બ્લાઇન્ડ ગેમ
(સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા)
(ભાગ-૪ : ભીંજાયેલું સૌંદર્ય)
--------------------
લેખક : ધર્મેશ ગાંધી
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
-----------------------
(ભાગ-3 માં આપણે જોયું કે...
નજરકેદ થયેલો અરમાન નવ્યાનાં સૌંદર્યવાન સહવાસમાં સફર આદરે છે. નવસારીને અલવિદા કરીને માઉન્ટ આબુ રવાના થયેલી લિમોઝીનને નર્મદાબ્રિજ ઉપર ચીફ મિનિસ્ટર સાહેબના કાર્યક્રમનો ટ્રાફિક નડે છે. નવ્યા ચિત્ર દોરીને સમય પસાર કરે છે. આબુ પહોંચતાં એ એક ખંજર ખરીદે છે. અરમાન ચોરીછૂપીથી નવ્યાનાં કમરામાં પ્રવેશે ત્યારે એની નજર એક ચિત્ર ઉપર પડે છે, જેમાં એક બાળકી સી.એમ.ના પેટમાં ખંજર હુલાવી રહી હોય છે. અરમાન વિચારે છે, એના કિડનેપ થવા પાછળ સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાયું હશે? આ કેવો જેહાદ?
હવે આગળ...)
----------------------
ખિન્ન હૃદય અને ધૂંધવાયેલા દિમાગે અરમાન કાગળના ડૂચા વાળીને ડસ્ટબિન તરફ ઘા કરી રહ્યો હતો. એના માનસપટલ પર હજીયે નવ્યાએ દોરેલું એ ગૂઢ ચિત્ર રહસ્યની રમઝટ મચાવી રહ્યું હતું. રળિયામણા રાજસ્થાનની શાન સમા માઉન્ટ આબુની એ ઝાકળભરી ખુશનુમા સવાર હતી. પણ રાતની અકળાવનારી વાત પર ભીનું સંકેલવા માટે એ પણ હાંફી રહી હતી. ચીફ મિનિસ્ટરના પેટમાં ખંજર હૂલાવતી એક નાનકડી બાળકીનું કલ્પનાચિત્ર પણ કેટલું ખોફનાક હતું! અધૂરા ચિત્રને આ અંદાજમાં પૂર્ણ કરવા પાછળનો નવ્યાનો આશય કોઈક ઊંડા ષડ્યંત્રનો એક હિસ્સો હોઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ અરમાન કળી રહ્યો હતો. અને એનું પગેરું મેળવવા માટેનું ધમાસાણ યુદ્ધ જે અરમાનના મગજમાં ચાલી રહ્યું હતું એ એને વાર્તા લખવા દેવા માટે ન તો અનુકૂળ હતું, ન તો આરામદાયક! એ એક વાક્ય લખતો; ડાયરીનું પાનું ફાડતો; ડૂચો વાળતો; ડસ્ટબિન ભણી ફંગોળતો... ફરી લખતો અને ફરી...
રંગબેરંગી ફૂલોની વેલોથી દીપી ઊઠેલા કોટેજના પરિસરમાં રોકિંગ-ચેર ઝૂલી રહી હતી. પોતાનું શરીર ઢીલું છોડીને અરમાને ગુલમહોરના ઘટાદાર વૃક્ષોમાં ટહૂકતી કોયલનું મધુરું સંગીત માણવા આંખો મીંચવાની મથામણ કરી. ત્યાં જ એની નજર સમક્ષ નવ્યાનો તાજગીભરી સવાર જેવો ગુલાબી ચહેરો દ્રષ્યમાન થયો. ખૂબસૂરત યુવતીઓની એ જ ખૂબી હોય છે કે એમનું વર્તન ભલે ગમે એટલું શંકાસ્પદ હોય, પણ એમનું સ્મિત હંમેશા સરાહનીય જ હોય છે. અરમાન પણ સામે હળવું સ્મિત રેલાવીને ઊભો થઈ ગયો. પગથિયાં ઉતરીને બગીચામાં ટહેલવા લાગ્યો.
નવ્યાએ કુતૂહલવશ અરમાન દ્વારા ફેંકાયેલા કાગળના અસંખ્ય ડૂચાઓ ભરેલાં ડસ્ટબિનમાં હાથ નાખીને એક કાગળની કરચલીઓ ઉકેલી. કોઈ એને જોઈ નથી રહ્યું એવી મનોમન ખાતરી કરીને વાંચ્યું તો... ‘ખૂબસૂરત યુવતીઓની કોમળ આંગળીઓ ડસ્ટબિનના ડૂચા ઉપર નહિ, ગુલાબની પાંખડીઓ ઉપર વધુ શોભે...’ વાંચતાં જ નવ્યા છોભીલી પડી ગઈ. અરમાન એક નીલગીરીના ઝાડના લીસા થડની ઓથે ઊભો રહીને એક પચરંગી પતંગિયું રમાડતો મલકાઈ રહ્યો હતો. એની સામે કાળા સૂટમાં સજ્જ હઝરત કુરેશીના બંને મુસ્તંડાઓ વિચલિત થયા વગર સાવધાનની મુદ્રામાં ઊભા હતા, જાણે કે પડોશી દેશ હવાઈ હુમલો કરવાની ફિરાકમાં હોય અને એમને માથે આખા રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી આવી પડી હોય એવી ગંભીર મુદ્રા ધારણ કરીને! આંખો પર કાળા ગોગલ્સ ચઢાવેલો એક બંદો પૂર્વ દિશા તરફ ટટ્ટાર ગરદને ઊભો હતો જયારે બીજો પશ્ચિમ તરફ મોં કરીને... જાણે કે ઉગી ચૂકેલા સૂરજને પણ કડક નિગરાનીમાં રાખી રહ્યા હોય. બેમાંથી એકેયને ન તો કોયલના ટહૂકામાં દિલચસ્પી હતી, ન તો ગુલાબની મહેકમાં!
ગોરા ગાલ ઉપર ઉતરી આવેલા શરમના શેરડા હવે કાગળના બીજા ડૂચા વાંચવા માટેની નવ્યાની જીજ્ઞાશાને દબાવી ચૂક્યા હતા. એ વળતાં પગલે કોટેજમાં દાખલ થાય એ પહેલાં એની કમરે એક હળવો સ્પર્શ થયો. એણે વળીને જોયું તો ફરી એક કાગળનો ડૂચો... ઊઠાવીને વાંચ્યું, ‘સાંભળ્યું છે, નક્કી ઝીલના પાણીનું સૌંદર્ય ઢળતા સૂર્યની સંગાથે નીખરી ઊઠે છે! તળાવમાં વિહરતી બોટ અને ઝગારા મારતી રોશનીમાં એક સુંવાળો સંગાથ રસાળ વાર્તા સર્જવા માટે મોહક વાતાવરણ ખડું કરે છે!...’ નવ્યાનું હૃદય પળવાર માટે તેજીથી ધડક્યું. અરમાન હજીયે મુસ્કાઈ રહ્યો હતો. જોતજોતામાં બંને તરફ પવનની એક ઠંડી લહેર ફરી વળી!
***
સૂરજ આથમી ચૂક્યો હતો...
નક્કી ઝીલમાં તરતાં રૂ જેવાં સફેદ બતકો ક્યારેક પાંખો ફફડાવીને પાણીની વાંછટ હવામાં ફેલાવી દેતાં હતાં. કિનારા પરની રોશની પાણીમાં સોનેરી પ્રતિબિંબ ઉપસાવી રહી હતી. દૂર-દૂર પહાડોના પડછાયા એક રમણીય સૃષ્ટિ ખડી કરી રહ્યા હતા. ઝીલના ઠંડા પાણીના વમળો કાપતી એક પેડલ-બોટ બીજી અનેક નાનીમોટી બોટથી અલગ થઈ એકાંત શોધી રહી હતી...
‘તમે ઉંધી દિશામાં બોટ હંકારી રહ્યા છો, મિ. રાઇટર!’ નવ્યાએ હોઠ પર મારકણી મુસ્કાન લાવીને કહ્યું.
‘સામા વહેણે તરવાનો મારો શોખ જ નહિ, આદત પણ છે! કલમ હોય કે બોટ, જે રસ્તો ખૂંદાયો નથી એની ઉપર સફર કરવાની મઝા જ કૈક ઓર હોય, મેડમ...’ અરમાને પેડલ પર પોતાના પગનું દબાણ વધારતા કહ્યું.
એ સાથે એના મોબાઇલમાં મેસેજ-ટોન વાગ્યો. જોયું તો મેસેજ કોરો... નંબર અજાણ્યો... ‘કોઈક મજાક કરી રહ્યું લાગે છે!’ એ મનોમન બબડ્યો.
નવ્યાએ આકાશમાં ઝળુંબી રહેલા ચાંદ પર નજર ઠેરવી. પોતાની મસ્તીખોર લટોને વિખેરાઈ જવા માટેની અનુમતિ આપી દીધી. અરમાનની નજર ઓરેન્જ રંગની બોટ ઉપર સફેદ રંગે ચિતરાયેલા નંબર ‘૧૩’ ઉપર પડી. અને એ અતીતના વહેણમાં બે ઘડી ગોતા લગાવી આવ્યો. આ જ નંબર હતો ને એ બોટનો પણ, જયારે એ પહેલીવાર માઉન્ટ આબુ આવ્યો હતો. એની અર્પિતા સાથે... હનીમૂન માટે! બે જિંદગીઓને પ્રેમના એક જ બંધનથી બાંધવાનો એ અવસર હતો. જોકે આજે પણ બંધન તો હતું જ – પોતે નજરકેદમાં જ હતો ને! એની અર્પિ પણ એ દિવસે આમ જ ચાંદને નીરખી રહી હતી. આમ જ એની લટો પણ બેલગામ થઈ ઊઠી હતી. પોતે બોટમાંથી સહેજ વાંકા વાળીને એક હાથની હથેળીમાં ઝીલનું ઉછળતું પાણી ઝીલી લીધું હતું અને અર્પિતાના ચહેરા ઉપર હળવી છાલક મારી હતી...
અરમાને કૈક વિચારીને નવ્યાને છેડવાનો મનસૂબો ઘડી નાખ્યો. પણ એ પહેલાં એની પાતળી કમરે એક નજર મારીને ખાતરી કરી લીધી કે ક્યાંક રિવોલ્વર તો નથી લટકતી ને! એણે હથેળીમાં પાણી લીધું ને નવ્યાના ચહેરા ઉપર એક છાલકનો પ્રહાર કર્યો. પાણીના ઠંડા પ્રહારથી ભીંજાયેલો ખૂબસૂરત ચહેરો તમતમી ઊઠયો. અરમાન ક્ષણવાર માટે છોભીલો પડી ગયો. એને ભાન થયું કે એની સંગાથે ખૂંખાર નવ્યા છે, નાજુક અર્પિતા નહિ! પણ બીજી જ પળે નવ્યાનું એક ખડખડાટ હાસ્ય નક્કી ઝીલના શીતળ વાતાવરણમાં મુક્તપણે ગૂંજી ઊઠ્યું. ને અરમાનને હેરતભરી હૂંફ મળતાં ઝૂમી ઊઠયો. એણે દબાણપૂર્વક પેડલ ઘુમાવતા જ બોટ એકદમ કિનારા સાથે ઘસાઈ ગઈ. કિનારાના છીછરા પાણીમાં રહેલા ખડકના ટુકડા જેવાં પથ્થરો ઉપર બોટનો આગળનો હિસ્સો ધસી ગયો હતો. અરમાન બોટને કાબૂમાં લે એ પહેલાં તો બોટનું નવ્યા તરફનું પડખું નમ્યું. નવ્યાએ પોતાનો કાબૂ ગુમાવ્યો ને સીધી કિનારાના પાણીમાં જઈ પડી!
સફેદ સાડીમાં સજ્જ નવ્યાનું લાવણ્યનીતરતું રૂપ એનાં આખા શરીરેથી પાણીની ધાર રેલાવી રહ્યું હતું. માથાના છુટ્ટા વાળમાંથી ટપકતું પાણી એનાં ભીંજાયેલા સૌંદર્યને વધુ પાણીદાર બનાવી રહ્યું હતું. કાજળ આંજેલી ગુસ્સાભરી આંખો એને વધુ માદક બનાવી રહી હતી. પોતે સર્જેલી ક્ષોભજનક અવસ્થા માટે દિલગીર થતો અરમાન ઝડપભેર ઊતર્યો. બોટને હડસેલો લગાવી પથ્થર પરથી ખસેડી ફરીથી પાણીમાં ઉતારી. પછી બોટમાં ચઢી એક હાથ લંબાવ્યો ને નવ્યાને અંદર ખેંચી લીધી. ક્યાંયે સુધી બંનેમાંથી કોઈ કશું પણ બોલ્યું નહિ. અને પછી સંવાદ વગરની નૌકાવિહાર થતી રહી. ક્યારેક કયારેક અરમાન ત્રાંસી નજરે શરીર પરથી પાણી ખંખેરતી નવ્યાને અપલક તાકી રહેતો. પોતાના જ મન સાથે મસ્તી કરી લેતા એ બબડ્યો, ‘આખરે વાર્તાનો પ્લોટ મળી જ ગયો...’
બંને વચ્ચેની ખામોશી છેક ત્યારે તૂટી જયારે નવ્યાનો મોબાઇલ એક ખાસ ટોનથી રણક્યો. એણે પોતાનો મોબાઇલ ફંફોસ્યો. થોડીવાર પછી એક વિડીઓક્લિપ ચાલુ કરીને એણે મોબાઇલ અરમાન આગળ ધર્યો... એને બોલવાનું કશું જરૂરી નહિ જણાયું.
વિડીઓક્લિપમાં એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી. જોતજોતામાં એક નાનકડી કારની પાછળ તદ્દન લગોલગ હંકારાઈ રહી. પછી એક હળવી ટક્કર મારીને કારને ઘસરકો પાડતી એ ટ્રક આગળ વધી ગઈ. કારચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર સડકને કિનારે ઉતરી પડી. અરમાને એક જ ક્ષણમાં કાર ઓળખી લીધી. કારનો દરવાજો ખોલીને ગભરાયેલી હાલતમાં જે યુવતી બહાર નીકળી એ એની પત્ની હતી... અર્પિતાએ પોતાનો જમણો હાથ એના ડાબા હાથથી દબાવી રાખ્યો હતો. એમાં પડેલા તાજાં ઉઝરડામાંથી ઝરતું લોહી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. અરમાને જાણીતો જેવો લાગતો રસ્તો પણ ઓળખી કાઢ્યો, નવસારી – વેસ્માથી પસાર થતો હાઇવે નંબર આઠ! એ એકદમ સ્તબ્ધ બની ગયો; સમજી ચૂક્યો હતો કે હઝરત કુરેશી તરફથી આ ચેતવણી હતી!
એકબીજાથી માપસરનું અંતર રાખીને ધીમી ચાલે અરમાન અને નવ્યા કોટેજ તરફ આગળ વધી રહ્યાં. ઓર્ડર આપીને દરેકનું ડીનર પણ અંદર જ મંગાવી લેવામાં આવ્યું.
રાતના એકાંતમાં અરમાને ફરી એકવાર લેપટોપ ઉઘાડયું. એના હોઠ ઉપર એક ખંધુ હાસ્ય રમી રહ્યું હતું. એણે એ ‘મિશન’ના શ્રીગણેશ કર્યા જેના માટે તેઓ આબુના પહાડોમાં પધાર્યાં હતા. કલમને થોડો સમય આરામ આપીને એણે આંગળીઓના ટેરવાંઓને વાર્તાસર્જનમાં પરોવ્યાં. રાત વીતતી રહી. શબ્દો ફૂટતા રહ્યા. સર્જન થતું રહ્યું... અને સાથે-સાથે એના હોઠ ઉપર રમી રહેલાં એ રહસ્યમય હાસ્યએ ભરપૂર રંગત પકડી રાખી હતી. એની થાકેલી આંખો ક્યારે નિદ્રામાં સરી પડી એનો એને પણ ખ્યાલ નહિ રહ્યો.
‘ગુડ નાઇટ, રાઇટરબાબુ!’ નવ્યાએ ટહુકો કર્યો.
કોઈ પ્રત્યુત્તર ન મળતા એણે નજીક આવીને એની જીજ્ઞાશા સંતોષી. લેપટોપમાં એક આછકલી નજર ફેરવવાનો લોભ ટાળી શકી નહિ. જેમજેમ એ વાંચતી ગઈ તેમતેમ એની કુતૂહલતા જોર પકડતી ગઈ. ભીંજાયેલું સૌંદર્ય... વાળમાંથી ટપકતું પાણી... પીઠ પરથી સરી રહેલી બૂંદો... કાજળઘેરી પાણીદાર આંખો... છૂટ્ટી લહેરાતી લટો... – વર્ણન વાંચતા જ ચકિત થઈ ચૂકેલી નવ્યાના હોઠ પરથી સરી પડ્યું, ‘તો શું... બોટને ‘પ્લાન’ કરીને ઉંધી વાળવામાં આવી હતી? મારું ‘નક્કી ઝીલ’ના પાણીમાં પડવું, ભીંજાવું, ગુસ્સે થવું... એ બધું જ સમજી-વિચારીને ‘પ્લાન’ કરાયેલું હતું?’
જતાં-જતાં નવ્યાએ મૂંઝવણભર્યા સ્વરે ઉચ્ચાર્યું, ‘પહેલાં અમલ, અને પછી વર્ણન... બહોત ખૂબ!’
કોટેજમાં પ્રવેશતાં પહેલાં એની પીઠ પાછળ અરમાનનું વાક્ય અથડાયું, ‘પહેલાં વર્ણન, અને પછી અમલ? બહોત ખૂબ!’
નવ્યાને સમજતાં ખાસ વાર નહિ લાગી કે અરમાન એણે દોરેલું ચિત્ર જોઈ ચૂક્યો હતો. અરમાને એ તરફ ઊડતી નજર ફેંકી. પણ ધીમી ચાલે કોટેજમાં પ્રવેશી જતી નવ્યાની ઉઘાડી પીઠ સિવાય એનાથી કશું પણ કળી શકાયું નહિ!
એટલામાં ફરી એકવાર અરમાનના મોબાઇલમાં મેસેજ ફ્લેશ થયો. ‘હોટલ અર્બુડા આપની રાહ જુએ છે...’
અરમાનને હવે રહસ્ય ઘૂંટાતું લાગ્યું. વાર્તાસ્પર્ધા... પોતાનું કિડનેપીંગ... માઉન્ટ આબુ ટ્રીપ... અર્પિતા પર નિગરાની... અને આ અજાણ્યા નંબર પરથી મેસેજ... દિમાગમાં કૈક ગોઠવીને એ તાત્કાલિક ઉપડ્યો – હોટલ અર્બુડા...
એક કલાક સુધી એ રાહ જોતો બેસી રહ્યો. ત્યાં સુધીમાં એણે દેસી ઘીમાં તરબોળ થયેલી રાજસ્થાની દાલ-બાટી અને લાલ મરચાંની તીખી તમતમતી ચટણી પહેલેથી જ ભરાઈ ચૂકેલા પેટમાં પધરાવી દીધી, જેથી હોટલમાં બેસીને એ ‘કોઈક’ની રાહ જોઈ શકે. છેવટે અરમાનના મોબાઇલમાં ફરી એક મેસેજ ઝળક્યો, ‘હઝરત કુરેશી એક રીઢો ગુનેગાર છે... એના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. તમને મહોરું બનવાની મઝા મુબારક, મિ. રાઇટર! મળીશું, ફરી ક્યારેક...’
(ક્રમશઃ)
----------------
લેખક : ધર્મેશ ગાંધી
આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-
વોટ્સઅપ નંબર : 91064 80527
ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com
એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com
----------------
(બ્લાઇન્ડ ગેમ : ભાગ-૫ વાંચવાનું ચૂકશો નહિ.)