બ્લાઇન્ડ ગેમ-૨૦ પર્દાફાશ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ-૨૦ પર્દાફાશ

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

પ્રકરણ- ૨૦ (પર્દાફાશ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૧૯માં આપણે જોયું કે...

નવ્યા ચીફ મિનિસ્ટરની મુલાકાત લેવા માંગે છે એ જાણીને અરમાનને હેરત થાય છે. પરંતુ, નવ્યા એને ધરપત આપે છે કે એ સી.એમ.ને ફસાવવા માટે તેમજ તેના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવી રહી છે. એ પોતાની ‘લો-નેક’ બ્લાઉસના બટનમાં એક સ્પાઇ-કેમેરા ફીટ કરે છે, અને એના રીસીવર સાથે અરમાનનો મોબાઇલ અટેચ કરવામાં આવે છે. ઉપરાંત, જણાવે છે કે સી.એમ.ને ઉઘાડો પાડતો ‘સેન્સીટીવ-પોઇન્ટ’ આવે એટલે અરમાને સમારોહ દરમ્યાન સ્ટેજ ઉપર લાગેલ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર એ વિડિઓ-રેકોર્ડીંગ બતાવવું. અને પછી શરુ થાય છે ‘કન્યાકુમારી અનાથાશ્રમ’ની બાળકીઓની સોદાબાજી...

હવે આગળ...)
‘મૈ ચાહતી હૂં કી હમારે આશ્રમ પે ઔર હમારે આશ્રમ કી અનાથ બચ્ચીયોં પે આપ કી મેહરબાની હો, સર!’ સી.એમ.ના ઘૂંટણ ઉપર મૃદુતાથી હાથ ફેરવતા નવ્યા આંખોના ઈશારે બોલી, ‘જૈસે આપ હંમેશા કરતે આયે હો... હમે ભી એક મૌકા દેકર દેખિયે, આપકો શિકાયત કા મૌકા નહિ મિલેગા, સર!’

ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતાની આંખોમાં એક જંગલી જાનવર જેવી હિંસક ચમક ઉભરી આવી.

‘બહાર નિગરાની કરી રહેલા તમારા પી.એ.ને આદેશ આપો, સર... કે મારી સાથે આવેલ બંને ‘સેમ્પલ’ને...’ નવ્યા ધીમું હસી, ‘...આઇ મીન બંને બાળાઓને અંદર મોકલે.’ નવ્યાએ થોડું પોતીકાપણું કેળવવા માટે સાઉથ-ઇન્ડિયન શૈલીમાં અટકી-અટકીને ગુજરાતી ટહુકો કર્યો.

સી.એમ. જાણે કે એક નશારૂપી આવરણ હેઠળ મુગ્ધ થઈ રહ્યા હતા; મદહોશી અનુભવી રહ્યા હતા. એક તરફ ખજુરાહોની શૃંગારિક મૂર્તિ સમું નવ્યાનું ઉત્તેજક જિસ્મ હતું, તો બીજી તરફ કુમળી-અપરિપક્વ બાળાઓ...’ એમણે ફોન કરીને જયકાંતને વિશેષ સૂચનાઓ આપવા માંડી. જયકાંત પણ સી.એમ.ના આદેશ અનુસાર તેમજ પોતાની આગવી અને અનુભવી સૂઝ મુજબ ઇન્ટરનેટ ઉપર ‘કન્યાકુમારી અનાથાશ્રમ’ વિશે માહિતી મેળવવા માંડ્યો. એને કંઈક અંશે સંતોષ થતાં એણે બંને બાળકીઓને સી.એમ. સાહેબની ખાસ સરભરા કરવા માટે ઓફિસની અંદર જવાની અનુમતિ આપી દીધી, અને તે પહેલાં ખાસ તકેદારી રાખીને સી.એમ.ની ઓફિસની સી.સી.ટી.વી. કેમેરા સિસ્ટમ થોડી વાર માટે ‘ઓફ’ કરી દીધી.

નવ્યાનું હૃદય તેજીથી ધડકી રહ્યું હતું. એ વિચારી રહી – પોતે બહુ મોટું જોખમ લઈ રહી છે. અને આ કદાચ આખરી દાવ હોઈ શકે છે! એને ખબર નહોતી કે સી.એમ.નું હવે પછીનું ‘રીએક્શન’ શું હોઈ શકે છે! પોતે, ભાઈ હઝરત કુરેશીના સાથ વગર સી.એમ.ના તોતિંગ ગોરખધંધાઓનો પર્દાફાશ કરવાનું કપરું ‘મિશન’ કેવીરીતે શક્ય બનાવશે! સ્ત્રીઓ-બાળકીઓના શરીરનો સોદો કરનારા આવા નરાધમને પોતાના શરીરના સથવારે જ લલચાવવા પડે છે, પકડમાં લેવા પડે છે, એ વાતનો એને ઊંડો રંજ તો હતો જ... પરંતુ, બીજો કોઈ રસ્તો પણ નહોતો બચ્યો. અનેક પ્રકારના દાવ-પેચ, ષડ્યંત્ર, કિડનેપિંગ... લગભગ બધું જ અજમાવાઈ ચૂક્યું હતું. બસ હવે તો આ જ એક અંતિમ પત્તું રહ્યું હતું - ‘બ્લાઇન્ડ ગેમ’નો હુકમનો એક્કો - ‘હની-ટ્રેપ’!

‘સાહિત્યકાર-મિત્રો, સી.એમ. સાહેબની તબિયત થોડી નરમ ચલે છે...’ સાહિત્ય-સન્માન સમારોહ શરુ થઈ ચૂક્યો હતો, અને ‘હોસ્ટ’ દ્વારા સ્ટેજ ઉપરથી આ ત્રીજી વખત સી.એમ.ની તરફદારી કરતું નિવેદન રજૂ થઈ રહ્યું હતું, ‘આપ સૌ એ ઘટનાથી વાકેફ હશો કે હજી ગઈકાલે જ લોકલાડીલા સી.એમ. સાહેબ ઉપર કોઈક આતંકવાદી સંગઠન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એ ખોફનાક દ્રશ્યએ તેમને કારમો આઘાત પહોંચાડ્યો છે. એને લઈને તેઓ હાલ થોડી અશક્તિ અનુભવી રહ્યા છે. આમ છતાં, સાહિત્યરસિક એવા આપણા માનનીય સી.એમ. સાહેબે આજનો આ સમારોહ મુલતવી નથી રાખ્યો એ એમની નીડરતા જ ગણાય. માટે મિત્રો, મંચ ઉપર થનારી તેમની વિલંબિત પધરામણી બદલ ક્ષમાયાચના..!’

અરમાન સમારોહની આગલી હરોળમાં ખૂણેની એક ખુરશીમાં બેઠો હતો, બીજાં બધાંથી થોડો અળગો રહીને... એ એકીટશે પોતાના મોબાઇલમાં મીટ માંડીને, સી.એમ.ના કરતૂતોનો પર્દાફાશ કરતા કોઈક ‘સેન્સીટીવ-પોઇન્ટ’ની રાહ જોતો બેઠો હતો. એ પોતે પણ એ વાતથી સારી રીતે વાકેફ હતો કે એ ‘સેન્સીટીવ-પોઇન્ટ’ જ એના પોતાના માટે આજના સમારોહનો ઉચ્ચતમ એવોર્ડ સાબિત થશે. એણે નવ્યાએ આપેલા રીસીવરના બ્લુ-ટૂથથી પોતાનો મોબાઇલ ‘સેટ’ કરી દીધો હતો. કનેક્શન એક્ટિવ થતાં જ એક ઓટો-રન-સ્પાઇ-એપ પણ ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી, જેના દ્વારા સી.એમ.ની ઓફિસનું – નવ્યાની આસપાસનું ‘લાઇવ ટેલીકાસ્ટ’ જોઈ શકાતું હતું; રેકોર્ડીંગ પણ કરી શકાતું હતું. હવે જો ઇન્તઝાર હતો તો માત્ર પર્દાફાશની ઘડીનો... એણે જોયું કે નવ્યા સી.એમ.ની બિલકુલ લગોલગ બેઠી છે. એની સાથે આવેલી બાર-પંદર વર્ષની બંને માસૂમ છોકરીઓ ઓફિસમાં પ્રવેશી રહી છે. અરમાનને એ બંને છોકરીઓની સહેજે ચિંતા થઈ આવી! એ મનોમન બબડ્યો - નવ્યા તો ચાલો એક ક્ષણ માટે માની પણ લઈએ કે ગમે તેવા અઠંગનેય આંટી જાય એવી ખૂંખાર છે, પરંતુ આ બંને નાદાન છોકરીઓ..? એ ચિંતિત થઈ ઊઠ્યો.

ઓફિસમાં પ્રવેશી રહેલી બંને છોકરીઓ નાની અને માસૂમ હોવા છતાં દક્ષિણના મદમસ્ત હવા-પાણીમાં એમના શરીર-સૌષ્ઠવ પૂરબહારમાં ખીલી ઊઠ્યાં હતાં. બંને છોકરીઓને માથાથી પગ સુધી લાલચુ નજરે તાકી રહેલા સી.એમ.એ હોઠ ઉપર જીભ ફેરવી. સાથે-સાથે પોતે ટટ્ટાર થઈને એક પગ ઉપર બીજો પગ ચઢાવીને એ અદામાં બેઠા કે જેથી પોતાની અકળામણ છૂપાવી શકાય.

‘હર એક નજર કી એક કિંમત હોતી હૈ, સી.એમ. સાહબ!’ નવ્યાએ સી.એમ.ના અધીરવા થઈ ઊઠેલા હૃદયના ધબકારા ઉપર કોમળતાથી પોતાની હથેળી દબાવતાં કહ્યું.

‘કન્યાકુમારી સે ગુજરાત તક સિર્ફ થેપલા ઔર ઢોકલા ખાને તો તુમ આઈ નહિ હો...’ સી.એમ. પોતાના અસલી મિજાજમાં પ્રવેશતા બોલ્યા, ‘જરા કિંમત તો બતાવો અપને ‘કન્સાઇન્મેન્ટ’ કી... ઔર સાઉથ કા સેમ્પલ ચખને કી ઈજાજત દો!’ કહીને ખંધુ હસ્યા અને પગ લંબાવીને સોફા ઉપર પાછળની તરફ પીઠ ટેકવી દીધી.

ખળભળાવી નાખનારી સ્તબ્ધતામાં પણ અરમાન એક થડકારો અનુભવી રહ્યો. સી.એમ.ની ઓફિસમાં ભજવાઈ રહેલી કાચા-કુંવારા શરીરની સોદાબાજીનું વિડીયો-રેકોર્ડીંગ એના મોબાઇલ-સ્ટોરેજમાં ‘સેવ’ થઈ રહ્યું હતું. અને એ સાથે જ એણે જોયું કે નવ્યાની બ્લાઉસમાં લાગેલો કેમેરો સી.એમ.ના ચહેરાની તદ્દન નજીક પહોંચી ચૂક્યો હતો. એ ધ્રૂજી ઊઠયો! બીજી ક્ષણે સી.એમ.નો પંજો કેમેરાની સપાટી ઉપર ફરી વળ્યો. અરમાનની ધડકનો બેફામ બની ગઈ. શું હૃષિકેશ મહેતાનો હાથ નવ્યાની બ્લાઉસ..? નહિ, નહિ... અરમાને આંખો મીંચી દીધી.

‘અગર સેમ્પલ હી ટ્રાય કરના હૈ તો, મૈ હૂં ના...’ નવ્યાએ ચીફ મિનિસ્ટરની સોફા ઉપર લંબાયેલી બંને જાંઘ ઉપર ઘોડો કરીને બેસતાં કહ્યું, ‘કન્સાઇન્મેન્ટ કે સ્ટાર્ટ-અપ કે તૌર પે અભી ઇન દો લડકિયોં કા ‘સેમ્પલ’ લાયી હૂં... અગર આપ કો પસંદ આયે તો દો કે બદલે દોસૌ કી ‘ડીલ’ પે મુહર લગ સકતી હૈ...’ નવ્યાએ સી.એમ.ના ગાલ ઉપર પોતાની અનામિકા અને તર્જની ફેરવતાં માદક સ્વરે કહ્યું.

‘ઔર કિમત..?’ નવ્યાના ગૌરવર્ણ ખભા ઉપરથી ધીરે-ધીરે પોતાનો હાથ સરકાવીને એની પીઠ ઉપર થઈને ઉઘાડી કમરના વળાંક ઉપર પકડ મજબૂત કરતા સી.એમ. બોલ્યા.

‘સિર્ફ દો કરોડ, પ્લસ જી.એસ.ટી...’ નવ્યા પોતાની કજરારી આંખો મટકાવીને મલકાતા બોલી.

‘ડન...’ ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતાએ ‘ડીલ’ ફાઇનલ કરવાના અંદાજમાં આંખ મીચકારીને કહ્યું, ‘લેકિન બિના બીલ કે માલ પે જી.એસ.ટી. નહિ લગતા!’

અને એ સાથે જ એમણે સફારી સૂટની અંદર હાથ નાખીને પોતાના ગળામાં પહેરેલી પચીસ તોલા સોનાની ભારે-ભરખમ ચેઇન એક ઝાટકે ઉતારી દીધી, અને બીજી જ મિનિટે એમની ગોદમાં ‘કાઉબોય’ની અદામાં બેઠેલી નવ્યાના ગળામાં પહેરાવતા કહ્યું, ‘છોટા સા એડવાન્સ, ઇસ ખૂબસૂરત ગલે કે ખાતિર... તોહફા કૂબૂલ કીજીયે! ઔર કન્સાઇન્મેન્ટ ‘ફાઇનલ’ કીજીયે!’

-અને અરમાનને જાણે કે મસ્ત મોકો મળી ગયો... જેની એ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ પર્દાફાશ માટેના ‘સેન્સીટીવ-પોઇન્ટ’ની જ્યોત પ્રગટી ચૂકી હતી!

આગલી હરોળમાં બેઠેલા અરમાને એકાએક સ્ટેજ ઉપર દોટ મૂકી. ગુજરાતી સાહિત્યના ઈતિહાસ વિશે પ્રવચન આપી રહેલા એક પીઢ સાહિત્યકાર, મંચ ઉપર બિરાજમાન સાહિત્ય-શિરોમણીઓ, તથા સમારોહમાં સામેલ વાર્તાકારો તેમજ વિવેચકો, અરમાનની આ વિચિત્ર હરકત તરફ થોડાં કુતૂહલ તેમજ વધુ કંટાળાથી જોઈ રહ્યા. અરમાને એ દરેકની પળવાર માટે પણ પરવા કર્યા વિના સ્ટેજની ઠીક મધ્યે લાગેલી વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રિન સાથે પોતાના મોબાઇલને યુ.એસ.બી. કેબલ દ્વારા ‘અટેચ’ કરી દીધો. અને અત્યાર સુધી સી.એમ.ની રાસલીલાનો આંખે દેખ્યો અહેવાલ ‘રેકોર્ડ’ કરી રહેલી સ્પાઇ-એપ એક્ટિવ કરી, અને... એ સાથે જ સી.એમ.ની ઓફિસની અંદર આકાર લઈ રહેલા ‘સ્કેન્ડલ’નું થોડી મિનિટો પહેલાંનું રેકોર્ડિંગ વિશાળ સ્ક્રિન ઉપર પ્રસારિત થવા માંડ્યું...

સમારોહમાં નીરવતા પથરાઈ ગઈ. થોડી મિનિટો સુધી તો કોઈને કશું પણ સમજાયું નહિ. પહેલાં તો અંદર-અંદર થોડો ગણગણાટ શરુ થયો. પછી ધીમે ધીમે એ ગણગણાટ કોલાહલમાં પરાવર્તિત થતો ગયો. અને એકાએક જાણે કે જુવાળ ફાટી નીકળ્યો! સી.એમ.ના સુરક્ષાકર્મીઓ સ્ટેજ ઉપર દોડી જઈને અરમાનને બાથમાં લેવાની કોશિશ કરવા માંડ્યા. ઘોંઘાટ વધવા માંડ્યો. અરમાને ન તો પેલું ‘સ્કેન્ડલ’ રેકોર્ડિંગ અટકાવવાની તસ્દી લીધી કે ન તો સી.એમ. વિરુદ્ધ ઉભરી રહેલા દરેક જણના આક્રોશને કાબૂમાં લેવાની...

ચીફ મિનિસ્ટરના માનદ હાથે સન્માન પ્રાપ્ત કરવા આવેલા ઉભરતા વાર્તાકારો તેમજ પ્રસ્થાપિત સાહિત્યકારો ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતો જોઈને એમને ભાંડવા લાગ્યા. પાછલી હરોળથી શરુ થયેલી તોડફોડ ધીરે-ધીરે આગલી હરોળ સુધી દાવાનળની જેમ વિસ્તરી રહી હતી. ચીફ મિનિસ્ટરના સ્ટાફના સભ્યો તેમજ સુરક્ષાકર્મીઓ સ્ટેજ ઉપર ચાલી રહેલો વિડિઓ બંધ કરવા માટે તથા પ્રેક્ષકોમાં ભભૂકી ઊઠેલા ઉકળતા રોષને ઠારવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. જયારે હાજર રહેલા પ્રેક્ષકો ચીફ મિનિસ્ટરનો વિકૃત ચહેરો જાહેર જનતા સમક્ષ પૂરેપૂરી અસલિયત સાથે ઉઘાડો થાય એવી પ્રબળ ઈચ્છાને લઈને રમખાણ મચાવી રહ્યાં હતાં.

‘સર... સી.એમ. સર...’ સમારોહમાં ફાટી નીકળેલા તોફાનના ખબર જયકાંતને મળી ચૂક્યા હતા. એણે વીજળીવેગે હૃષિકેશ મહેતાની ઓફિસનો દરવાજો ખટખટાવવા માંડ્યો. ‘સ...ર, ગજબ થઈ ગયો! તમારા વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લાગે છે કોઈક રીતે બંધ કમરાની વાતો ઉઘાડી પડી ગઈ છે, સર... તમારે અહીંથી નીકળી જવું પડશે... જલ્દી... એનીહાઉ...’

અણધાર્યા આવી પડેલા અંતરાયે હૃષિકેશ મહેતાની મઝાનું માતમ બનાવી દીધું. એમના મોં ઉપર ગભરામણની રેખાઓ તાંડવ કરવા માંડી. પરસેવાની બેબાકળી થઈ ઊઠેલી બૂંદો એર-કંડિશનરની કૃત્રિમ ઠંડકને માત કરવા માંડી. એમના ધ્રૂજતા હોઠ ઉપરથી માત્ર એટલા જ શબ્દો ફૂટ્યા, ‘વ્વ...વ્હોટ..?’

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૨૧ (અંતિમ પ્રકરણ) વાંચવાનું ચૂકશો નહિ.)