Ruh sathe ishq return - 6 books and stories free download online pdf in Gujarati

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 6

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 6

બીજાં દિવસે પણ કબીર થોડો મોડો જ ઉઠ્યો..કબીરની આંખ ખુલી ત્યાં સુધીમાં જીવાકાકા આવી ગયાં હતાં અને કબીરનાં કપડાં ધોવા માટે લઈ ગયાં હતાં.ગઈકાલ રાતે એક યુવતીને વુડહાઉસની પાછળ ઘૂમતી જોઈ હતી એ વાત જીવાકાકાને કરવાનું કબીરે વિચાર્યું પણ થોડીવારમાં જ એને એમ થયું કે આ કંઈ મોટી વાત નથી એટલે કબીરે એ વિષયમાં ચૂપ રહેવું જ ઉચિત સમજ્યું.

પોતાનાં રૂમમાંથી નીકળી કબીર નીચે આવ્યો એટલે જીવાકાકા એ ચા-નાસ્તો આપ્યો..ચા-નાસ્તો કરી કબીર પુનઃ પોતાનાં રૂમમાં આવી સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી નીચે આવ્યો.

"કાકા,તમે કહ્યું હતું કે ઠાકુર સાહેબ આજે આવવાનાં હતાં.. તો એ આવ્યાં કે નહીં..?"નીચે આવીને કબીરે જીવાકાકા ને પૂછ્યું.

"હા કાલે જ મને તમારી કાકી એ કીધું કે ઠાકુર સાહેબ કાલે રાતે આવવાનાં હતાં.."કબીરનાં સવાલનો જવાબ આપતાં જીવાકાકા બોલ્યાં.

"તો પછી હું એમને જઈને મળતો આવું..આવી સજ્જન વ્યક્તિની મુલાકાત તો કરવી જ જોઈએ.."કબીર બોલ્યો.

"હા સાહેબ..તમે એક વાર ઠાકુર સાહેબને મળશો એટલે જાણી જશો કે એ કેટલાં ઉચ્ચ વિચારો ધરાવતાં વ્યક્તિ છે.."જીવાકાકા એ કહ્યું.

"કાકા,ઠાકુર સાહેબની હવેલી ક્યાં આવી એ જણાવશો તો હું જલ્દી ત્યાં પહોંચી જઈશ.."કબીરે કહ્યું.

"ઠાકુર સાહેબની હવેલી ને લોકો કોઠી તરીકે જાણે છે..આ વુડ હાઉસ જેમ શિવગઢની આથમણી બાજુ છે એનાંથી વિપરીત ઠાકુર સાહેબની કોઠી શિવગઢની ઉગમણી તરફ છે..ગામમાં જે મહાદેવ નું મંદિર છે ને એની ડાબી તરફ જતી સડક જ્યાં અટકે એજ ઠાકુર પ્રતાપસિંહની આલીશાન કોઠી.."જીવાકાકા એ ઠાકુર પ્રતાપસિંહની કોઠીનો રસ્તો બતાવતાં કબીરને કહ્યું.

"સારું ત્યારે કાકા હું નીકળું..બપોરે જમવાનું નક્કી નહીં.. એટલે તમે નકામી મહેનત ના કરતાં.."આટલું બોલી કબીર પોતાની ફોર્ચ્યુનર લઈને ઠાકુર પ્રતાપસિંહની હવેલી તરફ જવા નીકળી પડ્યો.

શિવગઢમાંથી પસાર થતી વખતે કબીરની ફોર્ચ્યુનર કાર જેવી શિવ મંદિર જોડેથી પસાર થઈ એજ સમયે અનાયાસે જ કબીરે પોતાની ગાડીને બ્રેક કરી થોભાવી દીધી.ભગવાન શંકર કબીરનાં ઈષ્ટદેવ હતાં એટલે અહીં આવ્યો જ હતો તો એમનાં દર્શન કરીને જ નીકળવું જોઈએ એવું શિવને લાગ્યું..આ ઉપરાંત મંદિરના પૂજારી હરગોવન ભાઈને પણ એ મળવાં ઈચ્છતો હતો કેમકે પ્રથમ મુલાકાતમાં એમની સાથે થયેલાં વાર્તાલાપ પછી કબીરને હરગોવન ભાઈ બહુ ઉમદા વ્યક્તિ લાગ્યાં હતાં.

કબીર જ્યારે શિવ મંદિર પહોંચ્યો ત્યારે દસ વાગી ગયાં હતાં અને દર્શનાર્થે આવતાં લોકોની ભીડ પણ ઘટી ગઈ હતી.કબીર મંદિરમાં પ્રવેશ્યો અને નતમસ્તક થઈ દેવો નાં દેવ મહાદેવનાં દર્શન કર્યાં. કબીર દર્શન કરી હજુ પાછો જ ઘૂમ્યો હતો ત્યાં હરગોવન ભાઈ એની સામે પ્રસન્ન મુદ્રામાં ઉભાં હતાં.. કબીરે એમને પણ હાથ જોડી નમન કર્યાં અને કહ્યું.

"જય મહાદેવ.."

"હર હર મહાદેવ.."સામે પ્રત્યુત્તર માં હરગોવન મહારાજે કહ્યું.

કબીરે પોતાનાં ખિસ્સામાંથી પાંચસો ની બે નોટ મહારાજ નાં હાથમાં મુકતાં કહ્યું.

"લો આ રકમમાંથી સાંજે પ્રસાદ કરી દેજો અને કંઈ વધે તો ગાય-કૂતરાં માટે કંઈક સામગ્રી લાવી દેજો.."

કબીરનાં હાથમાંથી એ રકમ લઈ હરગોવન મહારાજે કબીરને આશીર્વાદ આપ્યાં અને કહ્યું.

"બેટા આજે આ તરફ ફક્ત દર્શન કરવા જ આવ્યો હતો કે પછી બીજું કંઈ કારણ હતું આ તરફ આવવાનું.."

"આમ તો ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી તરફ જતો પણ મહાદેવનો હુકમ થયો અને ગાડીને અહીં જ બ્રેક કરીને અંદર આવી ગયો.."કબીર બોલ્યો.

ત્યારબાદ હરગોવન મહારાજ જોડે થોડી ઘણી વાતચીત કર્યાં બાદ કબીર એમની રજા લઈને મંદિરમાંથી નીકળી પોતાની ગાડીમાં બેઠો અને પોતાની કારને ભગાવી મુકી ઠાકુર પ્રતાપસિંહ ની હવેલીની તરફ.

*********

કબીર રોડની સમાંતર પોતાની ગાડી હંકાવતો હંકાવતો એક વિશાળ મકાનનાં ગેટ જોડે આવીને ઉભો રહી ગયો..કબીરે જેવી ગાડી બ્રેક કરી એવો જ એક ચોકીદાર કબીરની ગાડીની નજીક આવ્યો..એને આવતો જોઈ કબીરે ગાડીનો કાચ નીચે ઉતાર્યો અને પોતાનો ચહેરો બહાર નીકાળીને કહ્યું.

"ઠાકુર સાહેબને કહો કે તમારાં વુડહાઉસ અત્યારે જે કબીર રાજગુરુ નામનાં લેખક રહેવાં આવેલાં છે એ તમને મળવાં આવ્યાં છે.."

"હા સાહેબ..હું ઠાકુર સાહેબને કોલ કરી જાણ કરી દઉં..પછી તમને અંદર જવા દઉં.."કબીર નું માન જાળવતાં એ ચોકીદારે કહ્યું.

"સારું.."કબીરે ટૂંકમાં કહ્યું.

બે-ત્રણ મિનિટ બાદ એ ચોકીદાર દોડીને પાછો આવ્યો અને કબીરને ઉદ્દેશીને બોલ્યો.

"સાહેબ તમે અંદર જઈ શકો છો..ઠાકુર સાહેબે તમને અંદર આવવાં દેવાની રજા આપી છે."

એ ચોકીદારે ગેટ ખોલ્યો એ સાથે જ કબીર પોતાની ગાડી લઈને કોઠીનો લોખંડનો મોટો ગેટ ઓળંગી કોઠીની અંદર પ્રવેશ્યો.કોઠીની અંદર પ્રવેશતાં જ કબીર સમજી ગયો કે આ કોઠી કોઈ મહેલથી કમ નહોતી.આકર્ષક ડિઝાઈન ધરાવતું મુખ્ય ભવન,સુંદર બગીચો, ફુવારા, સ્વિમિંગ પુલ,જિમ બધીજ સુવિધાઓ જેની કલ્પના તમે એક ઘરમાં કરતાં હોય એ બધી જ આ ઠાકુર પ્રતાપસિંહ ની કોઠી પર મોજુદ હતી.બાંધકામ બધું હમણાં જ થયું હોય એવું જોતાં જ સમજી શકાતું હતું.

કબીરની ગાડી જેવી થોડી આગળ વધી ત્યાં એક વ્યક્તિએ કબીર ને ગાડી પાર્ક કરવાનો રસ્તો બતાવ્યો..એ વ્યક્તિ પણ ઠાકુર સાહેબનો કોઈ મુલાજીમ હોવાનું માલુમ પડતું હતું.કબીરે જેવી ગાડી પાર્કિંગમાં જઈને પાર્ક કરી એ સાથે જ એ વ્યક્તિ દોડીને કબીરની જોડે આવ્યો અને બોલ્યો.

"સાહેબ આ તરફ આવો..ઠાકુર સાહેબ બહાર બગીચામાં જ બેઠાં છે.."

કબીરે ધ્યાનથી જોયું તો એ નોકરનો ચહેરો કોઈની સાથે મળતો હોય એવું લાગી રહ્યું હતું..કબીરે એને ઉદ્દેશીને કહ્યું.

"તું જીવાકાકા નો દીકરો બંસી છે ને..?"

"હા,મારુ નામ બંસી છે અને તમારું નામ કબીરભાઈ..પિતાજી એ તમારાં વિશે જણાવ્યું હતું..આવો ઠાકુર સાહેબ તમારી જ રાહ જોવે છે.."કબીરનાં સવાલનાં જવાબમાં બંસી બોલ્યો.

બંસી ની પાછળ પાછળ કબીર ચાલીને બગીચાની એ જગ્યાએ આવ્યો જ્યાં ઠાકુર પ્રતાપસિંહ બેઠાં હતાં..બગીચામાં એક હિંચકો હતો અને એની નજીક ચાર સુંદર વુડન ચેર અને એની વચ્ચે એક કાચની ત્રિપાઈ મુકીને બેઠક બનાવાઈ હતી.એક વુડન ચેર પર બેઠેલાં વ્યક્તિ કબીરને જોઈને એને સત્કારવા ઉભાં થયાં જે ઠાકુર પ્રતાપસિંહ જ હોવાં જોઈએ એ કબીર જોતાં જ સમજી ગયો.સફેદ રંગનાં પેન્ટ શર્ટમાં સજ્જ,ગળામાં સોનાની ચેન,હાથમાં સોનાની લકી,પગમાં મોજડી,અણીયારી મુછ અને પાણીદાર આંખો ઠાકુર પ્રતાપસિંહનાં વ્યક્તિત્વને ઓર નિખારી રહી હતી.

"નમસ્કાર લેખક મહોદય.."કબીરની સામે બે હાથ ભેગાં કરી નમસ્કાર કરતાં ઠાકુર પ્રતાપસિંહ બોલ્યાં.

"નમસ્કાર ઠાકુર સાહેબ.."કબીરે પણ એમની સામે હાથ જોડી કહ્યું.

"બેસો લેખક મહોદય.."કબીર ને પોતાની સામે પડેલી ખુરશીમાં બેસવાનો આગ્રહ કરતાં ઠાકુરે કહ્યું.

કબીરે એમની વાત નો સ્વીકાર કરતાં ખુરશીમાં સ્થાન લીધું..કબીરનાં બેસતાં જ ઠાકુરે બંસીને અવાજ આપીને ચા અને નાસ્તો લાવવાનો આદેશ આપ્યો.

"બોલો લેખક શ્રી,રહેવામાં કોઈ તકલીફ તો નથી પડી રહી ને..?જો ત્યાં ના ફાવતું હોય તો તમે અમારી આ હવેલીમાં આવીને રહી શકો છો.."કબીરને ઉદ્દેશીને ઠાકુર સાહેબે કહ્યું.

"અરે ના ના મહોદય..તમારાં દ્વારા જે સગવડ પુરી પાડવામાં આવી છે એ બદલ તમારો ઉપકાર માનવો ઘટે."કબીરે સ્મિત સાથે કહ્યું.

"અરે મનિષ નાં પિતાજી મારાં મિત્ર થાય અને મનીષે કોલ કરી મને જાણ કરી કે કબીર રાજગુરુ આવવાનાં છે મારાં વુડહાઉસમાં રહેવા તો પહેલાં તો મને તમારાં વિશેનો વધુ પરિચય હોવાથી એમાં કંઈ નવું ના લાગ્યું પણ જ્યારે મારાં દીકરા વીર સિંહ ને જ્યારે ખબર પડી કે તમે અહીં શિવગઢમાં રહેવા આવવાનાં છો તો એને મને તમારાં વિશે જાણ કરી કે તમે કેટલાં મોટાં લેખક છો બાકી અમરાં માટે તો કાળો અક્ષર ભેંશ બરાબર છે.."હસીને ઠાકુરે કહ્યું.

"ઠાકુર સાહેબ ત્યાં વુડહાઉસની બનાવટ અને આ વિસ્તારનું કુદરતી વાતાવરણ મારી લેખન પ્રવૃત્તિ માટે ઉત્તમ છે..એ સિવાય તમે ત્યાં રાખેલાં જીવાકાકા પૂરું મન લગાવીને મારી દરેક નાની-મોટી જરૂરિયાત નો ખ્યાલ રાખે છે.."કબીરે વાત આગળ વધારતાં કહ્યું.

એટલામાં બંસી ચા-નાસ્તો લઈને ત્યાં આવ્યો એટલે કબીરે અને ઠાકુર પ્રતાપસિંહ દ્વારા ચા-નાસ્તા ને ન્યાય આપવામાં આવ્યો.થોડી ચુપ્પી બાદ કબીરે કહ્યું.

"હું તો જે દિવસે આવ્યો એ દિવસથી જ તમને મળવા આતુર હતો પણ જીવાકાકા એ કહ્યું તમે અહીં શિવગઢમાં હાજર નહોતાં..આજે તમે આવ્યાં એની જાણ થઈ એટલે તુરંત આપને મળવા આવી પહોંચ્યો.."

"ખૂબ સારું કર્યું..તમે ના આવ્યાં હોત તો હું ત્યાં આવવાનો હતો..આતો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં MLA ઉમેદવાર માટેની ટીકીટ લેવાની છે તો એ સિલસીલા માં દિલ્હી જતો આવ્યો.."પોતે કેમ શિવગઢમાં હાજર નહોતાં એનું કારણ જણાવતાં ઠાકુર સાહેબે કહ્યું.

"અરે આ તો ખૂબ સારાં સમાચાર છે..તો શું થયું વાત આગળ વધી કે નહીં..?"કબીરે સવાલ કર્યો.

"લગભગ બધું ફાઈનલ જ છે..દસેક દિવસમાં ફરીવાર દિલ્હી જવાનું થશે એટલે એ વખતે ખબર પડી જશે.."અવાજમાં ઉત્સાહ સાથે પ્રતાપસિંહ એ કહ્યું.

"આપને ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ.."કબીરે સ્મિતપૂર્વક કહ્યું.

"આભાર આપનો.."ઠાકુરે ટૂંકમાં કહ્યું.

ત્યારબાદ કબીર અને ઠાકુર પ્રતાપસિંહ વચ્ચે અહીં-તહીં ની વાતો થઈ..જેમાં કબીરને ખબર પડી કે ઠાકુર સાહેબની પત્ની સાતેક વર્ષ પહેલાં પગ લપસીને સીડીઓ પરથી ગબડી પડતાં મૃત્યુ પામી હતી..ઠાકુર નો દીકરો વીર ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરતો હતો અને એનાં એક કામનાં અંતર્ગત એ અત્યારે સિંગાપોર હતો.કબીરે પણ પોતાનાં અને શીલા વિશે ઉપરછલ્લી માહિતી ઠાકુર પ્રતાપસિંહ ને જણાવી.

બપોરે સાડા બાર વાગ્યાં સુધી કબીર અને ઠાકુર વચ્ચે વાતચીત થતી રહી..બંસી એ આવીને જમવાનું પીરસાઈ ગયું છે એવું ઠાકુર સાહેબને કહ્યું તો એમને કબીરને પણ પોતાની સાથે જમવા માટે આમંત્રિત કર્યો..પહેલાં તો કબીરે ઘણી આનાકાની કરી પણ આખરે ઠાકુર પ્રતાપસિંહ જેવાં મોભેદાર વ્યક્તિની વાત નો અસ્વીકાર કરી એમનું મન દુભાવવા કબીર નહોતો ઈચ્છતો એટલે ઠાકુર પ્રતાપસિંહ ની પાછળ-પાછળ એ એમની હવેલીની મુખ્ય ઈમારતમાં પ્રવેશ્યો.

અંદર પહોંચતા જ કબીર નું માથું થોડું ભારે થઈ ગયું..એની આંખો ઉપર જાણે વજનીયા ગોઠવી દેવાયાં હોય એવો અહેસાસ એને થઈ રહ્યો હતો.કબીરને સમજાયું નહીં કે આવું એની સાથે અચાનક કેમ થઈ રહ્યું છે..છેલ્લાં ચાર દિવસમાં બીજી વાર કબીરની સાથે આવું થયું હતું.કબીરે જેમ-તેમ કરી પોતાની જાતને સંભાળી અને ઠાકુર ની પાછળ ડાઈનીંગ ટેબલ પર જઈને ગોઠવાઈ ગયો.

ઈમારતમાં પ્રવેશતાં જ કબીરની નજર આજુબાજુ ઘુમવા લાગી..ઇમારતની અંદરની બનાવટ બેનમુન હતી.ઇન્ટીરિયર પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હોય એવું જોતાં જ સમજી શકાતું હતું..સુંદર રાચરચીલું,આકર્ષક માર્બલ ડિઝાઈન,ભવ્ય પેઈન્ટીંગ અને ખુબજ મોંઘા ઝુમ્મર હવેલીની શોભાને નિખારી રહ્યાં હતાં.

બંસી એ કબીરની સામે પણ થાળી ગોઠવી અને એમાં જમવાનું પીરસી દીધું..ઠાકુર સાહેબનાં કહેવા પર કબીરે જમવાનું શરૂ કર્યું.બંસી નાં હાથ માં પણ એનાં પિતાજી નાં જેવી કારીગરી હતી.કબીરે જમવાનું પૂર્ણ કરી પોતાની ખાતીરદારી બદલ ઠાકુર પ્રતાપસિંહ નો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો.

આંગણે આવેલાં મહેમાન ને ઠાકુર છેક પાર્કિંગ સુધી મુકવા ગયાં.જતી વખતે કબીર સાથે હાથ મિલાવી એને વિદાય આપી.પ્રતાપસિંહ સાથે જેવો કબીરે હાથ મિલાવ્યો એ સાથે જ એનાં મનમાં એક ઝબકારો થયો અને એની આગળ પોતાને ઘણાં વર્ષોથી આવતાં સપનાં નું સૌથી ભયાવહ દ્રશ્ય ઉભરી આવ્યું.કબીરે તુરંત પોતાનો હાથ ઠાકુર પ્રતાપસિંહ નાં હાથમાંથી છોડાવી લીધો.

આવું કેમ થઈ રહ્યું હતું એ વાતથી બેખર કબીરે પોતાની જાત ને મહાપરાણે સ્વસ્થ કરી કારણકે પોતાની મનોસ્થિતિ નો અંદાજો કોઈને આવવા દે એવું કબીર ઈચ્છતો નહોતો.ફિક્કું હસતાં હસતાં કબીરે ઠાકુર સાહેબનું હાથ જોડી અભિવાદન કર્યું અને પછી પોતાની કારમાં ગોઠવાયો.કબીરે ગાડીનું એક્સીલેટર દબાવ્યું અને ગાડીને હવેલીનાં ગેટ તરફ ભગાવી મુકી.કબીર નાં સાથે કંઈક તો બન્યું હતું એવો અંદાજો પ્રતાપસિંહ ને આવી તો ગયો હતો પણ એ વિશે વધુ વિચારવાનાં બદલે એ પુનઃ હવેલીની મુખ્ય ઈમારતમાં પ્રવેશ્યાં.

હવેલીનો ગેટ બંધ હતો એટલે કબીરે ગાડીને ગેટ જોડે થોભાવી.કબીરની ગાડીનો અવાજ સાંભળી ગેટ ઉપર હાજર ચોકીદાર ગેટ ખોલવા ઉભો થયો.ચોકીદાર ગેટ ખોલતો હતો એ દરમિયાન કબીરે સાઈડ મીરરમાં જોયું તો એક સ્ત્રી એની કારની તરફ વિચિત્ર નજરે જોઈ રહી હોવાનું માલુમ પડ્યું.

એ સ્ત્રીનાં પહેરવેશ પરથી એ કોઈ સામાન્ય સ્ત્રી લાગતી હતી..લગભગ કામવાળી બાઈ હોવી જોઈએ એવું કબીરે અનુમાન લગાવ્યું.એ સ્ત્રીનાં હાવભાવ અને એની આંખો જાણે પોતાને કંઈક કહેવા માંગતી હોય એવું કબીરને લાગ્યું..એ સ્ત્રી કોણ હતી એ વિશે કબીર વધુ ક્યાસ લગાવે એ પહેલાં ગેટ ઉઘડી ગયો અને કબીર પોતાની ફોર્ચ્યુનર કાર લઈને વુડહાઉસ તરફ જતાં રસ્તા તરફ નીકળી પડ્યો..!!

★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED