અઘોર આત્મા (ભાગ-૧૦) અગોચર વિશ્વ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા (ભાગ-૧૦) અગોચર વિશ્વ

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૦ : અગોચર વિશ્વ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૯ માં આપણે જોયું કે...

એ યુવતીની સંપૂર્ણપણે ખૂલ્લી પીઠ ઉપર એના શરીરથીયે લાંબો ચોટલો જમીન ઉપર સાપની જેમ વક્રાકારે ફેલાયેલો હતો. મારી આસપાસ કાળા પાણીમાં સર્વત્ર મડદાં તરી રહ્યાં હતાં. મારા વસ્ત્રો મારા શરીરેથી અળગાં થઈને પાણીના વહેણમાં તણાઈ ચૂક્યા હતા. પરંતુ, નદી પાર કર્યા સિવાય મારાથી કાલા ડુંગર પહોંચી શકાય એમ ન હતું, મેં કાળા-ગંદા-ગંધાતા પાણીની સપાટી નીચેથી જોયું કે તિમિર પેલી યુવતીની પીઠ ઉપર પોતાનો હાથ પસવારી રહ્યો છે. દરેક તસવીરો મારી સાથે બની રહેલી ઘટનાનું પ્રતિબિંબ હતી! તસવીરોમાં સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હું... પાણીથી ભીંજાયેલી હું... નદીના તળિયે ડૂબેલી હું..!

હવે આગળ...)

--------------

હું થરથર કાંપી રહી હતી. પુસ્તકમાં લખ્યું હતું - ‘કાલી ખાડીના તટ ઉપર રાહ જોઈ રહેલી યુવતીની ‘પાછળ’ જે છે એ ‘આગળ’ નથી... પાછળથી ખૂબસૂરત અને સાવ ઉઘાડી પીઠ દેખાડતી એ યુવતી એક ચૂડેલ છે!’ -એ સાથે જ એ યુવતીએ એક કારમી ચીસ પાડી અને પોતાની ગરદન ઘુમાવી. એનો બિહામણો ચહેરો મારી તરફ તકાયેલો હતો. એની ગોરી અને લીસી પીઠની સુંદરતાને મહાત કરતી ભયાનક કદરૂપતા એના ચહેરા ઉપર રાજ કરી રહી હતી. જયારે મારા મસ્તિષ્કમાં એ ઉઘાડી પીઠવાળી ચૂડેલના શબ્દો ઘંટારવ કરી રહ્યા હતા - ‘તપસ્યા, તારા માતા-પિતા સહિત તમે ત્રણેય જણ એક અકસ્માતમાં... ત્રણ વર્ષની વયે જ તારું મૃત્યુ થઈ ચૂક્યું હતું!’

‘યાદ છે, તપસ્યા..?’ ચૂડેલ કર્કશ અવાજે બોલી રહી હતી, ‘નાગલોકના અધિપતિ ચંદ્રમણિ સાથેની અદાવતમાં નાગેશનું કરુણ મોત નીપજ્યું હતું!’

‘હા, યાદ છે... મને અઘોરી અંગારક્ષતિએ જણાવ્યું હતું.’ મેં કંપતા અવાજે કહ્યું, ‘પરંતુ, એ નાગેશને અને મારા બાળપણના અકસ્માતને એકબીજા સાથે શું લાગે-વળગે?’

‘બહુ ઉતાવળી, તપ્પુ... તું બહુ જ ઉતાવળી!’ ચૂડેલ અટ્ટહાસ્ય કરતા બબડી.

હું એના હાસ્યમાં ધ્રૂજારી અનુભવી રહી હતી. એ કેટલું ભયંકર હતું, કદરૂપા ચહેરા ઉપરનું વિકરાળ હાસ્ય!

‘નાગલોકના એ યુવક નાગેશને એમના અધિપતિ ચંદ્રમણિની દીકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. ચંદ્રમણિએ પોતાની દીકરીને અને આ યુવકને માનવરૂપ ધારણ કરીને પ્રગાઢ ચુંબનમાં રત થયેલા જોઈ લીધાં હતાં. ગુસ્સા અને નફરતમાં ચંદ્રમણિએ નાગેશને સૂનકાર હાઇવે ઉપરથી જતી એક ટ્રક સાથે અફળાવી દીધો હતો. નાગેશને માનવરૂપમાંથી ફરી પોતાના અસલ નાગરૂપમાં પરિવર્તિત થવાનો મોકો મળે એ પહેલાં તો એના પ્રાણ એનું શરીર છોડીને જઈ ચૂક્યા હતા... યાદ આવ્યું ને, તપસ્યા?’

‘હા, હા, હા... મને યાદ છે. હું આ બધું જ જાણું છું, પણ એથી શું?’ હું અકળાઈ ઊઠી.

‘હવે આગળની દાસ્તાન... જે તારા માટે અધૂરી છે; સાંભળવાની બાકી છે, એ સાંભળ...’ ચૂડેલ પોતાની ગરદન એક તરફ નમાવીને બોલી રહી હતી.

હું શૂન્યમનસ્ક થઈ ચૂકી હતી. જાણે કે મારું અસ્તિત્વ આ દુનિયા ત્યજીને કોઈક અજાણ્યા, અગોચર વિશ્વ ભણી મને ખેંચીને લઈ જઈ રહ્યું હતું.

‘બસ હમણાં થોડાં દિવસો પહેલાની જ તો વાત છે... જે રાતે, જે સમયે એ નાગેશનું મૃત્યુ થયું હતું, એ જ રાતે ને એ જ સમયે તિમિર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, એ જ વેરાન સ્થળેથી... અને એનો અકસ્માત પણ એ જ ટ્રક જોડે થયો હતો જેની સાથે નાગેશને અડફેટ લાગી હતી. ઠીક એ જ સમયે અઘોરી અંગારક્ષતિ કબ્રસ્તાનની કોઈક વિચિત્ર અઘોર-સાધના માટે એક પ્રેતાત્માની શોધમાં એ ઉજ્જડ વિસ્તારમાં જઈ ચડ્યો હતો. જીવલેણ અકસ્માત થવાથી મૃત્યુ પામેલા તિમિરના શરીરમાંથી વિખૂટા પડી રહેલા આત્માને એ પોતાના મંત્રોચ્ચારથી વશમાં કરવા માંગતો હતો; એને એક કાચની બોટલમાં કેદ કરી દેવા માંગતો હતો...’ ચૂડેલ સપાટ અવાજમાં બોલી રહી હતી.

હું સ્તબ્ધ બનીને ઊભી હતી. સાવ નિર્જીવ, સાવ પાર્થિવ અવસ્થામાં!

‘બીજી તરફ, નાગલોકના અધિપતિ ચંદ્રમણિને પણ નાગેશના આત્માને પોતાના કબજા હેઠળ રાખવો હતો. પરંતુ, અઘોરી અંગારક્ષતિ અને અધિપતિ ચંદ્રમણિ, બંને માટે તેમના આ આત્મા-વશીકરણ કાર્યમાં એક મહાઅડચણ ઉદ્ભવી હતી...’ ચૂડેલ અવિરતપણે બોલ્યે જતી હતી. એનો કાળોભમ્મર ચોટલો ધીમે-ધીમે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હતો. એની ઉઘાડી પીઠ ઉપરથી સરકીને એના ખભા અને ગરદન ફરતે વીંટળાઈ રહ્યો હતો, જાણે કે કાળોતરો! એ આગળ બોલી, ‘બીજી સવારે જો તિમિર અને નાગેશના મૃતદેહો પડેલા કોઈક જુએ અને લાવારીસ લાશ સમજીને એમના મૃત શરીરોને જો કોઈ સળગાવી નાખે – સ્મશાનમાં લઈ જઈને હિંદુ વિધિ મુજબ અગ્નિદાહ દઈ દે – તો અંગારક્ષતિ તથા ચંદ્રમણિ જે બે આત્માઓને પોતપોતાના વશમાં કરવા માંગતા હતા - કેદમાં રાખવા માંગતા હતા, એ કોઈપણ સંજોગોમાં શક્ય ન બને!’

હું સૂનમૂન બનીને સ્થિર નજરે ક્ષિતિજમાં તાકી રહી હતી. કાલી ખાડીથી દૂર ખેતરો અને ઝાડી-ઝાંખરા પાર કરીને છેક છેવાડે દેખાતાં ધરતી અને આકાશના આભાસી મિલનને હું અપલક તાકી રહી.

ચૂડેલનો ઘસાતો અવાજ ફરી મારે કાને અથડાયો, ‘...એટલા માટે, અધિપતિ ચંદ્રમણિ તથા અઘોરી અંગારક્ષતિએ તેમના સાગરીતોની મદદથી તિમિર અને નાગેશના મૃતદેહોને એ વેરાન પ્રદેશની નજીકના એક કબ્રસ્તાનમાં છેક છેવાડે કબરો ખોદીને દફનાવી દીધા હતા.’ એટલું બોલીને એ ચૂડેલ એનો સરસ રીતે ગૂંથાયેલો કાળો લાંબો ચોટલો પોતાના એક હાથમાં વચ્ચેથી પકડીને ગોળ-ગોળ ઘુમાવવા માંડી. સાથે સાથે એ કંઈક ધીમું લયબદ્ધ ગણગણી રહી હતી. અને ફરી એક વાર મંદ-મંદ મુસ્કાઈ રહી.

મારી આંખ સામે અમાસની રાતનું થોડાં દિવસો પહેલાનું કબ્રસ્તાનનું તાજું જ દ્રશ્ય તરવરી ઊઠ્યું. મૃતદેહ સાથે મેં કરેલી સંભોગ-સાધના... તિમિરને તૃપ્ત કરવાની લાલસામાં મેં અઘોરી અંગારક્ષતિના પ્રપંચમાં ફસાઈને અજાણપણે નાગેશના મૃતદેહ સાથે સંભોગ આચર્યો હતો.

‘અઘોરીને પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાની અઘોરપંથી તાકાત બમણી કરવા માટે, પોતાના વશમાં કરેલ તિમિર તથા અન્ય અનેક આત્માઓ પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ મજબૂત બનાવવા માટે, એક સૌંદર્યવાન અને કામણગારી કન્યાની જરૂર હતી... ને એણે તારો ઉપયોગ કર્યો, તપસ્યા!’ ચૂડેલ પૂરો ઈતિહાસ ઉથલાવી રહી હતી. ‘-અને તારી લાલસા એ હતી કે તું તારા પ્રેમને તૃપ્ત કરે, તિમિરની તારું શરીર ભોગવવાની ઈચ્છા પૂર્ણ કરે... અને તેં અમાસની રાતે સંભોગ-સાધના આચરી. તારા નાગેશના મૃતદેહ સાથેના સંભોગ દરમ્યાન અંગારક્ષતિ જે કબર ઉભો રહીને મંત્રોચ્ચાર કરતો હતો એ જ તારા તિમિરની કબર હતી, તપ્પુ!’ બોલીને ચૂડેલ ખડખડાટ હસવા માંડી.

હું સમસમીને રહી ગઈ, પરંતુ હું લાચાર હતી. ‘મારું જો ત્રણ વર્ષની વયે જ મૃત્યુ થઈ ચૂક્યું હોય...’ મેં ધડકતા હૃદયે પૂછ્યું, ‘-તો શું અત્યારે હું જીવિત નથી એમ તું કહેવા માંગે છે?’

ફરી એક અટ્ટહાસ્ય રેલાયું. પછી એ અટ્ટહાસ્ય ધીમે રહીને અટક્યું. એ પોતાના દાંત કકડાવી રહી હતી, જાણે કે કડકડતી ટાઢમાં કંપન પામી રહ્યા હોય! વાતાવરણ અતિશય બિહામણું બની ગયું. દાંતની કંપારી વચ્ચે એ ત્રુટક-ત્રુટક શબ્દોમાં બોલી, ‘તું... જીવિત જ છે... ત...ત...તપસ્યા... પરંતુ, તને મૃતાત્માઓ પાસેથી ભીખ માંગીને પરત મેળવવામાં આવી હતી – તારા બાળપણમાં... અકસ્માતમાં તારા મૃત્યુ થયાના લગભગ તુરંત બાદ! અને બદલામાં...’

‘બદલામાં..?’ હું નખશિખ ધ્રૂજી ઊઠી.

‘બદલામાં... તારા ઘરની આયાનો પાંચ વર્ષનો દીકરો એ મૃતાત્માઓને સોંપવામાં આવ્યો હતો. તને મૃત્યુમાંથી જીવનમાં પરત ખેંચી લેવામાં આવી હતી, તપ્પુ... અને એ માટે મૃતાત્માઓ સાથે સોદો કરવામાં આવ્યો હતો - જીવને બદલે જીવ!’

‘પણ... પણ, તું આ બધું કઈ રીતે જાણે છે? મારા જીવનના રહસ્યો હું પૂરેપૂરા નથી જાણતી, તો તને ક્યાંથી..? કોણ છે તું? અને મને આ બધું શા માટે જણાવી રહી છે?’ હું એ ચૂડેલ પ્રત્યે સંદિગ્ધ બની ગઈ. મેં એક ઘેરી આશંકાથી એને પૂછ્યું તો ખરું, પણ મને ખબર હતી, મારા પ્રશ્નનો પ્રત્યુત્તર મારા કાળજા ઉપર કરવત ફેરવી નાખે તેવો જ હશે!

એ બોલી નહિ. ક્યાંય સુધી કારમું રુદન રેલાવતી રહી! પછી ઓચિંતી જ ઊભી થઈ ગઈ. અને ચાલવા માંડી. એનો ચોટલો એની પાછળ એના હૃષ્ટપુષ્ટ નિતંબો ઉપર સર્પાકારે ઝૂલી રહ્યો હતો. ધીમા કદમ માંડતી એ એક પીપળાના ઝાડ પાસે જઈને થોભી. પછી ઉંધી ફરીને વૃક્ષના થડ ઉપર એક એક ડગલું ભરીને ચઢવા માંડી. મારા મોંમાંથી ચિત્કાર સરી પડ્યો જયારે મેં જોયું કે એના બંને પગના પંજા ઉંધા હતા... એ દ્રશ્ય મારા માટે વરવું હતું, ખોફનાક હતું. મને હતપ્રભ કરી નાખવા માટે કાફી હતું! પીપળા ઉપર ઉંધી ચાલે ચાલતી એ ઘણું ઊંચે સુધી ચઢી, ને એક ડાળખી ઉપર ઊભી રહી ગઈ. એણે એ ડાળખી ઉપર પોતાના બંને પગની આંટી મારી. અને અચાનક એક ઝાટકા સાથે શરીરને નીચે તરફ પડતું મૂક્યું. હું ચીસ પાડી ઊઠી. પણ એ જમીન ઉપર નહિ પડી. બંને પગને ઘૂંટણેથી વાળીને ડાળખી ઉપર જ ઉલટી અવસ્થામાં લટકતી રહી. ઝોલાં ખાતી રહી. એનું માથું નીચે તરફ ડોલી રહ્યું હતું. એનો કાળા નાગ જેવો લાંબો ચોટલો હવામાં વાંકોચૂંકો ઝૂલી રહ્યો હતો.

એ ધીમા અવાજે બોલી, ‘તું મને પૂછે છે, તપ્પુ... કે હું આ બધું કઈ રીતે જાણું છું? કોણ છું હું..? તો સાંભળ... આ બધું હું એટલા માટે જાણું છું, કેમ કે એ આયા હું જ છું! તને જીવિત કરવા માટે મારો જ પાંચ વર્ષનો જીવતો-જાગતો, મારો વ્હાલસોયો દીકરો હોમી દેવામાં આવ્યો હતો!’

હું હબક ખાઈ ગઈ. મારું શરીર પરસેવાથી નીતરતું હતું. મારી નસમાં જાણે કે ઉકળતો તેજાબ ભરી દીધો હોય એવી અનુભૂતિ મને થઈ રહી હતી.

‘હવે વખત આવી ગયો છે... તું મૃતકોની દુનિયામાં દસ્તક દઈને પાછી વળી છે, તપસ્યા! હવે એ અગોચર વિશ્વનો કોઈક પ્રતિનિધિ આવશે, ને તારી આ દુનિયામાં પ્રવેશ કરશે... કદાચ પ્રવેશ કરી પણ ચૂક્યો હોઈ..!’ એટલું બોલીને એ ચૂડેલ પીપળાના વૃક્ષ ઉપરથી આકાશ ભણી તીવ્ર ગતિએ ઉડી ગઈ. એન પાછળ ફક્ત કાળો ગંધાતો ધૂમાડો છોડી ગઈ.

હું ડરતા ડરતા વિચારી રહી... અગોચર વિશ્વનો પ્રતિનિધિ..? કોણ..? મારી દુનિયામાં એ પ્રવેશશે..? શા માટે..? એનો આશય શો હશે..? ઘણાં પ્રશ્નો વણઉકેલ્યા અટવાઈ રહ્યા હતા. ઘણાં પ્રશ્નો રહસ્યમય હતા, બિહામણા હતા. અને મારી પાસે ધારણા કરવાની ન તો શક્તિ બચી હતી કે ન તો હિંમત!

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૧ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------