સુખની ચાવી કૃષ્ણનો કર્મયોગ - 4

સુખની ચાવી

કૃષ્ણનો કર્મયોગ

સંજય ઠાકર

૪ - શારીરિક સ્તલ

સૌ પ્રથમ મનુષ્યના કર્મનું અંગ ધ્યાને લઈએ તો તે છે શરીર. શરીર વગર કોઈ કર્મો સિદ્ધ થવા સંભવ નથી. કહેવાય છે કે દેવતાઓ પણ મનુષ્યના શરીરના અભિલાષી હોય છે કારણ કે દેવતાઓ પોતાના ભોગો શરીરની ઈન્દ્રીયોના દ્વારે બેસીને જ ભોગવે છે. રામાયણ કહે છે ‘‘ઈન્દ્રીય દ્વારા ઝરોખા નાના, તહ તહ સુર બૈઠે કરી થાના.’’ સામાન્યતઃ લોકો એમ માનતા હોય છે કે દેવો એટલે સ્વર્ગમાં કે દૈવ લોકમાં રહે છે. પરંતુ દેવતાઓ કોઈ આકાશમાં રહેનારા કે સ્વર્ગમાં રહેનારા લોકો નથી. પરંતુ દેવતાઓ અધિદૈવ સ્વરૂપે ઈન્દ્રીયોના દ્વાર ઉપર વસનારા છે અને આ જ લોકમાં અધિદૈવ સ્વરૂપ ભોગો ભોગવે છે. તેથી દેવ હોય કે મનુષ્ય કર્મોની સિદ્ધિ માટેનું પ્રાકૃતિક અને પ્રાથમિક દ્વાર શરીર છે.

શરીર પાંચ મહાભૂતોથી બનેલું છે. ‘પંચ રચિત યહ અધમ શરીરા, ક્ષિતિજલ પાવક ગગન સમિરા’ આ પંચ મહાભૂતો ત્રીગુણાત્મક પ્રકૃત્તિનો હિસ્સો હોવાથી પ્રકૃતિ અનુસાર વર્તે છે. સત્વ રજસ અને તમસ રૂપી ત્રિગુણાત્મક પ્રકૃતિ શારીરિક સ્તલ ઉપર વાત, પિત અને કફ રૂપ ત્રણ દોષોથી બનેલી છે. ધનવંતરી કહે છે કે કોઈ દેહ વાત, પિત અને કફના ત્રણ ગુણો વગર સંભવી શકતો નથી. જ્યારે દેહ જ આ ત્રણ ગુણોના આશ્રયસ્થાને હોય તો દેહભૂત ધાતુઓ વિગેરે આ ત્રણ ગુણોથી રહિત કેમ હોઈ શકે ?

વાત, પિત અને કફ રૂપ પ્રકૃતિના આ ત્રણ ગુણોને દોષ કહેવાનું કારણ એ છે કે તે મૂળ પ્રકૃતિ છે. તેનાથી બીજા અંગો, આશયો અને ધાતુઓ દૂષિત થાય છે પણ તે પોતે દુષિત થતા નથી. તેથી આયુર્વેદમાં અંગો, આશયો અને ધાતુઓને દૂષ્ય કહેવામાં આવ્યા છે જ્યારે ‘‘વાયુ પિતં કફશ્ચેતિ ત્રયો દોષઃ સમાસતઃ’’ કહી આ ત્રણેય પ્રકૃતિના ગુણોને દોષ કહેવામાં આવ્યા છે.

વાયુ તમોગુણ પ્રધાન, પિત રજોગુણ પ્રધાન અને કફ સત્વગુણ પ્રધાન છે. આયુર્વેદ કહે છે કે જ્યારે શરીરમાં ત્રણે દોષો (વાત, પિત અને કફ) સમાન અવસ્થામાં હોય તો જ સ્વાસ્થમાં સાધ્ય બને છે. જ્યારે આ ત્રણ દોષો વિષમ બની વર્તે છે ત્યારે અસમત્વથી અયોગ ઉભો થાય છે. અયોગ જ તમામ દુઃખોની જડ છે.

કૃષ્ણના મતે ‘‘સમત્વ યોગં ઉચ્ચતે.’’ સમત્વથી જ યોગ થાય છે તે વાતને શારીરિક સ્તલ ઉપર સમજતા તેમ કહી શકાય કે શરીરના સ્તલ ઉપર વાત, પિત કે કફમાંથી જો કોઈ એક વધારે હોય તો અયોગથી શરીરનું સ્વાસ્થ બગડે છે. શરીરના સ્તલ ઉપર જન્મતી કોઈપણ બિમારી આ ત્રણ દોષના અયોગનું જ પરિણામ છે. તેથી આયુર્વેદ પ્રથમ ચિકિત્સા ત્રણ દોષોની કરે છે. જેમાં વઘેલા દોષોને ઓછા કરવાની અને ઘટેલા દોષને વધારવાની ચિકિત્સા કરવામાં આવે છે. જ્યારે આ દોષ તેની સમાન અવસ્થામાં આવે છે. ત્યારે પરસ્પર એક બીજાના આશ્રયે રહેલા દોષોની સમ અવસ્થાથી જ યોગ ઉભો થાય છે.

એલોપથી અને આયુર્વેદમાં આ ભેદ છે કે એલોપથી બિમારીની ચિકિત્સા કરે છે અને આયુર્વેદ સ્વાસ્થની. બિમારીની ચિકિત્સા કરવાથી પણ સ્વાસ્થની ઉપલબ્ધી થાય છે અને સ્વાસ્થની ચિકિત્સા કરવા માટે પણ બિમારીનો નાશ અવશ્ય કરવો પડે છે. ચિકિત્સાની દૃષ્ટિએ આયુર્વેદ અને એલોપથીમાં લાંબુ અંતર ન હોવા છતાં બંનેની ચિકિત્સાનો દૃષ્ટિકોણ અલગ-અલગ છે.

આ દૃષ્ટિભેદના કારણે આયુર્વેદ સ્વાસ્થ ન હોય તેવી દરેક પરિસ્થિતિઓની ચિકિત્સા કરવા તૈયાર છે. પછી ભલે રોગનું કોઈ સ્પષ્ટ નામકરણ થાય કે ન થાય તો પણ આયુર્વેદ અસ્વસ્થ થયેલા સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા ચિકિત્સા હાથ ધરે છે. જ્યારે એલોપથીની દૃષ્ટિએ કોઈ રોગ સ્પષ્ટ રૂપમાં સામે ન આવે ત્યાં સુધી વ્યક્તિને સ્વસ્થ કહેવામાં આવે છે અને કોઈ રોગનું નામકરણ ન થાય ત્યાં સુધી તેની ચિકિત્સા થતી નથી. પરંતુ કોઈ રોગની સ્પષ્ટતા ન હોવા છતાં વ્યક્તિ રોગી હોઈ શકે છે. એવા હજારો દાખલા રૂપ વ્યક્તિઓ સમાજમાં ફરી રહ્યા છે કે જેમને મેડીકલ પરીક્ષણો મુજબ રોગી જાહેર કરી શકાતા નથી, પરંતુ તેઓ પોતાની જાતને સંપૂર્ણ સ્વસ્થ અનુભવી શકતા નથી.

રોગના સ્પષ્ટ નામકરણ વગર પણ આયુર્વેદમાં વાત, પિત અને કફના ત્રણ પૈકી જે કોઈ વિકૃત થયેલા દેખાતા હોય તેની ચિકિત્સા કરવાની કહી છે. મહર્ષિ વાગ્ભટ્ટે તેમના પુસ્તક અષ્ટાંગ હૃદયમાં આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું છે :

વિકારનામાકુશલો ન જિહીયાત કદાચન

ન હિ સર્વિકારણાં નામતોઅસ્તિ ધ્રુવા સ્થિતિ.

(અષ્ટાંગ હૃદય.સૂ.સ્થાન અ.૧ર-૧૬૪)

વાગ્ભટ્ટજીના મતાનુસાર કોઈ વિકાર (રોગ)ની સ્થિતિ સ્થિર નથી. એક વિકારને આજે જે નામથી ઓળખવામાં આવ્યો હોય તે દોષોના વધતા ઓછા ક્રમથી ફરી પરીવર્તન થાય છે. દા.ત.ખાંસીમાં કોઈ ધ્યાન ન આપે તો સામાન્ય દેખાતી ખાંસી પણ ક્ષય રોગનું સ્વરૂપ ધારણ કરી લ્યે છે. ‘‘કાંસાસ સંજાયતે ક્ષયઃ’’

દોષોથી પરીવર્તિત થતા વિકારો નવા-નવા નામ પામતા જાય છે. આમ વિકારો દોષોને જ આધિન છે ત્યારે તેવા વિકારોના નામ કરતા વિકારોમાં રહેલી દોષની સ્થિતિને જ ધ્યાને લેવી હિતાવહ છે. જેથી રોગના નામકરણો બાબતે આયુર્વેદ સીમિત છે. આયુર્વેદમાં કફના વીસ, પિતના ચાલીસ અને વાયુના એંસી રોગો કહ્યા છે. વળી ર૦ વર્ષની વય સુધી કફના રોગોની પ્રાધાન્યતા, વીસથી ચાલીસની વય સુધી પિતના રોગોની પ્રાધાન્યતા અને ૪૦ થી ૮૦ વર્ષ સુધી વાયુના રોગોની પ્રાધાન્યતા કહેવામાં આવી છે. રોગોના નામકરણથી સિમિત દેખાતો આયુર્વેદ ચિકિત્સાથી અસમિતિ છે. આયુર્વેદના મત વાત, પિત અને કફ રૂપી ત્રણ ગુણોની સમાનાવસ્થા ન હોવાથી જ રોગનો જન્મ થાય છે. ચરક સુત્ર છે :

નિત્યાઃ પ્રાણભૂતાં દેહે વાતપિતકફાસ્ત્રયઃ

વિકૃતાઃ પ્રકૃતિસ્થા વા તાન બુભુત્સેત પન્ડિતાઃ

(ચરક સૂત્રસ્થાન અ.૧૯)

વાત, પિત અને કફના ગુણોની સમાનાવસ્થાઓને શારીરિક સ્તલ ઉપર જાળવી રાખનાર વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. શારીરિક સ્તલ ઉપર જો આ ત્રણેય દોષો સમાન અવસ્થાને ધારણ કરી રાખે તો સ્વાસ્થ યોગ ટકી રહે છે. સાત ધાતુઓ, રસ, માંસ, મેદ, અસ્થી, મજ્જા અને શુક્ર પૈકીની કોઈ ધાતુઓમાં વધારો અને ઘટાડો થાય તો તે પણ અસ્વસ્થતાનું કારણ બની શકે છે તેમ છતાં આયુર્વેદે ત્રણ દોષો જન્ય ચિકિત્સાને પ્રાથમિકતા આપી છે તેનું કારણ એ છે કે શરીરની ધાતુઓ કે શરીરના કોઈપણ ભાગો આ ત્રણ ગુણોના પ્રભાવથી જ પ્રભાવિત થઈ બગડે છે. તેથી આયુર્વેદ કોઈપણ રોગમાં પ્રથમ ચિકિત્સા ત્રણ દોષોની જ કરે છે. ધાતુઓ અને અવયવોની ચિકિત્સા બગડેલા દોષોને લક્ષમાં લીધા પછી જ કરવામાં આવે છે કારણ કે અવયવો અને ધાતુઓ એ દૂષ્ય છે, પરંતુ તેને બગાડવાવાળા તો ત્રણ દોષો જ છે. ‘‘દોષ પ્રકૂપિતો ધાતૂન્ક્ષપયત્યાત્‌ તેજસા’’ (સુશ્રુત સૂ.અ.૧પ-ર૮)થી ધાતુઓ, ઉપધાતૂઓ અને શરીરસ્થ મળો ત્રણ દોષને જ આધિન છે તેમ જણાવાયું છે.

વાત, પિત અને કફ શરીરની તમામ ધાતુઓ અને આશયોમાં વ્યાપ્ત છે. જેથી શરીર જ નહીં પણ આ ત્રણ ગુણોની સમાનતા વગર ધાતુઓ પણ બિમાર પડી શકે છે. જો આ ત્રણ ગુણો તેની સમાનાવસ્થામાં ન હોય તો લોહી, અસ્થી, માંસ વિ. પણ બિમાર થઈ શકે છે. તેથી દોષોને ચિકિત્સામાં પ્રાથમિકતા આપવામાં આવેલ છે.

આયુર્વેદ તેની સમસ્ત ચિકિત્સામાં આ ત્રણ દોષો જ્યાં અને જે સ્થાનમાં કુપિત થયેલા છે તેની જ ચિકિત્સા કરે છે. જેથી એલોપથીમાં એક રોગ માટે એક જ દવા છે (કંપની ભેદ હોઈ શકે અથવા તો સ્ટાન્ડર્ડ, જેનરીક કે કોમન દવા હોઈ શકે, પાવરની વધઘટ હોઈ શકે) પરંતુ એક રોગ માટેની એક જ દવા પ્રિસ્ક્રાસઈબ થાય છે. જ્યારે આયુર્વેદમાં એક જ રોગની ત્રણ દોષોની વિવિધ અવસ્થાના કારણે વિવિધ દવા છે.

આયુર્વેદના ઘણા મનિષીઓનું કહેવું છે કે વાત, પિત કે કફ એ ત્રણ દોષોની સમતા અને વિષમતા માટે શરીરસ્થ અગ્નિની સમતા અને વિષમતા જ કારણ ભૂત છે. શરીરસ્થ અગ્નિ જ બ્રહ્મ સ્વરૂપ છે. વાત, પિત અને કફના ત્રણેય દોષો અગ્નિને જ આધિન છે. આયુર્વેદના અમુક મનિષીઓ અગ્નિને ત્રણ વિભાગમાં વહેંચે છે. જેમાં, મંદાગ્નિ, તીવ્રગ્નિ અને સમાગ્નિના નામથી ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે. મંદાગ્નિથી કફના રોગો એ તીવ્રાગ્નિથી પિતના રોગો થાય છે. જ્યારે મંદ કે તીવ્રતાથી વિષમ થયેલો અગ્નિ વાયુના આશ્રયભૂત રહેવાના કારણે કફ કે પિતની વિષમતામાં વાયુની વિષમતા બને છે. આ રીતે અગ્નિવાદી મનિષીઓ જે કહે છે તેમાં પણ ત્રણ ગુણોની ચર્ચાનો જ સમાવેશ થાય છે. ત્રણ ગુણોની અવસ્થાને લક્ષમાં લીધા વગર અગ્નિની સમતા કે વિષમતા થઈ શકતી નથી. બાહ્મદૃષ્ટિએ અલગ દેખાતા આ મતો આખર તો એક જ છે. તેમજ સુશ્રુતના મતે શરીરમાં પિત જ અગ્નિ સ્વરૂપ છે. પિતથી ભિન્ન અન્ય કોઈ અગ્નિ નથી તેવો મત આપા સુશ્રુત કહે છે :

‘‘ન ખલુ પિતવ્યતિરેકાદન્યો અગ્નિરુપ લભ્યતે’’ (સુશ્રુત સૂ.અ.ર૧-૧)

પિતને જ શરીરસ્થ અગ્નિ કહ્‌ છે. તેથી પ્રાથમિક્તા અગ્નિની નહીં પણ દોષોને આપવામાં આવી છે. કારણ કે જો અગ્નિ પિતની વિકૃતિથી જ મંદ પડ્યો હોય તો દોષ રૂપ પિતને સમત્વની સ્થિતિમાં લાવ્યા વગર અગ્નિને સતેજ કરવા માટે ગરમ દવાઓ આપવામાં આવે તો પિતરૂપ દોષનો વધારો થઈ અગ્નિ વધારે મંદ પડે છે અને રોગનો વધારો થાય છે. કફના દોષવાળા વ્યક્તિનો અગ્નિ સતેજ હોવા છતાં જો કફનો વધારો કરે તેવા કોઈ ખોરાક કે ઔષધો આપવામાં આવે તો કફ વિકૃત થઈ અગ્નિને મંદ પાડે છે. તેવી જ રીતે વાયુના દોષમાં સમ અગ્નિ પણ વાયુની ઉપેક્ષાથી વિષમ થાય છે. તેથી ચિકિત્સામાં પ્રથમ ક્રમ ત્રણ દોષોનો હોવો જ બરાબર છે.

અમુક ચિકિત્સકો એવો મત ધરાવે છે કે શરીરમાં શક્તિઓ શરીરની ધાતુઓને આધારિત છે. જો ધાતુઓ મજબૂત હોય તો કોઈ દોષો વિકારીત થઈ શકતા નથી અને જેની ધાતુઓ મજબૂત નથી તેના દોષો નાની-નાની બાબતોથી પણ વિકારીત થાય છે જેમ કે વિટામીન-‘સી’ની ઉણપ વાળા વ્યક્તિને અવાર-નવાર શરદી થઈ જાય છે. વિટામીન‘બી’ની ઉણપવાળાને પાચન ઓછુ થાય છે. જેથી શરીરની ધાતુઓ મજબૂત હોય તો જ રોગને દૂર કરી શકાય છે તેમ તેઓની ધારણા છે. જેથી ધાતુવાદી મનિષીઓ ધાતુને પ્રાથમિકતા આપે છે. ધાતુવાદી ચિકિત્સકોમાં એલોપથી પ્રથમ ક્રમે છે. એલોપથીમાં પ્રથમ શરીરની ધાતુઓ ઉપર લક્ષ આપવામાં આવે છે.

ધાતુઓની ચિકિત્સા જરૂરી છે પણ, પ્રથમ ક્રમ આપવાથી ઘણીવાર નુકશાન થાય છે. દર્દીના શરીરમાં ઓછા થયેલા પ્રોટીન અને વિટામીન માટે તેના દોષો જોયા વગર દર્દીને પ્રોટીન અને વિટામીનથી ભરી દેવા દવાઓ આપવાથી દોષોની બગડેલી સ્થિતિ વધુ બગડી શકે છે અને નવા રોગો ઉભા થાય છે. દા.ત.સંતરા, મોસંબી અને લીંબુમાં વિટામીન ‘સી’ ભરપુર માત્રામાં છે તેમ વિચારીને શરદી અને કફની સ્થિતિમાં જો આવા કોઈ ફળો આપવામાં આવે તો તે વધારે નુકશાન કરે છે. વિટામીન-‘સી’ની ગોળીઓથી શરદી કફ મટતા નથી. તેથી પ્રથમ તબક્કે કફનાશક ઔષઘો જ સહાયભૂત થાય છે.

તાવમાં નબળાઈ દૂર કરવા ગ્લુકોઝ અપાય છે. પણ જ્યારે દર્દીના શરીરમાં દોષ કફનો હોય અને તાવનું કારણ કફ હોય તો ગ્લૂકોઝ પણ કફનો વધારો કરે છે અને દોષ ખોટી રીતે દબાઈને વધે છે. તેવી રીતે હાર્ટ, કીડની, લીવર વિ. જેવા અવયવોના રોગોમાં અમુક પ્રોટીન્સ અને વિટામીન્સનો ઘટાડો હોય છે, પણ તેવી પરિસ્થિતિમાં પણ દોષો અને અગ્નિની પરિસ્થિતિની ઉપેક્ષા કરીને આપવામાં આવતા પ્રોટીન, વિટામીન ઘાતક સાબિત થાય છે. દોષની સમત્વ સ્થિતિનો વિચાર કર્યા પછી જ અગ્નિ, ધાતુઓ અને મળોની સ્થિતિનો વિચાર કરી ચિકિત્સા પ્રયોજવી જોઈએ તેવું આયુર્વેદનું સ્પષ્ટ મંતવ્ય ખરેખર સત્ય અને હિતકારી છે.

આયુર્વેદ પ્રથમ ત્રણ દોષોને લક્ષમાં લઈને જ શરીરના અગ્નિ, ધાતુઓ અને વિકારોની ચિકિત્સા હાથ ધરે છે. આ જ કારણે સ્વાસ્થ્યની વ્યાખ્યા માટે પ્રયત્ન કરતા પણ સુશ્રુતે વાત, પિત અને કફના ત્રણ પ્રધાન દોષો, ધાતુઓ, અગ્નિ, મળો વિગેરેની સમાનતાને સ્વાસ્થ ગણ્યું છે.

સુશ્રુતે કરેલી સ્વાસ્થની વ્યાખ્યામાં ‘સમદોષઃ’ કહી દોષોને પ્રથમ મૂકી બાકીના અગ્નિ, ધાતુઓ વિ. દોષોને આધિન છે તેમ જણાવી શરીરસ્થ ત્રિગુણાત્મક પ્રકૃતિની સમત્વતાને પ્રાધાન્ય આપ્યું છે. જેથી શારીરિક સ્તલ ઉપર પ્રકૃતિના ત્રણ ગુણોની વિષમતા અયોગ છે અને સમતા યોગ છે. પંડીત ભાવમીશ્ર લીખિત ભાવપ્રકાશ નામના ગ્રંથમાં

‘‘યત્સમત્વં હિ દોષાણાં ભિષગ્નિભવધાર્યતે,

ન તત્સ્વાસ્થયં વિના વકતું શક્યમન્યેન હેતુના’’

(ભાવપ્રકાશ પ્ર.ખંડો રો.પ.પ્રકરણ શ્લોક-૬ર)થી દોષોની સમતા વગર સ્વાસ્થ્યનો હેતુ કહી શકાતો નથી તેમ જણાવી ત્રણ દોષોની સમતા ને જ પ્રાથમિક મહત્વ અપાયું છે.

સુશ્રુતે કરેલી સ્વાસ્થની વ્યાખ્યાને લક્ષમાં લેતા દોષોની સમતા પછી અગ્નિની સમતા અને પછી ધાતુઓ રૂપી રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ વિગેરે ધાતુઓ એ તેના મળોની સમતા જાળવવા ઉપર ભાર મૂક્યો છે. તેનો અર્થ એ થાય કે દોષોની સમતાનો વિચાર પ્રથમ કર્યા પછી અગ્નિ અને ધાતુઓ તથા તેના મળોની સમતા સાધીને સ્વાસ્થરૂપ યોગની ઉપલબ્ધી શક્ય છે.

શરીર પ્રકૃતિના ત્રણ દોષો, સાત ધાતુઓ અને તેના મળોથી બનેલું છે અને તે પાંચ વાયુથી સંચાલિત થઈ રહ્યું છે. તેથી દોષો, અગ્નિ, ધાતુ અને મળોની સ્થિતિને સમગ્રતાપૂર્વક ધ્યાને લઈ આ તમામની સમત્વ સ્થિતિને સાધવા માટેનો જે પ્રયાસ છે તે જ યોગ્ય ચિકિત્સા છે. આપણે ત્યાં અમુક ઉંટ વૈદ્યો અને લૂંટ વૈદ્યો સ્વસ્થના મૂળમંત્રને ધ્યાને લીધા વિના જ ચિકિત્સા શરૂ કરી દે છે. જે અજ્ઞાન દર્દીને અસહ્ય પીડા અને ભયાનક મોત જ આપે છે.

અનેક ગોળીઓ કે વટીઓ, ચૂર્ણો કે ફાંકીઓ, ઈંજેકશનો કે એનિમા, પ્રવાહી કે અવલેહોથી નહી પરંતુ સ્વાસ્થ તેના સમત્વયોગને આધારે ટકેલું છે. જ્યારે કોઈ દર્દી તના દોષો, ધાતુઓ, અગ્નિ અને મળોની સમત્વતાને પ્રાપ્ત થશે ત્યારે જ તે સ્વાસ્થને પુનઃ પ્રાપ્ત થશે.

આજે આપણી કમનસીબી છે કે આપણા ડૉક્ટર સાહેબો અને વૈદ્યરાજો પાસે દર્દીના સ્વાસ્થ સમત્વને વિચારવાનો પૂરો ટાઈમ જ નથી. ઘણા ડૉક્ટરો અને વૈદ્યો દર્દીના ટોળાઓ ભેગા કરે છે અને તેમની સાગમટે દવા કરે છે. ઘણા ખરા રોગના નિદાન કેમ્પો અને ચિકિત્સા કેમ્પોના નામે પણ લોકોના ટોળા ભેગા કરવામાં આવે છે અને આખર આવા કેમ્પોના નામે પોતાની કે પોતે બનાવેલી પેટન્ટ દવાઓની જ એડવાર્ટાઈઝ કરવામાં આવે છે.

મેં સાંભળ્યું છે કે એક દવાખાનામાં ધમાલ થઈ. બન્યુ હતું એવું કે દર્દીનું ટોળું ભેગું કરીને બેઠેલા ડૉકટર સાહેબ જે દર્દીઓની ફટાફટ ચિકિત્સા કરી રહ્યા હતા તેમણે ઉતાવળમાં દવાખાનાનું ઈલેકટ્રીક બીલ દેવા આવેલા ઈલેકટ્રીક કંપનીના માણસને વગર બીમારીએ ઈંજેકશન આપી દીધું હતું. ઈંજેકશનના દર્દથી પિડાતો પેલો કંપનીનો માણસ કહી રહ્યો હતો કે સાહેબ હું તો આપને બીલ દેવા આવ્યો હતો અને તમે મને ખોટું ઈંજેકશન આપી દીધું ડૉકટર કહેતા હતા કે ભલામાણસ તારે મને કહેવું તો જોઈએ ને ? બીલ આપવાવાળો કહેતો હતો કે સાહેબ તમે મને કાંઈ બોલવાનો મોકો આપો તો હું કહું ને ?

ઉતાવળી ચિકિત્સાઓમાં સ્વાસ્થ્યનો સમત્વયોગ કેમ સધાય ? તેવી જ રીતે જે ચિકિત્સકો દર્દીમાં નારાયણની બદલે નગદ-નારાયણનું જ દર્શન કરે છે તે પણ સ્વાસ્થ્યનો સમત્વયોગ કેમ સાધી શકે ? દર્દીના પૈસા લૂંટવાવાળા લૂંટ વૈદ્યો કોઈ લૂંટારાની જેમ સીધા તો તેમને લૂંટી શકતા નથી. તેથી ખોટા અને બિનજરૂરી (બેસનટેસ્ટ) કરાવે છે અને બિનજરૂરી દવાઓ આપે છે કારણ કે ટેસ્ટ કરાવવા માટે દવા ઉત્પાદકો અને વિતરકો સાથે તેમનું કમિશન સધાયેલું હોય છે. તેમજ જે ચિકિત્સકો સ્વાસ્થના સમત્વ યોગને નથી સમજતા તેવા ઉંટ વૈદ્યો પણ દર્દીને સ્વાસ્થ પ્રદાન કરવા સક્ષમ નથી.

હું એક વખત મારા એક વૈદ્ય મિત્રને મળવા ગયો ત્યારે તે તેમના દવાખાનામાં બેસીને એક ડાયરીમાં કાંઈક લખી રહ્યા હતા. મેં સહજ રીતે તેમને શું લખો છો ? તેવો સવાલ કર્યો. તેના જવાબમાં તે ગૌરવભેર કહેવા લાગ્યા કે હું પોતે જ્યાં રહું છું તે સિવાયના મારા નવા ત્રણ મકાનો અને બીજા ઈન્વેસ્ટમેન્ટોની યાદી જોઈ રહ્યો છું. નવા મકાનો અને બીજા નવા રોકાણોની યાદીઓ જોતા રહેવું પડે છે. મેં કહ્યું બહું સારી વાત છે, પણ તમારી પાસે કોઈ એવી યાદી છે કે જેમાં તમે સંપૂર્ણ સાજા કર્યા હોય તેવા દર્દીઓના નામ હોય. તેમણે કહ્યું કે દર્દીઓ માટે તો કેસ પેપર સિવાય કોઈ યાદી અમે રાખતા નથી. મેં તેમને કહ્યું કે યાદી વગર તમને ખબર કેમ પડે કે તમે દર્દીને સંપૂર્ણ સાજા કર્યા છે. તેમણે કહ્યું કે દર્દી જ્યારે મારી પાસે આવતો બંધ થઈ જાય ત્યારે અમે માની લઈએ કે તે સ્વસ્થ થઈ ગયો છે. મેં કહ્યું કે એવું પણ બની શકે કે દર્દીને સારું ન થયું હોય તો તે કોઈ બીજો ડૉકટર પાસે જતો રહ્યો હોય, એવું પણ બને કે દર્દી રામશરણ પામી ગયો હોય. મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા કે છોડો ભાઈ, આટલું બધું કોણ વિચારે ? અમારે તો ધંધાથી મતલબ છે. મેં કહ્યું હજું તમે થોડું ખોટું બોલ્યા. ખરી હકીકત એ છે કે તમારો મતલબ ફક્ત તમારા ધંધામાં મળતા પૈસાથી જ છે. ડૉકટરો ઘણા છે, વૈદ્યો ઘણા છે પણ દર્દીમાં નારાયણ જોનારા ખુબ જ ઓછા છે.

શારીરિક સ્વાસ્થ જે સમત્વની આધારશીલા ઉપર ઉભું છે તેમાં સુશ્રુતે કરેલી વ્યાખ્યાના અંતિમ પદમાં ‘પ્રસન્નાત્મેન્દ્રીય મનાઃ’ કહીને મન અને ઈન્દ્રીયોને પણ સાથે જોડ્યા છે. જે ખુબજ સમજવા યોગ્ય છે.

લગભગ ૧૯પ૦ સુધીનું અર્વાચીન વિજ્ઞાન રોગો અને બિમારીઓને માત્ર શારીરિક સ્તલ ઉપર જ જોતું હતું. પરંતુ ત્યારબાદ મન અને ઈન્દ્રીયો પણ બિમારી અને રોગોમાં અગત્યનો ભાગ ભજવે છે તેવો ખ્યાલ વિકસિત થતો ગયો. આજે છેલ્લા છ દાયકામાં વિકસિત થયેલા વિજ્ઞાને માણસની ૯૦ ટકા બિમારીઓ તેના ઈન્દ્રીયો અને મન સાથે સંકળાયેલી છે તેવું સ્પષ્ટપણે સ્વીકાર્યું છે. ૯૦ ટકા બિમારીઓ સાયકો-સોમેટીક એટલે કે ઈન્દ્રીયો અને મન સાથે સંકળાયેલી. અને આ બિમારીઓ આવવા- જવાનો પણ આ જ માર્ગ છે. જેથી શારીરિક ચિકિત્સા માટે માત્ર ફીઝીકલ ટેસ્ટ જ નહીં પણ, સાયટીક psychic ટેસ્ટ પણ હવે જરૂરી બન્યો છે.

ચિકિત્સક તેના દર્દીના શારીરિક પરીક્ષણ (Physical test) ઉપરાંત તેના મસ્તીષ્કની ઉપર અસર પાડનાર તત્વોના પરીક્ષણો (Phrenotripic) ટેસ્ટ લેવા પણ જરૂરી છે. ઘણી વખત ખોટી રીતે મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓને પણ નજર અંદાજ કરી ચિકિત્સા કરવી યોગ્ય નહીં ગણાય.

મેં સાંભળ્યું છે કે એક માણસ સૂતો હતો ત્યારે તેને અચાનક એવો શક પડ્યો કે તેના મોઢામાં સાપ જતો રહ્યો છે. સૂતી વખતે તેને મોં ખુલ્લી રાખીને સૂવાની આદત હતી. તેથી તેને કોઈ કારણસર તેના મોં વાટે સાપ પેટમાં જતો રહ્યો હોવાની શંકા બેસી ગઈ. જે પછી તેને રાત-દિવસ એવું લાગવા લાગ્યું કે મોઢા વાટે અંદર ગયેલો સાપ પેટમાં ફરી રહ્યો છે. તે ઘણા દવાખાના ફર્યો. સોનોગ્રાફી, એક્સ-રે વિગેરે ઘણા ટેસ્ટ કરાવ્યા પણ હકીકતે સાપ તો હતો જ નહીં. તેથી બધા જ ટેસ્ટ નોર્મલ આવ્યા. ડૉકટરો તેને કહેતા કે ભાઈ આ તમારો વહેમ છે તેને મનમાંથી કાઢી નાખો.

પરંતુ તે માણસનો વહેમ એટલો ઠોસ અને મજબૂત બની ચૂક્યો હતો કે હજારો ઉપાય છતાં તેને દૂર કરવો શક્ય નહતો. એક દિવસ એક નવા ડૉક્ટરને તે મળ્યો અને તેના દર્દની વાત કરી. ડૉક્ટરે ફીઝીકલ ઉપરાંત સાઈકીક ટ્રીટમેન્ટ પણ જરૂરી છે તેમ માની દર્દીની બધી જ વાત સાચી છે તેમ કહી તેને આશ્વાસન આપ્યું. ડૉક્ટરે રસ્તા ઉપર સાપનો ખેલ કરાવતા એક મદારીની મદદ લીધી અને તેની પાસેથી સાપ મંગાવ્યો. તેણે દર્દીને ચાદર ઓઢાડીને સુવડાવી દીધો. પછી ચાદરના છેડા પાસે સાપ મૂકીને તેને જગાડીને કહ્યું કે જુવો, સાપ જઈ રહ્યો છે. દર્દીએ સાપને જતો જોયો અને તેની પેટમાં સાપ હોવાની શંકા નિર્મૂળ થઈ ગઈ. તે એકદમ સાજો થઈ ગયો. તેણે ડૉક્ટરને કહ્યું જુવો સાહેબ, હું કહેતો હતો ને કે મારા પેટમાં સાપ ગયો છે. કોઈ માનવા જ રાજી નહતું. પરંતુ આખર તમે બધુ ઠીક કરી આપ્યું.

ઘણી વખત ખોટી માન્યતાઓને દૂર કરવા માટે ખોટી ચિકિત્સા પણ અજમાવવી પડે છે. પરંતુ ઈન્દ્રીયો અને મનની ઉપેક્ષા કરીને કોઈ ચિકિત્સા સફળ થતી નથી. કૃષ્ણએ ‘‘સમત્વમ યોગમ ઉચ્યતે’’ના સૂત્રથી જે હકીકત કહી છે તે શારીરિક સ્તલ ઉપર યોગ્ય રીતે સમજીને સમાન દોષો, સમાન અગ્નિ, સમાન ધાતુઓ અને સમાન મળો અને મળની ક્રિયાઓના સમત્વને તથા શરીર, મન અને ઈન્દ્રીયોના પણ સમ્યક સમત્વને ધ્યાને રાખીને સાધવામાં આવે તો સમત્વની આધારશીલા પર શારીરિક સ્વાસ્થનો યોગ સાધી શકાય તેમ છે.

કદાચ આવો યોગ સો ટકા સાધ્ય ન બને તો પણ, તેના પ્રયાસો એળે નથી જતા. અર્વાચીન વિજ્ઞાન કહે છે કે એક વ્યક્તિના શરીરમાં લીવર, કીડની, હાર્ટ વિગેરે જેવા અવયવો ૬૦ ટકાથી વધારે ડેમેઝ થાય છે ત્યારે જ બિમારી તેના દેખીતા રૂપમાં જોવા મળે છે. હાર્ટની ત્રણ વેઈન બ્લોક હોય તો પણ માણસ જીવે છે, લીવર ૮૦ ટકા સુધી ડેમેઝ થયું હોવા છતાં માણસને બચાવી શકાય છે. કુદરતની રચના જ એવી છે કે સામાન્ય ડેમેઝીસ તો કુદરત આપમેળે જ ઠીક કરી લે છે. ડૉક્ટરોનું કહેવું છે કે માણસના શરીરમાં સ્વાદુપિંડ (પેન્ક્રીયાઝ) ૬૦ ટકા ઉપર ડેમેઝ થાય પછી ડાયાબિટીસ દેખાઈ છે. સોો ટકા સ્વાસ્થ હોય તેવો માણસ દુનિયામાં શોધવો મુશ્કેલ છે. પરંતુ અહિંયા ટકાવારીના વધતા-ઘટતા ક્રમથી માણસને સ્વસ્થ અને બિમાર તરીકે ઓળખવામાં આવે છે. જેથી શારીરિક સ્તલ ઉપર સ્વાસ્થના સમત્વ યોગની થોડી સાધના પણ નિષ્ફળ નથી બનતી.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Arvindbhai 1 અઠવાડિયા પહેલા

Verified icon

Mayur 2 માસ પહેલા

Verified icon

Dharmendrasinh Dodiya 5 માસ પહેલા

Verified icon

Mk Kamini 7 માસ પહેલા

Verified icon

Geeta V. Manek 8 માસ પહેલા