રૂહ સાથે ઈશ્ક રિટર્ન 33 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂહ સાથે ઈશ્ક રિટર્ન 33

                    રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 33

રાજુ અને ગિરીશને ઠેકાણે પાડ્યાં બાદ કબીરે જીવાકાકાની પુત્રવધુ કંચનને બચાવવાની પોતાની યોજના અમલમાં મૂકી..શિવગઢ આવ્યાં બાદ પ્રતાપસિંહ એ ગિરીશ નાં અંતિમસંસ્કાર કર્યાં અને વુડહાઉસ જઈને વિસ્ફોટકો ભરેલી પેટીઓ જોડે લીધી અને કોઠી પર પહોંચ્યો..જ્યાં બંસી અને એની પત્ની ની ગેરહાજરી તથા એમનાં ઘરે લોક હોવાનું જાણ્યાં બાદ ગુસ્સાથી લાલચોળ થયેલાં ઠાકુરનાં હાથમાં એક કવરમાં રાખેલો લેટર આવી જાય છે..જે વાંચતાં વાંચતાં ઠાકુરનો ચહેરો ચમકી ઉઠે છે.
કબીર જીવાકાકા અને એમનાં પરિવારને પોતાની જોડે લઈને અડધા કલાકમાં દોલતપુર પહોંચી ગયો..કબીરે પોતાની કાર ને સીધી જ રેલવે સ્ટેશન જઈને ઉભી કરી અને બધાં ને ઉતરી પ્લેટફોર્મ પર ઉભાં રહેવાં કહ્યું અને પોતે ટિકિટની વ્યવસ્થા કરવાં માટે ટીકીટ બારી એ જઈ પહોંચ્યો.
દોલતપુર થી અમદાવાદ ની છ ટીકીટ લઈને કબીર તુરંત બાકીનાં લોકો જ્યાં હાજર હતાં ત્યાં જઈ પહોંચ્યો..નટુ નાં હાથમાં એ ટિકિટો અને થોડી નકદ મૂકીને કબીરે કહ્યું.
"નટુ,લે આ ટીકીટ અને થોડી રોકડ..તું આ બધાં ને લઈને અમદાવાદ કાલુપુર સ્ટેશને પહોંચે એટલે 6 નંબરના પ્લેટફોર્મ જોડે જે PCO બુથ છે એમાંથી મેં જે મનિષનો નંબર આપ્યો હતો એની ઉપર કોલ કરજે..મનિષ એટલામાં જ ક્યાંક હાજર હશે..એ આ બધાં ને લઈને જાય એટલે મનિષ તને જે ટીકીટ આપે એ લઈને તને જણાવે એ ટ્રેઈનમાં બેસી પાછો આવી જજે.."
કબીરનાં દરેક શબ્દો પાછળ રહેલી આ અંજાન લોકોની અને પોતાની ચિંતા નટુ સાફસાફ મહેસુસ કરી શકતો હતો..નટુ એ કબીરને ગળે લગાવ્યો અને કહ્યું.
"સારું ભાઈ.. હું બધું જોઈ લઈશ..પણ તું સાચવજે..હવે ઠાકુર ને પણ તું આ બધાં પાછળ જવાબદાર છે એની ખબર પડી ગઈ હશે એટલે એ પણ તારાં જીવનો તરસ્યો બન્યો હશે એ પાકું છે.."
"હા..નટુ હું બધું કુટી લઈશ.. જો આ ટ્રેઈન પણ આવી ગઈ..હવે તું નીકળ..કાકા તમે શાંતિથી હું ના કહું ત્યાં સુધી અમદાવાદ જ રહેજો..તમને ત્યાં કોઈ જાતની તકલીફ નહીં પડે.."પહેલાં નટુ અને પછી જીવાકાકા ને ઉદ્દેશીને કબીર બોલ્યો.
"બેટા તારું આ ઋણ હું કઈ રીતે ચૂકવીશ.તે અમારાં પૂરાં પરિવાર ને એ ઠાકુરથી બચાવી અમારી ઉપર જે ઉપકાર કર્યો છે એનો બદલો હું કઈ રીતે ચૂકવીશ.."કબીર ની તરફ હાથ જોડી જીવાકાકા એ રડમસ સ્વરે કહ્યું.
"કાકા મેં કોઈ બદલાની ભાવનાથી આ બધું નથી કર્યું..અને તમારે જો આનુ ઋણ ચૂકવવું હોય તમારાં હાથનાં ગરમાગરમ ભજીયાં ખવડાવી દેજો.."કબીરે હસીને કહ્યું.
કબીરની આ વાત સાંભળી ત્યાં હાજર બધાં ખડખડાટ હસી પડ્યાં.થોડીવારમાં એ લોકો ટ્રેઈનમાં બેસી ગયાં અને સમયસર ટ્રેઈન ત્યાંથી ઉપડી ગઈ.
ટ્રેઈન ને જતાં જોઈ કબીરે રાહતનો દમ લીધો..હવે આગળનું આયોજન પણ એને કરી રાખ્યું હતું..કબીર રેલવે સ્ટેશનથી નીકળી સીધો પોતાની માં જશોદાબેનની હે ધર્મશાળામાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી એ ધર્મશાળાએ જઈ પહોંચ્યો.રસ્તામાં કબીરે પ્રોજેક્ટર પણ એનાં માલિકને પહોંચાડી દીધું.
જશોદાબેન તો કબીરને આમ આટલી રાતે ત્યાં આવેલો જોઈ નવાઈ પામી ગયાં.. અને અહીં આવવાનું કારણ પૂછ્યું તો કબીરે એમનાં સવાલને એમ કહી ટાળી દીધો કે પોતે જ્યારે ફરીવાર ત્યાં આવશે ત્યારે એમને બધી વાત જણાવશે..કબીરની વાત સાંભળી જશોદાબેને કંઈપણ દલીલ ના કરી.
કબીરે પોતાનો બધો સામાન ત્યાં રાખી દીધો અને ખાલી એક જોડી કપડાં પોતાની સાથે લઈને જશોદાબેન નાં આશીર્વાદ લઈ ત્યાંથી નીકળ્યો..કબીર પોતાની ફોર્ચ્યુનર કાર લઈને સીધો પહોંચ્યો ગિરનાર રેસ્ટોરેન્ટ..કબીર ગઈ વખતે નટુ જોડે દોલતપુર આવ્યો હતો ત્યારે  કબીરે એક બાઈક ની સગવડ કરવાનું ગિરનાર હોટલનાં મેનેજર ને કહી રાખ્યું હતું.
આમ કરવાં પાછળ કબીરનો ઉદ્દેશ હતો કે એ પોતાની ગાડી અહીં જ ગિરનાર રેસ્ટોરેન્ટનાં પાર્કિંગમાં મૂકી અહીંથી એક બાઈક પર જ શિવગઢ જશે..કેમકે પોતે સસ્પેન્સ નોવેલ લખતો હોવાથી કબીરને ખબર હતી કે આટલી મોટી ગાડી લઈને શિવગઢમાં જવું એ હાથે કરીને મોત ને આમંત્રણ આપવા જેવું હતું.
હોટલ મેનેજરે એક જૂનાં સ્પેન્ડર બાઈકની વ્યવસ્થા કબીર માટે કરીને જ રાખી હતી..કબીર જોડે હવે એ હોટલ મેનેજર ને આત્મીયતા ભર્યો સંબંધ બંધાઈ ચુક્યો હતો..અને કબીરે જ્યારે પોતાની ઓળખાણ આપી કે એ એક મોટો લેખક છે ત્યારે તો એનો વિશ્વાસ કબીર પર બેવડાઈ ગયો હતો..કબીરે પોતાની ફોર્ચ્યુનરની ચાવી મેનેજર ને સુપ્રત કરી અને એમની જોડેથી બાઇકની ચાવી લઈને બાઈક ચાલુ કરી નીકળી પડ્યો શિવગઢ તરફ.
જતાં જતાં બંસી એ કબીરને વુડહાઉસમાં રાખેલી કોઈ પેટીઓ વિશે વાત કરી હતી..બંસી એ કહ્યું કે એ પેટીઓમાં શું હતું એ તો પોતે નથી જાણતો પણ અંદર કંઈક તો એવી વસ્તુ છે જે ઠાકુર પ્રતાપસિંહ માટે ભવિષ્યમાં તકલીફ પેદા કરી શકે છે.માટે જ ઠાકુરે કોઠી પર રાખવાના બદલે એ પેટીઓ વુડહાઉસ રખાવી હતી..હવે કબીરનું નવું ટાર્ગેટ હતું એ પેટીઓમાં શું હતું એ જાણવું.
                            ***********
કબીર જે સમયે શિવગઢ તરફ આવવા નીકળ્યો એ સમયે ઠાકુર પ્રતાપસિંહ વુડહાઉસનાં એડ્રેસ પર આવેલા કવરમાંથી લેટર બહાર નીકાળી એને વાંચતાં વાંચતાં ખુશ થઈ રહ્યાં હતાં..પોતાનાં પિતાનાં ચહેરા નાં બદલાયેલાં ભાવ જોઈને વીર ને એ વિચારી નવાઈ લાગી રહી હતી કે લેટરની અંદર એવું તે શું હતું જે વાંચ્યા બાદ પોતાનાં પિતાનો ગુસ્સો ઓગળી ગયો હતો..ઠાકુર પ્રતાપસિંહ એ એ લેટર વંચાઈ ગયાં બાદ એને ચૂમી લીધો અને પછી એ લેટર ફાડીને હવામાં ઉછાળીને જોરજોરથી હસવા લાગ્યો.
પોતાનાં પિતાને આમ અટ્ટહાસ્ય કરતાં જોઈ વીરે એમની જોડે ઉભાં રહી પૂછ્યું.
"પિતાજી..શું હતું એ લેટરમાં જે વાંચ્યા બાદ તમે આટલાં બધાં ખુશ થઈ ગયાં..?"
વીરની વાત સાંભળી ઠાકુર પ્રતાપસિંહ એનાં બંને ખભા પર પોતાનાં હાથ મુકીને એનાં ચહેરા જોડે પોતાનો રુવાબદાર ચહેરો લાવીને કહ્યું.
"દીકરા..આ લેટરમાં મારાં સર્વ શક્તિમાન થવાની ચાવી છે.."
"આમાં તમારાં સર્વ શક્તિમાન થવાની ચાવી છે..મતલબ કે તમારી બલી માટે ગર્ભવતી સ્ત્રીની વ્યવસ્થા..?"ધીરેથી વીર બોલ્યો.
વીર નો સવાલ સાંભળી ઠાકુરે એનાં ખભેથી પોતાના હાથ લીધાં અને બંને હાથ ખુલ્લાં કરી ગોળ ગોળ ઘુમતાં જોરજોરથી હસીને બોલ્યાં.
"હા આ લેટરે બલી માટે એક ગર્ભવતી સ્ત્રીની વ્યવસ્થા કરી દીધી છે..અને એ પણ આપણાં સૌથી મોટાં દુશ્મન બની ચુકેલાં કબીરની પત્ની.."
"શું કહ્યું..કબીરની પત્ની..?"ઠાકુર પ્રતાપસિંહ ની વાત સાંભળી આશ્ચર્ય સાથે વીર બોલી પડ્યો.
"હા દીકરા..આ લેટર કબીરની પત્ની શીલા એ કબીર ને ઉદ્દેશીને લખ્યો હતો..એમાં લખ્યું છે કે હમણાંથી કબીર એની સાથે વાત નથી કરતો અને વુડહાઉસ નો નંબર પણ બંધ હોવાથી એને કબીરની ચિંતા થાય છે..આ લેટર પોસ્ટ થયાંનાં ચાર દિવસ પહેલાં જ એ ગર્ભવતી છે એની એને ખબર પડી..આ ખુશ ખબર આપવા અને કબીરને મળવા એ આવતીકાલે સવારે દોલતપુર આવે છે.."ઠાકુરે લેટરની અંદર મોજુદ લખાણ નો ફોડ પાડતાં કહ્યું.
"અરે આ તો ના ધાર્યા ની ખુશ ખબર છે..આ લેટરે તો આપણી બે પ્રોબ્લેમ એકસાથે સોલ્વ કરી દીધી..એક તરફ આપણાં માટે એક ગર્ભવતી સ્ત્રીની વ્યવસ્થા પણ થઈ ગઈ અને બીજી તરફ કબીર નામનાં એ હરામી જોડે ડોકટર ગિરીશની મોતનો બદલો પણ લેવાઈ જશે.."વીર પણ ખુશ થતાં બોલ્યો.
દોઢેક કલાક બાદ જ્યારે ચમન અને ઠાકુર પ્રતાપસિંહ નાં ત્રણેય સાગરીતો ત્યાં વીલા મોંઢે પાછાં આવી જ્યારે એમને જીવાકાકા નાં ઘરનું કોઈ સદસ્ય શિવગઢમાંથી મળ્યું ન હોવાનું જણાવ્યું ત્યારે ઠાકુરે એમને કહ્યું.
"તમ તમારે સુઈ જાઓ..કાલે તમારે વીર સાથે દોલતપુર પણ જવાનું છે.."
ઠાકુરની આજ્ઞા મળતાં ચમન સિવાયનાં બાકીનાં માણસો પોતાની કોઠીમાં જ્યાં રહેવાની સગવડ જતી એ તરફ જવા નીકળી ગયાં.. જ્યારે ચમન પોતાની બાઈક લઈને ગામમાં મોજુદ પોતાનાં ઘરની તરફ હાલી નીકળ્યો.
એમનાં જતાં જ ઠાકુરે વીર ભણી જોયું અને કહ્યું.
"વીર તું સવારે જ દોલતપુર જવા નીકળી જજે..સવારે અમદાવાદ ઉપરથી જેટલી પણ ટ્રેઈન આવે છે એમાંથી ઉતરતી શહેરી પોશાકમાં સજ્જ મહિલા પર નજર રાખવાની છે..જેવી કોઈ મહિલા દેખાય જે શિવગઢ માટેનું વાહન શોધતી હોય તો એને ગમે તે કરીને તમારી સાથે લઈ આવવાની જવાબદારી તારાં માથે."
"સારું એ થઈ જશે..અત્યારે હું સુવા માટે મારાં ઓરડામાં જાઉં..તમે પણ સુઈ જજો..ગુડ નાઈટ."ઠાકુર પ્રતાપસિંહ ની કહેલી વાત શાંતિથી સાંભળ્યાં બાદ વીર ત્યાંથી પોતાનાં બેડરૂમ તરફ નીકળી પડ્યો.
"ગુડનાઈટ.."ઠાકુરે ટૂંકમાં કહ્યું.
વીર નાં જતાં જ ઠાકુરે એક સ્કોચની બોટલ કાઢી અને એમાંથી એક કડક પેગ તૈયાર કર્યો અને એક જ ઘૂંટમાં ગટગટાવી ગયો.આજની રાત ઠાકુર પ્રતાપસિંહ માટે કાઢવી ભારે પડી જવાની હતી એ નક્કી હતું.કાલે કબીરની પત્ની શીલા આવશે કે નહીં આવે એ વિચારતાં વિચારતાં ઠાકુર પ્રતાપસિંહ ત્યાં જ ડાઇનિંગ ટેબલ પર માથું રાખીને સુઈ ગયો.
                        ***********
કબીર દોલતપુરથી બાઈક લઈને સીધો ટેકરી પર જઈ પહોંચ્યો..અહીં સુધી આવવામાં કબીર ને ઉબળ-ખાબળ રસ્તાનાં લીધે તકલીફ જરૂર પડી હતી..પણ અત્યારે એ બધાંની એને કંઈપણ ફિકર જ નહોતી..કબીરે ત્યાં ઝાડીઓ પાછળ પોતાનું બાઈક મુક્યું અને દબાતાં પગલે વુડહાઉસ તરફ ચાલી નીકળ્યો.
કબીરે ત્યાં પહોંચી ખૂબ બારીકાઈથી ચેક કર્યું કે ત્યાં કોઈ હાજર તો નથી ને..પણ જ્યારે એને બધું ok લાગ્યું એટલે એ ખૂબ સાવધાનીથી વુડહાઉસનાં મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો..કબીરે જ એ દરવાજો લોક કર્યો હોવાથી એની ચાવી કબીરની જોડે હતી.
વુડહાઉસ નું તાળું પહેલાં જ તૂટી ગયું છે એ વાતથી બેખબર કબીર જેવો દરવાજા જોડે હાથમાં ચાવી લઈને પહોંચ્યો એ સાથે જ તાળું ખુલ્લું જોઈ એ ચમકી ગયો..કબીર સમજી ગયો કે આ તાળું તોડી પોતાનાં પહેલાં અહીંયા કોઈ આવી ચૂક્યું છે..અને અહીં કોઈ આવીને ગયું હોવાનો મતલબ હતો કે વિસ્ફોટકો ભરેલી પેટીઓ ત્યાંથી લઈ જવામાં આવી હતી.
હતાશ વદને કબીર ત્યાંથી પાછો પોતાની બાઈક જ્યાં છુપાવીને રાખી હતી એ તરફ આગળ વધ્યો..હવે વુડહાઉસમાં વગર કારણે જવાનું જોખમ એ ખેડવા નહોતો માંગતો..માટે અહીં જ રહી રાધાની રાહ જોવી એને ઉચિત સમજી.
કબીર ને જોરદાર ઊંઘ આવી રહી હતી પણ અત્યારે અહીં સુવામાં કોઈ જંગલી પશુ દ્વારા જાનનું જોખમ પણ હતું એટલે કબીર મહાપરાણે જાગતો રહ્યો..આખરે પોતાની મોત થઈ હતી એ સમય એટલે કે રાતનાં અઢી વાગે રાધાની રૂહ કબીરની જોડે આવી પહોંચી.રાધા નો સુંદર અને મનમોહક ચહેરો જોઈને કબીરની ઊંઘ પળવારમાં ગાયબ થઈ ચૂકી હતી..અને આ જ તો હતી પ્રેમની તાકાત.
રાધા ની જોડે કબીર એક વૃક્ષ નીચે બેઠો અને એની જોડે વાતો કરતાં કરતાં સવાર કરી મૂકી.કંચન ને ઠાકુરનાં સકંજામાંથી કબીરે સહીસલામત બહાર કાઢી લીધી હતી એ જાણ્યાં બાદ રાધા ઘણી ખુશ હતી.આવતી કાલે જ ઠાકુર નો ફેંસલો કરી દેવાનું કબીરે રાધા ને કહ્યું જેમાં રાધાએ પણ પોતાની સહમતી આપી દીધી.
સવારે પાંચ વાગતાં જ રાધા ત્યાંથી ચાલી નીકળી એટલે કબીર પણ પોતાની બાઈક લઈને મહાદેવ મંદિર જવા માટે નીકળી ગયો..પોતે જે ઠાકુર પ્રતાપસિંહ ને માત આપવાનું આયોજન કરી રહ્યો હતો એ ઠાકુર પોતાની પત્ની શીલા અને પોતાનાં બાળક સુધી પહોંચી જશે એ વાતથી કબીર બિલકુલ અજાણ જ હતો..આવનારાં ચોવીસ કલાક શિવગઢમાં ભૂકંપ લાવવાનાં હતાં એ નક્કી હતું.!
                            ★★★★★★
વધુ આવતાં અંકમાં.
શું કબીર શીલાનો જીવ બચાવી શકશે..?..મોહનનાં બદલાયેલાં નામ અને અલગ ચહેરા પાછળની હકીકત શું છે..?કઈ રીતે થશે ઠાકુરનો અંત..?એ જાણવાં વાંચતાં રહો આ હોરર સસ્પેન્સ નોવેલ રૂહ સાથે ઈશ્ક રિટર્ન નો નવો ભાગ.આ નોવેલનો આવનારો દરેક નવો ભાગ એક પછી એક રહસ્ય ની પરત ખોલતો જશે જેમાં દરેક વાંચક મંત્રમુગ્ધ બની જશે એની ગેરંટી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન,આક્રંદ,હવસ,એક હતી પાગલ અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ 
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક 
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.
                                   -દિશા.આર.પટેલ