રૂહ સાથે ઈશ્ક રિટર્ન 34 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 34

                  રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 34

રાજુ અને ગિરીશનો ખાત્મો કર્યા બાદ કબીરનો હવે પછીનો ટાર્ગેટ હતો ઠાકુર પ્રતાપસિંહ.. કંચનને કબીર દ્વારા શિવગઢમાંથી લઈ ગયાં બાદ હતાશ પ્રતાપસિંહ એ જાણી ખુશ થઈ જાય છે કબીરની પત્ની ગર્ભવતી છે અને એ શિવગઢ આવવાની હોય છે.વીર ને શીલાને કિડનેપ કરવાનો હુકમ ઠાકુર આપી ચુક્યો હોય છે એ વાતથી બેખબર કબીર મહાદેવ મંદિર તરફ જવા નીકળે છે.
મહાદેવ મંદિર જ પોતાનાં આરામ કરવા માટે સૌથી વધુ સુરક્ષિત છે એવું કબીરનું માનવું ખોટું પણ નહોતું.કેમકે ઠાકુરનો કોઈ માણસ પોતાને શોધતાં મંદિર તો નહીં જ પહોંચે.કબીરે આ વિશે હરગોવન મહારાજ ને પહેલેથી જણાવી રાખ્યું હતું.કબીર ને પોતાની ઓરડીમાં સુવાનું કહી હરગોવન મહારાજે ઓરડીને બહારથી તાળું મારી દીધું જેથી કોઈને કબીરની હાજરી ની થોડી પણ ગંધ ના આવે.
આખી રાતનો ઉજાગરો હોવાથી કબીર નાનકડી ઓરડીનાં જુનાં પુરાણા ખાટલા પર પણ ચેનની નીંદર લેવા લાગ્યો.કબીર અહીં નસકોરાં બોલાવી ઘસઘસાટ સુઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ એની ગર્ભવતી પત્નીનાં અપહરણ નું અને પછી બલી નું આયોજન ઠાકુર પ્રતાપસિંહ અને એમનાં દીકરા વીર દ્વારા થઈ ચૂક્યું હતું.પ્રતાપસિંહ નાં કહ્યાં મુજબ વીર પોતાનાં બે સાથીદારો અને ચમન ને લઈને શિવગઢથી દોલતપુર જવા માટે સવારે જ નીકળી ગયો.
ઠાકુર પ્રતાપસિંહનાં કહ્યાં મુજબ વીર દોલપતુર રેલવે સ્ટેશન પહોંચ્યો અને રેલવે અધિકારી જોડે જઈને પૂછતો આવ્યો કે અત્યારે કઈ કઈ ટ્રેઈન અમદાવાદથી આવવાની છે..એમનાં જણાવ્યા મુજબ વીર ને ખબર પડી કે બપોરે 1 વાગે એક ટ્રેઈન આવે છે અને પછી બીજી સાંજે છ વાગે..આ ઉપરથી વીરે અનુમાન લગાવ્યું કે નક્કી શીલા 1 વાગ્યાં ની ટ્રેઈનમાં ત્યાં આવી પહોંચશે.
ટ્રેઈન જે પ્લેટફોર્મ પર આવવાની હતી ત્યાં વીર અને એનાં સાથીઓ સમયસર પ્લેટફોર્મ પર ગોઠવાઈ ગયાં..પણ છેલ્લી ઘડીએ એમને ખબર પડી કે ટ્રેઈન બે કલાક મોડી છે..હવે રાહ જોયાં વગર બીજો કોઈ છૂટકો હતો નહીં એટલે એ લોકો ત્યાંજ ખોડાઈ રહ્યાં. આખરે સવા ત્રણ વાગે ત્યાં ટ્રેઈન આવી પહોંચી.
જેવી ટ્રેઈન આવીને ઉભી રહી એ સાથે જ વીર અને એનાં સાથીઓએ એમાંથી ઉતરતાં પેસેન્જરો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું..અમુક પેસેન્જરોનાં ઉતર્યા બાદ ચમને એક ત્રીસેક વર્ષની સ્ત્રી જોઈ..લીલાં રંગનાં કુર્તા અને ગુલાબી લેગીન્સમાં એક હાથમાં પર્સ લટકાવીને અને બીજાં હાથ વડે ટ્રોલી બેગ લઈને ટ્રેઇનમાંથી નીચે ઉતરેલી એ સ્ત્રીને જોતાં જ ચમને વીર ને ઈશારાથી એ તરફ જોવાં કહ્યું.
વીર ની નજર જેવી શીલા પર પડી એ સાથે જ એને લાગ્યું કે આ જ કબીરની પત્ની હોઈ શકે છે..વીરે શીલાની તરફ જોતાં પોતાનાં હાથમાં રહેલું સાઈન બોર્ડ ઊંચું કર્યું અને ત્રાંસી નજરે શીલાની તરફ જોયું..શીલાએ આમ તેમ નજર કરી અને જોયું કે એને લેવાં કબીર આવ્યો છે કે નહીં..કેમકે શીલા તો એ બાબતથી અજાણ હતી કે એનો લખેલો લેટર કબીર સુધી પહોંચવાનાં બદલે બીજે જ પહોંચી ગયો હતો અને ત્યાંથી એને લેવાં યમરાજ નાં દૂત પણ આવી પહોંચ્યા હતાં.
શીલા ની નજર વીર પર પડી જે હાથમાં એક સાઈન બોર્ડ લઈને ઉભો હતો જેમાં લખ્યું હતું welcome shila kabir rajguru.આ બોર્ડ લઈને હાજર વ્યક્તિ પણ શીલા ને સજ્જન લાગ્યો એટલે એ વીર ની તરફ આગળ વધી.
"તમને કબીરે મોકલ્યાં છે..?"વીર જોડે આવીને શીલાએ પૂછ્યું.
"હા..મને કબીર ભાઈ એ મોકલ્યો છે..મારું નામ વીર પ્રતાપસિંહ છે..કબીર જ્યાં રોકાયો છે એ વુડહાઉસ મારાં પિતાજીની માલિકીનું છે..હું દોલતપુર આવવાનો હતો એ વાતની કબીરને ખબર હતી અને એને થોડું કામ હતું એટલે એને મને કીધું કે તારી ભાભીને લેતો આવજે.."વીરે મનમાં ગોઠવેલી વાત કહી સંભળાવી..જેની ઉપર શક કરવાનો સવાલ જ શીલા માટે નહોતો.
"Ok.. ચાલો ત્યારે.."શીલા એ કહ્યું.
"એ ચલો મેડમની બેગ લઈ લો.."ચમન ને આદેશ આપતાં વીરે કહ્યું..વીર ની વાત સાંભળી ચમને શીલાનાં હાથમાંથી બેગ લઈ લીધી અને ગાડી જ્યાં પાર્ક હતી એ તરફ આગળ વધ્યો.
ચમનની પાછળ પાછળ વીર ની સાથે ચાલતાં ચાલતાં શીલા પણ ગાડીમાં આવીને બેસી..શીલાનાં બેસતાં જ ગાડી ચાલી નીકળી શિવગઢ ની તરફ..પોતાની મોત ધીરે ધીરે પોતાની તરફ આગળ વધી રહી હતી એ વાતથી અજાણ શીલા અત્યારે તો ગાડીની ખુલ્લી બારીમાંથી પ્રકૃતિ નો નજારો જોવામાં વ્યસ્ત હતી.
જેવી દોલતપુરથી આવેલી ગાડી કોઠીમાં પ્રવેશી એ સાથે જ શીલા ને થોડી શંકા જરૂર ઉપજી કે કબીરે કહ્યું હતું કે એ વુડહાઉસ રહે છે અને આ તો વુડહાઉસ નહોતું..એને તરત જ વીર ભણી જોયું અને પૂછ્યું.
"તમે અહીં કેમ લાવ્યાં..વીર તો વુડહાઉસ રહે છે ને..?"
"અરે હા..વીર વુડહાઉસ જ રહે છે..પણ પોતે બાપ બનવાનો છે એ જાણ્યાં બાદ એને અહીં તમારાં માટે એક સપ્રાઈઝ રાખ્યું હતું અને તમને અહીં લાવવા કહ્યું હતું માટે આપણે અહીં આવ્યાં.."શીલાનાં સવાલનો પોતાનાં ચાતુર્યથી જવાબ આપતાં વીર બોલ્યો.
વીર ની આ વાત સાંભળી હરખાતી હરખાતી શીલા એની સાથે કોઠીની મુખ્ય ઈમારતમાં પ્રવેશી..ઠાકુર પ્રતાપસિંહ ની હવેલીની ભવ્યતા ને આંખોમાં ઉતારતી ઉતારતી શીલા હવેલીની અંદર પહોંચી ગઈ..અંદર પહોંચીને શીલાએ ચારે તરફ નજર ઘુમાવી પણ એની નજરે કોઈ ચડ્યું નહીં એટલે એને વીર ને કહ્યું.
"ક્યાં છે કબીર..કેમ એ ક્યાંય નજર નથી આવી રહ્યો..?"
"વીર તો ઉપરનાં રૂમમાં તમારી રાહ જોઈને બેઠો છે..જાઓ તમે ઉપર હું તમારો સામાન ઉપર મોકલાવું છું.."પહેલાં માળે આવેલાં ઠાકુર પ્રતાપસિંહનાં રૂમ તરફ સંકેત કરી વીર બોલ્યો.
વીરની વાત સાંભળી શીલા એનાં બતાવેલાં રૂમ સુધી જઈ પહોંચી..શીલા ને હતું કે ત્યાં કબીર એનાં માટે સપ્રાઈઝ સાથે હાજર હશે પણ હકીકતમાં શીલા માટે એક મોટું સરપ્રાઈઝ લઈને ઠાકુર પ્રતાપસિંહ હાજર હતાં.શીલા દરવાજો ખોલી જેવી અંદર પ્રવેશી એ સાથે જ દરવાજા પાછળ ઉભેલાં ઠાકુરે એક ક્લોરોફોર્મ લગાડેલો રૂમાલ શીલાનાં નાક પર રાખી દીધો..ક્લોરોફોર્મની અસર હેઠળ શીલા તુરંત જ બેહોશ થઈને પલંગમાં ઢળી પડી.
એટલામાં વીર ત્યાં આવી ચડ્યો..વીરે જોયું તો શીલા બેહોશ થઈને પલંગમાં પડી હતી..શીલાની જોડે ઉભેલાં પ્રતાપસિંહ તરફ જોઈને વીર ખુશ થઈને બોલ્યો.
"આ બેહોશ થઈ ગઈ ..?"
"હા ,હવે આ છેક રાતે જ ઉભી થશે..ચાલો આપણે હવે બલી ની તૈયારી કરીએ.."ઠાકુરે શીલા તરફ નજર ફેંકી કહ્યું.
"કેમ અત્યારથી બલી ની તૈયારી..બલી તો તાંત્રિકનાં કહ્યાં મુજબ આવતી કાલે આપવાની છે ને..?"વીર બોલ્યો.
વીરની વાત સાંભળી ઠાકુરે દીવાલ પર રહેલાં કેલેન્ડર નજીક જઈ આજની તારીખ પર આંગળી મૂકીને કહ્યું.
"વીર,આ પોષ મહિનામાં તેરસ નથી..પણ બે ચૌદશ છે..માટે બલી આજે આપવામાં કોઈ વાંધો નથી.."
ઠાકુરની વાત સાંભળી વિસ્મય સાથે વીર ઠાકુરની નજીક જઈને ઉભો રહ્યો અને કેલેન્ડર તરફ નજર કરી..ઠાકુર પ્રતાપસિંહ સાચું બોલી રહ્યાં હતાં એ જોઈ વીર ઉત્સાહમાં આવીને બોલ્યો.
"અરે હા આજે પણ ચૌદશ છે..તો પછી આને આજે જ આને મારી ને નવમી બલી આપીને તમે બધી શકિતઓ મેળવી શકશો."
"હા આજે જ હું બની જઈશ સર્વ શક્તિમાન.."આટલું બોલી ઠાકુર અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં.. એમનું અટ્ટહાસ્ય અત્યારે આખી હવેલીને ધ્રુજાવી મૂકે એટલું ભયાનક હતું.
                            ***********
શીલા અત્યારે ઠાકુર પ્રતાપસિંહ ની કેદમાં છે એ વાતથી બેખબર કબીર મહાદેવ મંદિરમાં હરગોવન મહારાજની ઓરડીમાં બેસી રહ્યો..કબીર તો એ વાતથી પણ અજાણ હતો કે આજે જ ઠાકુર બલી આપવાનો છે કેમકે એને ખબર હતી ત્યાં સુધી તો ઠાકુર પ્રતાપસિંહ પોતાની બલી ની નાપાક હરકત ને પોષ સુદ ચૌદશ એટલે કે કાલે કરવાનો હતો..પણ તિથિ ની પળોજણ માં કબીર નાં ધ્યાન બહાર એ વાત જતી રહી હતી કે આજે પણ ચૌદશ જ હતી.
કબીર તો આજની રાત રાધાનાં આગમનની રાહ જોઈ ને બેઠો હતો..રાધા આવે એટલે એની મદદથી કબીર ઠાકુર પ્રતાપસિંહ અને એની હુકુમત નો અંત કરવાનું વિચારીને બેઠો હતો.આરતી પછી હરગોવનભાઈ એ ખીચડી અને કઢી બનાવી જેને આરોગ્યાં બાદ કબીર હરગોવન મહારાજ ને ખાટલામાં સુવાનું કહી પોતે નીચે જ જમીન પર એક ઓશીકું મૂકી સુઈ ગયો.
રાતનાં દસેક વાગ્યાં હતાં ત્યાં ઓરડીનાં બારણે કોઈએ ટકોરાં માર્યાં એટલે કબીર ફટાફટ ઉભો થઈને બાથરૂમમાં છુપાઈ ગયો અને હરગોવન મહારાજે પૂછ્યું.

"કોણ છે ત્યાં..?"
"હું નટુ છું.."બહારથી નટુ નો અવાજ આવ્યો.
નટુ નો અવાજ સાંભળી કબીરે રાહતનો શ્વાસ લીધો અને બાથરૂમની બહાર આવીને ઓરડીનો દરવાજો ખોલ્યો..કબીરે નટુ ની પાછળ પાછળ કોઈ આવ્યું તો નથી એ ચેક કર્યું અને પછી નટુ ને ફટાફટ અંદર આવવાં કહ્યું.
નટુ નાં અંદર આવતાં જ કબીરે ઓરડીનો દરવાજો બંધ કર્યો અને નટુને ઉદ્દેશીને કહ્યું.
"નટુ જીવાકાકા નો પરિવાર હેમખેમ અમદાવાદ પહોંચી તો ગયો ને..?"
"હા એ બધાં ને હેમખેમ તમારાં દોસ્તાર જોડે પહોંચાડી દીધાં.."નટુ એ કહ્યું.
"સરસ.."નટુ ની વાત સાંભળી કબીર બોલ્યો.
"પણ મોહન તે અમારાં બધાંથી એક વાત છુપાવી છે.."નટુ એ કબીર તરફ જોઈને કહ્યું.
"મેં તમારાંથી કઈ વાત છુપાવી છે.."આશ્ચર્ય સાથે કબીરે કહ્યું.
"એજ કે તું પરણિત છે..અને તારી શીલા નામે પત્ની પણ છે.."નટુ બોલ્યો.
નટુ ની વાત સાંભળી કબીર થોડો બઘવાયો અને અચકાતાં બોલ્યો.
"અરે હા હું પરણિત છું પણ તને કઈ રીતે ખબર પડી આ બધી..ક્યાંક મનિષે તો તને આ બધું નથી કહ્યું ને..?"
"હા મનિષ ભાઈએ જ કહ્યું કે તું પરણિત છે અને એક બીજી વાત પણ કહી કે તું નજીકમાં બાપ પણ બનવાનો છે.."નટુ એ હસતાં હસતાં કહ્યું.
"શું કહ્યું હું બાપ બનવાનો છું..અરે નટુ આ તો મારી જીંદગી ની સૌથી શ્રેષ્ઠ પળ છે.."કબીરે નટુને ગળે લગાવતાં કહ્યું.
"કેમ તને આ બધી ખબર નહોતી..?"નટુ એ કબીર ની તરફ જોઈને નવાઈ સાથે પૂછ્યું.
"મને ક્યાંથી ખબર હોય..મેં તો હમણાં થી શીલા જોડે વાત પણ નથી કરી.."કબીર બોલ્યો.
"અરે ભલે ફોન પર વાત ના કરી હોય પણ આજે ભાભી એ રૂબરૂ આવીને તો તમને આ ખુશખબર આપી હશે ને..?"નટુ એ પ્રશ્ન કર્યો.
"નટુ તું શું કહેવા માંગે છે..મને કંઈ સમજાતું નથી.."કબીર બોલ્યો.
"મને મનિષ ભાઈએ કહ્યું કે આજે સવારે પાંચ વાગે અમદાવાદ થી ઉપડતી ટ્રેઈનમાં શીલા ભાભી તને મળવા અહીં આવવાનાં હતાં.."નટુ એ ફોડ પાડતાં કહ્યું.
"તો પછી શીલા હજુ સુધી આવી કે નહીં..?"કબીર ને મનમાં ધ્રાસકો પડ્યો હોય એવાં હાલતમાં બોલ્યો.
કબીર અને નટુ ની વાત સાંભળી રહેલાં હરગોવન મહારાજ કંઈક યાદ આવતાં બોલ્યાં.
"કબીર..આજે સાંજે ઠાકુરનો દીકરો વીર કોઈ સ્ત્રીને પોતાની ગાડીમાં બેસાડી કોઠી તરફ લઈ જતો હતો..શાયદ એ શીલા તો નહોતી ને..?"
હરગોવન મહારાજ ની વાત સાંભળી કબીરનું માથું ભમવા લાગ્યો..પોતે આટલાં સમયથી શીલા જોડે કેમ વાત ના કરી એ વિચારી એ મનોમન પોતાની જાતને ભાંડી રહ્યો હતો..શીલા જોડે પોતે કબીર રાજગુરુ રૂપે મોજુદ હતો એનું રહસ્ય ભલે જે કંઈપણ હોય પણ પોતે શીલા નાં બાળકનો પિતા બનવાનો હતો એ વાત અત્યારે મહત્વની હતી.
પોતાની ગર્ભવતી પત્ની અને આવનારાં બાળકની ચિંતા થતાં કબીર નાં હોશ-કોશ ગાયબ થઈ ગયાં અને એ પોતાનું માથું પકડી ચિંતીત વદને ખાટલા પર બેસી ગયો..!!
                            ★★★★★★
વધુ આવતાં અંકમાં.
શું કબીર શીલાનો જીવ બચાવી શકશે..?..મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કઈ રીતે થશે ઠાકુરનો અંત..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ 
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક 
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
                                   -દિશા.આર.પટેલ