એસેટ -4

એક સવારે જ્યારે તેના પપ્પા યોગ સમાપ્ત કરી ઉભા થતા હતા ત્યારે ફોન રણકી ઉઠ્યો .

"હેલો .. ઓહ, મારી પરી બેટી? ગુડ મોર્નિંગ બેટા. મારી વહાલી રૂપકડી છોકરીએ તો ડેડીની સવાર સુધારી દીધીને કાંઈ ? "

" હા ડેડી. સ્પીકર્સ પર ફોન રાખો. મમ્મીને બોલાવો. કંઈક અગત્યનું છે. "

ડેડીનું  હૃદય બે ધબકારા ચુકી ગયું. એવું તે શું અગત્યનું કામ હોઈ શકે છે?

"હા. મારી વહાલી દીકરીને શું  ચિંતા છે? લે, વાત કર મમ્મી સાથે. "

"કોઈ  ચિંતાનું કારણ નથી. મમ્મી, હું તમને તમારી ચિંતામાંથી રાહત આપવા માંગું છું. મેં મારી હમણાં શૂટ થઇ રહેલી એડ ફિલ્મના સહ કલાકાર હાફીઝને મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો  છે.”

“શું .. "

મમ્મી પર આભ તૂટી પડ્યું. એમનો સમાજ અને એમનું વર્તુળ આ ધર્મનો જમાઈ સ્વીકારશે નહીં એ વિચારે તે હેબતાઈ ગઈ.

ડેડી એમ તો ફોરવર્ડ વિચારના હતા પણ તેમની દીર્ઘદ્રષ્ટિ ઘણું આગળનું ઇન બીટ્વિન ધ લાઇન્સ જોઈ વિચારી શકતી હતી. આ તો બે પરસ્પર વિરોધી વિચારધારાઓનું મિલન. છોકરાંઓ નો ભવોભવ નહીં તો યે ભવ પૂરતો તો સાથ ખરો જ. અને પોતાનાં બે કુટુંબો ભેગાં થાય તે વખતે તેમની વિચારધારા, તેમની સ્ત્રીઓ પ્રત્યેની દ્રષ્ટિ, આ બધું આગળ જતાં નડશે તો નહીં એ ભય લાગ્યો.

તેમણે પૂછ્યું "તું હાફીઝને  કેટલા વખતથી ઓળખે છે? માત્ર પ્રોફેશનલ સંબંધો છે કે અંગત પરિચય પણ છે?"

"ડેડી, અગાઉ કહ્યું તે એડ ફિલ્મ સાથે કામ.કરી અને અમે લગભગ દર રવિવારે સાથે હોઈએ છીએ. મને અને મારી લાઇનને સમજી શકે તેવો જીવનસાથી મારી જ લાઈનમાંથી  હોય તો સારું રહે. આમ તો તે સારો, જોલી છોકરો છે."

"બેટા જાણી જોઈને  કૂવામાં તો નથી પડતીને? અવતાર અભડાવતી નથીને?" મમ્મીએ મન માં હતુંતે કહી દીધું.

મમ્મી પર  જાણે આભ તૂટી પડયું. ડેડી તો જાણે  આંગળી કાપો તો લોહી ન નીકળે એવા થઇ ગયા.

ડેડીને શરૂઆતમાં  ખુબ આઘાત લાગ્યો પરંતુ તુરત સ્વસ્થ થઇ તેમણે  આગળ વાત લંબાવી.

"બેટા, હું જાતિ અથવા ધર્મમાં વિશ્વાસ કરતો નથી. પરંતુ જોઈ વિચારીને પગલું ભરજે. આ તો એ ભવિષ્યનું જીવન છે જે તમે એકસાથે  રહી સાથે જીવવાનું પસંદ કરી રહયાં છો. આપણી અને એ લોકોની સાવ જુદી રહેણીકરણી છે. અને કદાચ અમે બે કુટુંબીજનો એક બીજા સાથે તદ્દન ઔપચારિક રહી શકીએ, તમારે તો તમારી  કારકિર્દી માટે તમે જેટલું કર્યું તેના કરતાં ઘણું વધુ સમાધાન સંસારમાં કરવું પડશે. "

"ડેડી, ચિંતા કરશો નહીં, તેના પિતા બોમ્બે મર્કન્ટાઈલ બેંકમાં ડિરેક્ટર છે. તમારી લાઇનમાંથી જ કહેવાય ને? .. ઍડ ફિલ્મ વાળી  એજન્સીએ એ અમને એક જોડી તરીકે પસંદ કર્યાં ત્યારથી હું તેને ઓળખું છું. તે મને મારા કામમાં ઘણી મદદ કરી રહ્યો છે. "

" ઓકે. મારી પરી, તેં તારા માટે સમજી વિચારીને જ નિર્ણય કર્યો હશે. હું મુંબઇ આવીશ અને હાફીઝને  અને તેના કુટુંબને મળીશ. "

બંને પરિવારો મળ્યા અને હાફીઝ પરિવારે એ ચાંદકા ટુક્ડાને ઝડપી લેવા માટે અનેરો ઉત્સાહ બતાવ્યો.

એ વખતે હાફિઝ ખૂબ નમ્ર અને વિવેકી થઈ પેશ થયો. મમ્મી ડેડી કહી તેમને પાણી પાણી કરી નાંખ્યાં. તેમનું કુટુંબ તો આ મલિકા એ હુશ્ન ને મેળવી લેવા તલપાપડ હતું. તેમને તો બગાસું ખાતાં પતાસું જડી ગયું!

આખરે થોડા હીંચકીચાટ  સાથે તેણીના ડેડી મમ્મીએ સંમતિ આપી.

પ્રથમ પવિત્ર અગ્નિ સમક્ષ સાત ફેરા અને સપ્તપદી સાથે લગ્ન, પછી મુસ્લિમ વિધિ મુજબ નિકાહ  પઢવામાં આવ્યા .

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Priya Mehta 2 માસ પહેલા

Verified icon

Chintan Gajera 3 માસ પહેલા

Verified icon

Alopi 3 માસ પહેલા

Verified icon

Jayant 4 માસ પહેલા

Verified icon

Rekha Patel 4 માસ પહેલા

શેર કરો