નો રીટર્ન-૨ ભાગ-૯૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૯૩

નો રીટર્ન-૨

ભાગ-૯૩

અમે હાંફી રહ્યાં હતાં અને થાક પણ લાગ્યો હતો. વાદળોની પરત ચીરીને ઉપર પહોચતાં નવ નેજે પાણી ઉતર્યા હતાં. એક અલગ અનુભુતી અમને ઘેરી વળી હતી જે શબ્દોમાં વર્ણવવી અશક્ય હતી. આવો માહોલ.. આવું દ્રશ્ય.. આવો અનુભવ.. જીવનમાં ક્યારેય થયો નહોતો. અમારાં બન્નેનાં જીગર ડર, રોમાંચ અને અજીબ બેચેનીથી ધડકતાં હતાં. એવું લાગતું હતું કે એક અલગ જ વિશ્વમાં અમે આવી પહોચ્યાં છીએ. સામે દેખાતો નજારો અમને ડારી રહ્યો હતો.

@@@@@@@@@@@@

હાજા ગગડાવી નાંખે એવું એ દ્રશ્ય હતું. અમે પર્વત ચઢવાનું શરૂ કર્યુ ત્યારે.. અને બરફમાં દટાયેલાં પથ્થરોનાં સહારે વાદળોની અંદર પહોચ્યાં ત્યારે એવું લાગતું હતું કે ટોચે ગોરંભાયેલાં વાદળોની પેલે પાર જરૂર કલ્પનાતિત સ્વર્ગ હોવું જોઇએ. પરંતુ નહિં... અત્યારે અમારી નજરો સમક્ષ એકાએક જ ભયાનક દ્રશ્ય ઉપસ્થિત થયું હતું. અમે આતંકીત બનીને.. ફાટી આંખોએ.. અમારી સામે જ, વિશાળ પરિધમાં ફેલાયેલાં એ ભયાનક ખૌફનાં સામ્રાજ્યને પથ્થરનાં બૂતની જેમ સ્થિર બની તાકી રહ્યાં હતાં. હદય ઉછળીને અમારાં જ ગળામાં અટવાઇ પડયાં હતાં. ગાત્રો શિથિલ બન્યાં હતાં અને શરીર ભયથી થરથર કાંપવા લાગ્યું હતું.

“ માય ગોડ પવન, શું છે આ બધું...? “ કોઇ અજબ ટ્રાન્સમાં આવીને, અવાચક નજરે સામેની તરફ જોતાં અનેરી બોલી ઉઠી. એ પ્રશ્નનો કોઇ જવાબ મારી પાસે નહોતો કારણકે હું પણ એ સ્થિતિમાં જ ઉભો હતો.

અમારી સામે એકદમ કાળું ભમ્મર વાતાવરણ હતું. જાણે વર્ષોથી અવિરત ધધકતી કોઇ ભઠ્ઠીમાંથી ઉઠતાં કાળા મેશ ધૂમાડાનાં ભયાનક જથ્થાએ ત્યાનાં સમગ્ર વાતાવરણને પોતાનાં કબ્જામાં સમેટીને શેકી નાંખ્યું હોય એમ, ચોમેર કાળોમેશ ધૂમાડો છવાયેલો દ્રશ્યમાન થયો હતો. અને... એ ધૂમાડાભર્યા વાતાવરણ હેઠળ... એક ખંડેર નગરનાં અવશેષો અમને નજર સામે દેખાતાં હતાં. અમે થોડી ઉંચાણવાળી જગ્યાએ ઉભા હતાં. અહીથી સામેનું દ્રશ્ય બરાબર દેખાતું હતું. નગરનાં ભગ્ન અવશેષો સમયનાં અવિરત મારનાં કારણે ખંડેરમાં તબદીલ થઇ ચૂકયાં હતાં અને અડધા ઉપરનું નગર તો જમીનમાં દફન થઇ ગયું હતું. તેમાં ચિત્ર- વિચિત્ર પ્રકારનાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય પથરાયેલું હતું. અમે એ નગરનાં પ્રવેશ દ્વારથી થોડે દૂર જ ઉભા હતાં. અમારી હિંમત નહોતી થતી કે નગરમાં પ્રવેશીએ. પર્વતની ટોચને સમથળ બનાવીને સદીઓ પહેલાં વસાવેલું આ નગર અમને ડારી રહ્યું હતું. એક વાત મને સારી રીતે સમજાઇ હતી કે અહી જરૂર કોઇ જમાનામાં રાજ મહેલ હોવો જોઇએ અને નીચે પર્વતની તળેટીમાં ગામ વસેલું હોવું જોઇએ. અહીનો રાજા પર્વત ઉપર રહીની પોતાનાં રાજ્યનું સંચાલન કરતો હશે. કોઇ કારણોસર સમય જતાં નીચે વસેલું નગર જમીનમાં સંપૂર્ણપણે દટાઇ ગયું હશે જ્યારે પર્વતનું આ નગર થોડું ઘણું સલામત બચ્યું હશે. અમારે આ નગરમાં પ્રવેશી દસ્તાવેજોમાં વર્ણવેલા ખજાનાને શોધવાનો હતો.

“ આપણે અંદર જવું પડશે... “ અનેરીનો હાથ પકડતાં હું બોલ્યો અને અમે બન્ને એકબીજાનાં સહારે ઢોળાવ ઉતરીને નગરનાં જર્જરીત દરવાજે આવ્યાં. સમયની બેરહમ થપાટો ખાઇ ખાઇને દરવાજાનાં પથ્થરો કાળા પડી ચૂકયા હતાં. દરવાજાનાં બારણાં તો હતાં જ નહી. ખબર નહી ક્યારે એ નામશેષ થયાં હશે. આટલા લાંબા કાળખંડ પછી દરવાજા સાબૂત બચ્યાં હોવાની કોઇ શક્યતાં પણ નહોતી. નગરનાં કોટની દિવાલ કોઇ જમાનામાં ઘણી ઉંચી હોવી જોઇએ, પરંતુ અત્યારે એ દિવાલનાં અવશેષો જ વધ્યાં હતાં. એ દિવાલ અમારાં માથા જેટલી ઉંચી હતી. સાવધાનીથી અમે અંદર પ્રવેશ્યાં. પ્રવેશ્યાં એમ તો કહી શકાય એવું નહોતું કારણકે ત્યાં આડેધડ કાંટાળી ઝાડીનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. એ ઝાડી અને પથ્થરોનાં મુરમને વટાવીને મહા મહેનતે અંદર પ્રવેશ્યા હતાં. અને... અંદરનું દ્રશ્ય જોઇને અમે ત્યાં જ ઠઠકીને ઉભા રહી ગયાં.

“ માય ગોડ.... “ ફરી વખત અનેરીનાં ગળામાંથી દહેશત પૂર્ણ ઉદગાર નિકળી પડયો. તેની આંખો વિસ્ફારીત બની. તેણે આપોઆપ સખ્તાઇથી મારો હાથ પકડી લીધો અને લગભગ મને વળગી પડી. મારી પણ એવી જ હાલત હતી. અમારી નજરો સમક્ષ અતી બિભત્સ અને ખૌફનાક દ્રશ્ય હતું. ત્યાં... ઉંચા- ઉંચા, લાંબા વાંસનાં બાંબૂ જમીનમાં ખોડેલાં હતાં. પથ્થરોનાં મુરમની ઢગલીઓ કરીને એ વાંસડાઓ કોઇ મંદિરની ધજા ફરકાવવાની હોય એ રીતે ખોડવામાં આવ્યાં હતાં. અને... હદય વલોવી નાંખે એવું દ્રશ્ય તો એ બાંબૂઓનાં સિરહાને દેખાતું હતું. કેટલીય માનવ ખોપરીઓ એ બાંબૂનાં મથાળે લટકતી હતી. અમારાં જીગરમાં એ દ્રશ્ય જોઇને આતંકનું ભયાનક લખલખું પસાર થઇ ગયું. લાગતું હતું કે કોઇએ આયોજન બધ્ધ રીતે વાંસડાઓ ખોડ્યાં છે અને તેની ઉપર માનવ ખોપરીઓ લટકાવી છે. વાંસની ટોચ એ ખોપરીઓનાં કાણામાં ભરાવેલી હતી. આવું દ્રશ્ય તો અમે કોઇ ભયાનક હોરર ફિલ્મમાં પણ નહોતું જોયું. તો શું અહી કોઇ રહેતું હશે...? નહિતર આવી ગોઠવણ કોણ કરે..? ભયંકર વિચારો મારા મનમાં ઉદભવવા લાગ્યાં. મને અચાનક અમારી આજૂબાજૂ ખતરાનો અહેસાસ થયો. ચોક્કસ અહી કોઇક તો હતું જ, જેણે આ તમામ લોકોને બેરહમીથી માર્યા હતા અને તેમનાં માથા વાઢીને આવી રીતે ટિંગાડયાં હતાં. પણ, કોણ હોઇ શકે આવી ભૂતિયા જગ્યાએ...? એક એવાં સ્થળે જે જગતનાં ઇતિહાસમાં સદીઓથી રહસ્યમય હતું. વળી... ખાલી એક જ વાંસડો નહોતો, આગળ દૂર સુધી... જ્યાં સુધી અમારી નજરો પહોંચતી હતી ત્યાં સુધી વાંસડા ઉપર લટકતી ખોપરીઓ અમને દેખાતી હતી. જાણે માનવ ખોપરીઓનું કોઇ કબ્રસ્તાન જ જોઇ લો. અમારા પગ થરથર ધ્રૂજવા લાગ્યાં અને ગળામાં સોસ પડયો હોય એમ ગળું સૂકાઇ ગયું. અનેરી તો જબરજસ્ત બીકનાં માર્યા મને રીતસરની વળગી જ પડી હતી. તેનાથી આ ખૌફનાક મંજર જોવાતો ન હોય એમ તેણે મારા ખભા ઉપર માથું ઢાળીને મને ચીપકી ગઇ હતી.

એક વાત તો ચોક્કસ હતી કે કોઇએ આ બધા માણસોને બેરહમીથી માર્યા હતાં. એ કોણ હોઇ શકે એનું સહેજે અનુમાન લગાવવું શક્ય નહોતું.

“ પવન... મને ડર લાગે છે. ચાલ અહીથી પાછા વળી જઇએ.. “ આંખો બંધ રાખીને જ અનેરી બોલી ઉઠી. સુચું કહું તો મને પણ એ વિચાર જ ઉદભવ્યો હતો કે અહીથી પોબારા ગણી જવામાં જ ફાયદો છે. છતાં કોઇ અગમ કારણોસર હજું કોઇ નિર્ણય હું લઇ શકયો નહોતો.

“ અહી સુધી આવ્યાં પછી ખાલી હાથે પાછા જવું યોગ્ય નથી. “ માત્ર બોલવા ખાતર એ શબ્દો હું બોલ્યો હતો.

“ પણ... તું જોતો નથી..? કેટલા બધા લોકોની ખોપરીઓ અહી ટિંગાય છે. ક્યાંક આપણી હાલત પણ આવી નહી થાય એની શું ખાતરી...? ચોક્કસ અહી કોઇ રહેતું હશે જેણે આ બધાને માર્યા હશે. “ આતંકથી ફફડતા અવાજે તેણે કહ્યું. મેં તેને મારી વધું નજીક લઇને ભીંસી લીધી. તેનાં શરીરમાંથી ઉઠતી ધ્રૂજારી મને સ્પષ્ટ મહેસૂસ થઇ.

“ તું ફિકર ન કર, અહી સુધી પહોચ્યાં છીએ તો આગળ પણ રાહ મળી જ જશે. બસ થોડી ધીરજ અને હિંમતથી કામ લે. આપણે ખજાનો ક્યાં હોઇ શકે એ શોધવાનું છે. પછી કોઇ રસ્તો આપોઆપ મળી રહેશે..” ખબર નહી કઇ આશાએ હું બોલ્યો હોઇશ, પણ મારા શબ્દો મને જ વિચિત્ર લાગતાં હતાં. છતાં એક હિંમત ઉદભવી હતી કે અમે જે મકસદથી અહી સુધી પહોચ્યાં છીએ એ મકસદ જરૂર પૂરો થશે.

ઉપર આકાશમાં હજું પણ ઘેરા કાળા ધૂમ્મસીયા વાદળો છવાયેલાં હતાં. તેનાં ગહેરા અંધકારે સમગ્ર પર્વતની ટોચને પોતાનામાં સમાવી લીધી હતી. એવું લાગતું હતું જાણે કોઇ ભયંકર આફત ત્રાટકવાની છે જેની આગતરી તૈયારી રૂપે આ વાદળોએ પોતાની ઘેરાબંધી આચરી છે. અમે સાહસ કરીને આગળ વધ્યાં. એ વાંસનાં જંગલ વચ્ચે એક પથ્થરોની પગદંડી સમાન રસ્તો ઉપર તરફ જતો હતો. અમે એ રસ્તે ડરતાં ડરતાં આગળ વધ્યાં. પ્રશ્ન એ હતો કે ખજાનો આખરે હતો કે નહી..? અને હતો તો ક્યાં...? નીચે અમને એક સોનાનો સિક્કો મળ્યો હતો એ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઇ હતી કે આ ભૂમીમાં સોનું તો ચોક્કસ હોવું જોઇએ. પણ એ સિક્કા પછી બીજું કંઇ કેમ અમારા ધ્યાનમાં આવતું નહોતું..? કેમ એવો અન્ય કોઇ અણસાર મળ્યો નહી...? ઉલટાનાં એક એવા દોજખ જેવાં વાતાવરણમાં અમે આવી ચડયાં હતાં જ્યાં ભયાનક દહેશતગર્દ પરિસ્થિતિઓ સામનો કરવાનો આવ્યો હતો.

સમયની થપાટો ઝીલીને જીર્ણ થઇ ચૂકેલા પથ્થરોનાં પગથીયા નૂમા રસ્તા ઉપર હું અને અનેરી એકબીજાનો સધીયારો બનતાં આગળ ચાલ્યાં. અમારી આસપાસ વાંસ ઉપર ટિંગાતી હજ્જારો ખોપરીઓનું વન હતું. એવું લાગતું હતું કે જાણે અમે કોઇ ખોપરીઓનાં કબ્રસ્તાનમાં આવી ચડયાં છીએ અને અમારી આગળ... પાછળ... ઉપર... નીચે... કોઇ ભયાનક ભૂતાવળ નાચી રહી છે. આ સ્થિતિમાં રહેવું એ અમારા જીવનનો સૌથી ખતરનાક અનૂભવ હતો.

ઘણે દૂર સુધી ખોપરીઓનું જંગલ પથરાયેલું હતું. આ માનવ ખોપરીઓ હતી. એનો મતલબ સાફ હતો કે આ બધાનાં મોત અહી જ થયાં હશે. મને તેનું ભયાનક આશ્વર્ય ઉદભવતું હતું કે આ બીયાબાન અને સૂમસાન ભાસતાં ઇલાકામાં આટલા બધા માણસો આવ્યાં ક્યાંથી હશે...? અને તેમને મારીને તેમની ખોપરીઓ આટલી વ્યવસ્થિત રીતે કોણે લટકાવી હશે...? જરૂર કંઇક તો રહસ્ય હતું જે મને સમાતું નહોતું. જો કે... આ સવાલોનાં જવાબ અમને થોડીવારમાં જ મળવાનાં હતાં. એવા ભયાનક જવાબો જેના લીધે અમારી રૂહ સુધ્ધા કાંપી જવાની હતી.

@@@@@@@@

કાર્લોસ અને એનાએ બરાબર અમારું પગેરું દાબ્યું હતું. ધરતી ઉપર પડેલાં પગલાની છાપનાં આધારે તેઓ અમારી પાછળ આવી પહોચ્યાં હતાં. તેમણે પણ બરફમાં ખૂંપેલા પથ્થરોનાં સહારે ઉપર ચઢીને વાદળોની સતહ વટાવી હતી. પછી અમારી જેમ તેઓ પણ અવાક બનીને સામે દેખાતું ભયાનક દ્રશ્ય જોઇને ઉભા રહી ગયાં હતાં.

એ સમયે અમે તેમનાથી વધું દૂર નહોતાં. જો તેમણે ઝડપ કરી હોત તો ચોક્કસ અમને આંબી જાત.

@@@@@@@@@@@@

અહી બધું જ વિચિત્ર હતું. આકાશમાં છવાયેલાં વાદળોને લીધે આગળ શું છે એ સ્પષ્ટ દેખાતું નહોતું કારણકે અંધકારનાં કારણે અમારી દ્રષ્ટિ માંડ થોડે દૂર સુધી જ જોઇ શકતી હતી. અનેરીએ કસકસાવીને મારો હાથ પકડયો હતો. હવે અમે પગથીયા જેવાં પથ્થરોને વટાવીને થોડા ઉપર ચઢી આવ્યાં હતાં. આ તરફ ખોપરીઓનું સામ્રાજ્ય આછું થયું હતું અને પર્વતની ટોચ તરફ જાણે કોઇ પૂરાતન નગરીનો કાટમાળ વિખેરાયેલો હોય એમ એક ધ્વંશ બાંધકામનાં અવશેષો ચોમેર વિખરાયેલાં અમને દેખાયાં. અહી આશ્વર્યોની જાણે વણજાર લાગેલી હતી. હજું એક આશ્વર્ય પુરુ ન થયું હોય ત્યાં એક નવીન આશ્વર્ય અમારી સમક્ષ આવીને ખડું થઇ જતું હતું. ચોક્કસ આ કુદરતની અજબ કરામત સમાન જગ્યાં હતી.

અહી આવ્યાં બાદ બ્રાઝિલની લાઇબ્રેરીમાં સચવાયેલાં દસ્તાવેજોની સચ્ચાઇ બાબતે ખરાઇ અમને થઇ હતી. તેમાં લખેલો એક એક શબ્દ જાણે સાચો હોય અને અમે તેને નજરો નજર નિહાળતા હોઇએ એવું લાગતું હતું. તેમાં જે પ્રમાણે એમેઝોનની અંદર એક બરફાચ્છાદીત પર્વત શૃંખલાનું વર્ણન હતું.... એ પર્વત શૃંખલાનાં એક પર્વતની ટોચ ઉપર સમથળ જગ્યા અને એ જગ્યામાં પૂરાતન કાળનાં કોઇ ધ્વંશ નગરનું વર્ણન હતું.... એ બધું જ અત્યારે અમારી સમક્ષ ઉજાગર હતું. અમે એ ધ્વંશ નગરની શેરીઓમાં રખડતાં હતાં એમ કહી શકાય. નવીન હતું તો માત્ર ખોપરીઓનું જંગલ, જેનાં વિશે એ દસ્તાવેજમાં કંઇ લખાયેલું નહોતું. એ બાબત અચંભીત કરનારી જરૂર હતી પરંતુ એ વિશે વિચારવાનો સમય અમારી પાસે નહોતો. અમે તો બસ... ખજાનો ક્યાં દટાયેલો હશે એની શોધમાં એક પ્રેત નગરીમાં રખડી રહ્યાં હતાં.

અને.... લાલ ફૂમતાં વાળું એક તીર સનનન્.... કરતું બરાબર મારાં કાન નીચેથી પસાર થઇ ગયું. હું સ્તબ્ધ બનીને ઉભો રહી ગયો. હાં... મેં બરાબર જોયું હતું... એ તીર જ હતું. તીર પાછળ લાલ ફૂમતું લટકતું હતું. અને આવાં ફૂમતાં વાળું તીર મેં જંગલમાં પેલા ટીલા ઉપર જોયું હતું. આવા તીરથી જ ડેલ્સો મરાયો હતો. મારા જીગરમાં એકાએક ધડબડાટી વ્યાપી ગઇ. સાથોસાથ ક્ષણભરમાં મને ખોપરીઓનું રહસ્ય પણ સમજાઇ ગયું હતું. અને... બીજું એક રહસ્ય પણ ઉજાગર થયું હતું.

( ક્રમશઃ )

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

Nidhi Raval

Nidhi Raval 2 માસ પહેલા

Rima Patel

Rima Patel 3 માસ પહેલા

Batuk Patel

Batuk Patel 1 વર્ષ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 1 વર્ષ પહેલા