Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લાઇન્ડ ગેમ (ભાગ-૯) ગૂંચવાયેલું વ્યક્તિત્વ

નવલકથા - બ્લાઇન્ડ ગેમ

(શબ્દ, સૌંદર્ય અને ષડયંત્રનો ખેલ...)


પ્રકરણ - ૯ (ગૂંચવાયેલું વ્યક્તિત્વ)

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

(પ્રકરણ-૮ માં આપણે જોયું કે...

ઢળતી સાંજે અરમાન જયારે લથડતી ચાલે પાછો ફરે છે ત્યારે નશાની હાલતમાં ખુન્નસે ચઢીને એલાન કરી દે છે કે આતંકી કુરેશી ભલે એની અથવા અર્પિતાની હત્યા કરી નાખે, પરંતુ એક દયાળુ સી.એમ.ના મર્ડરનો પ્લાન એ સફળ નહિ થવા દેશે; સ્પર્ધા માટે એ વાર્તા સબમિટ જ નહિ કરશે. જયારે નવ્યા અરમાનને જણાવે છે કે એમની વચ્ચે ‘અર્પિતા’ નામની એક અડચણ છે. અરમાન સળગતી આંખે બબડાટ કરે છે, ‘બેવફાઈથી મને સખ્ખત નફરત છે...’

હવે આગળ...)
‘અલખ-નિરંજન...’ હઝરત કુરેશીનો અવાજ ફોન ઉપર ચિલ્લાઈ ઊઠ્યો, ‘તમને આપવામાં આવેલી તાજી-નવી-ખૂશ્બોદાર નોટોનું વળતર ચૂકવવાનો સમય થઈ ગયો છે.’

‘યસ બોસ, અમારું હુનર બતાવવા અમે બેતાબ છીએ. હુકમ કરો, આકા!’ સામો છેડો વળતર ચૂકવવા માટે થનગની ઊઠ્યો.

‘ટાર્ગેટ અર્પિતા...’ કુરેશીએ સાંકેતિક સંજ્ઞાથી બંને જોડિયા ભાઈઓ અલખ અને નિરંજનને એમના ટાર્ગેટની રૂપરેખા સમજાવવા માંડી.

અને, બે કલાક પછી...

‘વેરી પુઅર! અફસોસ!’ હઝરત કુરેશીએ એક ઊંડો શ્વાસ છોડ્યો.

કારનું સ્ટિઅરીંગ સંભાળી રહેલા અલખે પોતાના ખભા સુધીના લાંબા વાળને આંખો આગળ આવી જતા અટકાવવા માથું ઝટકયું. ડ્રાઇવીંગ સીટની બાજુની સીટ ઉપર બેઠેલા નિરંજને પોતાની ચળકતી સપાટ ટાલ ઉપર પોતાના જ હાથની આંગળીઓથી તબલા વગાડતા પાછળ ફરીને જોયું.

‘તારા રાઇટર પતિને તારા જીવ કરતા સી.એમ. સાહેબના જીવની પરવા વધુ છે! બેડ લક માઇ ચાઇલ્ડ...’ કુરેશીએ કારના અર્ધખૂલા કાચમાંથી બહારના કાળાડિબાંગ અંધારામાં સિગારની ધૂમ્રસેર છોડતા કહ્યું.

કાર પૂરપાટ ઝડપે દોડતી નવસારી શહેરને છોડીને માઉન્ટ આબુ ભણી રુખ કરી ચૂકી હતી. કારની પાછળની સીટ ઉપર કુરેશીની બાજુમાં બેઠેલી અર્પિતા મધરાતમાં ચમકી રહેલા સિતારાને એકીટશે તાકી રહી હતી. એને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે એ ઘણું બધું સમજે છે પરંતુ જાણતી કશું નથી. આગળની સીટ ઉપર બેઠેલા બંને વિચિત્ર પ્રાણીઓ – એક લાંબા વાળવાળો અને બીજો ટકલુ – એકની બાબરી હજી ઉતારવાની બાકી હોય અને બીજાની હમણાં તાજી જ બાબરી ઉતારી હોય એવા બંને - કોણ છે? પાછળની સીટ ઉપર સફારીસૂટમાં સજ્જ એની પડખે બેસેલો રુઆબદાર વ્યક્તિ કોણ છે? એ લોકોનો ઈરાદો શું છે? બેશક, એક સુંદર સ્ત્રીના જિસ્મ પ્રત્યે હોઈ એવી કોઈ દિલચશ્પી કે હવસનો ઈરાદો તો નથી જ લાગતો. આમ છતાં, રાતે પોતાના ઘરમાં બળજબરી ઘૂસી આવેલા આ બંને પ્રાણીઓ પોતાને મૂર્છિત કરી કોઈક અજાણ્યા રસ્તે ક્યાં અને કેમ લઈ જઈ રહ્યા છે એ એની સમજની બહાર હતું. અંદરથી એ પોતે કંપી રહી હતી પણ બહારથી એ સાવચેત અને સ્વસ્થ રહેવાની ભરપૂર કોશિશ કરી રહી હતી.

‘સાંભળ, તારા પતિને સમજાવવાનું કામ હવે તારા હાથમાં...’ કુરેશીએ પોતાની રિવોલ્વરની નળી અર્પિતાના હજુ નહિ ઉપસેલા પેટ તરફ તાકતા કહ્યું, ‘અગર તને તારો જીવ, અં...અ... તારો જ નહિ, તારા ગર્ભમાં પાંગરી રહેલી કૂંપળનો જીવ પણ વહાલો હોય તો...’ એમણે ફક્ત વાક્ય જ અધૂરું નહિ છોડ્યું, ભયનો ઓથાર પણ ફેલાવી દીધો.

આ લોકો એમની વાણી ઉપરથી જેટલા શાંત અને સૌમ્ય લાગે છે એટલા જ પોતાના મનસૂબામાં ખતરનાક હોવા જોઈએ એ અનુમાન અર્પિતાએ અત્યાર સુધીમાં લગાવી લીધું હતું. નહિ તો હજુ થોડાં જ દિવસો પહેલાંની – ભલે હજુ બાળક અવતરવાને છ-સાત મહિનાની વાર હોય - પોતે પ્રેગ્નન્ટ હોવાની વાતની એમને ક્યાંથી જાણ હોય? તેની નજર સમક્ષ થોડાં દિવસોથી ઘટી રહેલાં અણધાર્યા દ્રશ્યો ચલચિત્રની માફક એક પછી એક પસાર થવા માંડ્યાં... નવસારી-વેસ્મા હાઇવે ઉપર પોતાની કારને એક ટ્રક દ્વારા મરાયેલી ટક્કર... પોતાના જ ઘરના નાનકડા જીમમાં પોતાની ઉપર એક નકાબપોશ દ્વારા ખંજરથી થયેલો હુમલો... અરમાન પોતાના સંપર્કથી સાવ અલિપ્ત... અને અત્યારે, પોતાને આ અજાણ્યા અપરાધીઓ દ્વારા કિડનેપ કરીને ક્યાંક લઈ જવાઈ રહી છે એ ઘટના...

‘શો ફર્ક પડશે?’ અર્પિતાએ રિવોલ્વેરને સપાટ નજરે તાકતા એક ફિક્કું સ્મિત કર્યું. ફરી એક વાર પોતાની ઊંડી ઉતરી રહેલી આંખોને કારના પારદર્શક કાચમાંથી દૂર દૂર સુધી અંધકારમાં બેસહારા છોડી મૂકી. એના હોઠ ઉપરથી રૂંધાયેલા શબ્દો જાણે કે રુદન કરતા હોય એમ સરી પડ્યા, ‘મારે તો મરવાનું જ છે...’

અલખ, નિરંજન તથા કુરેશી – ત્રણેય જણે એકબીજા સામે અધકચરી નજર ફેંકી. દરેકે થોડી અસમંજસ અનુભવી. પછી પોતપોતાના મસ્તિષ્કમાં હવે પછીની ચાલની ગણતરી માંડવા મથામણ કરવા માંડ્યા. અલખ એક હાથ સ્ટિઅરીંગ પર રાખી બીજો હાથ પોતાના લાંબા ઝુલ્ફાં સહેલાવામાં રોકાયો. નિરંજન પોતાની ટાલની ચમક ચકાસતો હોય એમ માથે હાથ પસવારવા માંડ્યો. હઝરત કુરેશી સિગારના કશ મારીને નકામી વાતોને ધૂમાડામાં ફેરવતા હોય એમ બહાર ફેલાયેલા મધરાતના અંધારામાં રઝળતી મૂકવામાં વ્યસ્ત બન્યા.

***

નવ્યાએ પોતાના રેશમી ગાઉનની દોરી બાંધી. પછી એક મંદ હાસ્ય વેરતાં કહ્યું, ‘પણ... વચ્ચે ‘અર્પિતા’ નામની એક અડચણ છે!’

‘હવે કોઈ અડચણ નહિ રહે!’ અરમાને બિયરની બોટલ મોઢે માંડતા કહ્યું, ‘...ફરીવાર કોઈ ઇડિયટ નકાબપોશને ‘કામ’ સોંપવાની જરૂર નહિ રહે.’ એની આંખોમાં એક અજીબ ચમક ઉભરી આવી. પણ બીજી જ ક્ષણે એ ચમક તેજ અગનજવાળાઓમાં ફેરવાઈ ગઈ. એનો ચહેરો સખતાઈ પકડી રહ્યો, આંખમાં ઉમટી રહેલી અગનજ્વાળાઓ એણે મોંમાંથી ઓકી, ‘બેવફાઈથી મને નફરત છે... સખ્ખત નફરત!’

નવ્યા ખામોશ હતી. આગોતરા સંદેહના અનિશ્ચિત વાદળો ઘેરાઈ જઈને ધોધમાર વરસવાની તૈયારીમાં પડ્યાં હોય એમ!

‘એ ‘કામ’ તો હવે...’ અરમાને બિયરના ફીણને ફૂંક મારીને હવામાં વિખેરી દેતા કહ્યું, ‘...કુરેશી જ કરી નાખશે! ધી ગ્રેટ હઝરત કુરેશી... હા..હા..હા... સાહિત્યકાર કુરેશી... હા..હા..હા... આતંકી કુરેશી... હા..હા..હા...’ એની આંખોમાં ઊભરી ઊઠેલી ચમક અટ્ટહાસ્યનું ખોફનાક સ્વરૂપ લઈને કમરામાં ગૂંજી ઊઠી. ક્યારેક શાંત અને સૌમ્ય રૂપ દેખાડનાર અરમાનનું આ ઓચિંતું આક્રમક રૂપ જોઈને નવ્યા ચોંકી ઊઠી. અરમાનનું વ્યક્તિત્વ એને અમુક અંશે ગૂંચવાયેલું જણાયું. જોકે અરમાનની આંખોની ચમક તો એ વાતથી સાવ બેખબર હતી કે ડઘાઈ ગયેલી નવ્યાની ખામોશી એનાં ખૂંખાર સૌંદર્યની માફક કંઈક અકળ પાસા ફેંકવાની તૈયારી કરવા માંડી છે.

***

‘શો ફર્ક પડશે?’ અર્પિતાના રૂંધાયેલા શબ્દો જાણે કે રુદન કરતા હોય એમ સરી રહ્યા હતા, ‘મારે તો મરવાનું જ છે... પતિના હાથે મરું કે કોઈ અપરાધીના હાથે... અરમાન મારે કે તમે લોકો!’

કુરેશી તેમજ અલખ-નિરંજન એકદમ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. મધરાતનું કારમું અંધારું કારની અંદર ધસી આવીને સૌના ચહેરા ઉપર ફરી વળ્યું. અધખૂલા કાચમાંથી આવતી ઠંડી લહેરોએ સૌના વિચારોમાં એક પળ માટે ગરમાટો લાવી દીધો. પણ અર્પિતાના ફેફસામાંથી નીકળેલો નિસાસો નિઃસહાય બનીને આમથી તેમ અટવાતો ક્યાં વિલીન થઈ ગયો એ કોઈ કળી શક્યું નહિ. કુરેશી મૂંઝવણ અનુભવી રહ્યા હતા. હવે આ કેવો ટ્વિસ્ટ? અરમાન પોતાની જ પત્ની અર્પિતાનું કતલ કરાવવા માંગે છે? કુરેશી અને અલખ-નિરંજન વિચારી રહ્યા. તો સી.એમ.નો બચાવ કરવાની ઘટના એ અરમાનનું એક નાટક માત્ર છે? વાર્તાસ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરવાનું અરમાનનું કોઈક ભયંકર ષડ્યંત્ર છે? શું સીધો-સાદો લાગતો લેખક અરમાન દીક્ષિત એક કાંકરે બે પક્ષીઓ મારવા માંગે છે?

અરમાનના બેડરૂમમાંથી નીકળીને નવ્યાએ પહેલું કામ હઝરત કુરેશીને માહિતગાર કરવાનું કર્યું હતું. એણે મોબાઇલમાં કુરેશીનો નંબર ડાયલ કર્યો. એ સાથે જ મધરાતની નિઃસ્તબ્ધતાને ચીરતો કુરેશીનો મોબાઇલ રણકી ઊઠ્યો.

‘સર, પ્લીઝ અર્પિતાનું કતલ કરશો નહિ. અરમાન પોતે જ એની પત્નીનું મર્ડર કરાવવા માંગે છે!’ નવ્યા એકીશ્વાસે બધું બોલી નાખવા માગતી હોય એમ વણથંભ્યે આગળ બોલી, ‘...સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ કરીને સી.એમ.નો બચાવ કરવો એ અરમાનનું એક ઝેરીલું ષડ્યંત્ર માત્ર છે. એક્ચુઅલી, મેં તમારાથી એક વાત છૂપાવી હતી, સર...’ નવ્યા સડસડાટ બોલી ગઈ.

કુરેશી પોતે શું પ્રત્યાઘાત આપવો એના ઉપર કંઈક વિચારે એ પહેલાં નવ્યાનો વાણીનો ધોધ ફરી વહેવા માંડ્યો.

‘સર, હું અર્પિતાને ઓળખું છું, ઇનફેક્ટ, અમે બંને સારા મિત્રો છીએ. અરમાન અને અર્પિતા વચ્ચે થોડાં સમયથી અણબનાવ ચાલે છે, મને અર્પિતાએ એની અંગત વાતો શેર કરી છે. અરમાનને અર્પિતાના ચારિત્ર્ય ઉપર શંકા છે. ને મને સંદેહ હતો જ કે અરમાન અર્પિતાને કંઈક નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે જ. એ રહસ્ય ઉપરથી પડદો ઊંચકવા માટે જ...’

કુરેશીના કાન સરવા થયા. ભ્રમરો તંગ બની. આંખો એક અજાણ્યા ઊંડાણમાં ડૂબકી લગાવી આવી.

‘...એ રહસ્યનો પર્દાફાશ કરવા માટે જ હું માઉન્ટ આબુ આવવા તૈયાર થઈ હતી; અરમાન સાથે ફલર્ટ કરતી હોવાનો દેખાવ કરી રહી હતી. મારા સૌંદર્યની મારકણી અદાએ એને મારી ચાલમાં ફસાવી જ દીધો. એણે બધી વાત ઓકી નાખી. હું મારી ગેમમાં સફળ તો થઈ પણ અર્પિતા માટે ખૂબ જ દુઃખી છું. મેં વિચારેલું પણ નહિ કે અરમાન એની પત્ની સાથે જ સાવ આટલી હદનું હિચકારું કૃત્ય કરવા પ્રેરાશે!’

નવ્યા જેમજેમ કુરેશીને માહિતી આપતી ગઈ એમએમ કુરેશીનો ચહેરો તરડાતો ગયો. આંખોમાં લોહી ધસી આવ્યું.

હઝરત કુરેશી પોતે બહુ મોટા ગણતરીબાજ હોવાનો, પરફેક્ટ પ્લાનર હોવાનો જે રૂઆબ રાખતા હતા, અહમ સેવતા હતા એ એક જ ઝાટકે એમને ચૂરચૂર થતો નજરે પડી રહ્યો હતો. હવે એ અંદાજ લગાવી રહ્યા હતા કે અરમાનને જાણ હતી જ કે સ્પર્ધામાં વાર્તા સબમિટ નહિ થવાથી, વાર્તા વિજેતા નહિ નીવડવાથી નિયમ અનુસાર પોતે સી.એમ.ના દર વર્ષે યોજાતા ‘સાહિત્ય-સન્માન’ ફંકશનમાં હાજરી નહિ આપી શકે. અને સી.એમ.ના મર્ડરના પ્લાનનો ફિયાસ્કો થઈ જશે. ઉપરાંત, પોતે રઘવાયા બનીને અરમાન સાથે બદલો લેવા માટે અર્પિતાનું મર્ડર કરી નાખશે. વાહ, મિ. અરમાન દીક્ષિત, ક્યા ખૂબ! એક વાર અને બે શિકાર... સી.એમ.નો બચાવ અને પત્ની અર્પિતાનું કતલ, એ પણ મારા હાથે! બેલાશક આપની ‘બ્લાઇન્ડ ગેમ’ કાબિલે-તારીફ રહી, લેખક મહાશય!

‘બટ નાવ, ધ બોલ ઇઝ ઇન માય કોર્ટ... અબ મેરી બારી...’ કુરેશીએ આંખો બંધ કરીને ફેફસામાં ઊંડો શ્વાસ ભર્યોં, ‘વળતા વાર માટે રહો તૈયાર, મિ. રાઇટર!’

‘સર, આપ અત્યારે ક્યાં છો?’ નવ્યાએ પૂછ્યું.

‘અંમ્મ... ઘરમાં જ છું.’ કુરેશીએ જવાબ વાળ્યો. પછી માઇક્રોફોન ઉપર હાથ રાખીને અલખ-નિરંજન સામે જોઈ બબડ્યા, ‘માઉન્ટ આબુ જઈ રહ્યાં છીએ એ વાતની જાણ કોઈને કરવાની જરૂર નથી; હાલ પૂરતી, સવાર સુધી તો નહિ જ!’

‘પરંતુ, સર, એક વાત...’ નવ્યા થોડું અચકાઈને બોલી, ‘અરમાનનું વ્યક્તિવ કંઈક ગૂંચવણભર્યું લાગે છે! કંઈક બેવડું... ક્યારેક સહજ તો ક્યારેક જલદ...’

------------------

(ક્રમશઃ) * દર શુક્રવારે

ધર્મેશ ગાંધી

dharm.gandhi@gmail.com

----------------