અજવાળાંનો ઓટોગ્રાફ - 12 Dr. Nimit Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અજવાળાંનો ઓટોગ્રાફ - 12

અજવાળાંનો ઓટોગ્રાફ

(12)

આપણા દુઃખનું કેટલું જોર ?

મારા જન્મદિવસે એક કાર્ડ મળ્યું, જેમાં કોઈએ મારી લાંબી ઉંમર માટે શુભેચ્છાઓ વ્યક્ત કરેલી. મારી દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરનાર એ શુભેચ્છક પોતે એક દર્દી છે. એક એવા દર્દી જેઓ એક અસાધ્ય કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. આપણા મૃત્યુની પ્રતીક્ષા કરતા હોઈએ ત્યારે બીજાની લાંબી ઉંમર માટે ઈશ્વરને પ્રાર્થના કરવી, એને સાદી ભાષામાં માણસાઈનો એવરેસ્ટ ચડવો કહેવાય.

જે સમયમાં કારણ, સ્વાર્થ કે લોભ વિના કોઈ માણસ બીજા માણસની સામે સ્માઈલ પણ નથી કરતો, એવા સમયમાં પોતાની પીડા અને દુખના ભાર સાથે અન્ય લોકોને નિસ્વાર્થ હળવાશ આપવાની પ્રક્રિયાને જ કદાચ માણસાઈ કહેવાતી હશે.

આવા લોકોને જોઈને એક વાત તો સાબિત થાય છે કે ગમે તેટલા ઢોલ-નગારા અને પબ્લીસીટી સ્ટંટ સાથે આપણા દુખનું એક્ઝીબીશન કમ સેલ ગોઠવીએ તો પણ એ સ્થળની મુલાકાત આપણી એકલતા સિવાય કોઈ લેવાનું નથી. અને આપણી યાતનામાં હિસ્સેદાર થવા કદાચ કોઈ આવી પણ જાય, તો એ લોકો ફક્ત આપણી મુલાકાત લઈ શકે છે, આપણી પીડા નહિ. સહાનુભૂતિની લાલ જાજમ પાથરી, આપણા દુઃખની છડે ચોક જાહેરાત કરીને આપણે ફક્ત રાહદાર એકઠા કરી શકીએ, મદદગાર નહિ.

દુઃખી થઈને કોઈની કરુણા કે સહાનુભૂતિ મેળવી શકાય, કોઈનો પ્રેમ નહિ. લોકોનો પ્રેમ પામવા માટેની એક જ ફોર્મ્યુલા છે, એમને ખુશીઓ આપવી પડે.

દુઃખ કેટલાક લોકોનું હેવાયુ હોય છે. એમને છોડીને એ ક્યાંય જતું નથી. આમાંના કેટલાક દિલદાર લોકો દુઃખનો પણ સત્કાર કરે છે. દુઃખ આવા લોકોનું પાળીતું હોય છે. તેઓ દુઃખની સાથે ઉભા રહીને હસતા મોઢે સેલ્ફી પડાવી શકે છે. દુઃખને પોતાનું જીવનસાથી માનીને તેની સાથે ફરવા નીકળેલા લોકો, જો સામે મળતા દરેક જણના સુખી જીવનની કામના કરતા હોય તો એવા લોકો ફક્ત વંદનીય જ નહિ, પૂજનીય પણ છે.

જથ્થાબંધ ભાવે મળેલા દુઃખને પોતાની પાસે રાખીને, તેના બદલામાં અન્ય લોકોને સુખ અને ખુશીઓની દુકાનનું સરનામું બતાવનારા લોકો કોઈપણ વળતરની અપેક્ષા વગર હસતા મોઢે શુભેચ્છાઓ આપીને પસાર થઈ જાય છે. ત્યારે આટલા દુઃખ અને પીડાની વચ્ચે પણ તેમનું હાસ્ય સાંભળીને ઈશ્વરને પૂછવાનું મન થઈ જાય કે સૂન રહા હૈ ન તું ! હસ રહા હૈ વો.

આપણી તકલીફોના સમયમાં આપણી આસપાસના લોકો પ્રત્યેનો આપણો અભિગમ અને તેમની સાથેનો વ્યવહાર જ કદાચ આપણી માણસાઈનું મૂલ્યાંકન કરે છે. આપણા દુઃખની આડમાં બીજાની પીડાનો અણસાર પણ ન અનુભવાય, તો સમજવું કે માણસાઈના શિખર સુધી પહોંચતા હજુ આપણને ઘણી વાર લાગશે. માણસ હોવાનો દાવો કરવા માટે આપણે બીજા લોકો વિશે નિર્ણયો અને અભિપ્રાયો આપવા કરતા, મદદ અને શુભેચ્છાઓ આપવામાં ઉદાર બનવું પડશે.

બીજાને આશાવાદના આશીર્વાદ આપવા, એ દુઃખી માણસની જવાબદારી નથી. એની ઉદારતા છે. કેટલાક લોકો એ વાત બહુ સારી રીતે સમજે છે કે દુઃખના બળતણથી જિંદગીની ગાડીને દોડતી રાખવી, એ શક્ય નથી. એ માટે તો આશાવાદનું ઈંધણ જ જોઈએ.

(શીર્ષક પંક્તિ : શ્રી રાજેન્દ્ર શાહ)

-ડૉ. નિમિત્ત ઓઝા

.