સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 8

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૮ - સ્વપ્નાવસ્થા

સમ્યક્‌ નિંદ્રાની આપણે ચર્ચા કરી તે જ પ્રકારે સમ્યક સ્વપ્ન પણ જરૂરી છે. છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં આપણા જ શાસ્ત્રોનું હાર્દ સમજ્યા વગર કેટલાક લોકો સ્વપ્નાવસ્થાની ટીકા કરતા રહ્યા છે. જેના કારણ સ્વપ્ન એ માત્ર મોહમય અને ખોટા જ છે તેવી એક મનોદશા ઉભી થઈ છે. અનિંદ્રાની જેમ સ્વપ્નાવસ્થાને પણ ખોટી રીતે ટીકાપાત્ર બનાવવામાં આવી છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે. સ્વપ્નાવસ્થા પણ કુદરતનું સર્જન છે અને જીવન માટે જરૂરી અંગ છે. જો દુનિયામાં સ્વપ્ન ન હોત તો કોઈ વિકાસ ન હોત તો વ્યક્તિ ન વિજ્ઞાન તરફ આગળ વધી શક્યો હોત ન વિકાસ તરફ.

ઈશ્વર અને આત્મજ્ઞાન તેની પ્રારંભિક અવસ્થાઓમાં તો સ્વપ્ન માત્ર હોય છે. સાંભળેલી વાતો અને વાંચેલા શબ્દોથી સ્વપ્નાવસ્થા સાથે જોડાયેલા મનને આખરે નિશ્ચિત દિશા સુધી લઈ જવાનું હોય છે. પણ પ્રારંભ સ્વપ્નાવસ્થાથી થાય છે. તેથી દરેક સ્વપ્નાવસ્થાઓ ટીકાપાત્ર નથી. વ્યક્તિ જે અજ્ઞાત દિશા તરફ કદમ ઉઠાવવા માગે છે તેમાં તેનું સ્વપ્ન જ છે.

મોટા-મોટા વિજ્ઞાનીઓ અને ઉદ્યોગપતિઓ સ્વપ્નસેવી રહ્યા છે. અલ્બર્ટ આઈન્સટાઈન માટે કહેવાતું રહ્યું છે કે તે તેના બાથરૂમમાં વિજ્ઞાનની શોધો પ્રત્યે એટલો સ્વપ્નશીલ બનીને વિચારતો કે ક્યારેક બાથરૂમમાં બે કલાક કે ત્રણ કલાક પસાર કરી લેતો. એક દિવસ એક મહેમાન તેના ઘરે મળવા આવ્યા. બરાબર તે સમયે તે ન્હાવા જવાની તૈયારી કરતો હતો તેથી વિવેક ખાતર મહેમાને કહ્યું સાહેબ કાંઈ વાંધો નહીં. આપ ન્હાઈને આવો પછી ચર્ચા કરીએ. તેની પત્નીએ મહેમાનને કહ્યું કે એ ખતરો ન ઉઠાવો. નહીંતર તમારો દિવસ બરબાદ થઈ જશે કારણ કે સાહેબ બાથરૂમમાંથી ક્યારે બહાર આવે તેનું કોઈ ટાઈમ ટેબલ રહેતું નથી. લગભગ એક કલાક પહેલા તો બહાર આવતા જ નથી. આઈન્સટાઈનની મોટાભાગની શોધો તેણે બાથરૂમનાં ટબમાં બેઠા બેઠા કરી છે.

ગ્રીકના મહાન ગણિતજ્ઞ વૈજ્ઞાનિક આર્કિમિડીઝ માટે કહેવાય છે કે ગ્રીકના રાજા હાઈરો માટે એક સોનાનો તાજ (ક્રોઉન) બનાવવામાં આવ્યો હતો અને તે બન્યા પછી તાજમાં સોનીએ ભેળસેળ કરી છે તેવો રાજાને શક જાગ્યો. રાજાના આ શકનું નિવારણ કરવાનું કામ આર્કિમિડીઝને સોંપવામાં આવ્યું. આર્કિમિડીઝે તાજને નુકશાન કર્યા વગર તેની અંદર રહેલી ભેળસેળ પકડવાની હતી. જેથી આર્કિમિડીઝના સ્વપ્નો કોયડાના ઉકેલ માટે દોડવા લાગ્યા. એક વખત તેના બાથ ટબમાં બેઠો-બેઠો એ કોયડો ઉકેલી રહ્યો હતો. ઘણા દિવસોથી તે કોયડો તેના માટે સમસ્યારૂપ બન્યો હતો અને આખર તે બાથ ટબમાં બેઠો હતો ત્યારે જ તે ઉકેલાયો. તે વખતે તે એટલો ઉત્સાહિત થઈ ગયો કે સ્વીમ સ્યૂટમાં જ તે બાથરૂમની બહાર નીકળીને ‘‘ઈરેકા-ઈરેકા’’ (સોલ્વ ધ પઝલ)નું રટણ કરતો સડક ઉપર દોડ્યો હતો.

ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા અબ્દુલ કલામ જ્યારે તામીલનાડુના રામેશ્વરની સડકો ઉપર છાપા વહેંચતો યુવાન હતો ત્યારે તેની પાસે સ્વપ્ન સિવાય કોઈ મૂડી ન હતી. તેના સ્વપ્નો જ તેને ઉંચી ઉડાન સુધી લઈ ગયા. તેથી જ અબ્દુલ કલામ સ્વપ્નોની પ્રશંસા કરી રહ્યા છે. અબ્દુલ કલામે તેના પુસ્તક ઈન્સપાઈરીંગ થોટસમાં લખ્યું છે.

Dream, Dream, Dream, Your dreams will transforms in to thoughts and your thoughts will leads you to honest work and your honest work will result in action and you will succed. Your dreams may leads you to the way of success. What was thought impossible has happened and what is thought possible has not yet happened but it ceratainly will happen.

અબ્દુલ કલામના આ શબ્દોમાં તેના જીવનનું તથ્ય છુપાયું છે. સ્વપ્ન અને સંકલ્પો એક શક્તિ છે. જીવનના કર્મ માર્ગમાં તો સંકલ્પ અને સ્વપ્નો વગર આગળ વધવું શક્ય જ નથી. પણ કૃષણ અધ્યાત્મિક્તાના શિખરોએ આંબવા માટે પણ સ્વપ્ન અને સંકલ્પોની જરૂરીયાત બતાવે છે. ‘‘આરુરેક્ષોમુનિર્યોગંમ કર્મ કારણમ્‌ ઉચ્યતે’’ (ગી.અ.૬/૩) કહીને કૃષ્ણએ યોગ માર્ગમાં પણ પ્રથમ ચરણ તરીકે સંકલ્પ રૂપી સ્વપ્નાવસ્થાનો સ્વીકાર કર્યો છે. જે સાધકના જીવનમાં હજી કોઈ આત્મજ્ઞાન થયું નથી. આત્માની કોઈ પ્રતિતિ નથી. તેવા સાધકે વાચેલી અને સાંભળેલી બાબતોથી નિર્મિત થયેલા સંકલ્પો અને સ્વપ્નો ઉપર આગળ વધવું પડે છે. અજ્ઞાનની અવદશામાં પડેલા વ્યક્તિને કોઈ રાતોરાત આત્મજ્ઞાન થઈ જતું નથી. તેના માટે એક મોટી યાત્રાને પાર કરવી પડે છે. આવી યાત્રામાં તેના સ્વપ્ન દશાના સંકલ્પો સિવાય કોઈ અન્ય બળ હોતું નથી.

થોમસ આલ્વા એડીસન જ્યારે વિદ્યૂત શક્તિથી દીવો થઈ શકે અને તે પ્રકાશ આપી શકે તેવી બાબતો ઉપર રીસર્ચ કરી રહ્યો હતો ત્યારે તેનો એક સાથી તેનાથી નારાજ થઈ ગયેલો કારણ કે વિદ્યૂતથી થતો દીવો શોધવા માટે એડીસનને કરેલા ૯૯૯ પ્રયોગો નિષ્ફળ નીવડ્યા હતા. તે સાથીદાર એડીસનની દરેક નિષ્ફળતાનો સાથી અને સાક્ષી હતો. પણ તેમ છતાં તે એડીસનનો સાથ છોડી શકતો નહતો. તેની નારાજગી જોઈને એક વખત એડીસને જ તેને કહ્યું કે તું મારી સાથે કામ ન કરે તો મને ખોટું લાગશે તેમ માનીને અહીં ન રોકાતો. તું જઈ શકે છે. ત્યારે તેના સાથીદારે કહેલું કે હું જવા તો માગું છું કારણ કે હું જ્યારે નિષ્ફળ પ્રયોગો તરફ નજર કરું છું ત્યારે એક ઉદાસી મારી આંખોમાં ખૂંપી જાય છે. પણ જ્યારે તમારી આંખમાં વિદ્યૂતથી થતો દીવો શોધવાના સ્વપ્ન પ્રત્યે નજર કરું છું. ત્યારે તેમાં જે ઉત્સાહ, ઉમંગ અને દ્રઢતા દેખાઈ છે તેને છોડીને જવાની હિંમત ચાલતી નથી. આખરે એક હજાર નિષ્ફળ પ્રયોગોના અંતે એડીસનને વિદ્યૂતશક્તિથી થતો દીવો કે જેને આપણે ઈલેકટ્રીક બલ્બ તરીકે ઓળખીએ છીએ તે શોધવાની સફળતા મળી હતી. એડીસનની એક હજાર નિષ્ફળતાઓમાં જો તેનું મજબુત સ્વપ્ન કામ કરતું ન હોત તો કદાચ એડીસન વિદ્યૂતના દીવાની શોધ ક્યારેય ન કરી શક્યો હોત.

માનો કે સ્વપ્નાવસ્થા એ બીજ છે. બીજમાં છુપાઈને પડ્યા છે એક મોટા વૃક્ષના સ્વપ્નો. વૃક્ષના ફળ, ફૂલ, છાયા અને તેની મહેકતા કોઈ સ્વપ્નની જેમ બીજમાં રહેલા છે. જે બીજમાં વૃક્ષ નથી જોઈ શકતા તે અંધ છે. બીજમાં વૃક્ષના સ્વપ્નવત ભાવીને નહીં જોનારો તો બીજને ગમે ત્યાં ફેંકી દેશે. આંગણાના ક્યારામાં તે બીજ ન વવાય કે જેના વૃક્ષને ફળવા ફૂલવા માટે તે ક્યારો નાનો પડે. બીજને વાવતા પહેલા જ વૃક્ષની કલ્પના કરવી પડે. તેના ફળવા ફૂલવાનો સમગ્ર વિચાર કરવો પડે.

ધીરૂભાઈ અંબાણીને એક સ્વપ્ન દૃષ્ટા પુરૂષ તરીકે જોવામાં ઓ છે. ધીરૂભાઈ અંબાણી એક એવી વ્યક્તિ હતી જેને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરી આપનાર મજૂર તરીકે કામ કરતા કરતા પેટ્રોલ ઉત્પાદિત કરનારી રીફાઈનરીના માલિક થવાનું સ્વપ્ન જોયું હતું. ધીરૂભાઈ જે સમયે મજુરી કરતા-કરતા સ્વપ્ન જોતા હતા ત્યારે જો કોઈને તેના સ્વપ્નની વાત ખબર પડી હોત તો તે તેને શેખચલ્લીથી વધારે ન ગણત. આ વાત તો એવી થઈ ગઈ કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગું તેલી. એક તેલી રાજા થવાનું સ્વપ્ન જોવે તે શેખચલ્લી જ હોય શકે તેવી માન્યતા હરહંમેશ ખરી નથી હોતી. સ્વપ્ન દૃષ્ટા ધીરૂભાઈએ આ વાતને ખોટી પાડી છે કારણે સ્વપ્નાવસ્થા એ કર્મની બીજ રૂપ અવસ્થા છે. જે બીજમાંથી સ્વપ્નાકાર વિશાળ વૃક્ષ જન્મ લે છે.

એક નાનું બાળક બીજ સમાન છે. તેમાં મોટા થઈને ઘણું-ઘણું થવાની સામર્થ્ય છે. તે પોતાના પ્રાકૃતિક ગુણો મુજબ વિકસિત થઈ શકે છે. દા.ત.એક અભ્યાસ કરતા બાળકને ચિત્રકામમાં રસ હોય અને તેને ચિત્ર દોરવા માટે સ્વપ્નશીલ પ્રેરણાઓ આપવામાં આવે તો બાળકમાં પડેલા ચિત્રકારના બીજને યોગ્ય રીતે અંકુરીત થવાનો મોકો મળે છે. પશ્ચિમના મનોવિજ્ઞાનીઓ જેને ‘પાવર ઓફ ઈમીજીનેશન’ કહે છે તે સ્વપ્ન શક્તિનો જ પ્રયોગ છે. કોઈ ચિત્રકારની બીજરૂપ શક્તિ ધારણ કરતા વિદ્યાર્થીને કહેવામાં આવે, ખાલી કહેવામાં જ નહીં પણ તેના સ્વપ્ન વિકાસ પામી શકે તે રીતે તેને જણાવવામાં આવે કે તે મોટો થઈને એક મહાન ચિત્રકાર થઈ શકે તેમ છે તો તેવા બાળકમાં ધીરે ધીરે તેની ક્ષમતાઓનો વિકાસ થવા લાગે છે.

અમેરીકાના ડૉક્ટર ગ્રીને એક શાળામાં અમુક બાળકો ઉપર આવા પ્રયોગ કરાવેલા. જેમાં તેણે ચિત્રકામમાં રસ ધરાવતા બાળકોને પ્રથમ મહાન ચિત્રકારો પાબ્લો પિકાસો, માઈકલ એન્જીલો, લિયોનાર્ડ ધવિન્ચી વિગેરે જેવા ચિત્રકારોના ચિત્ર બતાવ્યા બાદ તેવા બાળકોને હીપ્નોટાઈઝ કરીને તેમને કહ્યું કે તમે પણ પિકાસો અને એન્જીલો જેવા ચિત્ર દોરી શકો છો. તમારી અંદર એ અદ્‌ભુત શક્તિ છે. ત્યારે તેવા બાળકોમાં આશ્ચર્યજનક પરિણામ દેખાયા હતા. તેવા બાળકોના ત્યારપછી દોરેલા ચિત્રોમાં પિકાસો અને એન્જીલોના ચિત્રોની કળા ઉતરતી દેખાઈ હતી. આમ સ્વપ્ન એ પણ કુદરતની એક અદ્‌ભુત શક્તિ છે. ભારતીય દર્શન તો એમ માને છે કે આ જગત પરમાત્માની સ્વપ્ન શક્તિની એક કળા માત્ર છે. તેથી અધ્યાત્મિક દૃષ્ટિએ આ જગત સ્વપ્નવત છે.

સ્વપ્નાવસ્થા જરૂરી હોવા છતાં સ્વપ્નાવસ્થાના ખતરાઓ પણ જાણી લેવા જરૂરી છે. જે સ્વપ્નો જાગૃતિ સાથે યોગ સાધી નથી શકતા તે સ્વપ્નો રોળાઈ જાય છે. સ્વપ્નોની બે દિશા છે. સ્વપ્ન બે તરફ ગતિ કરી શકે છે. એક તો જાગૃતિ તરફ અને બીજી સુસુપ્તિ તરફ. સ્વપ્નનું પ્રતિફલન બે રીતે શક્ય થાય છે. જો કોઈ સ્વપ્ન સુસુપ્તિને જઈ મળે તો સુસુપ્તિ સ્વપ્નને પોતાનામાં સમાવીને સુસુપ્ત કરી નાખે છે અને જો સ્વપ્ન જાગૃતિને જઈ મળે તો સ્વપ્નને પણ જાગૃત થવાનો મોકો મળે છે.

માણસ તેના જીવનમાં જે સ્વપ્ન જોવે છે તેમાં તે વ્યક્તિના દોષો પણ ભળેલા હોવાથી મોટા ભાગના સ્વપ્નો સુસુપ્તિમાં જઈ મળતા હોય છે. રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા, અદેખાઈ, લોભ, લાલચ અને મોહ વિગેરે જેવા દોષોથી લિપ્ત થયેલા સ્વપ્નો જાગૃત અવસ્થાને મળી શકતા જ નથી. તેથી તેવા સ્વપ્ન સુસુપ્તિના સાગરમાં ખોવાઈ જાય છે. સ્વપ્નની શક્તિને જાગૃતતા સાથે જોડવાના પ્રયાસો નહીં હોય તો સ્વપ્ન કદી સાર્થક નહીં બની શકે. કૃષ્ણના મતે ‘‘યુક્ત સ્વપ્નાવબોધસ્ય’’ સ્વપ્નાવસ્થાને પણ યોગમય બનાવી શકાય છે તેનો અર્થ એ છે કે જે સ્વપ્નનો સાર ભાગ જાગૃતિને અને અસાર ભાગ સુસુપ્તિને મળી જાય તો સ્વપ્ન તેની યોગમય સ્થિતિ પામી શકે છે.

અન્યથા સ્વપ્નાવસ્થા મનુષ્યને ભ્રમિત કરી નાખે છે. જે સ્વપ્નનો સંબંધ જાગૃતિને સ્વીકારવા જ તૈયાર ન હોય, અથવા તો જે સ્વપ્ન જાગૃતિને મળવાની કોઈ દરકાર કરે તેમ ન હોઈ, તેવા સ્વપ્ન મિથ્યાપણા અને ભ્રમને ફેલાવવા સિવાય કાંઈ કરતા નથી.

આપણા લોકોને બટેટામાં પણ જો ગણેશની આકૃતિ દેખાઈ જાય તો તેવા બટેટાને પણ ધૂપ, દીપ અને નૈવેદ્ય શરૂ થઈ જાય છે. પથ્થરો અને બટેટાઓમાં પણ ઈશ્વરની કલ્પનાનો દોર શરૂ થઈ જાય છે. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વખત ડામરની સડકો બનાવવાનું કામ શરૂ કર્યું અને આવી સડકો ઉપર માઈલ સ્ટોન મૂકવાની શરૂઆત કરી. શરૂ-શરૂમાં તેવા માઈલ સ્ટોનનો રંગ લાલ રાખવામાં આવ્યો હતો. પણ, અંગ્રેજોને તેમાં મુશ્કેલી પડી કારણ કે આવા લાલ કલરના રસ્તા ઉપર ખોડેલા લંબગોળ પથ્થરોને લોકો હનુમાનજી સમજીને પૂજતા થઈ ગયા હતા. આવા પથ્થરોની આસપાસ શ્રીફળ, અગરબત્તીઓ, નિવૈદ્ય વિ. લાગી જતા અને ક્યાંક-ક્યાંક તો લોકોએ આવા માઈલ સ્ટોન ઉપર નાની દેરીઓ અને મંદિરો બનાવવાની શરૂઆત કરી દીધેલી. પછી અંગ્રેજોને આવા માઈલસ્ટોનના કલરચેઈન્જ કરવા પડ્યા હતા.

પથ્થરોમાં ઈશ્વરની ભાવના કરવી એમાં કોઈ ખોટું નથી. પરંતુ પથ્થરોમાં ઈશ્વરની કલ્પના કરી લેતા લોકો જ્યારે આ સ્વપ્નરૂપ કલ્પનાને તેની જાગૃતિ સુધી લઈ જવાની વાત આવે ત્યારે ગભરાઈ છે. એ જ કારણે ભારતમાં વિજ્ઞાનનો વિકાસ ન થઈ શક્યો. ઋષિઓએ ગહન વિજ્ઞાનને સરળતાથી પિરસવાના જે જે પ્રયાસો કર્યા હતા તે પ્રયાસો મોટા ભાગના લોકોની બેજાગૃતિ ભરી કાલ્પનિક સ્વપ્નાવસ્થાને કારણે એળે ગયા. લોકો પથ્થરમાં ભગવાનની ભાવના કરવામાં આવી છે તે વાતને ભૂલીને પથ્થરને જ ભગવાન માનતા થઈ ગયા. તેમનો ભગવાન જ પથ્થર સુધી સિમિત થઈ ગયો.

શ્રીમદ્‌ ભાગવતના ત્રીજા સ્કંધમાં કપિલ અને માતા દેવહૂતિનો સંવાદ છે. જેમાં કપિલ કહે છે કે જે લોકો ભગવાનને પથ્થરોમાં જુવે છે પણ ચૈતન્યમાં જોતા નથી તે તો ખરેખર પરમાત્માનો તિરસ્કાર અને મજાક જ કરે છે.

સ્વપ્નાવસ્થી લોકો જો જાગૃતિનો તિરસ્કાર કરે તો જાગૃતિ તેવા સ્વપ્નાવસ્થીને દંડ કરે છે. જેથી જાગૃતિની ઉપેક્ષા કરીને સ્વપ્નમાં રાચનારા લોકો તેમના સુંદર સ્વપ્નોનું પણ વિપરીત પરિણામ મેળવે છે.

પ્રસિદ્ધ કથા છે કે મિયા શેખચલ્લી તેમની બકરીઓ ચરાવતા-ચરાવતા બાપુ ફડકસિંહની વાડીમાં જઈ ચડ્યા. ફડકસિંહની વાડીમાં સાત-આઠ ફૂટ ઊંચી શેરડીનો પાક લહેરાઈ રહ્યો હતો. શેખચલ્લીની બકરીઓ વાડીમાં ધુંસી ગઈ. પાછળ શેખચલ્લી પણ ધુસ્યા. બકરીઓ પણ શેરડી ખાવા લાગી અને શેખચલ્લી પણ. ફડકસિંહની વાડીએ દૂર કામ કરી રહેલા માણસોનું અને ખાટલા પર આરામથી બેસી શેરડી ખાઈ રહેલા ફડકસિંહનું કોઈ ધ્યાન ન હતું એટલે મિંયા અને તેની બકરીઓ આરામથી ચારો કરી રહ્યા હતા. શેરડી ખાતા-ખાતા મિંયાએ વિચાર્યું. આજે તો શેરડીનો ચારો ચરીને આ બકરીઓ ડબલ દૂધ આપશે પછી તેને બજારમાં વેચીને જે પૈસા થશે તેમાંથી બીજી બકરીઓ લઈ આવીશ. પછી જેમ પૈસા વધશે તેમ બકરીઓ વેચી દઈને એક ભેંસ લઈ લઈશ. ભેંસનું દૂધ વેચતા-વેચતા બીજી ભેંસ, ત્રીજી એમ પચાસ ભેંસો ખરીદીશ. આ ભેંસોને ચારો ચરવા માટે આવી શેરડીની લહેરાતી વાડી ખરીદી હું ખાટલે બેઠો-બેઠો આરામથી શેરડી ખાતો હોઈશ. પણ, સાથોસાથ વિચાર આવ્યો કે હું જ્યારે ખાટલે બેઠો-બેઠો ફકડસિંહની જેમ શેરડી ખાતો હોઈશ અને મારી વાડીમાં કોઈ શેખચલ્લી આવી જશે તો ?

બસ, આ વિચારતા જ શેખચલ્લીનો મગજ ગયો અને જોર-જોરથી બૂમો પાડતા બોલ્યો નાલાયક શેખચલ્લી, નીકળ મારી વાડીમાંથી બહાર. શેખચલ્લીનો શોર-બકોર સાંભળીને ફડકસિંહ અને તેના માણસો દોડતા આવ્યા. જોયું તો શેખચલ્લીના બકરાઓ ચારો ચરી રહ્યા છે, શેખચલ્લી પણ શેરડી ખાઈ રહ્યો છે અને હાથમાં લાકડીથી કોઈને મારતો હોય તેમ ‘નીકળ બહાર, નીકળ બહારના બરાડા પાડી રહ્યો છે. ફડકસિંહે શેખચલ્લીને એક લાકડી ફટકારી અને શેખચલ્લીનું સપનું તુટી ગયું. સપનું તુટતા જ શેખ ચલ્લી બોલ્યો, બાપુ બહુ થયું. ભેંસો ઈ ગઈ અને વાડી પણ ગઈ. ફડકસિંહે પૂછ્યું શેખચલ્લી કોની વાડી ને કોની ભેંસો ? શેખચલ્લીએ જ્યારે તેના સપનાની વાત કરી ત્યારે ફડકસિંહ પાસે હસવા સિવાય કોઈ ઉપાઈ નહોતો.

જો સ્વપ્નાવસ્થાનો સુસુપ્તિ અને જાગૃતિ સાથે સમ્યક મેળ ન સધાય તો સ્વપ્નાવસ્થા ભ્રમિત કરે છે અને દુઃખદાયી નીવડે છે. સ્વપ્નાવસ્થાને યોગ સાથે જોડવા નીચે સૂચનો હોઈ શકે.

(૧)સ્વપ્ન એ ઈશ્વરની એક શક્તિ છે તેમ માની સ્વપ્નોનો પણ સ્વીકાર કરો.

(ર)સમગ્ર સ્વપ્નાવસ્થાનો તિરસ્કાર કરવાની વૃત્તિ છોડો.

(૩)સ્વપ્નાવસ્થાના સાર અને અસાર ભાગને ઓળખતા શીખો.

(૪)સ્વપ્ના સાર ભાગને જાગૃતિ સુધી લઈ જવા અને અસાર ભાગને સુસુપ્તિમાં લય કરવા પ્રયાસ કરો. આવા પ્રયાસો સફળ નીવડે છે કારણ કે સ્વયં પ્રકૃતિ જ આવા પ્રયાસોમાં લાગેલી છે. તેથી જ તો પ્રકૃતિએ ત્રણ અસ્થાઓ રચી છે.

(પ)સ્વપ્નાવસ્થાની શક્તિઓ તો જ કામે આવી શકે જો સ્વપ્નાવસ્થાનો યોગ બને. સ્વપ્નાવસ્થાને યોગમય બનાવવા માટે તેને બાકીની બંને અવસ્થાઓ સાથે સમ્યકપણે જોડવી જરૂરી છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Arvindbhai

Arvindbhai 11 માસ પહેલા

Sanjay C. Thaker

Sanjay C. Thaker ચકાસાયેલ ઉઝર 1 વર્ષ પહેલા

Ashish Shukla

Ashish Shukla 1 વર્ષ પહેલા

Manjula

Manjula 1 વર્ષ પહેલા

Ahir Kp

Ahir Kp 1 વર્ષ પહેલા