રૂહ સાથે ઈશ્ક રિટર્ન 1 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 1

રૂહ સાથે ઈશ્ક રિટર્ન

★પ્રસ્તાવના★

બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલમાલ હોય,મર્ડર હોય કે પછી ધૂમ કેમ ના હોય.પણ હવે તો નવલકથાની દુનિયામાં પણ સિકવલની મૌસમ આવી ગઈ છે.

મેં પણ આજથી થોડા સમય પહેલાં રૂહ સાથે ઈશ્ક નામની એક હોરર થ્રીલર નોવેલની રચના કરી હતી જેને વાંચકોનો બહોળો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો હતો..આ જ નોવેલનું ટાઈટલ પણ કોપી કરી ઘણાં લોકોને સફળતા મળી ગઈ તો પછી મને પણ થયું કે એક નવાં વિષયવસ્તુ ને એજ નામની સિકવલ વાંચકો સમક્ષ લાવું.તો આવી ગઈ છે મારી નવી હોરર,સસ્પેન્સ,થ્રિલર રૂહ સાથે ઈશ્ક રિટર્ન.

રૂહ સાથે ઈશ્ક,અનામિકા,હોન્ટેડ પેઈન્ટીંગ અને સેલ્ફી the last photo પછી આ મારી પાંચમી હોરર નોવેલ છે..અત્યાર સુધીની મારી બધી નોવેલ ને વાંચકોનો જે હદે પ્રેમ પ્રાપ્ત થયો છે એ પરથી મારો આત્મવિશ્વાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે..તો આ નોવેલને પણ મારી અન્ય નોવેલ જેવો પ્રેમ મળે એવી અભિલાષા.

આ નોવેલ નો પ્લોટ મારાં મોટાભાઈ નાં એક મિત્ર દિવ્યાંગ ભાઈ એ એમને કહ્યો હતો..જેમાં ભાઈએ જરૂરી સુધારા વધારા કરી મને આ નોવેલનો પ્લોટ જણાવ્યો અને એ પ્લોટમાં જરૂરી મરી-મસાલા અને મારાં અંગત વિચારો સાથે આ રૂંવાડા ઉભાં કરી મુકતી અને સાથે-સાથે પ્રેમની સુંદર દાસ્તાન રજૂ કરતી કહાની રચી છે..જે તમને બધાં ને ખૂબ જ ગમશે.

-દિશા.આર.પટેલ

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 1

કબીર રાજગુરુ આજે પોતાની પત્ની શીલા સાથે મુંબઈ બુક લવર ગ્રૂપ નાં સાહિત્ય સમારોહમાં હાજર હતો..બુક લવર ગ્રૂપનાં સભ્યો ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લખાતી નોવેલોને પ્રોત્સાહન મળી રહે એ માટે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરી લેખકોનો હોંસલો વધારવાનું કામ કરતાં હતાં.ત્રણ વર્ષ સુધી કબીર રાજગુરુની નવલકથા સસ્પેન્સ અને થ્રિલર કેટેગરીમાં નોમિનેટ થતી હતી પણ કોઈને કોઈ કારણથી કબીરની કોઈપણ નવલકથા અત્યાર સુધી બેસ્ટ બુકનો એવોર્ડ મેળવી નહોતી શકી.

આજે પણ સતત ચોથા વર્ષે કબીર રાજગુરુની નવલકથા 'અભય' બેસ્ટ બુક ઓફ ધ યર માટે નોમિનેટ થઈ હતી.આ નોવેલ એટલી હદે લોકપ્રિયતા મેળવવામાં સફળ થઈ હતી કે ગુજરાતીમાં પ્રકાશિત આ બુકનો હિન્દી અને અંગ્રેજીમાં પણ અનુવાદ કરી પબ્લિશ થવાની તૈયારી થઈ ચૂકી હતી.

'અભય' ને મળેલી અપ્રિતમ સફળતા બાદ કબીર ને વિશ્વાસ હતો કે એની બુકને આ વખતે તો સસ્પેન્સ અને થ્રિલર કેટેગરીમાં બેસ્ટ બુકનો એવોર્ડ મળશે જ.પોતાની આ સફળતા ને પોતાની પત્ની સાથે વહેંચવા માટે કબીર શીલાને પણ પોતાની સાથે લઈને મુંબઈ આવ્યો હતો.લાલબહાદુર શાસ્ત્રી ભવનમાં યોજાઈ રહેલાં બુક લવર ગ્રુપનાં કાર્યક્રમમાં અત્યાર સુધી વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત થઈ ચુક્યાં હતાં.. જેમાં લવસ્ટોરી,શોર્ટ સ્ટોરી,સોશિયલ સ્ટોરી વગેરે કેટેગરીમાં એવોર્ડ એનાયત થઈ ચુક્યાં હતાં.

હવે છેલ્લે સસ્પેન્સ એન્ડ થ્રિલર જોનરમાં કઈ બુક બેસ્ટ સાબિત થઈ છે એની જાહેરાત કરવા ઉદગોષક મિત્ર નાં આમંત્રણ પર હિન્દી સાહિત્ય નાં દિગ્ગજ લેખક એવાં શ્રીમાન પ્રકાશ દુબે સ્ટેજ પર આવી પહોંચ્યા હતાં.એમને એક બંધ કવર આપવામાં આવ્યું જેમાં આ વર્ષની સૌથી શ્રેષ્ઠ બુક તરીકે કોને જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવી હતી એનું નામ હતું.કબીર અત્યારે પોતાની પત્નીનો હાથ પકડીને મનોમન ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ વર્ષ તો એની બુક જ આ એવોર્ડની હકદાર બને.

બધાં ની બેતાબી વચ્ચે પ્રકાશ દુબે એ પોતાનાં હાથમાં રહેલું કવર ખોલ્યું અને એમાં રહેલ વિજેતા પુસ્તક અને એનાં લેખકનું નામ જાહેર કરતાં કહ્યું.

"આ વર્ષનો શ્રેષ્ઠ સસ્પેન્સ અને થ્રિલર બુક નો એવોર્ડ જાય છે નારાયણ રેડ્ડીની તામિલ બુક ઈરાવુ ને..ઈરાવુ નો મતલબ થાય રાત.હોરર,સસ્પેન્સ જોનર ની આ બુક જે રીતે સતત ડર અને રોમાંચની અનુભુતી વાંચક ને કરાવે છે એ માટે આ બુક આ વર્ષની સર્વશ્રેષ્ઠ સસ્પેન્સ અને થ્રિલર પ્રાદેશિક ભાષાની બુક જાહેર થાય છે.તો નારાયણ રેડ્ડીને અનુરોધ છે કે સ્ટેજ પર આવી એક લાખ રૂપિયાનો ચેક અને ટ્રોફી લઈ જાય.."

આ એનાઉન્સમેન્ટ થતાં જ લોકોની તાળીઓની ગળગળાટ વચ્ચે નારાયણ રેડીએ ઈનામની રકમ અને ટ્રોફી સ્ટેજ પર જઈને સ્વીકારી.નારાયણ રેડ્ડીનાં ચહેરા પર અત્યારે ખૂબ મોટી ચમક અને ખુશી સ્પષ્ટ વર્તાઈ રહી હતી.પણ અહીં બીજું કોઈ હતું જેને આ એનાઉન્સમેન્ટ પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો અને એ વ્યક્તિનું નામ હતું કબીર રાજગુરુ.

"પણ આ કઈ રીતે બને..its not possible.."નંખાયેલાં અવાજે શીલાની તરફ જોઈને કબીરે કહ્યું.

"આ એવોર્ડ ના મળ્યો તો શું થયું કબીર..અત્યાર સુધી તારી બુક અભયની વીસેક હજાર ઉપર નકલો વેંચાઈ ચુકી છે તો એ એવોર્ડ થી ઓછું તો નથી."કબીરનાં ચહેરા પર વ્યાપ્ત નિરાશા ઓછી કરવાનાં હેતુથી શીલા બોલી.

"શીલા,ભલે વાંચકો મને પસંદ કરે અને મારી બુકોની હજારો નકલ પણ વહેંચાઈ જાય પણ જ્યાં સુધી આ એવોર્ડ નહીં મળે ત્યાં સુધી મને એવું લાગ્યાં કરશે કે મારાં લખાણમાં જ નક્કી કોઈ ખામી હોવી જોઈએ."શીલા સિવાય કોઈને પણ સંભળાય નહીં એ રીતે કબીર બોલ્યો.

"આવતી સાલ આ એવોર્ડ ચોક્કસ તને જ મળશે.."કબીરનાં હાથ પર પોતાનાં હાથ નું દબાણ આપી શીલા બોલી.

શીલનો પ્રેમાળ સ્વભાવ અને પળે પળે એનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશો જોઈ કબીર શીલા જેવી પત્ની મળવા માટે ભગવાનનો આભાર માની રહ્યો હતો.અત્યારે આ વિષયમાં કોઈ ચર્ચા કરવી ઉચિત નથી એ સમજી કબીર વધુ કંઈપણ બોલ્યાં વગર ચૂપ રહ્યો.આખરે કાર્યક્રમ ની સમાપ્તિની ઘોષણા થઈ એટલે કબીર જઈને જ્યુરીનાં એક સભ્યને જઈને મળ્યો..એમને કબીરને કહ્યું કે ઈરાવુ ને 20 માંથી 18 પોઈન્ટ મળ્યાં અને અભય ને 20 માંથી 17.5..

આ ઉપરાંત એક જ્યુરી મેમ્બરે કબીરને એ પણ કહ્યું કે ઈરાવુ હોરર જોનરની બુક હોવાથી એમાં ઘણી એવી પળો હતી જેમાં વાંચક સતત ડરનાં ઓથાર નીચે જીવતો રહે માટે જ એને કબીરની બુક અભય કરતાં અડધો અંક વધુ મળ્યો હતો.

કબીરે એ જ્યુરી મેમ્બરનો આભાર માન્યો અને જઈને નારાયણ રેડ્ડીને મળી એમની બુક ને બેસ્ટ બુકનો એવોર્ડ મળ્યો એ માટે અભિનંદન પાઠવ્યાં.કાર્યક્રમનાં અંતે રાખેલો જમણવાર માં સ્વાદિષ્ટ ડિનર ની મજા લઈને કબીર પોતાની પત્ની સાથે રાતે અગિયાર વાગ્યાં ની મુંબઈ થી અમદાવાદ જતી ફ્લાઈટમાં બેસી અમદાવાદ આવી પહોંચ્યો.રસ્તામાં શીલા સતત એ નોટિસ કરતી રહી કે એનાં પતિદેવ અત્યારે પોતાની બુકને એવોર્ડ ના મળવાનાં લીધે વ્યથિત છે.

અમદાવાદ સ્થિત પોતાનાં ઘરે પહોંચી કબીર પોતાની બેચેની દૂર કરવા માટે બ્રાન્ડીની બોટલ કાઢી એનાં ઉપરાઉપરી બે પેગ ગટગટાવી ગયો.કબીરની માનસિક સ્થિતિનો અંદાજ હોવાથી શીલાએ પણ એને એમ કરતાં રોક્યો નહીં.

"શીલા જ્યારે સફળતા હાથે સ્પર્શ કરીને છટકી જાય ત્યારે એ અસહ્ય બની જાય.."બ્રાન્ડી પીધાં બાદ સોફામાં બેસતાં જ કબીરે શીલાને ઉદ્દેશીને કહ્યું.

કબીર નો ઢીલો પડી ગયેલો અવાજ સાંભળી શીલા એની બાજુમાં સોફા પર ગોઠવાઈ અને કબીર નાં હાથ ને ચુંબન કરીને બોલી.

"કબીર કેમ આટલો નિરાશ થઈ ગયો છે..?આજે નહીં તો કાલે તને બેસ્ટ બુક ઓફ ધ યર નો એવોર્ડ મળવાનો જ છે.."

"પણ સતત ચાર વર્ષ મારી બુક નોમિનેટ થયાં બાદ પણ એવોર્ડ મેળવી ના શકી એનું દુઃખ મને પજવી રહ્યું છે."નાના બાળકની જેમ પોતાનું માથું શીલા નાં ખોળામાં રાખી કબીર બોલ્યો.

"શીલા તારાં લીધે જ હું ફરીવાર ફિનિક્સ પક્ષી ની માફક રાખમાંથી ઉભો થઈને નવું રચવા પ્રેરણા મેળવી શકું છું..તારાં વગર મારી જીંદગી કોઈ મંજીલ વગરનાં રસ્તા જેવી બની રહેત..i love you so much.."

કબીર નાં કપાળને ચુમીને શીલા એ કહ્યું.

"I love you too.. બસ તું એક સ્માઈલ આપી દે.બધું સારું થઈ જશે."

શીલાનો પ્રેમાળ અને હૂંફાળો સ્વભાવ અત્યારે કબીર નાં દર્દ પર મલમ લગાવવાનું કામ કરી રહી હતી.બસ પછી કબીર અને શીલા એ એકબીજાને પ્રેમની હૂંફ આપી અને સુઈ ગયાં. શીલાનાં સાથ ને લીધે કબીર સવારે ઉઠ્યો ત્યારે ઘણું સારું અનુભવી રહી હતી.

સવારે સ્નાન ઈત્યાદિ દૈનિક પ્રવૃત્તિ પૂર્ણ કરી ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતાં કરતાં કબીરે પોતાનો વિચાર શીલા જોડે રજૂ કરતાં કહ્યું.

"શીલા,મારે હવે નવી બુક વિશે વિચારવું જોઈએ.."

"This is good thought.. this is my baby.."શીલા એ કહ્યું.

"પણ એ માટે મારે કોઈ સારાં પ્લોટની જરૂર છે..અને અહીં રહીને હું કોઈ સારો પ્લોટ નહીં રચી શકું.."કબીર બોલ્યો.

"પણ કબીર તે એ વિષયમાં થોડું ઘણું તો વિચાર્યું હશે ને કે તારી નવાં બુકની થીમ શેનાં ઉપર આધારિત હશે.?"શીલા એ સવાલ કર્યો.

"અત્યારે સૌથી વધુ બુક ચાલતી હોય તો એ છે હોરર જોનર ની..છેલ્લાં બે વર્ષથી એ જ જોનરની બુક સસ્પેન્સ અને થ્રિલર કેટેગરીમાં એવોર્ડ મેળવવામાં સફળ થઈ છે..ગઈ સાલ પણ બંગાળી બુક લાસ્ટ સ્ટ્રીટ ને બેસ્ટ બુકનો એવોર્ડ મળ્યો હતો અને આ વખતે ઈરાવુ ને.."શીલા ની વાત નો જવાબ આપતાં કબીરે કહ્યું.

"વહેતાં પ્રવાહમાં ભળી જવું જોઈએ..માટે તું વિચારે છે એ ખોટું નથી..એ માટે તને best of luck.."શીલા પોતાનાં પતિનો હોંસલો વધારતાં શીલા બોલી.

"Thanks.. પણ એ માટે મારે કોઈ એકાંત જગ્યાની જરૂર છે.જે શહેર નાં આ ઘોંઘાટથી દૂર હોય.."કબીરે કહ્યું.

"તો પછી એવી કોઈ જગ્યા શોધીને ત્યાં ચાલ્યો જા..હું અહીં મેનેજ કરી લઈશ."શીલા એક પત્નીવ્રતા સ્ત્રી તરીકે પતિનાં દરેક નિર્ણયમાં સાથ આપતાં બોલી.

"સારું તો હું મારાં મિત્ર મનીષ જાની ને એવી કોઈ જગ્યા શોધવા કહી દઉં..એનાં બહુ કોન્ટેકટ છે એ આવી કોઈ જગ્યા શોધી જ કાઢશે."કબીરે નાસ્તો પૂર્ણ કરી ઉભાં થતાં કહ્યું.

**********

કબીર અને શીલા ના મુંબઈ આવ્યાંનાં દસેક દિવસ બાદ સાંજે કબીર જ્યારે ઘરે આવ્યો ત્યારે શીલા ઘરે લેપટોપ પર પોતાની અનાથ બાળકોની NGO માટેનાં હિસાબો ચેક કરી રહી હતી.કબીર નાં ઘરમાં પ્રવેશતાં જ શીલાએ પોતાનું કામ પડતું મૂકી લેપટોપ બંધ કર્યું અને કબીર માટે જમવાનું ગરમ કરવા રસોડામાં પ્રવેશી.

શીલાએ જમવાનું પીરસ્યું એટલામાં કબીર હાથ-પગ ધોઈ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી આવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો.

"શીલા મને પ્લોટ લખવા માટે એક સરસ મજાની એકાંત જગ્યા મળી ગઈ છે."ખુશ થતાં કબીર બોલ્યો.

"Wow, thats great.. ક્યાં છે એ જગ્યા જ્યાં તે જવાનું વિચાર્યું છે.."શીલા પણ ઉત્સાહમાં આવી બોલ્યો.

"એ જગ્યા આવી છે નર્મદા નદી નાં કિનારે આવેલ શિવગઢ નામક ગામમાં.."કબીર પોતે જ્યાં જવાનો હતો એ જગ્યા વિશે જણાવતાં બોલ્યો.

'નર્મદા નદી નો કિનારો..'મનોમન આટલું બોલી શીલા ખુશ હોવાનાં હાવભાવ સાથે બોલી.

"સારું છે ત્યાં જઈને તું શાંતિથી પ્લોટ રચી શકીશ..પણ શિવગઢ જોડે મતલબ ખબર ના પડી.."

"હું જ્યાં જવાનો છું એ જગ્યા એક વુડ હાઉસ છે..જે એક ટેકરી પર આવેલ છે.આ વુડ હાઉસનું લોકેશન ખુબજ નયનરમ્ય છે અને એ જગ્યા આમ તો શિવગઢની હદમાં જ છે પણ એ શિવગઢથી દોઢેક કિલોમીટર દૂર છે."કબીર પોતાનાં મોબાઈલમાં રહેલ એ જગ્યાનાં મનીષે મોકલાવેલાં ફોટો શીલાને બતાવતાં બોલ્યો.

"કબીર,આ જગ્યા તો એકદમ પરફેક્ટ છે તારી નવી નોવેલનો પ્લોટ રચવા માટે.પણ ત્યાં જમવાની અને બીજી જરૂરી સગવડ નું શું..?"શીલા એ સવાલ કર્યો.

"અરે એની પણ ચિંતા કરવાની જરૂર નથી..મનિષે એ વુડ હાઉસનાં માલિક ઠાકુર પ્રતાપસિંહ ને વાત કરી ત્યાં એક નોકર અને જીવન જરૂરિયાતની વસ્તુની સગવડ કરવાનું કહી દીધું છે..ત્યાં આપણે બંને પણ સારો એવો ક્વોલિટી સમય સાથે પસાર કરી શકીશું."શીલાનાં સવાલનાં જવાબમાં કબીર બોલ્યો.

કબીર ની વાત સાંભળી શીલા થોડી હરખાઈ જરૂર પણ છેલ્લે કબીરે એનાં જોડે આવવાની વાત કરી એ સાંભળતા જ નિઃસાસો નાંખી બોલી.

"Sorry.. કબીર હું ત્યાં તારાં સાથે આવી નહીં શકું.અહીં મારી NGO ની ફાઈનલ મિટિંગ છે થોડાં દિવસ પછી અને ત્યારબાદ અમે એક જર્મનીનાં star kids નામનાં NGO જોડે કોલોબ્રેશન કરવાનાં છીએ તો જર્મનીથી આવતાં star kids NGO નાં અધિકારીઓ જોડે મુલાકાત પણ છે.તો મારું તારી જોડે અત્યારે આવવું તો શક્ય નથી.પણ હું બધું કામ પતિ જશે એટલે ચોક્કસ ત્યાં આવી જઈશ."

જેમ પોતાનાં માટે લેખન મહત્વની બાબત હતી એમ પોતાનાં અનાથ બાળકો માટેનાં NGO ની દેખરેખ રાખવાની બાબત શીલા માટે ઈમ્પોર્ટન્ટ હતી..એટલે કબીરે પણ શીલાની વાતનું માન રાખતાં એની વાત સહર્ષ સ્વીકારતાં કહ્યું.

"Its ok dear,હું આવતાં સોમવારે ત્યાં જવા નિકળીશ.. તું તારું ધ્યાન રાખજે."

"તું પણ તારું ધ્યાન રાખજે.."પ્રેમથી શીલાએ કહ્યું.

શીલા અને કબીર વચ્ચેનું બોન્ડિંગ જોઈ એવું લાગતું કે આ બંને જાણે એકબીજા માટે જ બન્યાં હતાં.. કબીર માટે શીલા એનું પ્રેરકબળ હતી.

આખરે નક્કી કરેલ દિવસે શીલા જોડેથી વિદાય લઈ કબીર પોતાની ફોર્ચ્યુનર લઈને અમદાવાદથી નીકળી માં રેવા નાં તટે આવેલ શિવગઢ નામનાં સ્થળે બનેલ વુડ હાઉસ પર જવા નીકળી પડ્યો.

કબીર નો શિવગઢ નો આ પ્રવાસ ફક્ત એક નોવેલ માટેનો પ્લોટ નહોતો રચવાનો પણ એની સાથે એની જીંદગીનાં એવાં રહસ્યો ઉજાગર કરવાનો હતો એનો અંદાજો કબીર ને નહોતો.પોતાની કોઈ રહસ્યમયી નોવેલથી પણ વધુ રહસ્યમય જીંદગીનાં નવાં સોપાન શિવગઢ જઈને રચાવાનાં હતાં જે કબીરનાં નસીબની નવલકથાનાં પ્લોટ માં રચાઈ ચુક્યાં હતાં..!!

***********

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ