રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 9 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 9

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 9

શિવગઢ માં કબીર પોતે તો પોતાની નવી નોવેલ લખવા માટે આવ્યો હતો પણ અહીં આવ્યાં પછી પોતાની સાથે બની રહેલ એકપછી એક ઘટનાઓએ કબીરને નોવેલ મૂકીને એ ઘટનાઓ વિશેનું રહસ્ય શું હતું એ વિશે જાણવા મજબુર કરી મુક્યો હતો.હજુ પણ કબીર થોડી અશક્તિ અનુભવી રહ્યો હતો એટલે એ રાતની બનેલી ઘટનાઓને મગજમાં એકપછી રિવાઈન્ડ કરી રહ્યો હતો.

વિચારતાં વિચારતાં જ કબીર ને એક વિચાર સૂઝયો..

"જો કાલ રાતની માફક એ સ્ત્રી આજે ફરીથી અહીં આવે તો કોઈપણ ભોગે એનો પીછો કરીને આજે તો એ કોણ છે અને પોતે ટેકરી પર ગબડી ગયો હોવાં છતાં અહીં કેવી રીતે આવી પહોંચ્યો એ વિષયમાં સવાલાત કરી જ લેવાં."

બે કલાક બાદ જીવાકાકા કબીર માટે દહીં,ભાત અને મગ લઈને એનાં રૂમમાં આવી પહોંચ્યા..એમને કબીરનાં પલંગ જોડે જ એક ત્રિપાઈ મુકી અને એની ઉપર જમવાનું ગોઠવ્યું.

"કાકા,કાલે તમને કહેવાનું તો રહી જ ગયું કે કોઠી પર બંસી મળ્યો હતો.."જમવાનું મુકી જીવાકાકા કબીરનાં રૂમની બહાર નીકળવા જતાં હતાં ત્યાં કબીરે કહ્યું.

"હા એ તમારાં કાકી એ કહ્યું..કે પેલાં વુડહાઉસ વાળાં સાહેબ કોઠી પર આવ્યાં હતાં અને બંસી ને મળ્યાં હતાં.."જીવાકાકા બોલ્યાં.

"તો કાકી પણ કોઠી પર કામ કરવા જાય છે..?"જીવાકાકા ની વાત સાંભળી કબીરે આશ્ચર્ય સાથે પુછ્યું.

"અરે ના ના..એ રોજ નથી જતી..પણ બંસી ની બૈરી કંચન પેટથી છે તો એની થોડી ઘણી મદદ કરાવા જતી આવે છે..આમ પણ બંસી નો દીકરો પીકુ નિશાળે જાય પછી ડોશી ઘરે એકલી નવરી જ હોય છે.."જીવાકાકા એમની તળપદી ભાષામાં બોલ્યાં.

જીવાકાકા ની વાત સાંભળી કબીરનાં મગજમાં એક ઝબકારો થયો.કબીર એ વિષયમાં મંથન કરતાં જમતાં-જમતાં અટકી ગયો.કબીર ની આ હરકત જીવાકાકા નાં ધ્યાને આવતાં એ બોલ્યાં.

"અરે શું થયું સાહેબ,કેમ આમ ચિંતીત થઈ ગયાં..?"

જીવાકાકાનાં સવાલે કબીર નું ધ્યાન ભંગ કર્યું અને એ પોતાનાં હાવભાવ સરખાં કરી હસીને બોલ્યો.

"અરે એતો કંઈ નહીં..બસ આ તો અમસ્તા જ.તમ તમારે નીચે જઈ શકો છો..જમવાનું પતિ જશે એટલે હું તમને બોલાવી લઈશ.."

"સારું સાહેબ.."આટલું બોલી જીવાકાકા નીકળી ગયાં.

જીવાકાકાનાં જતાં જ કબીર મનોમન બબડયો.

"મતલબ કે કાલે કોઠી પરથી નીકળતી વખતે જે સ્ત્રી મારી તરફ વિચિત્ર નજરે જોઈ રહી હતી એ બીજું કોઈ નહીં પણ બંસી ની પત્ની કંચન હતી.."

કબીરે એ વસ્તુ ત્યાંથી નીકળતી વખતે માર્ક કરી હતી કે એને જોઈ રહેલી સ્ત્રીનું પેટ થોડું ઉપસેલું હતું જેનો મતલબ હતો કે એ પેટથી હતી.અને જીવાકાકા એ કહ્યું કે બંસી ની પત્ની કંચન પણ ગર્ભવતી છે તો હોય ના હોય પોતાની તરફ ધરી-ધારીને જોઈ રહેલી સ્ત્રી બીજું કોઈ નહીં પણ કંચન જ હતી.

કંચન આખરે પોતાની તરફ સવાલસુચક નજરે કેમ જોઈ રહી હતી એ વિષયમાં વિચારતાં વિચારતાં કબીરે જમવાનું પૂર્ણ કર્યું અને પછી જીવાકાકા ને અવાજ આપી થાળી લઈ જવા કહ્યું.થોડીવારમાં જીવાકાકા ત્યાં આવ્યાં અને ભોજન ની થાળી લઈને ત્યાંથી ચુપચાપ નીકળી ગયાં. એમનાં જતાં જ કબીરે સમય પસાર કરવાં મોબાઈલમાં plant vs. Zombie ગેમ ચાલુ કરી અને કલાક સુધી ગેમ રમતો રહ્યો.થોડીવારમાં એની આંખો ઘેરાવા લાગી અને એ સુઈ ગયો.

********

સાંજે કબીરની આંખ ખુલી ત્યારે છ વાગવા આવ્યાં હતાં..કબીરને રાતે ખાવાની ઈચ્છા નહોતી તો એને જીવાકાકા ને રાતનું ભોજન બનાવવાની મનાઈ કરી દીધી અને એમને ઘરે જવા માટે રજા પણ આપી દીધી.જતાં-જતાં કબીરે જીવાકાકા ને ગીરીશભાઈ જોડેથી એમની વિઝીટનો ચાર્જ કેટલો થયો એ પૂછી લાવવાનું સૂચન કર્યું.

કબીર ની રજા લઈને જીવાકાકા પોતાની સાઈકલ પર સવાર થઈને ગામની તરફ ચાલી નીકળ્યાં.આજે તો વહેલાં ઘરે પહોંચવા મળશે એની ખુશી એમનાં ચહેરા પર સાફ વર્તાઈ રહી હતી.જીવાકાકાનાં જતાં જ કબીર દાદરો ઉતરી નીચે આવ્યો અને પોતાનાં જોડે જે કંઈપણ બન્યું હતું એની ચર્ચા કરવા પોતાની પત્ની શીલાને કોલ લગાવ્યો પણ શીલાએ કબીરનો કોલ કટ કરી દીધો.ફરીવાર કોલ કરવા પર શીલા એ જણાવ્યું કે આજે એનાં NGO ની વાર્ષિક મિટિંગ છે તો એ મોડે સુધી ફ્રી નહીં પડે.

શીલા અત્યારે પોતાનાં સ્વપ્ન સમાન NGO ની સૌથી મોટી કર્તાધર્તા હતી..શીલાનો NGO અનાથ બાળકોનાં ઉદ્ધાર માટે કામ કરતો હતો.શીલા અનાથ બાળકો માટે ફંડ એકઠું કરતી અને એમાંથી એ બાળકોની રહેવાની,જમવાની અને ભણવાની સગવડ નો બનતો પ્રયાસ કરતી હતી.કબીરે એને કોલ કર્યો ત્યારે કામનાં ભારણમાં એનો અવાજ થોડો વ્યગ્ર હતો એટલે કબીરે પોતાની સાથે જે કંઈપણ ઘટિત થયું હતું એ વિષયમાં ફરી કોઈવાર એની જોડે ચર્ચા કરશે એમ વિચારી શીલાને પોતે ખાલી એમજ કોલ કર્યો હતો એવું કહી લેન્ડલાઈનનું રીસીવર એની જગ્યાએ ગોઠવ્યું અને આથમતાં સૂરજને જોવાં એક ખુરશી લઈને વુડહાઉસ ની બહાર આવીને બેઠો.

નજરોથી દૂર નર્મદા નદીને પેલે પાર સૂરજ ધીરે ધીરે ડૂબી રહ્યો હતો..નદી ની અંદર જાણે સૂરજ કોઈ બરફની જેમ ઓગળી રહ્યો હોય એવું સુંદર દ્રશ્ય હતું..જ્યારે મધ્યાહને પોતાની તપિશ પર હોય ત્યારે તેજ પ્રકાશિત આદિત્ય અત્યારે કેસરી રંગનો એક ગોળો બની ગયો હતો જેને સરળતાથી જોવો શક્ય હતો..આજ સમયની ફિતરત હતી કે દરેકનો સમય આવે છે અને એજ રીતે ચાલ્યો પણ જાય છે.આ સુરજ ની થોડી તસવીરો કબીરે પોતાનાં મોબાઈલ વડે કેપ્ચર કરી અને એને જોતાં જોતાં જ અહમદ ફરાજ સાહેબની સુંદર નજ્મ મનોમન બોલ્યો.

"न जाने कितने चिरागों को मिल गई शोहरत

इक आफताब के बे वक्त डूब जाने से।

माथे की तपिश जवाँ, बुलंद शोला-ए-आह,

आतिश-ए-आफ़ताब को हमने टकटकी से देखा है।

तेरे होते हुए महफ़िल में जलाते हैं चिराग़

लोग क्या सादा हैं सूरज को दिखाते हैं चिराग़"

સાંજ વીતી ગઈ અને રાત પડી ગઈ ત્યાં સુધી કબીર વુડહાઉસની બહારનાં ચોગાનમાં જ ખુરશી ઢાળીને બેસી રહ્યો..નદી પરથી આવતી સાંજની શીતળ હવા કબીર ને તાજગી આપી રહી હતી.કુદરતી વાતાવરણની મીઠી સોડમ કબીર પોતાનાં દિલોદિમાગમાં ભરતો ત્યાં સુધી બેસી રહ્યો જ્યાં સુધી સૂરજ ની જગ્યા લેવાં ચંદ્ર ના આવી પહોંચ્યો.

આઠ વાગે કબીર ખુરશી ઉઠાવીને વુડહાઉસમાં ગયો અને વુડહાઉસ નો મુખ્ય દરવાજો તથા બારી બારણાં બંધ કરી દીધાં.. કબીર ને વધુ જમવું તો હતું નહીં એટલે એને ફ્રીઝમાંથી બે બ્રેડ કાઢી એની ઉપર જામ અને બટર લગાવીને આરોગી લીધી.હળવા નાસ્તા જેવું કર્યાં બાદ કબીરે પોતાનાં રૂમનો રસ્તો પકડ્યો.

શિવગઢમાં આવ્યાં બાદ પોતાની ઉપર વીતી દરેક દરેક વાત નો કોઈ તો અર્થ જરૂર હોવો જોઈએ એવું વિચારતાં વિચારતાં કબીરે પોતાનું લેપટોપ સ્ટાર્ટ કર્યું અને પોતાની નોવેલ અમાસ નો પ્રથમ અધ્યાય જ્યાંથી અધુરો મુક્યો હતો ત્યાંથી પુનઃ લખવાનું શરૂ કર્યું.કબીર ખૂબ જ બારીકાઈથી આ નોવેલનો પ્રથમ ભાગ લખવા ઈચ્છતો હતો કેમકે એ જાણતો હતો કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન..કબીર નાં ખાસ મિત્ર જતીન પટેલ જે અત્યારે ebook માધ્યમમાં વંચાતું બહુ મોટું નામ હતું એમનાં દ્વારા પણ કબીર ને હિદાયત હતી કે નોવેલનો પ્રથમ ભાગ એ આખી નોવેલનાં હૃદય નું કામ કરે છે..આ ભાગ ને એ રીતે તૈયાર કરવો જેમકે એ કોઈ વડનાં વૃક્ષનું થડ હોય અને એની વડવાઈઓ રૂપી નોવેલનાં આગળનાં ભાગ આગળ વૃદ્ધિ પામે.

બે પેજ જેટલું લખવામાં તો કબીરે અઢી કલાક જેટલો સમય નીકાળી દીધો..આખરે જ્યારે એ અગિયાર વાગે ઉભો થયો ત્યારે એને એ વાત નો હાશકારો હતો કે એ પોતાની અપેક્ષા પ્રમાણેનું લખી શક્યો હતો.કબીર પ્રથમ ભાગ પૂર્ણ કરીને નીચે રસોડામાં ગયો અને પોતાનાં માટે કોફીનો મગ ભરીને પાછો રૂમમાં આવ્યો.આવીને કબીરે ફરીથી પોતાની નોવેલને બે-ત્રણ વાર વાંચી જોઈ..કબીર કહેતો કે આમ વાંચવું એ પોતાનાં લેખન માટે ચાળણી નું કામ કરે છે..જેનાં લીધે જો ક્યાંય નાની મોટી જોડણી કે શબ્દની ભૂલ હોય એ પબ્લિકેશન ટીમ જોડે પહોંચ્યાં પહેલાં જ સુધરી જાય.

"ચલો બધું all ok થઈ ગયું.."સાડા બાર આજુબાજુ આટલું કહી કબીરે પોતાનું લેપટોપ shutdown કર્યું અને પલંગ પર લંબાવ્યું.

"આજે તો એ સ્ત્રી આવે એટલે એને ગમે તે કરીને મળવું જ પડશે..એ કેમ અહીં આવે છે અને એનો અવાજ મેં ક્યાં સાંભળેલો છે એ બે સવાલોની સાથે રાતે મને ટેકરી પરથી વુડહાઉસ કોને પહોંચાડ્યો એ પણ પૂછવું જ પડશે."કબીર પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો.

ઘડિયાળમાં એક નાં ટકોરાં વાગ્યાં પણ હજુ સુધી કોઈ પગરવનો અવાજ કબીરનાં કાને નહોતો પડ્યો..કબીરે સમય પસાર કરવા માતૃભારતી એપ્લિકેશન ચાલુ કરી અને દિશા પટેલ ની ડાકણ ની ભયાનક કહાની અનામિકા નાં એપિસોડ વાંચવાનું શરૂ કર્યું..ઉપરાઉપરી રહસ્યો થી ભરપૂર બધાં ભાગ કબીર વાંચી રહ્યો ત્યાં સુધીમાં રાતનાં બે વાગી ગયાં હતાં..આવી રહસ્યમયી અને ધ્રુજાવી મુકતી નોવેલ વાંચવામાં કલાક ક્યાં નીકળી ગયો એની કબીર ને ખબર જ ના પડી.

"યાર આ તો બે વાગી ગયાં પણ હજુ સુધી એ સ્ત્રી આવી નથી."કબીર બોલ્યો.

હવે કબીર ને જોરદાર ઊંઘ આવી રહી હતી..રાહ જોઈને એ થોડો અકળાઈ ગયો હતો એટલે એને બરાબરનો કંટાળો આવી રહ્યો હતો..ઊંઘ આવતી હોવાં છતાં કબીરે પોતાની જાત પર કાબુ રાખીને વીસેક મિનિટ સુધી ઊંઘ ને આંખોથી દૂર રાખવામાં સફળતા મેળવી જરૂર લીધી પણ એનાંથી વધુ સમય જાગવાનું સામર્થ્ય કબીરનાંમાં વધ્યું નહોતું અને અજાણતાં જ એની આંખ લાગી ગઈ અને એ સુઈ ગયો.

કબીર નાં ઊંઘે હજુ માંડ દસ મિનિટ વીતી હશે ત્યાં તો કબીરનાં કાને એ સ્ત્રીનાં અવાજમાં ગઈકાલ રાતે એ જે ગીત ગાઈ રહી હતી એની બીજી પંક્તિઓ કાને પડી.

"तेरे सांसो की आवाज बन बनके में

तेरे होंठो की नर्मी चुरा लूँ

तेरे रुख़्सरो की रेशमी आग से

चाहता हूं दिल को जला लूँ

कहीँ जोड़ के ये नाता नहीँ तोड़ना

तेरे साथ वादा किया नहीं तोडना

हो तेरे संग प्यार मैं नहीं तोडना.."

આ ગીત ની પંક્તિઓ કર્ણપટલ પર પડતાં ની સાથે જ કબીર સેંકડો કીડીઓ એકસાથે કરડી હોય એ રીતે ઝબકીને ઉભો થઇ ગયો..એનાં કાને હજુપણ એ મધુર અવાજ આવી રહ્યો હતો.કબીરે નક્કી કર્યું કે આજે તો એ સ્ત્રી ને અહીં ઉપરથી કોઈ અવાજ આપવો જ નથી પણ સીધું એ રોજ જ્યાં હોય છે ત્યાં જઈને એની સામે ઉભો રહી જાઉં.

આજે તો એ ગુમનામ સ્ત્રી ની સચ્ચાઈ જાણી ને જ રહેશે એવાં મક્કમ નિર્ધાર સાથે કબીર પોતાનાં રૂમનો દરવાજો ખોલી દાદરો વટાવી નીચે ઉતર્યો..નીચે ઉતરીને કબીરે રસોડાની જોડે પડતો દરવાજો ખોલ્યો અને એ સ્ત્રી નો અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો એ તરફ ચાલી નીકળ્યો..!!

★★★★★

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ