રૂહ સાથે ઈશ્ક રિટર્ન 2 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 2

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 2

પોતાની નવી હોરર સસ્પેન્સ નોવેલ માટેનો પ્લોટ તૈયાર કરવા માટે કબીર રાજગુરુ નર્મદા નદીનાં કિનારે આવેલાં શિવગઢ ગામ થી થોડે દુર આવેલ એક વુડ હાઉસ પ્રકારની જગ્યાએ આવી ચુક્યો હતો.કબીર નાં મનિષ નામનાં દોસ્તારે આ જગ્યાનાં માલિક એવાં ઠાકુર પ્રતાપસિંહ ને વાત કરી કબીર માટે અહીં રહેવાની અને જરૂરી એવી બીજી સગવડોની વ્યવસ્થા કરાવી દીધી હતી.

કબીર જ્યારે એ જગ્યાએ પહોંચ્યો ત્યારે રસ્તામાં પસાર થતી રેવા નદીનો નયનરમ્ય નજારો જોઈ શાતા અનુભવી રહ્યો હતો.શિવગઢ ગામ નર્મદા નદીને કિનારે આવેલું એક નાનું એવું ગામ હતું.કબીર ને રોકાવાનું હતું એ મકાન શિવગઢથી દોઢેક કિલોમીટર દૂર એક ટેકરી જેવી જગ્યાએ આવેલું હતું..આ જગ્યા થોડી ઊંચાઈ પર હોવાથી ત્યાંથી મોટાભાગનું શિવગઢ નજરે પડતું હતું.

કબીર ત્યાં પહોંચ્યો ત્યારે એ વુડ હાઉસ પર એક લગભગ પંચાવન વર્ષનાં વ્યક્તિ હાજર હતાં.. કબીરે જેવી પોતાની ગાડી વુડ હાઉસ નજીક ઉભી રાખી એવાં જ એ દોડતાં ગાડી પાસે આવ્યાં.. અને એમને કબીર ને કહ્યું.

"સાહેબ,તમારું નામ કબીર છે ને..?"

"હા હું જ કબીર છું અને તમે..?"કબીરે એ બુઝુર્ગ ને સામો સવાલ કરતાં કહ્યું.

"મારું નામ જીવાભાઈ છે..ઠાકુર સાહેબે મને અહીં તમારી નાની મોટી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવા મોકલ્યો છે..તમારી બેગ લાવો હું તમને તમારાં રૂમ સુધી લઈ જાઉં.."જીવાભાઈ એ કહ્યું.

"જીવા કાકા, તમે ખોટી તકલીફ ના લેશો..હું મારી બેગ જાતે જ ઉપાડી લઈશ.બસ તમે ખાલી મને મારાં રૂમ સુધી દોરી જાઓ.."કબીર આદરપૂર્વક બોલ્યો.

"આવો સાહેબ.."એટલું બોલી જીવકાકા વુડહાઉસ ની તરફ આગળ વધ્યાં.. કબીર પણ એમની પાછળ પાછળ એ વુડહાઉસમાં પ્રવેશ્યો.

પ્રથમ માળે આવેલાં બે રૂમમાંથી એક રૂમ નો દરવાજો ખોલી અંદર પ્રવેશતાં જીવકાકા એ કબીરને કહ્યું.

"સાહેબ આ રહ્યો તમારો રૂમ.. તમારાં માટે દરેક પ્રકારની સગવડ અહીં કરેલી છે..આ સાઈડ બાથરૂમ છે અને આ તરફ બાલ્કની.."

રૂમમાં પ્રવેશી કબીરે પોતાની બેગ એક બાજુ મૂકી અને આખાં રૂમને ધ્યાનથી નિહાળી જોયો..પ્રથમ નજરે કબીરને આ જગ્યા ખૂબ પસંદ આવી.એને જીવકાકા નો આભાર માન્યો અને પોતાને આ જગ્યા પસંદ આવી છે એવું કહ્યું.આ ઉપરાંત કબીરે ઠાકુર સાહેબનો પણ પોતે આભાર માને છે એવું જીવકાકા ને જણાવ્યું.

જીવકાકા એ કબીરની રજા લીધી અને એ રૂમની બહાર નીકળી ગયાં.. હવે પોતાને અહીં ત્રણ-ચાર મહિના જેટલું રોકાવાનું નક્કી હોવાથી કબીરે પોતાની બેગ ખોલી પોતાનો બધો સામાન વ્યવસ્થિત ગોઠવી દીધો.લાંબી મુસાફરીથી થાકી ગયો હોવાથી કબીરે સ્નાન કરીને ફ્રેશ થવાનું વિચાર્યું.પણ એ પહેલાં એને પોતે અહીં પહોંચી ગયો છે એની જાણકારી શીલાને આપવા માટે મોબાઈલ ફોન હાથમાં લીધો અને શીલાનો નંબર ડાયલ કર્યો.

કબીરે જોયું કે મોબાઈલમાં નેટવર્ક ના હોવાથી એનો શીલા સાથે સંપર્ક નહોતો થઈ રહ્યો..આ જોઈ કબીર બેબાકળો બની પ્રથમ માળેથી નીચે આવ્યો અને જીવકાકા ની જોડે જઈને બોલ્યો.

"કાકા,અહીં મોબાઈલનું નેટવર્ક નથી આવતું.?"

"ના સાહેબ..અહીં કોઈ મોબાઈલ નું નેટવર્ક નહીં આવે..તમે ઈચ્છો તો અહીં પડેલાં લેન્ડલાઈનનો ઉપયોગ કરી શકો છો.."જીવકાકા એ કહ્યું.

એમની વાત સાંભળી કબીર ને થોડી ઘણી ધરપત થઈ કે અહીં એક લેન્ડલાઈન હતો અને શિવગઢ માં તો મોબાઈલનું નેટવર્ક આવતું હતું.કબીરે શીલાને લેન્ડલાઈન પરથી ફોન કરી પોતે શિવગઢ પહોંચી ગયો છે એની જાણકારી આપી અને હવે શીલા જો પોતાનો સંપર્ક કરવા માંગતી હોય તો પોતે જે નંબર પરથી કોલ કર્યો એ નંબર પર જ કોલ કરે એ હિદાયત પણ આપી.

"સારું તો કાકા હું સ્નાન કરી લઉં ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો.."આટલું કહી કબીર પાછો પોતાનાં ઉપરનાં માળે આવેલાં રૂમ તરફ અગ્રેસર થયો.કબીર નાં જતાં જ જીવકાકા પુનઃ પોતાનાં કામમાં લાગી ગયાં.

કબીરે પોતાનાં રૂમમાં જઈને સ્નાન કર્યું અને પછી કપડાં ચેન્જ કરી પથારીમાં આડો પડ્યો..હજુ છ વાગ્યાં હોવાથી જમવાનું બનવાની વાર હતી એટલે કબીરે સમય પસાર કરવા અને પોતાની નવી બુક માટે થોડો ઘણો રેફરન્સ મળી રહે એ માટે ગુજરાતની સૌથી મોટી ebook એપ્લિકેશન માતૃભારતીમાંથી ગઈકાલે જ ડાઉનલોડ કરેલી જતીન.આર. પટેલ ની હોરર બુક આક્રંદ:એક અભિશાપ વાંચવાનું શરૂ કર્યું.માતૃભારતી એપ્લિકેશન ની એ ખાસિયત છે કે ઈન્ટરનેટ ચાલુ હોય કે ના હોય બસ તમે બુક ડાઉનલોડ કરી હોય તો એને ગમે ત્યારે વગર ઈન્ટરનેટે પણ વાંચી શકો છો.

"સાહેબ,જમવાનું પીરસાઈ ગયું.."લગભગ સાડા સાત વાગે જીવકાકા એ કબીર ને અવાજ આપ્યો.

"બસ આવું બે મિનિટમાં.."આટલું કહી કબીર ફટાફટ પલંગમાંથી ઉભો થયો અને રૂમનો દરવાજો લોક કરી નીચે ગયો.

કબીરે જોયું તો જીવકાકા એ પરોઠા અને મગ બનાવ્યાં હતાં અને જોડે ડુંગળી અને મરચાં સાથે છાશ પણ હતી..આ બધું એક પાટલા પર મુકાયું હતું.કબીર ત્યાં જઈને પાટલા જોડે પાથરેલાં આસનીયાં પર જઈને ગોઠવાઈ ગયો.નીચે જમીન પર બેસીને દેશી પદ્ધતિથી સાદું અને સાત્વિક ભોજન જમવાની કબીર ને ખૂબ મજા આવી.

કબીરે જીવકાકા નાં ના કહેવા છતાં પોતાની થાળી જાતે જ ઉઠાવી અને બીજાં વાસણો જોડે જઈને રાખી.

"કાકા,ખૂબ મજા આવી ગઈ જમવાની.."જીવકાકાનાં જમવાના વખાણ કરતાં કબીર બોલ્યો.

"બસ સાહેબ તમને ગમ્યું એટલે ઘણું છે..કાલે બપોરે પણ મસ્ત દાળ-ઢોકળી બનાવીશ.."પોતાની રસોઈ નાં વખાણ થતાં હરખભેર જીવકાકા એ કહ્યું.

ત્યારબાદ કબીરે જીવકાકા ની ફેમિલી સાથે જોડાયેલી અમુક બાબતો વિશે પુછપરછ કરી..જેમાં કબીરે જાણ્યું કે જીવકાકા વર્ષોથી પ્રતાપસિંહ ઠાકુર ને ત્યાં પોતાની સેવા આપતાં આવ્યાં છે.અત્યારે એમનો દીકરો બંસી પણ ઠાકુર સાહેબને ત્યાં મુલાજીમ છે.એમનો પરિવાર ઠાકુર સાહેબની રહેમ નજર નીચે આનંદથી જીવે છે એવું પણ કબીરને જાણવા મળ્યું.

"આ ઠાકુર સાહેબ તો બહુ સારાં માણસ લાગે છે..એમને એક વખત રૂબરૂ મળવું પડશે.."ઠાકુર સાહેબનાં વખાણ સાંભળી શિવ બોલ્યો.

"અરે હા બહુ ભલા માણસ છે..એ અત્યારે તો શિવગઢ નથી..પણ બે દિવસ પછી એ શિવગઢ આવવાનાં છે ત્યારે તમે એમને મળી શકો છો.."જીવકાકા એ કહ્યું.

"સારું ત્યારે ચોક્કસ એ દિવસે જઈને એમને મળી આવીશ.."કબીરે કહ્યું.

થોડીવારમાં પોતાનું કામ પૂર્ણ થઈ જતાં જીવકાકા કબીરનાં રૂમમાં પ્રવેશી બોલ્યાં.

"સાહેબ,હવે હું ઘરે જાઉં..કાલે સવારે અહીં આવી જઈશ..હું ઘર નો આગળનો દરવાજો બહારથી લોક કરીને જાઉં છું.તમારે બહાર જવું હોય તો રસોડાની જોડે આવેલ દરવાજાનો ઉપયોગ કરી શકો છો."

"કેમ તમે રાતે અહીં નથી રોકાવાના..?"જીવકાકાની વાત સાંભળી કબીરે આશ્ચર્ય સાથે પુછ્યું.

"સાહેબ,બંસી અને એની પત્ની બંને ઠાકુર સાહેબનાં બંગલે જ રોકાય છે તો બંસી નાં દીકરા ને સાચવવા મારે મારી બૈરી જોડે રોકાવું પડે એમ છે..મારી બૈરી ને રતાંઘણાપણું છે એટલે એ રાતે જોઈ નથી બરાબર શકતી નથી..પણ હું સવારે સાત વાગ્યાં પહેલાં તો અહીં આવી જઈશ.."પોતે રાતે ત્યાં રોકવાનાં કેમ નથી એનું કારણ આપતાં જીવકાકા એ કહ્યું.

જીવકાકા ની વાત સાંભળી કબીરે પોતાની બેગમાંથી એક ચોકલેટ કાઢી જીવકાકાનાં હાથમાં મુકતાં કહ્યું.

"કાકા,આ ચોકલેટ બંસી નાં દીકરા માટે..તમતમારે જાઓ ઘરે."

"સારું સાહેબ..પણ રાતે સમજ્યાં વિચાર્યા વગર બહાર ના નીકળતાં..આ વિસ્તારમાં વરુ અને રીંછ જેવાં રાની પશુઓનો ત્રાસ છે."જતાં જતાં કબીર ને સાવચેતી વર્તવાની સલાહ આપતાં જીવકાકા એ કહ્યું.

"સારું કાકા..તમે પણ સાચવીને જજો.."કબીર બોલ્યો.

ત્યારબાદ જીવકાકા પાણીનો એક જગ ભરીને કબીરનાં રૂમમાં મૂકી ગયાં અને પછી વુડહાઉસ ને બહારથી લોક કરીને પોતાનાં ઘરે જવા માટે સાઈકલ પર સવાર થઈને નીકળી પડ્યાં.જીવકાકા નાં ત્યાંથી જતાં જ કબીરે આજનો દિવસ થાક ઉરરવાનું નક્કી કર્યું અને કાલથી એ કંઈક લખવાનું વિચારશે એવું નક્કી કર્યું.હજુ નવ વાગતાં હતાં એટલે નીંદર તો આવવાથી રહી કેમકે કબીર ને મોડે સુધી જાગવાની આદત હતી.

ફોન નું નેટવર્ક ન હોવાથી કબીરે સમય પસાર કરવા પહેલાં તો કબીર મોબાઈલમાં પોતાની પસંદની plant vs. Zombie ગેમ રમ્યો અને પછી તો થોડો સમય બાદ એમાં પણ ઉબ આવી જતાં કબીરે પોતાનાં લેપટોપમાંથી ગઝલો સાંભળવાની શરૂ કરી..ગઝલો સાંભળવાથી કબીર ને ઘણાં ખરાં અંશે તણાવ દૂર થવાની લાગણી થતી અને એમ થતાં એ વધુ ઉત્તમ લેખન કરી શકતો.આજે પણ જગજીત સિંહ ની એવી જ એક સુંદર ગઝલ વાગી રહી હતી જેનાં શબ્દો હતાં.

तुम इतना जो मुस्कुरा रहे हो

क्या गम है जिसको छुपा रहे हो

क्या गम है जिसको छुपा रहे हो

तुम इतना जो मुस्कुरा रहे हो

आँखों में नमी, हंसी लबों पर

आँखों में नमी, हंसी लबों पर

क्या हाल है क्या दिखा रहे हो

क्या हाल है क्या दिखा रहे हो

क्या गम है जिसको छुपा रहे हो

तुम इतना जो मुस्कुरा रहे हो.

આવી જ સુંદર ગઝલો એકપછી એક સાંભળ્યા બાદ કબીર ને માનસિક શાંતિ મળી રહી હતી..સાથે સાથે પોતે નવી નોવેલ એક યુવતીનાં બદલાની દાસ્તાન પર લખશે એવું પણ એને મનોમન નક્કી કરી દીધું..આખરે ઘડિયાળમાં સાડા અગિયારનાં ટકોરાં પડતાં કબીરે લેપટોપ બંધ કર્યું અને પછી સુવા માટે પથારીમાં લંબાવ્યું.આમ તો કબીર ને એર કંડીશનર વગર સુવાની આદત નહોતી પણ આ કુદરતની ગોદમાં આવેલી આ મનમોહક જગ્યાએ પડતાં ની સાથે જ કબીર ને મીઠી નીંદર આવી ગઈ.

રાત ધીરે ધીરે મંદ ગતિમાં આગળ વધી રહી હતી..નજીકમાં વહેતી નર્મદા નદી અને ઊંચાઈ પર આવેલું ઘર હોવાથી બારીમાંથી શીતળ પવનની લહેરખી આવી રહી હતી.આ શીતળતા કબીર માટે કોઈ એર કંડીશનરથી કમ નહોતી.કબીર ઘોર નિંદ્રામાં હતો ત્યાં એનાં કાને કંઈક વિચિત્ર અવાજ સંભળાયો જે સાંભળી કબીરની આંખ અચાનક ખુલી ગઈ.કબીરે મોબાઈલમાં જોયું તો અઢી વાગી રહ્યાં હતાં.

અવાજ ક્યાંથી આવતો હતો એનો ક્યાસ લગાવવાની કબીરે કોશિશ કરી જોઈ પણ ફરીવાર એનાં કાને કોઈપણ પ્રકારનો અવાજ ના પડ્યો..કબીરે ઉભાં થઈને બારીની બહાર નજર ફેંકી જોઈ તો ત્યાં એને ફક્ત ઘોર અંધકાર અને વેરાન પ્રદેશ સિવાય કંઈપણ નજરે ના ચડ્યું.આખરે કબીરે બારીને બંધ કરી અને એને જે કંઈપણ સાંભળ્યું હતું એ એનાં મનનો વહેમ હશે એવું વિચારી ફરીથી પથારીમાં લંબાવ્યું.

બારી બંધ હોવાં છતાં રૂમમાં જરૂરી ઠંડક હતી એટલે કબીર થોડીવારમાં ઘસઘસાટ સુવામાં સફળ થયો.શિવગઢમાં પ્રથમ રાતનો આ વિચિત્ર અનુભવ આવનારાં સમયમાં થનારી ઘટનાઓની અગમચેતી નું સિગ્નલ હતું જેને અત્યાર પૂરતો તો કબીર સમજવામાં સફળ નહોતો થયો.નજીકમાં કબીરની જીંદગીમાં બનનારી નવી ઘટનાઓની આ તો ખાલી શરૂવાત હતી.

કબીરનાં શિવગઢ પહોંચતા જ શીલા અમદાવાદ સ્થિત પોતાનાં ઘરે એકલતા અનુભવી રહી હતી.શીલા કબીર ને ખુબજ પ્રેમ કરતી હોવાથી એનો વિયોગ શીલાને સતાવી રહ્યો હતો.અત્યારે શીલાનાં હાથમાં કબીર ની એમનાં એક લગ્ન સમયની એક તસ્વીર હતી..જેને જોઈ શીલા રડી રહી હતી..આ રૂદન કોઈ સામાન્ય રૂદન નહોતું કે જે કોઈની ગેરહાજરીમાં આવે પણ આ રૂદન એક આક્રંદ સમાન હતું અને એ ત્યારેજ આવે જ્યારે માણસ ખૂબ મોટી તકલીફ અનુભવી રહ્યો હતો.!!

**********

વધુ આવતાં અંકમાં.

કબીર ની જીંદગી જોડે જોડાયેલ સચ્ચાઈ અને શિવગઢમાં શું થવાનું હતું એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.

જો તમે રેટિંગ ઓછું આપો તો એનો કોઈ વાંધો મને નથી પણ જોડે જોડે એમ કરવા પાછળનું કારણ લખો તો હું આગળ જઈને વધુ સારું લખવાનો પ્રયત્ન કરી શકું.અમુક વાંચકો સતત બધી નોવેલ વાંચ્યા બાદ પણ બીજાં વાંચકોથી વિપરીત ઉતરતી કક્ષાનું રેટિંગ આપે ત્યારે મનોબળ ને ધક્કો જરૂર લાગે છે..છતાં એમનો પણ આભાર કેમકે એ લોકો વાંચે તો છે.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ