અંગારપથ - ૧૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ - ૧૧

અંગારપથ

ભાગ-૧૧

“ માય ગોડ...” યુવતીએ જે હરકત કરી હતી એ જોઇને અભી ચોંકયો. યુવતીએ એવી રીતે દરવાજા તરફ જોયું હતું જાણે ચેક કરવાં માંગતી હોય કે ત્યાં કોઇ છે નહીં ને...! મતલબ કે એ પણ અહી કોઇ મકસદથી આવી હતી. અભી સતર્ક બન્યો અને યુવતીની હરકતો નિહાળવા લાગ્યો.

ભરપુર નશામાં હોવાનો ઢોંગ કરીને અંદર દાખલ થયેલી યુવતીને ખાતરી થઇ કે તેની પાછળ કોઇ આવ્યું નથી એટલે હળવેક રહીને ઉભા થઇ, લથડતી ચાલે જ તે કાચનાં પાર્ટીશન સુધી પહોંચી, અને ધીરેથી તેની સાઇડમાં લટકતાં પરદા ખેંચીને બંધ કર્યા. પછી એકદમ જ જાણે તેનો નશો ગાયબ થઇ ગયો હોય એમ તેણે ઓફીસમાં ચારેબાજુ તલાશ આરંભી. ખૂબ જ ઝડપથી આખી ઓફીસને ખંગોળી નાંખી અને પછી સામે દિવાલને અડીને પડેલાં ટેબલ તરફ રુખ કરી. એ ટેબલ પાછળ જ અભી છૂપાયેલો હતો. તેને ખબર નહોતી કે આ યુવતી કોણ છે અને અહીં શું કરી રહી છે...? એકાએક તે અંદર કેવી રીતે આવી ચડી અને ઓફીસમાં તે શું શોધી રહી છે...? તે પોતે હવે વિસામણમાં મુકાયો હતો કે જો આ યુવતી તેને અહી છૂપાયેલો જોશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે..? તે આવનારી ક્ષણની પ્રતિક્ષા કરવા લાગ્યો. બરાબર એ સમયે જ યુવતી ટેબલ નજીક પહોંચી અને ટેબલ ઉપર પડેલાં કાગળીયા અને ફાઇલો જોવા લાગી હતી. તેનાં ચહેરાનાં હાવભાવ વારેવારે બદલાતાં હતાં. કદાચ જે ચીજની તલાશ હતી એ ચીજ હજું સુધી તેનાં હાથમાં આવી નહોતી એટલે તે અકળાઇ રહી હતી. અને... ટેબલની ધારેથી ગોળ ફરીને તે પાછળ પહોંચી, એકાએક જ તેની આંખોમાં અપાર આશ્વર્ય છવાયું. તેની અને અભીની નજરો આપસમાં ટકરાઇ... અને હેબતાઇને તે બે ડગલાં પાછળ ખસી. તેનાં ગળામાંથી ચીખ નિકળવાની તૈયારીમાં જ હતી કે એકાએક અભી ઉભો થયો અને યુવતીનાં મોઢા આડો હાથ ધરી દીધો. “ મમમમમ્.... “ મોઢું બંધ થવાથી યુવતીનાં નાકમાંથી ગુંગળામણ ભર્યો અવાજ નિકળ્યો. અભીનાં મજબુત હાથોમાંથી છૂટવા તેણે હવાતીયા માર્યાં. એ ખરેખર ડરી ગઇ હતી પણ અભીનાં કસાયેલાં હાથમાંથી છટકવું એટલું આસાન નહોતું.

“ શી..શી....સસસસ્.... “ અભીએ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તે નહોતો ઇચ્છતો કે અહી કોઇ બબાલ સર્જાય. બન્ને એક જ નાવનાં યાત્રી હતાં એ ભલીભાંતી તે સમજી ચૂકયો હતો. પેલી યુવતીને પણ કદાચ એ સમજાયું હશે એટલે થોડી છટપટાહટ પછી તે શાંત પડી હતી. અભીએ ધીમે રહીને પોતાનો હાથ તેનાં મોં પરથી હટાવ્યો.

“ અહી શું ખાંખાખોળા કરતી હતી...? “ અભીએ સીધું જ પુંછી લીધું કારણકે આ સમય વાતોમાં બગાડવાનો નહોતો. રખેને કોઇ આવી ચડે તો બન્ને પકડાયા વગર રહે નહી... અને એવું થવાનાં પૂરેપૂરાં ચાન્સ હતાં.

“ એ સવાલ હું પણ તને પુંછી શકું છું કે... તું ટેબલ પાછળ કેમ સંતાયો હતો...? “ યુવતી પણ ગાંજી જાય તેમ નહોતી. પણ... એકાએક અભી સ્તબ્ધ બન્યો. યુવતીનાં સવાલનો તેણે કોઇ જવાબ વાળ્યો નહી. તે એ યુવતીની કાળી- ભૂખરી કીકીઓમાં તાકતો રહ્યો. આવી આંખો આજ પહેલાં તેણે ક્યારેય જોઇ નહોતી. તે રુક્ષ આદમી હતો. તેને એક જ ભાષા સમજાતી હતી અને એ ભાષા હતી યુધ્ધની, મારામારીની, પિસ્તોલ.. ગન.. રાઇફલ અને ઘાતક હથીયારોની. આજ દિન સુધી કોઇ યુવતી કે સ્ત્રી સાથે તેનો પનારો પડયો જ નહોતો. આજે પહેલી વાર કોઇ યુવાન છોકરીને તે આટલી નજીકથી જોઇ રહ્યો હતો અને એ અહેસાસ તેને તરબતર બનાવતો હતો. એ આંખોમાં ગજબનું ખેંચાણ હતું. અભી અવાક બનીને એ આંખોની એકદમ નિર્મળ સફેદી અને કીકીઓમાં ખોવાતો ગયો.

“ ઓય મિસ્ટર, હું તમને પુછું છું...! આમ ટગર ટગર જોવાનું બંધ કરો અને જવાબ આપો કે અહી શું કરો છો...? કોણ છો તમે...? અહીથી કંઇ ઉઠાવ્યું તો નથીને...? જો એવું હોય તો મને બતાવો કે તમે શું લીધું....? “ એક સાથે તેણે કેટલાય પ્રશ્નો પુંછી લીધાં. અભી ખામોશ રહ્યો. જવાબ આપવાનું તેને ઉચીત લાગ્યું નહી કારણકે અચાનક જ તેની નજર એ યુવતીએ પહેરેલાં શૂઝ ઉપર જઇને સ્થિર થઇ હતી. યુવતીનાં ટૂંકા ચમકદાર સ્કર્ટ સાથે એ શૂઝ એકદમ કઢંગા લાગતાં હતાં. અભીને હસવું આવ્યું. કંઇ પણ બોલ્યા વગર ફરીથી તે ટેબલ પાછળ ભરાયો અને તેનાં ડ્રોવર ખોલી તપાસવાં લાગ્યો. પેલી યુવતી આશ્વર્યથી અભીને તાકી રહી. તેને આ યુવક ભેજાગેપ લાગ્યો. જવાબ આપવાનાં બદલે હસવું એ પાગલપણાની નિશાની ગણાય. પણ.. અભીને તો જાણે તેની કશી જ પડી ન હોય એમ તે પોતાનાં કામમાં મશગુલ બન્યો હતો. ટેબલનું ત્રીજું ડ્રોવર ખોલીને તેણે એક ફાઇલ હાથમાં ઉઠાવી. તેનું પુંઠું ખોલ્યું અને... એકાએક તેની આંખોમાં ચમકારો થયો. ધડકતાં હદયે જ તેણે ફાઇલનાં પાનાં ફટાફટ ઉથલાવ્યાં. એ દરમ્યાન પેલી યુવતી તેની નજીક આવીને ઉભી રહી હતી. તેણે પણ એ ફાઇલમાં જોયું.

“ શું છે એ...? “ આંખો ઝીણી કરતાં તેણે પુંછયું.

“ એજ... જેની તલાશમાં તું અહી આવી છો. ઓહ સોરી, આપણે બન્ને અહી આવ્યાં છીએ. “ અભીએ મોઘમમાં જવાબ આપ્યો અને તેનો હાથ પકડયો. “ આપણે અહીથી જવું પડશે.. “ તે બોલ્યો અને લગભગ ખેંચતો હોય એમ તેને લઇને દરવાજા નજીક પહોચ્યો.

“ આ શૂઝ સરસ છે. પરંતુ અમુક જગ્યાએ એ સાવ અનફીટ ગણાય. તારે કપડાની સાથે શૂઝ પણ બદલવાની જરૂર હતી. “ ત્રાંસી નજરે યુવતીનાં ચહેરાં ભણી જોઇ ફરીથી તેણે હાસ્ય વેર્યું. યુવતી આભી બની ગઇ. હવે તેને એ હાસ્યનો મતલબ સમજાયો હતો અને પોતાની એ બેવકૂફી ઉપર શરમ ઉપજી. આ ફરક તો ગમે તેની નજરમાં તરત પકડાય જાય એમ હતો. પોતાનાંથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઇ...? એ તો સારું થયું કે ક્લબનાં સિક્યુરીટી ગાર્ડનાં ધ્યાનમાં આ આવ્યું નહી, નહિંતર પ્રવેશદ્વાર ઉપર જ તેને બહાર ફેંકી દેવામાં આવી હોત.

“ ચાલ હવે...! તારી કેફીયત સાંભળવી મને ગમશે પરંતુ એ પહેલાં આપણે અહીથી નિકળવું પડશે. “ દરવાજાનો નોબ ખોલતાં અભીમન્યુ બોલ્યો અને તેમણે બહાર તરફ કદમ ઉઠાવ્યાં.

“ એક મિનિટ... ” એકાએક યુવતી ઠઠકીને ઉભી રહી અને અભીનો હાથ છોડાવી તે ફરીથી ઓફીસમાં દાખલ થઇ. ઝડપથી અંદર પહોંચી તેણે કાચનાં પાર્ટિશન ઉપર ઢાળેલાં પરદા ખોલી નાંખ્યાં અને ભયાનક ઝડપે તે પાછી અભી પાસે પહોંચી. આ વખતે અભીને તેની સમજદારી ઉપર માન થયું. એ બંધ પરદા તેમની પોલ ખોલી નાંખવા સક્ષમ હતાં. જો કે અહી... આ કેબીનની આસપાસ સી.સી.ટી.વી. કેમેરા નહોતાં એ અભીએ પહેલાં જ માર્ક કર્યું હતું જે તેમનાં ફાયદામાં હતું.

અભીએ પોતાનું ટી શર્ટ ઉચું કરીને ફાઇલ પેન્ટનાં પાછળનાં ભાગમાં ખોસી અને પછી તે બન્ને કોઇ પ્રેમી પંખીડા હોય એમ નશામાં ઝૂમતાં... લથડતાં, એક બીજા સાથે ચીપકીને ક્લબની બહારની તરફ રૂખ કરી. બહું જ અગત્યનાં કાગળો તેનાં હાથમાં આવ્યાં હતાં એટલે હવે અહી રોકાવું ખતરનાક સાબિત થઇ શકે તેમ હતું. અભીએ ફાઇલનાં માત્ર થોડા પન્ના જ ઉથલાવ્યાં હતાં પરંતુ તેમાં જે કંઇ હતું એ ચોંકાવનારું હતું. રક્ષાનાં અપરાધીઓ વિશે કદાચ એમાથી જ કોઇ ક્લ્યૂ મળી રહેશે એવી તેને ખાતરી હતી.

વળી... પોતે એકલો આની પાછળ નહોતો એ તેની બાંહોમાં ઝૂમતી યુવતીને જોઇને સમજમાં આવતું હતું. એ યુવતી એક પોલીસ અફસર હતી એની ખાતરી તેણે પહેરેલાં ખાખી શૂઝ જોઇને થઇ ચૂકી હતી, સાથોસાથ તે અનૂભવ હીન અથવા તો નાદાન પણ જણાતી હતી નહિંતર આવી ભૂલ કોઇ ક્યારેય ન કરે. તેણે પોતાનાં કપડા તો બદલ્યાં હતાં પરંતુ શૂઝ બદલવાનું ભૂલી ગઇ હતી. એ ભૂલ જાનનું જોખમ ઉભું કરનારી હતી. એ તો ગનીમત થયું કે કોઇની નજર તેનાં પગ ઉપર પડી નહી, નહિંતર ચોક્કસ તે પકડાઇ ગઇ હોત.

કોણ હતી આ યુવતી...? અભીનું મન ચકરાવે ચડયું. સતર્કતાથી તે બન્ને ક્લબની બહાર નિકળી આવ્યાં અને પાર્કિંગ તરફ અગ્રેસર થયાં.

એ સમયે... તેઓ ક્લબનાં અને પાર્કિંગ એરીયાનાં સી.સી.ટીવીમાં કેદ થઇ ચૂકયાં હતાં.

( ક્રમશઃ )

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

સુરત.