સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 7

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૭ - નિંદ્રાવસ્થા

જેની જાગૃતિ ઠીક નથી તેની સુસુપ્તિ પણ ઠીક નથી અને જેની સુસુપ્તિ ઠીક નથી તેની નિંદ્રા પણ ઠીક રહેતી નથી. પશ્ચિમના દેશો જે અનિંદ્રા વેઠી રહ્યા હતા. તે અનિંદ્રાનો રોગ હવે ભારતમાં પણ બેકાબુ બનતો જાય છે. આ અંગે રીસર્ચ કરનારી સસ્થાઓનું કહેવું છે કે આજે દુનિયાના લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા લોકો અનિંદ્રાના રોગથી પિડીત છે. રાત્રે નિંદ્રા નહીં આવવાની તકલીફ આજે કરોડો લોકોમાં વ્યાપી ચૂકી છે. આ માટેની હજારો સંસ્થાઓ અને રીસર્ચ ઈન્સ્ટીટ્યુશનો સંશોધન કરી રહી છે અને તેની હજારો વેબસાઈટો પણ ચલાવી રહી છે.

નિંદ્રા ઉપરના અનેક સંશોધનો છતાં નિંદ્રા માટેનો ચોક્કસ ઉકેલ શોધી શકાયો નથી. નિંદ્રા માટે જે ગોળીઓ ઉપલબ્ધ છે તે એટલી આડ અસરો ધરાવે છે કે સામાન્ય રીતે ડૉક્ટરો પણ આ ગોળીઓના ઉપયોગમાં ખચકાટ અનુભવે છે. જો કોઈ વ્યક્તિ એક સાથે વધારે ઉંધની ગોળી ખાઈ લેતો મોત પણ નીચજાવી શકે તેટલા ઝેરવાળી ગોળીઓ છે. બીજી બાજુ ડૉક્ટરો મિનીમમ છ કલાકની નિંદ્રા માટે કહે છે. અનિંદ્રાને બીજા અનેક રોગોનું કારણ પણ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ અનિંદ્રાથી ગભરાયેલો છે. જો થોડા દિવસ પણ ઉંઘ ન આવે તો વ્યક્તિ ચારે બાજુથી ચિંતામાં ઘેરાઈ જાય છે. ચીનમાં જ્યારે રાજાશાહી ચાલતી ત્યારે ચીનની મોટામાં મોટી સજા કેદીને સુવા ન દેવાની હતી. કેદીને એવી હાલતમાં રાખવમાં આવતો કે કેદી કોઈપણ રીતે સુઈ ન શકે. અનિંદ્રાને તે સજાના રપે જોતા હતા.

માણસ દિવસભર જે વ્યર્થ, ખોટી અને અનેક માથાપચ્ચીઓથી ભરેલી પ્રવૃત્તિઓ કરે છે અને તેનાથી જે અંતર સમતુલન બગાડે છે તેને પ્રકૃત્તિ નિંદ્રાથી ઠીક કરી લ્યે છે. પરંતુ જે લોકો પ્રકૃત્તિને વિકૃત બનાવવાની સાધનામાં લાગ્યા છે અને જેની વિકૃત આપાધાપીઓ ચાલુ રહે છે તેની આપાધાપીઓ જ તેને ખાઈ જવા તપ્તર થઈ જાય છે.

નિંદ્રાએ કવચ છે. ભગવદ્‌ ગીતામાં કૃષ્ણ સમ્યક નિંદ્રાનું પણ સ્વાગત કરતા જણાય છે. જેના જાગૃતિ, નિંદ્રા અને સ્વપ્ન આ ત્રણેય એક બીજાના સઃપ્રમાણ રહે છે તે વ્યક્તિને આ સમ્યક્તાથી ઉભો થયેલ યોગ કંટાળો, એનેક્ઝાઈટી, વરી, સ્ટ્રેસ, ઉદાસી, ચિડીયાપણું, ચિંતાઓ, ભય વિગેરે જેવા તમામ દુઃખોને હરી લ્યે છે.

તે સાથે એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે નિંદ્રા ન આવવી એ દરેક વખતે રોગ છે, અથવા તો ચિંતાનો વિષય છે તેમ માનવું પણ જરૂરી નથી. સામાન્ય રીતે આપણે ત્યાં લોકો નિંદ્રા ન આવવાની તકલીફને રોગ માને છે, અથવા તો નિંદ્રા ન આવવાની કોઈ ફરીયાદ કરે ત્યારે પહેલો સવાલ તમારે શું ચિંતા છે ? શું ટેન્શન છે ? તેવો થતો હોય છે. જીવનના વિવિધ પાસાઓને જીવતો કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે અનિંદ્રાનો સામનો ન કર્યો હોય. અમુક પરિસ્થિતિઓ એવી છે કે જેમાં નિંદ્રા ન આવવી સ્વાભાવિક છે.

લાગણીઓ અને સંબંધના તાંતણે બંધાયેલા માણસ માટે તે સ્વભાવિક વાત છે. જેમ કે નજીકના સ્નેહી માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પતિ, પુત્ર, પુત્રી વિગેરેની સાથેના સંબંધોની ભાવનાત્મક્તામાં કોઈ ઠેસ પહોંચી હોઈ, કોઈની તબિયત ગંભીર રીતે ખરાબ હોય, કોઈને કોઈ આકસ્મિક બિમારીઓ લાગું પડી હોઈ, કોઈ અકસ્માત સર્જાયો હોય. કોઈ અપમૃત્યુ કે દુઃખદ ઘટના બની હોઈ. તો તેવી પરિસ્થિતિમાં નિંદ્રા ન આવવી સ્વાભાવિક છે. વળી આજની વિકાસની દોડના ભાગમભાગ વાળા સમયમાં કોઈ પાછળ રહેવા માગતું નથી. તેથી શારીરિક કે માનસિક પ્રવૃત્તિઓનો અતિરેક પણ અનિંદ્રામાં લઈ જાય છે.

વિવેકાનંદ જેવા વ્યક્તિઓને પણ અનિંદ્રા અને બિમારીઓનો ભોગ બનવું પડ્યું હતું. વિવેકાનંદ તેમના સેન્સેટીવ સ્વભાવના કારણે ઘણી રાતો સૂઈ શક્યા ન હતા તેવીો વાત બંગાળના લેખક શંકરે તેમના પુસ્તકમાં કરી છે. બંગાળમાં પડેલા અકાળમાં જ્યારે ખોરાક અને પાણીના અભાવે નાના બાળકો અને યુવાનોને મોતને ભેટતા જોયા ત્યારે વિવેકાનંદે ખુબ દુઃખી થયા હતા. વિવેકાનંદે લખેલા વિવિધ પત્રોના આધારે વિવેકાનંદને નાની ઉંમરમાં પેટનો દુખાવો, માથાનો દુખાવો અને હૃદય રોગ જેવી બિમારીઓ સાથે અનિંદ્રાનો પણ સામનો કરવો પડ્યો હતો.

તે જ રીતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમના અભ્યાસના લેન્ધી કોર્ષ અને ગળાકાપ ઉંચા મેરીટસની સ્પર્ધા, બિઝનેસમેનને કોમ્પીટીશનના જમાનામાં પોતાના ધંધાને આગળ વધારવાની ચિંતા પણ અનાયાસ અનિંદ્રા લાવે છે. તેમજ ધ્યાન, તત્વ ચિંતન, સ્મરણ કે અન્ય રીતે સાધના કરતા સાધકો માટે પણ શરૂઆતી સમય એવો હોય છે કે જ્યારે તેઓને નિંદ્રા નથી આવતી. કબીર સાહેબ લખે છે :-

સુખિયા સબ સંસાર હૈ જો ખાવે ઔર સોવે,

દુઃખિયા દાસ કબીર હૈ જો જાગે ઔર રોવે

કબીર સાહેબની આ પંક્તિઓ એ વાતની સાક્ષી પુરે છે કે ભલભલા તત્વચિંતકો અને સાધકોના જીવનમાં અનિંદ્રાએ તેમને ક્યારેક ને ક્યારેક સતાવેલા છે. અંતઃકરણનું જાગરણ સાધતો સાધક જ્યારે પ્રાથમિક તબક્કાઓમાં અંતઃકરણને ટટોળે છે ત્યારે નિંદ્રા આંખની પલકો પર ઉભી રહીને અળગી રહે છે. આ રીતે નિંદ્રા ન આવવી તે કોઈ રોગ નથી. અથવા તો ચિંતાનો વિષય નથી. જીવનમાં કુંભકરણ થઈને સૂઈ રહેલા લોકો કરતા એ સારું છે. અંતઃકરણની જાગૃતિ માટે જેણે નિંદ્રા ખોઈ છે તે અંતઃકરણના શુદ્ધ થવાની સાથે ફરીને જાગૃત, સ્વપ્ન અને નિંદ્રાની અવસ્થાઓમાં સંમતુલન મેળવી લેશે, પણ જે દરેક પરિસ્થિતિમાં સુઈ જ રહ્યા છે તે તો મૃત્યુની મહાનિંદ્રા સુધી પણ સુતેલા જ રહેશે.

દુઃખની એ બાબત છે કે અનિંદ્રા સંબંધી જે કોઈ ખોટા પ્રચાર પ્રસાર છે તેનાથી તો વ્યક્તિ બેબાકળો બની જાય છે. અનિંદ્રા માટે જે માન્યતાઓ સમાજમાં પ્રસરી રહી છે તેથી તો વ્યક્તિ તેને અનિંદ્રા છે તેવી વાત કરતા પણ ગભરાઈ છે કારણ કે જો કોઈ સાંભળી લેશે તો ટીકાપાત્ર થશે તેવો ભય પણ રહે છે. જેના પરીણામો યોગ્ય માર્ગદર્શન વગર લોકો રાત્રે નિંદ્રા લેવા જેટલી કોશિશ કરે છે તે કોશિશો જ તેમની નિંદ્રાની વિરોધી બની જાય છે કારણ કે નિંદ્રા એક એવી સ્થિતિ છે કે જેમાં નિંદ્રા લેવાનો પ્રયાસો જ બાધા રૂપ બનતા હોય છે.

પ્રયાસ માટે જાગૃતિ જરૂરી છે અને જ્યાં સુધી જાગૃતિ મોજુદ છે ત્યાં સુધી નિંદ્રાને અવકાશ હોતો નથી. ઉંઘના પ્રયાસો જ ઉંઘને રોકે છે. વ્યક્તિ આખી રાત પડખા ફેરવે છે, જેમ રાત વીતે છે તેમ વધારે બેચેની અનુભવાય છે. છેવટે આ સ્થિતિને ખાળવા માટે બુદ્ધિને બહેરી બનાવે તેવા સેડેટીવ ડ્રગ્સનો સહારો લીધા વગર કોઈ છુટકો રહેતો નથી. કેટલાક લોકો ગોળી લે છે, કેટલાક લોકો નશાનું સેવન કરે છે. તેમાં પણ એવો ખતરો છે કે દાડે-દિવસે ઉંઘની ગોળીઓ અને નશાનું પ્રમાણ વધારતા રહેવું પડે છે. અંતે એક સ્થિતિ એવી પણ નિર્માણ થાય છે કે હેવી ડોઝની ચાર પાંચ ગોળી લેવા છતાં એ વાઈન-વિહસ્કીના ત્રણ-ચાર પેગ લેવા છતાં ઉંઘ આઘી ને આઘી ભાગતી જાય છે.

આવી પરિસ્થિતિમાં જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિના સમ્યક યોગ માટે કૃષ્ણ મહત્વનું સૂત્ર આપી રહ્યા છે. કૃષ્ણ કહે છે કે ત્રણેય અવસ્થાઓને સમાન રાખવા પ્રયાસ કરો. ન નિંદ્રાના વિરોધી બનો. ન નિંદ્રાના અતિ પક્ષપાતિ. ન જાગૃતિ કે સ્વપ્નના પણ વિરોધી બનો કે ન અતિપક્ષપાતિ. પ્રકૃતિએ સર્જેલી આ ત્રણેય અવસ્થાઓ એકબીજાની પૂરક છે. જો તમે યોગ્ય રીતે જાગ્યા હશો તો યોગ્ય નિંદ્રા લઈ શકશો અને યોગ્ય રીતે સ્વપ્નશીલ થયા હશો તો તમારી નિંદ્રા અને જાગૃતિ બંને સમ્યક રહેશે. આ ત્રણેય અવસ્થાઓના સમતુલનને સાધવાનો પ્રયાસ વ્યક્તિને યોગમાં પ્રેરે છે. જે યોગ ચિંતા, ભય, શોક વિગેરે તમામ દુઃખોને હરી લ્યે છે.

મારા એક મિત્રને ખુબ જ ઉંઘ આવતી. ગાડીમાં સૂઈ જાય. સવારે જાગે અને જો કોઈ ટોકવા વાળું ન હોય તો ફરી સૂઈ જાય. ક્યારેક તો સવારે ઉઠે બ્રસ કરે, ચા ચીવે અને ચા પીને પાછા સૂઈ જાય. ઓફિસમાં સૂવે ટી.વી. જોતાજોતા સૂઈ જાય. બસ, આખો દિવસ ઉંઘ જ ઉંઘ. તેઓ પણ પરેશાન થઈ ગયા હતા.

આખર તેમણે સારા ર્ડાક્ટરો પાસે નિદાન કરાવ્યું તો એવી હકીકત જાણવા મળી કે તમે સૂવો છો તેમાં ફક્ત તમારું શરીર સૂવે છે અને માઈન્ડ જાગૃત રહે છે. જેથી તમારી માનસિક નિંદ્રા અતૃપ્ત રહે છે.

આજનું વિજ્ઞાન નિંદ્રા ઉપર જે નવા રીસર્ચ કરી રહ્યું છે તેમાં એક બાબત જાણવા મળી છે કે માણસની છ કે આઠ કલાકની ઉંઘ દરમ્યાન તેનું માઈન્ડ માત્ર એકાદ કલાક માટે જ સૂવે છે. ક્યારેક તો એમ પણ નથી બનતું. તેથી છ - આઠ કલાકની ઉંઘ પછી ણ માણસ પોતાની જાતને ફ્રેશ અનુભવી શકતો નથી. વિજ્ઞાનીકો માઈન્ડ સૂવે છે કે કેમ ? તે માટે સૂતેલા માણસની આંખની મૂવમેન્ટ ઉપરથી નક્કી કરે છે. જેને રેપીડ આઈ મૂવમેન્ટ (આરઈએમ) તરીકે ઓળખવામાં આવે છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે કોઈ માણસનું શરીર અને મન બંને સાથે સૂવે તો માત્ર બે કલાકની નિંદ્રામાં માણસ ફ્રેશ થઈ શકે. પરંતુ આવો બે કલાકનો ગાળો પણ ભાગ્યે જ આવે છે.

મારા એ મિત્ર ડૉક્ટરની દવા તો લેતા હતા. પરંતુ તેમને જોઈએ તેટલું સારું લાગતું નહતું. મેં તેમને કહ્યું કે તમે નિંદ્રા લેવા માટે તો દવા લ્યો છો અને ઉપચાર કરાવો છો. પણ યોગ્ય જાગવા માટેનો ઉપાય પણ કરો. તેમણે મને ક્હ્યું કે તમે ઉંઘ બરાબર ન આવવાની ફરીયાદમાં જાગવાની વાત ક્યાં કરો છો ? મેં કહ્યું કે હું ભગવદ્‌ ગીતાના આધારે તમને કહું છું. તેમણે કહ્યું કે કઈ રીતે ?

મેં કહ્યું કે તમે એક મોટા વહીવટમાં પડેલા માણસ છો. રાત-દિવસ તમારા કાર્યોની ગોઠવણ કર્યે રાખો છો અને પછી થાકો ત્યારે તમારા માઈન્ડને સોંપેલા કાર્યો સાથે જ સૂવાનો પ્રયાસ પણ કરો છો. તમે જ્યાં સુધી આ વહીવટી કાર્યોમાં છો ત્યાં સુધી તમારા કામના કલાકો નક્કી કરી લ્યો અને એવા કલાકો દરમ્યાન તમે યોગ્ય રીતે જાગરણનો જ પ્રયાસ કરો. પણ તેવા કલાકોમાં સૂવાનો પ્રયાસ ન કરો. પછી રાત પડે એટલે જાગવાના તમામ પ્રયાસો બંધ કરો. મોબાઈલ સ્વીચ ઓફ કરો. મુલાકાતો બંધ કરો અને મનથી ચલાવાતા ચિંતનોને પણ કહો કે હવે આવતી કાલે. આ રીતે વધારે નહીં તો બે-ચાર દિવસ માટે પ્રયાસ કરી જુવો. તેમણે બે-ચાર દિવસ માટે અખતરો કર્યો તો તેમને ગજબનો ફાયદો થયો. તે મને કહેવા લાગ્યા કે તમે આ શોધ કેવી રીતે કરી ? મેં તેમને કહ્યું કે આ મારી શોધ નથી, પણ પાંચ હજાર વર્ષ પહેલા ભગવદ્‌ગીતામાં લખાયેલી હકીકત છે.

કૃષ્ણએ ભગવદ્‌ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં કહેલા બે શ્લોક ઉપર કાળજીથી ધ્યાન આપતા તે વાતનો પણ ખ્યાલ આવશે કે આ ત્રણેય અવસ્થાઓની સમ્યક્તાની સાથે કૃષ્ણ ‘‘યુક્ત’’ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. યુક્ત થવું એટલે જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિની ત્રણે અવસ્થાઓમાં સમાન થવું. ન કોઈની અતિશયતા કે ન ન્યૂન્યતા. જે આવો પ્રયાસ કરે તેની ત્રણેય અવસ્થાઓ સમાનતાને પ્રાપ્ત થતા અનિંદ્રાની બીમારી ધીરે-ધીરે કાબુમાં આવતી જાય છે. જ્યારે નિંદ્રા સમ્યક થાય છે ત્યારે જાગૃતિ પણ આપો-આપ સમ્યક થાય છે. અને જાગૃતિ સમ્યક થાય છે ત્યારે સ્વપ્નાવસ્થા પણ સમ્યક બને છે.

ઘણા લોકો રાત્રે નિંદ્રા ન આવવાના કારણે મંત્ર જાપ કરે છે. મંત્ર જાપ દરેક વ્યક્તિના અલગ-અલગ થાય છે. મંત્રજાપ વ્યક્તિની કક્ષા ઉપર નિર્ભર છે. જે વ્યક્તિની ચેતના સુસુપ્ત છે તેના મંત્ર જાપ હોઠના ફફડવા સિવાય નથી થઈ શકતા. તેવા લોકો હોઠ ફફડાવવાનું બંધ કરે તો મંત્ર જાપ પણ બંધ થઈ જાય છે. આવા લોકોના મંત્ર જાપ એક શારીરિક ક્રિયા છે. જે ઉંઘમાં બાધા રૂપ છે. અમુક લોકો જે હોઠ ફફડાવ્યા સિવાય મંત્ર મનમાં કરી શકે છે. જ્યારે મનથી મંત્ર જાપ કરવામાં આવે છે ત્યારે મન વારંવાર શબ્દ ઉપર એકાગ્ર થતું રહે છે. આવી એકાગ્રતા અને કોન્સન્ટ્રેશનના કારણે પણ ઉંઘમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે.

મનથી જપ કરવાની ક્રિયાઓમાં પણ કર્તાભાવ મોજૂદ રહેતો હોવાના કારણે કર્તાભાવ ઉંઘનો બાધક બની શકે છે. જે લોકો લાંબા સમયથી મંત્રજાપ કરે છે તેમનું મન મંત્ર જાપનું આદતી બની જતા મંત્ર જાપ યંત્રવત્‌ થતા રહે છે. આવા મંત્રજાપ પણ મનની સહજ સ્વપ્ન અવસ્થામા સાથે બાધા ઉભી કરે છે. જે વ્યક્તિને ઉંઘમાં જવામાં અવરોધ રૂપ નીવડે છે.

કારણ કે સ્વપ્ન અવસ્થામાં ગયા વગર સુસુપ્તિ અવસ્થામાં પ્રવેશ થઈ શકતો નથી. સુસુપ્તિ અને જાગૃતિની મધ્યવસ્થા છે. સ્વપ્નાવસ્થા. સુસુપ્તિમાંથી જાગૃતિ તરફ જતા અને જાગૃતિમાંથી સુસુપ્તિ તરફ જતા પહેલા સ્વપ્નાવસ્થામાં અનિવાર્યપણે જવું પડે છે. જેથી નિંદ્રા માટેના મંત્ર જાપ કરવા હોય તો બીજ મંત્રો જેવા ટૂંકા મંત્રોથી કરી શકાય. જેમાં ઓમ, રાં, યં, લં, વં, રં, ઐં વિગેરે જેવા મંત્રો મદદરૂપ થઈ શકે. મંત્ર પ્રયોગ નિશ્ચિત સંખ્યામાં કરવામાં આવતી તંત્રમાર્ગની પદ્ધતિ છે. તેથી નિશ્ચિત માર્ગદર્શન મુજબ કરવી જોઈએ.

જો મંત્ર ટૂંકા અને યોગ્ય હોય તો જાણકાર વ્યક્તિના બતાવ્યા મુજબ કરવાથી ઉંઘમાં ફાયદારૂપ બની શકે. જે ઈશ્વર સ્મરણ અંતરજાગૃતિ માટે કરવામાં આવે છે તે ભિન્ન છે. ઈશ્વર સ્મરણમાં જાગૃતિ અનિવાર્ય તત્વ છે. વિદ્ધાનોએ જે સાક્ષીત્વ ભાવની વાત કરી છે તે ભાવની ઉપાસના માટે ઈશ્વર સ્મરણ પણ એક સાધના છે. જેમાં સાધક મનને ઈશ્વરની ધારણાવાળા નામ સાથે જોડીને જાપ કરતા કરતા અંતરજાગૃતિ સાધે છે. ધીરે-ધીરે એક સ્થિતિ એવી બને છે કે અન્ય વિચારો અને બકવાસોથી ભરેલું મન નામ સ્મરણ સાથે અંતર જાગૃતિને પ્રાપ્ત થતા નામ સ્મરણ આપોઆપ થતું જાય છે અને વ્યક્તિ અંતરજાગૃતિથી તેનો સાક્ષી બની જાય છે. મલૂકદાસ કહે છે કે રામ નામના મંત્રનો જપ કરતા એક એવી સ્થિતિ બને છે કે પછી મંત્ર આપમેળે સ્મરણ થતો રહે છે અને વ્યક્તિ મંત્રનો સાક્ષી બની જાય છે.

મલૂકદાસ કહે છે કે હવે હું મંત્રનો જપ નથી કરતો પણ, મંત્રરૂપ હરીજ મારું સ્મરણ કરે છે. મંત્રજાપની આ સ્થિતિ સાક્ષી દૃષ્ટિની સ્થિતિ છે. જ્યાં વ્યક્તિ માત્ર સાક્ષી રહી જાય છે. અને ચૈતન્યભાવમાં સ્થિર વ્યક્તિ પોતાના શરીર અને મન ઉપર પાડવામાં આવેલી આદત મુજબ મંત્રનો જાપ થતો જુવે છે.

પણ આ સ્થિતિ આવે તે પહેલા મંત્રના સાધકને મહા-કસોટીમાંથી પસાર થવું પડે છે. શરૂ-શરૂમાં તેનું કોન્સન્ટ્રેશન તેને સહજ ક્રિયાઓથી અવરોધી શકે છે. કબીર પોતાના અનુભવો કહેતા લખે છે.

શરૂ શરૂની સ્થિતિ સાધકને જગાડી રાખે છે. જો સાધક મક્કમ ન હોય તો મંત્ર જાપ જ ઉંઘ માટે ઘાતક નીવડી શકે છે. પરંતુ મંત્ર જાપમાં એક સ્થિતિનો સંભવ છે કે જ્યારે વ્યક્તિ સાધનાની ટોચ પર પહોંચે ત્યારે મંત્ર કરનારને પોતાનાથી અલગ ભાવે જોઈને પોતે સાક્ષી સ્થિતિમાં વિશ્રામ કરે છે. ત્યારે તેની ઉંઘ પણ હોય છે અને તે ઉંઘનો સાક્ષી પણ હોય છે. કબીર કહે છે,

‘‘આઠ પ્રહર ચૌસઠ ઘડી, મોરે ઔર ન કોઈ,

જા નૈનમ મે હરી બસે નીંદ કો ઠોર ન હોય.’’

જ્યારે નેત્રમાં જ હરી વસે છે. તેનો અર્થ એવો નથી કે સ્થૂળ નેત્રોમાં હરી વસે છે. જો કોઈ સ્થૂળતાને માનશે તો ભૂલ થઈ જશે. કબીર જે નેત્રની વાત કરે છે તે સ્થૂળ નેત્રથી પર છે. એક વાત યાદ રાખવા જેવી છે કે જેને મહાત્માઓએ જાગરણ કહ્યું છે તે જાગરણ આત્માનું જાગરણ છે. તે જાગરણ એટલે માત્ર આંખોનું જાગરણ નથી. આંખથી, મનથી કે બુદ્ધિથી જાગૃતતાનો સતત અભ્યાસ કરવાથી તો કેટલીયે મુસીબતોનો શિકાર બની જવાશે. આત્મિક જાગરણ થઈ ગયું છે તેવા વ્યક્તિઓ આરામથી ઉંઘ લે છે. તેઓ ઉંઘના વિરોધી નથી. કૃષ્ણ તેના બાળપણમાં સવારના મોડે સુધી સુતા હોવાની કથાઓ છે. જ્યારે યુવાન થયા ત્યારે ગુરૂકૂળદીક્ષા પછી સવારમાં વહેલા ઉઠી પ્રાતઃ ધ્યાન કરતા હોવાની કથા ભાગવતમાં છે. પણ, કૃષ્ણએ સ્થૂળ જાગરણને પ્રોત્સાહીત કર્યું હોવાનો દાખલો નથી.

ઈશ્વર સ્મરણ માટે થતા મંત્ર જાપ તો અંતઃકરણની પરમ જાગૃતિ માટે છે તેમ છતાં જો કોઈ ઉંઘ માટે મંત્ર જાપ કરવા માગતા હોય તો અં, લં, રં, ઔં, ઐં, રીં, રાં વિગેરે જેવા ટૂંકા અને બીજ મંત્રોનો જાપ કરવો જોઈએ. અન્યથા મંત્રો જ ઉંઘ માટે ઘાતક છે.

ઘણા લોકો રાત્રે ધ્યાન ધરે છે. પશ્ચિમના દેશો હવે અનિંદ્રાના કુદરતી ઉપચાર તરીકે ધ્યાનને સાધન માનવા લાગ્યા છે. અમુક ડૉક્ટરો પણ દવાઓ કરતા ધ્યાનને વધુ મહત્વ આપે છે. ધ્યાનની પણ સેંકડો પદ્ધતિઓ છે. આવા સંજોગોમાં રાત્રિ ધ્યાનમાં સાક્ષીભાવની સાધના સિવાયનું ધ્યાન હશે તો ધ્યાન પણ એક કોન્સન્ટ્રેશન બનશે અને તેવું ધ્યાન પણ ઉંઘમાં બાધક બનશે.

ઘણા લોકો શ્વાસ નિયંત્રણ સાથે ધ્યાન કરતા હોય છે. આવા શ્વાસ નિયંત્રણો પણ ઘાતક છે. બુદ્ધના અનુયાયીઓમાં આનાાનસતિ યોગ અને વિપશ્યના ધ્યાન કરાવાય છે. જે સાધનામાં લાગેલા સાધકો સાક્ષી ભાવને ન ઓળખે તો વિપશ્યના જેવા ધ્યાનો જ તેની ઉંઘ હરામ કરી નાખે છે. આવા ધ્યાનોમાં સાધક કોઈ મંત્ર જપ કે અન્ય ક્રિયાઓ નથી કરતો, પણ સાધક શ્વાસની અંદર જવાની અને બહાર જવાની ક્રિયાઓને દ્રષ્ટાભાવથી જોતો રહે છે. સાધકનો આ દ્રષ્ટાભાવ જો સાક્ષીની દ્રષ્ટી સુધી ન પહોંચે તો માત્ર શ્વાસની ક્રિયાઓના દૃષ્ટા બનવાથી કોઈ લાભ નથી.

જો મન આ ક્રિયાનું આદતી બનશે તો પછી દિવસ હોય કે રાત મનને આ ક્રિયાઓથી અટકાવવું મુશ્કેલ બનશે જેથી વિપશ્યના કે આનાપાનસતિ યોગ જેવા ધ્યાન પ્રયોગો પણ તેના માર્ગદર્શકની નિશ્રા વગર ઘાતક નીવડી શકે છે. નિંદ્રા પ્રકૃતિની એક એવી અવસ્થા છે કે સામાન્ય મનુષ્યે તેના ઉપર વિજય પ્રાપ્ત કરવો સરળ નથી. તેમ છતાં પ્રકૃતિ જે કારણોથી અને જે ગુણોથી વ્યક્તિને નિંદ્રામાં લઈ જાય છે તે કારણોનો અભ્યાસ અને તેના પ્રત્યેની સજાગતા નિંદ્રા માટે ઉપયોગી નીવડી શકે. જે માટે નીચેના સૂચનો ઉપયોગી થઈ શકે.

(૧)પોતાની પથારી (બેડ)ને માનસિક કે બૌદ્ધિક કસરતોનો અખાડો ન બનાવતા માત્ર આરામનું સ્થળ જ બનાવવા પ્રયાસ કરો. જેથી જે કોઈ માનસિક કે બૌદ્ધિક ચિંતનો હોય તેને પથારીમાં જતા પહેલા નીપટાવી લ્યો. કોઈ વખત કોઈ ચિંતન- મનન કરવા આવશ્યક હોય અને તે છોડી શકાય તેમ ન હોય તો તમારા બેડથી અન્યત્ર આવા ચિંતન-મનન પુરા કરીને જ બેડ તરફ જાઓ. પરંતુ પથારીમાં ગયા પછી સુતા-સુતા ચિંતન મનન કરવાના પ્રયાસો ન કરો.

(ર)શારીરિક તકલીફો જેવી કે માથુ દુઃખવું, એસીડીટી થવી, બ્લડપ્રેશરની વધઘટ રહેવી, ચયાપચય (મેટાબોલીઝમ)ને લગતા રોગો હોવા, અસ્થમા-બાન્કાઈટીસ કે તે સિવાયના શરીરના કોઈપણ ભાગોની તકલીફો માટે તમારા વિશ્વાસપાત્ર ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી જરૂરી છે. રોગગ્રસ્ત શારીરિક સ્થિતિ મનને રોગની વ્યાધીઓ સાથે બાંધી રાખે છે. તેથી શારીરિક સમસ્યાઓના સમાધાન માટે એક શરીર શાસ્ત્રનો નિષ્ણાંત વ્યક્તિ જે માર્ગદર્શન આપે તે મુજબ કરવું જ યોગ્ય છે.

(૩)શારીરિક રીલેક્ઝેશન માટે ઉંડા શ્વાસ (ડીપ બ્રિધીંગ) લેવા અને શરીરને બને તેટલું ઢીલું (રીલેક્ષ) છોડી દેવું. ઉંડા શ્વાસ પણ એ રીતે ન લેવા કે જેથી શ્વાસ લેતા કોઈ વિશેષ શ્રમ થાય.

(૪)રાત્રિના સમયે વધુ પડતો ભારે ખોરાક અથવા તો એકદમ હલકો ખોરાક કે ઉપવાસ વગેરેથી ભૂખ્યા રહેવાની ક્રિયાઓ ન કરવી જોઈએ. નિંદ્રા માટે શરીરમાં તમોગુણનું હોવું જરૂરી છે. પ્રાકૃતિક દૃષ્ટિએ નિંદ્રા એ તમોગુણ પ્રધાન છે. ભગવત ગીતાના ચૌદમાં અધ્યાયમાં તમો ગુણની વિશેષતાઓ દર્શાવતા કૃષ્ણ ‘પ્રમાદાલસ્યનિદ્રાભિ સ્તનિબંન્ધાતિ ભારત’ કહીને નિંદ્રા તમોગુણ પ્રધાન હોવાનો નિર્દેશ આપે છે. જેથી શરીરને જરૂરી તમોગુણ મળી રહે તે માટે રાત્રે ભોજન લેવું અત્યંત આવશ્યક છે. ભુખ્યા રહેવાથી શરીરમાં પિત અને વાયુની વૃદ્ધિ થાય છે. જેના કારણે નિંદ્રા માટે જરૂરી તમોગુણ પેદા થઈ શકતો નથી. જેથી રાત્રિ ભોજન તમોગુણની સમ્યક વૃદ્ધિ અને વાયુ તથા પિતની શાંતિ માટે કરવું જરૂરી છે.

(પ)ભગવાને રાત્રિને અંધકારમય સર્જી છે તે નિંદ્રાના હેતુથી જ છે. ભગવાને રાત્રે આપણને ચંદ્રનો પ્રકાશ એટલો શીતલ અને ઝાંખો આપ્યો છે કે નિંદ્રામાં બાધા રૂપ ન બને. વિજ્ઞાનીકોનું સંશોધન છે કે મગજના મધ્યભાગમાં ‘મેલેનિન’ નામનું જે તત્ત્વ છે તે તત્ત્વના ઝરવાથી મગજના જ્ઞાનતંતુઓ રીલેક્ષ અનુભવે છે તે તત્ત્વ રાત્રીના સમય દરમિયાન જ ઝરે છે. વિપુલ માત્રામાં પ્રકાશ હોય ત્યાં આ તત્ત્વ ઝરતું નથી. જેથી રાત્રે સુવાની જગ્યાએ વધારે પ્રકાશ ન હોય અને સાનુકુળ ટેમ્પરેચર હોય તેવી જગ્યા કે રૂમ પસંદ કરવા જરૂરી છે.

(૬)સુતા સમયે જો ધ્યાનનો અભ્યાસ કરો તો તે માટે પણ યોગ્ય માર્ગદર્શકે આપેલું માર્ગદર્શન હોવું જરૂરી છે. એકાગ્રતા કે કોન્સન્ટ્રેશન કરાવનારા ધ્યાનનો રાત્રિના સમયે અભ્યાસ કરવો અનુચિત છે.

(૭)માણસ દિવસભર જે પ્રવૃત્તિઓમાં લાગેલો છે તે પ્રવૃત્તિઓને કોઈ શર્ટ, ટીશર્ટ કે કોટની જેમ હેંન્ગર પર લટકાવી દેવી સહેલી નથી. તેમજ મનના વિચારોના પ્રવાહને લાઈટ ઓફ કરીએ તે રીતે ઓફ કરીને સુઈ જવું પણ શક્ય નથી. જેથી પોતાની પ્રવૃત્તિઓ રૂપ મનમાં આવતા સહજ વિચારો અને સંકલ્પ-વિકલ્પના પ્રવાહને રોકવાના પ્રયાસો પણ નિંદ્રા માટે ઘાતક છે. વિચારોને કરવાના કે રોકવાના બંને પ્રયાસોમાં બુદ્ધિનું જાગરણ જરૂરી બને છે. તેથી જાગૃતબુદ્ધિની વૃત્તિ જ ઉંઘ આડે બાધા બનીને ઉભી રહી જશે. મનના સહજ વિચારો અને સંકલ્પ-વિકલ્પોનો આવકાર અને તિરસ્કાર બંને ઉપર ધ્યાન ન આપતા સહજ બનવાનો પ્રયાસ કરો. પ્રાકૃતિક સહજતા ઉંઘ માટે અનિવાર્ય છે.

આપણે જેને નિંદ્રા તરીકે ઓળખીયે છીએ તે પરિસ્થિતિ માત્ર બુદ્ધિની એક વૃત્તિથી વિશેષ નથી. નિંદ્રામાં લોહીનું પરિભ્રમણ, હૃદયની ધડકનો, શરીરનું હલન-ચલન વિ. તમામ થાય છે. અમુક લોકો તો નિંદ્રામાં બકવાસ પણ કરતા હોય છે. તો ઘણા નિંદ્રામાં ચાલવાની બિમારી પણ ધરાવતા હોય છે. જો નિંદ્રામાં બધું જ થતું હોય અને થઈ શકતું હોય તો પછી નિંદ્રા કોની ? નિંદ્રા ફક્ત બુદ્ધિની એક વૃત્તિ છે. બૌદ્ધિક લોકોમાં અનિંદ્રાની તકલીફ જેટલી જોવા મળે છે તેટલી મહેનત-મજુરીનું કામ કરનારાઓમાં જોવા નથી મળતી તેનું કારણ એ છે કે મહેનત મજૂરી કરનારા વર્ગને બુદ્ધિથી ખાસ કોઈ કામ લેવાનું હોતું નથી તેથી તેની બુદ્ધિ ડીસ્ટર્બ થતી નથી. પણ જે લોકોની બુદ્ધિ વિશેષ કામ લેવાના કારણે ડીસ્ટર્બ થાય છે તેના માટે પ્રસંગોપાત અથવા તો નિશ્ચિત અનિશ્ચિત પણ અનિંદ્રાનો ઉપદ્રવ થવો સહજ છે. જેથી બુદ્ધિને જ નિંદ્રામાં લઈ જવાની છે તે વાતને યાદ રાખીને જો ઉપચારો કરવામાં આવે તો પ્રયાસો વિરુદ્ધ દિશામાં નહીં ફંટાઈ.

(૮)જે લોકોએ માનસિક ખેંચતાણવાળા વ્યવસાયમાં પડેલા છે તેવા લોકોના જ્ઞાનતંતુઓને શિથિલ થતા એટલે કે રીલેક્ઝેશન અનુભવતા થોડો સમય લાગે છે. વ્યક્તિના મસ્તિષ્કના જ્ઞાનતંતુઓ કે જે વધુ પડતી જાગૃતતા અને ખેંચતાણ અનુભવવા ટેવાયેલા છે અથવા તો જેને તેવી ટેવ પાડવામાં આવી છે તેવા વ્યક્તિઓ માટે જ્ઞાનતંતુઓને શિથિલ કરવાના અભ્યાસો અને તેવા પ્રયોગો કરવા આવશ્યક છે. આવા પ્રયોગોમાં માર્ગદર્શકે આપેલા બીજ મંત્રો, પોતાની પરિસ્થિતિને અનુરૂપ ધ્યાન, પોતાને માફક આવે તે પ્રકારનું રીલેક્ઝેશન જેવું કે પાતંજલ યોગ સૂત્રમાં દર્શાવ્યા મુજબની યોગ નિંદ્રાનો પ્રયોગ વિગરેનો અભ્યાસ કરતા રહેવો જરૂરી છે. ભગવાનશ્રી કૃષ્ણએ ભગવદ્‌ ગીતાના માધ્યમથી જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય બૌદ્ધિક વૃત્તિઓને પરસ્પર સમતુલિત રાખવા નિર્દેશ કર્યો છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sanjay C. Thaker Verified icon 6 માસ પહેલા

Verified icon

Pindariya Karu 7 માસ પહેલા

Verified icon

RAM TIMBA 7 માસ પહેલા

Verified icon

Ashish Shukla 7 માસ પહેલા

Verified icon

Ashok Prajapati 7 માસ પહેલા