2.
તેણી ઘેર જઈને સ્વસ્થ થઈ સોફામાં આડી પડી. આરામ કરતાં કરતાં પણ કોઈ ફેશન મેગેઝિનનાં પૃષ્ઠો ફેરવતી રહી. તેણીના રસ પણ હવે મોડેલિંગની દુનિયાને જ સ્પર્શે તેવા બની ગયેલા. જયારે પણ તે નવરી પડે, મોડેલિંગ કરતી વખતે ડ્રેસ અને અભિનય વિશે કેટલાક દિશાનિર્દેશો વાંચતી. લગભગ બે વર્ષથી સમજો કે તેણી મોડેલિંગ ખાતી, મોડેલિંગ પીતી અને મોડલ તરીકે જ શ્વાસ લેતી. આ ચમકદમક ભરી લપસણી દુનિયામાં તમે ગમે તેટલા તેજસ્વી હો, પહેલી વાર તમારું માથું ઊંચકવું મુશ્કેલ છે અને અતિ સંઘર્ષને અંતે એકવાર બીજ અંકુર બની જમીન ફાડી બહાર આવે તે પછી ભૂખ્યા વરુઓ હંમેશાં વિશાળ જડબાંવાળાં મોં ફાડી શિકાર કરવા તૈયાર જ બેઠા હોય છે. અહીં ટાંટિયાખેંચ પણ ખતરનાક હદે છે. તમારે દોરડાંની ધાર પર ચાલવાની જેમ સંભાળીને એક એક ડગલું મુકવું પડે છે. તેણીએ આ ક્ષેત્રમાં ઉભા થવા અને ટકી રહેવા ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, પોતાને કાળજીથી મોડેલિંગની કારકિર્દી માટે તૈયાર કરી હતી. એ માટે સઘન તાલીમ લીધી હતી અને હવે તે સફળતાનો આસ્વાદ માણી રહી હતી. મોડેલિંગે તેણીમાં ભરપૂર આત્મવિશ્વાસ જગાવ્યો હતો અને તેના વ્યક્તિત્વને ખીલવ્યું હતું. સૌંદર્ય અને કુશળતા બંનેની તે સામ્રાજ્ઞિ બની ચુકી હતી.તેણીના માતાપિતા માટે તેણી તેમને વધુ અને વધુ ઉચ્ચ જીવનશૈલી પ્રદાન કરનારી, દિકરાથી ક્યાંય અધિક બની રહી હતી .
પણ ના, એ કુટુંબ પુત્રીનાં નાણાં પર આધાર રાખનારું ન હતું .
તેણીના પિતા ટોચની રાષ્ટ્રીયકૃત બેંકના બેંક મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે તેમના જીગરના ટુકડા જેવી પુત્રીને જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યે રાખી હતી. તેઓ ભારપૂર્વક કહેતા કે ‘અજરામરવત પ્રાજ્ઞ: વિદ્યામર્થમ્ ચ ચિંતયેત, ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુંનામ્ ધર્મમ્ આચરેત। ‘ (અમર હોઈએ તેમ પૈસા કમાવા જોઈએ અને જાણે કે વાળ પકડી મૃત્યુ ખેંચી જતું હોય તેમ પોતાની ફરજોનું ધ્યાન રાખવું જોઈએ.) તેઓ સહુ માનતાં હતાં કે વધુ સારા જીવન માટે વધુ સારું શિક્ષણ અને વધુ સારો ઉછેર જરૂરી હતાં . જીવનશૈલી ઊંચી અને વધુ ઊંચી લાવવી એ લક્ષ્ય એ કુટુંબ માટે એટલું જ મહત્વનું હતું.
તેણી દસમા ધોરણ સુધી ટોપર હતી અને એચએસસીમાં સારા એવા ટકા લાવી હતી, તેણીએ NATA ક્લિયર કર્યું અને એક આર્કિટેક્ટ બની. તેણી તેનાથી 7 વર્ષથી નાના ભાઈને અભ્યાસમાં આગળ રહેવા માટે સતત પ્રોત્સાહિત કરતી હતી. તે સારો વકતા હતો, પબ્લિક સ્પીકિંગમાં તેને ખુબ ઇનામો મળેલાં. તેમના પિતાએ સંતાનોને જે જોઈએ તે પસંદ કરવા દીધું. ભાઈએ વકીલાતમાં જોડાવાનો ઈરાદો વ્યક્ત કર્યો. તેમાં પણ મોટી બહેનનું પીઠબળ મળ્યું.
પોતે તો હવે મોડેલિંગની કારકિર્દીમાં ઝંપલાવ્યું પછી એ જ કારકિર્દીને સંપૂર્ણ સમર્પિત થઈ ચુકેલી.
નવરી પડ્યે અરીસા સામે પણ પોતે પ્રેક્ટિસ કરતી. પોતે જ પોતાની ખૂબીઓ, ખામીઓ નક્કી કરતી અને એ મુજબ સુધારા કર્યે રાખતી.
કામ કામને ખેંચે. એક એસાઇનમેન્ટ ની સફળતા તુરત બીજું કામ અપાવતી. ધીમે ધીમે તે એટલી તો વ્યસ્ત રહેવા લાગી કે ઘર સાથે માંડ અઠવાડિયે એક વાર સંપર્ક થતો.
પુત્રી નવી ચમક દમક ભરી કારકિર્દીમાં આગળ આવી છે તે જોઈ, અખબારોમાં તેને રંગીન જાહેરાતો, કયારેક ફુલપેજ પર જોઈ માતા પિતાની છાતી ગજ ગજ ફુલતી.
દીકરી આખરે પારકી થાપણ છે. ક્યારે પરાયે ઘેર જતી રહેશે? મોકલવી તો પડશે ને? માતા પિતાના મગજમાં આ વિચાર સતત ઘૂમ્યા કરતો.
પણ તેણીને એ કશું વિચારવાની પણ ક્યાં ફુરસદ હતી?
પરંતુ આ બધું એક મોડેલની કૌટુંબિક પૃષ્ઠભૂમિને વર્ણવવા માટે અહીં જરૂરી છે?
હા. છે.
આગળ વાંચો એટલે ખ્યાલ આવશે.
ક્રમશઃ