Vishvas.. books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ...

વિશ્વાસ

હું સુરમ્યા. મારુ નામ સુરમ્યા. આજે હું વાત કરવા જઈ રહી છું મારી જિંદગીની. મારા જીવનમાં ઉઠેલા તોફાનની. એક વાર્તારૂપે આજે હું તમારી સમક્ષ વાત કરવા જઈ રહી છું.

આ વાર્તા છે મારી એટલે કે સુરમ્યાની અને મારા પતિ અથર્વ ની. આ વાર્તા છે અમારા જીવનના સંઘર્ષની. જીવનમાં આવેલ ચડતી પડતીની. આજે અમારા લગ્નજીવનની પચ્ચીસમી વર્ષગાંઠ છે. આજે અમે બંને એકબીજા સાથે છીએ અને એકબીજા જોડે ખુબ ખુશ છીએ પરંતુ ઘણી કસોટીઓ અને અનેક તોફાનોમાંથી બહાર આવ્યા પછી અમારું મિલન થયું છે.

આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાની વાત છે. હું અને અથર્વ કોલેજમાં સાથે ભણતા હતા. હું જ્ઞાતિએ બ્રાહ્મણ હતી અને અથર્વ જ્ઞાતિએ સુથાર. અમારી પહેલી મુલાકાત કોલેજના યુથ ફેસ્ટિવલમાં થઇ હતી. નાટકમાં અમે બંને એ એકબીજા સાથે કામ કરેલું અને એમાં અમે બંને પ્રેમી બન્યા હતા પણ ત્યારે અમને ખબર નહોતી કે નાટકમાં પ્રેમ કરતા કરતા અમે અસલી જિંદગીમાં પણ પ્રેમ કરી બેસીશું. પછી તો મુલાકાતો પણ વધતી ગઈ. ધીમે ધીમે આ મુલાકાતો ફૂલોનો આપ લે સુધી પહોંચી. આમ એકબીજાને ફૂલોની આપ લે થી શરુ થયેલી આ મુલાકાતો ધીમે ધીમે મોટી ભેટ સુધી પહોંચી. મારા જન્મ દિવસે અથર્વ એ મને સોનાનો ચેન ભેટમાં આપ્યો. હું ખુબ જ ખુશ થઇ. પણ સાથે એક ડર પણ હતો કે, જયારે મમ્મી પપ્પા આ ચેન જોશે અને પૂછશે કે આ તારી પાસે ક્યાંથી આવ્યો? તો હું શું જવાબ આપીશ? કારણ કે, હજુ સુધી અમે ઘરમાં જાણ કરી નહોતી. અમે કદાચ યોગ્ય સમયની રાહ જોતા હતા.સમય વીતી રહ્યો હતો. દિવસો પસાર થઇ રહ્યા હતા.

પણ સમય ને જતા ક્યાં વાર લાગે છે? એક દિવસ મમ્મી એ મારો કબાટ ખોલીને જોયું તો એમને એ ચેન મળ્યો. અને એમણે મને પૂછ્યું, બેટા , આ ચેન તો તારો નથી તો તારી પાસે ક્યાંથી આવ્યો?

હવે વધુ છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મેં મમ્મીને બધી વાતની જાણ કરી દીધી. મારા અને અથર્વ ના સંબંધ વિષે. અને એ પણ જણાવ્યું કે, અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ.

મમ્મી એ ત્યાર પછી આ વાત પપ્પાને કરી અને પપ્પાએ અથર્વ ને મળવા બોલાવ્યો. મુલાકાત ગોઠવાઈ. પપ્પા પણ અથર્વ થી ખુબ પ્રભાવિત થયા. પપ્પાએ અમારા લગ્ન માટે સંમતિ આપી દીધી.

મને ડર હતો કે, કદાચ જ્ઞાતિના કારણે પપ્પા સંમતિ નહિ આપે પણ એવું કઈ બન્યું નહીં. મેં આ બાબતે પપ્પાને મારા મનની વાત જણાવી ત્યારે પપ્પાએ કહ્યું, "બેટા ! આ જ્ઞાતિ વગેરે તો બધું માણસોએ ઉભું કરેલું તુત છે. બાકી દરેક માણસ તો ઈશ્વરનો અંશ છે. નીચી જ્ઞાતિમાં પણ કુળવાન માણસો હોય જ છે અને ઊંચી જ્ઞાતિમાં પણ ખરાબ માણસો હોય જ છે. મારા માટે જ્ઞાતિનું કોઈ મહત્વ નથી. મારા માટે તો એટલું જ મહત્વનું છે કે છોકરો મારી દીકરીને સુખી રાખે. બસ, એથી વિશેષ કઈ નહીં. અને અથર્વ ને મળ્યા પછી મને એનામાં એ ગુણ દેખાયા છે. અને માટે જ મેં તમારા લગ્ન માટે સંમતિ આપી છે.

થોડા દિવસ પછી અમારા લગ્ન થઇ ગયા. અમે બંને એકબીજા સાથે ખુબ ખુશ હતા.

પણ એક દિવસ-

અથર્વ એક બિઝનેસમેન હતો. એને એના કામ અર્થે બેંગ્લોર જવાનું થયું. અથર્વ ને મને મૂકીને જવાનું બિલકુલ મન નહોતું. પણ એ લાચાર હતો. અને એને મારી ચિંતા ન રહે માટે એ મને મારા મમ્મી પપ્પાના ઘરે મૂકી ગયો. દિવસો વીતવા લાગ્યા.

મમ્મી પપ્પાની પડોશમાં એક નવો છોકરો રહેવા આવેલો. એનું નામ હતું કાવ્યેશ. આ કાવ્યેશ આમ તો એક નવલકથાકાર હતો. ક્યારેક કવિતાઓ પણ લખતો. થોડા સમયમાં એ મારો સારો મિત્ર બની ગયો હતો. મને એની જોડે ખુબ ફાવતું. પણ ત્યારે મને ખબર નહોતી કે આ ભોળા ચહેરા પાછળ કેટલું કપટ હતું?!!!

અથર્વ બેંગ્લોર ગયા પછી મને જાણ થઇ કે, હું મા બનવાની છું. હું ખુબ ખુશ થઇ. મેં અથર્વ ને આ વાત જણાવી અને તે પણ ખુબ ખુશ થયો.

થોડા દિવસ પછી કાવ્યેશે અથર્વ ને મારા અને કાવ્યેશના ફોટા કે જે એણે કોમ્પ્યુટરની કરામત દ્વારા બનાવ્યા હતા તે અથર્વ ને મોકલાવ્યા અને કહ્યું કે, તમારી પત્ની અને મારી વચ્ચે શારીરિક સંબંધ છે અને આ થનાર સંતાનનો પિતા પણ તે પોતે જ છે.

આ વાત જાણતા જ અથર્વ તરત દોડતો મારી પાસે આવી પહોંચ્યો અને મને પૂછ્યું, તારી અને કાવ્યેશ વચ્ચે શું સંબંધ છે?

મને આશ્ચર્ય થયું કે, અથર્વ અચાનક આવું કેમ પૂછે છે? શું એ મારા પર શંકા કરે છે?

મેં એને પૂછ્યું, અથર્વ! તું કેમ એવું પૂછે છે?

જવાબમાં અથર્વ એ કાવ્યેશે મોકલાવેલા ફોટા બતાવ્યા અને પૂછ્યું, આનો શો મતલબ છે?

એના આ પ્રશ્નનો શું જવાબ આપવો એ હું થોડી ક્ષણો વિચારી રહી. પણ પછી મેં વિચાર્યું કે, અથર્વ મારો પતિ છે. મારે એને સત્ય જણાવી દેવું જોઈએ. મારે એને અંધારામાં ન રાખવો જોઈએ. જો એને મારા પર વિશ્વાસ હશે તો એ જરૂર મારી વાતને સાચી માનશે.

અને મેં અથર્વ ને કાવ્યેશ વિષે બધું સત્ય જણાવી દીધું. અને મેં એમ પણ કહ્યું કે, આ ફોટોગ્રાફ પણ ખોટા છે. અમારી વચ્ચે એવું કઈ જ બન્યું નથી. મેં એની સાથે એવું કશું જ કર્યું નથી. મેં તારા સિવાય બીજા કોઈ વિષે ક્યારેય વિચાર્યું જ નથી. અને આ બાળક પણ તારું જ છે. તું જ એનો પિતા છે.

આ બધી વાત સાંભળ્યા પછી અથર્વ એ મને કહ્યું, તું ચિંતા ના કરીશ. મને તારા પર પૂરો વિશ્વાસ છે. આપણે કોઈ ને કોઈ માર્ગ શોધી કાઢીશું.

ત્યારબાદ અથર્વ ના એક પોલીસ મિત્રની અમે મદદ લીધી અને તેની મદદથી અમે કાવ્યેશને એના કર્મની યથાયોગ્ય સજા અપાવી.

આજે હું અને અથર્વ એકબીજા સાથે ખુબ જ ખુશ છીએ. ત્યારબાદ અમારે ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને અમે એનું નામ રાખ્યું હતું 'વિશ્વાસ' કારણ કે એ અમારા બંનેના એકબીજા પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક છે એ. એકબીજા પ્રત્યેના અતૂટ વિશ્વાસને કારણે જ આજે અમે સુખી છીએ. આજે અમારો પુત્ર પણ ત્રેવીસ વર્ષનો થઇ ગયો છે. પણ અમારા બંનેનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હજુ પણ એવો જ અકબંધ છે.

આજે અમારા લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠે એકબીજા જોડે સુખી છીએ. અથર્વ એ મને બોલાવી. મને કહે, સુરમ્યા, જરા અહીં આવ તો. મારે કામ છે. હું એની પાસે ગઈ અને પૂછ્યું, શું કામ છે? અને એમણે મારા માથા પાર ચુંબન કર્યું અને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મારા હાથમાં એક પેકેટ મૂક્યું અને કહ્યું, લે, આપણી લગ્નના વર્ષગાંઠની ભેટ. અને મેં પેકેટ ખોલીને જોયું તો એમાં એ જ ચેન હતો જે અથર્વ એ મને પ્રેમનો એકરાર કરતી વખતે આપેલો. પણ આજે એ પોલિશ કરેલો હતો. એ આજે ત્યાર કરતા પણ વધુ ચમકી રહ્યો હતો. કદાચ અમારા સંબંધ ની જેમ!

આ જ છે મારા અને અથર્વ ના એકબીજા પ્રત્યેના વિશ્વાસની કહાની.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED