નો રીટર્ન-૨ ભાગ-૯૫ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૯૫

નો રીટર્ન-૨

ભાગ-૯૫

એ દેકારા પડકારાનાં પડઘમ અમારી હિંમતને રસાતાળ તરફ ધકેલતાં હતાં. એ છોકરી... તેની સફેદ આંખો... તેનાં કાળા અને ખવાઇ ચૂકેલાં દાંત... હવામાં ફરફરતાં મેલાઘેલાં કપડાની સરસરાહટ... દૂરથી સંભળાતાં દિલ દહેલાવનારાં અવાજો... અને અહીનું ડરામણું વાતાવરણ... અમારાં શરીરનાં અંગે અંગમાં દહેશત ગર્દ ધ્રૂજારી ઉત્પન્ન કરતાં હતાં. આવનારી ક્ષણે અમારું શું થશે એ વિચારીને જ અમારાં તો ગાત્રો શિથિલ પડતાં જતાં હતાં. ખજાનો મેળવવાની લાલસાએ અમને મોતનાં દરવાજે ખડા કરી દીધાં હતાં.

એ ક્ષણે જ... જ્યાંથી અવાજો આવતાં હતાં એ દિશામાં પ્રકાશનો એક પૂંજ પ્રકટયો. અને પછી એક પછી એક એમ ઘણાબધાં પ્રકાશનાં પૂંજોનો સમુહ ઉમડયો. જાણે એક સાથે કેટલીય મશાલો સળગી હોય અને એ મશાલો અમારી દિશામાં આગળ વધતી હોય એવું જણાયું. અમે આતંકીત નજરે એ તરફ જોઇ રહ્યાં હતાં. એ પ્રકાશનાં પૂંજોનો સમૂહ આગળ વધતો સાવ અમારી નજીક આવીને અટકયો. અને...

અનેરીનાં ગળામાંથી એક જબરજસ્ત ચીખ નિકળી પડી. અને પછી... તે લગાતાર ચીખવા લાગી. જાણે ચીખોનો હિસ્ટિરીયા ઉપડયો હોય એમ તે એકધારું... બેતહાશા ચિલ્લાતી હતી. તેની ચીખોએ સમગ્ર વાતાવરણને ઔર બિહામણું બનાવી મુકયું. અમારી સામે દ્રશ્ય જ એવું હતું કે અનેરીનું ડરવું સ્વાભાવીક હતું. તે સતત... એકધારું ચીખતી મને વળગી પડી. હું પણ ધરબાઇ ગયો હતો. મારી સામે જે પ્રકાશનાં પૂંજો ઉભર્યા હતાં એ ખરેખર મશાલો જ હતી. એ મશાલો આદી માનવોનાં હાથમાં હતી. એ આદી માનવોનાં ચહેરાઓ એટલાં ભયાનક હતાં કે અમારાં હદયમાં ભયાનક ડરનું એક લખલખું પસાર થઇ ગયું. માથાથી લઇને પગ સુધી અમે કાંપી ઉઠયાં. શરીરનાં રૂંએ રૂંએ પરસેવો ફૂટી નિકળ્યો. એ આદી માનવો પેલી નાની છોકરીની અદ્દલ પ્રતિક્રૃતી સમાન હતાં.

ગહેરા, કાળા ધાકોડ અંધકારમાં અચાનક જાણે ક્યાંકથી ડરામણાં પિચાશોની ફોજ પ્રગટ થઇને અમારી સામે આવીને ઉભી રહી ગઇ હતી. લગભગ એક નાનું ધામચડું હતું એ..! એ બધાનાં ચહેરાં એકદમ કાળામેશ અને વિચિત્ર હતાં. તેમનાં ચહેરા ઉપર ફક્ત આંખો જ તગતગતી હતી. એ આંખોમાં કોઇ રાની પશું જેવાં હિંસક હાવભાવ રમતાં હતાં. મશાલની ફગફગતી રોશનીમાં મને દેખાયું કે એમાનાં કેટલાંય લોકોનાં ચહેરા ઉપર માત્ર કહેવા પૂરતી ચામડી બચી હતી. અત્યંત બિભત્સ, ચીતરી ચડે એવું અને ધ્રૃણાસ્પદ દ્રશ્ય હતું. મારા પેટમાં એકાએક ચૂંથારો ઉપડયો. ડર અને દહેશતે મારા દિમાગ અને પેટમાં ખળભળાટ મચાવી મૂકયો હતો. અમે નીચે જંગલમાં જે આદીવાસીઓનો સામનો કર્યો હતો એનાથી તદ્દન વિપરીત આ લોકોનો દેખાવ હતો. કદાચ અહીનાં વિષમ વાતાવરણે તેઓની આ હાલત કરી હોવી જોઇએ.

એ તમામ આદી માનવોનાં ખભે તીર કામઠા લટકતાં હતાં. એ જોઇને મને સમજાયું કે આ એ જ આદીવાસીઓ હોવા જોઇએ જે હમણાં અમારી ઉપર બેતહાશા તીર ચલાવી રહ્યાં હતાં. અમે શિલાની આડમાં સંતાઇ ગયાં હતાં એટલે અમને બહાર કાઢવા તેમણે આ નાની બાળાને મોકલી હોવી જોઇએ. એમની એ ચાલમાં અમે આબાદ ફસાઇ ચૂકયાં હતાં. અને.. હવે એ લોકો અમને જીવતાં છોડશે નહી એ પણ અમને ખબર નહોતી. પેલી છોકરી પણ ક્યારે એ ટોળામાં ભળી ગઇ એનો ખ્યાલ રહ્યો નહોતો. એ ટોળામાં જઇને ભયાનક રીતે અમારી સામે હસી રહી હતી. મને ખ્યાલ આવતો હતો કે હવે અમારું મોત નિશ્વિત છે. હવે અમે એ ક્ષણની રાહમાં હતાં કે ક્યારે આ લોકો અમારી ઉપર હુમલો કરે.

તાજ્જૂબીની વાત તો એ હતી કે ટોળામાં ઔરતો અને બાળકો પણ શામેલ હતાં. થોડીવાર રહીને ટોળામાંથી એક લાંબો દેખાતો આદમી અમારી નજીક આવ્યો. શક્યતહઃ તે આ સમુહનો મુખીયા હોવો જોઇએ. તેણે નજીક આવીને ખતરનાક અંદાજે અમને તાકયાં. આંખોનાં ગોખલામાં ઉંડી ઉતરી ગયેલી તેની પીળી, ડરામણી આંખો મશાલની રોશનીમાં અજીબ રીતે ચમકતી હતી. અમને નિરખીને તેણે પાછળ જોઇ કશોક ઇશારો કર્યો એટલે ટોળામાંથી ચાર પાંચ આદીવાસીઓ આગળ વધ્યાં. તેમનાં હાથમાં અજીબ પ્રકારની રસ્સી હતી. લાગતું હતું કે અહી ઉગતી કોઇ વેલની લચકદાર ડાળીઓ હશે. એ લોકોએ અમને બાવડેથી પકડીને અમારાં હાથ આગળની તરફ ભેગા કરી એ દોરડા જેવી વેલથી કસકસાવીને બાંધી દીધા. અને, પછી એ ટોળુ ઉંચા અવાજે ચીચીયારીઓ પાડતું ઉપર તરફ ચાલવાં માંડયું. અમને બાંધનાર આદીવાસીઓએ ધક્કો મારીને અમને એ ટોળાની વચ્ચે નાંખ્યાં અને એ ધામચડું યુધ્ધ મેદાને મળેલો કોઇ વિજયોત્સવ મનાવતું હોય એમ નાચતું ગાતું આગળ વધ્યું.

અમારા શ્વાસોશ્વાસ ખુદનાં ગળામાં જ આવીને અટકયાં હતાં. ઘણી ફિલ્મોમાં જોયું હતું કે આવી રીતે લઇ જવાતાં લોકોની આખરમાં બલી ચડાવાતી હોય છે. અમારાં પણ એવાં જ હાલ થવાનાં હતાં એ ભલીભાંતી અમને સમજાઇ ગયું હતું. આ લોકો કંઇ અમારી પુંજા આરતી કરવા લઇ જતાં નહોતાં. પરિસ્થિતિ જોતાં અહીથી ભાગવું પણ લગભગ અશક્ય જ જણાતું હતું. આ ખંડેર નગરમાં ભાગીને અમે જઇએ તો પણ ક્યાં...? મને તો એ વાતનું આશ્વર્ય થતું હતું કે કેટલી સદીઓથી આ લોકો અહી રહેતાં હશે...? શું ખાતા હશે અને કેમ જીવતાં હશે...? શું આ આદી માનવો વિશે ક્યારેય કોઇએ કંઇ જાણ્યું નહી હોય..? કે પછી આ લોકોએ સદાને માટે જંગલી બનીને પેઢી દર પેઢી અહી જ વિતાવી દીધી હશે...? મેં સાંભળ્યું હતું કે આપણાં પૂર્વજો પણ જંગલોમાં અને ગૂફાઓમાં વસવાટ કરતાં હતાં. આ લોકો પણ એવા જ હતાં ને...!

અને... ખજાનાનું શુ....? તેનો કેમ કોઇ અણસાર મળતો નહોતો...? ક્યારેક એવું લાગતું હતું કે ખજાનો છે અને ક્યારેક એમ થતું કે આ એક મિથ્યાં કહાની છે. મારા દિમાગમાં વિચારોનું અજબ ધમાસાણ ચાલતું હતું. મેં અનેરી સામું જોયું. ખબર નહી એ શું વિચારતી હશે..! મારી જેમ એ પણ ખામોશી ઓઢીને ચાલતી હતી. તેનાં ચહેરા ઉપર ગજબનાં શાંત ભાવો રમતાં હતાં.

@@@@@@@@@

એનાએ એ જોયું હતું. યસ્સ... તેણે અમને આદીવાસીઓનાં હાથે બંદી બનીને જતાં જોયાં હતાં. અમારો પીછો કરતાં બરાબર અમારી પાછળ તેઓ આવી પહોચ્યાં હતાં. કાર્લોસ મહા મુસીબતે ઉપર ચઢી શકયો હતો. તેને સહારો આપીને ચલાવતાં એનાનો દમ નિકળી ગયો હતો. ઉપર પહોચીને એક જગ્યાએ કાર્લોસને બેસાડી તે અમારી તપાસમાં નિકળી હતી અને તેણે અમને જોયા હતાં.

“ ઓહ ગોડ.... “ તેનું જીગર એક ધબકારો ચૂકી ગયું. આ પહેલાં આદીવાસીઓ સાથે પનારો પડયો હતો ત્યારે માંડ-માંડ બચી શકયાં હતાં. એ મંજર યાદ કરતાં અત્યારે પણ તેને કમકમા ઉપજી ગયાં. જો આધૂનીક હથિયારો તેની પાસે ન હોત તો આ ખૂંખાર આદીવાસીઓનાં હાથમાંથી બચવું અશક્ય જ નિવડયું હોત. અને અત્યારે અહી ફરી પાછા આદીવાસી લોકોને જોઇને તેનાં હદયમાં સળ પડયાં હતાં. અમે બંદી બન્યાં એનો કોઇ રંજ તેને ઉપજયો નહોતો પરંતુ ફરી પાછો આદીવાસીઓનો સામનો કરવાનો આવશે એ વિચારે તે થથરી ઉઠી હતી.

તેણે પોતાની રાઇફલ ચેક કરી. એ રાઇફલ મેં જ તેને આપી હતી. અને તેમાં હવે ગોળીઓનું એક જ મેગેઝીન વધ્યું હતું. એના પાછી ફરીને કાર્લોસ તરફ ચાલી.

@@@@@@@@@

મને એમ કે અમને કોઇ મંદિર જેવી જગ્યાએ લઇ જવામાં આવશે જ્યાં એમનાં દેવતાનું સ્થાન હશે, અને પછી કંઇક ભયંકર પુજા વીધી કરીને અમારી બલી ચઢાવાશે. પરંતુ નહિં... એ લોકો અમને ઉપર ચઢાવી નગર વચાળે બનેલાં એક ચોક જેવા વિસ્તારમાં લઇ આવ્યાં. ચોકમાં એક સમ-ચોરસ ઓટલો હતો. એ ઓટલો લગભગ દસેક ફૂટ ઉંચો અને લગભગ ત્રીસેક ફૂટ બન્ને તરફ લાંબો પહોળો હશે. એક નજરે એ કોઇ હવન અથવા યજ્ઞ કરવાનું સ્થળ હોય એવું જણાતું હતું. પરંતુ એવું હતું નહી. એ શું હતું એની મને પછીથી ખબર પડી હતી. એ સમજાયું ત્યારે હું આશ્વર્યનાં મહા સાગરમાં ગોથા ખાવા લાગ્યો હતો.

પણ, ખેર... અમને એ ઓટલા સુધી લઇ જવામાં આવ્યાં. એ દરમ્યાન પેલો આદીવાસીઓનો મુખીયા ઓટલો ચઢીને બરાબર વચ્ચે ઉભો રહી ગયો હતો. તેનાં હાથમાં હજુ પણ મશાલ સળગતી હતી. અંધકાર પણ હવે ધીમે ધીમે વધતો જતો હતો. અમને સમયનું કોર ભાન નહોતું પરંતુ એવું જણાતું હતું કે સાંજ વીતી ચૂકી હશે અને રાતનું આગમન થયું હશે. ઉપર આકાશમાં બિહામણા વાદળોનું એકાધિપત્ય અવીરત છવાયેલું હતું.

મને એ ઓટલાની બનાવટ વિચિત્ર જણાઈ. એવું લાગતું હતું કે ઉપરથી ઓટલાની સતહ જેટલી સખ્ત દેખાય છે એટલી ખરેખર હશે નહી. મારા એ અનુમાનનું કારણ ઓટલામાં દેખાતી લાંબી લાંબી તિરાડો હતી. પથ્થરોનાં જોઇન્ટમાં ચૂના માટીનું મિશ્રણ ભરીને ઓટલો બનાવાયો હોય એવું પ્રતિત થતું હતું. એ જોઇન્ટમાં ઠેકઠેકાણે તિરાડો પડેલી સ્પષ્ટ દેખાતી હતી. મતલબ કે ઓટલો અંદરથી ચોક્કસ પોલો હોવો જોઇએ. મારા એ અનુમાનની સાબિતિ બહું જ જલ્દી થવાની હતી. મુખીયાએ ઈશારો કર્યો એટલે અમને બન્નેને ઓટલા ઉપર લઇ જવામાં આવ્યાં. ઓટલાનાં ચારે ખૂણે કોતરણી વાળા એક એક થાંભલા હતાં. મને અને અનેરીને અલગ અલગ થાંભલે બાંધવામાં આવ્યાં. હું તદ્દન નિસહાય બનીને અનેરીની હાલત જોઇ રહ્યો હતો. મારાં જીગરમાં ભયંકર આંધી ઉઠતી હતી પરંતુ હાલાત સામે અત્યારે હું મજબૂર બન્યો હતો.

પછી... પેલો મુખીયો જોર જોરથી કશાક બરાડા પાડવા લાગ્યો. તે પોતાનાં કબીલાનાં માણસોને તેની ભાષામાં કઇંક કહેતો હતો અને નીચે ઉભેલા લોકો તેની વાતો સાંભળીને ઉત્સાહમાં આવીને ઘડીક હવામાં તીર કામઠા ઉચકતાં હતાં તો ઘડીક નાચવા લાગતાં હતાં. સો ટકા આ લોકો અમારી બલી ચઢાવાનાં હતાં એની મને ખાતરી થતી જતી હતી. લગભગ પંદરેક કે વીસ મિનિટ એ બધું ચાલ્યું હશે. એ દરમ્યાન ઓટલાનાં ચારેય થાંભલે મશાલો લટકાવાઇ હતી. એ મશાલોનાં માંદલા અજવાળામાં મેં જોયું તો ક્યાંકથી અચાનક એક આદીશ્વાસી સ્ત્રી હાથમાં થાળી જેવું તાસક લઇને ત્યાં આવી. એ તાસક ઉપર કપડું ઢાંકેલું હતું. મને જબરજસ્ત આશ્વર્ય થતું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે...?

પેલી સ્ત્રી માથું નમાવીને મુખીયા સમક્ષ ઉભી રહી. મુખીયાએ કપડું થોડું હટાવીને તાસકમાં મુકેલી વસ્તુંને જોઇ અને પછી મારી અને અનેરી તરફ નજર ફેંકી. મને લાગ્યું કે તેનાં ચહેરા ઉપર અચાનક ઉપહાસ પૂર્ણ મુસ્કાન ઉભરી હતી. તે અમારી તરફ આગળ વધ્યો અને મારી નજીક આવી તેણે એ તાસક ઉપરથી કપડું હટાવી લીધું. અને...

એક ઝળહળાટ ભર્યો પ્રકાશ ફેલાયો...! મારું મોં આપોઆપ ખુલ્યું... અને દુનીયાનાં સૌથી હૈરત અંગેજ દ્રશ્યને હું ફાટી આંખોએ જોઇ રહ્યો. એ તાસકમાં હિરા, મોતી, પન્ના, માણેક અને સોનાનાં ઝવેરાતનો ઢગલો ચમકતો હતો. મારા શરીરનું એકેએક રૂઆડું ઉભું થઇ ગયું. છાતીનાં પોલાણમાં ધબકતું હદય તો જાણે બંધ પડી જવાનાં કગાર ઉપર આવીને અટકી ગયું. આ અસંભવ હતું...! કદાચ કોઇ મારી ગરદન ઉપર તલવાર રાખીને સામે દેખાતાં દ્રશ્યને સત્ય માનવાનું કહે તો પણ હું ક્યારેય ન સ્વિકારું કે આ સત્ય હોઇ શકે. મારું લોહી તો જાણે થીજી ગયું હતું અને આંખોની પુતળીઓમાં લકવા મારી ગયો હોય એમ સ્તબ્ધ બની હું એ તાસકમાં દેખાતી ચીજોને મોં ફાડીને જોઇ રહ્યો.

એનો મતલબ કે ખજાનો હતો. ક્યાં હતો અને કેટલો હતો એ વિચારવાનું સાનભાન ભલે મને અને અનેરીને વિસરાઇ ગયું હોય. પરંતુ અહીં.... આ વિચિત્ર અને દોઝખ સમાન પર્વત ઉપર ખજાનો ચોક્કસ હતો. એની સાબિતી અમારી નજરો સામે ઝળહળી રહી હતી.

( ક્રમશઃ )

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન