Aghor Aatma Part-3 Chandaal Chokdi books and stories free download online pdf in Gujarati

અઘોર આત્મા (ભાગ-૩) ચાંડાલ ચોકડી

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ નવલકથા)

(ભાગ-૩ ચાંડાલ ચોકડી)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

-----------------------

(ભાગ-૨ માં આપણે જોયું કે...

અઘોરી અંગારક્ષતિએ જણાવ્યું કે જેની સાથે મેં થોડી ક્ષણો પહેલાં જ સંભોગ-સાધના કરી હતી એ નાગવંશનો યુવાન નાગેશ હતો. નાગલોકના અધિપતિ ચંદ્રમણિને એની દીકરી સાથેના એના પ્રેમસંબંધની જાણ થતાં, અદાવતમાં એનું કરુણ મોત નીપજ્યું હતું. અંગારક્ષતિએ કબ્રસ્તાનની હવામાં જંગલી પશુનું ગરમ રક્ત ઉડાડીને મને તિમિરનો ચહેરો બતાવ્યો અને મને એક નાગકન્યામાં પરિવર્તિત કરી દીધી. પછી એણે શરત મૂકી કે મારે મારી કાયાના કામણથી નાગમણિ મેળવવાનો જેનાથી તિમિરને મૃતાત્માલોકમાંથી પાછો પામવાની અઘોર સાધના પાર પાડી શકાય. આ માટે કાલા ડુંગરની તળેટી તરફની ભદ્રકાલીની એક અવાવરુ ગુફામાં, કે જ્યાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો પણ વસવાટ કરે છે. મારે ત્યાં પ્રવેશવાનું હતું, ચાંડાલ ચોકડી રચીને...

હવે આગળ...)

----------------

મારું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ચૂક્યું હતું. કબ્રસ્તાન છોડતા પહેલાં ભયનું એક કાતિલ લખલખું મારા ભીના બદનમાંથી પસાર થતું મેં ત્યારે અનુભવ્યું જયારે અઘોરી અંગારક્ષતિએ ફરી એક કડક શરત મૂકી, ‘તપસ્યા... ઓ નાદાન તપસ્યા... સાંભળ... ભદ્રકાલીની એ નિર્જન અને ભયાવહ ગુફામાં તારે એકલીએ નથી પ્રવેશવાનું, અન્ય તારા જેવા જ ખૂબસૂરત યુવક-યુવતીઓને પણ તૈયાર કરવા પડશે. ચાર જણની એક ચંડાળ ચોકડી બનાવીને તમારે એ મિશન ઉપર આગળ વધવાનું છે. સમજી, નાદાન છોકરી..?’

હું કબ્રસ્તાનની બહાર આવી. રાત્રીના ચમકતા તારા હવે આથમી ચૂક્યા હતા. સૂરજ ઉદય થવાને તૈયારી જ હતી. ધીમી ધીમે ધરતી ઉપર અજવાળું પથરાઈ રહ્યું હતું. મારા દિમાગમાં એક જ વાત સતત ઘૂમરાયા કરતી હતી. મારા તિમિરને મૃતાત્માઓ પાસેથી પરત મેળવવો; એની અતૃપ્ત ઈચ્છાને સંપૂર્ણપણે તૃપ્ત કરવી... અને આ માટે મારે અઘોરી અંગારક્ષતિની શરતો પાળ્યા વિના છૂટકો ન હતો. પણ નાગલોકના અધિપતિ ચંદ્રમણિ પાસેથી નાગમણિ પ્રાપ્ત કરવો એ કોઈ આસાન કામ નહોતું. ભદ્રકાલીની નિર્જન ગુફામાં પ્રવેશવાનું હતું અને એ પણ ચાર ખૂબસૂરત યુવક-યુવતીઓની ચાંડાલ – જલ્લાદ જેવી ઘાતકી – ચોકડી બનાવીને! પણ મારા જેવા અન્ય ત્રણ ખૂબસૂરત યુવક-યુવતીઓ લાવવા ક્યાંથી? આવા અઘોરપંથના કપરા અને ક્રૂર કાર્ય માટે કોણ તૈયાર થાય? શા માટે તૈયાર થાય?

આખો દિવસ હું ભટકતી રહી. ભૂખી-તરસી, થાકેલી-હારેલી, જંગલે-જંગલે, સ્મશાને-કબ્રસ્તાને, દરેક જગ્યાએ... ઘર તો હું લગભગ છોડી જ ચૂકી હતી. બસ મનમાં એક જ લક્ષ્ય હતું - તિમિરને મૃતાત્માલોકમાંથી પાછો જીવાત્માલોકમાં લાવવો. એ માટે આ તપસ્યાએ ભલે ગમે એવી કઠોર તપસ્યા કરવી પડે! હું ચાલતી રહી, આગળ વધતી રહી. એ આમ જ રખડતા રખડતા સાંજ ઢળી ગઈ. હું જંગલ છોડવાનું વિચારું ત્યાં જ...

મારા કાને કંઈક ગણગણાટ સંભળાયો. મેં એ તરફ ધારીને જોયું તો દૂર ઝાડીઓમાં અમુક લોકોનો સળવળાટ મહેસૂસ થયો. હું એ તરફ ચાલી નીકળી - થોડાં કુતૂહલથી, થોડી આશાથી... નજીક જઈને જોયું તો વિદેશીઓ હતાં – બે યુવકો અને એક યુવતી. ગોરી ચામડી, માંજરી આંખો, કસાયેલા બદન... મારી આંખમાં એક પિશાચી ચમક ઊભરી આવી. હૃદય જોરજોરથી ધડકવા માંડ્યું. ત્રણેય જણા વીસ-બાવીસની ઉંમરના જણાતાં હતાં. સોનેરી વાળ ધરાવતી યુવતી આકષર્ક લાગતી હતી. એણે સ્લીવલેસ ટી-શર્ટ, માથે કેપ અને ટાઈટ શોર્ટ્સ પહેર્યું હતું. ઘૂંટણથી એકદમ ઉપર સુધી એના લાંબા-ગોરા પગ ઉઘાડા હતા. એની દૂઘ જેવી માંસલ જાંઘની અને ભરાવદાર છાતીની મને ઈર્ષ્યા થઈ ઊઠી. બંને યુવકો પણ હેન્ડસમ અને ચુસ્ત શરીર ધરાવતા હતા. મેં ધ્યાનપૂર્વક એમનું નિરીક્ષણ કર્યું તો સમજાયું કે તેઓ હાઇ-ટેક કેમેરા લઈને વાઈલ્ડલાઈફ શૂટિંગ કરી રહ્યાં હતાં. કદાચ કોઈક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રહ્યાં હોય!

મેં મનોમન જાણે કે નિશ્ચય કરી લીધો, ‘બની ગઈ ચાંડાલ ચોકડી...’ હવે મારે એમને ભદ્રકાલીની ગુફામાં લઈ જવા માટે તૈયાર કરવાના હતાં. પણ, કેવી રીતે...? એક મોટી દુવિધા હતી. પરંતુ, એ માટેની તરકીબ પણ મારા શેતાની દિમાગમાં સળવળી ઊઠી. આખરે હું પણ અઘોરપંથ પર પગરવ માંડી ચૂકી હતી! હું એ વિદેશીઓની તદ્દન નજીક જઈ પહોંચી.

‘ડિસ્કવરી અને એવી અનેક વાઈલ્ડલાઈફ ટીવી ચેનલોની ભરમાર છે. તમે શું નવું આપશો?’ મેં અંગ્રેજીમાં કહ્યું.

ત્રણેય વિદેશીઓ મારી સામે તાકી રહ્યાં. કદાચ એમને તાત્કાલિક કોઈ પ્રત્યુત્તર ન સૂઝ્યો.

‘નામ અને દામ, બંને કમાવવા હોય તો લોકોથી કંઈક અલગ કરો...’

‘આપ કોણ? અને શા માટે અમારા કામમાં દખલગીરી...’ ગોરી યુવતી મોઢું બગડતાં બોલી.

‘ગાઇડ... ફોરેસ્ટ ગાઇડ! હું તપસ્યા... અને તમારાં રુંવાડા ખડા થઈ જાય એવા ખોફનાક દ્રશ્યો બતાવી શકું એમ છું. જીગર છે તમારું?’ મેં એમના અહમ ઉપર સીધો પ્રહાર કર્યો.

‘લુક, લેડી... અમે સિંહ-ચિત્તાને હરણ-સાબરના શિકાર કરતા ‘લાઇવ’ જોયા છે. કેમેરામાં એમને શૂટ કર્યા છે. એનાથી વધારે ખોફનાક...’ એક ગોરો યુવક અંગ્રેજીમાં બોલ્યો.

પણ મેં એનું વાક્ય અધવચ્ચે જ કાપી નાખતા કહ્યું, ‘મોતનો નગ્ન નાચ જોયો છે? વિશાળકાય પાડાને નજર સામે બલી ચઢતો જોયો છે? અઘોરીઓ વિશે કશું જાણો છો?’

ત્રણેય વારાફરતી એકબીજાના ચહેરા થોડા ભયથી અને વધુ જુગુપ્સાથી તાકી રહ્યાં.

‘શૂટ કરી શકવાનું કઠણ કાળજું હોય તો આવો મારી સાથે, અને જો ડર લાગતો હોય તો રમો અહીં જ સસલાં-ઉંદરડા સાથે...’ મેં ઉપહાસપૂર્ણ હાસ્ય વેર્યું અને જંગલના વેરણ રસ્તે ચાલવા માંડ્યું. રાતના અંધકારમાં જંગલ હવે બિહામણું બની ચૂક્યું હતું. જંગલી પશુઓની ડણક થથરાવી મૂકે એવી ભયંક લાગી રહી હતી. મેં ત્રાંસી નજરે જોયું તો ત્રણેય વિદેશીઓ મારી પાછળ ડરતા ડરતા ધીમે ધીમે પગલાં પાડી રહ્યાં હતાં. એમના ચહેરા ઉપર ખોફ વર્તાઈ રહ્યો હતો. અને મારા ચહેરા ઉપર ચાંડાલ ચોકડી મળી ગયાની એ જ શેતાની ચમક!

‘શી સીમ્સ લાઇક અ ઘોસ્ટ... અ સ્પિરિટ!’ એક ગોરા યુવાનનો દબાયેલો અવાજ મારા કાને અથડાયો. એમના મિત્રોને એ લથડતી જીભે પૂછી રહ્યો હતો. હું અનુભવી શક્તિ હતી કે તેઓ મારી વળાંક વળેલી કમર તથા ગાઉનમાંથી દેખાતી ખુલ્લી પીઠ તાકી રહ્યાં હશે. મારા નિતંબોને હળવા આંચકા સાથે મેં ઉપરનીચે કરીને ચાલ બદલી. મને મઝા આવી રહી હતી. તેઓ કદાચ મને કોઈક પ્રેત – જંગલમાં ભટકતી આત્મા સમજી રહ્યાં હતાં. પણ એમની હિંમતને દાદ આપવી પડે કે તેઓ આવી અગોચર વિશ્વ અંગે ડોક્યુમેન્ટ્રી બનાવીને તેમની ટીવી ચેનલ માટે એક્સક્લુઝિવ સ્ટોરી રજૂ કરવાનો મોહ છોડી શક્યાં નહિ. તેઓ મારી પાછળ પાછળ અધ્ધરજીવે આવી રહ્યાં હોવાનું મેં મહેસૂસ કર્યું. મારામાં ખરેખર કોઈક દુષ્ટ આત્માએ પ્રવેશ કર્યો હોય એમ મારું દિમાગ ભયંકર વિચારોથી ખદબદી ઊઠ્યું. મારો મૂળ આશય આ ત્રણેય વિદેશીઓને મારી માયાજાળમાં ભોરવીને ભદ્રકાલીની અવાવરું ગુફામાં લઈ જવાનો હતો – ચાંડાલ ચોકડી રચીને... પરંતુ એ માટે કાલી ખાડી વળોટીને કાલા ડુંગરની તળેટી સુધી પહોંચવાનું હતું. એ રસ્તો નિર્જન, બિહામણો તથા ખૂંખાર રાની પશુઓથી ભરચક હતો. સાથે આ રાત્રીનો ખોફ જગાડનારો સમય... રસ્તો લાંબો અને ભયજનક હોઈ આ વિદેશીઓ અડધેથી જ પોતાનું મન બદલીને પાછાં વળી જાય એ શક્યતા નકારી શકાય એમ નહોતી. જો એમને મારા વશમાં રાખવા હોય તો એમની ડોક્યુમેન્ટ્રીમાં એમને ખપ લાગે એવા હૃદય કંપાવી મૂકતાં દ્રશ્યોથી રૂબરૂ કરાવવું જરૂરી હતું. અને એવા ચિત્કાર કરતાં ડરામણા દ્રશ્યો એક જ જગ્યાએ જોવા મળે એમ હતાં. અને એ ઉજ્જડ જગ્યા હતી એક ખંડેર થઈ ગયેલું મંદિર - જંગલની વચ્ચોવચ આવેલું વર્ષો પુરાણું મા કાલભૈરવીનું મંદિર! જ્યાં અઘોરીઓ પોતાનો અડ્ડો જમાવીને, ઘૂણી ધખાવીને બેઠાં હોય છે. ચલમ ફૂંકતા અઘોરીઓ, ગાંજો-ચરસ-સોમરસનું અમાપ સેવન કરતાં અઘોરીઓ, કાચું માંસ આરોગતા અઘોરીઓ...

જેમ જેમ મા કાળભૈરવીનું ખંડેર સમાન મંદિર નજીક આવી રહ્યું હતું તેમ તેમ પેલા વિદેશીઓના રૂંવાડાં ઊભાં થઈ રહ્યાં હતાં. હું અઘોરપંથની ઉપાસક હોવા છતાં મારી આ શરૂઆત જ હતી, જે મને પણ ભયભીત કરવા માટે કાફી હતી. ઘનઘોર જંગલની રાતના ઠંડા પવનના સૂસવાટામાં વહીને આવતું શિયાળવાનું કારમું રુદન કાળજું કંપાવી નાખતું હતું. દૂર જંગલના ઊંડાણમાંથી મંત્રોચ્ચારનો બિહામણો અવાજ ગૂંજી રહ્યો હતો. વચ્ચે વચ્ચે મા કાલભૈરવીનો જયઘોષ પડઘા પાડી ઊઠતો હતો. ‘હે મા... મા કાલી... મા ભૈરવી...’નો ઘોઘરા અવાજવાળો નારો ગૂંજયો. ને એના જવાબમાં ‘મા મા કાલભૈરવી...’ના જયઘોષે વાતાવરણને ફાડી નાખ્યું.

એટલામાં જંગલની એક કોરે થોડી ગહેરાઈ ધરાવતી અંધારી ખાઈ નજરે ચઢી. માત્ર મશાલોના આગ ઓકતા અજવાળામાં અમે ચારેયે જે દ્રશ્ય જોયું એનાથી દરેકના શરીરમાંથી ભયનું એક કાતિલ લખલખું પસાર થઈ ગયું. એક કુંડાળું રચીને અમુક અઘોરીઓ સંપૂર્ણપણે નગ્નાવસ્થામાં ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા. રાખ અને રક્ત ઉછાળતા જોરશોરમાં મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અને એમની વચ્ચોવચ એક વિશાળકાય પાડો ભયંકર ચીસો પાડતો તરફડી રહ્યો હતો. ચારે તરફથી અઘોરીઓ પોતપોતાના ધારદાર ત્રિશૂળ પાડાના શરીરમાં ભોંકી રહ્યા હતા. પાડાના છિદ્રો પડી ગયેલા શરીરમાંથી ગરમ ગરમ રક્તધારા વહી રહી હતી...

(ક્રમશઃ)

(અઘોર આત્મા : ભાગ-૪ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(અઘોર આત્મા : ભાગ-૪ વાંચવાનું ચૂકશો નહિ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED