ટ્રેન ને ઉપડવાને હજુ 10 મિનિટ ની વાર હતી. જાનકી ટ્રેન માં બેઠી હતી. બધો સામાન પણ ગોઠવાઈ ગયો હતો. આમ તો સમાન માં ખાસ કંઈ હતું નહીં. માત્ર એક નાનકડી બેગ જ હતી. અને સાથે હતી એની નાનકડી દીકરી ઋજુતા. એ ખૂબ વિચારમાં ખોવાયેલી હતી. અને વિચાર કરતા કરતા જ એની આંખો ભીની થઇ રહી હતી.
હજુ તો એના પતિ નું મૃત્યુ થયાને માત્ર એક જ મહિનો થયો હતો. પરંતુ એના મૃત્યુ ની બધી વિધિ પત્યાં બાદ એના સાસરિયાઓએ એને ઘરની બહાર કાઢી મૂકી હતી. કારણ કે, એ દીકરીની મા હતી માટે કોઈ એને રાખવા ઇચ્છતું નહોતું. એની દીકરી હજુ તો માત્ર 6 જ મહિનાની હતી. તો પણ એના સાસુ કે સસરા કોઈને પણ દયા ન આવી.
જાનકી અને પિયુષનું લગ્નજીવન ખૂબ જ સુખી હતું. એમના ઘરમાં જો કોઈ સમજદાર વ્યક્તિ હોય તો એ માત્ર પિયુષ જ હતો. એ હંમેશા જાનકી ને સાથ આપતો અને એનો સહારો બનીને ઉભો રહેતો. પણ વિધિને કંઈક ઓર જ મંજુર હતું. જ્યારે જાનકી ગર્ભવતી થઈ ત્યારે ઘરના બધા ને દીકરાનો મોહ હતો ત્યારે પિયુષ એ જ બધાને સમજાવ્યા હતાં કે, દીકરો હોય કે દીકરી કોઈ એના પ્રત્યે ભેદભાવ નહીં રાખે. અને જાનકી ની કુખે દીકરી અવતરી. જાનકી ના સાસુ સસરાને આ બહુ ગમ્યું નહીં. પણ પિયુષ આગળ ચૂપ રહ્યાં.
પણ વિધિને કંઈક બીજું જ મંજુર હતું. ઋજુતા 5 મહિનાની થઈ અને પિયુષ નું એક અકસ્માતમાં મૃત્યુ થયું. જાનકી ખૂબ રડી. થોડા દિવસ તો જાનકી ને સારું લગાડવા ખૂબ નાટક કર્યા. પરંતુ જેવી પિયુષ ની મૃત્યુ વિધિ પતી કે, જાનકીની સાસુ એ કહ્યું, "હવે તું મને શું આપવાની? ન તો તે મને દીકરો આપ્યો મુઈ! હું શા માટે તને મારા ઘરમાં રાખું ને તારો ને તારી દીકરી નો ખર્ચો ઉપાડું? ચાલ નીકળ મારા ઘરની બહાર. એમ કહી ને એણે જાનકી ને લાત મારી."
જાનકી કંઈ જ બોલ્યા વિના ચૂપચાપ પોતાની દીકરીને લઈને ત્યાંથી નીકળી ગઈ કારણ કે, મનોમન તો એ જાણતી જ હતી કે, એને આ પરિસ્થિતિ માં થી પસાર થવાનું જ છે.
***
જાનકીની વિચારધારા અટકી. ટ્રેન ઉપાડવાની હવે તૈયારી જ હતી. તેની બાજુની સીટ પર એક સ્ત્રી આવીને બેઠી. એ સ્ત્રી ખૂબ જ જાજરમાન લાગતી હતી. એવું લાગતું હતું કે, જાણે એની આભા થી આખી ટ્રેનમાં પ્રકાશ પથરાઈ ગયો હોય. જાનકીની આંખો પણ એ સ્ત્રીને જોઈને અંજાઈ ગઈ હતી.
જાનકી હજુ અસમંજસ માં જ હતી કે, આ સ્ત્રી કોણ છે? અને શા માટે એને જોઈને મારી આંખો અંજાઈ ગઈ? મને એના પ્રત્યે ખેંચાણ શા માટે થઈ રહ્યું છે? એ સમજી નહોતી શકતી. પણ પેલી સ્ત્રી એ જ તેની વિચારધારા તોડી. એણે જાનકી ને એના નામથી બોલાવી. જાનકી તો એ સ્ત્રી ના મુખેથી પોતાનું નામ સાંભળીને ચોંકી ઉઠી. એ થોડી ગભરાઈ પણ ગઈ. એને થયું, 'આ સ્ત્રી ને મારુ નામ કેમ ખબર પડી? આ શું ચક્કર છે?' પણ ત્યાં જ પેલી સ્ત્રી એ બીજો ધડાકો કર્યો. તે બોલી, "જાનકી, હું તારા વિષે બધું જ જાણું છું. તારા પતિ સાથેનો સંબંધ, તારી દીકરી નો જન્મ, તારા સાસરિયાઓએ તારી સાથે કરેલો વર્તાવ. કશું જ મારા થી અજાણ્યું નથી. હું જાણું છું તારા મનમાં એ જ પ્રશ્ન છે ને કે, હું આ બધું ક્યાંથી જાણું?"
"હા" જાનકી થી બોલી જવાયું.
પેલી સ્ત્રી એ જવાબ આપ્યો, "અત્યારે હું તને કંઈ જ કહી શકું એમ નથી. યોગ્ય સમય આવશે ત્યારે હું તને અવશ્ય જણાવીશ પરંતુ અત્યારે તો હું જેમ કહું તેમ કર. યોગ્ય સમય આવ્યે તને આ વાતની જાણ થઈ જશે." આટલું બોલી ને તે સ્ત્રી અટકી.
"સારું." જાનકી કોણ જાણે કેમ પણ તેને ના ન પાડી શકી. કોઈ અજાણી શક્તિ જાણે તેની પાસે આ કામ કરાવી રહી હતી. પેલી સ્ત્રીએ જાનકી ને કહ્યું, "આગળના સ્ટેશને આપણે બંને એ ઉતરી જવાનું છે. વધુ કોઈ સવાલ કરીશ નહીં. હું કહું છું તેમ કર." "ભલે." જાનકી એ માત્ર એટલું જ કહ્યું.
ટ્રેન આગળના સ્ટેશન પર ઉભી રહી એટલે જાનકી અને પેલી સ્ત્રી બંને ઉતરી ગયા. જાનકી કંઈ જ બોલ્યા વિના પેલી સ્ત્રી ની પાછળ પાછળ ચાલી રહી હતી. ચાલતા ચાલતા એ એક જગ્યા એ ઉભી રહી. ત્યાં એક આશ્રમ હતો. જ્યાં પેલી સ્ત્રી ના ગુરુ હતા.
પેલી સ્ત્રી જાનકી ને એના ગુરુ પાસે લઈ ગઈ. જાનકી પોતાની પુત્રી ને લઈને ગુરુ ને પગે લાગવા ગઈ. એ પગે લાગી. ગુરુ એ એને આશીર્વાદ આપ્યા. એનો ચહેરો જાનકી ને સ્પષ્ટ દેખાતો નહોતો કારણ કે, જ્યારે એ ગુરુની સામે જોવા ગઈ ત્યારે એની આંખો રોશની થી ખૂબ જ અંજાઈ ગઈ. એ ગુરુની આંખમાં એક અજબ પ્રકારનું તેજ હતું. ઈશ્વરે એને શા માટે અહીં મોકલી હતી એ એને સમજાઈ નહોતું રહ્યું. પણ દરેક ઘટના બનવા પાછળ હંમેશા કંઇક કારણો હોય જ છે. જેનો સમય જતાં આપણને ખ્યાલ આવે છે.
નિયતિ માં શું લખાયેલું છે એ કદી આપણે જાણી શકતા નથી.
****
જાનકી ને આ આશ્રમમાં રહેવા આવ્યા ને લગભગ 1 વર્ષ થવા આવ્યુ હતું. જાનકી એની પુત્રી સાથે અહીં સુખી જીવન વિતાવતી હતી. આ આશ્રમ માં જે કોઈ નું અકસ્માત થતું કે પછી કોઈ બીમાર હોય કે પછી કોઈ તકલીફ હોય એવા લોકોને અહીં સેવા મળી રહેતી. આશ્રમ ના લોકો પણ ખૂબ જ સારા હતા.
***
એક દિવસ ની વાત છે. એક દિવસ એક બહેન ને અકસ્માત થયો અને એમને આ આશ્રમમાં લાવવામાં આવ્યા. જાનકી તરત મદદ કરવા દોડી આવી. એણે એ બહેનનો ચેહરો જોયો અને એ છળી ઉઠી. એ બહેન બીજા કોઈ નહીં પણ જાનકી ની સાસુ હતી. જાનકી અને એની સાસુની બંને ની નજર મળી અને જાનકી એ એની સાસુ ના ચેહરા પરથી પોતાની નજર પાછી ખેંચી લીધી. પણ પછી એની સામે એ સ્ત્રી નો ચેહરો આવ્યો જેના થકી આજે એ આશ્રમમાં હતી.
બધું ભૂલીને એણે એની સાસુની સેવા કરવા માંડી. થોડા સમય માં એની સાસુ ને સારું થઈ ગયું. એ પછી એણે પોતાની વહુની માફી માંગી. અને કહ્યું, "જાનકી બેટા, મને માફ કરી દે. હું તને સમજી ન શકી. તું અને ઋજુતા બંને ઘરે ચાલો. મારા કર્મ ની મને સજા મળી ગઈ છે. હું હવે સાવ એકલી પડી ગઈ છું. તારા સસરા ભગવાન ને ઘેર ચાલ્યા ગયા. મારો બીજો દીકરો પણ ઘર છોડી ને ચાલ્યો ગયો. હવે તારા સિવાય કોઈ આશરો નથી. મને માફ કરી દે બેટા. તું અને ઋજુતા ઘરે ચાલો. આપણે પ્રેમથી સાથે રહીશું."
સાસુ ની વાત સાંભળી ને જાનકી ને એના પર ભરોસો બેઠો અને એ ઋજુતા ને લઈ આશ્રમ છોડીને ચાલી નીકળી. આશ્રમ છોડતા પહેલા એ પેલી સ્ત્રીને મળી જે તેને આ આશ્રમ માં લાવી હતી. જાનકી એ તેની પાસે જઈ બધી વાત કરી અને સાસુ સાથે ઘેર જવાની ઈચ્છા પ્રદર્શિત કરી.
પેલી સ્ત્રી એ તેને મંજૂરી આપી. અને કહ્યું, "તું ત્યાં જવા માટે સ્વતંત્ર છે. પરંતુ હવે તને સત્ય જણાવી દેવાનો સમય આવી ગયો છે. તને પ્રશ્ન હતો ને કે હું તારા વિશે બધું કેવી રીતે જાણું છું. તો સાંભળ એનો જવાબ. હું તારા પતિ પિયુષ ને કારણે સત્ય જાણું છું."
હવે જાનકી ચોંકી ઉઠી. એ કેવી રીતે? એણે પૂછ્યું.
જવાબ માં એને જે સાંભળવા મળ્યું એ સાંભળીને તે ચોંકી ઊઠી.
પેલી સ્ત્રી એ તેને કહ્યું, "જાનકી, તારો પતિ પિયુષ હજુ જીવે છે. અને આશ્રમમાં જે ગુરુ છે એ જ તારો પતિ છે. તને કદાચ પ્રશ્ન થશે કે, એ અહીં કેવી રીતે? તો એનો પણ જવાબ હું તને આપું. પિયુષ ને અકસ્માત થયો એ મારી ગાડી જોડે થયો હતો. એ ખૂબ ગંભીર હાલત માં હતો. મેં જ તેની સેવા કરી અને મેં જ તેને બચાવ્યો. હું એક ડોકટર છું. અને આ આશ્રમ નથી પણ મારી હોસ્પિટલ છે જેને અમે આશ્રમમાં પરિવર્તિત કરી છે."
"પણ શા માટે?" જાનકી એ પૂછ્યું.
"જેથી તારી સાસુ નું હૃદયપરિવર્તન થાય માટે અમે આખી આ યોજના ઘડી હતી. પિયુષ ની તબિયત સારી થઈ પછી એણે મને જણાવ્યું કે, કેવી રીતે એની મા તને દીકરી ને જન્મ આપવા બદલ મેણાં મારે છે. એટલે અમે આખી યોજના ઘડી. અમે જ તારી સાસુનું અકસ્માત કરાવ્યું ને એની સેવા પણ અમે જ કરી. જેથી એમનું હ્ર્દયપરિવર્તન થાય.
જાનકી આ સત્ય સાંભળીને સીધી પિયુષ પાસે દોડી અને બોલી ઉઠી, "શા માટે તમે ઘેર ના આવ્યા? શા માટે તમે મને અને મારી દીકરી ને છોડી ને અહીં આ આશ્રમ માં રહેવાનું પસંદ કર્યું? તમને અમારી યાદ પણ ના આવી?"
પિયુષ એ એનો ઉત્તર આપતા કહ્યું, "મારો અકસ્માત એ કોઈ ઈશ્વરીય સંકેત હતો. કારણ કે, જ્યારે મારો અકસ્માત થયો એ પછી હું લગભગ ત્રણ મહિના ભાન માં જ નહોતો. પછી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મને ઈશ્વર નો સાક્ષાત્કાર થયો. તું કદાચ મારી વાત નહીં સમજી શકે પણ મેં એ જ કર્યું જે મારા ઈશ્વર એ મને કરાવ્યું. ઈશ્વર ની ઈચ્છા ને મેં મન આપ્યું છે." એટલું બોલી પિયુષ જાનકી સામે જોવા લાગ્યો.
જાનકી એ પ્રત્યુત્તર આપ્યો, "તો હવે તો બધું સરખું થઈ ગયું ને. તો ઘરે ચાલો. હું, તમે, મમ્મી અને આપણી દીકરી સાથે રહીએ."
પિયુષ એ કહ્યું, "એવો સંકેત હજુ મને ઈશ્વર એ આપ્યો નથી. મને ઈશ્વર સંકેત આપશે ત્યારે હું ચોક્કસ ઘરે આવીશ."
પિયુષ પોતાની માતા, પત્ની જાનકી અને દીકરી ઋજુતા ને જતાં જોઈ રહ્યો. અને પછી તે ઈશ્વર નું ધ્યાન ધરવા લાગ્યો.
(ક્રમશઃ)