બ્લાઇન્ડ ગેમ-૧૯ હની-ટ્રેપ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ-૧૯ હની-ટ્રેપ

બ્લાઇન્ડ ગેમ

(સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા)

પ્રકરણ- ૧૯ (હની-ટ્રેપ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૧૮માં આપણે જોયું કે...

સાઉન્ડ-સિસ્ટમવાળા કારીગરના કપડા-ટોપી પહેરીને અરમાન માઇક ટેસ્ટીંગ કરવા પહોંચી જાય છે. મુખ્ય માઇકને રીપેર કરવાના બહાને તે એમાં ઝેરની પિચકારી છોડતું એક રિમોટકંટ્રોલ સંચાલિત ‘ડીવાઇસ’ ફીટ કરીને ચીફ મિનિસ્ટરના કતલનું પ્લાનિંગ કરે છે. ચીફ મિનિસ્ટર ઉપર હુમલો થયો હોવા છતાં ‘સાહિત્ય-સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવે છે. પી.એ. જયકાંત જણાવે છે કે ચૂંટણી નજીક આવી રહી હોઈ એ ઘટના એક ‘પોઝિટીવ’ ચૂંટણી-પ્રચાર સાબિત થશે. બીજી તરફ, બે માસૂમ છોકરીઓ સાથે આવેલી ‘સાઉથ ઇન્ડિયન’ જેવી લાગતી યુવતી ‘નવ્યા’ છે એમ જાણ થતાં અરમાન આંચકો અનુભવે છે...

હવે આગળ...)
અરમાન એ ‘કર્લી હેર’વાળી, માથામાં મોગરાનો ગજરો ગૂંથેલી, ‘સાઉથ ઇન્ડિયન’ જેવી લાગતી યુવતીની મરોડદાર ગોરી કમરને તાકી રહ્યો. યુવતીની ‘બેકલેસ’ બ્લાઉસમાંથી ઝળકતી લીસી-સુંવાળી પીઠથી પોતે વાકેફ હોવાનું એણે મહેસૂસ કર્યું. યુવતીનો ચહેરો જોતાં જ એ ચોંકી ઊઠ્યો. એ નવ્યા હતી! અરમાન વિચારે ચઢ્યો... શું સી.એમ. સાથે મળીને નવ્યા કોઈક ‘સ્કેન્ડલ’ કરી રહી છે? માસૂમ છોકરીઓના સોદામાં શું એ પણ સંડોવાયેલી છે?

અરમાન વધુ કંઈક વિચારે એ પહેલાં તો નવ્યા પેલી બંને છોકરીઓ સાથે સામેની બિલ્ડિંગમાં ગાયબ થઈ ગઈ. ‘સાહિત્ય-સન્માન’ સમારોહ શરુ થાય એ પહેલાં ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતા સામેની ઈમારતમાં આવેલી પોતાની વિશાળ ઓફિસમાં પી.એ. જયકાંત તથા અન્ય ખાસ માણસો સાથે આજના કાર્યક્રમની ચર્ચા કરવાના હતા. અરમાન ઝડપી પગલે વોશ-રૂમની બહાર આવ્યો. સમારોહ શરુ થવાને હજી એકાદ કલાક જેટલો સમય બાકી હતો. એ બહાર આવે ત્યાં સુધીમાં નવ્યા સામેની ઈમારતમાં - પ્રવેશદ્વાર પાસે આવેલી સિક્યોરિટી-કેબીન તરફ જઈ ચૂકી હતી.

‘નવ્યા, તમે? આઈ મીન, તું? અને આ ‘સાઉથ-ઇન્ડિયન’ જેવો કેશકલાપ, તારી આ વેશભૂષા..? અને આ છોકરીઓ..?’ અરમાન વધુ કશું પૂછે એ પહેલાં નવ્યાએ પોતાની ભ્રમરો સંકોડીને આંખોના ઈશારે જ એને અટકાવી દીધો.

‘આપણે અહીં એકબીજાથી અજાણ છીએ!’ નવ્યાએ પીઠ ફેરવીને ગણગણતા સ્વરમાં કહ્યું જેથી ફક્ત અરમાન જ એ વાક્ય સાંભળી શકે.

અરમાને નોંધ્યું કે નવ્યાએ રિસેપ્શન ઉપર, ચીફ મિનિસ્ટરને મળવા માટેનું વિનંતી-પત્ર ભર્યું, અને પોતાની સંસ્થાના નામ હેઠળ ‘કન્યાકુમારી અનાથાશ્રમ’ લખ્યું. દરેક સંજોગોમાં નવ્યાને પૂરેપૂરી સમજવામાં અરમાનને ખાસ્સી એવી તકલીફ પડી રહી હતી!

‘કમ ઓન ગર્લ્સ...’ કહીને નવ્યાએ બંને છોકરીઓ સાથે વેઇટિંગ-એરિયાના ખૂણે એક સોફા ઉપર બેઠક જમાવી. અરમાન એમને જોઈ રહ્યો.

થોડી વારમાં એના મોબાઇલમાં મેસેજ-ટોન રણક્યો. ‘કેચ યુ અરાઉંડ... નાવ, નો મેસેજ, નો કોલ, ગો..!’

પરેશાન થઈ ઊઠેલા મનમાં સવાલોનું તોફાન લઈને અરમાન વળતા પગલે ઈમારતની બહાર નીકળી ગયો.

***

‘મને તારા તરફથી આવી એક્સ્પેક્ટેશન નહોતી, નવ્યા!’ અરમાને પાર્કિંગ-લોટમાં કારની આગળની સીટમાં બેસતા જ કહ્યું.

‘પણ મને તારા તરફથી આવી જ એક્સ્પેક્ટેશન હતી, મિ. રાઈટર!’ નવ્યાએ કારના ચારે તરફથી બંધ કાચની અંદર એક ઠંડો શ્વાસ છોડતાં કહ્યું.

બંને તરફથી થોડી મિનિટો ખામોશીમાં વીતી. ઊંડે ઊંડે ઉકળી રહેલી એ બાહ્ય ખામોશીએ બંનેમાં એટલી તો સભાનતા લાવી જ દીધી હતી કે તેઓ એકબીજાને હવે ‘તુંકાર’થી બોલાવવા માંડ્યાં હતાં. જીભ અને હોઠને થકવી નાખનારો ‘આપ’ તથા ‘તમે’નો બોજ એકાએક દૂર ફંગોળાઈને હવે ‘તું’ના પોતીકા સંબોધનમાં પરિણમ્યો હતો.

‘તું સી.એમ.ની મુલાકાત કરવા માંગે છે? હેવ યુ ગોન ક્રેઝી? એ લંપટની? વાસનાના એ વરુની? ડીસઘસ્ટીંગ, યાર... અને પેલી બે છોકરીઓ કોણ છે? અને આ ‘કન્યાકુમારી અનાથાશ્રમ’... એ વળી શું?’ અરમાને એકસાથે અનેક પ્રશ્નાર્થોનો મારો ચલાવ્યો.

‘હની-ટ્રેપ, બેબી... હની-ટ્રેપ!’ નવ્યાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો, અને પોતાની કાજળઘેરી કનીનિકા નચાવી. સાથે-સાથે જીદે ચઢેલી વાળની સેરને પોતાની તર્જની સાથે લાડ લડાવવા માંડી.

‘તો શું તું એ લોલુપ સી.એમ. સમક્ષ તારા કપડાં ઉતારશે?’ બોલીને અરમાન બીજી તરફ જોઈ ગયો. નવ્યાના ‘સાઉથ ઇન્ડિયન’ ફ્લેવરના ‘લૂક’ને એ ત્રાંસી નજરે નીરખી રહ્યો, પી રહ્યો! સમાંતરે વિચારી રહ્યો – આ બલાના ‘કર્લી હેર’ના લોભામણા વળાંકોમાં ન જાણે કેટલાંયે અરમાનો ગૂંચવાઈ રહ્યા હશે! ન જાણે કેટલાંય અરમાનો આ અફાટ ખૂબસૂરતીની લપસણી કમરમાં ક્યાં તો આપઘાત કરી ચૂક્યા હશે, ક્યાં તો બેરહમીથી એમનું કતલ થઈ ચૂક્યું હશે!

અરમાનનો હાથ એકાએક પોતાના ખિસ્સામાં રહેલા રિમોટકંટ્રોલને ચકાસી રહ્યો.

‘ખિસ્સામાં કંઈક વિશેષ લાવ્યો લાગે છે?’ નવ્યાએ અરમાનની એક આછકલી છતાં છૂપી હરકતને પકડી પાડતાં કહ્યું.

‘લાવ્યો છુંને... ચીફ મિનિસ્ટર સાહેબ માટે મંગલસૂત્ર!’ અરમાનને રમૂજ સૂઝી. ને ગંભીર વાતાવરણમાં પણ નવ્યા ખડખડાટ હસી પડી.

‘સી.એમ. સાહેબ સાથે ધૂળેટી રમવાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે. પિચકારી ‘લોડ’ થઈ ચૂકી છે. ઓલ સેટ...’ કહેતા અરમાને સી.એમ.ના માઇકમાં ફીટ કરેલા ‘સાઇનાઇડ-ડીવાઈસ’ અંગેની પોતાની શૌર્યગાથા ગાવા માંડી. આખો પ્લાન સાંભળતા જ નવ્યાની મુખમુદ્રા પ્રસન્ન થઈ ઊઠી.

પરંતુ, અરમાન હોઠ ત્રાંસા કરીને રહસ્યમય મુસ્કાન વેરે એ પહેલાં જ નવ્યાએ પોતાનામાં ભભૂકી રહેલા દાવાનળથી અકળાઈ ઊઠતાં કહ્યું, ‘એટલું સરળ મોત?’ ને એક નિસાસો નાખ્યો. નજર સામે એની દોસ્ત તથા દોસ્તની સ્મૃતિ સળવળી ઊઠી... સી.એમ. સામે જંગે ચઢેલી નરગીસને એ મહેસૂસ કરી રહી! સી.એમ.ના બાળકીઓના ગંદા વેપારનો પર્દાફાશ કરતી નરગીસ ખડી થઈ ગઈ! નરગીસનો અકાળે જીવ ગયો ત્યારે કેટલી રિબાઈ હશે એ!

‘તમે તો ખરા દુશ્મન નીકળ્યા, યાર! સી.એમ. ઉપર રહેમ કરી એને આમ બે-પાંચ સેકંડમાં જ પરલોક પહોંચાડી દેવા માંગો છો? શું એનાથી આ ધગધગતો જ્વાળામુખી શાંત થશે? આ ઉકળતો લાવા ઠરશે?’

અરમાન પાસે કદાચ એનો કોઈ જવાબ નહોતો!

‘નાવ, લિસન કેરફૂલી... મારી ‘લો-નેક’ બ્લાઉસ તરફ એક નજર કર!’ નવ્યાએ થોડું આગળ તરફ ઝૂકીને કહ્યું.

અચાનક ચેક-ડેમનો દરવાજો ખૂલે ને ધસમસતા પાણીનો પ્રવાહ ગાંડોતૂર બનીને આગળ ધસી જાય એમ અરમાનની બંને આંખો નવ્યાની ભરાવદાર છાતી ઉપર મંડાઈ ગઈ. જોકે એની નજરનું પતંગિયું તો આમેય આછકલી પાંખો ફફડાવીને ત્યાંજ ઉડાઉડ કરતું રહેતું હતું. પરંતુ, આ ક્ષણે તો મધુરસ મધુકરને સામેથી આમંત્રિત કરી રહ્યો હતો, ત્યાં સ્થાન લેવા માટે... ત્યાં સ્થિર થવા માટે, જેની હંમેશા ચાહ રહી છે!

‘ડોન્ટ સ્ટેર એટ માય ક્લિવેજ, સ્ટુપીડ! બ્લાઉસની અંદર નહિ, એનું વચલું બટન જો!’

અરમાનનું કલ્પના-જગત કકડભૂસ થઈ ગયું, પાનખરના પાંદડાની જેમ! ને એ વાસ્તવ-જગતમાં પટકાયો.

‘મારી લો-નેક બ્લાઉસનું વચલું બટન ‘હાઇ-ટેક’ છે. શાર્પ સ્પાઇ-કેમેરા તથા પાવરફૂલ લોંગ-રેંજ માઇક્રોફોનથી સજ્જ!’ નવ્યાએ એક એવેન્જરની અદાથી કહ્યું. અને પોતાનું પર્સ ખોલીને એક યુ.એસ.બી.-રીસીવર કાઢીને અરમાનના હાથમાં મૂકતાં કહ્યું, ‘આ રીસીવરના બ્લુ-ટૂથથી તારો મોબાઇલ એમાં સેટ કરી દેજે. એક સ્પાઇ-એપ ઓટોમેટીક ઇન્સ્ટોલ થશે. જેના દ્વારા તું મોબાઇલમાં મારી આસપાસનું ‘લાઇવ ટેલીકાસ્ટ’ જોઈ શકશે. અને પછી જયારે સી.એમ.ને ઉઘાડો પાડતો કોઈક ‘સેન્સીટીવ-પોઇન્ટ’ આવે એટલે તરત જ, સ્ટેજ ઉપર લાગેલ એલ.ઇ.ડી. સ્ક્રિન સાથે ચાલુ સમારોહે આ રીસીવર એટેચ...’ એક વિશ્વાસ સાથે અધૂરા વાક્યે નવ્યાએ અરમાનનો હાથ દબાવ્યો. અને ભીંજાયેલી નજરે એની આંખોમાં જોયું, જાણે કે કહી રહી હોય - હવે સમય થઈ ચૂક્યો છે!

‘ઓકે, આઇ ગોટ ટુ ગો, નાવ.’ બોલીને ઝડપભેર નવ્યા ઊભી થઈ, અને પાછળ ફરીને એક નજર માર્યા જ વગર ચાલવા માંડી.

ચાલી જતી નવ્યાના અદ્ભૂત દેહના નિર્દયી વળાંકોને એકીટશે તાકી રહેલા અરમાનથી મનોમન સહેજે બોલી જવાયું, ‘કમરમાં રિવોલ્વર નથી, છતાં આજે કત્લેઆમ નિશ્ચિત છે!’

કલાકેક પસાર થયો હશે ને લાલ-પીળી બત્તીઓ ઝબકાવતી ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતાની કાર વિશાળ ઈમારતના પ્રાંગણમાં પ્રવેશી. પાછળ-પાછળ સુરક્ષાકર્મીઓની અન્ય ગાડીઓ પણ અંદર પ્રવેશવા માંડી. સી.એમ. સાથેની મુલાકાતની રાહ જોતી નવ્યા બંને છોકરીઓ સાથે વેઇટિંગ-એરિયામાં ફરી એક વખત સોફા ઉપર બેઠક જમાવી ચૂકી હતી.

અને બીજી તરફ, સમારોહનો હોલ ખીચોખીચ ભરાઈ ચૂક્યો હતો. પ્રોગ્રામ શરુ થવાનો સમય ક્યારનો થઈ ચૂક્યો હતો. ગુજરાતભરના નાના-મોટા વાર્તાકારો-સાહિત્યકારો-વિવેચકો પોતપોતાની ચાલુ વર્ષની સાહિત્ય ક્ષેત્રની ઉપલબ્ધિઓ, ટ્રોફીઓ, પ્રમાણપત્રો, પુરસ્કારો સહિત ઉપસ્થિત રહ્યા હતા – ચીફ મિનિસ્ટર સાહેબના હસ્તે ‘સાહિત્ય-સન્માન’ પુરસ્કાર પ્રાપ્ત કરવા... સ્ટેજ ઉપરની એલ.ઇ.ડી. સ્ક્રિન ઉપર સાહિત્યને લગતા કોઈક જૂનવાણી તથા તદ્દન નીરસ લાગતા કાર્યક્રમો પ્રદર્શિત થઈ રહ્યા હતા. એમાં નવોદિત વાર્તાકારોને ન તો સમજ પડી રહી હતી કે ન તો પ્રસ્થાપિત લેખકોને એમાં ઝાઝો રસ પડી રહ્યો હતો!

***

‘જયકાંત, કાર્યક્રમ શરુ થવાનો સમય ક્યારનો વીતી ચૂક્યો છે. વી આર ટુ લેટ...’ ચીફ મિનિસ્ટર હૃષિકેશ મહેતા ઊભા થતા બોલ્યા.

‘સર, બસ એક... લાસ્ટ, બટ નોટ લીસ્ટ!’

‘અરે, હવે કોઈ નહિ.’

‘કામની ચીજ છે, સર... મળી લો, નહિ તો અફસોસ રહી જશે... કે દરવાજા ઉપર મેનકા ઊભી હતી, બસ થોડો સમય ફાળવી લીધો હોત તો..! અને સાહિત્ય સાથે તમારા અન્ય શોખ પણ છે, સર... એમને ઓરમાયા ન કરો!’ જયકાંતે અર્થસભર કહ્યું. અને સી.એમ.ની પરવાનગીની રાહ જોયા વગર જ ઇન્ટરકોમ ઉપર સૂચના આપી, ‘મોકલો એમને...’ અને એણે સી.એમ.ને એકાંત પ્રદાન કરવા માટે, પોતે કમરાની બહાર જવા માટે કદમ ઉપાડ્યા.

કમરાનો દરવાજો જેવો બંધ થયો તેવો જ તરત ઉઘડ્યો. એક સુગંધિત સૌંદર્ય કમરામાં પ્રવેશતાં જ સી.એમ.ની ઉપર મદહોશી છવાઈ ગઈ.

‘યેસ્સ, બોલો... કેમ આવવાનું થયું?’ એમણે ખૂબ જ મુશ્કેલીથી વિવેક બતાવવાની કોશિશ કરી.

‘જાહિર સી બાત હૈ...’ સાઉથ-ઇન્ડિયન લિબાશમાં સજ્જ નવ્યાએ હિન્દીમાં વાતચીત કરવાનું મુનાસીબ માન્યું. ‘કન્યાકુમારી સે ગુજરાત તક સિર્ફ થેપલા ઔર ઢોકલા ખાને તો નહિ આઈ હૂંગી...’ બોલીને એ સી.એમ.ની લગોલગ બેસી ગઈ. એમને સારું લાગ્યું.

‘મૈ ચાહતી હૂં કી હમારે આશ્રમ પે ઔર હમારી કઈ અનાથ બચ્ચીયોં પે આપ કી મેહરબાની હો, સર!’ સોફા ઉપર બેસેલા સી.એમ.ના ઘૂંટણ ઉપર હાથ ફેરવતા નવ્યા આંખોના ઈશારાથી બોલી, ‘જૈસે આપ હંમેશા કરતે આયે હો... હમે ભી એક બાર મૌકા દેકર દેખિયે, આપકો શિકાયત કા મૌકા નહિ મિલેગા, સર!’

(ક્રમશઃ) દર શુક્રવારે...

---------------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

(બ્લાઇન્ડ ગેમ : પ્રકરણ-૨૦ વાંચવાનું ચૂકશો નહિ.)