અઘોર આત્મા (ભાગ-૮) શિવારાધના DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા (ભાગ-૮) શિવારાધના

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૮ : શિવારાધના)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૭ માં આપણે જોયું કે...

કલ્પ્રિત પેલી પૂતળી તપસ્યા ઉપર સંપૂર્ણપણે ઝૂકી ગયો હતો. મારી કમર નીચે જાણે કે ગરમગરમ સીસું રેડાયું હોય એવી બળતરા ઊઠી. અંગારક્ષતિએ મને એ દાયરામાંથી દૂર એકાંતમાં ફંગોળી દીધી હતી. તિમિરનો અસ્પષ્ટ ચહેરો એ પથરીલી દીવાલ ઉપર ઉપસી રહ્યો હતો. મારા રક્તથી મારે એ ચહેરાને ચિતરવાનો હતો, તો એ દીવાલની કેદમાંથી મુક્ત થઈ શકાય એમ હતું. મેં મારી ભરાવદાર જાંઘ ઉપર કાચના ટુકડાથી ચીરા મૂકવા માંડ્યા. લોહીના ફૂવારા ઉડી રહ્યા હતા. જયારે કલ્પ્રિતના હોઠના ખૂણેથી માંસના તાજા ટુકડામાંથી ટપકેલી લોહીની ધાર નીકળી રહી હતી.

હવે આગળ...)

----------------

તિમિર ભયભીત થઈને ઘૂંટાયેલા અવાજે બોલી રહ્યો હતો, ‘જો કલ્પ્રિત પેલી તપસ્યાની પૂતળીને સળગતી વેદીમાં નાખીને આહુતિ આપી દેશે તો... આપણે ક્યારેય આ પથરાળ દીવાલની કેદમાંથી મુક્ત નહીં થઈ શકીશું.’

મેં દીવાલ ઉપરના દ્રશ્યમાં જોયું કે કલ્પ્રિતનું આખું મોં તાજું માનવ-માંસ ખાવાથી લોહીથી રગદોળાઈ ગયું હતું. એના સ્ત્રેણ શરીરમાં પુરુષાતન ભળી ગયું હતું. મારી બીજી આવૃત્તિ તપસ્યાને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર તથા મૂર્છિત અવસ્થામાં પોતાની બાહોમાં ઊઠાવીને એ સળગતી વેદી તરફ જઈ રહ્યો હતો. તિમિરનો આખો ચહેરો ચિતરાઈ ચૂક્યો હતો, ફક્ત આંખ ચિતરવાની બાકી હતી. મારા શરીરમાંથી ઘણું બધું રક્ત વહી જવાથી મારી આંખે અંધારા ફરી વળ્યા. હું બેશુદ્ધ થઈને ત્યાં જ ઢળી પડી...

થોડી મિનિટો બેશુદ્ધિમાં વીતી હશે ને મારા ચહેરા ઉપર જાણે કે પાણીની ભીનાશ વર્તાઈ. મેં સફાળી જાગીને આંખો ખોલી. મેં આસપાસ નજર ફેલાવી. મારા ચહેરા ઉપર વ્યાપેલી ભીનાશને મેં મારી આંગળીઓ ફેરવીને સ્પર્શી જોઈ તો મને જાણ થઈ કે એ પ્રવાહી પાણીના છાંટા નહિ, ખુદ મારા જ રક્તની ધારાઓ હતી. મેં મારા નરમ ગાલોને પણ કાચના એ ધારદાર ટુકડાથી રક્તરંજિત કરીને મારા તિમિરના ચહેરાની રેખાઓ ઉપસાવી હતી. ઓચિંતું મને યાદ આવતાં જ મેં ઝડપભેર ઊઠીને મારા ગાલ ઉપરથી હોઠ તરફ સરકી ગયેલી રક્તધાર વડે દીવાલ ઉપર તિમિરના ચહેરામાં આંખો રચી દીધી.

અને બીજી જ પળે જાણે કે સાક્ષાત તિમિર મારી સમક્ષ ઊભો હતો. હું ગદગદિત થતી એને વળગી પડી. ચારે તરફ રચાયેલી પથરીલી દીવાલો જાણે કે પવનના સૂસવાટા વચ્ચે ધરાશાયી થઈ રહી હતી. રસ્તાઓ ખૂલી રહ્યા હતા. અમે દૂર સુધી અમારી દ્રષ્ટિ ફેલાવી તો અનુમાન લગાવી શક્યાં કે અઘોરી અંગારક્ષતિના મૃત પુત્ર કલ્પ્રિતનો હવસખોર આત્મા મારી બીજી આવૃત્તિ તપસ્યાના નિર્વસ્ત્ર શરીર ઉપર કોઈક લાલ-પીળા મિશ્રણનો લેપ લગાવી રહ્યો હતો. પૂતળી હજીયે મૂર્છિત અવસ્થામાં હતી. અમારે કોઈપણ સંજોગોમાં એ પૂતળીને વેદીમાં હોમી દેતા કલ્પ્રિતને અટકાવવાનો હતો, નહિ તો અઘોરીએ રચેલી માયાજાળના બંધનમાંથી અમે ક્યારેય મુક્ત થઈ શકીએ એમ ન હતાં. શેન, આ વિલી અને મેગી પણ અમારી નજીક આવી પહોંચ્યા હતાં એ મેં મહેસૂસ કર્યું. ચાર પ્રેતાત્માઓની વચ્ચે ઘેરાયેલી હું ફક્ત એકલી જ જીવાત્મા હતી...

‘તિમિર ભા...ગ...’ મારી નજર અચાનક એક વિકરાળ સિંહ ઉપર પડતા જ મેં ચીસ પાડી. ડરામણું જંગલ, લગભગ સવાર થવાનો સમય અને સામે- જાણે કે દિવસોથી ભૂખ્યો હોય એવો પડછંદ અને ભયાનક સિંહ... અમે ભાગવા માંડ્યાં.

‘તપસ્યા, વેઇટ...’ મેગીએ દોડતા દોડતા કહ્યું.

અમે અચાનક થોભ્યાં. પણ તિમિર નહિ થોભ્યો, કારણ... સિંહે જાણે કે તિમિરને જ પોતાનો શિકાર બનાવવાનો નિર્ધાર કર્યો હોય એમ એને ઝડપી લેવા એની પાછળ જ દોડતો હતો. ‘સિંહના ગળામાં જો, તપસ્યા...’ વિલી ઉશ્કેરાટમાં બોલ્યો.

મેં જોયું તો સિંહના ગળામાં હાડકાઓની બનેલી એક માળા લટકતી હતી.

‘અઘોરીએ તિમિરના આત્માનો પણ જડમૂળથી નાશ કરવા માટે પોતાની શક્તિથી પેદા કરેલો સિંહ છે!’ શેને મને ચોંકાવનારી વિગત આપી.

એટલામાં જ અમે જોયું કે તિમિર દોડતા દોડતા એક વૃક્ષ ઉપર ચડી ગયો. અને સિંહ પોતાના શિકારની રાહ જોતો નીચે જ વૃક્ષની ગોળ ફરતે ફરી રહ્યો હતો.

કલ્પ્રિત પણ પોતાની આહુતિ-વિધિમાં ગળાડૂબ હતો. નિર્જીવ પૂતળી તપસ્યાના સુડોળ નગ્ન શરીરને લેપથી રંગ્યા બાદ એક અણીદાર સોયો ઊઠાવ્યો. અચાનક મને મારા પેટમાં શૂળ ભોંકાઈ હોય એવી તીવ્ર વેદના થઈ આવી. મેં એ તરફ નજર કરી તો જણાયું કે કલ્પ્રિતે એ તિક્ષ્ણ સોયો પૂતળીની નાભિમાં ઘોંચી દીધો હતો. હું પારાવાર વેદનાથી બેવડ વળી ગઈ. મારા મોંમાંથી ચિત્કાર નીકળી ગયો.

‘તિમિર...’ મેગીના અવાજથી હું ભયભીત થઈ ઊઠી. ‘તારા માથા ઉપરની ઝાડની ડાળી ઉપર જો...’ મેગીએ એને કંઈક ઈશારો કર્યો.

અમે બધાએ એક સાથે એ તરફ જોયું. ત્યાં ડાળીએ કોઈક પુસ્તક લટકી રહ્યું હતું. જાણે કે કોઈકને ગળામાં દોરડાનો ગાળિયો ભરાવીને ફાંસીએ લટકાવ્યો હોય એમ... તિમિરે એ પુસ્તકમાં ભરાયેલો ગાળિયો છોડ્યો અને પુસ્તક મારી તરફ ફેંક્યું. પીળા પડી ગયેલા અને તૂટી રહેલા કાગળોવાળું એ નાનકડું પુસ્તક કોઈકના હસ્તાક્ષરમાં લાલ સ્યાહી વડે લખાયેલું હતું. જાણે કે કોઈકે મોરપીંછથી લોહી જેવી લાલ સ્યાહીના ખડિયામાં ડૂબાડીને દાયકાઓ પહેલા એ લખ્યું હોય. ઝાંખા પડી ગયેલા અક્ષરો ઉકેલવાની મેં કોશિશ કરી જોઈ કે કદાચ આ દરેક માયાજાળનો ઉકેલ એમાં મળી જાય...

‘હું કબ્રસ્તાનમાં નિર્વસ્ત્ર ઊભી છું...’ મેં વાંચવાનું શરુ કર્યું. જેમજેમ હું આગળ વાંચતી ગઈ તેમતેમ મારી આંખો અચરજ અને ભયથી વિસ્ફારિત થતી ગઈ. ‘અઘોરી અંગારક્ષતિ મારી ઉપર રાખ-રક્તનો છંટકાવ કરે છે. હું એક નાગકન્યામાં પરાવર્તિત થઈ જાઉં છું!’ –વાંચતા જ મારા ગાળામાંથી એક રૂંધાયેલી ચીસ સરી પડે છે. શેન, વિલી અને મેગી, દરેક જણ મારી તરફ કુતૂહલવશ જોઈ રહ્યાં હતાં. ધ્રુજતા શરીરે મેં ફરી વાંચવાનો પ્રયત્ન કર્યો, ‘તિમિરના શિકારની રાહમાં ભૂખ્યો સિંહ ઝાડ નીચે ગોળ ગોળ ફરી રહ્યો છે...’

મારા હાથમાંથી પુસ્તક જમીન ઉપર પડી ગયું. મારી આંખો સમક્ષ બધું ગોળ ગોળ ઘૂમરાવા માંડ્યું હતું. ‘આ... આ... પુસ્તક...’ હું કંપતા અવાજે બોલી, ‘આ તો મારી કહાની છે! આ પુસ્તકમાં એ બધું હૂબહૂ વર્ણવ્યું છે જે મારી સાથે ઘટી રહ્યું છે! આ, આ... કઈ રીતે શક્ય..?’ હું આગળ બોલી ન શકી.

‘તપસ્યા, વોટ્સ નેક્ષ્ટ?’ મેગી ત્વરાથી બોલી.

‘યેસ્સ, તપસ્યા... આગળ વાંચ!’ શેન થોડો ઉત્સાહથી બોલી રહ્યો હતો, ‘તો તને કદાચ જાણ થાય કે આ જંજાળમાંથી નીકળવાનો રસ્તો...’

મેં એ પુસ્તકમાં લખાયેલું છેલ્લું પાનું ફંફોસ્યું. છેલ્લું વાક્ય લખાયું હતું – ‘તિમિર બીલીપત્ર તોડીતોડીને નીચે નાખે છે...’ –આગળ ઘણાં વાક્યો લખાયા હતા, પરંતુ એની સ્યાહી એટલી ઝાંખી હતી કે એ વાંચવું કે ઉકેલવું લગભગ અશક્ય હતું!

ઓચિંતું જ મને યાદ આવ્યું – હમણાં થોડાં જ દિવસો અગાઉ ‘મહાશિવરાત્રી’નો પર્વ હતો. હિંદુ ધર્મના પુરાણો મુજબ આ પવિત્ર તહેવાર પાછળ એક દંતકથા હતી. એ મુજબ –આવા જ એક જંગલમાં એક શિકારીની પાછળ ભૂખ્યો સિંહ દોડે છે. શિકારી પોતાનો જીવ બચાવવા એક વૃક્ષ ઉપર ચડી જાય છે. પોતાને ઊંઘ ન આવી જાય અને નીચે ઊભેલો સિંહ એનો કોળિયો ન કરી જાય એ હેતુસર એ શિકારી પોતાને કાર્યરત રાખવા માટે એ ‘બીલી’ નામના વૃક્ષના પાંદડા તોડીતોડીને નીચે ફેંકે છે. ઝાડની ઠીક નીચે ઘાસ-પાંદડાઓમાં દટાયેલું એક શિવલિંગ હોય છે. આ રીતે, ભલે અજાણતાં જ, પણ ભગવાન શિવજીની આરાધના થતાં શિવ એને વરદાન આપે છે, અને એ શિકારીનો જીવ બચી જાય છે!’

તપસ્યા ચીલઝડપે દોડી. બીલીના વૃક્ષ નીચે, કે જ્યાં પેલો વિકરાળ અને ભૂખ્યો સિંહ ચકરાવા લઈ રહ્યો હતો, ઘાસ-પાંદડાનો ઢગલો ફંફોસી નાખ્યો. અને ઉત્સાહના આવેગમાં ચિલ્લાઈ ઊઠી, ‘તિમિર, બીલીપત્ર તોડીને નીચે નાખ, આ શિવલિંગ ઉપર...’

પળ વારનો પણ વિલંબ કર્યા વગર તિમિરે બીલીપત્રો તોડીતોડીને નીચે શિવલિંગ ઉપર પધરાવવા માંડ્યા...

અને જોતજોતામાં શિવલિંગ ઉપર એક તેજ ચમકારો થયો. એમાંથી એક ઝબકતો પ્રકાશપૂંજ હવામાં આકાર લઈ રહ્યો હતો! પેલો ભયંકર સિંહ હવામાં ઓગળવા માંડ્યો હતો. મેં જોયું કે પેલી તરફ અઘોરી અંગારક્ષતિ હજુ પણ એની સાધનામાં બંધ આંખોએ લીન હતો. પરંતુ કલ્પ્રિત... એના શરીરમાંથી કાળો ધૂમાડો નીકળી રહ્યો હતો. મિનિટોમાં જ એનો વિકૃત અને દુષ્ટ આત્મા કાળું ગંધાતું વાદળું બનીને આકાશ ભણી એક ચક્રવાતની ઝડપે ઉડી ગયો. તિમિર મારી બાહોમાં હતો. શેન, વિલી અને મેગી, ત્રણેય મિત્રો અમને વળગી પડ્યા હતાં. દૂરથી જોનારને તો હું એકલી ઊભેલી દેખાઉં, પરંતુ હું ચારેય પ્રેતાત્માઓને વળગીને અશ્રુધારા વહાવી રહી હતી! સવાર થઈ ચૂકી હતી!

મેં ફરીથી પેલું પુસ્તક ઉઘાડ્યું. આગળનું વાક્ય વાંચવાની મથામણ કરવા માટે... મેં વાંચેલા છેલ્લાં વાક્ય પછી જે વાક્યો સાવ ઝાંખા હતા એ હવે સ્પષ્ટ થયા હતા, પરંતુ માત્ર ત્રણ-ચાર વાક્યો... ‘અહીંથી વાયવ્ય ખૂણે ત્રણસો મીટર અને પછી ઉત્તર દિશામાં પચાસ કદમ આગળ વધતાં એક નદી છે – ‘કાલી ખાડી’! ત્યાંથી જમણી તરફ આવેલા કાલા ડુંગરની તળેટી તરફ ભદ્રકાલીની અવાવરુ ગુફા તરફનો નિર્જન માર્ગ! કાલી ખાડીના તટ પર એક યુવાન સ્ત્રી રાહ જોઈને બેઠી છે! પણ, એ સ્ત્રીની પાછળ જે છે એ આગળ નથી!’ મેં પુસ્તક બંધ કર્યું. બાકીના વાક્યો ઉકેલવા શક્ય નહોતા, તદ્દન ઝાંખા અને અસ્પષ્ટ હતા.

અમે પાંચેય જણ ભારે દુવિધામાં હતાં. મારે મારા પ્રેમ, મારા તિમિરને મૃતાત્માલોકમાંથી પરત લાવવા માટે ભદ્રકાલીની ગુફામાંથી નાગમણિ પ્રાપ્ત કરવાનો હતો. આ પુસ્તક મારી જ કથની બયાન કરતું હતું. અને કાલા ડુંગરની તળેટી તરફ આવેલી ભદ્રકાલીની અવાવરુ ગુફાનો નિર્દેશ કરી રહ્યું હતું. પરંતુ, અમે ભયભીત એ વાક્યથી હતાં કે – ‘કાલી ખાડીના તટ પર અમારી રાહ જોઈ રહેલી યુવાન સ્ત્રીની ‘પાછળ’ જે છે એ ‘આગળ’ નથી...’ –એનો મતલબ શું?

અમારા કદમ આપોઆપ કાલી ખાડી તરફ ઉપડ્યા...

*****

(ક્રમશઃ)

દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૯ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------