darshan dyo ghanshyaam naath books and stories free download online pdf in Gujarati

દર્શન દ્યો ઘનશ્યામ નાથ.....!

દર્શન દ્યો ઘનશ્યામ મુરારી...!

ગમે એવી બ્રાન્ડેડ કે ઈમ્પોર્ટેડ અગરબત્તીના ધૂપ કરો ને..? ભગવાન છે, પીગળવાના હોય તો જ પીગળે. એટલે તો એ ભગવાન છે, નહિ તો ભગવાનભાઈ નહિ હોય..? અંતર્યામી છે યાર..! એને બધી ખબર પડે કે, અંધારામાં જે મીણબતી નહિ સળગાવે, એ અમસ્તો અગરબતીના ધુમાડા કાઢે..? જેની ભાવના જ ઠેર ઠેર સળગાવવાની હોય, એ ચાખી ચાખીને બોરના ગોડાઉન ભરે ભલે તો પણ શબરી નહિ બને. સુપર માર્કેટનો માલ થોડો છે, કે કીમત ને ડિસ્કાઉન્ટ જોયું એટલે ઉપાડી લેવાનું..! અગરબતીથી મચ્છર નથી ભાગતા તો ભગવાન આવે...? એના માટે ભાવ ભાવના અને ભગવત કાર્ય જોઈએ.

કુકડા સવાર પડે એટલે બોલે, પક્ષીઓ સાંજ પડે એટલે બોલે, એક માત્ર માણસ જ એવો ગરજી કે, ગરજ પડે ત્યારે જ બોલે...! શું કહો મામૂ...? ભલેને BMW માં ફરતાં હોય..! ભગવાનની કૃપા માટે એ લોકો મંદિરમાં જઈને ભીખ માંગે ને, નાના ભિખારી મંદિરની બહાર બેસીને ભીખ માંગે. આજીજી તો બંનેએ કરવી જ પડે. સુખનો સર્વાંગી ભોગવટો ભલે હોય, પણ નાડ તો હરિના હાથમાં જ હોય. યાર...! માણસ કેટલો મેલવણવાળો છે, એ એનાંથી છાનું હોય..? ફક્કડ કપડાં પહેરવાથી સજ્જન કે હરિભક્ત બનતો નથી, પછી ભલે ને પીતાંબર કેમ ના ચઢાવ્યું હોય..! ભગવા રંગથી ભગવાન પલળતો નથી. જેમ કે જર્સી ઉપર “ આપણે તો લીલાલહેર છે” ચિતરાવવાથી, લહેરખી મળતી નથી. પાટિયાં મારવાથી લીલાલહેર મળતી હોય તો, ભગવાનને પછી પૂછે કોણ..? મંદિરના દરવાજા ખખડાવે કોણ..? અમસ્તો એમને અંતર્યામી કહ્યા..? એ જાણતા જ હોય કે, ‘ આ બહાર વટ મારવાવાળો, ‘બહાર-વટીયો’ જ છે..! અંતર તપાસો તો ખબર પડે કે, ભાઈને તો લીલાલહેર નથી, પણ પાડોશી ને આખાં કુટુંબમાં એનો કાળો કેર છે. અંદરથી સૂકી નહેર જેવો છે. જેના ભીતરમાં જ ધુમાડા જ નીકળતા હોય, ત્યારે પીર જેસલ જાડેજાની પેલી વેદના યાદ આવે કે,

રોઈ રોઈ કોને સંભળાવું, ઊંડા દુખડા કેને સંભળાવું

એમ જાડેજો કહે છે, રૂદિયો રુએ રે માહ્યલો ભીતર જલે....

શિઈઈઈટ...! હું પણ ક્યાં મોરારી બાપુની મોજડીમાં પગ નાંખી બેઠો..? હાસ્યના રવાડે ચઢવાને બદલે અટ્ટહાસ્યના રવાડે ક્યાંથી ચઢી ગયો..? માણસ અઘરો થાય એટલે ઉભરા ઠલવાવા માંડે એના જેવું છે. હમણાં એક ભાઈએ એક એરકંડીશન ગાડી લીધી. એની પાછળ લખાવ્યું ‘ શારદાની કૃપા...! ‘ એ વાંચીને મને થયું કે, ભાઈ મા સરસ્વતીનો ઉપાસક લાગે છે. મેં વળી એને ધન્યવાદ આપ્યાં. મને કહે, હું ઉપાસક-બકાસક કંઈ નથી, શારદા મારી વાઈફનું નામ છે. એ ગુજરી ગઈ એટલે એના પૈસામાંથી આ ગાડી ખરીદી. એ સવ્ર્ગમાં લીલાલહેર કરે છે, ને હું એરકંડીશન ગાડીમાં લીલાલહેર કરું છું....! હવે તમે જ કહો આવાં ને ઠારવા માટે ભગવાન બ્રહ્માસ્ત્ર કાઢે કે ના કાઢે...?

શ્રદ્ધા અને હાસ્યમાં પવિત્રતાનો વાસ છે. માનવીના કલ્યાણકારી ઉપાયના હાથવગા ઉપકરણો છે. મુદ્દાની વાત પણ એ છે કે, આજે શ્રદ્ધા પણ એવી ખોંખલી થઇ ગઈ કે, સાધુ-સંત બનવાની ‘ફેક્ટરી’ બંધ થઇ ગઈ. એવું જ હાસ્યમાં...! મોરારી બાપુ કે ચાર્લી ચેપ્લીન કે હાસ્ય સમ્રાટ જ્યોતીન્દ્ર દવે બનવાની વાત તો દૂરની રહી, માણસ પણ થઇ શકતો નથી. સાલું મન જ એવું વાંદરું કે, જ્યાં ત્યાં સળી કરવામાં જ ઊંચું નહિ આવે. સ્થિતિ પ્રમાણે સરનામાં બદલે એનું નામ મન. ડબલ ડોકટરેટનો અભ્યાસ કરીએ તો પણ એ નહિ સમજાય. આસ્થા અવસ્થા ને વ્યવસ્થા એ ભગવાનના કંટ્રોલ રૂમ છે. ‘મન ચંગા તો કથરોટમેં ગંગા...!” ને રાખવી હોય તો, મન ઉપર કંટ્રોલ જોઈએ. જીભ ઉપર સુગર ફેક્ટરી જોઈએ. રામ અને રાવણના બંને પલ્લામાં પગ નાંખવા જઈએ તો, કાંદો નહિ નીકળે..! પ્રભુના દર્શન કરવા હોય તો, આધાર કાર્ડ ને રેશનકાર્ડ બંને અયોધ્યાના જ જોઈએ. આ તો આધાર કાર્ડ અયોધ્યાનો હોય, ચૂંટણી કાર્ડ કંસની મથુરા નગરીનો, ને રેશન કાર્ડ રાવણની લંકાનો હોય...! જાણે સબ ભૂમિ ગોપાલકી..! મંદિરની ફરતે ૧૦૦૮ ફેરા લગાવે કે, ગમે એટલાં ઘંટનાદ કરે તો પણ એના અંતરનો નાથ જાગે...? એ વળી જાગે...? ભલે ને આખી રાત તંબુરો લઈને ‘ દર્શન દ્યો ઘનશ્યામ નાથ, મોરી અંખિયા પ્યાસી રે’ ની તાન કેમ નહિ ખેંચે..?

માણસ એક બદલાતી માયાજાળ જેવો થઇ ગયો. હાથીના દાંતની માફક ચાવવાના જુદાં ને બતાવવાના જુદાં રાખતો થઇ ગયો. બાકી સંતોના દાખલા બાદ કરીએ તો, ભગવાન કોઈના હાથમાં આવ્યો હોય એવું સાંભળ્યું..? હાથમાં આવે તો આજનો માણસ એને છોડે...? પહેલાં તો ભગવાન સાથે પણ સેલ્ફી ખેંચે એવો...! મંદિરમાં પથ્થર એક જ વાર ગયો, ને દેવ થઇ ગયો. માણસ રોજ મંદિરમાં જાય છે, છતાં પથ્થર જ છતાં કોઈ ફરક પડે..? અમુકને તો દેવ-દેવીઓ મંદિરમાં બેઠાં છે કે, મુઠ્ઠીવાળીને ભાગી ગયાં છે, એ જોવાની પણ ફુરસદ નથી..! આ તો અવસ્થા જ્યારે કાંઠે આવીને ઉભી હોય, અંગ-ઉપાંગો ઝોલાં ખાતાં થઇ ગયાં હોય, ત્યારે પાન-મસાલા છોડીને ભગવાનનો પ્રસાદ શોધતો થઇ જાય. મોટી મોટી ઠોક્વાનું ભૂલી, મંજીરા ઠોકતો થઈ જાય..! સમય સમયકી બાત હૈ મામૂ..! જે વાળેલા નહિ વળે, તે હારીને જે વળે..!

ભગવાન સાથે તો ભાઈબંધી કરવી પડે..! એમને પોતીકો બનાવવો પડે. ભગવાનને પણ લાગવું જોઈએ કે, આ તો આપણો ‘ફેમીલી મેમ્બર’ છે..! એના માટે આંખ આડા કાન કે આંખ મીચામણા નહિ કરાય. મંદિરમાં જઈને પરમાત્માનું ધ્યાન ધરવું અલગ વાત છે, ને મંદિર બહાર કાઢેલા પગરખાં ચિત જવું અલગ વાત છે. અમુક તો ભગવાનના દર્શન કરવા આવ્યો છે કે, ભગવાનને દર્શન આપવા આવ્યો છે, એ પણ નહિ સમજાય...! ચૌદ ભુવનના નાથ સામે એવો ઠાઠ ખર્ચી નાંખે કે, જાણે ચૌદને બદલે ૧૪૦૦ ભુવનનો નાથ પોતે જ નહિ હોય...? ગંગાસતી પાનબાઈએ કહ્યું છે કે,

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું, પાનબાઈ

મેલવું અંતરનું અભિમાન રે....!

બીજાની શું કામ, ચમનીયાની જ વાત કરું તો, મંદિરે એ રોજ જવાનો. ને એવી રીતે જાય કે, જાણે કપાળના આખાં પ્લોટ ઉપર ૧૦૦ ટકા બાંધકામ કર્યું હોય, એટલાં તો એ ટીલા-ટપકાં લગાવે. માળા તો એટલી પહેરે કે, માળા વેચવાવાળાએ પણ એટલી માળા એની દુકાનમાં નહિ રાખી હોય. બે-એક વર્ષ સુધી તો બધું સહન કર્યું. પણ એક દિવસ જેવો એને આવતો જોયો, એટલે ભગવાન ઉંધા ફરી ગયાં. ઉંધા ફરેલા ભગવાનને જોઇને ચમનીયો કહે, “ પ્રભુ..! આ તે કેવો ચમત્કાર..? આપને ખબર છે કે, આપના દર્શન વિના મારો દિવસ સારો જતો નથી. ને આપ આજે ઉંધા ફરી ગયાં..? ત્યાં જ આકાશવાણી થઇ કે, ‘ વત્સ..! તુ મારું પણ જરાક તો વિચાર..? મારો પણ એકાદ દિવસ સારો જવો જોઈએ કે નહિ...?

‘ભક્તિ કરે પાતાળમેં પ્રગટ હોય આકાશ, દાબીડૂબી ના રહે કસ્તુરીકી બાસ..!’ ઘનશ્યામના દર્શન કરવા માટે બહાર જવાની જરૂર ખરી...? એનું પ્રાગટ્ય તો આપણા ભીતરમાં પણ છે. સવાલ છે ભીતરમાં ડોકાવવાનો. સવાલ છે, નિસ્વાર્થ ભાવે ભગવાનને ભજવાનો. ચમનીયાનો દીકરો ચંદુ, બોર્ડની પરીક્ષા આપતો હતો. એને લાલચ આપતાં ચમનીયાએ ચંદુને કહ્યું કે, તું જો બોર્ડમાં ૯૦ ટકા લાવે તો, મારા તરફથી તને એન્ડ્રોઈડ મોબાઈલની ભેટ..! આજના યુવાનને તો મોબાઈલ મળતો હોય તો મરજીવો બનીને દરિયામાંથી મોતી લાવવા પણ તૈયાર. થયું એવું કે, ચંદુ પાસ થઈને ૯૧ ટકા લાવ્યો. ને ચમનીયો મોબાઈલ આપવાની વાત આવી, એટલે ફરી ગયો. મઝા ત્યાં આવી કે, બાળક સીધો રાધાકૃષ્ણના મંદિરે ગયો., ને મંદિરમાં જઈને, રાધાજીની મૂર્તિ ઉઠાવી લાવ્યો. સાથે એક કાગળ લખીને મૂકતો આવ્યો કે, ‘ મારા બાપાએ એનું વચન પાળ્યું નથી. હવે તમને જો તમારી રાધા ઉપર પ્રેમ હોય, તો ઝટ મારા બાપાને સદબુદ્ધી આપો કે, એ બોલેલું પાળે...! ને મને મોબાઈલ અપાવે. ને લખી રાખજો, કે જ્યાં સુધી મને મોબાઈલ નહિ મળે, ત્યાં સુધી તમને તમારી રાધા નહિ મળે..! ચંદુને મોબાઈલ મળ્યો કે નહિ એની ખબર નથી, પણ ચમનીયો હજી બેભાન છે...!

ભક્તિમાં પરમાર્થ ચાલે, સ્વાર્થ નહિ. એક બહેને તો લગન થયાને બે જ દિવસમાં ભગવાનના મંદિરે જઈને ફરિયાદ કરી..! પ્રભુ મને સારો પતિ મળે એ માટે રોજ હું આપના મંદિરે આવીને સવા રૂપિયો ને પપૈયું ચઢાવતી હતી, ને તમે મને આપ્યો-આપ્યો ને આવો દુંદાળો મોટાં પેટવાળો પતિ જ આપ્યો..? આ સાંભળી ભગવાન તો કંઈ નહિ બોલ્યા, પણ પુજારીએ કહ્યું કે, ‘બહેન, સવા રૂપિયામાં તો આનાથી સારો કેવોક પતિ આવે...? આવો જ આવે..! બીજું કે, રોજે રોજ તમે પપૈયું જ ચઢાવવા આવતાં હતાં. તો પછી પપૈયા જેવો દુંદાળો જ પતિ મળેને..? એના કપાળમાં કાંદા ફોડું...?

હાસ્યકુ : હું જ પ્રભુ છું

જરા ડોકાવી તો જો

ભીતરમાં છું

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED