હમને અપના સબ કુછ ખોયા....!
ખોવાયું હોય તો, ‘લોસ્ટ પ્રોપર્ટી ‘ ના કાઉન્ટર પર જઈને, તેના કાન પકાવાય. અમે પણ આખી જિંદગી ખોઈ નાંખી છતાં હરફ શુદ્ધાં કાઢ્યો નથી. અવળા ધંધે જઈએ તો ‘લોસ’ આવે જ..! સહન કરી લેવાનું. અમે કરીએ જ છીએ ને..? મામલો રાજકારણનો છે.જેમ જેમ લોકસભાના પરિણામની તારીખ નજીક આવતી જાય, એમ કાર્ડિયોગ્રામ કાબૂ બહાર તો જવાનો જ મામૂ..! આ તો વેન્ટીલેટર ઉપર શ્વસતા દર્દી જેવી વાત છે. ચૂંટણીના પરિણામ આવવાને હવે ૩૬ કલાક બાકી છે. એક એક ઉમેદવાર, એની પલ્સ ગણતો બેઠો છે. ૩૬ કલાક પછી જે ટકી ગયો તે ટકી ગયો. નહિ તો પછી ‘ટપકી’ જવાનો એ નક્કી..! જો જીતા વો સિકંદર, બાકી સબ છછુંદર..! પછી આ જ ગીતની માળા જપવાની કે, ‘ હમને અપના સબ કુછ ખોયા, વોટ તેરા પાનેકો...!!
જેમ પહેલી તારીખ આવે ને, કિશોરકુમાર નું પેલું ગીત રેડિયો હલાવી નાંખે કે, ‘ ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ, (૨)....! “ હોળી આવે એટલે બચ્ચનદાદા (દાદા જ કહેવાય બોચું...! રેખાને ભલે દાદી નહિ કહેવાય, પણ અ.બ. ને તો દાદા જ કહેવાય...! ) ‘ રંગ બરસે ભીગી ચુનરવાલી, રંગ બરસે..! ‘ ગાઈને રેડિયો ભીનો કરી નાંખે. એમ ચૂંટણીના પરિણામની તારીખે એવું ગાશે કે, ‘ આયેગા...આયેગા, આયેગા આનેવાલા, આયેગા...!! જો બકા..! લગનના ગીત લગન વખતે જ ગવાય. સ્મશાનયાત્રામાં ‘રામશ્રી રામ’ જ બોલાય, મેદની જોઇને લગનનું ગીત નહિ ઉપાડાય..! એમ જેવું જેવું લોકસભાનું પરિણામ આવવા માંડશે, એટલે ભાજપાવાળા ‘ભાજપા-ગીતમાલા’ કાઢવાના ને કોંગ્રસવાળા ‘ કોંગ્રેસ-ગીતમાલા’ કાઢવાના..! ને જે પરવારી જાય એ આ ગીત ઉપાડશે કે, ‘હમને અપના સબ કુછ ખોયા, વોટ તેરા પાનેકો...! સમજો ને કે ‘ કહી ખુશી કહી ગમ ‘ ની ફિલ્લમ ચાલુઊઊઊ..! આમાં જે જીતે એ તો જાણે સિકંદર જ કહેવાય. પણ જે હારે તેની હાલત ખરાબ. જાણે કે આપણું વ્હાણ ડૂબવા માંડ્યું છે, એટલે સૌથી પહેલાં ઉંદરડા વહાણ-ત્યાગ કરે એમ, ચૂંટણી પહેલાં જેમણે પાઉં-ભાજી દબાવીને જેમણે હાકોટા-પડકારા પાડ્યાં હોય કે, ’ચમનીયા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે ‘ એ તો શોધેલાં નહિ જડે..! ચુસ્ત ટેકેદાર સામેની છાવણીનો ખેસ ચઢાવીને બેઠો હોય.! રાજકારણમાં વફાદારી જેવું તો આવેજ નહિ ને દાદૂ..?
ચૂંટણી હોય કે લગન હોય,રસમ સરખી. એકમાં પૈણવા પહેલાં વરઘોડો કાઢવાનો, ને ચૂંટણીમાં જીત્યા પછી જુલુસ કાઢવાનું. બંનેમાં બેન્ડ-વાજા, ઢોલ,ત્રાંસા. નગારાની હાજરી હોય. પણ લગન એટલે ૧૦૦ ટકા ગેરંટીવાળો મામલો. એ કન્યાને છેડે બાંધ્યા વગર આવે નહિ...! જ્યારે ચૂંટણીમાં કંઈ નક્કી નક્કી નહિ. જીત્યા તો ખુરશી આવે, નહિ તો ખુરશીનો દાંડો પણ હાથમાં નહિ આવે. લગનમાં તો પૈણતા પહેલાં પીઠી ચઢાવીને વરરાજાને પીળો કરવો પડે. જેથી મેદાન છોડી ભાગે નહિ. ચૂંટણી નો ઉમેદવાર પીઠી ચઢાવતો નથી. પ્રજાને ખબર કે, ચૂંટણીની સભાઓ ગજાવવાની આવશે, ત્યારે સ્વયંભુ જ એ લાલ-પીળો થવાનો છે..! નવી મોજડી પણ એ ધારણ કરતો નથી. ક્યાંક ભાગવાની નોબત આવી તો સહેલાયથી ભાગી તો છુટાય..? નવી મોજડીમાં તો લપસી જવાનો ડર રહે, એટલે ધારેલી ઝડપ પણ નહિ મળે..! નેતાઓ ગણતરીબાજ હોય દાદૂ..! પછી તો ઉમેદવાર કઈ યુનિવર્સીટીનો સ્ટાર છે એના ઉપર આધાર. જેવી જેવી યુનીવર્સીટી તેવો તેવો માલ..!
ઉમેદવાર ચૂંટણી હારી જ જાય તો આપણે બીજું કરી પણ શું શકીએ દાદૂ..? કોઈને કોઈ ગાયન તો કોઈને ફીટ થવા માટે મળવાનું જ..! જીતેલા ઉમેદવાર માટે તો ‘ચોઈસ’ પણ બહુ. હારેલાને જ તકલીફ...! એણે તો મુકેશની ગીતમાલામાં જ ફાંફા મારવાના..! ઘરમાં ચોર ઘુસી જાય કે ઇન્કમ ટેક્ષવાળાની રેઇડિયું પડે તો પણ અમુક તો વાંસો થબડવા નહિ આવે. ઉપરથી ટોણો લગાવી જાય કે, કરેલાં કર્મો અહીં જ ભોગવવાના છે ભાઈ...! ભાઈના મોંઢામાંથી દરદના અગનગોળા નીકળતાં હોય, ને આપણે બરફ-ગોળા ઠપકારીએ તો સારું લાગે..? સગા પાડોશીએ તો, આવી ઘટના વેળા કદરદાન બનીને લાંબો ટુવાલ લઈને આંસુ પોંછવા દોડવું જોઈએ. પહેલો સગો એટલે પાડોશી. એમના દુખના સમયે મમતા બેનરજી નહિ, રાની મુખરજી બનીને દયા ખવાય. પણ એના કપાળમાં કાંદા ફોડું, ‘જનરલ ઇમ્પ્રેશન ‘જ એવી કે, બાજુવાળો નવી ‘ફોર વ્હીલ’ લાવ્યો તો, પહેલી અદેખાય એના પાડોશીને જ આવે. એમાં ન કરે નારાયણ ને કોઈ દુર્ઘટના ઘટી, તો વાઈફનો સગો ભાઈ દબાય ગયો હોય એવી દયા પણ ખાવાની..! પાડોશીને સમજવો બહુ અઘરો છે મામૂ...? ચૂંટણીમાં જીતો કે હારો, એની એક જ ભૂમિકા, સમય વરતે સાવધાન થઇ જવું. કોઈપણ પાડોશીની દીવાલ બહેરી હોતી નથી. આપણા ઘરમાં કુકરની સીટી સાંભળીને બાજુવાળો સમજી જાય કે, પાડોશીએ કયા શાકનું કૂકર ચઢાવ્યું...? એટલે જ તો, અમારો ચમનીયો છડેચોક કહે છે, કે “જમાઈ જેવો મળે તેવો, ચલાવી લેવાનો. પણ પાડોશી શોધવામાં ઉતાવળ નહિ કરવી..! પાડોશીની કુંડળી બતાવી ને જ એના પાડોશી થવું...!
જો દરેક માનવીનું પુનર્જન્મ નક્કી હોય તો, રાવણ-કંસ-દુર્યોધન કે રાક્ષસોનો પણ પુનર્જન્મ તો થતો જ હશે ને..? ઈતિહાસ વિદ આનંદ્દ્વારીનું માનવું છે કે, એ બધાં કોઈના ને કોઈના પાડોશી જ છે...! એમાંથી અમુક નેતા બન્યા. કેત્લ્લાંક પાકિસ્તાનના ફાળે ગયાં, કેટલાંક ચીનને મળ્યાં, તો કેટલાંક અમેરિકાના હિસ્સામાં પણ આવ્યાં. ભારતનું સર્વે હજી બાકી છે..!
લોકાભાનું પરિણામ આવતાં પહેલાં તો, અનેકના બ્લડ-પ્રેસર ઊંચા-નીચા થતાં હશે. કારણ કે, એમને એટલી તો ખબર છે જ કે, જીતવાનો માત્ર એક છે, ને બાકીના હારવાના જ છે. ને હારેલો ઉમેદવાર એટલું તો કહેવાનો જ છે કે,
ખુલ્લી કિતાબ જેવો રહ્યો, ને ગમતો બનીને ઘૂમતો પણ રહ્યો
શું સાલી કદરદાની છે, ઘેટું પણ બન્યો ઉન પણ ખોતો રહ્યો
બેલેન્સ વગરની બેંકની પાસબુક જેવો બીજું કરી પણ શું શકે..? હારેલો ઉમેદવાર નાચીને કંઈ ભાંગડો થોડો કરે..? એ તો એમ જ કહેવાનો ને કે, “ હમને અપના સબ કુછ ખોયા, વોટ તેરા પાનેકો...! “ ‘જાન માંડવે પહોંચે, તે પહેલાં જ કન્યા કોઈ સાથે ભાગી જાય, તો વરરાજાએ તો આવાં જ ગીત લલકારવા પડે ને..?
ચૂંટણી જીતવા માટે આટલું તો જોઈએ જ. “ કોઈના ખાસ બની શકાય એવી હિમત જોઈએ. સદૈવ એનો પ્રેમ મળે એવી તકદીર જોઈએ. બાકી જમતાં ભાણે તો ભેંસ પણ કબુલે, પણ તૂટેના વિશ્વાસ એવી હાથમાં લકીર પણ જોઈએ...! શું કહો છો દાદૂ...?
-------------------------------------------------------------------------------------------------------------------------
….’