બ્લાઇન્ડ ગેમ-૨૧ ગેમ ઓવર (અંતિમ પ્રકરણ) DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ-૨૧ ગેમ ઓવર (અંતિમ પ્રકરણ)

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

પ્રકરણ- ૨૧ (ગેમ ઓવર) Last Chapter

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૨૦માં આપણે જોયું કે...

ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવા માટે ‘હની-ટ્રેપ’ બિછાવીને ગયેલી નવ્યા એકાંતમાં એમની મુલાકાત કરે છે. શરીરની સોદાબાજીનું વિડિઓ-રેકોર્ડીંગ મોબાઇલ-સ્ટોરેજમાં ‘સેવ’ થઈ રહ્યું હોય છે. અરમાન દ્વારા સાહિત્ય-સમારોહના મંચની મધ્યે લાગેલી વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર સી.એમ.ની ઓફિસની અંદર આકાર લઈ રહેલા એ ‘સ્કેન્ડલ’નું પ્રસારણ જાહેર કરી દેવામાં આવે છે. એ સાથે જ સમારોહમાં ઉપસ્થિત લોકોમાં ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતા વિરુદ્ધ રોષ-આક્રોશનો જુવાળ ફાટી નીકળે છે. સી.એમ.ની મઝાનું માતમ બની જાય છે. અને પછી રચાય છે ‘બ્લાઇન્ડ ગેમ’નું અંતિમ પ્રકરણ – ‘ગેમ ઓવર’...

હવે આગળ...)
‘સ...ર... સી.એમ. સર...’ સમારોહમાં ફાટી નીકળેલા તોફાનના ખબર જયકાંતને મળી ચૂક્યા હતા. એણે વીજળીવેગે હૃષિકેશ મહેતાની ઓફિસનો દરવાજો ખટખટાવવા માંડ્યો. ‘સ...ર, ગજબ થઈ ગયો! લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લાગે છે કોઈક રીતે આપના બંધ કમરાની વાતો ઉઘાડી પડી ગઈ છે, અહીંથી તમારે નીકળી જવું પડશે... જલ્દી... એનીહાઉ...’

અણધાર્યા આવી પડેલા અંતરાયે હૃષિકેશ મહેતાની મઝાનું માતમ બનાવી દીધું. એમના મોં ઉપર ગભરામણની રેખાઓ તાંડવ કરવા માંડી. પરસેવાની બેબાકળી થઈ ઊઠેલી બૂંદો એર-કંડિશનરની કૃત્રિમ ઠંડકને માત કરવા માંડી. એમના ધ્રૂજતા હોઠ ઉપરથી માત્ર એટલા જ શબ્દો ફૂટ્યા, ‘વ્વ...વ્હોટ..?’

સમારોહ-હોલમાંથી ઉશ્કેરાયેલું ટોળું સી.એમ.ની ઓફિસ તરફ ઉગ્ર રૂપ ધારણ કરીને હલ્લો મચાવતું આવી રહ્યું હતું. જયકાંત પરેશાન થઈ ઊઠયો હતો. રાજનીતિએ ક્યારેય નહિ લેવડાવેલો એવો તાત્કાલિક નિર્ણય આજે એણે લેવાનો હતો...

જાંઘ ઉપર બેસાડેલી નૂર ટપકાવતી નવ્યાને હડસેલીને સી.એમ. એક ઝાટકે ઊભા થઈ ગયા. નવ્યાને એ હડસેલો પ્રથમ વખત અનેરો હરખ આપી ગયો. એમાં વળી એનું ઉપહાસભર્યું હાસ્ય પણ સાથે ભળી ગયું. એણે એક આગવી અદામાં મખમલી સોફા ઉપર પોતાનું મદમસ્ત શરીર ફેલાવ્યું. મોસમનો પહેલો વરસાદ પડી ગયા પછી ખેતરની ભીની માટીની સુગંધ લેતો મોરલો જેમ અંગચેષ્ટા કરતો પોચી માટીમાં પોતાના પગલાંની છાપ છોડી જાય એમ નવ્યા પોતાની સંગેમરમર જેવી કમરની રેશમી છાપ સોફાની મુલાયમ ગાદી ઉપર છોડી રહી હતી. મુખ ઉપર નિરાંતે ગલીપચી કરી રહેલા કર્લી-હેરને એક હળવો ઝટકો મારીને એણે પાછળની તરફ પીઠ ઉપર ફેલાવ્યા. ને અંગડાઈ લેતાં મનોમન બબડી, ‘આખિર ફંસ હી ગયે ના, સી.એમ. સાહબ..!’ ઘૂંટણ સુધી સાડી ઊંચી કરીને એણે લાંબા-ગોરા બંને પગની ચુસ્ત આંટી મારી દીધી. એ સાથે જ ગંભીર વાતાવરણમાં એક અલ્લડ હાસ્ય ગૂંજી ઊઠયું!

બેબાકળો થઈ ઊઠેલો જયકાંત ‘ધડામ’ દઈને દરવાજો પછાડતો બે બોડીગાર્ડ સાથે ઓફિસની અંદર ધસી આવ્યો. જયકાંત તથા એક બોડીગાર્ડ હૃષિકેશ મહેતાને સંભાળવા દોડ્યા જયારે બીજો બોડીગાર્ડ નવ્યા તથા બંને માસૂમ બાળકીઓને આંતરીને પોતાના વશમાં કરવા આગળ વધ્યો.

જેવો એણે નવ્યા ઉપર હુમલો કરવા પોતાનો હાથ લંબાવ્યો કે પાછળથી એક ગર્જના સંભળાઈ, ‘સ્ટોપ...’

એક આછી ધ્રૂજારી સાથે એના હાથ ત્યાં જ અટકી ગયા. પાછળ ફરીને જોયું તો બંને બાળકીઓ ચહેરા ઉપર કઠોર ભાવ પાથરીને કંઈક અણધારી અદામાં ઇરાદાપૂર્વક ઊભી હતી. બંનેનાં ડાબા પગ આગળ તરફ વધી ઘૂંટણથી થોડાં વાળી દેવામાં આવ્યા હતા. જમણા પગને પાછળ તરફ સીધા લંબાવીને, તથા બંને હાથ કોણીએથી વાળી ઉપર તરફ મુઠ્ઠીઓ ભીંસીને ખૂંખાર મુદ્રા રચવામાં આવી હતી.

‘સોના, એટેક...’ નવ્યાનો હુકમ છૂટ્યો, ‘મોના, ફ્લાઈંગ કિક...’ એક ડણક નાખીને નવ્યાએ પણ ઝડપભેર કરાટેની અન્ય એક વિશિષ્ટ મુદ્રા ધારણ કરી લીધી... ત્રણ-ત્રણ કરાટે-ચેમ્પ્યિન ‘બ્લેક-બેલ્ટ’ મહિલાઓ વચ્ચે ઘેરાયેલો બોડીગાર્ડ સિંહણો વચ્ચે ઘેરાયેલા જંગલી ભૂંડ જેવી લાચાર અનુભૂતિ કરી રહ્યો હતો!

એ બધાંથી નજર ચૂકવીને જયકાંત ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતાને લઈને એક બોડીગાર્ડ સાથે સીધો બિલ્ડીંગની ટેરેસ ઉપર પહોંચી ગયો. વિશાળ ટેરેસ ઉપર એક હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. સમારોહ પતાવીને ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટર દ્વારા બીજા શહેરમાં ઉડી જવાનો એમનો પ્રોગ્રામ હતો. જેવા હૃષિકેશ મહેતા હેલિકોપ્ટરમાં પ્રવેશ્યા કે એમને લઈને હેલિકોપ્ટર હવામાં ઉડ્યું.

પરંતુ, આંખના પલકારામાં એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતો આદમી તેજીથી દોડતો આવી પહોંચ્યો. હવામાં છ-સાત ફૂટ જેટલી ઉંચાઈ પકડી ચૂકેલા હેલિકોપ્ટરની નીચે લાગેલા એના મહાકાય લોખંડી સ્ટેન્ડ સાથે એ વ્યક્તિ મોટી ફલાંગ ભરીને કૂદીને લટકી ગયો. એટલામાં જ ત્યાં ટેરેસ ઉપર અરમાન તથા નવ્યા પણ આવી પહોંચ્યાં. એમણે એ તરફ જોયું તો બંનેનું મોં અચરજ અને આનંદથી પહોળું થઈ ગયું. રોમાંચ સાથે આછો ડર પણ પેદા થઈ ગયો. હેલિકોપ્ટરની નીચે લટકી રહેલ વ્યક્તિ બીજું કોઈ નહિ, પણ અદ્ભૂત ખુમારી ધરાવતા હઝરત કુરેશી હતા..! હવાના તેજ દબાણ વચ્ચે પણ જોશભેર લટકી રહેલા કુરેશીની આગવી પહેચાન સમી સિગાર એમની આસપાસ ધૂમ્રસેર પ્રસરાવી રહી હતી...

આખી બિલ્ડિંગમાં... સમારોહ-હોલમાં... ટેરેસ ઉપર... બધે જ અફરાતફરી મચી ગઈ હતી. ચીફ મિનિસ્ટરના કાળા કરતૂતોના પર્દાફાશથી એમના માટેનો વિરોધ અને રોષનો ભભૂકતો દાવાનળ વણથંભ્યે આગળ વધી રહ્યો હતો. પોલીસ પલટન પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ઝનૂને ચઢેલી ભીડને કાબૂમાં કરવાના વ્યર્થ પ્રયત્નો થઈ રહ્યા હતા. ચીફ મિનિસ્ટર વિરુદ્ધ ‘હ્યુમન ટ્રાફિકિંગ’ના તેમજ ‘સેક્સ-રેકેટ’ના ઠોસ પુરાવાઓ એમણે કબજે કરી લીધા હતા. જયકાંતને પણ ગુનેગાર સી.એમ. હૃષિકેશ મહેતાના સાગરિત તરીકે ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો!

અરમાને આંખના ઈશારે નવ્યા તરફ એક વજનદાર પ્રશ્નાર્થ છોડ્યું, ‘હઝરત કુરેશી..? અહીં..? કેવી રીતે? આઇ મીન, તેઓ તો કસ્ટડીમાં...’

‘એક ખાસ માણસ દ્વારા મને મેસેજ તો મળી જ ચૂક્યો હતો...’ નવ્યાએ કેફિયત આપતાં કહ્યું, ‘પરંતુ, એ નહોતી ખબર કે તેઓ ક્યારે આવશે - ક્યાં આવશે - કયા સંજોગોમાં આવશે..! એમણે મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યું હતું – ‘તારો આ ભાઈ હયાત છે ત્યાં સુધી તારી જ નહિ, કોઈપણ યુવતીની લાજ નહિ લુંટાવા દેશે!’ –તેઓ આવશે જ એનો મને વિશ્વાસ હતો, પૂરેપૂરો...’

આંખોમાં એક અનોખી ચમક લઈને અરમાન આંખોથી ઓઝલ થઈ રહેલા હેલિકોપ્ટર અને એની નીચે લટકતા હઝરત કુરેશીને તાકી રહ્યો. એનો જમણો હાથ આપોઆપ જ ઊઠ્યો. કોણીએથી વળ્યો. અને ખૂલ્લી હથેળીએ કપાળના ખૂણે ટેકવાયો. આ અગાઉ એણે તિરંગા સિવાય કોઈને પણ ક્યારેય સલામી નહોતી આપી!

‘એક હવાલદારની માસૂમ દીકરી પણ આ નીચ સી.એમ.ની હવસનો શિકાર બની ચૂકી છે. અને એ હવાલદારના પ્રતાપે જ ભાઈ આજે અહીં...’ નવ્યા ક્ષિતિજ ભણી તાકી રહી...

***

હવાના તેજ સપાટામાં હિંમતભેર લટકી રહેલા કુરેશીએ કુશળતાથી છલાંગ લગાવીને હેલિકોપ્ટરમાં પ્રવેશ કરી દીધો. એમનો એક હાથ હેલિકોપ્ટર-ચાલકને લમણે રિવોલ્વર તાકી રહ્યો, જયારે બીજા હાથમાં રહેલું કાચનું પારદર્શક ખંજર સી.એમ.ના ગળા ઉપર સખતાઈથી ટેક્વાઈ ગયું. હઝરત કુરેશીને આમ અચાનક હવામાં પ્રગટ થઈને સામે ઊભેલા ભાળીને હૃષિકેશ મહેતા તથા હેલિકોપ્ટર-ચાલક એકદમ હેબતાઈ ગયા. જાણે કે અણધાર્યું મોત નજર સમક્ષ આવી પડ્યું હોય એમ બંનેનું શરીર સફેદ બરફ જેવું લોહી વિનાનું બની ગયું.

‘કુરેશી... હઝરત કુરેશી... નામ તો સાંભળ્યું જ હશે, મિ. સી.એમ.!’ કુરેશીએ હૃષિકેશ મહેતાના ગળા ઉપર ખંજરની અણી ઘોંચતા કહ્યું.

‘જ..જ..જી.. ક..કુરેશી... પ્લીઝ, મને માફ...’ મહેતાની જીભ લથડિયાં ખાવા માંડી. હૃદય ધબકારા ચૂકવા માંડ્યું.

‘માફ..? તને..? શું વાંક હતો નરગીસનો? શું વાંક છે આ બધી તારી દીકરી કરતાં પણ નાની ઉંમરની માસૂમ છોકરીઓનો? હેવાનિયતની હદ વળોટતા તારું રુવાડું પણ નહિ ફરક્યું? હા..ક..થૂં...’ કુરેશીનો ચહેરો તપેલા તાંબા જેવો લાલચોળ બની ગયો. આંખોએ રતાશ પકડવા માંડી.

‘ચલ, શહેર સે દૂર... યે ઉડનખટોલા કહીં વિરાન જગહ પે લે ચલ... વરના ભેજા ઉડા દૂંગા..!’ કુરેશીએ ચાલકને કહ્યું.

હેલિકોપ્ટરને શહેરથી દૂર હંકારી જવા માટે ચાલક મજબૂર હતો. સાથે સી.એમ. સાહેબના રક્ષણનો સવાલ હતો. કુરેશીના હુકમોને તાબે થવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો બચ્યો. ગર્જના કરતું હેલિકોપ્ટર ઉડતું રહ્યું...

‘હંમ્મ્મ.... અચ્છી જગહ ચૂની...’ શહેરથી-વસ્તીથી દૂર સૂમસામ હાઇવે તરફ નીકળી આવેલા જાણીને કુરેશીએ કહ્યું, ‘ચલ, તું નિકલ...’ કુરેશીએ ચાલકને કહ્યું.

‘હેં..? કિધર..?’ ચાલક મૂંઝાયો.

‘અબે, તુમ્હારે અચ્છે દિન આ ગયે! યે રસ્સી પકડ, ઔર પતલી ગલી સે નિકલ લે...’ કુરેશીએ રિવોલ્વરની અણીએ કહ્યું, ‘વો ક્યા હૈ ના, બેટા... કુરેશી, ધ ગ્રેટ હઝરત કુરેશી, કભી દો બકરે એક સાથ હલાલ નહિ કરતા... ફિઝૂલ હૈ, પર ઉસુલ હૈ!’

હેલિકોપ્ટર-ચાલક દોરડાની સીડીથી નીચે ઉતરવા માંડ્યો, લટકતા મોતને ઉપર છોડીને ઝૂલતી જિંદગીને આગોશમાં લેવા માટે... હવે હેલિકોપ્ટરમાં જો હાજર હોય તો માત્ર હઝરત કુરેશી, હૃષિકેશ મહેતા અને લાંબા અરસાથી ભભૂકી રહેલી પ્રતિશોધની આગ...

કુરેશીની આંખો સમક્ષ નરગીસનો નમણો ચહેરો તરવરી ઊઠ્યો. અને સી.એમ.ની આંખો સમક્ષ પોતાના કરુણ મોતનો..!

‘કેટલી તડપ ઊઠી હશે, મારી નરગીસના હૃદયમાં... જયારે તેં એક ટ્રક વડે ટક્કર ખવડાવીને એની કારને પૂર્ણા નદીમાં..!’ કુરેશીને પોતાનું શરીર હળવું ફૂલ જેવું મહેસૂસ થવા માંડ્યું. નરગીસની ખુલ્લી બાંહ એમને પોકારી રહી હતી, ‘નરગીસ, હું આવી રહ્યો છું... પણ જોને આ શેતાન, જિંદગીની ભીખ માંગે છે; માફી માંગે છે...’ કુરેશીએ ઉંચે આકાશ ભણી નજર રાખીને જાણે કે નરગીસને સંબોધીને પૂછ્યું, ‘માફ કરી દઉં...?’

‘પ..પ..પાંચ...કરોડ... સ્વિસબેંકમાં તમારા ખ..ખ..ખાતામાં જમા થઈ જશે... પણ પ્લીઝ... હું બધું છોડી દઈશ; તમે મને છોડી દો...’ મહેતાએ ભલભલાને ભોળવી નાખનારું ભ્રહ્માસ્ત્ર છોડી જોયું. પણ સામે અભેદ, અટલ અને અદ્વિતિય હઝરત કુરેશી હતા એ ભાન ન રહ્યું.

‘શું કહ્યું, નરગીસ..? ઓહ-ઓક્કે, આઇ ગોટ ઇટ, સી યુ સૂન...’ કુરેશીએ આકાશ ભણી પોતાનો અંગૂઠો દેખાડીને ‘ડન’ કર્યું.

‘આટલી ઉંચાઈએથી તને હેલિકોપ્ટરમાંથી હડસેલો મારી દઉં તો એમજ રામ-નામ સત્ય થઈ જાય, મિ. સી.એમ.! અને ધારું તો હું પણ પેલા ચાલકની માફક રસ્સીથી નીચે ઉતરીને પલાયન થઈ જઈ શકું... બટ, નો.. નરગીસ વગર જીવીને...’ હવામાં સ્થિર થઈને ઊભેલા હેલિકોપ્ટરમાંથી નજર કરીને કુરેશીએ હાઇવેની આસપાસની નિર્જનતાની ખાતરી કરી લીધી. અને આંખો બીડી દીધી.

થોડી ક્ષણો ખામોશીમાં વીતી ગઈ. આખરે કુરેશીના મજબૂત હાથોએ નિર્ધારિત મુકામ ઉપર પહોંચવા માટે એક ખાસ લીવર ઘુમાવ્યું. હેલિકોપ્ટરનું રુખ નીચે તરફ નમ્યું... એ સાથે જ તેજ ગતિથી જમીન તરફ આગળ વધી રહેલું હેલિકોપ્ટર સડકથી છેટે નિર્જન જમીનમાં ધડાકાભેર પટકાયું... એક પ્રચંડ વિસ્ફોટ ઉદ્ભવ્યો. ઠેરઠેર હેલિકોપ્ટરના અવશેષો ઉડવા માંડ્યા; આગની નાની-મોટી લપેટો લઈને વિખેરાવા માંડ્યા. એ નિર્જીવ અવશેષોમાં બે જીવિત માનવશરીરોના પણ ચીંથરાં ઉડી ગયાં. એક શરીરને શહાદતનું અમરત્વ પ્રાપ્ત થયું તો બીજાને મોતની ઘેરી કાલિમા!

***

થોડાં દિવસો બાદ...

અરમાન – અર્પિતા – નવ્યા – તથા બંને છોકરીઓ ડ્રોઇંગરૂમમાં બેઠાં હતાં. એક ગજબની ખામોશી છવાયેલી હતી. વાતાવરણમાં એક અસહ્ય ભાર વર્તાતો હતો!

‘કહેવા માટે શબ્દો ટૂંકા પડે છે અને બોલવા માટે ઔપચારિકતા છલકાઈ આવે છે... બટ, એનીવે... થેંક્યુ વેરી મચ, નવ્યા...’ અર્પિતા-અરમાન બંને બોલી ઊઠ્યાં.

નવ્યા એક આછું સ્મિત ફરકાવીને ઊભી થઈ.

‘ક્યાં જઈશ, શું કરીશ - નહિ પૂછું!’ અર્પિતાએ એનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, ‘બેસ્ટી તો છે જ તું, રહીશ જ! આઇ તો ટ્રસ્ટ કે તારા ભવિષ્યનું તેં જે વિચાર્યું હશે એ દમદાર જ હશે, તારી પર્સનાલીટીને સૂટ કરે એવું, ખમીરવંતુ..!’

‘એન્ડ આઇ વિલ ઓલવેય્ઝ બી ધેર ફોર યુ, નવ્યા... આઇ મીન, વી વિલ બી...’ અરમાને કહ્યું, ‘ઇફ યુ નીડ એની ફેવર, બાય ચાન્સ...’ કહીને એક આછકલી નજર નવ્યાની ઉઘાડી કમર ઉપર ફેરવી લીધી, સાથે ઊંડો નિશ્વાસ પણ હવામાં તરતો મૂક્યો.

‘કન્યાકુમારી જઈશ...’ નવ્યાએ બંને છોકરીઓ તરફ પ્રેમાળ નજરે જોતાં કહ્યું, ‘કન્યાકુમારી અનાથાશ્રમ... ત્યાં આ સોના-મોનાને અગાઉથી જ આ મિશન માટે તૈયાર કરી રાખી હતી. ત્યાંના માર્ગદર્શક અને ખૂબ જ પ્રેરણાત્મક એવા સશક્ત મહિલા મેનેજર મિસિસ મયુરિકા ઐય્યર - એમનાં સહકારથી જ... અને એમની જ આગેવાની હેઠળ ત્યાં રાષ્ટ્રીય કક્ષાનું કરાટે-તાલીમ કેન્દ્ર સ્થાપવા માંગું છું, ખાસ મહિલાઓ માટે!’

એટલામાં બહાર ટેક્ષીનો હોર્ન સંભળાયો. અરમાન-અર્પિતા હેરત અને મૂંઝવણથી એકબીજાની સામું જોઈ રહ્યાં. ‘મેં જ ટેક્ષી બોલાવી છે. એરપોર્ટ જવા માટે... તમારે ન તો તકલીફ લેવાની જરૂર છે, ન તો પરેશાન થવાની!’ કહીને હાથ મિલાવીને તથા બદામી આંખો નચાવીને નવ્યા સોના-મોના સાથે ચાલી નીકળી!

દ્રઢ મનોબળથી છલકાતી ચાલે આગળ વધી રહેલી નવ્યાના આગળ-પાછળ થઈ રહેલા કદમોને અર્પિતા એકીટશે તાકી રહી. જયારે અરમાન... નવ્યાના તાલબદ્ધ રીતે ઉપર-નીચે થઈ રહેલાં હૃષ્ટપુષ્ટ નિતંબોને...

***સમાપ્ત***

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : સમાપ્ત)