રૂહ સાથે ઈશ્ક રિટર્ન 35 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 35

                   રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 35

રાધા ની મોત માટે જવાબદાર રાજુ અને ગિરીશનો ખાત્મો થઈ ગયાં બાદ કબીરે નવું નિશાન બનાવ્યાં હતાં ઠાકુર પ્રતાપસિંહ ને..આ માટે પહેલાં તો કબીરે બંસી ની પત્ની કંચન ને સપરિવાર અમદાવાદ પહોંચાડી દીધી..પણ બીજી તરફ કબીર ની ગર્ભવતી પત્ની શીલા પોતાનાં લખેલાં લેટરનાં કારણે એ ઠાકુરની ગિરફતમાં પહોંચી ગઈ હતી અને એની આજે બલી પણ આપવામાં આવનાર હતી..આ વાત નટુ દ્વારા જ્યારે કબીરને ખબર પડે છે ત્યારે એ પોતાની પત્ની અને આવનારાં બાળક વિશે વિચારી વ્યથિત થઈ જાય છે.
કબીરને વ્યથિત થયેલો જોઈ હરગોવન નટુ એની સમીપ આવી એનાં ખભે પોતાનો હાથ મૂકી બોલ્યો
"મોહન..તું આમ નિરાશ ના થઈશ..કોઈને કોઈ રસ્તો જરૂર નીકળી જશે અને આમ પણ ઠાકુર બલી તો કાલે જ આપવાનો છે..ત્યાં સુધી શીલાભાભી ને બચાવવાનો કોઈ રસ્તો જડી જશે"
નટુ જ્યારે કબીર ને સાંત્વના આપી રહ્યો હતો ત્યારે હરગોવન મહારાજ પોતાનાં કપાળને હાથ ની આંગળીઓથી દબાવતાં બોલ્યાં.
"કબીર..ઠાકુર કાલે નહીં પણ આજે જ બલી આપશે.."
ઠાકુર ની વાત સાંભળી કબીર જાણે 440 વોલ્ટનો કરંટ લાગ્યો હોય એમ ખાટલામાંથી સ્પ્રિંગ ની માફક ઉછળી પડતાં બોલ્યો.
"શું કહ્યું..ઠાકુર આજે બલી આપશે.?.પણ આજે તો હજુ તેરસ થઈ.."
"દીકરા આ મહિનામાં અજવાળી તેરસ છે જ નહીં..પણ એનાં બદલામાં બે ચૌદશ છે..અને મને નથી લાગતું કે હવે ઠાકુર હાથમાં આવેલો શિકાર છટકવાનો કોઈપણ માર્ગ ખુલ્લો રાખે..એ આજે જ તારી પત્નીની બલી આપશે.."ગંભીર ચહેરે મહારાજે કહ્યું.
"હું એ ઠાકુરને જીવતો નહીં મુકું..જો શીલા ને કંઈપણ થયું તો એ ઠાકુર ની મોત જોઈ યમરાજા પણ કાંપી ઉઠશે.."આવેશ માં આવી કબીર બોલ્યો.
"મોહન,આ સમય નથી આમ ગુસ્સામાં આવી કંઈપણ કરવાનો..અત્યારે ઠાકુરની કોઠી પર એનાં બે સશસ્ત્ર સિક્યુરિટી ગાર્ડ અને બીજાં માણસો ઉપરાંત વીર પણ એની જોડે હાજર હશે..તું ભૂલેચૂકે એવું કોઈ પગલું ભરીશ તો મોત ને ભેટીશ.. અને પછી તારી પત્ની અને બાળક ને બચાવવાનો કોઈ ઉપાય નહીં વધે.."કબીર ને શાંત કરતાં નટુ બોલ્યો.
"તો નટુ આગળ શું કરીશું..?"કબીર નંખાયેલાં અવાજે બોલ્યો.
કબીર નાં આ સવાલ નો જવાબ તો ના નટુ જોડે હતો ના હરગોવન મહારાજ જોડે..થોડા સમય માટે એ નાનકડી ઓરડીમાં ચુપકીદી રહી.થોડું વિચાર્યા બાદ હરગોવન મહારાજે પોતાનો વિચાર રજૂ કરતાં કહ્યું.
"કબીર,આ સમય એવો નથી જ્યાં તું વરુ કે કોઈ શિયાળની માફક વર્તે..આ સમય છે વાઘ ની જેમ વર્તવાનો..ઠાકુર ને બલી આપવાં માટે ટેકરી પર આવેલ દેવી નાં મંદિરે જવું જ પડશે તો તું એ શિકારી નો શિકાર કરવાં ત્યાં પહેલેથી જાળ બીછાવી ને તૈયાર રહે.."
હરગોવન મહારાજ ની વાત સાંભળી કબીરે પણ પોતાનાં ગુસ્સાને થોડો કાબુમાં કર્યો અને હવે આગળનું દરેક પગલું સમજી વિચારીને ભરવાનું મનોમન નક્કી કર્યું.
"નટુ તું ચાલ મારી સાથે..આપણે એ લોકો દેવીનાં મંદિરે પહોંચે એ પહેલાં ત્યાં પહોંચી જઈએ.."નટુ ને ઉદ્દેશીને કબીર બોલ્યો.
"હા..ચાલ ચાલ.."નટુ તરત કબીર સાથે જવા તૈયાર થઈ ગયો.
ત્યારબાદ હરગોવન મહારાજ નાં આશીર્વાદ લઈ કબીર અને નટુ કબીર ની બાઈક પર બેસી નીકળી પડ્યાં એ ટેકરીનાં ઉપર આવેલાં દેવીનાં મંદિર તરફ..જ્યાં ઠાકુર પ્રતાપસિંહ પોતાની અંધશ્રદ્ધા ને કોઈનો જીવ લઈને શાંત કરતો હતો..આજે ઠાકુર નવમી અને છેલ્લી ગર્ભવતી સ્ત્રીને મારી એની બલી દેવીને આપી પોતે સર્વશક્તિમાન થઈ જશે એવી  દુનિયામાં રાચી રહ્યો હતો.
                            **********
કબીર અને નટુ જેવાં ટેકરી પર પહોંચ્યા એ સાથે જ કબીરે પોતાનું બાઈક ગીચ ઝાડીઓ વચ્ચે મૂકી દીધું અને નટુ ને લઈ ચાલતો જ દેવીનાં મંદિરે પહોંચી ચુક્યો હતો..રાતનાં પોણા બાર વાગી ચુક્યાં હતાં અને ગમે ત્યારે ઠાકુર શીલા અને પોતાનાં સાથીદારો સાથે ત્યાં આવી પહોંચશે એવી ભીતિ સેવાઈ રહી હતી..વાતાવરણ ની નીરવ શાંતિ વાતાવરણ ને રહસ્યમય અને ભયાવહ બનાવી રહી હતી.
કબીરે નટુ ને પોતાનાથી થોડે દુર એક ઝાડ પાછળ છુપાઈ જવા કહ્યું જ્યારે પોતે પણ ત્યાં મંદિર ની જમણી તરફ આવેલ લીમડાનાં ઝાડ પાછળ છુપાઈ ગયો..હવે રાહ જોયાં સિવાય બીજો કોઈ વિકલ્પ એમની જોડે હતો.જો ઠાકુર આજે આવે તો ઠીક છે નહીંતો રાધા નાં આવ્યાં બાદ એની મદદ વડે ઠાકુરની કોઠી ઉપર જઈને જ શીલા ને ઠાકુરની કેદમાંથી છોડાવી ઠાકુરનો ખાત્મો કરવો એવું કબીરે વિચારી લીધું હતું.
લગભગ કલાક સુધી કબીર અને નટુ ત્યાં જ જીવ હથેળી પર રાખીને ઠાકુર નાં ત્યાં આવવાની રાહ જોતાં રહ્યાં.. વચ્ચે વચ્ચે તો બંને ને એવું પણ લાગ્યું કે આજે ઠાકુર ક્યાંક નહીં જ આવે.અચાનક દૂરથી ગાડીનાં એન્જીનનો અવાજ એમનાં કાને પડતાં એ બંને નું ધ્યાન અવાજની દિશામાં ગયું..દૂરથી આવતી ગાડી ની હેડલાઈટનો પ્રકાશ ધીરે-ધીરે તીવ્ર થઈ રહ્યો હતો.
આ બધી ગતિવિધિઓ પરથી કબીર અને નટુ સમજી ગયાં કે ઠાકુર ત્યાં આવી રહ્યો હતો..એકાદ મિનિટ બાદ ઠાકુર પ્રતાપસિંહ ની ગાડી દેવીનાં મંદિરની જોડે આવી ને બ્રેક નાં જોરદાર અવાજ સાથે અટકી..ગાડી બંધ થતાં જ બૂટ નાં ટક ટક અવાજ સાથે કોઈ નીચે ઉતર્યું..કબીરે જોતાં જ અનુમાન લગાવી લીધું એ ઠાકુર હતો..ઠાકુરની પાછળ પાછળ વીર પણ ગાડીમાંથી નીચે ઉતર્યો.
"હુકમ શું કરવાનું છે હવે..?"લાલજી પાછળની સીટમાંથી નીચે ઉતરી ઠાકુર પ્રતાપસિંહ નજીક આવીને ઉભો રહ્યો અને બોલ્યો.
"કરવાનું શું હોય..આ પાછળ જે સ્ત્રી પડી છે એને સાચવીને ત્યાં ઓટલાં પર સુવડાવી દે..ચમન તું પણ આને થોડી મદદ કરજે."પોતાની પાછળ ઉભેલાં પોતાનાં બે ચમચા ને આદેશ આપતાં ઠાકુર બોલ્યો.
ઠાકુરનો હુકમ સાંભળી ચમન અને લાલજી ગાડીની પાછળની સીટ પર બેહોશ પડેલી એક સ્ત્રીને ઉપાડીને લાવીને ઓટલાં ઉપર મૂકે છે..એ બંને આજે પ્રથમ વખત અહીં આવ્યાં હોવાથી એમને આ બધું વિચિત્ર લાગી રહ્યું હતું..કબીરે ધ્યાનથી એ સ્ત્રીનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો..કબીર ને શીલા નો ચહેરો તો પુરેપુરો ના દેખાયો પણ શીલા એ જે કુરતો પહેર્યો હતો એ પોતે જ એને લઈ આપ્યો હોવાનું કબીર ને તુરંત યાદ આવી ગયું..ઠાકુર જેની બલી આપવાનો હતો એ શીલા જ હતી..અત્યાર સુધી કબીરને એમ હતું કે આ સ્ત્રી એ પોતાની સચ્ચાઈ પોતાનાથી છુપાવી છે એટલે એને શીલા તરફ નફરત થઈ હતી..હજુ શીલા હકીકતમાં કોણ છે એ પણ કબીર માટે પ્રશ્નાર્થ જ હતો.
છતાં જે કંઈપણ હતું એનાં કરતાં એ મહત્વનું હતું કે સામે ઓટલાં પર મોતનાં મુખમાં પડેલી ઔરત જોડે પોતે સાત વર્ષોથી ઘરસંસાર માંડીને બેઠો હતો..તન અને મન બધી રીતે શીલા ને એને પ્રેમ આપ્યો હતો અને એનાં જ ફળ સ્વરૂપ શીલા આજે માં બનવાની સ્થિતિમાં આવી હતી..શીલા પોતાનાં બાળકની માં બનવાની હતી એ અત્યારે તો કબીર માટે સૌથી વધુ અગત્યની બાબત હતી.
ઠાકુર પ્રતાપસિંહ હવે બલી આપવાનાં પોતાનાં મનસૂબાને અંજામ આપવાની અણી પર આવીને ઉભો હતો..ઠાકુરે પોતાનાં કપડાં પહેલાં તો બદલી દીધાં.. શરીર પર કપડાં નાં નામે હવે એક ધોતિયું જ વધ્યું હતું..ઠાકુરે ત્યારબાદ પોતાનાં જોડે લાવેલી પૂજાની સામગ્રીમાંથી ભભૂત લઈને પોતાનાં ખુલ્લાં ડીલ પર લગાવી દીધી..ત્યારબાદ કુમકુમ વડે પોતાનાં કપાળ પર તિલક કર્યું.પોતાનાં કપાળ પર તિલક કર્યા બાદ ઠાકુરે થોડું કુમકુમ શીલાનાં કપાળ પર લગાવી દીધું.
ત્યારબાદ ઠાકુર મંત્રોચ્ચાર કરવા લાગ્યો..શીલા ની બલી આ મંત્રોચ્ચાર અટકે એટલે અપાઈ જશે એવું રાધાએ એને કહેલી ઠાકુરની બલીની પેટર્ન પરથી સમજણ હતી..માટે આ જ સમય હતો ઠાકુરને અહીં જ ખતમ કરી દેવાનો..કબીરે પોતાનાં રિવોલ્વર નું નિશાન ઠાકુર પ્રતાપસિંહ તરફ ધર્યું અને ટ્રિગર દબાવી એક ગોળી ઠાકુર પર છોડી દીધી..પણ મંત્રોચ્ચાર કર્યાં પહેલાં ઠાકુર દેવીનાં મંદિરમાં દીવો પ્રગટાવવા નીચે નમ્યો અને ગોળી એનાં ઉપર થઈને પસાર થઈ ગઈ.
ઠાકુર તો બચી ગયો પણ ગોળી છૂટવાનાં અવાજે શાંત વાતાવરણને ધમરોળી મુક્યું..ગોળી નો અને કોઈનાં પગરવનો અવાજ થતાં જ બધાં નું ધ્યાન એ તરફ ગયું..કબીરે બીજી ગોળી પણ ચલાવવાની કોશિશ કરી પણ ટ્રિગર જામ થઈ જતાં ગોળી છૂટી નહીં..અચાનક લાલજી એ છોડેલી ગોળી કબીરનાં માથા ની નજીક ઝાડ નાં થડ જોડે આવીને અથડાઈ.
ધડાધડ એક પછી એક ગોળીઓનો પોતાની પર વરસાદ થઈ રહ્યો છે એવું લાગતાં કબીરે હવે ત્યાંથી પલાયન થવાની યુક્તિ બનાવી..કેમકે એને ખબર હતી કે એ લોકો પોતાનો પીછો જરૂર કરશે..અને થયું પણ એવું જ.ઠાકુરે બધાં ને હુકમ કર્યો કે જઈને એ જે કોઈપણ હતું એને પકડી લાવો અથવા ખતમ કરી દો એટલે લાલજી અને ચમન હાથમાં રિવોલ્વર લઈને કબીરની પાછળ પડ્યાં.
કબીર પણ ખૂબ બુદ્ધિથી કામ લેવાં માંગતો હતો..એને પહેલાંથી જ ઈશારાથી નટુ ને એની જગ્યાએ જ છુપાઈ રહેવા કહ્યું હતું..લાલજી અને ચમન પગલાંનાં અવાજ નો પીછો કરતાં કરતાં કબીરનો પીછો કરવાં લાગ્યાં.. હજુ એમને ખબર નહોતી કે ઠાકુરની ઉપર ગોળી ચલાવનાર આખરે કોણ હતું.
થોડે દુર ચમન અને લાલજી પહોંચ્યા એટલે એમને પગલાં નો અવાજ આવતો બંધ થઈ ગયો..દિશાશૂન્ય અવસ્થામાં ચમન અને લાલજી એ એકબીજા તરફ જોયું..ઈશારાથી જ ચમને લાલજી ને કહ્યું કે એ એક તરફ જાય અને પોતે બીજી તરફ જશે..ચમનની વાત સમજી લાલજી જમણી તરફ કબીરને શોધવા આગળ વધ્યો અને ચમન ડાબી તરફ.
ગાઢ અંધકારમાં ચમન અને લાલજી હાથમાં રિવોલ્વર લઈને ધીરે ધીરે આગળ વધી રહ્યાં હતાં.લાલજી ચારેતરફ ધ્યાનથી જોતાં જોતાં આગળ વધી રહ્યો હતો..દસેક મિનિટ સુધી આમ થી તેમ ભટકયાં બાદ લાલજી એક ઝાડ નાં ટેકે આવીને ઉભો રહ્યો..એ મનોમન હવે પાછાં ઠાકુર પ્રતાપસિંહ ઉભાં હતાં એ તરફ વળી જવું જોઈએ એમ વિચારતો હતો ત્યાં જ અચાનક વીજળીની ગતિએ કોઈકે એક ધારદાર ચાપુ લાલજીનાં ગળા પર ફેરવી દીધું..એક દબાયેલી ચીસ સાથે લાલજીનું કાસળ નીકળી ગયું..
આવું કરનાર બીજું કોઈ નહીં પણ કબીર જ હતો..એ આ પળ ની રાહ જોઇને જ વૃક્ષ ની પાછળ છુપાઈને બેઠો હતો..લાલજીનાં નજીક આવતાં જ કબીરે પોતાનાં બુટમાં છુપાવેલાં ધારદાર ચાકુથી લાલજીની ગરદન વેતરી નાંખી.પોતાની રિવોલ્વર બગડી ગઈ હોવાથી કબીરે તરત લાલજીની રિવોલ્વર લઈ લીધી અને પુનઃ છુપાઈને બેસી ગયો.
લાલજીની આ દબાયેલી ચીસ ઠાકુર કે વીર ને તો ના સંભળાઈ પણ લાલજીથી થોડે જ દૂર મોજુદ ચમન આ ચીસનો અવાજ સાંભળી ગયો અને દોડીને લાલજી જ્યાં મૃતપાય પડ્યો હતો ત્યાં આવી પહોંચ્યો..આછા અજવાસમાં ચમને જોયું તો લાલજી ની વૃક્ષનાં ટેકે મૃત પડ્યો હતો..એ સમજી ગયો કે લાલજીને મારનારો આટલામાં જ ક્યાંક છે..નાનો સરખો અવાજ પણ યોગ્ય રીતે સાંભળવાં ચમને પોતાનાં કાન સરવા કર્યાં.
ચમન આમ તેમ ગોળ-ગોળ ઘૂમી કોઈ આજુબાજુ છે કે નહીં એનું ધ્યાન રાખી રહ્યો હતો ત્યાં એકાએક કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો અને સમજ્યાં વિચાર્યા વગર ચમને અવાજની દિશામાં ગોળી ચલાવી દીધી..પણ ગોળી એક વેંત થી કબીર ને સ્પર્શતાં રહી ગઈ..બીજી જ ક્ષણે કબીરે ચમન પર ગોળી છોડી દીધી જે સીધી ચમનની છાતી ને વીંધતી આરપાર નીકળી ગઈ અને એ જોરદાર કારમી ચીસ સાથે મોત ને ભેટી ગયો.
ચમનની શાંતિ ને ભેદતી ચીસ એટલી જોરદાર હતી કે એનો અવાજ છેક ઠાકુર પ્રતાપસિંહ અને વીરનાં કાને પડ્યો.આ દરમિયાન ઠાકુર પ્રતાપસિંહ તો પોતાની વિધિ પૂર્ણ કરવાની ઉતાવળમાં હતાં.. ઊંચા અવાજે ભાતભાતની મુદ્રાઓમાં નૃત્ય કરતાં ઠાકુર નો મંત્રોચ્ચાર ચાલુ જ હતો..પણ વીર માટે ચમનની ચીસ સાંભળી થોડો સમય પણ ત્યાં ઉભું રહેવું યોગ્ય ના લાગતાં એ પોતાનાં પિતાને કંઈપણ કહ્યાં વગર અવાજની દિશામાં ચાલી નીકળ્યો..પણ વીર ને હજુ એ વાત ની ખબર નહોતી કે મોત એની રાહ જોઇને ત્યાં બેઠું હતું.
"ચમન..લાલજી.."ઝાડીઓ ખસેડીને આગળ વધતાં વધતાં વીર પોતાનાં સાથીદારોને અવાજ આપતાં બોલ્યો.
વીર આખરે ત્યાં પહોંચી ગયો જ્યાં કબીરે ચમન અને લાલજીનું ઢીમ ઢાળી દીધું હતું..વીરે ત્યાં જઈને જોયું તો ચમન અને લાલજી મૃત હાલતમાં જમીન પર પડ્યાં હતાં..એમને જોતાં જ વીરે ગુસ્સામાં આવી ત્રાડ નાંખતો હોય એમ કહ્યું.
"એ..તું જે કોઈપણ હોય આમ સંતાઈને શું વાર કરે છે..દમ હોય તો સામે આવી જા.."
"પહેલાં તું મર્દ હોય તો હાથમાં રહેલું એ રમકડું નીચે ફેંકી દે.."કબીરે ત્યાં જ નજીક એક ઝાડ પાછળથી કહ્યું.
"લે ફેંકી દીધું..હવે આવી જા સામે.."પોતાની રિવોલ્વર ને નીચે ફેંકી વીર બોલ્યો.
"લે ત્યારે હું પણ આવી ગયો સામે.."કબીર પણ વીરની સામે આવીને ઉભો રહી ગયો.
"ઓહ..તો તમે છો..લેખક મહોદય તમારી જ કમી હતી..પિતાજી ત્યાં તારી પત્ની અને બાળકને ખતમ કરશે અને અહીં હું તને.."આવેશમાં આવી વીર બોલ્યો.
વીર નાં આટલું બોલતાં જ કબીર અને વીર સામસામે મલ્લયુદ્ધ કરવાં લાગ્યાં.. ક્યારેક કબીર વીર પર ભારે પડતો તો ક્યારેક વીર કબીર પર.આખરે દસેક મિનિટ ચાલેલી સીધેસીધી લડાઈ બાદ કબીરે વીર ને માત કરી દીધો..લોહીલુહાણ હાલતમાં વીર અત્યારે પોતાની જાન ની કબીર જોડે ભીખ માંગી રહ્યો હતો..પણ વીર જાણતો હતો કે કબીર એને જીવતો નહીં જ મૂકે..કબીર નું ધ્યાન નહોતું એવી તક નો લાભ લઈ વીરે જમીન પર પડેલી પોતાની રિવોલ્વર પાછી ઊંચકી લીધી.
હવે કબીર ને જીવતો મુકવાની થોડી પણ ઈચ્છા ના ધરાવતાં વીરે રિવોલ્વરનું આબાદ નિશાન લઈ એક ગોળી કબીર પર છોડી દીધી.કબીર ને ગોળી સ્પર્શી તો ખરી પણ એને કંઈપણ થયું નહીં..કબીરનું ધ્યાન છેલ્લી ઘડીએ વીર ની હરકત પર પડતાં એને પોતાનો દેહ ઘુમાવી દીધો હતો અને ગોળી એનાં હાથ પર બાંધેલાં હરગોવન મહારાજે એને આપેલાં તાવીજને અડીને જતી રહી હતી..આ જોઈ કબીરે મનોમન મહાદેવનો આભાર માન્યો.
કબીર નાં બચી જવાથી રઘવાયેલાં વીરે બીજી ગોળી કબીર પર છોડી દીધી.કબીરે ગોળી છૂટવાનો અવાજ સાંભળી એ તરફ જોયું પણ ગોળી પોતાની જોડે આવીને હવામાં જ સ્થિર થઈ ગઈ હતી..વીર આ જોઈ અચરજ નો માર્યો બીજી બે ગોળીઓ ઉપરાઉપરી કબીર પર ચલાવી દે છે પણ એ બંને ગોળીઓ પણ હવામાં જ અટકી જાય છે.આ બધું કોણ કરી રહ્યું હતું એ વીર ને તો નહોતું સમજાઈ રહ્યું પણ કબીર સમજી ગયો હતો કે એને બચાવવા અંતિમ ક્ષણે રાધા આવી પહોંચી હતી.
વીર કંઈપણ સમજે એ પહેલાં તો એક વેલાં નો ગાળિયો એનાં ગળામાં આવીને ભરાઈ ગયો અને કોઈ અદ્રશ્ય તાકાત દ્વારા એને જોરદાર ઝટકા સાથે નીચે પાડી દેવામાં આવ્યો..આ ઝટકા નાં લીધે એનાં હાથમાંની રિવોલ્વર પણ નીચે જમીન પર પડી ગઈ હતી..અચાનક એ ગાળીયા નો બીજો છેડો ઝાડ ની એક મજબૂત ડાળી પર થઈને નીચે આવ્યો..આમ થતાં જ પેલી હવામાં સ્થિર ગોળીઓ જમીન પર પડી અને એક સ્ત્રી અવાજ સાથે રાધા કબીરની સામે પ્રગટ થતાં બોલી.
"કબીર,આને પણ એનાં કર્યા ની સજા આપી દે.."
"હા રાધા,આ પણ ડોકટર ગિરીશ નાં ગોરખધંધામાં બરોબરનો ભાગીદાર હતો..એટલે આ પણ દયા ને લાયક તો નથી જ.."દાંત કચકચાવીને કબીર બોલ્યો અને પછી ઝાડ ની બીજી તરફ આવેલી વેલનો મજબૂત છેડો પકડી બળપૂર્વક ખેંચ્યો..આ સાથે જ વીર નો દેહ હવામાં ઊંચો થયો અને શ્વાસ રૂંધાવાથી એ ક્ષણભરમાં તો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો.
વીર નાં અંતિમ શ્વાસ લેતાં જ કબીરે વેલનો છેડો છોડી દીધો અને આવીને રાધા ને લપાઈ ગયો...!!
                            ★★★★★★
વધુ આવતાં અંકમાં.
શું કબીર શીલાનો જીવ બચાવી શકશે..?..મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?રાધા નું શું થશે..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો રજૂ થનારો છેલ્લો ભાગ.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ,મર્ડર@રિવરફ્રન્ટ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ 
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક 
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
                                   -દિશા.આર.પટેલ