સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 13 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 13

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૧૩ - મનુષ્યરૂપેણ મૃગાશ્વરન્તિ

કૃષ્ણનો કર્મયોગ મનુષ્યો માટે છે, પશુઓ માટે નથી. પશુતાથી ભરેલા મનુષ્યો કૃષ્ણના કર્મયોગ માટે અધિકારી નથી. મનુષ્ય અને પશુ બંનેને પ્રકૃતિએ શરીર, મન, બુદ્ધિ અને ચેતના આપી છે. શારીરિક દૃષ્ટિએ પશુઓ મનુષ્ય કરતા વધારે શક્તિશાળી છે. માનસિક દૃષ્ટિએ પણ પશુઓ મનુષ્ય કરતા વધારે શાંત છે, કારણ કે પ્રાકૃતિક છે. મનુષ્ય અને પશુઓ વચ્ચેનો ભેદ ફક્ત બૌદ્ધિક દૃષ્ટિએ જ થઈ શકે તેમ છે. પશુમાં બુદ્ધિ તો છે, પણ તે બુદ્ધિ તેના જડકર્મોથી પાર જવા અક્ષમ છે. શાસ્ત્રો કહે છે ‘‘આહારનિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત્પશુભિનરાણાંમ’’ અર્થાત્‌ આહાર, નિંદ્રા, ભય, મૈથુન વિગેરે જેવા શારીરિક અને માનસીક કર્મો તો પશુઓમાં પણ છે અને પશુઓ આવા કાર્યો મનુષ્યો કરતા સારી રીતે કરી જાણે છે. જો મનુષ્યો અને પશુઓ શારીરિક અને માનસિક તુલના જ સુખ-શાંતિ માટેના માપદંડ તરીકે અપનાવવામાં આવે તો નિશ્ચિતપણે પશુઓ જ શ્રેષ્ઠ સાબિત થાય.

પરંતુ બૌદ્ધિક દૃષ્ટિએ પરમાત્માએ મનુષ્યને જે શક્તિ આપી છે તેણે જ મનુષ્યને દુનિયાનો રાજા બનાવ્યો છે. મનુષ્યના બુદ્ધિ કલમને ખીલવા માટે જે સહસ્ત્રાસાર ભગવાને મનુષ્યને આપ્યું છે તે પશુઓ પાસે નથી. પરંતુ આશ્ચર્ય છે કે સહસ્ત્રાસારની બૌદ્ધિક ક્ષમતા ધરાવતો મનુષ્ય પશુવત જીવન જીવે છે. તેવા પાશ્ચિક બુદ્ધિવાળા મનુષ્યો કૃષ્ણના કર્મયોગ માટેના અધિકારી નથી. કૃષ્ણના કર્મયોગના સાચા અધિકારી થવા માટે પશુતાઓને જાણીને તેની પાર ઉઠવું પડશે.

‘‘મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ’’ ભર્તૃહરીની આ પંક્તિ ખુબ મનનીય છે. માણસ શરીરમાં જે દેખા છે તે ખરેખર માનવ જ છે તેમ માનવું તે ઓળખ સાચી નથી તેવો આ પંક્તિનો સાર છે. સાથે સાથે એક ગહેરી વાત પણ છે કે માત્ર શારીરિક ઓળખાણ ખોટી છે. જો માનવને આપણે માનવ છે તેમ શારીરિક દૃષ્ટિએ જ ઓળખી શકતા હોઈએ અને તેથી આગળ નિરખવાની આપણી કોઈ ક્ષમતા ન હોઈ, તો તેવી દૃષ્ટિ આ દુનિયાના ડગલે ને પગલે ધોખો જ ખાતી રહેવાની છે. ભર્તૃહરીની પંક્તિ એ વાતની પણ ધોષણા કરે છે કે શરીર કોઈ સાચી ઓળખ નથી. જે શરીરથી પાર જોવા સક્ષમ નથી તે કોઈપણ રીતે સક્ષમ નથી.

ભર્તૃહરીના જીવનનો પ્રસંગ છે. ભર્તૃહરી પીંગળા નામની એક ખુબસુરત નવ- યોવાનાને જોઈને તેના પ્રેમમાં પડ્યો. ભર્તૃહરી એક મોટો રાજા હતો. તેણે પીંગળાને પોતાની રાણી બનાવી. રાત-દિવસ ભર્તૃહરી પીંગળા માટે વિવિધ સ્વપ્ન જોતો અને તેને ખુશ કરવાના અને તેને વિવિધ પ્રકારથી પ્રેમ કરવાના પ્રયાસો કરતો રહેતો. કથા છે કે એક વખત એક સાધુ તેના દરબારમાં આવ્યો. તેણે પોતાની જોળીમાંથી એક ફળ કાઢીને ભર્તૃહરીને આપ્યું અને કહ્યું કે આ એક દિવ્ય વનસ્પતિનું ફળ છે અને તેને અમરફળ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ હજારો વર્ષોમાં કોઈ એક દિવ્ય વનસ્પતિમાં થઈ શકે છે. મને વનસ્પતિની સાધનાથી આ ફળ મળ્યું છે. જે આ ફળ ખાઈ લે તે હજારો વર્ષ સુધી અમર રહી શકે છે. ભર્તૃહરી રાજી થયો. તેણે સાધુને ખુબ માન-સન્માન અને ભેટ સોગાદ આપી વિદાય કર્યો અને સાધુએ આપેલું ફળ લઈ તે પીંગળારાણી પાસે ગયો. તેણે રાણીને ઘટનાની વાત કરી અને ફળ રાણી પીંગળાને આપી દીધું.

ત્રણ દિવસ બાદ ભર્તૃહરીના ઘોડાના તબેલામાં કામ કરનારો એક અશ્વપાલક તેવું જ એક અમરફળ લઈને ભર્તૃહરી પાસે આવ્યો અને કહ્યું કે મહારાજ આ અમરફળ છે. જે આ ફળ ખાય તે હજારો વર્ષની આયુષ્ય મેળવી શકે છે. ભર્તૃહરીને શક થયો કારણ કે સાધુ તો કહેતો હતો કે હજારો વર્ષોમાં કોઈ એક દિવ્ય વનસ્પતિ આવું ફળ એક જ વખત આપે છે. તો આ અશ્વપાલક આવું ફળ ક્યાંથી લઈ આવ્યો. તેણે અશ્વપાલકને બંદી બનાવી લીધો અને તપાસ કરી તો જાણવા મળ્યું કે અશ્વપાલકે અમરફળ માટે જે કહ્યું તે સાચું છે. આ એજ ફળ હતું જે સાધુએ રાજાને આપ્યું હતું અને રાજાએ તેની રાણી પીંગળાને આપ્યું હતું.

પરંતુ પીંગળા તે અશ્વપાલકના પ્રેમમાં હતી તેથી તેણે એ ફળ અશ્વપાલકને આપી દીધું હતું. અશ્વપાલકને એ ફળ પ્રેમના ઉપહાર રૂપે મળ્યું હતું. તેથી તેણે વિચાર કર્યો કે મારી જેવા અશ્વપાલકે આ ફળ ખાઈને હજારો વર્ષ જીવવું એ કરતા આ ફળ હું રાજાને આપી દઉં અને તેના બદલામાં રાજા પાસેથી જે ભેટસોગાદ અને ઉપહારો મળે તેનાથી મારી જેટલી જીંદગી છે તે સુખેથી જીવીશ. અશ્વપાલક ખરેખર પીંગળાને ચાહતો ન હતો. જેમ ભર્તૃહરી અને પીંગળામાં ભર્તૃહરી એક તરફી પીંગળાને પ્રેમ કરતો હતો તે જ રીતે પીંગળા અને અશ્વપાલકના પ્રેમમાં પીંગળા અશ્વપાલકને એકતરફી પ્રેમ કરતી હતી. અશ્વપાલક તો રાજાના ડરથી પીંગળાને મળવા પણ નહતો ઈચ્છતો. પરંતુ પીંગળા તે અશ્વપાલકમાં એટલી મોહસક્ત હતી કે તેને અશ્વપાલક સિવાય કોઈ દેખાાતું ન હતું.

જ્યારે પીંગળાના અશ્વપાલક પ્રત્યેના આંધળા પ્રેમની હકીકતોની ખબર પડી ત્યારે ભર્તૃહરીને અપાર વૈરાગ્ય થયો. ભર્તૃહરીને તેણે પીંગળામાં સેવેલા મોહાંધ પ્રેમ ઉપર ખુબ જ પસ્તાવો થયો અને પોતાનું સમગ્ર રાજ્ય છોડી પીંગળાના હાથે જ એક સાધુ ભાવે ભિક્ષા લઈને જીવનમાં સેવેલા તમામ આસક્તિ અને રાગના ભાવોને વૈરાગ્યની તીવ્ર અગ્નિમાં ભસ્મીભૂત કરી દેવા તપ કરવા ચાલી નીકળ્યો.

ભર્તૃહરીએ તેના વૈરાગ્ય શતક નામના ગ્રંથમાં આ ઘટના માટે લખ્યું છે કે ‘‘યામ્‌ સતતમ ચિન્તયામિ સતતમ મયિ સા વિરક્તાઃ’’ અર્થાત્‌ જેને હું સતત ચાહતો રહ્યો તે મારામાં સતત વિરક્ત જ હતી. ભર્તૃહરીએ વર્ણન કરતાં લખ્યું છે કે હું જે સ્ત્રીના સુંદર શરીરમાં આસક્ત હતો તે શરીરની ભીતર રહેલું મન અને બુદ્ધિ તો એક મામુલી અશ્વપાલકમાં આસક્ત હતા. હું સમ્રાટ રાજા હોવા છતાં, મેં જે સ્ત્રીને રાણી તરીકેનો અધિકાર આપી મારી જાત કરતા વધારે પ્રેમ કર્યો હોવા છતાં તે સ્ત્રી તો મને જાણતી પણ નહતી અને મારા પ્રેમની તેને કોઈ કદર કે કિંમત પણ ન હતી. ધિક્કાર છે એવી શરીરાસક્ત દૃષ્ટિને કે જે તે શરીરમાં રહેલા મનને પણ જોતી નથી. શરીરમાં જ આત્મભાવ કરતી દૃષ્ટિ ધોખા સિવાય કાંઈ મેળવતી નથી. જીવનની સાચી દૃષ્ટિ તો આત્મભાવ છે. અંતરઘટમાં રહેલો ચૈતન્યભાવ છે તેની ઓળખ વગર બાકીની બધી ઓળખો વ્યર્થ છે.

એક બહુ પુરાણી કથા છે કે જનક વિદ્વાન રાજા હતો. જનક પોતાની રાજ્યસભામાં વિદ્વાનોને નિમંત્રિત કરતો અને તે વિદ્વાનો અલગ-અલગ મુદ્દાઓ ઉપર શાસ્ત્રોની ચર્ચા કરતા. વેદો, પુરાણો, શાસ્ત્રોની ચર્ચાથી વિજ્ઞાનની વિષદ છણાવટો જનકની સભામાં થતી હતી. તેની આવી સભાઓની દૂર-દૂર સુધી ખ્યાતિ હતી. આ સભાઓમાં શાસ્ત્રાર્થમાં ભાગ લેનારને અને શાસ્ત્રાર્થ વિજેતા થનારને કિંમતી ભેટ સોગાદો અને ઈનામો આપવામાં આવતા હતા. કહેવાય છે કે એક દિવસ અષ્ટાવક્ર આ સભામાં યોજાતા શાસ્ત્રાર્થમાં ભાગ લેવા જઈ ચડ્યા. અષ્ટાવક્ર આઠેય અંગથી વાંકા હતા. વ્યક્તિ સ્વાભાવિકપણે સીધી ચાલ પણ ચાલી ન શકે. તેથી તેની ચાલવાની ઢબ પણ એવી હતી કે તેને જોતા જ સામાન્ય લોકોને હસવું આવે. અષ્ટાવક્ર તેની આવી શારીરિક અવસ્થાને કારણે સામાન્ય લોકોના મજાકનું પાત્ર હતા. લોકો તેને જોઈને હસતા. કોઈ તેની ઠેકડી ઉડાડતું. કોઈ તેને વિના કારણ પરેશાન કરતું. પણ અષ્ટાવક્ર એક મહાજ્ઞાની હતા. આત્મ દૃષ્ટા હતા. અષ્ટાવક્ર તેના શરીરથી આગળ નહીં જોઈ શકનારા આંધળા લોકો પ્રત્યે કરૂણાસભર હતા. તેથી જ દૃષ્ટિના અંધ અને મૂઢ લોકોએ કરેલા ઉપહાસોને તે પણ હસતા-હસતા જ સહન કરી લેતા.

જ્યારે અષ્ટાવક્ર જનકની સભામાં આવ્યા ત્યારે અષ્ટાવક્રના આઠેય અંગોને વાંકા જોઈને અને તેની વક્રગતિની ચાલ જોઈને સભામાં શાસ્ત્રાર્થ માટે ભાગ લેવા આવેલા મહા પંડિતો હસી પડ્યા. પંડિતોને હસતા જોઈને અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યા. અષ્ટાવક્રના ખડખડાટ હાસ્યને જોઈને પંડિતોની એ સભા સાથે જનક પણ સ્તબ્ધ થઈ ગયા. બે ઘડી સન્નાટો છવાઈ ગયો. જનકે અષ્ટાવક્રને પૂછ્યું કે આ સભા હસી તેનું કારણ તો મારી સમજણમાં આવે છે, પણ તમે કેમ હસ્યા ? તમારા હસવાનું શું કારણ છે ? અષ્ટાવક્રએ જવાબ આપ્યો કે જનક, હું એમ માનતો હતો કે તું જ્ઞાનીઓ અને પંડિતોની સભા કરીને શાસ્ત્રાર્થની ચર્ચા કરો છો અને કરાવે છો. પણ અહીં આવીને મને ખબર પડી કે તું તો ચમારોને અકઠા કરીને શાસ્ત્રાર્થ કરાવી રહ્યો છે. જે લોકો આત્માના જ્ઞાનની ચર્ચા કરે છે, તેની દૃષ્ટિ શરીરને પાર પણ જોઈ શકતી નથી. આ સભા એ મારા ચામડાને અને તે ચામડું જે અંગો પર વિંટાળેલું છે તે અંગોને જ જોયા છે. મને તો જોયા જ નથી. દુનિયાના સામાન્ય લોકોની નજરો મારા વાંકા અંગો ઉપર હસતી હતી તે તો ઠીક હતું પણ જેને તું પંડિતો અને જ્ઞાનીઓ સમજો છો તે પણ શાસ્ત્રોના રટા-રટાયેલા શ્લોકો યાદ કરીને તને જ્ઞાની હોવાનો ધોખો દઈ રહ્યા છે અને તું પણ તેની માયાજાળમાં ફસાઈને પોતાને મહાન માની રહ્યો છે. મને તમારા લોકોની આવી મૂઢતા ઉપર હસવું આવ્યું છે. કહેવાય છે કે અષ્ટાવક્રનો જવાબ સાંભળીને જનક દંગ રહી ગયો. તે પછી તે અષ્ટાવક્રનો શિષ્ય થઈ ગયો અને અષ્ટાવક્રએ તેને જે આત્મબોધ કરાવ્યો તેને આપેલ અષ્ટાવક્ર ગીતા અથવા તો અષ્ટાવક્ર સંહિતા તરીકે ઓળખીયે છીએ.ં

જે લોકો પાસે શારીરિક ઓળખાણો જ છે તેની પાસે વાસ્તવિકપણે કોઈ સાચી ઓળખ જ નથી. જો તનથી માનવ દેખાતા લોકો જ માનવ હોત તો પછી તેવા માનવો શેતાનને પણ શરમ આવે તેવા અદ્યમ કૃત્યો શા માટે કરી રહ્યા છે ? જો માનવ શરીર જ માનવ મનની ઓળખ હોય તો પછી શા માટે અમાનવીયતાઓ અને પશુતાઓ માણસમાં ચોમેર દેખાઈ રહી છે ? હિંસા, બળાત્કાર, ક્રુરતા, પામરતા, દિનતા, હિનતા અને તેના જેવી નીચ બીજી કેટલીયે પશુતાઓ આચરવા શા માટે એક માનવ અધમ બને છે ?

પશુઓ શારીરિક સ્તલ ઉપર જીવવાવાળા છે. જેથી એક બળદની ઓળખ બળદ છે. એક કૂતરાની ઓળખ કુતરૂં છે. એક શિયાળની ઓળખ શિયાળ છે, એક ઉંદરની ઓળખ ઉંદર છે અને સાપની ઓળખ સાપ છે. એક બળદ બળદની જેમ જ વર્તે છે, અને એક કુતરૂ કુતરાની જેમ અને સાપ સાપની જેમ વર્તે છે. પણ માણસ ? કોઈ બળદ ધાર્મિક કપડાઓ પહેરીને, ટીલા-ટપકાઓ કરીને કોઈને કહેવા જતો નથી કે હું ધાર્મિક થઈ ગયો છું. કોઈ સાપ કોઈ માણસને કહેવા જતો નથી કે હવે હું ઝેર છોડીને તમારો મિત્ર થઈ ગયો છું. પણ એક માનવ માનવના રૂપમાં બીજા માનવોને અને બીજા પ્રાણીઓને સતતપણે છેતરતો આવ્યો છે. માણસે ઉજળા કપડાઓ પહેરીને બળદો સાથે જ અમાનવીયતાઓ અને ક્રૂરતાઓ આચરી છે તેવી ક્રુરતાઓ બળદે માણસની સાથે નથી આચરી.

એક બળદ એના જીવનપર્યંત તેના માલીકની સેવા કરે છે. ઉનાળાનાં ધોમધખતા તાપમાં પોતાની ખાંધ પર સાતિ-સંચનો બોજો વહીને તેના માલીકનું ખેતર ખેડે છે, વાવણી કરે છે. તેના બળદગાડે જોડાઈને તેના માલીકનો તમામ ભાર વહે છે. એ જ આશામાં કે મારો માલીક મને પેટ પુરતું ખાવા આપશે. પણ એનો માલીક માણસ જ્યારે એ જ બળદને કતલખાને મોકલીને તેના એ બળદ શરીરના લોહી, હાડકા અને માંસને વેચીને પોતાનું જ પેટ ભરવા માગે છે ત્યારે એક માનવની અમાનવીતાઓ સમગ્ર માનવજાત ઉપર એક લાંછન લગાડે છે. માનો પશુઓની સમગ્ર જાત ઈશ્વરને પ્રશ્ન કરે છે કે તારી આ દુનિયામાં અમે પશુઓ તો અમારો પશુધર્મ વહન કરીએ છીએ. પણ આ તારો માનવ તેનો માનવ ધર્મ કેમ વહન કરતો નથી ? એક બળદ કહે છે કે હું જ્યાં સુધી માલીકનો બોજો ઉપાડી શકું છું ત્યાં સુધી તો તેનો બોજ વહન કરીને જ મારું પેટ ભરું છું, પણ જે દિવસો મે મારા માલીકનો બોજ સહન કર્યા વગર ખાધું છે તે દિવસોનું ઋણ હું મર્યા પછી મારા માલીક દ્વારા ચમારને વેચવામાં આવતા મારા દેહદાનથી ભબરપાઈ કરી આપું છું. મરેલા બળદનું ચામડું પણ માણસના પગના પગરખા થઈને તેના માલીકની સેવામાં રત થાય છે. પણ એક માણસ છે જે પોતાના લોભ ખાતર એ બળદના મરવાની પણ રાહ જોયા વિના તેને મરવા કતલખાને ધકેલીને કોઈપણ રીતે પોતાનો લોભ સંતોષી લ્યે છે.

શું આવો માનવ એ માનવ દેહમાં કોઈ માનવ છે કે પછી શેતાન ? શું માનવ દેહમાં રહેલા આવા માનવની એક માનવી તરીકેની ઓળખાણ સાચી છે ? જો માનવીની ઓળખ માત્ર માનવ દેહ જ હોય તો તેના જેવી ઓળખાણથી જુઠી અને ભ્રામક ઓળખાણ બીજી કોઈ નથી. નામ અને રૂપની ઓળખાણોએ જે ભ્રમ સર્જ્યો છે તેવો ભ્રમ શાયદ બીજો નથી. નામ છે હસમુખભાઈ અને હોય છે કાયમ શોકમગ્ન. નામ છે અધ્યાત્મદાસ અને હોય છે સતત વ્યહવારદાસ. નામ છે રામદાસ અને હોય છે કામદાસ. નામ છે રામદેવ અને હોય છે બામદેવ. નામ છે શાંતિભાઈ અને તેનું જીવન છે અશાંતિનું બીજુ નામ.

નામ અને રૂપ ધોખો છે. તેથી જ ભર્તૃહરી સાચી ઓળખ આપે છે. ‘‘મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ’’ અહીં માનવાના રૂપમાં માનવ મળવો ખરેખર મુશ્કેલ છે. પણ, મજબુરી છે કે માનવના રૂપમાં રહેલા સાપ, નોળીયાઓ અને કુતરાઓને પ્રથમ તો આપણે માનવ રૂપમાં જ જોવા પડે છે. તેની અંદર છુપાઈને બેઠેલા પશુઓની ઓળખ તો તેના સંસ્કાર જન્ય પરિચયથી જ મળે છે.

આપણે ત્યાં માણસના નામ પાછળ સિંહ લગાડવાની રીત છે. નરેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ વિગેરે. ભગવદ્‌ ગીતામાં ભગવાને ‘‘મૃગાણાં મૃગેન્દ્રોહમ’’ કહીને વનરચરોમાં સિંહને પોતાની વિભૂતિરૂપ ગણાવ્યો છે એટલે સિંહનો વનચરોના રાજા તરીકેનો અહમભાવ આપણને પસંદ પડે છે અને તે આપણે આપણા નામ પાછળ લગાડવા રાજી છીએ. પણ નામની પાછળ કોઈ બીજા પશુઓના નામ લગાડવા રાજી નથી. સિંહનું નામ પોતાના નામની પાછળ લગાડનારાઓમાં પણ જવલ્લે જ કોઈ સિંહ જેવી ખુમારી ધરાવતા હોય છે. ખરેખર જે જેવી પશુતાઓથી ભરેલો હોય તેના નામની પાછળ તે પશુઓના નામ લગાડવાની રીત હોવી જોઈએ.

પરંતુ આવું આપણે કરી શકતા નથી. આપણે જુઠી શિષ્ટાચારી ભાષાઓમાં ઉલજાયેલા લોકો છીએ. તેથી આપણા સમાજના સાપ, છંછુદર, નોળીયા અને વાંદરાઓ પણ ‘ભાઈ’ની અને ‘સિંહ’ની ઓળખાણ લઈને ફરે છે. કોઈને વાંદરી કહેવી એ આપણે ત્યાં ગાળ ગણાય છે. પણ, હકીકતે તે માત્ર ગાળ જ નથી. તે વાસ્તવિક તથ્ય પણ હોય છે. પરંતુ આવા વાસ્તવિક તથ્યોને શિષ્ટાચારવશ દબાવીને જીવવા ટેવાયેલો સમુદાય શિષ્ટાચારવશ પોતાની જ જાતને છેતરતો હોય છે. જેના કારણે પણ એક ડીપ્રેશન ઉભુ થાય છે. મોટાભાગના શિષ્ટાચારી લોકો પોતાની જાતને ડીપ્રેશનમાં લઈ જતા જોવા મળે છે. તેના કરતા દેહાતિ લોકો ઓછું ડીપ્રેશન અનુભવતા હોય છે. જે લોકોએ શિષ્ટાચારવશ વાસ્તવિક તથ્યોને છુપાવવાની કોશિશ કરી છે તેની એ કોશિશ જ સત્ય વિરોધી હોવાથી ડીપ્રેશન આપે છે. આવા લોકો કરતા દેહાતિ વ્યક્તિ પોતાની જાતમાં વધુ ફ્રીડમ અનુભવે છે.

રામકૃષ્ણ પરમહંસ દેહાતિ હતા. તે કોઈ સાથે વાત કરતા હોય કે તેમના પ્રવન આપતા હોય તો પણ જાણ્યે અજાણ્યે તેમાં ગાળો આવી જતી. બગદાણાના પ્રસિદ્ધ સંત બજરંગદાસબાપા પણ તેમના વાક્યે - વાક્યમાં ગાળોને સામેલ કરતા. અનાયાસ તેમના મુખેથી ગાળો નીકળી જતી. મોટાભાગના સાધુપુરૂષો ગાળો બોલતા હોવાનું કહેવાય છે. તેનું કારણ એ છે કે સાધુ સત્યને શિષ્ટાચારવશ દબાવવાની બદલે સ્વિકારવાનું વધુ પસંદ કરે છે. તેનો અર્થ એ ન કરી શકાય કે જે અશિષ્ટાચારી અને ગાળો બોલે છે તે જ સાધુચરિત હોય છે. પણ, તેનો અર્થ એ થાય કે જ્યારે વાસ્તવિક તથ્યો અને શિષ્ટાચાર વચ્ચે જ જો સંઘર્ષ હોય તો સાધુ તે છે કે જે શિષ્ટાચારની બદલે વાસ્તવિક તથ્યને સ્વીકારવા રાજી થાય છે.

અહીં હજારો મનુષ્યાકૃતિઓમાં પશુઓ છુપાયેલા છે તેથી હજારોમાં કોઈ એકાદ માનવ મળે છે, હજારો માનવોમાં કોઈ એક પરમાત્માનો જીજ્ઞાસુ છે, હજારો એવા જીજ્ઞાસુઓમાં કોઈ એક જ્ઞાની છે અને હજારો તેવા જ્ઞાનીઓમાં કોઈ એક ભગવદ્‌તત્વનો પરમનિષ્ઠ ભક્ત છે કે જેેણે એકજ તત્વમાં આ સમગ્ર દુનિયાને જોઈ છે અને દુનિયામાં એક તત્વને.

મારા એક મિત્રએ મને એક દિવસ પૂછ્યું કે તમે ભારતીય શાસ્ત્રોપુરાણોનું જ્ઞાન ધરાવો છો તો એક વાત કહો કે ઋષિ-મુનિઓ તપ કરવા, ઈશ્વર મેળવવા કે કહો કે કોઈ આનંદની શોધમાં જંગલમાં શા માટે જતા રહેતા હતા ? તેમણે એવું પણ પૂછ્યું કે જનક જેવા રાજાઓ તો રાજ્યવૈભવને ભોગવતા-ભોગવતા જ પરમ જ્ઞાન અને પરમ આનંદને ઉપલબ્ધ થયા તેવું પણ ભારતીય શાસ્ત્ર દર્શન કહે છે તો પછી ઋષિઓને વનમાં જવા શું કારણ હતું ? વનના હિંસક પશુઓની વચ્ચે રહી સાધનાઓ કરવા કરતા શહેર અને ગામોની માનવ વસ્તીમાં રહીને સાધના કરવી સારી નહીં ?

મેં તેમના પ્રશ્ન બાબતે કહ્યું કે મિત્ર મને તો એક વાત દેખાઈ છે કે વનમાં ગયેલા ઋષિઓએ નક્કી કર્યું હશે કે માનવ જેવા ક્રુરપશુ સાથે રહીને સાધના કરવા કરતા જંગલી પશુઓ સાથે રહીને સાધના કરવી સારી છે. વળી, જંગલી પશુઓ તેના રૂપ અને દેહથી તેના સંસ્કારોનો તુરત પરિચય આપી દે છે. પણ માણસ એક એવું પ્રાણી છે કે તેના પશુતાના સંસ્કારો માનવ દેહના કારણે જલ્દી ઓળખાતા નથી. તેથી માનવમાં ક્યો પશુ છુપાયેલો છે તેનો પરિચય મેળવતા સમય લાગી જાય છે. ઘણીવાર આ પરિચયમાં જ ધોખો થઈ જાય છે. તેથી જ માનવ પશુઓથી તંગ આવેલા ઋષિઓએ જંગલને જ સાધનાનું શ્રેષ્ઠ સ્થળ માન્યું હશે. જંગલનાં પશુઓમાં રહેલી આત્મચેતનાને તેના ગુણ કર્મોને અલગ કરતા સ્પષ્ટ ઓળખી શકાય તેમ છે. ચૈતન્ય પશુઓની પશુતાથી ભિન્ન છે તેવો પરિચય પશુઓમાં જેટલો જલ્દીથી મેળવી શકાય છે તેટલો માનવ પશુઓમાં મળવો મુશ્કેલ છે.

તેમ છતાં જનક જેવા કોઈ રાજર્ષિઓ માનવ પશુઓની પશુતાઓની બાદબાકી કરતા તેનામાં રહેલા ચૈતન્યને જોઈ શકવા સમર્થ થયા હતા. નિયમ એવો નથી કે જંગલમાં જઈને જ પરમ તત્વની શોધ થઈ શકે છે. સત્ય તો બધે જ ઉપલબ્ધ છે પણ વાસ્તવિક પ્રશ્ન સરળતા અને ગુંચવડાના હતા. પશુઓ હિંસક છે, ક્રુર છે, જડબુદ્ધિના અને ઘાતક છે. પણ જે કાંઈ છે તે તેની પ્રકૃતિને અનુરૂપ છે. માણસ એક જ એવું પ્રાણી છે દગો અને છેતરપીંડી રચે છે. રોંગફુલ પર્સોનેશનનો ગુનો કોઈ પશુઓ ન કરી શકે તે તો માત્ર માનવ જ કરી શકે છે.

કૃષ્ણએ બાળપણ ગાયો, બકરાઓ, ઘેંટાઓ અને બળદોને ચારવામાં વિતાવ્યું. અને તે જ તેના તે પછીના સફળ જીવનનું કારણ બન્યું. ગાય, બળદ, ઘેંટા, બકરા અને વનમાં ફરતા હિંસક પશુઓનો પરિચય મેળવી લીધા પછી જ માણસનો સાચો પરિચય શક્ય છે. ગાયની આંખોમાં જે નિરહંકારત્વ અને પ્રેમ છે તેવો આ ધરતી ઉપર શાયદ કોઈ બીજાની પાસે નથી.

ઉપનિષદની કથા છે કે શ્વતકેતુ નામનો ઋષિપુત્ર શાસ્ત્રાભ્યાસ કરી, તમામ શાસ્ત્રમાં પારંગત થઈ ઘરે આવ્યો. જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના પિતા ઉદ્દાલકે તેના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી હતી કારણ કે તે દિવસોમાં જે અભ્યાસની આખરી ઉંચાઈઓ હતી તેને પ્રથમ નંબરે પાસ કરીને તેનો પુત્ર ઘરે આવતો હતો. ઘરને શણગારવામાં આવ્યું હતું. મહેમાનો અને નિમંત્રિતો બોલાવવામાં આવ્યા હતા. શરણાઈના શૂર રેલાઈ રહ્યા હતા. તેની વચ્ચે જ્યારે શ્વેતકેતુ આવ્યો ત્યારે તેને મળતાની સાથે જ તેના પિતા ઉદ્દાલક ઉદાસીન થઈ ગયા. શ્વેતકેતુએ પૂછ્યું કે પિતાજી આપ ઉદાસીન કેમ છો ? ત્યારે ઉદ્દાલકે પ્રશ્ન કર્યો કે શું શ્વેતકેતુ તે એ તત્ત્વને જાણી લીધું જેને જાણીને બધુ જ જાણી લેવાય છે અને જેને નહીં જાણતા બાકીનું તમામ જાણેલું એક બોજ કે ભારથી વિશેષ નથી. પિતાની આવી વાત સાંભળીને શ્વેતકેતુ અચંબો પામ્યો. તેણે કહ્યું પિતાજી આજે ભારતભરમાં જેટલા કોઈ મહાન શાસ્ત્રો કહેવાય છે તે તમામનો હું જ્ઞાતા થઈને આવ્યો છું. પરંતુ તમે કહો છો તેવી કોઈ વાત મારી જાણમાં નથી. મારે એ તત્વને જાણવા શું કરવું ?

પિતા ઉદ્દાલકે કહ્યું શ્વેતકેતુ, જો તુ એ તત્વ જાણવા માગતો હોય તો આ સામે રહેલી એકસો ગાયઓને લઈને તું વન જતો રહે અને આ ગાયોની સાથે રહે. ગાયોની આંખમાં એ તત્વના દર્શન કરવાનો પ્રયાસ કરજે. આવો પ્રયાસ નિરંતર કરતો રહેશે અને જ્યારે આ એકસો ગાયોમાંથી એક હજાર થઈ જાય ત્યારે તું પાછો આવજે. કથા એવી છે કે વનમાં ગાયો ચરાવતો, ગાયોની સાથે રહેતો શ્વેતકેતુ ગાયની એ મૌન આંખોના દર્શન કરતો-કરતો એ પરમ તત્વને ઉપલબ્ધ થઈ ગયો કે જે તત્વ માત્ર શાસ્ત્રોથી નથી જાણી શકાતું. પરમ ઉપલબ્ધીને પ્રાપ્ત થયેલા પુત્રના દર્શન કર્યા ત્યારે પિતા ઉદ્દાલકથી એ પ્રસિદ્ધ વચન સરી પડ્યા ‘‘તત્ત્વમસિશ્વેતકેતુ.’’

આપણે ત્યાં નાના બાળકોને પંચ તંત્ર, હિતોપદેશ જેવા સુપ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથોમાં તેમજ રુગ્વેદ જેવા વેદો અને ઉપનિષદોમાં અને તેના જેવી નાની મોટી કથા વાર્તાઓમાં આપણે જે જંગલોની, પશુઓની અને વનની વનરાઈઓ અને પ્રાણીઓની કથા ઉપરથી બોધકથા કહેતા આવ્યા છીએ તેનું કારણ જ આ છે કે બાળક જો પશુઓથી પરિચિત થઈ જાય તો પછી તેણે માણસનો સાચો પરિચય મેળવતા વાર ન લાગે. ગ્રીક ભાષામાં પણ ઘણી બધી પૌરાણિક પ્રાણીકથાઓ જોવા મળે છે.

આ પ્રાણી કથાઓએ ખરેખર બોધકથાઓ છે અને પ્રાણીકથાઓ (ફેબલ્સ)થી જેટલો ચોટદાર બોધ થઈ શકે તેટલો અન્ય રીતે થઈ શકે તેમ નથી. જે બાળક પ્રાણી કથાઓથી પરિચિત થયું હોય તે જ્યારે મોટું થયા પછી કોઈની અંદર ફુંફાડા મારતો ક્રોધ જોવે ત્યારે તે યુવા થયેલું બાળક પરિચય મેળવી લ્યે કે બસ, આ વાર્તામાં સાંભળેલા સર્પ જેવું એક પ્રાણી માનવના રૂપમાં છુપાઈ ગયું છે. કોઈ વારા-ઘડીએ ઉછળ કુદ કરતું હોય ત્યારે ઓળખી લેવાનું કે પ્રાણી ઝાડની ડાળીએ ડાળીએ કુદતા કુદતા આવેલું છે. કોઈ મળ-મૂત્રની ગંદકીઓ પસંદ કરતું હોય, ગંદકીને જ પોતાનો ખોરાક બનાવીને જીવવાનું પસંદ કરતું હોય ત્યારે સમજી લેવાનું કે આ જ સૂવર છે.

કોઈ જ્યારે કોઈ વ્યક્તિ માટે કાપ-કૂપની પ્રવૃત્તીઓ કરતું ત્યારે સમજવાનું કે આ જ ઉંદર છે. કોઈ હિંસાને જ પોતાના હૃદયમાં રાખીને ફરતું હોય ત્યારે સમજવાનું કે આ જ ક્રુર શિયાળ અને લોમડી જેવા પ્રાણીઓનો અવતાર છે. કોઈ કારણ વગર કોઈની ઘોર ખોદવાના કામ કરતા હોય ત્યારે સમજવાનું કે આ ઘોરખોદીયાનો અવતાર છે. જ્યારે સમાજની ભીડભાડમાં આંધળા બનીને ચાલતા લોકો એક બીજાની પાછળ ચાલનાર ઘેટા-બકરા છે.

આત્મરૂપની કોઈ સમજણ કે કરૂણા વગર અને ઘરના કામોમાં દિવસ રાત રચ્યા-પચ્યા રહી ખાવા-પીવાને અને સુવાને જ જીવન માનતા લોકો સાતિસંચ અને બળદગાડાએ જોડનારા બળદો છે.

સિંહના કરેલા મારણમાંથી એંઠું વધેલું ખાવાની વૃત્તિઓ વાળા શિયાળ અને કૂતરાઓ છે. પોતાના સ્વભિમાન વગર પારકું અન્ન ખાનાર લોકો હડધૂત થતાં કુતરાઓ છે. સમાજમાં પ્રતિષ્ઠાના ઉંચા સ્થાને ગયા પછી પણ વાસનાની નીચી નજર રાખનારા ગીધની જેમ ઉંચી ઉડાન ભરનારા પણ દૃષ્ટિ મુડદાઓ ઉપર રાખનારા ગીધ છે.

રાત-દિવસના રૂપમાં આયુષ્ય કાપી રહેલા કાળની ગતિને જાણ્યા વગર વાસના તૃપ્તી માટે વિવિધ કામનાઓનો લીલો ચારો ચરી રહેલા હરણો છે. પોતાની કર્કશ વાણીથી બીજાને દુઃખ પહોંચાડનારા કાગડા, હોલા અને કાબર છે. પોતાની વિષ ભરેલી વાણીથી બીજાને આઘાત પહોંચાડનારા ઉલ્લુ (ઘુવડ) અને ચિબરી છે.

ગળામાં માળાઓ નાખીને, ટીલા ટપકા કરીને મંદિરો અને દેવસ્થાનોમાં જઈને પણ ખરાબ નજર રાખનારા માછલી માટે ધ્યાન કરી રહેલા બગલા છે. પોતાના નાના એવા સ્વાર્થ માટે બીજાનું ગમે તે બગાડવામાં વિચાર નહીં કરનારાઓ ઉંદર અને બિલાડીઓ છે.

સ્ત્રીઓમાં સતત વાસનામય નજર રાખનાર શિંગડાવાળા બકરા છે. પોતાના સ્વાર્થ માટે સંબંધો અને સગપણને ભૂલી જનારા નાગણ છે કે જે પોતાનું પેટ ભરવા માટે પોતાના જ પેટેથી જન્મ પામેલા બચ્ચાને ખાઈ જઈ પોતાનું પેટ ભરે છે.

પોતાની ફરજોમાં બેદરકાર અને ડફણા ન મારો ત્યાં સુધી નહીં ચાલનારા ગધેડા છે. કારણ વગર ગમે ત્યારે ગમે તેને નુકશાન કરવાની ભાવનાવાળા હડકાયા કુતરા છે. જેમ સાપ પોતાની પુછડી ઉપર ભુલથી પણ કોઈનો પગ પડતા તુરત છંછેડાઈને પોતાની ઝેર ભરેલી દાઢોથી ડસી લે છે તેમ ઘણા માણસ સાપો છે જે પોતાના ઉપર કરેલા હજારો ઉપકારોને ક્ષણમાં ભૂલી જઈ ક્રોધથી ડસી જાય છે.

આ સમાજનાં જંગલમાં ફરતા માનવ પશુઓમાં દેહ માનવનો છે. પણ મન અને બુદ્ધિ પણ માનવના હોય તેવા તો હજારો મનુષ્યે કોઈ એકાદ મળે છે. બાકી તો આ સમાજ પશુઓથી ભરેલો છે. દેહની ઓળખાણથી ઉપર ઉઠીને જે અંદરની ઓળખાણ માટે દૃષ્ટિ ઉઘાડે છે તે જ સાચી ઓળખ મેળવે છે. જે સાચી ઓળખ નથી મેળવતા તે આવા માનવ પશુઓના હાથે છેતરાય છે અને કમનસીબ યાતનાઓ અને મોતને ભેટે છે.

અહીંયા જે પોતાની જાતને નથી ઓળખતો તે કોઈને ઓળખી શકતો નથી. આપણી બધી જ ઓળખાણો ઉપર-ઉપરની છે. જ્યારે આપણે બીજાને જોઈએ છીએ ત્યારે બીજાનું શરીર દેખાઈ છે. આપણા શરીરથી આપણે બીજાનું શરીર જ જોઈ શકીએ છીએે તે પણ માત્ર બહારનું કારણ કે અંદરનું શરીર આપણે પણ જોયું નથી તેથી અંદરના શરીરથી આપણે પરિચિત ન હોવાથી બીજાનું શરીર અંદરથી શું છે તે આપણે ઓળખી શકતા નથી. બીજાના શરીરની તો વાત જવા દો વ્યક્તિ પોતાના શરીરને પણ અંદરથી ઓળખતો નથી. આપણું શરીર અંદરથી શું છે ? તે જાણવા આપણે એક એવા વ્યક્તિની મદદ લેવી પડે છે જેણે શરીરને અંદરથી જાણ્યું છે. ડૉક્ટરે તેના શરીર શાસ્ત્રના અભ્યાસથી શરીરને અંદરથી જાણ્યું છે. તેથી એક ડૉક્ટર આપણા શરીર માટે તે અંદરથી કેવું છે તે બતાવી શકે છે.

આ જગતમાં બધાને જાણનાર તત્વ તો એક જ છે. તે જ બધાને જાણે છે, જુવે છે અને અનુભવે છે. તે છે આત્મા. તે છે ચૈતન્ય. તેથી જેણે પોતાની ચેતનાનું સ્તર જ્યાં સુધી ફેલાવ્યું છે તે ત્યાં સુધીનો દૃષ્ટા છે. ત્યાંથી આગળ નીરખવા તે અશક્ત છે. તે ચેતનાએ પોતાની જાત છે તેમ શાસ્ત્રોમાં વર્ણવાયું છે. વ્યક્તિ જ્યારે પોતાની જાતને કે પોતાના આત્માને જાણે છે ત્યારે તે બધુ જ જાણે છે પરંતુ જ્યારે તે આત્માને નથી જાણતો ત્યારે તેના જાણવાની અને ઓળખની અનેક મર્યાદાઓ બને છે. વ્યક્તિ પોતાની જાતમાં જે નથી જોઈ શકતો તે બીજાની જાતમાં ક્યારેય નથી જોઈ શકતો.

જે પોતાના ચૈતન્યથી મનને જાણે છે તે પોતાના અને બીજાના એમ બધાના મનનો જાણનાર થાય છે. જે પોતાની બુદ્ધિને ચેતનાથી જાણે છે તે પોતાની અને બીજાની એમ સર્વની બુદ્ધિનો જાણનાર થાય છે. જે પોતાના ભાવોને આત્માના સાક્ષીપણાથી જાણે છે તે બીજાના ભાવોને પણ સાક્ષીપણાથી જાણે છે. પરંતુ જે આ તત્વથી અવગત નથી તે આંધળો છે.

ચેતનાથી બધુ જ જાણી શકાય છે. પરંતુ સ્વયં ચેતનાને જાણવા માટે વ્યક્તિએ પોતાની જાતમાં ઉતરવું પડે છે. પોતાની જાતમાં જ્યારે કોઈ સત્યને જાણે છે અને તે સત્યનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે જ સત્યને પોતાના આત્માની ઉપમાંથી બહાર પણ જાણે છે અને તેનો પણ પ્રત્યક્ષ અનુભવ પણ કરે છે. તે સિવાય કોઈ સાચી ઓળખ નથી. અજીબ વાત છે કે ચૈતન્ય વિષે મનુષ્ય શંકા કરે છે કે તે છે કે કેમ ? જે ચૈતન્ય સ્પષ્ટરૂપે ઈન્દ્રિયો, મન કે બુદ્ધિનો વિષય નથી. જેનું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ નથી તે જ ચૈતન્ય સાચી ઓળખ ? પરંતુ તે જ સતય છે. મનુષ્ય ચાહે લાખ પ્રયાસો કરી બીજી ઓળખો ઉભી કરવાના પેતરાઓ રચે. પણ કોઈ કામ આવતા નથી.

દુનિયાદારી ઓળખો એક ધોખો છે. બહારથી જગતને જોતા લોકો વિવિધ દૃષ્ટિઓમાં ભમે છે. તેથી જીવનભર સાથ રહેનારા વ્યક્તિપણ આપણને ઓળખી નથી શક્યા તેવો અહેસાસ ક્યારેક ને ક્યારેક અવશ્ય થાય છે. અહીં પત્નીઓ પતિ પાસે ધોખો કરતી જોવા મળે છે કે તમે મને ઓળખી ન શક્યા ? તો કોઈ પતિઓ પણ તેવો ધોખો કરે છે. મિત્ર-મિત્ર પરસ્પર ધોખો કરે છે. મા-બાપ-દિકરાઓ ધોખો કરે છે.

આ એક જ જગત ક્યારેક આપણને સુખપ્રદ તો ક્યારેક આપણને દુઃખપ્રદ પ્રતિત થાય છે તેવું કેમ ? જો આ જગત સુખપ્રદ હોય તો દુઃખ થવું અશક્ય છે. અને જો દુઃખપ્રદ જ હોય તો સુખપ્રદ પ્રતિત થવું અશક્ય છે. તેમ છતાં સહુ કોઈનો એ અનુભવ છે કે જગત ક્યારેક સુખપ્રદ તો ક્યારેક દુઃખપ્રદ છે. આખા જગતની વાત છોડી એ તો એક વ્યક્તિ કે જે ક્યારેક આપણને પ્રિતીકર લાગે છે તે જ ક્યારેક આપણને અપ્રિતીકર ભાસે છે. કોઈ વસ્તુ ક્યારેક આપને ભાવ થાય છે તો ક્યારેક આપણને તે જ વસ્તુ ઉપર અભાવ થાય છે. જો વસ્તુમાં જ તેનું સત્ય છુપાયેલું હોય તો કોઈ પરિવર્તન સંભવ નથી પરંતુ ખરી હકીકત એ છે કે વ્યક્તિઓના બાહ્મરૂપમાં કે વસ્તુ પદાર્થોના બાહ્મ રૂપમાં કોઈ સત્ય નથી. તેનું સત્ય તો અંતરમાં છુપાયેલું છે.

જ્યારે વ્યક્તિ કોઈ પદ-પ્રતિષ્ઠા ઉપર હોય છે ત્યારે અને જ્યારે તે પદ પ્રતિષ્ઠાથી ઉતરી પડે છે ત્યારે તેને પોતાની ઓળખાણનો લોકોની આંખોમાં જે ભેદ દેખાઈ છે તે સ્પષ્ટ કરે છે કે તેને અંતરથી જાણનારું હજું સુધી કોઈ મળ્યું જ નથી. મોટાભાગની દુનિયા આંધળી છે. તેની પાસે અંતર દૃષ્ટિ નથી. તેણે પોતાના ચૈતન્યનો વિકાસ કર્યો નથી. તેણે પોતાના ચૈતન્યને અંદરથી જાણ્યું નથી તેથી વ્યક્તિઓ જે પોતાની જાતમાં નથી જોઈ શકતા તે બીજાની જાતમાં પણ નથી જોઈ શકતા.

વ્યક્તિ જેવો છે તેવું જ જુવે છે, તેવું જ તે સાંભળે છે, તેવું જ તે વિચારે છે અને અંતે તેવું જ તે અનુભવે છે કારણ કે જોવા-જાણવા અને અનુભવવા માટે વ્યક્તિ પાસે બીજો કોઈ માર્ગ નથી. સિવાય કે તેની ચેતના. સિવાય કે તેનો અંતરાત્મા. તેથી કૃષ્ણ જેવા વ્યક્તિત્વો વ્યક્તિની નામ-રૂપની ઓળખથી નથી ઓળખતા પણ ચેતનાથી જ ઓળખે છે.

કૃષ્ણ મૂઢ લોકો માટે મૂઢાત્મા શબ્દનો ઉપયોગ કરે છે તો ક્યારેક ‘સ્તાન વિદ્ધીનષ્ટાન ચેતસ’ કહી નષ્ટપ્રાય ચેતનાવાળો તેવો શબ્દનો પ્રયોગ કરે છે. હકીકતે આત્મા પ્રત્યે જ મૂઢભાવથી ભરાયેલો છે તે પોતે જ મૂઢાત્મા છે અને જે વ્યક્તિમાં ચૈતન્યનો કોઈ બોધ રહ્યો નથી તે જ વ્યક્તિ નષ્ટચેત છે. કૃષ્ણ વ્યક્તિની ઓળખ ચેતનાથી આપે છે જ્યારે આપણે વ્યક્તિની ઓળખ મેળવવા માટે નામ, રૂપ, પદ, પ્રતિષ્ઠા, પૈસા, કર્મો, વ્યવહાર વિગેરે જોવાનો પ્રયાસ કરીએ છીએ.

વિવેકાનંદ જ્યારે પરદેશ ગયા ત્યારે વિવેકાનંદને રહેવા અને જમવા માટેની પણ સારી સગવડો નહોતી મળી. એક નાના એવા ટેન્ટમાં ગણગણી રહેલા મચ્છરો અને કડકડતી ઠંડીમાં ભારતના ધર્મ પ્રતિનિધીઓએ રાત વિતાવી હતી. તેના કારણે બીજા દિવસે વિવેકાનંદ ધર્મ પરિષદમાં દાખલ થવા માટે તેમને અપાયેલું કાર્ડ સાથે લેવું પણ ભુલી ગયા હતા. મહામુસીબતે પરિષદના સંચાલિકા એક મેડમને કરવામાં આવેલી વિનંતીથી શિકાગોમાં જે કોસમોસ હોલની ધર્મ પરિષદને સંબોધવાની હતી તે પરિષદમાં તેમને પાંચ મિનીટનો સમય ફાળવામાં આવ્યો હતો. તે પણ એટલા માટે કે આયોજકોને કોઈ એમ ન કહે કે તેમણે ભારતીય હિન્દુ ધર્મને કોઈ સ્થાન નહોતું આપ્યું. ભારતીય હિન્દુ ધર્મને પ્રતિનિધિત્વ આપ્યું છે તેવું દુનિયાને દેખાડવા માત્રના ઈરાદે વિવેકાનંદને પાંચ મિનીટ ફાળવવામાં આવી હતી.

જો વિવેકાનંદ ભારતીય હિન્દુ ધર્મના પ્રતિનિધી ન હોત તો તે પણ તેમને ન ફાળવાઈ હોત. પરંતુ એક વખત લોકોએ વિવેકાનંદને સ્વિકાર્યા અને વિવેકાનંદનું નામ ઉભર્યું પછી વિવેકાનંદના નામે ધર્મ પરિષદો યોજાવા લાગી. વિવેકાનંદ પરદેશમાં સફળતા હાંસીલ કરીને આવ્યા પછી ભારતના ધર્મ ગુરૂઓએ જે તેમને સન્માન આપ્યું તે સન્માન વિવેકાનંદને પહેલચા નહોતું મળ્યું. ખરી હકીકત એ હતી કે જે સન્માન અપાયું તે વિવેકાનંદને નહીં પણ વિવેકાનંદના ખ્યાતિપૂર્વક ઉભરી આવેલા નામને હતું. જો કે વિવેકાનંદ એક સાચા સાધુ હોવાના કારણે તે તેવા સન્માનથી ક્યારેય અંજાયા ન હતા. પરંતુ લોકોએ જે વિવેકાનંદને ઓળખ્યા તે વિવેકાનંદ તો વિવેકાનંદની પોતાની જાતની અલગ હતા.

અહીં લોકો નામને, પ્રતિષ્ઠાને, રૂપને, પૈસાને, મોભાને ઓળખી શકે છે પણ અંતરને કોઈ ઓળખતું નથી કારણ કે મોટાભાગના લોકો અંતર સુધી ગયા જ નથી. તેથી અંતર શું છે તે બાબતથી તેઓ અજાણ છે. બાહ્ય દૃષ્ટિમાં ભમનારા લોકો અંતરના સત્યથી સદાસર્વદા અજાણ છે. જેથી આ જગત તમે ક્યારેક સાચા હોવા છતાં તમને ખોટા માને છે. પવિત્ર હોવા છતાં તમને અપવિત્ર માને છે અને તમે મિત્ર હોવા છતાં તમને દુશ્મન માને છે. જો આમ બની શકતું હોય તો એક સિક્કાની બે બાજુઓ હોવાના ન્યાયે ખોટા લોકોને પણ લોકો સાચા હોવાનું, દુશ્મનને પણ મિત્ર સમજવાનું ભૂલથી માનતા રહે છે. જ્યાં સુધી પોતાના ચૈતન્યની ઓળખ ઉઘડી, અંતરના અગાધને સ્પર્શ કરતી નથી ત્યાં સુધી મનુષ્યની ઓળખાણો છીછરી પામરતાઓમાં ભટકતી રહે છે અને અનેક ધોખાઓ ખાતી રહે છે. જેથી આ દુનિયાના વાસ્તવિક સત્યને ઓળખવા માટે બહાર નહીં પણ અંતરમાં નિરખવું જરૂરી છે.

પરંતુ માણસ પોતાની અંદર પડેલા દોષોના કારણે સાચી ઓળખ મેળવી શકતો નથી. એટલું જ નહીં પણ માણસના કામ અને લોભના દોષો એટલી હદે અંતરમાં વણાઈ ચુકેલા છે કે માણસ સાચી ઓળખ મેળવવા પણ નથી માગતો. તેથી જ લોકો ખોટાની પાછળ લાગેલા છે.

હસરત જયપુરી હિન્દી ફિલ્મોના એક સારા ગીકાર થઈ ગયા. તેના શરૂઆતના દિવસોમાં તે ફિલ્મોમાં કામ મેળવવા માટે પ્રોડ્યુસર-ડાયરેકટરોના ઘરે ધક્કાઓ ખાતા હતા. ક્યારેક કોઈ મહેરબાનીથી તેમને ઉપકારક ભાવથી કામ આપતું. તેમના એક મિત્ર બીજા ફિલ્મી ગીતકાર હતા શૈલેન્દ્ર. એક વખતે શૈલેન્દ્રએ તેમની મજાક કરી. એપ્રિલ મહિનાની પહેલી તારીખે તેમને એપ્રિલફૂલ બનાવવા માટે તેમણે હરસત જયપુરીને એક પત્ર લખ્યો અને તેમાં તેમને ઉત્તરપ્રદેશના કવિ અને સાહિત્યકારો તરફથી એક ઍવોર્ડ અપાશે તેમ જણાવી તે પત્ર પોસ્ટ કર્યો.

હસરત જયપુરીને તે પત્ર મળતા તે આનંદ વિભોર બની ગયા અને તે જ દિવસે તેમણે એ પત્ર સમાચાર પત્રવાળાને જાણ કરીને તે અંગેના સમાચારો છપાવી નાખ્યા. બીજા દિવસે તમામ અખબારોની તે ખબર બની ગઈ. પછી હસરત જયપુરીએ તેના મિત્ર શૈલેન્દ્રને પત્ર અંગે ખુશીથી જાણ કરી. અખબારોના સમાચાર અને મિત્રની ખુશી વચ્ચે શૈલેન્દ્ર બોલી ન શક્યા કે આ પત્ર તો તેમણે એપ્રિલફૂલ બનાવવા મોકલ્યો હતો. પરંતુ આ ખોટા સમાચારોથી એક વાત બની. જે હસરત જયપુરી ફિલ્મી પ્રોડ્યુસરોને ત્યાં ધક્કા ખાતા હતા તે પ્રોડ્યુસરો હસરત જયપુરીના ઘરની બહાર લાઈન લગાવીને કામ આપવાની રાહમાં બેસી ગયા. ફિલ્મી દુનિયામાં હસરત જયપુરીનો સિતારો બુલંદ બની ગયો. થોડા દિવસોમાં હાલત એ થઈ કે જે કામ શૈલેન્દ્રને મળતા હતા તે પણ હસરત જયપુરીને મળતા થઈ ગયા. થોડા દિવસ બાદ બંને મિત્રો મળ્યા ત્યારે વાતની ચોખવટ થઈ. પરંતુ એપ્રિલફૂલના અસત્યને હસરત જયપુરીની લાઈફ બદલી નાખી હતી. તેથી તેની સાથે ખોટું થયાનો તેમને કોઈ રંજ ન હતો.

લોકો જેટલા નામ, રૂપ, પદ અને પ્રતિષ્ઠાને પૂજે છે તેટલા સત્યને નથી પૂજતા. પરંતુ અસલી ઓળખ તો સત્યની જ છે. જો હસરત જયપુરી એક સારા ગીતકાર ન હોત તો તેમના ગીતો લાંબા ન ચાલી શકેત. તેમના ગીતો તેમની એક આગવી અદાથી ચાલ્યા હતા. જે શબ્દોએ અંતરની ચેતનાનો સ્પર્શ કર્યો હતો.

લોકો સત્યને સીધુ પારખી શકતા નથી. તેથી સત્યા-અસત્યનો ખેલ ચાલતો રહે છે. લોકોની નજર તેની છીછરી ચેતનાના કારણે ધોખો ખાતી હોવાથી અહીંયા ઢોંગીઓ પણ ધર્મગુરૂ થઈને બેઠા છે. લુટારા નેતા થઈને બેઠા છે. પાપીઓ સજ્જન થઈને ફરી રહ્યા છે. વ્યભિચારીઓ સાધુ બનીને પૂજાઈ રહ્યા છે. ખોટા સિક્કાઓ ચાલી રહ્યા છે તો ક્યાંક સાચા સિક્કાઓ ધૂળ ખાઈ રહ્યા છે. આ વિચિત્રતાઓ સત્યને નહીં સમજી શકનાર લોકોના કારણે છે.

જ્યારે કોઈ અંતરમાં રહેલા એ સત્યને જાણી લે છે ત્યારે તે જ અંતરનું સત્ય ચોમેર ફેલાયેલું હોવાથી અંતરમાં જાણેલા સત્યની ઉપમાંથી બહારના જગતનું સત્ય જાણી શકાય છે. કૃષ્ણ કહે છે ‘‘આત્મોપમ્યૈન સર્વત્ર સમંપશ્યતિ યોર્જુન’’ પોતાના આત્માની ઉપમાથી જ્યારે જગતને જોવામાં આવે છે ત્યારે તે પરમ સત્યના પ્રકાશથી બધું જ સ્પષ્ટ થાય છે. વ્યક્તિને આ જગતની સાચી ઓળખ ત્યારે જ મળે છે.

મોટાભાગનો જન સમુદાય જે કૃષ્ણને ઓળખે છે તે કૃષ્ણ કાં તો પથ્થરની મૂર્તિનો ઘડાયેલો સુંદર પથ્થર છે, કાં તો કેનવાસ પર ચિત્રિત ચિત્રરૂપ છે. કાં તો સંપ્રદાયોની બ્રાન્ડની છાપ લગાડવામાં આવેલ છે. નવાઈની વાત તો એ છે કે એક બ્રાન્ડવાળા કૃષ્ણને માનનારા લોકો બીજી બ્રાન્ડના કૃષ્ણની પણ ટીકા કરે છે. આવા સંપ્રદાયો કૃષ્ણનું અસલ સ્વરૂપ ક્યારેય સમજાવી નહીં શકે.

કૃષ્ણને જો અસલ સ્વરૂપમાં ઓળખવા હોય તો ભગવદ્‌ગીતા સિવાય એ શક્ય નહીં બને. કૃષ્ણના કર્મયોગને આત્મસાત કરવા ભગવત ગીતાનું રસપાન કરવું જોઈએ. અને તેના શ્લોકના મર્મોને અંતરથી સમજવા પ્રયાસ કરવો જોઈએ. અથવા તો જ્યાં કૃષ્ણ ચરિત્રનું રસપૂર્ણ વર્ણન છે તેવા શુકદેવજીના મુખેથી ગવાયેલા શ્રીમદ્‌ ભાગવતમાં દૃષ્ટિ કરવી જોઈએ. જ્યાં જીવનના દેરક કર્મોએ કર્મયોગ રચ્યો છે. જે કૃષ્ણએ દુઃખમય જીવનને સુખપૂર્વક જીવવાનો રાહ બતાવ્યો છે તેવા યોગીપુરૂષ, જે કૃષ્ણને બ્રહ્મતત્વને જાણનારાઓ વિશ્વરૂપ જુવે છે તથા પ્રાણીમાત્રના દેહ અને ઈન્દ્રિયોના ઈશ્વરરૂપ જુવે છે, જે કાલસ્વરૂપ, ભગવદ્‌ સ્વરૂપ અને સર્વત્ર વ્યાપક થઈ સત્વ, રજસ અને તમસ રૂપ પ્રકૃતિના વિકારોથી પર છતાં પ્રકૃતિરૂપ છે તેવા પરમ કલ્યાણકારી વાસુદેવ શ્રીકૃષ્ણને નમન સહ.

***