ ઉપર પડેલી મળી હતી. અને તું વિચારી જો, તેને સૌથી પહેલા કોણે જોઇ હતી? કોણે તેને હોસ્પિટલે પહોંચાડી હતી?”

“કોણે?” ચારુંનુ હદય જોર-જોરથી ધડકવા લાગ્યું હતુ.

“આલમ કાદરીએ!”

“ઓહ નો!” આશ્વર્યનો ઉદગાર તેના મોંમાંથી સરી પડયો.

“મતલબ કે આલમ કાદરી રક્ષાને જાણતો હતો. અને એ ત્યારે જ શક્ય બને જ્યારે રક્ષા તેની બસ્તિમાં ગઇ હોય! હવે જો રક્ષા તેની બસ્તિમાં એન.જી.ઓ.ના કામ અર્થે ગઇ હોય તો મને લાગે છે કે તેને ગાયબ થતા બાળકો વિશે પણ ચોક્કસ જાણકારી મળી હશે જ. તને સમજાય છે ને મારી વાત?” અભિમન્યુએ ચારુંની આંખોમાં ઝાંકતા પુંછયુ. ચારું મોં વકાસીને અભિમન્યુને સાંભળી રહી. હજુ હમણાં જ, ગોલ્ડન બારમાં મળેલો એક શખ્સ અત્યારે તેને ઘણી કામની માહીતી આપી રહ્યો હતો અને તે અવાક બનીને એક અજનબીની વાતો ઉપર ભરોસો કરી રહી હતી.

“માય ગોડ અભિ, આ તો ખરેખર ભયંકર બાબત છે.”

“અને એથી પણ વધુ ભયંકર છે આ ફાઇલ.” અભિએ ચારુંના હાથમાં તોળાઇ રહેલી ફાઇલ તરફ ઇશારો કરતા કહ્યુ. ”આ ફાઇલના થોડા પન્ના મેં ઉથલાવ્યાં છે, તેમાં જે કાગળીયા છે એ વિસ્ફોટક છે”

(ક્રમશઃ )