અજવાળાંનો ઓટોગ્રાફ
(14)
ઉધાર બંધ છે
કેશલેસ ટ્રાન્ઝેક્શન અને પેટીએમના યુગમાં પહોંચી ગયેલા આપણા માટે ‘ઉધાર’ નામનો શબ્દ ગીરના સિંહોની જેમ ધીમે ધીમે નાશ પામતો જાય છે. ખિસ્સામાં રહેલી ગુલાબી રંગની નોટને કારણે આપણો ચહેરો પણ જ્યારે ગુલાબી થઈ જાય ત્યારે સમજાય કે કરન્સીનો કલર બહુ જલદી ચડે છે.
ક્રેડિટકાર્ડ લઈને વિશાળ મોલમાં ખોવાયેલા આપણને ક્યાંક જો આપણા પપ્પાનો ભૂતકાળ જડી જાય, તો એ ક્રેડિટકાર્ડની વેલ્યુ આપોઆપ વધી ગયેલી લાગે. આપણા ખિસ્સામાં રહેલા રૂપિયાની કિંમત વધારવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે એની સરખામણી આપણા મમ્મી-પપ્પાના એ દિવસો સાથે કરવી જ્યારે તેઓ આપણી ઉંમરના હતા.
દાદા જ્યારે પપ્પા માટે કપડા લેવા નીકળતા, ત્યારે ‘ક્રેડિટકાર્ડ’ નહિ પણ દાદાની ‘ક્રેડિબીલીટી’ના આધારે શોપિંગ થતું. કરિયાણાનો સામાન હોય કે નવા કપડા, નવી વસ્તુઓ ત્યાંથી જ ખરીદાતી જે દૂકાનદાર દાદાને ઉધાર આપતો. એ રકમ દાદા કટકે કટકે ચૂકવી દેતા.
અત્યારે સમાજમાં રહેલી આપણી પ્રતિષ્ઠા અને ખિસ્સામાં રહેલી ગુલાબી નોટ જ એ વાતની સાબિતી છે કે દાદાએ નક્કી એમનો ઉધાર ચૂકવી દીધો હોવો જોઈએ. જાહેર રસ્તા પર પપ્પાની અને નિશાળમાં આપણી, છાતી ટટ્ટાર અને માથું ઊંચું રાખવા માટે દાદાએ જતા પહેલા કેટલાય લોકોના ઉધાર ચુકવી દીધા હશે. પોતાના ગયા પછી વારસામાં આપણને ‘દેવુ’ ન મળે, એ માટે દાદાએ ચપ્પલની સાથે પોતાની જાત પણ ઘસી નાખી હશે.
મોંઘવારીના યુગમાં ઘર ચલાવવા માટે કેટલાય લોકોને પોતાની નીતિમત્તા અને પ્રામાણિકતા વેચી નાખવી પડે છે. આ બંને સદગુણોનું મેઈન્ટેનન્સ એટલું વધારે આવે છે કે મોટાભાગના લોકો તેને એફોર્ડ નથી કરી શક્તા. વાતાવરણમાં રહેલા અનૈતિકતાના વાવાઝોડાની વચ્ચે પોતાના ઘરમાં નીતિ અને મૂલ્યોના છોડને જાળવી રાખવાનું કામ બહુ અઘરું હોય છે. દાદાએ પપ્પાની ફરતે એવી તો કઈ ફેન્સીંગ કરી હશે કે જેનાથી કુટુંબની લીલાશ પર આજ સુધી ક્યારેય ઉઝરડો પણ પડ્યો નથી.
પપ્પાના ઉછેરમાં દાદાએ નક્કી સિમેન્ટ વાપરી હોવી જોઈએ. ક્યારેય કોઈ પવનની સામે નમવું જ ન પડે, એવું વૃક્ષ ઉગાડવાની આવડત દાદામાં ક્યાંથી આવી હશે ?
કુટુંબના વર્તમાન સુખનો ઘણોખરો આધાર દાદાએ ભૂતકાળમાં એકઠા કરેલા કર્મો પર રહેલો હોય છે. દાદાએ ગામ પાસેથી રૂપિયા કે વસ્તુઓ ઉધાર લીધી હશે પણ પપ્પાને કેળવણી તો રોકડી જ ચુકવી છે. દાદા એ વાત બહુ સારી રીતે જાણતા હોવા જોઈએ કે આવનારી પેઢી મહેનત કરીને પૈસા કમાઈ શકશે, નૈતિક મૂલ્યો નહિ. એ તો મારે વારસામાં જ આપવા પડશે.
પપ્પાની અને આપણી વર્તમાન સમૃદ્ધિમાં, દાદાએ ભૂતકાળમાં લીધેલા ‘ઉધાર’નો બહુ મોટો ફાળો છે. ઘરની દીવાલો પર દાદાએ ક્યાંય લખ્યું નથી તેમ છતાં એ વિચાર એમણે વારસામાં આપ્યો છે કે મહેનત ગીરવે મૂકી શકાય, મૂલ્યો નહિ.
દાદાનો જ નહિ, એ તમામ દૂકાનદારોનો પણ આભાર માનવો જોઈએ જેમણે એ સમયમાં દાદાને ઉધાર આપ્યો. આજે ખાલી હાથે જઈએ તો દાદાના નામથી તેઓ આપણને પણ ઉધાર આપી દે. આપણે ધ્યાન એટલું જ રાખવાનું કે કાલ સવારે આપણા બાળકોને કોઈ એવો જવાબ ન આપે કે ઉધાર બંધ છે.
-ડૉ. નિમિત્ત ઓઝા