અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા-૧૯ માયાવી માનવપક્ષીઓ

(ભાગ-૧૮માં આપણે જોયું કે...

તપસ્યાનાં સૌંદર્યવાન શરીરને ભોગવવાની ઈચ્છા ધરાવનારો અને એ ગર્ભથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને બદલો લેવાના સ્વપ્ન જોવાવાળો કાળો પડછાયો કચડાયેલી હાલતમાં પડ્યો હતો. કાલિકા માતાનાં પ્રકોપ હેઠળ એની કાળી શક્તિ મૃતઃપાય થઈ ચૂકી હતી. અબીલ-ગુલાલમિશ્રિત જળપ્રવાહ ચૂડેલ મા અને પ્રેતાત્માના પ્રતિનિધિ દીકરા ઉપર પડતાં જ લાલ-પીળો ધૂમાડો ઉત્પન્ન થાય છે. ચંદનની ભીની-મીઠી સુગંધવાળી ધૂમ્રસેર ઉંચે આકાશ તરફ ઊઠવા માંડે છે. શેનની ઉદાસીનતા દૂર કરવા તપસ્યા એને બાહુમાં સમાવી લઈને એના હોઠ ચૂમીને સાંત્વના આપે છે. ત્યાર બાદ ચાંડાલ-ચોકડી ભદ્રકાલીની ગુફામાં પ્રવેશતાં જ જુએ છે કે માયાવી માનવપક્ષીઓ અર્ધનગ્ન અવસ્થામાં અંધકારમાં ઊડી રહ્યાં છે...

હવે આગળ...)

--------------

અઘોર આત્મા (ભાગ-૧૯ માયાવી માનવપક્ષીઓ)

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

લેખક : ધર્મેશ ગાંધી

------------------

ગુફાની અંદર ઊડી રહેલા માનવપક્ષીઓના હાથ-પગ-મસ્તક બધું જ લગભગ મનુષ્યને મળતું આવતું હતું. એમના શરીરના અંગો ઉપર કોઈ વસ્ત્ર નહોતું. કમરે માત્ર વેલાઓ વીંટ્યા હોય એવું અમે અનુભવ્યું. અમે અચંબિત થઈને એ માનવપક્ષીઓને અર્ધનગ્ન હાલતમાં ઊડતાં જોઈ રહ્યાં. ધડકતા હૃદયે ધીમે-ધીમે એ અંધકારમય ગુફાની અંદર અમે આગળ વધ્યાં. એકાએક એમની નજર અમારી ઉપર પડતાં એ બિહામણું ઝૂંડ કિલકારી કરતું અમને ચારેય તરફથી ઘેરી વળ્યું. હજુ તો અમે ભદ્રકાલી ગુફામાં પ્રવેશ જ કર્યો હતો ને મુસીબતો અમને ઘેરવા માંડી હતી. જોકે અઘોરી અંગારક્ષતિએ મને ચેતવી તો હતી જ કે ભદ્રકાલીની આ અવાવરુ ગુફામાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો પણ વસવાટ કરે છે... પરંતુ, આ તો માનવપક્ષીઓ... માયાવી લાગતાં આ માનવપક્ષીઓ અમને ઘેરીને ચિચિયારી પાડી રહ્યાં હતાં. એમને મનુષ્યો ગણવા, પક્ષીઓ ગણવા, કે પછી પ્રેતાત્માઓ..?

અમે ચારેય જણ ચોતરફથી ઘેરાઈ ચૂક્યાં હતાં. માનવપક્ષીઓ અમારા માથા ઉપરથી ઊડીને એમની વિશાળ પાંખો અમારા ચહેરા ઉપર ફેરવીને આનંદ લઈ રહ્યા હતા. ખાસ કરીને એમને યુવતીઓમાં વધુ રસ હોય એવું મને લાગ્યું. તિમિર અને વિલીને તેઓ પોતાની પાંખોની ઝાપટ મારીને એક ખૂણા તરફ હડસેલી રહ્યા હતા, જયારે મને અને મેગીને એક ખાસ ઝૂંડ બનાવીને, ઘેરીને અમારાં બંનેના જુવાન શરીર સાથે અડપલાં કરી રહ્યા હતા. સાથે સાથે પોતાના ગળામાંથી તીણી સિસોટી જેવો વિકૃત અવાજ કાઢીને ઉલ્લાસ કરી રહ્યા હતા. એટલામાં જ એક માનવપક્ષી ઊડતું ઊડતું મારી નજીક આવ્યું. મારા ચહેરાની લગોલગ હવામાં અદ્ધર ઊભું રહી ગયું. પછી પોતાની મુલાયમ પાંખોને મારા ચહેરા ઉપર તથા મારી છાતી ઉપર હળવે હળવે ફેરવવા લાગ્યું. મારા શરીરમાંથી એક રોમાંચિત કરી દેનારું ભયનું લખલખું પસાર થઈ ગયું.

મેં સામે નજર કરી તો મેગી બે માનવપક્ષીઓની પકડમાં સપડાઈ ચૂકી હતી. જયારે બીજા બે માનવપક્ષીઓ એને આગળથી ઘેરી વળ્યાં હતાં. એક પોતાના ઘૂંટણ ઉપર બેસીને મેગીની માંસલ જાંઘોને સહેલાવી રહ્યું હતું. જયારે બીજું, મેગીની ઉન્નત છાતીના ઢોળાવો તરફ પોતાનો ચહેરો કરીને પોતાની બંને પાંખોથી પોતાની રમત ઢાંકી રહ્યું હતું. પણ એની જીભના લબકારાનો ‘ચપ-ચપ’ અવાજ કશુંક તીવ્રપણે ચૂસવાનો અંદેશો આપી રહ્યો હતો. મેગી એમની પકડમાંથી છૂટવા માટે ધમપછાડા કરી રહી હતી. પણ ધીરે ધીરે તેઓએ મેગીને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી દીધી. ક્યાંય સુધી તેઓ મેગીના ભરાવદાર અને ગોરા બદનને પંપાળતા રહ્યા; ચૂમતા રહ્યા; ચૂસતા રહ્યા. એકબીજાની પકડમાં મેગીના જીસ્મની આપ-લે કર્યા કરી. પછી મેગીથી ધરાઈ ચૂક્યા હોય એમ એ માનવપક્ષીઓ મારી તરફ આગળ વધ્યાં...

પરંતુ, ઓચિંતો જ ક્યાંક ભૂગર્ભમાં જાણે કે કોઈ અટ્ટહાસ્ય કરતું હોય એવો અવાજ સંભળાયો. અમે એ તરફ અમારી નજર દોડાવી. માત્ર અંધકાર અમારી આંખોને ઘેરી રહ્યો હતો. ધીમે ધીમે એક પડછંદ કાયા અમે ગુફાના એક ખૂણેથી અમારી તરફ આવતી જોઈ. મશાલના આછાં અજવાળામાં એક ભૂખરા રંગે રંગાયેલું ભયાનક શરીર અમારી સમક્ષ ઉપસ્થિત થતું દેખાયું. એ સાથે એક તીવ્ર વાસ ગુફામાં પ્રસરી ગઈ. માથે ગૂંચળું વળી ગયેલા મેલાં-ઘેલાં વાળની વિશાળ જટા... કમરે વીંટાળેલા કોઈક મૃત જંગલી પશુના તાજા ચામડા સિવાય એનું આખું શરીર ઉઘાડું હતું. એ ચામડામાંથી ઘેરા લાલ રંગના રક્તની તાજી બૂંદો પડતી અમે જોઈ અને અમારાં શરીર વીજળીનો કરંટ લાગ્યો હોય એમ કંપી ઊઠ્યાં. અમે સમજી શકતાં હતાં કે એણે હમણાં જ કોઈક જંગલી-રાની પશુનો શિકાર કર્યો હશે... કદાચ એણે એ જંગલી પશુને આખું ચીરી-ફાડી નાખ્યું હશે... એનું લાલ લોહી ગટગટાવીને એ તૃપ્ત થયો હશે... પછી એ શિકાર કરાયેલા પશુના મૃત શરીરેથી એણે પોતાના તીક્ષ્ણ નખવાળા પંજા વડે નિર્દયપણે આખું ચામડું ખેંચી નાખ્યું હશે... અને પોતાના નિર્વસ્ત્ર શરીરની ઉઘાડી કમર એ ચામડા વડે ઢાંકી દીધી હશે!

મને ઓળખતા વાર નહિ લાગી. મારા હોઠ ઉપરથી ધ્રૂજતા શબ્દો સરી પડ્યા, ‘અં...ગા...ર...ક્ષ...તિ...’

મારા દિમાગમાં ભયાનક વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. અઘોરી અંગારક્ષતિએ કદાચ એની અઘોરપંથની જ કોઈક અઘોર સાધના માટે ફરી એક વાર કોઈક પશુની બલિ ચઢાવી હશે, અને અમારો પીછો કરતો કરતો ભદ્રકાલીની આ ગુફા સુધી આવી પહોંચ્યો હશે. અંગારક્ષતિના આવતાવેંત પેલા તમામ વિકરાળ માનવપક્ષીઓ અદ્રશ્ય થવા માંડ્યા. મેગીએ એનાં વસ્ત્રો પહેરવા માંડ્યા.

‘તપસ્યા... એ જંગલી વરુ હજી જીવે છે...’ જાણે કે મારા વિચારોને વાંચી લીધા હોય એમ કર્કશ અવાજે અંગારક્ષતિ બોલ્યો.

અમે દરેક જણ હેબતાઈ ગયાં હતાં.

‘તું જો એમ વિચારતી હોય તપસ્યા, કે મેં એ જંગલી પશુને આખું ચીરી-ફાડી નાખ્યું હશે... એનું લાલ લોહી ગટગટાવી લીધું હશે... એ શિકાર કરાયેલા પશુના મૃત શરીરેથી તીક્ષ્ણ નખ વડે આખું ચામડું ખેંચી નાખ્યું હશે... તો તું ખોટી સાબિત થઈ છે!’ અંગારક્ષતિએ કમરે વીંટાળેલા ચામડામાંથી ટપકતાં લોહીને પોતાની હથેળીમાં ઝીલીને ચાટી જતા કહ્યું. ‘એ જંગલી વરુનો મેં શિકાર નથી કર્યો. મારી સાધના માટે એની બલિ નથી ચઢાવી... એ હજી જીવે જ છે! હા, થોડું કષ્ટ એને પહોંચી રહ્યું હશે. પણ એ વેદના તો દરેક જીવમાત્ર માટે સ્વાભાવિક જ છે ને! કોઈના આખા શરીર ઉપરથી જીવતેજીવ જ ચામડું ઉતરડી નાખવામાં આવે તો થોડું-ઘણું કષ્ટ તો સ્વાભાવિક છે ને... હળવી પીડા તો થાય એ હું સમજી શકું છું. પણ, તપસ્યા... હું પણ કેટલા દિવસ સુધી એકનું એક ગંધાતું ચામડું કમરે લટકાવીને ફર્યા કરું? માની લઈએ કે અમે અઘોરીઓ વસ્ત્રો કે શણગાર પરત્વે થોડાં બેદરકાર રહીએ છીએ, પરંતુ તું તો મને ઓળખે છે ને – મને ગંદકી પસંદ નથી!’

ઉબકા આવે એ હદના એના ગંદા અને બિહામણા સ્વરૂપને હું ડરતાં ડરતાં જોઈ રહી. વિલી અને મેગી એકબીજાને વળગીને થરથર ધ્રૂજી રહ્યાં હતાં. હું તિમિરની છાતી સાથે સંકોચાઈ ગઈ.

‘હવે મુખ્ય વાત...’ અઘોરી અચાનક પોતાનો મિજાજ બદલી રહ્યો હોય એમ તાડૂક્યો. ‘મેં જણાવ્યું હતું તપસ્યા, કે આ ભદ્રકાલી ગુફામાં તારા જેવા જ અન્ય ત્રણ ખૂબસૂરત યુવક-યુવતીઓને તૈયાર કરીને ચાર જણની એક ચાંડાલ-ચોકડી બનાવીને તારે આગળ વધવું પડશે...’

‘અમે ચાર જ તો છીએ...’ મેં મારા થીજી ગયેલા હોઠને ફફડાવ્યા.

‘મૂર્ખ છોકરી...’ અંગારક્ષતિ ચિલ્લાઈ ઊઠ્યો. ‘ખૂબસૂરત છોકરીઓ હંમેશા આટલી મૂર્ખ કેમ હોય છે?’ એણે પોતાનું મોઢું કદરૂપી રીતે વાંકું કરીને કહ્યું. ‘ચાર જણની ચાંડાલ-ચોકડી તારા જેવાં જીવિત વ્યક્તિઓની બનાવવાની હોય – જીવાત્માઓની... આ ભટકતા ડરપોક પ્રેતાત્માઓની નહિ, મૂર્ખ! હાક...થૂં...’

અમે ચારેય જણ સ્તબ્ધ બનીને એકબીજા સામું તાકી રહ્યાં.

‘એક ઉપાય છે...’ કહીને અઘોરીએ પોતાની જટા ખંખેરી. ગૂંચળું વળેલા વાળમાં હાથ નાખીને રાખની મુઠ્ઠી ભરી. કમરે વીંટાળેલા વરુના ચામડામાંથી ટપકતું રક્ત એમાં ભેળવ્યું. પોતાની બંને હથેળીઓ ભેગી કરીને રાખ અને રક્તનું મિશ્રણ બનાવ્યું. પછી એની નાની નાની ત્રણ લૂગદીઓ બનાવીને તિમિર, વિલી અને મેગીના કપાળ ઉપર ચોપડી દીધી.

અમે ચારેય જણ જડવત થઈ ચૂક્યા હતાં. અંગારક્ષતિની કોઈ પણ ક્રિયાનો વિરોધ કરવાની અમારામાં કોઈ ક્ષમતા બચી નહોતી. કારણકે અમે જાણી ચૂક્યાં હતાં કે એની નજરમાં, એની તાકાત સામે અમારો વિરોધ અસ્થાને જ રહેશે.

‘આ જીવગ્રહણ-લેપ છે... અમુક ચોઘડિયા સુધી એનો પ્રભાવ રહેશે. એનાથી આ ત્રણેય પ્રેતાત્માઓ એક નિયત કાળ સુધી મનુષ્ય બનીને જીવી શકશે!’ અઘોરી બોલ્યો.

જોતજોતામાં અંગારક્ષતિના એ જીવગ્રહણ-લેપની અસર વર્તાવા માંડી. તિમિર, વિલી અને મેગીના શરીર હળવા-ફૂલ મટીને પ્રત્યક્ષ મનુષ્ય જેવો આભાસ પેદા કરવા માંડ્યા.

‘પરંતુ, યાદ રહે... આ મનુષ્યનું શરીર મળ્યું છે, તો મનુષ્યની તકલીફો પણ મળશે. મનુષ્યને થનારી પીડા, વેદનાનો પણ સ્વીકાર કરવો પડશે...’ અઘોરીએ ચેતવણી આપી. ‘જાઓ, ફતેહ કરો... અને નાગલોકના અધિપતિનો નાગમણિ મેળવીને પાછા ફરો, જીવાત્માઓની ચાંડાલ-ચોકડી.... મા... મા... ભદ્રકાલી... ફતેહ...’ બોલતા બોલતા અઘોરી ગુફાના પ્રવેશદ્વાર ભણી જઈને એકાએક અલોપ થઈ ગયો.

મને સંપૂર્ણ ખાતરી તો હતી જ કે અઘોરી અંગારક્ષતિ જેવો નીચ, કપટી અને સ્વાર્થી વ્યક્તિ બીજો કોઈ નહિ હોય. મને વીતી પણ ચૂકી હતી. એના સ્વાર્થ ખાતર, અઘોરપંથની એની તપસ્યા ખાતર, એની પોતાની શક્તિઓમાં વધારો કરવા માટે એણે મને એક અજાણ્યા મડદા સાથે સંભોગ-સાધના પૂર્ણ કરાવી હતી. એ પણ મને અંધારામાં રાખીને... હકીકતની જાણ કર્યા વગર... અમને જે મદદ કરી રહ્યો હતો એની પાછળ પણ એનો સ્વાર્થ જ છૂપાયેલો હશે. મારા તિમિરને પ્રેતલોકમાંથી પરત મેળવીને ફરીથી જીવિત કરવાનો મને જે નુસખો બતાવ્યો હતો – કે નાગલોકના અધિપતિનો નાગમણિ મેળવવો, અને મારે એના થકી અઘોર તપસ્યા કરવી... – એ હું પણ અઘોરપંથની તાલીમ લઈને જાણી જ ચૂકી હતી કે એ નુસખો તો સાચો જ હતો... આમ છતાં, મને એ પણ ખ્યાલ આવી જ ચૂક્યો હતો કે અઘોરી અંગારક્ષતિ એ નાગમણિનો મારી સાધના માટે નહિ, પણ એની પોતાની કોઈક વિકટ સાધના માટે દુરુપયોગ કરશે. પરંતુ, જે હોય તે... મારે માટે નાગમણિ મેળવવો અનિવાર્ય હતો... મારા તિમિર ખાતર...

પરંતુ, હવે અમને ચારેય જણને એ સંશય પેદા થઈ ચૂક્યો હતો કે નવી મુસીબતો અમારા રસ્તામાં વિકરાળ સ્વરૂપ લઈને બહુ જલ્દી હાજર થઈ જશે. અંગારક્ષતિ પણ જતા જતા ચેતવી ગયો હતો કે પ્રેતાત્માઓને મનુષ્યનું શરીર તો મળ્યું છે, પણ સાથે સાથે મનુષ્યની તકલીફો પણ મળશે. મનુષ્યને થનારી પીડા, વેદનાનો પણ સ્વીકાર કરવો પડશે... અમે વિચારી રહ્યાં – કેવી પીડા હશે એ..? શું એ યાતના કોઈ નર્કથી તો બદતર નહિ હોય ને? અમારા લક્ષ્ય તરફ ઊઠેલા અમારા કદમોને નાસીપાસ કરીને અસહ્ય થઈ પડે એવું તો કોઈક દર્દ નહિ હોય ને? અમે માત્ર વિચિત્ર કલ્પના જ કરી શકતાં હતાં. અને એ કલ્પના કેટલી ખોફનાક હતી એ અમે વર્ણવી શકવા માટે તદ્દન અસહાય હતાં...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૨૦ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------