No return-2 Part-94 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૯૪

નો રીટર્ન-૨

ભાગ-૯૪

સનનન્.... કરતું તીર મારા કાન નીચેથી પસાર થયું અને અનાયાસે જ...વિજળીનાં ઝબકારાની જેમ એક રહસ્ય ઉજાગર થયું. હવે મને સમજાયું કે આ જંગલમાં આવનાર વ્યક્તિ ક્યાં ગાયબ થઇ જાય છે..! શું કામ આ જગ્યાને “ અ નો- રીટર્ન પોઇન્ટ “ કહેવાય છે. કેમ અહી આટલી બધી ખોપરીઓ લટકતી હતી...! એક લાલ ફૂમતાં વાળા તીરે સમગ્ર રહસ્ય ઉપરથી પરદો ઉઠાવી દીધો હતો. સાથોસાથ એ પણ સમજાયું હતું કે ટીલા વાળી જગ્યાએ વગર કોઇ કારણે પેલા આદીવાસીઓએ અમારી ઉપર હુમલો શું કામ કર્યો હતો...! એક સાથે લગભગ તમામ પ્રશ્નોનાં જવાબ મને મળી ચૂકયા હતાં. હું હજું વિચારમાં જ હતો કે બીજુ એક તીર આવીને મારી નજીકથી પસાર થઇ ગયું. સદનસીબે બે માંથી એકપણ તીર મને વાગ્યું નહોતું. અનેરી અસમંજસમાં આમતેમ જોતી હતી. તેને સમજ પડતી નહોતી કે અમારી ઉપર કઇ દિશાએથી હુમલો થઇ રહ્યો છે..? પણ... તીર અમારી સામેની તરફથી આવતાં હતાં એટલે અનેરીનો હાથ ખેચીને હું નીચો નમ્યો. એજ સ્થિતિમાં વાંકા વળીને ચાલતાં એક શિલા પાછળ ભરાયો અને અનેરીને પણ નજીક ખેંચી લીધી. મારા શ્વાસોશ્વાસ તેજ ગતીથી ચાલતાં હતાં. હમણાં મને જે સમજાયું હતું એ ભયાનક હતું. આ વાત જો પહેલાં સમજી ગયો હોત તો ઘણી મોટી ખુવારીમાંથી અમે બચી શકયા હોત. અરે... અહી ખજાનો મેળવવા જંગલમાં દાખલ થનાર તમામ લોકોએ આ વાતની સાવધાની રાખી હોત અને થોડી પૂર્વ તૈયારી કરીને આવ્યાં હોત તો કદાચ આટલી મોટી સંખ્યામાં માનવ ખોપરીઓ અહી લટકતી ન હોત, અને ખજાનો આટલો દૂર્લભ બન્યો ન હોત.

પરંતુ... હું પણ છેક અહી સુધી પહોચ્યો ત્યારે મને સમજાયું હતું એટલે બીજાને દોષ દેવો નકામો હતો. બની શકે કે કોઇ અહી સુધી પહોચે અને એમને સમજાય એ પહેલાં જ માર્યા ગયા હોય..! તેમને સમજવાનો કે સંભળવાનો મોકો જ મળ્યો ન હોય..!

“ શું વિચારી રહ્યો છે પવન...? આવી ભયાનક જગ્યાએ કોણ આપણી ઉપર હુમલો કરી રહયું છે...? “ અનેરીએ લગભગ મને ઝકજોરતાં પુછયું. “ તું કેમ કંઇ કરતો નથી...? “ હું આશ્વર્યથી તેને તાકી રહ્યો.

“ તને હજું ન સમજાયું...? “ મે તેની આંખોમાં ઝાંકતાં પુછયું.

“ શું ન સમજાયું...? “ તેનાં કપાળે સળ પડયાં.

“ અહી દટાયેલા ખજાનાનું રહસ્ય..! કેમ કોઇ આ સ્થળેથી પાછુ ફર્યુ નથી એ રહસ્ય...! કેમ હજું સુધી આ જગ્યા સભ્ય સમાજની પહોંચથી દૂર રહી એ રહસ્ય...! અહી લટકતી ખોપરીઓનું રહસ્ય.. ? “ હું બોલ્યો. અનેરી અવાક નજરે મને તાકી રહી. ખરેખર હજું તે સમજી નહોતી. તેને તો તીરથી થતાં હુમલાની બીક હતી. તે એનાથી બચવામાં પરોવાઇ હતી.

“ તું શું બોલે છે એ મારી સમજની બહાર છે. ચોખવટથી કહે આખરે માજરો શું છે..! અને ક્યા રહસ્યનો તાગ તને મળ્યો છે..? “

“ અરે...! “ સમય નહોતો છતાં મારે તેને સમજાવવી જરૂરી હતી. “ આ તીર જો...! તેની પાછળ બાંધેલું લાલ ફૂમતું જો...! આ એવું જ તીર છે જે ટીલા ઉપર હુમલો કરનારા આદીવાસીઓ પાસે હતું. મતલબ સાફ છે... કે અહી, આ પર્વત ઉપર પણ એ જ આદીવાસીઓ છે. “ હું બોલ્યો તો ખરો પણ હજું અનેરીને બરાબર સમજાયું નહોતું. તેનાં ચહેરાનાં હોવભાવ પરથી મને એ ખબર પડતી હતી.

“ ઓ.કે. જો હું તને સમજાવું...” મેં સમગ્ર હકીકત કઇ રીતે બની હશે એ વિગતવાર સમજાવાની શરૂઆત કરી. “ ટીલા ઉપર અચાનક... કોઇ જ કારણ વગર આદીવાસીઓએ આપણી ઉપર હુમલો કર્યો હતો. સામાન્યતહઃ આવું ઓછું બનતું હોય છે, પરંતુ આપણી ઉપર હુમલો થયો અને આપણાં ઘણાં માણસો મરાયા. આપણે પણ ત્યાં જ મૃત્યું પામ્યાં હોત પણ આપણી સંખ્યા વધુ હતી અને ઉપરથી આપણી પાસે આધૂનિક હથીયારો હતાં. એ હથીયારોનાં કારણે આપણે આદીવાસીઓ ઉપર જીત મેળવી. મારું અનુમાન કહે છે કે એ આદીવાસીઓ જ, આપણે જે ખજાનો શોધવા આવ્યાં છીએ તેનાં મૂળ રખેવાળ છે. તેમનો એક કબીલો નીચે ટીલા પાસે હતો અને એક કબીલો અહી પર્વત ઉપર છે. આ ફૂમકા વાળુ તીર એની સાબીતી છે. બન્ને તીરની બનાવટ અને લાલ ફૂમતું એક જેવા જ છે. હવે સમજાય છે મારી વાત...! આ ખજાનો અભેદ અને અછૂત રહેવાનું કારણ પણ આ આદીવાસીઓ જ હશે. તેમણે જંગલમાં આવતાં તમામ કાફલાઓનો સંહાર કરી નાંખ્યો હશે. આ ખોપરીઓનું જંગલ એ બાબતનો પૂરાવો છે કે એ જંગલી માણસોએ ખજાનાની ખોજમાં અત્યાર સુધી જેટલાં પણ લોકો આવ્યાં તેમનો બેરહમી પૂર્વક ખાત્મો બોલાવી તેમનાં ડોકા વધેરીને અહી લટકાવી દીધા છે. ઉપરાંત “ અ પોઇન્ટ ઓફ નો- રીટર્ન “ નું મૂળ પણ આ આદીવાસીઓ જ છે. એમેઝોનનાં જંગલમાં, તેમનાં ઇલાકામાં દાખલ થનાર કોઇને તેમણે જીવતાં છોડયા નહોતાં. મતલબ કે હજું સુધી કોઇની ભાળ બહારનાં વિશ્વને મળી નથી...! તું વિચાર તો કર, કેવા કેવા મહાન સંશોધકો અને પર્યાવરણ વિદો આ લોકોને હાથે મરાયા હશે...! આપણે પણ જો અહી સુધી પહોચ્યાં ન હોત તો ક્યારેય આ વિશે જાણી શકયા ન હોત. આપણી ગણતરી પણ રહસ્યમય રીતે ગૂમ થયેલા લોકોમાં થવાની હતી. અને... હજુ પણ એ શક્યતા નકારી શકાય નહી. જો આ લોકાનાં હાથે અહી આપણું મૃત્યું થાય તો દુનિયા ક્યારેય આપણાં વિશે જાણી શકશે નહી. સદીઓથી આ પ્યાસી ધરતીમાં જે રહસ્ય ધરબાયેલું છે એ આવનારી ઘણી સદીઓ સુધી રહસ્ય બનીને જ રહી જશે. આદીવાસીઓને ખબર હશે કે જે કોઇપણ અહી સુધી પહોચ્યું છે, અથવા આ જંગલમાં દાખલ થઇ તેમનાં ઇલાકામાં પ્રવેશ્યું છે એ તમામ બહારી માણસો ખજાનો મેળવવા જ આવ્યાં હોવાં જોઇએ. એટલે જ તેમણે તમામ લોકોનો ખાત્મો બોલાવી દીધો હતો. અરે... હું તો કહું છું કે નીચે વસતાં આદીવાસીઓએ જ બધાને માર્યા હશે. અહીં, આ પર્વત સુધી તો કોઇને પહોંચવાં જ દીધા નહી હોય. તે જોયું નહી, એ લોકોએ કેટલો ખતરનાક રીતે આપણી ઉપર હલ્લો કર્યો હતો. જો આપણી પાસે રાઇફલ અને બંદૂકો ન હોત તો આપણે પણ ચોક્કસ આદીવાસીઓનાં શિકાર બની ગયાં હોત. આપણું નામ પણ એમેઝોનમાં ખજાનાની ખોજમાં ગયેલાં અને ગૂમ થયેલાં લોકોનાં લીસ્ટમાં શામેલ થઇ જાત. “ એક જ શ્વાસે હું બોલી ગયો. વધું વિસ્તારથી હું કહી શકું તેમ નહોતો કારણકે અત્યારે કટોકટીની ઘડી હતી. સામે અદ્રશ્ય સ્થાનેથી તીર ઉડી રહયાં હતાં અને અમે ભયાનક સંકટમાં ફસાયેલાં હતાં. અનેરીને મારો તર્ક... મારી દલીલો ગળે ઉતરી હતી. તે આશ્વર્યમૂઢ બનીને મને જોઇ રહી. જાણે તેને મારી વાત ઉપર વિશ્વાસ આવતો ન હોય. છતાં મેં જે કહ્યું એને તે નકારી શકે તેમ નહોતી. મારું અનુમાન એકદમ બંધબેસતું આવતું હતું.

એક તીરે... યસ્સ, એક લાલ ફૂમતાંવાળા તીરે, સદીઓથી આ જંગલમાં દફન રહસ્યમય ખજાનાનો રાઝ ખોલીને રાખી દીધો હતો. છતાં... હજું કોઇ ખજાનો ખરેખર અસ્તીત્વમાં હતો કે નહી એ હું નહોતો જાણતો. આ તો ફક્ત મારું અનુમાન હતું કે આ આદીવાસીઓનાં કારણે જંગલમાં આવતાં તમામ સંશોધકો મરાયા હશે.

એ દરમ્યાન શિલાનાં આગલા ભાગે ઘણાબધાં તીરો આવીને ટકરાતાં હોય એવા અવાજો અમારા કાને સતત અથડાતાં રહ્યાં હતાં. અમારી આગળની તરફ જે ઉંચાણવાળો ભાગ હતો એ દિશામાંથી તીરોનો એકધારો મારો ચાલી રહ્યો હતો. એ ઉપરથી હું અનુમાન લગાવી શકતો હતો કે ત્યાં ઘણાં આદીવાસીઓનો કાફલો હોવો જોઇએ.

અમારી પાસે એ લોકોનો સામનો કરવાં કોઇ હથીયાર નહોતાં. એક છરો હતો જે ક્રેસ્ટો પાસેથી લીધો હતો, પણ એક છરાથી અમે સામનો કરી શકવાનાં નહોતાં. વળી અમારામાં કોઇ લડાકું યોધ્ધા જેવા ગુણધર્મો પણ નહોતાં કે સામી છાતીએ યા હોમ કરીને કુદી પડીએ. શું કરવું જોઇએ એ નક્કી થઇ શકતું નહોતું અને સમય જબરી ગતીથી ભાગી રહ્યો હતો. અહીનું વાતાવરણ વધુંને વધું બિહામણું બનતું જતું હતું. એક તો અંધકાર ભર્યો માહોલ હતો, તેમાં હવે આદીવાસી લોકોની ચીચીયારીઓ ભળી હતી, અને સતત અથડાતાં તીરોનો અવાજ અમારાં હદય કંપાવી રહયો હતો. અમે જલ્દી કંઇ ન કર્યું તો અમારું મોત નિશ્વિત હતું. મને તો લાગતું હતું કે અમારી અંતિમ ઘડી નજદીક આવી પહોંચી છે, કારણકે એ લોકોનો સામનો કરવાની તાકાત અમારામાં નહોતી. હવે સમયની રાહ જોવાં સિવાય બીજુ કંઇ કરવાનું નહોતું. અમે બન્ને ખામોશી ધારણ કરીને બેસી રહ્યાં.

@@@@@@@@@@@@@

પરંતુ... વધારે સમય અમારે રાહ જોવી પડી નહી. તીરોનો હુમલો અને કીકીયારીઓ એકાએક જ બંધ થઇ હતી અને ચારેકોર એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. એવું કેમ બન્યું એ મને સમજાયું નહી. અનેરી તો ક્યારની આંખો બંધ કરીને મને ચોંટીને બેઠી હતી. ખામાશી છવાતાં એ સળવળી અને શું થયું એ જોવા તેણે ડોકું ઉચું કરીને શિલાની આડાશેથી પેલી તરફ નજર કરી. ત્યાં કોઇ જ નહોતું. અવાવરું જમીન અને કાળોધબ્બ અંધકાર મોઢું ફાડીને જાણે અમને ખાવા ધસતાં હતાં. થોડીવાર રહીને મેં પણ ડોકું ઉચું કર્યું હતું.

અને... અમારી આંખો પહોળી થઇ. હદય ઉછળીને મો માં આવી ગયું. ત્યાં એક છોકરી ઉભી હતી. અમને ખબર ન પડી કે અચાનક એ છોકરી ક્યાંથી આવી ચડી. એકદમ કાળીમેશ ચામડી અને એવો જ કાળો ચહેરો. નાનકડી એવી એ બાળા નવ- દસ વર્ષની હશે. અમારાથી લગભગ વીસ કદમ દૂર ઉભી રહીને તે અમને જ તાકી રહી હતી. તેનાં ચહેરામાં એકમાત્ર આંખો જ સ્પષ્ટ દેખાતી હતી, બાકી બધું અંધકારમાં ભળી જતું હતું. તેની નજરો એકદમ સ્થિર હતી. માથાનાં ઘૂંઘરાળા ગંદા વાળની લટો હવામાં ફરફરતી હતી. તેનાં શરીર ઉપર ફાટેલા અને મેલાઘેલાં કપડા હતાં. હવામાં તેનાં ચીંથરા ઉડતાં હતાં. અમે અવાક બનીને એ છોકરીને જોઇ રહ્યાં. હમણાં જે તરફથી તીર વછૂટતાં હતાં ત્યાં અત્યારે એક છોકરી ઉભી હતી.

એ એક પ્રકારની “માયાજાળ” હતી એ સમજતાં અમને વાર લાગી નહી. છતાં તેની નજરોમાં ગજબનું સંમોહન હતું જે અમને તેની તરફ ખેંચી રહ્યું હતું. એવું લાગતું હતું કે કોઇ અબૂધ બાળા પેલા ખૂંખાર આદીવાસીઓનાં ઘેરામાંથી છટકીને અમારી મદદ માંગી રહી છે. અનેરી એ સંમોહનમાં તણાઇ હતી અને આપોઆપ શિલા પાછળથી ઉભી થઇને એ છોકરી તરફ ચાલવાં લાગી હતી. હું તેનો હાથ પકડીને રોકું એ પહેલાં તો એ છોકરી પાસે પહોંચી પણ ગઇ હતી. નાં છૂટકે મારે પણ તેની પાછળ જવું પડયું. અનેરીને એકલી મૂકવાનું જોખમ હું ઉઠાવવા માંગતો નહોતો. હવે અમે બન્ને એ છોકરી સમક્ષ ઉભા હતાં.

છોકરીની તગતગતી આંખોમાં ખરેખર ડરનો ઓછાયો છવાયેલો હતો, કે પછી અમને એવો ભાસ થયો હતો..? અમને નજીક આવેલાં જોઇ તેણે હાથ લંબાવ્યો અને તેની જમણી બાજું આંગળી ચીંધી. અમે એ તરફ જોયું. ત્યાં કંઇ નહોતું. ઘણે દૂર એક ટેકરો હતો, પણ એ સાવ નિર્જન જણાતો હતો. અમે અસંમજસથી ફરી છોકરી સામું જોયું. અને... એ હસી. એકાએક તેણે હસવાનું શરૂ કર્યું. એવું કરવામાં તેનાં ગંદા બદબુદાર... જોઇને જ ચીતરી ચડે એવાં દાંત ઉજાગર થયાં હતાં. જબરજસ્ત હૈરતથી અમે બન્ને તેને જોઇ રહ્યાં. અમને તેનું વર્તન સમજાયું નહી. એ છોકરી અહી ક્યાંથી આવી અને અમે શું કામ તેની તરફ ખેંચાયા હતાં એ પણ ભારે તાજ્જૂબીની વાત હતી.

બરાબર એ સમયે જ, છોકરીએ જે દિશામાં આંગળી ચીંધી હતી એ તરફથી ચિત્ર- વિચિત્ર પ્રકારનાં અવાજો આવવાં શરૂ થયાં હતાં. અમે તો સાવ બાઘા બનીને અહી ભજવાતો ખેલ જોઇ રહ્યાં હતાં. કંઇ સમજાતું નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે. અમારા શ્વાસાશ્વાસ ગળામાં જ અટવાયેલાં હતાં.

( ક્રમશઃ )

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED