સુખની ચાવી
કૃષ્ણનો કર્મયોગ
સંજય ઠાકર
૬ - બૌદ્ધિક સ્તલ
મનુષ્યના જીવનનું સૌથી અગત્યનું સ્તલ બૌદ્ધિક સ્તલ છે. જે સ્તલની પ્રબળતાથી મનુષ્ય અન્ય પશુઓથી અલગ પડે છે. મનુષ્ય ધારે તો બુદ્ધિના દ્વાર ખોલીને પરમતત્ત્વની યાત્રા કરી શકે છે. મનુષ્યના મસ્તિષ્કમાં જેવું સહસ્ત્રબદલ કમલ કુદરતે આપ્યું છે તેવું અન્ય કોઈ પ્રાણીઓમાં નથી. મનુષ્ય એ કમળના ખીલવાથી પરમસત્યનો સાક્ષાત્કાર કરી શકે છે. મનુષ્યના શરીરની વિશેષતા જો કોઈ હોય તો તે તેની બૌદ્ધિક ક્ષમતા જ છે.
બુદ્ધિપણ પ્રકૃતિમય છે તેથી બુદ્ધિ પણ પ્રકૃતિના ત્રણ ગુણોથી ઘેરાયેલી છે. જેમાં તમોગુણથી નિંદ્રા, રજોગુણથી સ્વપ્ન અને સત્વગુણથી જાગૃતિની વિવિધ અવસ્થાઓ બનતી રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં સ્વપ્ન, નિંદ્રા અને જાગૃતિની આ વિવિધાવસ્થાઓને કેમ યોગમય બનાવી શકાય તેની વાત કરતા જણાવે છે :-
‘‘नात्यश्न्स्तु योगेश्ती न चेकान्तम अनश्न्त;
न चातिस्वप्नशीलश्य जार्गतो नैवचार्जुन’’
युक्ताहार विहारस्य युक्त चेस्टष्यकर्मसु,
युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखाहा.
(ગી.અ.૬-૧૬/૧૭)
કૃષ્ણ યોગમાં યુક્ત થવાનો રસ્તો બતાવતા કહે છે. જે વ્યક્તિ અતિ ખાનારો, બિલકુલ નહીં ખાનારો, અતિ સ્વપ્નશીલ અથવા તો સ્વપ્નાવસ્થાનો તિરસ્કાર કરી બીલ કુલ જાગૃત રહનાર છે તે યોગમાં યુક્ત થઈ શકતો નથી. યુક્ત શબ્દનો પ્રયોગ કૃષ્ણની દૃષ્ટિએ યોગના મૂળ સૂત્ર ‘‘સમત્વમ યોગમ્ ઉચ્ચયતે’’ માટે વપરાયો છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આહાર-વિહાર, કર્મ અને કર્મની તમામ ચેષ્ટાઓ, તેમજ સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થાના સમત્વથી યુક્ત રહે છે ત્યારે યોગ ફલીત થાય છે.
સામાન્ય રીતે સ્વપ્ન અવસ્થાને યોગાવસ્થાથી વિરુદ્ધની અવસ્થા માનવામાં આવે છે. તે જ રીતે સુસુપ્તિને એટલે કે નિંદ્રાને પણ યોગથી વિરુદ્ધ અવસ્થા માનવામાં આવે છે. પરંતુ વ્યક્તિની આ બંને અવસ્થાઓ યોગ માટે અનિવાર્ય છે. સુસુપ્ત અવસ્થા શારીરિક તલ સાથે જોડાયેલી છે. જ્યારે સ્વપ્ન અવસ્થા મનથી જોડાયેલી છે. શરીર અને મનની દૃષ્ટા બુદ્ધિ પોતાને જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિની ત્રણ અવસ્થાઓમાં બદલતી રહે છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે જાગૃત, સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ બુદ્ધિની અવસ્થાઓ છે, આત્માની નહીં, એ બુદ્ધિ જ છે જેમાં આ ત્રણેય અવસ્થાઓ કાળ-ક્રમાનુસાર રચાતી રહે છે. બુદ્ધિની શરીર પ્રત્યે બેધ્યાન અવસ્થા સુસુપ્તિ છે અને મન પ્રત્યે બેધ્યાન સુસુપ્તિ છે અને મન પ્રત્યે બેધ્યાન અવસ્થા તે સ્વપ્નાવસ્થા છે.
કાળ-ક્રમનો અર્થ પણ એવો નથી કે દિવસે જાગીએ છીએ એટલે તે જાગૃત અવસ્થા છે અને રાત્રે સુઈએ ત્યારે ક્યારેક સ્વપ્ન અને સુસુપ્તિની અવસ્થાઓ છે. વ્યક્તિના જીવનમાં એક મિનીટ પણ એવી નથી કે જેમાં આ ત્રણ અવસ્થાઓ ન બનતી હોય. આપણી સામાન્ય ઓળખ એવી છે કે આપણે રાત્રે નિંદ્રાની અવસ્થાને સુસુપ્તિ કહીએ છીએ, દિવસે જાગવાની અવસ્થાને જાગૃતિ અને સુસુપ્ત અવસ્થામાં સ્વપ્ન જોઈએ તેને સ્વપ્રાવસ્થા તરીકે ઓળખીએ છીએ. પણ આ ઓળખાણ સત્ય નથી. ખરી હકીકત તો એ છે કે શરીર, મન અને બુદ્ધિથી સંકલાયેલી આ અવસ્થાઓ ક્ષણેક્ષણે બદલાતી રહે છે.
ગુર્જીયેફ ઘડીયાળ જોવાનો પ્રયોગ કરાવતો અને કહેતો કે તમે ઘડિયાળના કાંટા સામે જુવો અને સાથોસાથ એ પણ જોતા રહો કે તમે ઘડીયાળના ફરતા કાંટાને તમે જોઈ રહ્યા છો. તમને પણ યાદ રાખો અને ઘડીયાળના કાંટાને પણ. ન અન્ય કોઈ વિચાર, ન અન્ય કોઈ ચિંતવન. ન કોઈ સ્વપ્ન. ન કોઈ સુસુપ્તિ. એક ક્ષણ પણ બીજે ધ્યાન ગયા વગર જ્યારે તમે એક મિનીટ પસાર કરી લ્યો ત્યારે સમજવાનું કે હવે તમે યોગમાર્ગમાં પગ મૂકવા અધિકારી થયા છો. પરંતુ એક મિનીટ માટે ઘડીયાળ જોશો તો ખ્યાલ આવી જશે કે તમારી ત્રણ અવસ્થાઓ કેમ પરીવર્તન પામે છે. એક મિનીટની સતત જાગૃતિ પણ મુશ્કેલ છે.
જેને આપણે જાગવાની અવસ્થા કહીએ છીએ તે અવસ્થામાં જો સ્વપ્ન અને સુસુપ્તિ એક મિનીટ માટે પણ પીછો ન છોડતા હોય તો પછી તે જાગૃત અવસ્થા શાની ? મોટાભાગનો જન સમુદાય જાગૃતિની અવસ્થામાં પણ સ્વપ્ન અને સુસુપ્તિમાં જ વિચરણ કરતો હોય છે. લોકો પ્રવચન સાંભળવા આવે છે અને બેઠા-બેઠા ઘરની અને ધંધાની ચિંતા કરે છે. કોઈ પ્રવચન સાંભળવાની સાથોસાથ જ્યારે ઘર અને ધંધો બંને યાદ આવે છે. ત્યારે તે ઘર અને ધંધાની યાદ કરવાની વૃત્તિ એ સ્વપ્નાવસ્થા છે. અને ક્યારેક કોઈ પ્રવચન સાંભળતા સાંભળતા જ સુઈ જાય છે તે સુસુપ્તિની અવસ્થા છે.
એક કથામાં કથા સાંભળવા આવેલા માજી સુઈ ગયા. કથા પુરી થઈ તોયે માજી ન જાગ્યા એટલે આયોજકો તેને ‘‘માજી, જાગો, જાગો, કથા પુરી થઈ ગઈ’’ કહીને જગાડવા લાગ્યા. માજીની નિંદ્રા સાથે એક કૌતુક એ પણ હતું કે સુઈ ગયેલા માજી હાથમાં રહેલી લાકડીથી સુતા-સુતા જ કોઈને ફટકારવાની ચેષ્ટાઓ કરતા હતા. સાથો સાથ બોલતા જતા હતા કે આ ઘા તારા બાપને, આ ઘા તારી માને, આ ઘા તારા પગને, આ ઘા તારા હાથને, આ ઘા તારા માથાને.
જોઈને આયોજકોને ઘડી તો મજા પડી પછી પાગરણોનો સંકલો પણ કરવો હતો. તેથી માજીને જગાડ્યા વગર છુટકો નહતો. તેથી માજીના મોઢા ઉપર પાણી છાંટીને જગાડ્યા. જાગતા વેંત માજીએ જગાડનારા આયોજકોને ગાળો ભાંડતા કહ્યું, અરે અભાગીયાઓ, ક્યારેક તો આનંદ લુંટવા દ્યો. જગાડનારાએ પુછ્યું માજી શાનો આનંદ ? માજીએ કહ્યું આજે કેટલા દિવસે મારી વહુ, એની મા, એનો બાપ મારા હાથમાં પડ્યા હતા અને હું તેને લાકડીએ ફટકારી રહી હતી. વર્ષોની દાઝ બુઝાવવા ભગવાને કથા સાંભળવાથી પ્રસન્ન થઈને મને આજ મોકો આપ્યો હતો. પણ તમે લોકોએ બધુ બરબાદ કરી દીધું !
ખરી હકીકત આપણે જેને જાગૃત અવસ્થા કહીએ છીએ તેમાં આપણી સ્વપ્ન અને સુસુપ્તાવસ્થા પણ જોડાયેલી રહે છે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ તે પ્રવૃત્તિ કરતા-કરતા જ મન બીજે જતું રહે છે. મન અત્યંત સ્વપ્નશીલ છે.
અમુક લોકો માળા કરતા હોય છે. માળાને પણ થેલીમાં છુપાવીને મણકા ફેરવે છે. થેલીમાં છુપાવીને ફેરવવાનું કારણ ? જો મણકા ફેરવવાનું ભુલી જાઓ તો પણ કોઈને ખબર પડે નહીં. લોકો માળા ફેરવતા-ફેરવતા પણ ચારેબાજુ નજર દોડવતા હોય છે. કોણ શું કરી રહ્યું છે ? છે. ઘરમાં બેઠા સાસુજી માળા જપી રહ્યા હોય, પણ ધ્યાન વહું શું કરે છે ? તેની ઉપર જ સ્થિર હોય. અમુક એવા મહાપુરૂષો મે જોયા છે કે જે જાહેરસભામાં માળા ફેરવતા હોય છે, પણ તેમના એકાંતમાં નહી. વળી, જાહેરમાં તેમની નજર પણ કોણે કેટલો ફાળો લખાવ્યો છે તેના ઉપર હોય છે.
કબીર કહે છે :-
‘‘માલા તો કરમેં ફીરે, જીભ ફીરે મુંખ માંહિ,
મનવા તો ચહુંદીશ ફીર ે તો સુમિરન નાંહી’’
મન સ્વપ્નશીલ છે. સતત ભમતું રહે છે. જેને આપણે જાગૃતિ કહીએ છીએ તે વાસ્તવિક જાગૃતિ જ નથી કારણ કે એક મિનીટ પણ પૂર્ણ જાગૃતિમય રહેતી નથી. દિવસ દરમિયાન જાગતિ આંખે પણ સ્વપ્ન અને સુસુપ્તિના ચક્રો બુદ્ધિને પ્રભાવિત કરતા રહેતા હોય તો રાત્રે પણ આ ઘટના ક્રમ બંધ આંખોએ પણ બન્યો રહે તે માનવા યોગ્ય છે. જેથી દિવસ રાત ‘અહર્નિશ’ માણસની આ ત્રણે અવસ્થાઓ ચાલતી રહે છે. જ્યાં સુધી આ ત્રણે અવસ્થાઓ મનુષ્યના પ્રાકૃતિક સમતુલન પ્રમાણે ચાલે છે ત્યાં સુધી તો કોઈ વાંધો નથી પણ જ્યારે તેનું સમતુલન વિખાઈ છે ત્યારે એક અવસ્થાથી બીજી અવસ્થા પ્રભાવિત થયા વિના રહેતી નથી.
***