સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 10

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૧૦ - ભાવનાત્મક સ્તલ

મનુષ્યનું ચિત્ત ભાવનાઓનું આશય છે. જેમ આકાશમાં વાદળો રચાઈ છે, વાયુ વહે છે તે જ રીતે ચિત્તના આશ્રયે જ સમગ્ર ભાવો રહેલા છે. ઈન્દ્રીયો, મન અને બુદ્ધિથી ઉપરનું અન અંતિમ સ્તલ ચિત્ત છે. સૌથી ઉપરનું સ્થાન ધરાવતું હોવાના કારણે ચિત્ત જીવનની પ્રબળ પ્રભાવી ઘટના છે. મનુષ્યના ઈન્દ્રીયો, મન અને બુદ્ધિને સૌથી વધારે પ્રભાવિત કરી શકતું સ્થાન ચિત્ત છે. આ સ્થાનની પ્રબળતા માટે ઋષિઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે ‘‘ભાવો હી ભવકરૌ પ્રોક્તો’’ ભાવ જ જન્મ-જન્માંતરનું કારણ છે. આ હકીકતને સમર્થન આપતા કૃષ્ણ ગીતાના આઠમાં અધ્યાયમાં કહે છે ‘‘ભૂતભાવોદ્રભવકરૌ વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ’’

વળી નવા જન્મનું કારણ ભાવમાં છુપાયેલું છે તેવી હકીકત કહેતા પણ કૃષ્ણ કહે છે ‘‘યં યં વાપિ સ્મરન્ભાવં ત્જંતન્તે ક્લેવરમ, તમ તમૈવેતિ કૌન્તેય સદા તદ્‌ભાવ ભાવિતાઃ’’ મનુષ્યનું ચિદાકાશ જ પરમાત્માની ઉપાસના રૂપ સ્થાન છે. તુલસીકૃત રામાયણમાં ‘‘અહંકાર શિવ બુદ્ધિ એ જ મન શશિ ચિત્ત મહાન’’ એવા શબ્દો સાથે ચિત્ત એ જ મહાન (પરમાત્મા)નું નિવાસ સ્થાન હોવાનું જણાવેલ છે.

કોઈપણ પ્રાણીના મન, બુદ્ધિ તેની સમગ્ર વૃત્તિઓ સમતે તેના ભાવથી ભિન્ન રહી શકતા નથી. નારદ ભક્તિ સૂત્રમાં નારદ ભાવની પ્રાધાન્યતા જણાવતા ભાવને જ ભક્તિનું પરમ સાધન કહે છે. પરમાત્માની સમિપ જવાનું કોઈ સાધન હોય તો તે ભાવ છે. જે ક્રિયાઓ, ચેષ્ટાઓ, સંકલ્પો અને બુદ્ધિની વૃત્તિઓ તેના ભાવથી વિપરિત જવાની કોશિશ કરે છે તે ભટકવા સિવાય કાંઈ મેળવી શકતી નથી કારણ કે ભાવ અને કર્મ વચ્ચે ઉભો થતો કોન્ટ્રાસ વ્યક્તિને ટ્રેસ ઉભો કરાવે છે. કોઈપણ વ્યક્તિ ભાવથી ભિન્ન નથી.

વ્યક્તિનું ઓળખનું મન્ય સાધન તેનો ભાવ છે. જેનો જેવો ભાવ છે તે તેવો છે તેમ ઓળખાય છે. પ્રેમ, હાસ્ય, કરુણા, રુદન, તૃપ્તિ, મદ, માત્સર્ય દ્વેષ, ઈર્ષ્યા વિગેરે તમામ તેના ભાવોથી જેટલા સત્યપણે ઓળખાય છે તેટલા અન્ય રીતે નથી ઓળખાતા. જે વ્યક્તિ ભાવની ઓળખ નથી કરતો તે અન્ય ઓળખોથી ધોખો ખાય છે. ભાવ જ સત્યની સાચી ઓળખ છે તે માટે ભાવના વિજ્ઞાન પ્રત્યે દૃષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે.

માનો કે એક વ્યક્તિને મિઠાઈ ખાવાની ઈચ્છા થઈ. મીઠાઈની ઈચ્છા તેના શારીરિક ગુણોથી (હોર્મોન્સના પ્રભાવથી) તેની સ્વાદેન્દ્રીયની ઈચ્છા છે. સ્વાદેન્દ્રીયે ઉભી કરેલી ઈચ્છા ઈન્દ્રીયોના સ્વામી મન પાસે પહોંચે છે. મન તેના સંકલ્પ અને વિકલ્પ ઉભા કરે છે. જો કોઈ મીઠાઈની ઈચ્છાથી વ્યક્તિ કોઈ સ્વીટ માર્ટની દુકાન ઉપર પહોંચી જાય તો વિકલ્પ રૂપે રસગુલ્લા, ગુલાબજાંબુ, જલેબી, બરફી કે મોતીચુરના લાડુમાંથી શું ખાવું તેના વિકલ્પો મેળવે છે અને બુદ્ધિની મદદથી તેમાં સંકલ્પનું નિર્માણ થાય છે કારણ કે ચોખ્ખા ઘીના લાડુના ભાવ સાંભળીને ભડકેલી બુદ્ધિ કહે છે ‘રસગુલ્લા જ બરાબર છે’ પછી વ્યક્તિ કહે છે કે એક કિલો રસગુલ્લા આપો. જ્યારે રસગુલ્લા ખાય છે ત્યારે તે તૃપ્તિ અનુભવે છે. આમાં ઈચ્છાથી લઈને તૃપ્તિ સુધીના દરેક કર્મમાં ભાવ જોડાયેલો જ રહે છે. ઈચ્છાઓની અધુરપથી લઈને ઈચ્છાની પૂર્તિ સુઘીના કર્મમાં ભાવથી જોડાયેલો આત્મા જ અધૂરપ અને તૃપ્તિનો અનુભવ કરે છે. કદાચ કોઈ રોબોટને સ્વીટ માર્ટ ઉપર મોકલવામાં આવે તો રોબોટ એક કિલો રસગુલ્લા ખરીદી લે, ખાઈ પણ જાય અને બીલ પણ પેઈડ કરી આપે. તેમ છતાં રોબોટ અતૃપ્તિ અને તૃપ્તિના ભાવનો અનુભવ નહીં કરી શકે. આખર પ્રાણીમાત્રમાં છુપાઈને જે ચેતના જીવન જીવી રહી છે તે ચિત્તના આધારે ભાવમય છે. તેથી ‘‘મનશશી ચિત્ત મહાન’’ કહેવાયું છે. ચિત્તને જ વાસુદેવનું રૂપ કહેવાયું છે. ઋષિઓએ ચિત્તને જ ભગવાનની ઉપાસનાનું સ્થાન કહ્યું છે.

વ્યક્તિ જો ભાવથી શુદ્ધ થાય, બુદ્ધ થાય અને પ્રેમમય થાય તો ભાવ જ પરમ મુક્તિ છે. બાકી ઈન્દ્રીય મુક્તિ, મનો મુક્તિ, બુદ્ધિ મુક્તિ કે કર્મ મુક્તિ નથી. જેથી પ્રત્યેક પરિસ્થિતિમાં જે વ્યક્તિ ભાવને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત રાખવાની કળા જાણી લે છે તે દરેક પરિસ્થિતિમાં મુક્ત છે. કૃષ્ણ ‘‘નાસ્તિબુર્દ્ધિયુક્તસ્ય ન ચા યુક્ત તસ્ય ભાવના’’ જેવા શબ્દોથી બુદ્ધિને પણ પરમ ભાવથી જ જોડવાની વાત કરે છે.

ભાવ એ રાજા છે. ઈન્દ્રીયો, મન અને બુદ્ધિ સહિત તમામ કર્મો એ ભાવની પ્રજા છે. જેવો ભાવ તેવા વિચારો. જેવો વિચારો તેવી બુદ્ધિ, જેવી બુદ્ધિ તેવા સંકલ્પ - વિકલ્પો. જેવા સંકલ્પ અને વિકલ્પો તેવું મન. જેવું મન તેવી ઈન્દ્રિયોની પ્રવૃત્તિ, જેવી પ્રવૃત્તિ તેવું કર્મ અને જેવું કર્મ તેવું ફળ. જેવું ફળ તેવી અનુભૂતિ.

‘યથા રાજા તથા પ્રજા.’’ તે ન્યાયે જે સમયે જેવો ભાવ હોય છે તે સમયે વ્યક્તિના મન, બુદ્ધિ, ઈન્દ્રિયો અને કર્મો તેવા જ હોય છે. એક અભિનેતા જે પાત્ર ભજવે છે તે માટે તેનો ભાવ ધારણ કરે છે. જ્યારે કોઈ પાત્રનો ભાવ ધારણ કરવામાં આવે છે ત્યારે સમગ્ર કર્મો તે ભાવાધીન હોય છે.

એક નાટ્ય કંપની રાજાના દરબારમાં નાટક રજૂ કરવા આવેલી. તેના સંચાલક રાજા ભર્તૃહરીનું પાત્ર ભજવતો હતો. તેનું નાટક ભર્તુહરીના જીવન ઉપર આધારીત હતું. રાજા એ નાટક જોવા આવેલા અને નાટકના પાત્રોની આબેહૂબ ભજવણીથી રાજા એટલા પ્રભાવિત થયા કે ચાલુ નાટકે તેમણે સોનાનો હાર નાટકમાં ભર્તૃહરીનું પાત્ર ભજવી રહેલા કલાકાર ઉપર ફેંક્યો અને વાહ વાહ બોલ્યા. ભર્તૃહરીનું પાત્ર ભજવી રહેલા કલાકારે તે હારને સ્વીકારવાની બદલે એક બાજુ કરી દીધો. રાજાએ ભેટ સ્વરૂપે ફેંકેલા હારને એક બાજુએ કરવો એ રાજાના અપમાન બહાબર હતું. પરંતુ તેણે હારની સામે જોયા વગર પોતાના પાત્રની ભજવણી ચાલું રાખી. નાટક પુરુ થયા પછી તે કલાકાર હારને લઈ રાજા પાસે આવ્યો અને રાજાની માફી માગતા તેણે કહ્યું કે મહારાજ આપનો હાર હવે સ્વીકાર કરું છું. રાજાએ કહ્યું કે હાર તે પાત્ર ભજવતા સમયે કેમ ન સ્વીકાર્યો ? ત્યારે કલાકારે કહ્યું કે તે સમયે હું કલાકાર ન હતો. તે સમયે મારો ભાવ રાજા ભર્તૃહરી તરીકેનો હતો. તે ભાવમાં હું એક સામાન્ય હાર કેમ સ્વીકારી શકું ? જો તે સમયે હું એક રાજાએ ફેંકેલો હાર સ્વીકારું તો તે સમ્રાટ ભર્તૃહરીનું અપમાન હતું. તેથી મેં મારો તે ભાવ વિચલીત ન થવા દેતા આપનો હાર સ્વીકાર્યો નહતો. પરંતુ હવે હું એક સામાન્ય કલાકાર છું. આપ જે કોઈ ભેટ આપો તે સ્વીકારવા તૈયાર છું.

જ્યારે કોઈ એક ભાવથી જોડાય છે ત્યારે મન અને બુદ્ધિના તમામ કર્મો તેની સાથે જોડાય છે. મેં સાંભળ્યું છે કે અમેરિકામાં અબ્રાહ્મ લિંકનના મૃત્યુ બાદ તેની યાદમાં કાર્યક્રમો ઉજવવા અને લિંકનના વીતેલા જીવનની ક્ષણોને યાદ કરવા નાટકો યોજવા નક્કી થયું. એક વ્યક્તિ જે લિંકન જેવો ચહેરો અને પ્રતિભા ધરાવતો હતો તે વ્યક્તિને નાટકમાં લિંકનનું પાત્ર આપ્યું. ધીરે ધીરે તે વ્યક્તિ લિંકનના તમામ ભાવોની આબેહૂબ નકલ કરવા લાગ્યો. થોડા દિવસમાં તેના પાત્રની ચોમેર સુવાસ પ્રસરી ગઈ. પરંતુ તકલીફ એ થઈ કે નાટક પુરુ થયા બાદ પણ તે કલાકાર અબ્રાહ્મ લિંકન પહેરતા તેવો ડ્રેસ પહેરીને, લિંકન સ્ટાઈલમાં જ ફરવા લાગ્યો. ધીરે ધીરે તે પોતાની જાતને લિંકન માનતો થઈ ગયો.

નાટક કંપની પરેશાન થઈ ગઈ કારણ કે નાટક કંપની નાટકના પાત્રને આબેહૂબ કૃતિ કરતા સ્ટેજ ઉપર તો સ્વીકારી શકે પરંતુ શો પુરો થયા બાદ પણ કોઈ અભિનેતા તે પાત્રના જ રુઆબમાં રહે તો નાટક કંપનીને મુશ્કેલી જ પડે. નાટક કંપનીએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ રહી. જે પછીથી તેની મેડીકલ અને સાઈકોલોજીકલ ટ્રીટમેન્ટ કરાવવાનો પણ ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ સફળતા ન મળી. ડૉક્ટરો સામે કલાકાર બેઠો રહેતો અને હસતો.ડૉક્ટર તેની સમજણ માટે જે કોઈ મુદ્દાઓ આપે તે સાંભળીને હસતા-હસતા ડૉક્ટરને સલાહ આપતો કે સાહેબ જો કોઈ લોકોએ આપને ભડકાવ્યા હોય તો હું તમને કહી દઉં કે હું પોતે જ લિંકન છું તેથી તમારે કોઈ લોકોની ખોટી વાતમાં ન આવવું. આવી પરિસ્થિતિમાં ડૉક્ટરો પણ થાકી ગયા. બરાબર તે સમયમાં અમેરિકામાં લાઈવ ડીટેક્ટર ટેસ્ટ માટેનું મશીન આવ્યું હતું. જે મશીન ઉપર કોઈને ઉભો રખાય તેને પ્રશ્નો કરવામાં આવે તેમાં તેના હાવ-ભાવ અને હલન-ચલનના કારણે પ્રશ્નોના જવાબમાં થતાં ફેરફારો મશીનમાં રેકર્ડ થઈ જતા અને એક ગ્રાફ બનતો. જે ગ્રાફ ઉપરથી નિષ્ણાંતો નક્કી કરી શકે કે વ્યક્તિ સાચુ બોલે છે કે ખોટું ?

અંતે આ કલાકારનો આવો ટેસ્ટ કરાવવાનું નક્કી થયું. ચારે બાજુથી પોતે લિંકન નહીં હોવાની ચર્ચાથી કલાકાર પણ કંટાળી ગયો હતો. જ્યારે લાઈવ ડીટેક્ટર ટેસ્ટ થવાનો હતો ત્યારે તે કલાકારે પણ નક્કી કર્યું કે આજે તો મારે હું લિંકન નથી તેમજ કહેવું છે. કલાકારને મશીન ઉપર ઉભો રખાયો. થોડા સાદા અને સરળ પ્રશ્નો તેને કરવામાં આવ્યા. જેમ કે ઘડીયાળ બતાવીને તેને પૂછ્યું કે જુવો આમાં કેટલા વાગ્યા છે? સામી દિવાલનો રંગ કેવો છે ? વિગેરે. તે સાથે જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે લિંકન છો કે કોઈ બીજા ? ત્યારે એ વ્યક્તિએ જવાબ આપ્યો કે હું લિંકન નથી. આશ્ચર્ય એ હતું કે તેના જવાબ સાથે લાઈવ ડીટેક્ટર મશીને જણાવ્યું કે આ વ્યક્તિ ખોટું બોલે છે. તે કલાકારની સાથે લિંકન હોવાનો ભાવ એટલી દ્રઢતા પૂર્વક સંલગ્ન થઈ ગયો હતો કે ‘હું લિંકન નથી’ તેમ તે કલાકારના કહેવાને મશીને પણ ખોટું સાબિત કર્યું. જ્યારે કોઈ ભાવ સંલગ્ન થાય છે ત્યારે તે તેવો જ થઈ જાય છે. કૃષ્ણ જ્યારે ‘સદા તદ્‌ભાવ ભાવિતા’ જેવા શબ્દોથી ભાવની શક્તિને વર્ણવે છે ત્યારે ભાવવિજ્ઞાન કેટલું ગહન છે તેનો પરિચય મળે છે.

રામકૃષ્ણ પરમહંસ એક ભાવુક ઉપાસક હતા. તેમણે તેની ભાવનાને અલગ-અલગ માન્યતાઓ અને ઉપાસનાઓ સાથે જોડીને સાધના કરેલી. બંગાળમાં તે વખતે એક સખી સંપ્રદાય હતો. સખી સંપ્રદાય કૃષ્ણને પુરૂષ માનીને ગોપી ભાવથી તેની ઉપાસના કરતો સંપ્રદાય હતો. જ્યારે રામકૃષ્ણે થોડા સમય માટે આ સંપ્રદાયમાં જોડાઈને ઉપાસના કરી ત્યારે અદ્‌ભૂત પરિણામ આવ્યું. રામકૃષ્ણની સાધના દરમ્યાન લગભગ બે મહિનામાં રામકૃષ્ણની ચાલ-ઢાલ, વાણી-વર્તન વિગેરે સ્ત્રીઓ જેવા થવા લાગ્યા. છ માસ પછી તો રામકૃષ્ણને સ્પષ્ટરૂપે સ્તન ઉભરી આવ્યા અને તે પછી રામકૃષ્ણને માસિક ધર્મ પણ લાગુ પડ્યો હતો. ત્યારબાદ રામકૃષ્ણએ તેમના પત્નિ શારદાદેવીના કહેવા મુજબ તે સાધના છોડી દીધી હતી. ભાવ જો પ્રબળ હોય તો શરીર, મન, બુદ્ધિ બધુ જ તેના ઈશારે પરિવર્તિત થઈ જાય છે.

તેવી જ રીતે જો કોઈને ભાવથી ખંડિત કરવામાં આવે તો વિપરીતતા ઉભી થઈ ભાવને ઠેસ પહોંચે છે. તેવી ખંડિત ભાવવસ્થામાં તે ભાવનાના નિશ્ચિત કર્મો થઈ શકતા નથી. કોઈ વ્યક્તિ ભાવથી ઉદાસ થયો હોય ત્યારે ખુશીના ગીત ગાઈ શકતો નથી અને ભાવથી ખુશ હોય ત્યારે ઉદાસીનતાને નિભાવી શકતો નથી.

કોઈ કલાકારે તેની કલાના ભાવથી વિખૂટો પડે પછી તેની કલા યોગ્ય રીતે રજૂ થઈ શકતી નથી. સ્ટેજ ફીયરનો અનુભવ થાય છે. સ્ટેજ ફીયર એ ભાવાવસ્થાનું ખંડન છે. શરૂ-શરૂમાં લગભગ દરેક કલાકારો અને વક્તાઓ સ્ટેજ ફીયર અનુભવે છે કારણ કે તેણે જે ભાવ નિશ્ચિત કરેલા છે તે ભાવોથી સ્ટેજ સામે બેઠેલા વ્યક્તિઓના પ્રત્યે સેવેલા ભાવોથી એક કોન્ટ્રાડીક્શન ઉભું થાય છે. જ્યારે કોઈ વક્તા કે કોઈ કલાકાર પોતાની કલા કે વક્તવ્યના ભાવથી વિખૂટા પડે ત્યારે તે પોતાના કલાકાર તરીકે ના કે વક્તા તરીકેના કર્મોને પુરતો ન્યાય આપી શકતા નથી કારણ કે ભાવથી અલગ પડેલા કર્મોની નિશ્ચિત દિશા જ રહેતી નથી. તેથી જે કર્મોની સિદ્ધિ ઈચ્છે છે તેણે તે કર્મોની ભાવ શુદ્ધિ કર્યા વગર છૂટકો નથી.

વ્યક્તિનું ચૈતન્ય ભાવથી જોડાયેલું છે અને વ્યક્તિની શ્રદ્ધા ભાવનું કારણ છે. તેથી શ્રદ્ધા તેના ભાવથી અલગ પડી શકતી નથી. જ્યારે વ્યક્તિ તેની શ્રદ્ધા મુજબના ભાવનું અનુસંધાન નથી કરી શકતો ત્યારે એક વિપરીતતામાં ખેંચતાણ અનુભવે છે. જ્યારે બુદ્ધિ વિવિધ મત-મતાંતરોમાં ભટકે છે ત્યારે વ્યક્તિ ખેંચતાણ અનુભવે છે જેને આપણે ટેન્શન તરીકે ઓળખીયે છીએ.

ભાવની શુદ્ધિ જ શ્રેષ્ઠ સાધના છે. ભાવની શુદ્ધિમાં જ તમામ કર્મોની શુદ્ધિ થઈ જાય છે. અન્યથા ઈન્દ્રીય શુદ્ધિ કરનારા મનથી પરેશાન રહે છે, મન શુદ્ધિ કરનારા બુદ્ધિથી પરેશાન રહે છે. અને બુદ્ધિની શુદ્ધિ કરનારા આખર ભાવથી પરેશાન રહે છે. પરંતુ ભાવશુદ્ધિની પ્રાધાન્યતામાં તમામ શુદ્ધિઓ આપોઆપ થઈ જાય છે. તેથી જ કૃષ્ણ ભાવશુદ્ધિને જ પરમ તપ માને છે. કૃષ્ણ કહે છે ‘‘ભાવ સંશુદ્ધિરિત્યેત તપો માનસ ઉચ્યતે’’ (ગી.અ.૧૭-૧૬)

કોઈ વ્યક્તિ બિમાર પડે ત્યારે તેની એક જ બિમારી અલગ-અલગ વિદ્વાનોના (ડૉક્ટરો/વૈદ્યોના) મતથી અલગ-અલગ નિદાન થવા સંભવ છે. કોઈ દર્દી કહે કે મને પેટમાં દુખે છે તો તેના પેટનો દુખાવો ક્યા કારણથી છે તે બાબતે ચિકિત્સકોના મત-મતાંતર અલગ-અલગ થઈ શકે છે. કોઈ તેમાં એક રોગનું નિદાન કરે છે તો કોઈ બોજો બીજા રોગનું.

જો આવું નિદાન એક થઈ જાય તો પણ ચિકિત્સા પદ્ધતિઓથી ચિકિત્સા કરવાની બાબતે અલગ પડે છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, નેચરોપેથી, યુનાની, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેગ્નેટથેરાપી, એરોમા થેરાપી વિગેરે જેવી અલગ-અલગ નામથી ઓળખાતી કુલ ૪૧ જેટલી થેરાપી હાલ દુનિયામાં કામ કરી રહી છે. આ થેરાપીઓ પણ પરસ્પર વિરોધી મતો ધરાવે છે. એલોપથી દરમ્યાન બીમારને અપાતા ખોરાક અને દવાઓની આયુર્વેદના મનિષીઓ નિંદા કરે છે. તો ઘણીવાર આયુર્વેદના મતોની એલોપથી દ્વારા નિંદા થાય છે. ઘણી વખત તો એક જ પેથી નીચે કામ કરી રહેલા એક ડૉક્ટર એક રોગ માટે જે દવા આપે છે તેને બીજો ડૉકટર દવાની બદલે ઝેર કહે છે. એક જ પેથી નીચે એક રોગનું એક નિદાન થવા છતાં અલગ-અલગ ડૉક્ટરો જુદી-જુદી દવાઓમાં વિશ્વાસ ધરાવે છે.

કોઈ બિમાર વ્યક્તિ નિદાન અને ચિકિત્સા પદ્ધતિ બાબતે ચોક્કસ થઈ પણ જાય તો ક્યાં ડૉક્ટર પાસે અને ક્યાં સ્થળે ચિકિત્સા કરાવવી તે પ્રશ્ન પણ હલ કરવાનો બાકી રહે છે. નેતા-અભિનેતાઓ નાના-મોટા રોગની ચિકિત્સા કરાવવા પરદેશ જાય છે. થોડા પૈસાવાળા મુંબઈ, દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર કે ચેન્નઈ જાય છે. તો ગરીબ વ્યક્તિ પાસે તો ‘ધ બેગર હેવ નો ચોઈસ’ના નિયમ મુજબ ઉંટ વૈદ્ય હોય કે લૂંટ વૈદ્ય પણ ઘર આંગણે જ ચિકિત્સા કરાવવી પડે છે. તેમાંય ગરીબી રેખા નીચે જીવનારા વ્યક્તિઓને તો સરકારી હોસ્પિટલોમાં ચાલતી સરકારી યોજનાઓ જ પસંદ કરવાની રહે છે.

જ્યારે કોઈ બિમાર થાય છે ત્યારે ગુમાવેલા સ્વાસ્થને મેળવવા માટે બુદ્ધિના અલગ-અલગ મત-મતાંતરોનો સામનો કરે છે તે જ રીતે બુદ્ધિને એક ભાવ કે સમભાવની પ્રાપ્તિ માટે અલગ-અલગ મત-મતાંતરોનો સામનો કરવો પડે છે. જેમ એક જ બિમારીના ઉકેલ માટે સેંકડો ચિકિત્સા પદ્ધતિઓ, સેંકડો ચિકિત્સકો, સેંકડો દવાઓ અને સેંકડો ચિકિત્સાલયોમાંથી કોઈ એકની પસંદગી કરીને એક સ્વાસ્થ માટેનો સંઘર્ષ કરવો પડે છે તેમ સ્થિર ભાવની પ્રાપ્તિ માટે પણ સંઘર્ષ કરવો પડે છે કારણ કે દુનિયામાં સત્ય પણ એક જ હોવા છતાં તે બાબતે સેંકડો મત-મતાંતર ચાલે છે. ‘એકમ સદ વિપ્રાઃ બહુધા વદન્તિઃ’ એક જ સત્યને જાણનારાઓએ પોતાની બુદ્ધિ મુજબ અલગ-અલગ વર્ણવેલું હોવાથી દરેકના મતો અલગ પડે છે.

જ્યારે કોઈ વ્યક્તિ મત-મતાંતરોની પેલે પાર રહેલા સત્યને જુવે છે ત્યારે જ તે પોતાના ભાવને તેમાં સ્થિર કરી શકે છે. જેને આપણે સમભાવ કહીએ છીએ તે સમભાવની પ્રાપ્તિ માટે બુદ્ધિએ ઉભા કરેલા મત-મતાંતરોનું અતિક્રમણ જરૂરી છે.

જો ભાવ સ્થિર ન હોય તો બધુ જ અસ્થિર બને છે. ઈન્દ્રીય, મન અને બુદ્ધિની તમામ ઉપાસનાઓ આખર ભાવની સ્થિરતા માટે જ છે. જો આ ઉપાસનાઓમાં ભાવનું મહત્ત્વ ન હોય તો આવી ઉપાસનાઓ પાણી ઉપર રેખા ચિત્ર તૈયાર કરવાની વ્યર્થ મહેનત સમાન જ સાબિત થાય છે. જે પૂજા, પ્રાર્થના કે ભક્તિમાં ભાવની પ્રાધાન્યતા ન હોય તો તે વ્યર્થ છે. કોઈ શાયરે સરસ કહ્યું છે કે :

‘‘શેખ કરતા તો હૈ મસ્જીદ મેં ખુદા કો સજદે,

ઉસ્કે સજદો મે અસર હો યે જરૂરી તો નહીં.’’

લગભગ પૂજારીઓની પૂજામાં ભાવ નથી હોતો કારણ કે પૂજારીઓ યંત્રવત નિયમિત સમય મુજબ પૂજા કરે છે. તેમની પૂજામાં સમય અને દેખાવોનું જેટલું મહત્ત્વ હોય છે તેટલું ભાવનું નથી હોતું. જેથી પૂજારી એક યંત્ર સમાન રહી બની જાય છે.

મેં સાંભળ્યું છે કે એક ગરીબ ભક્ત ભગવાનના દર્શને ગયો. તે ગરીબ તો હતો જ સાથે તેની જીભ પણ થોડી જલાતી હતી. તે ગયો ત્યારે સમય એવો હતો કે મંદિરના દરવાજા બંધ થઈ રહ્યા હતા. ભક્ત મંદિર ઉપર ગયો કે ત્યાં સુધીમાં દરવાજા બંધ થઈ ગયા. ગરીબ ભક્ત દૂર-દૂરથી આવતો હતો અને તેને પુરત પાછુ પણ જેવું હતું. તેણે પૂજારીને વિનંતી કરી કે મહારાજ આપ દર્શન કરાવી આપો. પરંતુ પૂજારીઓ ગરીબની ભાષા નથી સમજતા. તેણે કહ્યું ભાઈ, હવે ભગવાન આરામમાં જતા રહ્યા છે અને હવે તો આવતી કાલે જ સવારે દરવાજા ખુલશે. તે સિવાય દર્શન નહીં થાય. તે ગરીબ ભક્તે નિસાસો કહ્યું મહારાજ, હું તો આજ ભગવાનને સોનાનો મુગટ ચડાવવા માગતો હતો. પૂજારીના કાન ચમક્યાં. સોનાનો મુગુટ ?

જો સોનાનો મુગુટ કોઈ ચડાવે તો કોઈ કોઈ પૂજારીઓ તો ભગવાનને અરધી રાતે જગાડી દેવા પણ તૈયાર હોય છે. પૂજારીના મનમાં લાલચ જાગી ગઈ. તેણે ગરીબ ભક્તને કહ્યું જો ભાઈ, આમ તો ભગવાન સૂઈ ગયા છે, પણ હજી હમણા જ સુતા છે તેથી હું અંદર જઈને થોડી પરવાનગી માગી લઉં. તેણે મંદિરમાં જઈને પરવાનગી માંગવાનું નાટક કર્યું. કરવું પડે છે કારણ કે એકવાર ના કહ્યા પછી ફરી હા પાડવાનું બહાનું તો જોઈએ ને. તે મંદિરના ગર્ભગૃહમાંથી પરત આવ્યો અને હસતા ચહેરે કહ્યું ભાઈ તમે તો ખુબજ ભાગ્યશાળી છો. ભગવાને તુરત જ પરવાનગી આપી દીધી. લો હવે તમે દર્શન કરી લો અને લાવો તમારો સોનાનો મુગુટ જે હું ભગવાનને ભેટ ધરાવી દઉ. પેલા ભક્તે તેની પાસેના થેલામાંથી એક નાનકડો રમકડાનો મુગુટ કાઢ્યો અને પૂજારીને આપ્યો. પૂજારી એ કહ્યું ભક્તરાજ તમે મજાક ન કરો. અસલી સોનાનો મુગુટ આપો. પેલા ભક્તે કહ્યું મહારાજ, આ સો... આનોનો મુગુટ છે. આની ખરી કિંમત છે સા...આના. પૂજારીનો પારો ચઢી ગયો. પણ, હવે શું બોેલે ? સામાન્ય રીતે પૂજારીની પૂજામાં ભગવાન સિવાય દરેક બાબતની કાળજી હોય છે. બસ, એક ભગવાન જ તેમાંથી બાકાત હોય છે. સાચા ભક્તની પૂજામાં ભગવાન સિવાય કોઈ વસ્તુનું મહત્વ હોતું નથી. સાચા પૂજારીનો ભાવ એક માત્ર ભગવાન સાથે જ લાગેલો હોવાથી તેના ભાવમાં ઔપચારિક્તાઓનું તેટલું મહત્ત્વ રહેતું નથી જેટલું ભગવાન પ્રત્યેના ભાવનું હોય છે.

રામકૃષ્ણને કલકત્તાના કાલી મંદિરમાં પૂજારી તરીકે નિમ્યા. પણ રામકૃષ્ણ તો ભાવથી પૂજા કરનારા પૂજારી હતા. તેમની પૂજામાં ભાવ મુખ્ય રહેતો. બનતુ એવું કે ક્યારેક રામકૃષ્ણ દરવાજા બંધ કરી કલાકો પૂજા કરતા રહેતા તો ક્યારેક થોડી ક્ષણોમાં જ પૂજા નિપટાવી લેતા. ક્યારેક અર્ધી રાત્રિએ મંદિરના દરવાજા ખોલી નાખતા તો ક્યારેક ભોગ લગાવીને કલાકો સુધી કાલી જમે છે તેવા ભાવમાં મગ્ન થઈ જતા. મંદિરના વહીવટ કર્તાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણ કે વહીવટકર્તાઓ માટે દર્શનાર્થી એ દર્શનાર્થીની આવક જ મહત્ત્વના હતા. આખર વહીવટકર્તાઓએ ભેગા થઈને રામકૃષ્ણને કહ્યું કે તમે પૂજા કરવામાં સમય કેમ નથી જાળવતા ? ત્યારે રામકૃષ્ણએ કહ્યું કે મારા માટે સમય કરતા પૂજામાં ભાવ જાળવવો અગત્યનો છે. હું સમયથી નહીં પણ ભાવથી કાલી સાથે જોડાયેલો પૂજારી છું.

કૃષ્ણના મતે જ્યારે ભાવ તમામ ભૌતિક દેહધારીઓમાં એક સ્વરૂપે વ્યાપિ રહેલા ચૈતન્ય સાથે જોડાઈ છે ત્યારે એક બને છે. પછી દવૈત ભાવ જવાનો પ્રશ્ન નથી રહેલો.

સર્વભૂતેષુ યૈનેકં ભાવમવ્યયમ ઈક્ષતે

તત્‌ એવ વિસ્તારમ બ્રહ્મ સંપદૃયતે તથા (ગી.અ.૧૮-ર૦)

જેમ કોઈ પરદા ઉપર ફીલ્મ રચાઈ છે, જેમ આકાશમાં વાદળોની વિવિધ રચનાઓ થાય છે તેમ ચિત્ત ઉપર વિવિધ ભાવો બનતા રહે છે. ચિત્ત પણ પ્રકૃતિમય છે તેથી પ્રકૃતિમય છે તેથી પ્રકૃતિના ત્રણ ગુણો ચિત્ત સાથે પણ જોડાયેલા રહે છે. ચિત્ત પણ સત્વ, તમસ અને રજસના પ્રાકૃતિક ગુણોથી ઘેરાયેલું રહે છે. ચિત્તમાં રજોગુણથી ભાવ, તમોગુણથી દુર્ભાવ અને સત્વગુણથી સમભાવ થાય છે. જે ચિત્તમાં રજોગુણ અને તમોગુણની સમાનાવસ્થા ચિત્તમાં સત્ત્વગુણ મય સમભાવને ઉભો કરે છે. રજોગુણના સ્વભાવથી ચિત્તમાં આવેલો કોઈપણ ભાવો તેના તમોગુણથી ચિત્તને તે ભાવથી વિપરિત દુર્ભાવ તરફ પ્રેરે છે. જેમ કે કોઈ વસ્તુ મેળવવાની કામના તે વસ્તુ નહીં મેળવી શકવાના દુર્ભાવને પણ ઉભો કરે છે. કોઈ જુગારી સટ્ટો રમે છે ત્યારે સટ્ટો જીતવાની લાલસાનો ભાવ તો હોય જ છે તે સાથે સટ્ટો હારવાની શંકાનો દુર્ભાવ પણ સંમિલિત હોય છે.

ચૂંટણીમાં ઉભેલો નેતા જીતની કામનાઓથી જીતવાની અપેક્ષામય ચિત્તભાવને નિર્મિત કરે છે તો તે સાથે જ હાર તેના દુર્ભાવને પણ નિર્મિત કરે છે. કોઈપણ વસ્તુની સફળતાની કામના તેના સિક્કાની બીજી બાજુ એટલે કે અસફળતાને પણ ઉભો કરે છે. જો સફળતાનો ભાવ છે તો નિષ્ફળતાનો દુર્ભાવ પણ સાથે જોડાયેલો જ હોય છે. ચૂંટણીમાં ઉભેલા નેતાને તેની હારના કારણો તરફ ધ્યાન દોરાઈ તો ચિત્ત નિષ્ફળતાની ભાવનાથી ભરાતું જાય છે. જો કોઈ કહે કે તમે આ ચૂંટણીમાં હારી જાઓ તેમ છો તો તેવી હકીકત તેના ભાવ સ્વરૂપથી વિરુદ્ધ છે તે કારણે તેની ભાવનાઓને ઠેસ પહોંચે છે. વળી મજા એ છે કે જે જેટલા જોરથી જીતની ભાવના પકડીને ઉભો હશે તેને તેટલા જ જોરથી સિક્કાની બીજી બાજુની હાર ભય બનીને સતાવશે. ચૂંટણીમાં ઉભેલા નેતાઓ ઠેક-ઠેકાણેની માનતાઓ કરે છે, ગમે તેના ચરણ પકડે છે. જેના તેના પગમાં પડીને નમસ્કાર કરે છે. તેનો અર્થ એવો નથી કે ચૂંટણી લડતો નેતા કોઈ દેવ-દેવીઓમાં આસ્થાવન થઈ ગયો છે તેથી માનતાઓ કરે છે, અથવા તો એટલો બધો વિનમ્ર થઈ ગયો છે કે દરેકને નમસ્કાર કરે છે. પરંતુ સાચી હકીકત એ છે કે અંદર રહેલી હારની ભાવના તેને ભયભીત કરી રહી છે.

જીવેષ્ણાના ભાવથી ભરાયેલા ચિત્તમાં મૃત્યુના વિચારો વિપરીત દુર્ભાવને પેદા કરે છે. કોઈ દર્દી ભયંકર રોગથી પીડીત હોઈ અને ડૉક્ટર જો તેને સીધુ કહી દે કે તું લાંબુ જીવવાનો નથી તો દર્દીની જીવેષ્ણારૂપ ભાવનાઓને ઠેસ પહોંચે છે. ઘણી વખત તો દર્દી રોગથી ન મરતો હોય તો ડૉક્ટરની કર્કશ ભાવનાઓથી મરી જાય છે. તેથી ડૉક્ટરો એ તેની વાણીમાં સત્યને પણ સમજણપૂર્વક રજૂ કરવું પડે છે. અન્યથા ભાવનાત્મક ચિત્તપટલ ઉપર વિપરીત અસરના કારણે વિપરીત પરીણામ આવે છે.

જીવન દવૈતથી ઘેરાયેલું છે તે કારણે દરેક ભાવનો દુર્ભાવ સદા અસ્તિત્વ ધરાવે છે. જીવન સાથે મરણ જોડાયેલું છે. સ્વાસ્થ સાથે બિમારી જોડાયેલી છે, સુખ સાથે દુઃખ, હર્ષ સાથે શોક, રાગ સાથે વિરાગ, માન સાથે અપમાન, સ્વીકાર સાથે તિરસ્કાર, ચડવા સાથે પડવું, સફળતા સાથે નિષ્ફળતા. જેથી દરેક પરીસ્થિતિના ભાવનો દુર્ભાવ પણ વ્યક્તિને સતાવે છે. જે જીવન જીવી રહ્યો છે તેને મૃત્યુનો ભયભાવ સતાવે છે. જેણે સફળતાની કામના છે તેને નિષ્ફળતાઓના ભાવો સતાવે છે.રૂ

આજકાલ પોઝીટીવો થીંકિંગનો ઘણો પ્રચાર થઈ રહ્યો છે. ઘણા લેખકો અને વિવેચકો પોઝીટીવ થીંકિંગ કરવા કહી રહ્યા છે. પરંતુ પોઝીટીવ થીંકિંગની પકડ જ નેગેટીવ થીંકિંગના દ્વાર ખોલે છે. મનનો એ સ્વભાવ છે કે મનને જ્યાં જવાની મનાઈ કરવામાં આવે છે ત્યાં જ તે વારંવા જાય છે. મનાઈ કરવાનો પ્રયાસ પણ પ્રયાસ છે અને મનને જરૂરી ગતિ પુરી પાડી દે છે. તેથી ગતિવંદ બનેલું મન અનાયાસે જ તેને મનાઈ કરેલી જગ્યાએ જઈ પહોંચે છે.

મેં સાંભળ્યું છે એક ગરીબ યુવાન એક પ્રસિદ્ધ સંત પાસે ગયો અને તેણે કહ્યું કે ‘બાબા મને કોઈ એવો મંત્ર આપો કે હું ધનવાન બની જાઉ’ મંત્ર જપતા જ મારી પાસે પૈસાના પહાડો લાગવા લાગે. યુવાનનું જોમ અને ભાવના જોઈને સંતે તેને એક મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્રની એ માળા ફેરવીશ એટલે તને લાખ રૂપિયા મળી જશે. મંત્ર લઈને યુવાન ખુબ રાજી થયો. તે સંત પાસેથી જલ્દી વિદાઈ થવાની તૈયારી કરતો હતો કે સંતે કહ્યું કે શરત યાદ રાખજે કે આ મંત્ર જપતી વખતે તને વાંદરો યાદ આવવો જોઈએ નહીં. યુવાને કહ્યું બાબા, તમે એની ચિંતા ન કરો. મેં મારા જીવનમાં ક્યારેય વાંદરાને યાદ કર્યો નથી અને વાંદરાઓમાં મારો કોઈ એવો લગાવ પણ નથી રહ્યો કે હું ક્યારેય કોઈ વાંદરાઓને યાદ કરું.

બસ, આટલું કહી યુવાન ઝડપભેર ઘેર પહોંચ્યો. ઘરે પહોંચીને મંત્ર જપવાની તૈયારી કરવા, સ્નાન કરવા બાથરૂમમાં ગયો કે વાંદરાની યાદ આવી ગઈ. ન્હાતા-ન્હાતા બોલવા લાગ્યો. જાઓ વાંદરાઓ, જાઓ. ઘરના સભ્યોને થયું કે બાથરૂમમાં કોઈ વાંદરો પણ ભરાયો લાગે છે. થોડીવારે સ્નાન કરીને બહાર આવ્યો અને તેની નજર તેના પિતા સામે પડી. પણ, પિતામાં પણ તેને વાંદરો દેખાવો શરૂ થઈ ગયો. તેણે તેના પિતાને પણ વાંદરો કહીને ઘરમાંથી બહાર નીકળવા કીધું. પછી તો રૂપિયાની લાલચમાં ઝટપટ મંત્ર જપવા બેઠો. પણ, મંત્ર તો યાદ જ ન આવ્યો. બસ, વાંદરા જ વાંદરા યાદ આવવા લાગ્યા. યુવાન ગભરાયો અને અંતે તે સંતના શરણે પાછો ગયો અને કહ્યું બાબા, આ તમારો મંત્ર, મારે નથી જોઈતો. જીવનમાં વાંદરાને ક્યારેય યાદ કર્યા નહતા એટલા વાંદરા તમારા આ મંત્રે મને યાદ કરાવ્યા છે.

નકારાત્મક્તાઓનો તિરસ્કાર અને સકારાત્મક્તાઓનો સ્વીકાર તો દરેક ઈચ્છે છે. પણ, નકારાત્મક્તાઓને નકારી દેવાથી કે નકારાત્મક્તાઓથી દૂર ભાગવાથી તે ટળી જતી નથી અને સકારાત્મક્તાઓને ચાહવા માત્રથી સકારાત્મક્તાઓ આવી જતી નથી. નકારાત્મક્તા અને સકારાત્મક્તા એક જ સિક્કાની બે બાજુ છે. તેથી એક ને તિરસ્કારો કે બીજી આપો-આપ તિરસ્કૃત થાય છે અને એકને સ્વિકારો તો બીજીને આપો-આપ સ્વિકારવી પડે છે.

પોઝીટીવ થીકિંગ માટે કરવામાં આવતા પ્રયાસો જ નેગેટીવ થીંકિંગને આવકારી લે છે અને નેગેટીવ થીંકિંગને નકારવાના પ્રયાસો પણ તેને દ્વાર ખોલી આપે છે. ‘જીને કી આરઝુમે મરે જા રહે હૈ લોગ ઔર મરને કી આરઝુમે જીએ જા રહે હૈ લોગ’ જીતની કામનાઓને દ્રઢતાથી પકડીને ઉભેલા હારી જાય છે અને ગમે તે દિશામાંથી સફળતાને વધાવવા ઉભેલા નિષ્ફળતાને વણ ચાહી વરી લ્યે છે. પોઝીટીવ થીંકિંગને જ વિચારવા સમજાવી રહેલા લોકો એ વાત ભૂલી જાય કે પોઝિટીવ થીંકિંગની જ બીજી બાજુ નેગેટીવ થીંકિંગ છે.

રજોગુણ રૂપ ભાવ અને તમોગુણ રૂપ દુર્ભાવની વચ્ચે સત્વગુણનો સમભાવ કેન્દ્રસ્થ છે. જે વ્યક્તિ સત્વગુણમયી સમભાવને કેન્દ્રસ્થાને રાખી રજોગુણમયી ભાવ અને તમોગુણમયી દુર્ભાવમાં વિચરે છે તેનું ચિત્ત વિષમતા પામતું નથી. માનો કે ચુંટણીમાં ઉભેલો નેતા તેની હાર અને જીતને સમાનભાવથી જોઈને અથવા તો હાર અને જીત બંનેમાં કર્તવ્ય ભાવને શરણે થઈને ચુંટણી લડે છે તેનું ચિત્ત વિષમતા નહીં પામતા યોગમય રહી શકે છે.

અર્જુન જ્યારે યુદ્ધમાં હાર અને જીતને વાત કરતો હતો ત્યારે કૃષ્ણએ અર્જુનને તેના ચિત્તમાં આવતા ભાવ અને દુર્ભાવને સમાન રાખી યુદ્ધ લડવા કહ્યું હતું.

‘‘સુખ દુઃખ સમકૃત્વ, લાભાલાભ જયાજયૌ,

તતો યુદ્ધાય યુજયસ્વમ નૈવમ પાપમવાપ્યસિ’’ (ગી.અ.ર-૩૮)

અર્થાત્‌ જે વ્યક્તિ ભાવ અને દુર્ભાવમાં એક સમભાવને પણ જોવે છે તે ભાવની વિક્ષિપ્તાઓથી અને દુર્ભાવના આઘાતોથી બચવા સમર્થ છે. જેથી ચિત્તમાં સમભાવ ઉપાસ્ય છે.

કોઈપણ વસ્તુ, વિષયો અને પદાર્થો તેના ભાવ અને દુર્ભાવથી પર નથી. તેથી સમભાવ એ પરમ શક્તિની સત્વમૂર્તિ સ્વરૂપ છે. જેથી પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન અને સંકિર્તન ચિત્તના ભાવ અને દુર્ભાવને સમાનાવસ્થી રાખી શકે છે. આત્મ સ્વરૂપ અદ્ય્વૈત વગર ભાવની સમ અવસ્થા સંભવ નથી. જે ભાવમાં કોઈ દ્ય્વૈત શેષ નથી તેવો ભાવ જ ભાવાવસ્થાની દ્ય્વૈતતાનું પરમ ઔષધ છે. તેવું ઔષધ સ્વયં પરમાત્માના સ્વરૂપ સિવાય અન્ય કોઈ નથી. તેથી કૃષ્ણ ગીતાના બારમા અધ્યાયમાં કહે છે.

જ્યારે વ્યક્તિનું ચિત્ત ન હર્ષમાં કે ન દ્વેષમાં, ન શોકમાં કે ન સારી સારી કામનાઓ સજાવવામાં, ન શુભમાં કે ન અશુભમાં, ન મિત્રમાં કે શત્રુમાં, ન માનમાં કે ન અપમાનમાં, ન હારમાં કે ન જીતમાં, ન સફળતામાં કે નિષ્ફળતામાં, ન સુખમાં કે ન દુઃખમાં આકર્ષિત થાય છે ત્યારે વ્યક્તિનું ચિત્ત એક સમાન ભાવને પ્રાપ્ત કરે છે.

એવું નથી કે તેવા વ્યક્તિને હર્ષ કે શોકનો કોઈ અનુભવ નથી. સુખ કે દુઃખનો કોઈ અનુભવ નથી. એવું પણ નથી કે તેવો વ્યક્તિ સંવેદના શુન્ય થઈ જાય છે. પરંતુ દુઃખ ભરેલી પરિસ્થિતિઓમાં તે સમભાવ સ્થિત રહીને મનને ઉદ્વેગ રહિત રાખી શકે છે. સુખની પરિસ્થિતિઓમાં મનને સ્પૃહા રહિત રાખી શકે છે. સ્વયં કૃષ્ણના જ શબ્દોમાં કહીએ તો :

‘‘દુઃખેસુઅનુદિવગ્નમનાઃ સુખેસુ વિગતસ્પૃહ

વિતરાગભયક્રોધઃ સ્થિતધિઃમુર્નિઉચ્યતે’’ (ગી.અ.ર-પ૬)

મહર્ષિ મહેશ યોગીએ ભાવાતિત ધ્યાન માટે જે કોઈ પ્રયોગો આપ્યા છે તે ચિત્તની ભાવ અને દુર્ભાવ રૂપી સ્થિતિનાં શુદ્ધિકરણ માટેના છે. પરમાત્મા ભાવાતિત છે તેથી પરમાત્માનું ધ્યાન ભાવાતિત પદ્ધતિથી જ થાય છે. જે સાધકો મૂર્તિ કે ધારણાઓથી ઊભી કરાયેલી કલ્પનાઓમાં જ ધ્યાન કરતા રહે છે તેઓને તે તે ભાવોના દુર્ભાવનો પણ સામનો કરવો જ પડે છે.

સાત્વિક, રાજસી કે તામસી ભાવોમાં સાત્વિક્તા ચિત્ત માટે સુખપ્રદ અને શાંતિપ્રદ થઈ શકે છે. તે સાત્વિક્તા રજોગુણ અને તમોગુણના ભાવોની સમાનતા છે. ભાવ અને દુર્ભાવની સમાનતાથી ચિત્તની સાત્વિકભાવની વૃદ્ધિ થઈ શકે છે. પરંતુ યાદ રાખવા જેવી બાબત એ છે કે સાત્વિક, રાજસી કે તામસી ભાવોમાં પરમાત્મા નથી કે પરમાત્મામાં તેવા ભાવો નથી. પરમાત્માનું સ્વરૂપ તો સમગ્ર ભાવોથી પર એટલે કે ભાવાતિત છે. પરમાત્માના ભાવાતિત સ્વરૂપના ધ્યાનથી ભાવ અને દુર્ભાવ ઉપર આપો આપ કાબુ થાય છે અને એક સમતાનો ઉદય થાય છે. જે સમત્વ ચિત્તની યોગમય સ્થિતિ છે. ભાવ અને દુર્ભાવની વચ્ચે આત્માનું નિર્વિકાર ભાવાતિત સ્વરૂપ ચિત્ત્ને પરમયોગમય બનાવે છે.

પતંજલી તેના યોગદર્શનની શરૂઆત કરતા લખે છે ‘‘યોગસ્‌ ચિત્ત વૃત્તિ નિરોધઃ’’ અર્થાત્‌ યોગ એ બીજુ કાંઈ નહીં પણ ચિત્ત્‌ વૃત્તિઓનો આત્મ સ્વરૂપમાં નિરોધ કરવાનો પ્રયાસ છે. પતંજલીના અષ્ટાંગ યોગના તમામ સાધનો જેવા કે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ ચિત્તના ભાવોને ભાવાતિત પરમાત્મામાં લય કરાવવા માટેની એક પ્રોસેસ (પ્રક્રિયા) છે.

અંતિમ સમાધિ અને ભાવાતિત ધ્યાનની પરમ ઉપલબ્ધીઓ જીવનમાં ન થઈ શકે તો પણ અને દુર્ભાવની સમાનતા રૂપ સમભાવની ધ્યાનપૂર્વક સાધના કરતા રહેવાથી ચિત્તની વિક્ષિપ્તાઓ દૂર ટાળી શકાય છે. સંસારની કર્મજાળ વચ્ચે ફસાયેલો મનુષ્ય ન ભાવથી પર રહી શકે છે. અને ન તો તે ભાવના દુર્ભાવથી. જેથી ભાવ અને દુર્ભાવની સમાનતા જે તત્વમાં રહેલી છે તે સમભાવ સ્થિતિનું ધ્યાન જ ચિત્તની ભાવાવસ્થાનો યોગ છે.

જે વ્યક્તિ ભાવ અને દુર્ભાવમાં સમભાવનું નિરૂપણ નથી કરતો તે ભાવથી દુર્ભાવમાં અને દુર્ભાવથી ભાવમાં અનિયંત્રીતપણે ગતિ કરતો રહે છે. આપણે ત્યાં મોટા ભાગના લોકો અનિયંત્રીત ભાવાવસ્થાવાળા જોવા મળે છે. આવા લોકો ઘડીમાં ભાવનાવાદી થઈને રડી પડે છે તો ઘડીમાં થોડાક સુખથી છલકાઈ ઉઠે છે. ક્યારેક ભાવનાવાદી બની હુલ્લડો કરી આતંક મચાવે છે તો ક્યારેક ભાવનાવાદી થઈને ખોટો પ્રેમ દર્શાવે છે. આપણા નેતાઓ પણ આ કળાને જાણીને લોકોને ભાવનાઓના નાચથી નચાવીને છેતરે છે. કોમવાદી ભાવનાઓ, ધાર્મિક કે સામ્પ્રદાયિક ભાવનાઓ, જ્ઞાતિવાદી અને રૂઢિચૂસ્તતાની ભાવનાઓથી છેતરાતા રહે છે.

આપણા દેશની અને રાજ્યની સરકારો પાંચ વર્ષ સુધી કોણે કેવું કામ કર્યું છે તે જોઈ તપાસી તેના હિસાબથી મત મેળવી ચૂંટાવવાની બદલે ભાવનાવાદી લહેરોના આધારે ચૂંટાતી રહે છે. ઈન્દિરા ગાંધીના મૃત્યુ બાદ, રાજીવ ગાંધીના મૃત્યુ બાદ અને ગોધરાના હત્યાકાંડ બાદ લોકોએ જે સરકારો ચૂંટી તે લોકોની ભાવનાવાદીતાનું નિરૂપણ કરે છે. આપણા દેશમાં કોઈ નેતા કે ધાર્મિક દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરીને, કોમ-કોમના લોકો વચ્ચે વૈમનસ્યતાની ભાવનાઓ ફેલાવનારા શબ્દોના ઉપયોગ કરીને અને ઠાલા વચનોની લ્હાણી કરીને લોકોની ભાવનાઓને છેતરી જાણનારા લોકોએ વધુ રાજ કર્યું છે કારણ કે આપણા દેશના મોટા ભાગના લોકો જે જાગરણના બ્યૂગલો વગાડવા છતાં નથી જાગતા તે ભાવનાઓની ઠેસથી ટોળેટોળા બનીને ઘડીભરમાં સડકો ઉપર ઉતરી આવે છે.

જે સમાજની ભાવનાઓ સમભાવને નથી પામતી તેની ભાવનાઓ તેના દુર્ભાવને પાર નથી કરી શકતી. દુર્ભાવનો ભય સતત સતાવતો રહે છે. જીવન તો જીવી રહ્યા છીએ પણ ચિંતા છે મૃત્યુની. સુખ તો ભોગવી રહ્યા છીએ પણ ચિંતા છે દુઃખની. શુભ તો મેળવ્યું છે પણ ડર છે કે અશુભ ન ઉભું થાય. આવી સ્થિતિના કારણે વ્યક્તિ ન તો જીવનને પણ જીવી શકે છે, નતો મળેલા સુખને પણ શાંતિથી ભોગવી શકે છે. કૃષ્ણના મતે સુખ કે દુઃખ, હર્ષ કે શોક, જીવન કે મૃત્યુ, શુભ કે અશુભ, માન કે અપમાન બધા જ માટે દ્વાર ખોલી દો. સ્વયંને સમભાવમાં સ્થિત કરીને ભાવ અને દુર્ભાવમાં સમાન રહો.

સમભાવ કેન્દ્રસ્થ બિંદુ છે. સમભાવ બોધ સ્વરૂપ છે. જેમ દોરડા ઉપર ચાલનારો નટ હાથમાં રહેલી લાકડીનું બેલેન્સ કરીને પોતાને કેન્દ્ર બિંદુ ઉપર જાળવી રાખે છે તેમ ભાવ અને દુર્ભાવને એકી સાથે જોઈ શકતો વ્યક્તિ તેના કેન્દ્રસ્થ સમભાવ બિંદુને જાળવી શકે છે. જો ભાવનાના સમતુલનને જાળવવું હોય તો ભાવની સાથે બીજા છેડાની જેમ સંકળાયેલા દુર્ભાવને હાવી થતો અટકાવવો પડશે. તેના માટે સમાજના દરેક વ્યક્તિએ કોઈ દુર્ભાવથી ભાવ ખંડિત ન થાય તે માટેનું કામ સતત અને અવિરતપણે કરતા રહેવું પડશે. માત્ર એક ઘટનાના સંદર્ભે પોતાની ભાવનાઓ વ્યક્ત કરીને સુઈ જવાથી કામ નહીં પતે. દુર્ભાવ અને ભાવ વચ્ચે બોધસ્વરૂપ સમભાવને જાગતો રાખવો પડશે. અન્યથા સમાજમાં દુર્ભાવથી ભરાયેલા લોકો ભાવને ખંડિત કરતા રહેશે અને વારે વારે બનતી ઘટનાઓમાં ભાવવાદી લોકો પોતાની વ્યથિત થયેલી ભાવનાઓના ગાયન ગાઈને સૂઈ જશે. કૃષ્ણએ ગીતામાં ‘‘પરિત્રાણાય સાધુનામ’’ કહ્યા પછી તુરત જ ‘‘વિનાશાય ચ દુષ્કૃતામ ચ દુષ્કૃતામ’’ કહ્યું કારણ કે સાધુ સજ્જનોના સદ્‌ભાવને બચાવવા માટે દુરાચારીઓના દુર્ભાવને નાથવો જરૂરી છે.

જીવનમાં એવું ક્યારેય નહીં બને કે જ્યારે સફળતા નહીં હોઈ કે નિષ્ફળતાઓ નહીં હોઈ, હર્ષ નહીં કોઈ કે કોઈ વાતનો શોક નહીં હોઈ, માન નહીં હોઈ કે અપમાન નહીં હોઈ. જીવન આ તમામને એક સાથે લઈને ચાલી રહ્યું છે.

મેં સાંભળ્યું છે કે એક ધનપતિને તેના ધંધામાં ખોટ ગઈ. કરોડો રૂપિયાનું દેવાળું નીકળી ગયું. આ વાતના સમાચાર સાંભળીને તેના મિત્રો, સગા સ્નેહી સંબંધીઓ તેના મોઢે સાચો ખોટો ખરખરો કરવા આવવા લાગ્યા. કોઈ કહેતું કે બહું થયું, હવે તો તમે બરબાદ થઈ ગયા ત્યારે પણ તે ચૂપ રહેતો અને શાંત રહેતો. લોકોની આવી વાતો સાંભળીને તેની પત્નીએ કહ્યું કે ‘તમે આ બધું સાંભળીને ચૂપ અને શાંત કેમ છો ?’ શું તમને મોટી ખોટ ગયાની અને ઝખમ પર નમક લગાડતા લોકોની વાણીની કોઈ ચિંતા નથી ? ત્યારે તે ધનપતિએ બહુ સરસ જવાબ આપ્યો કે હું આ શહેરમાં આવ્યા તે દિવસે મારી પાસે ફક્ત પચાસ રૂપિયા હતા. આજે કરોડોની ખોટ ગઈ છે તો પણ મારી પાસે બંગલો, ગાડી અને થોડા પૈસા તો સલામત જ છે. હું કેમ માની શકું કે મારે કોઈ ખોટ ગઈ છે ? જ્યાં સુધી મારા ખિસ્સામાં પચાસ રૂપિયા મોજૂદ છે ત્યાં સુધી મારે ખોટ જવાનો પ્રશ્ન જ નથી. જ્યાં સુધી મારા પચાસ રૂપિયા સલામત છે ત્યાં સુધી મારી શાંતિ અકબંધ છે.

જો પચાસ રૂપિયાની મૂળ વાતને વિચારીને એક ધનાઢ્ય પણ શાંત અને સમભાવ ચિત્ત રહી શકતો હોય તો દુનિયામાં નગ્નરૂપે આવેલો મનુષ્ય પોતાના મૂળ આત્મતત્વનો વિચાર કરીને કઈ બાબતે શાંત અને સમભાવ ચિત્તવાળો ન થઈ શકે ?

કોઈ વાત છે કે જેનો હર્ષ કરવા પાત્ર છે તો તેની સાથે જ કોઈ વાત છે જેનો શોક પણ થાય છે. વિશ્વ વિખ્યાત હાસ્ય અભિનેતા ચાર્લી ચેપ્લીનને બેસ્ટ કોમેડીયન તરીકેનો ઍવોર્ડ મળ્યો અને સમગ્ર બ્રિટન તેની પ્રશંસા કરી રહ્યું હતું ત્યારે ચાર્લી ચેપ્લીનની આંખોમાં આંસુ હતા. તેના એક મિત્રએ પૂછ્યું કે ચાર્લી, આજે આવા ભવ્ય સન્માનના દિવસે તારી આંખમાં આંસુ કેમ છે ? ત્યારે ચાર્લીએ કહ્યું કે આજે મને એ દિવસ યાદ આવે છે કે રેસ્ટોરામાં કામ કરતી મારી માતા તેના કામના બદલામાં બ્રેડ મેળવી શકતી તો કોફી નહોતી મેળવી શકતી અને કોફી મેળવી શકતી તો બ્રેડ ગુમાવતી હતી. જો એ દિવસમાં મારી માતાને કોફી અને બ્રેડ બંને એક સાથે મળ્યા હોત તો મારી માતા પાગલ થઈને ન મરેત. પરંતુ આજે એ દિવસો યાદ આવે છે અને મારું પેટ ભરવા માટે ભૂખમાં પાગલ થઈ મરેલી માતા યાદ આવે છે ત્યારે આ સન્માન મને રડાવી જાય છે.

જીવન ક્યાંક ખાડો કરે છે તો ક્યાંક ટેકરાં અવશ્ય થાય છે અને ક્યાંક ટેકરો થાય છે તો તે સાથે જ ક્યાંક ખાડો પણ અવશ્ય થાય છે. સુખ-દુઃખ, હાનિ-લાભ, માન-અપમાન જેવી બાબતો સાથે જ જોડાયેલી છે. જ્ઞાનપૂર્ણ દૃષ્ટિએ એમાં કોઈ ભેદ નથી. જેથી ભાવ અને કુભાવ વચ્ચે જે વ્યક્તિ જ્ઞાનદૃષ્ટિનો આશ્રય કરીને સમભાવને જુવે છે તે દરેક પરિસ્થિતિમાં સમભાવરૂપ યોગને પ્રાપ્ત કરે છે.

ભાવ અને દુર્ભાવની વચ્ચે કેન્દ્ર બિંદુ રૂપે રહેલા સમભાવને જે વ્યક્તિ પ્રાપ્ત થાય છે તેનો ભાવ યોગમય સ્થિતિમાં રહી શકે છે. સમભાવ વગર ભાવનાત્મક સ્થિતિનો કોઈ યોગ ટકી શકતો નથી. તેથી ભાવ અને દુર્ભાવ એ બેમાંથી કોઈ એક ઉપર જ્યાં સુધી રાગ કે આસક્તિ છે ત્યાં સુધી સમભાવ ઉપલબ્ધ થઈ શકતો નથી. તેથી જ કૃષ્ણ કહે છે ‘‘સિદ્ધિ અસિદ્ધિ સમો ભુત્વા સમત્વમ યોગમ ઉચ્યતે’’ (ગી.અ.ર-૪૮). કૃષ્ણના આ મહાનસૂત્રથી સમભાવની ઉપાસના કરી સમભાવરૂપ યોગને પ્રાપ્ત થવાથી જ યોગસિદ્ધ થાય છે અને જ્યારે સમભાવ ચૂકાઈ છે ત્યારે અયોગ થાય છે. કૃષ્ણના આ સૂત્રને અંતરના ઉંડાણ સુધી સમાવી શકશે તે વ્યક્તિ સફળતા અને અસફળતા, હર્ષ અને શોક, સુખ અને દુઃખ, માન અને અપમાન, શુભ અને અશુભની વચ્ચે દોરડા ઉપર ચાલનારા કોઈ નટની જેમ બેલેન્સ બનાવીને ‘સમત્વ’નાં કર્મયોગને જીવી શકશે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Arvindbhai 1 માસ પહેલા

Verified icon

Sanjay C. Thaker Verified icon 8 માસ પહેલા

Verified icon

Geeta V. Manek 8 માસ પહેલા