Prem ek sathe j kem ? books and stories free download online pdf in Gujarati

પ્રેમ... એક સાથે જ કેમ...?

એક સમયે તમે કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કરી શકો...

આ વાક્ય બોલીને આજકાલ ઘણા જ્ઞાની લોકો પ્રેમની વ્યાખ્યા કરી રહ્યા છે. પણ વાસ્તવમાં ન તો આ પ્રેમની વ્યાખ્યા છે, કે ન આ કથન સાથે હું અંગત રીતે સહેજ અમથો પણ સહમત છું. કારણ કે પ્રેમ એ પૂર્ણતા છે, અપૂર્ણતાનો અવકાશ પ્રેમમાં શક્ય જ નથી. વાસ્તવમાં તો પ્રેમની કોઈ શાબ્દિક વ્યાખ્યા જ શક્ય નથી, કારણ કે પ્રેમ એ વ્યાખ્યા કરવાનો વિષય નથી. પ્રેમ એ માણવા અને અનુભવવાનો શૂન્યાવકાશમા પથરાયેલો એવો અંતરાલ છે, જે કદાચ સમયની જ બાધાઓમાં નથી સમાઈ શકતો. એ અનંત છે, નિરાકાર છે અને સ્વતંત્ર તેમજ મુક્ત અસ્તિત્વનો માર્ગ છે.

એક જ વ્યક્તિ...? કેટલુ સીમિત અને અધિકારીક લાગે છે આ ફોર્મ...? પ્રેમ ક્યારેય અધિકાર તો હોઈ જ ન શકે...? શુ સૂર્ય માત્ર પૃથ્વી તરફ જ પ્રકાશ ફેંકે...? અથવા નદીઓ માત્ર કોઈ એકને જ પાણી આપે...? ના એવું નથી બનતું, એ દરેક માટે સમાન છે, દરેકનો એના પર પૂરતો અધિકાર છે. તો પછી આ નિરાકાર પ્રેમ કોઈ પણ એક માટે મર્યાદિત કઈ રીતે હોય...? પ્રેમનો તો પર્યાય જ અનંત અને અમર્યાદિતતા દર્શાવે છે, તો પછી વ્યક્તિ દીઠ એને મર્યાદિત કઈ રીતે ગણાવી શકાય...? કદાચ આ મર્યાદાનું નિર્ધારણ જ પ્રેમ શબ્દોનું ભૂલ ભરેલ મુલ્યાંકન સૂચવે છે...

કારણ કે પ્રેમ તો વ્યક્તિત્વ સાથે ક્યાંય બંધાયેલો જ નથી, પ્રેમ કોઈ વિભાવનાઓમાં વહેંચાયેલો જ નથી, ન તો પ્રેમ વ્યક્તિ સાથે સીધો સંબંધ ધરાવે છે, ન વ્યક્તિ પ્રેમ સાથે... પ્રેમ એક લાગણી છે, પ્રેમ એક એવી સ્થિતિ છે જ્યાં બધું જ અકથ્ય બની જાય છે. જ્યાં વિભાવનાઓ પડી ભાંગે છે, જ્યાં સબંધ ગૌણ અને અનંતતા મહત્વની બની જાય છે. કદાચ શાસ્ત્રોમાં આ જ સ્થિતિ નિરાકાર બ્રહ્મ, એટલે કે મોક્ષની ઘણાતી હશે. મોક્ષ એટલે પણ મુક્તતા અને પ્રેમ એટલે પણ મુક્તતા, જેમ મોક્ષ પછી ઈશ્વર પ્રત્યક્ષ હોય છે એમ જ પ્રેમમાં પણ દિવ્યતા ઓળઘોળ વીંટળાયેલ હોય છે...

પ્રેમ એક સમયે પણ અનંત હોય અને એક ક્ષણે પણ... પ્રેમ સંપૂર્ણતા છે, જે દરેક સંજોગોમાં યથાવત રહે છે. પત્નીને પ્રેમ કરો છો તો પણ તમેં માતા પિતાને પ્રેમ કરી શકો છો. અથવા જ્યારે એમને પ્રેમ કરતા હોવ છો ત્યારે પણ તમે પત્નીને પ્રેમ કરતા જ હોવ છો. આ સંબંધોમાં દરેક લાગતા વળગતા આવી જ જાય છે. ભાઈ, બહેન, પ્રેમિકા, પત્ની, માતા, પિતા, સબંધીઓ, શિક્ષકો, વડીલો, પ્રકૃતિ અને સ્વીકૃતિ બધું જ...? ઇનશોર્ટ તમેં એક જ સમયે અનેકને પ્રેમ કરી શકો છો, આ સ્થિતિ અસહજ નહિ પરંતુ સહજ છે. અસહજ તો ત્યારે બને જ્યારે તમે કોઈ એકના પ્રેમ માટે અન્યોના પ્રેમને ઓછો આંકો છો.

કદાચ એક સમયમાં એકને જ પ્રેમ અથવા કોઈ એકના જ પ્રેમને પ્રાધાન્ય જેવા હલકા વિચારો જ પ્રેમની મહત્તા પર પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી રહ્યા છે. આજ કાલ પ્રેમ માટે એસિડ અટેક, પ્રેમ માટે કત્લ, પ્રેમ માટે પરિવારને છેતરી ભાગી જવું, પ્રેમના નામે વ્યભિચાર વગેરે કદાચ આ જ અપૂર્ણ પ્રેમને પ્રેમ સમજવાની ભૂલના કારણે જોવા મળે છે. કારણ કે પ્રેમ કોઈ એકને જ કરી શકવાનો વિચાર એટલો મક્કમ બને છે કે અન્ય પ્રત્યેની જવાબદારી આપણે ભૂલી જઈએ છીએ. પ્રેમ એ અર્પણ કરવાની સ્થિતિ છે એ ભુલાઈને પ્રેમ એ મેળવી લેવાની ભૂમિકામાં આવી જાય છે. જે વિભાવના જ પ્રેમત્વનો વિનાશ કરે છે. 

પ્રેમ ક્યારેય માંગણી ન હોઈ શકે, પ્રેમ ક્યારેય અનિચ્છાએ ન હોઈ શકે, પ્રેમ ક્યારેય એકાદ પાત્રની ઈચ્છા વિરુદ્ધ ન હોઈ શકે, પ્રેમ માત્ર ત્યારે જ હોઈ શકે જ્યારે બન્ને પાત્રો એકબીજાની દરેકે દરેક સ્થિતિ પરિસ્થિતિ સાથે જોડાયેલા રહેવા માટે સંપૂર્ણ પણે તૈયાર હોય. પ્રેમ કોઈ આવેગ નથી કે થયો અને જીવન ભર માટે તમે એક થઈ ગયા. જો કે પ્રેમ કોઈ પ્રયોગ કે સંશોધન પણ નથી કે દરેક વ્યક્તિ સાથે તમે એના પર રિસર્ચ કરતા રહો. પ્રેમ એ સ્થિતિ, સમય કે કાળ નથી, પ્રેમ એ સ્વયં પ્રવાહ છે. પ્રેમ જીવનની એવી અવસ્થા છે, જ્યાં તમે મેળવવાનું ત્યજીને આપવાનું શરૂ કરો છો. પ્રેમ અર્પણ થાય છે, અને કદાચ એટલે જ પ્રેમ માટે એકબીજા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ આવશ્યક બની જાય છે. પણ આજના યુગમાં પ્રેમ માત્ર વેપાર છે, પ્રેમ એ સોદો છે, જ્યાં તું મને આપ અને હું તને આપુની કોમ્પિટિશન ચાલી રહી છે. એક બીજાને કેટલું વધુ આપીએ એવી જંગ જીત્યા પછી, કોણે વધારે આપીને જીત મેળવી એવા નિર્ણયો પર સબંધો સાથે પરિણામલક્ષી રીઝલ્ટ મેળવાય છે.

પ્રેમ ઉજવવા માટે આપણે છેક વિદેશોમાંથી વેલાન્ટાઇન તો લઈ આવ્યા, પણ પ્રેમની એ પવિત્ર ભાવના લેવા આપણે ક્યારેય કૃષ્ણ અને રાધા, કૃષ્ણ અને રૂકમણી, કૃષ્ણ અને દ્રૌપદી, શનિ અને છાયા, શિવ અને શક્તિ, હિડીમ્બા અને ભીમ, શિવ અને વિષ્ણુ જેવા સબંધો પર વિચાર્યું જ નથી. પ્રેમનો કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે સબંધ હોઇ જ ન શકે. કારણ કે જ્યારે તમે પ્રેમની અવસ્થામાં આવી જાઓ છો, ત્યારે તમને સંસારના દરેક સ્વરૂપમાં માત્ર એકનો જ આભાસ થાય છે. અને આ સ્થિતિમાં તમે જ્યારે સંસારમાં માતા, પિતા, ભાઈ, બહેન, મિત્ર, સખી, પત્ની કે કોઈ પણ રિલેટિવ પ્રત્યે પ્રેમનો ભાવ કેળવો છો. એ સીધો જ તમારા પ્રિયતમના ઉર્જામાં એકલીન થઈ જાય છે. કારણ કે યુનિવર્સલ પ્રેમ ક્યારેય સંકુચિત સ્વરૂપ ન લઈ શકે. હા સંકુચિતતા સમય સાથે વિસ્તરીને આખા વિશ્વને એમાં ઓળગોળ કરે પણ સમયાંતરે આવતી સંકુચિતતા પ્રેમ તત્વ પર પ્રશ્નાર્થ ચિન્હ મુકતું જઇ રહ્યું છે.

સમાજમાં કૃષ્ણ અને રાધાના દાખલા તો અપાય છે, પણ પ્રેમની એ દિશામાં સંભાવનાઓ કોઈએ વિચારી જ નથી. એ દિવ્ય પ્રેમની સ્થિતિ કોઈએ સમજી નથી, ન તો કોઈને લાગણીઓની સાચી સમજ છે, ન પ્રેમની... કારણ કે એ બસ હોય છે, એ થતો નથી અને કરવો પણ નથી પડતો. શુ કૃષ્ણે રાધાને પ્રેમ કરવો પડ્યો હતો...? રૂકમણીએ જ્યારે કૃષ્ણને જોયા પણ નોહતા ત્યારે એમને લગ્ન માટે બોલાવી લીધેલા, શબરીને શુ ખબર રામ કેવા છે...? મીરા તો જાણતી પણ નહીં હોય કે કૃષ્ણ ક્યારેક એને માટે આવશે...? દ્રૌપદી જાણતી હતી કે તેઓ મારા નથી. જામવંતી જેવી ઘણી પટરાણીઓને રાધા કૃષ્ણના પ્રેમ વિશે જાણ હતી. છતાંય એમણે કૃષ્ણને ચાહ્યા, અનંત ચાહ્યા. કારણ કે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ તેઓ જાણતી હતી. અહીં પ્રશ્ન વ્યભિચારનો નથી, માત્ર સ્વીકારનો છે. કોઈ જ પટરાણી મજબૂરી વશ કૃષ્ણ સાથે ન હતી, એ સર્વેનો સંપૂર્ણ સમર્પણ ભાવ અને એમના નાથનો દરેક સ્થિતિમાં સ્વીકાર ભાવ કૃષ્ણ સાથે હતો. કદાચ આજના યુગમાં આ સ્વીકાર અને સમર્પણનો કન્સેપટ પણ બદલાયો છે. અત્યારે અધિકાર અને પામવાની ભાવના સદંતર વધતી જઈ રહી છે. હું તને ચાહું તો તારે પણ મને જ ચાહવું વાળી હીન માનસિકતા અત્યારે પ્રેમના સ્વરૂપે લોકોમાં સ્થાયી થવા લાગી છે, પરિણામે પ્રેમનું સ્વરૂપ લોકોની નજરોમાં સતત વિકૃતિ ધારણ કરતું રહ્યું છે. કદાચ વર્તમાનમાં સ્ત્રી પુરુષ વચ્ચેની ખાઈ અને પ્રેમ શબ્દની સાથે સાથે સંબંધોમાં જે બદલાવ આવ્યા છે આ બધા પાછળ પણ આવું જ બધુ છે.

પણ આ છેલ્લું કથન યાદ આવ્યું જે મને ધરાર ન પચ્યું... કોઈકે એવું કંઈક કહેલું કે 'એક સમયે એક વ્યક્તિ સાથે જ પ્રેમ થઈ શકે...' સાંભળીને નવાઈ તો લાગી. પણ પછી થયું કદાચ આ  વિચારધારા આવી છે, એટલે જ પત્ની પ્રત્યે પ્રેમ દર્શાવવા લોકો મા બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. કારણ કે જો પ્રેમ એક જ વ્યક્તિ સાથે થાય તો માતા-પિતાનો સ્વીકાર લગ્ન પછી મુશ્કેલ થઈ જાય છે. જ્યાં બાળકો પણ પતિ પત્નીના પ્રેમમાં બધા બનવા લાગતા હોય છે એવા યુગમાં પ્રેમના સમીકરણો ખરેખર ખોટા સૂત્રો દ્વારા ઉકેલવાના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે. કદાચ પ્રેમ શીખવવાના સમયાંતરે ઘણા ઇન્સ્ટિટ્યુશન, ટ્યુશન અને ક્લાસિસના કારણે પ્રેમ માપવાના વાસ્તવિક સમીકરણો ભુલાઈ ગયા છે. સૂત્રો હવે બદલીને એવા સૂત્રો ઉપયોગમાં લેવાયા છે કે ગમે તેટલું સાદું રૂપ આપો ઈકવેશન સોલ્વ નથી થતા. પ્રેમના ઘણા સમીકરણો શોધવાના મોહમાં આપણે એના વાસ્તવિક ઉકેલ અને સૂત્રો જ ભૂલી ગયા છીએ. ઘણા લોકોને આ સૂત્રો ફાવતા હોય છે, પણ અલગ કરવાની અને પોતાના જ જ્ઞાનને મહાન માનનારા એ સૂત્રો સ્વીકારવા તૈયાર નથી. કારણે કે એમની માનસિકતા એ જવાબ સ્વીકારવા જ નથી માંગતી ભલે એ સત્ય છે...


★ ફ્રી હિટ ★

એક સમયે તમે કોઈ એક જ વ્યક્તિને પ્રેમ કરી શકો...
આ જ કથનને માનીને કદાચ લોકો બાયડી સાચવવા મા-બાપને વૃદ્ધાશ્રમ મૂકી આવતા હશે... ?? કારણ કે કન્ફ્યુઝન તો એ સમયે ઇ થાય કે એક સમયે બેયને પ્રેમ કેમ કરીને કરવો...?

~ સુલતાન સિંહ 'જીવન'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED