Pagla books and stories free download online pdf in Gujarati

પગલા

પગલાં

જ્યોતિ નામની કન્યા એક નગરમાં રહેતી હતી. આ નગરના લોકોને આ કન્યા પર ખુબ જ શ્રદ્ધા હતી. અહીંના લોકો એવું માનતા હતા કે આ જ્યોતિના પગલાં જ્યાં પણ પડે છે અથવા જ્યાં પણ તે જાય છે તે કુળનો ઉદ્ધાર થઇ જાય છે.

આ જ્યોતિ અનિરુદ્ધ અને ચિત્રાની પુત્રી હતી. અનિરુદ્ધ અને ચિત્રાના ઘરે લગભગ દસ વર્ષની પ્રતીક્ષા પછી પારણું બંધાયું હતું. અને એમને ત્યાં આ કન્યારત્ન નો જન્મ થયો હતો.

અનિરુદ્ધને જ્યોતિષમાં ખુબ શ્રદ્ધા હતી. તેમના ગામમાં ગૌરવકુમાર નામના એક જ્યોતિષી રહેતા હતા. તેમના વિષે લોકોમાં એવી વાયકા હતી કે, એમણે ભાખેલું ભવિષ્ય આજ સુધીમાં કદી પણ મિથ્યા થયું નથી. જયારે જ્યોતિનો જન્મ થયો ત્યારે અનિરુદ્ધ પોતાની પુત્રીને લઈને આ ગૌરવકુમાર નામના જ્યોતિષી પાસે આવ્યો અને જ્યોતિને ગુરુના ચરણોમાં ધરી અને કહ્યું, હે ગુરુવર ! આપ જ મારા ઈશ્વર છો. હું આ કન્યાને આપના દર્શન માટે લાવ્યો છું. અને ઈચ્છું છું કે આપ શ્રી એને આશીર્વાદ આપો. અને તેનું ભવિષ્ય કેવું હશે તે પણ મને જણાવવા કૃપા કરો. હું આપનો ખુબ ખુબ આભારી રહીશ.

જ્યોતિષી એ કન્યાને પોતાની ગોદમાં લીધી અને થોડીવાર સુધી તેઓ આ કન્યાના મુખને નીરખી રહ્યા. અને બોલ્યા, અનિરુદ્ધ, તારી આ પુત્રી તો ખુબ જ ભાગ્ય લઈને ઉત્પન્ન થઇ છે. તે લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે. જ્યોતિ બનશે તારી આ પુત્રી. જ્યાં પણ એના પગલાં પડશે એ કુળનો ઉદ્ધાર થશે. જે પણ ઘરમાં કઈ પણ દુઃખ હોય અથવા અન્યાય થતો હોય તેવા ઘરમાં જો આ કન્યાના પગલાં પડશે તો તે સર્વનો ઉદ્ધાર થશે અને તેમનું કલ્યાણ થશે. પરંતુ....

પરંતુ? શું? ગુરુદેવ!!! અનિરુદ્ધને ભય પેઠો.

ગૌરવકુમાર બોલી ઉઠ્યા, આ કન્યા ભાગ્યશાળી તો છે પરંતુ જો આ કન્યાના વિવાહ થશે અથવા કોઈ પણ વ્યક્તિ જો તેની સાથે લગ્ન કરશે તો અનર્થ થશે. જે પણ ઘરમાં આ કન્યાના પગલાં પુત્રવધુ તરીકે પડશે તે કુળનો વિનાશ થશે.

અનિરુદ્ધે પૂછ્યું, તો શું ગુરુદેવ! મારી આ કન્યા હંમેશા બિનવિવાહિત જ રહેશે? શું એના લગ્ન ક્યારેય નહીં થાય?

ગુરુદેવ એ કહ્યું, ના,એ બિનવિવાહિત નહીં રહે. તેના લગ્ન અવશ્ય થશે. તેના પ્રેમવિવાહ થશે પણ જ્યાં પણ એના વિવાહ થશે એ કુળનો નાશ થશે એટલું તો નિશ્ચિત જ છે. અને જ્યોતિનું મૃત્યુ પણ.

તો આનો કોઈ ઉપાય તો હશેને ગુરુદેવ? અનિરુદ્ધ એ પૂછ્યું.

ગુરુદેવ બોલ્યા, ના, આનો કોઈ ઉપાય નથી. દરેક વ્યક્તિ પોતાની નિયતિ લઈને જ જન્મતી હોય છે. એની નિયતિમાં જે લખાયું છે એ થશે જ. તમે અને હું એની નિયતિને જાણી શકીએ છીએ પરંતુ બદલી શકતા નથી. જે થનાર છે એ ન થનાર કદી થવાનું નથી. માટે આપણે તો માત્ર ઈશ્વરની લીલાને જ જોવાની છે. માટે તું ચિંતા રહેવા દે. અનિરુદ્ધ. જ્યાં પણ એના લગ્ન થશે એ કુળમાં અધર્મ જ હશે અને તે કુળમાં ધર્મની સ્થાપના કરવા માટે જ કદાચ આ કન્યાના પગલાં પડશે.

જ્યોતિ હવે ધીમે ધીમે મોટી થવા લાગી. લોકો જ્યોતિને ખુબ જ શુકનિયાળ માનવા લાગ્યા. જ્યાં પણ જે ઘરમાં દુઃખ હોય અથવા અન્યાય થતો હોય તેવા ઘરમાં લોકો જ્યોતિના પગલાં પડતા અને જેવા જ્યોતિના પગલાં એ ઘરમાં પડતા કે, ત્યાંથી બધા જ દુઃખદર્દ ગાયબ થઇ જતા.

જ્યોતિ હવે ધીમે ધીમે મોટી થવા લાગી છે. જેમ જેમ જ્યોતિની ઉમર વધતી જાય છે તેમ તેમ તેના પિતાની ચિંતા વધતી જાય છે. તેમના પિતાને પેલા જ્યોતિષીના શબ્દો કાનમાં પડઘાયા કરે છે. એ હંમેશા જ્યોતિના લગ્નના દિવસથી ડરતા રહે છે. એમના મનમાં ભય પેસી ગયો છે કે, જ્યોતિ કોઈના પ્રેમમાં તો નહીં પડી હોય ને? ગામના લોકો જ્યોતિનું માગું લઈને આવે તો ઇન્કાર કરી દે છે. એમને ડર છે જ્યોતિના મૃત્યુનો.

જ્યોતિના લગ્ન થશે અને એ મૃત્યુ પામશે તો?

અને એક દિવસ-

થનાર હતું તે થઈને જ રહ્યું.

જ્યોતિએ તેના પિતાને કહ્યું, પિતાજી, હું એક યુવાનના પ્રેમમાં છું અને અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છીએ છીએ. અને પિતાજીને ફાળ પડી. એમણે જ્યોતિને કહ્યું, પુત્રી હજુ તારી ઉમર નાની છે. લગ્નની શું ઉતાવળ છે? તું બે વર્ષ સુધી રાહ જો. બે વર્ષ પછી હું જ તારા લગ્ન કરાવી આપીશ. જ્યોતિએ તે કબૂલી લીધું.

બે વર્ષ પછી ફરી જ્યોતિએ એ જ વાત છેડી. આ વખતે તેના પિતા તેને રોકી ના શક્યાં અને કહ્યું, પુત્રી, હું નથી ઈચ્છતો કે તારા વિવાહ થાય.

જ્યોતિએ પ્રશ્ન કર્યો, પણ શા માટે? પિતાજી? દુનિયાના દરેક માતા પિતા પોતાની પુત્રીના વિવાહ ઈચ્છે છે. દરેક પિતાની ઈચ્છા હોય છે કે, તે પોતાની કન્યાનું દાન કરે તો શું તને નથી ઇચ્છતા કે, તમે મારુ કન્યાદાન કરો?

હવે અનિરુદ્ધ જ્યોતિથી વધુ સમય સત્ય છુપાવી ના શક્યો. એણે જ્યોતિને એના જન્મ સમયે જ્યોતિષી એ કહેલી વાત કહી અને જણાવ્યું કે, પુત્રી, દરેક પિતા પોતાની પુત્રીનું કન્યાદાન કરવા ઈચ્છે છે. પરંતુ મારી એ બદકિસ્મતી છે. હું મારા જ હાથે તને મોતના મુખમાં ધકેલવા માંગતો નથી. મારાથી એ સંભવ નહીં બને. તારા પગલાં જો કુળવધુના પગલાં બનશે તો એ કુળનો વિનાશ થશે. અને ત્યારબાદ તારું મૃત્યુ પણ થશે. માટે હું નથી ઈચ્છતો કે તારા લગ્ન થાય.

જ્યોતિએ પિતાને આશ્વાસન આપ્યું, સારું પિતાજી.તમે નહીં ઈચ્છો તો હું લગ્ન નહીં કરું.

આ ઘટના પછી જ્યોતિએ તેના પ્રેમીને આ વાત જણાવી અને કહ્યું કે, બને તો મને ભૂલી જજે. પરંતુ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મેં મારા પિતાને વચન આપ્યું છે કે , જ્યાં સુધી મારા પિતાજી જીવિત છે ત્યાં સુધી હું કુંવારી રહીશ. તેના પ્રેમીએ સંમતિ આપી. પણ એણે કહ્યું, પરંતુ જો તારા પિતાનું મૃત્યુ થાય તો તારે મારી જોડે પરણવું પડશે. જ્યોતિ એ મૂક સંમતિ આપી.

અઠવાડિયા પછી તેના પ્રેમીએ જ્યોતિના પિતાની હત્યા કરાવી જેથી એ જ્યોતિ સાથે પરણી શકે. બધું એની યોજના મુજબ જ પાર પડ્યું.

તેના પ્રેમી જોડે જ્યોતિ લગ્ન કરીને આવી. એના ઘરમાં એના કંકુ પગલાં પડ્યા. આ કંકુ પગલાં હતા કે પછી લોહીના પગલાં એ તો ઈશ્વર જ જાણે! તેના ઘરમાં તેના સાસુ સસરા, તેનો દેર અને તેનો પતિ આ ચાર જણનો પરિવાર હતો. થોડા દિવસ સુખેથી પસાર થયા.

પણ એક દિવસ-

જ્યોતિએ તેની સાસુ અને તેના પતિને વાત કરતા સાંભળ્યા. તેની સાસુ તેના પતિને કહી રહી હતી, સારું થયું તે જ્યોતિના પિતાની હત્યા કરાવી નાંખી નહીં તો આપણા ઘરમાં જ્યોતિના પગલાં ક્યારેય પડત નહીં અને આપણે બીજા લોકોની જેમ ધનવાન થઇ શકત નહીં. વાહ દીકરા વાહ!

તેનો પતિ ખંધુ હસ્યો. અને બોલ્યો, હા મા . માટે જ મેં એની હત્યા કરાવી હતી. હું કઈ જ્યોતિને પ્રેમ કરતો નથી પરંતુ મેં તો માત્ર પૈસા ખાતર જ એની જોડે લગ્ન કર્યા છે. આમ પણ લોકો કહે છે કે, એના પગલાં જ્યાં પણ પડે છે ત્યાં ધન આવે છે. જ્યોતિના પગ તળેથી જમીન સરકી ગઈ. તેને થયું ધરતી જગ્યા આપે તો એમાં સમાઈ જાવ. પણ ફરી તેને પિતાની વાત યાદ આવી. અને એણે વિચાર્યું, નક્કી આ લોકોના કુળનો નાશ મારા હાથે જ લખાયો છે. આ કુળનો અવશ્ય વિનાશ થશે.એણે નક્કી કર્યું, હું આ બધા જ લોકોનો વિનાશ કરીશ.

બીજે દિવસે જ્યોતિએ મનોમન કંઈક નક્કી કર્યું. અને તેની સાસુને કહ્યું, મમ્મીજી,આજે તો બધી રસોઈ હું બનાવીશ અને તમને બધાને મારા હાથેથી જ જમાડીશ. તેની સાસુ તો ખુબ ખુશ થયા અને તેમણે સંમતિ આપી. જ્યોતિ એ રસોઈ બનાવી બધાને પ્રેમપૂર્વક જમાડ્યા.બધાએ જમી લીધું. ભોજન કર્યા પછી ત્યાંને ત્યાં જ બધાની લાશો ઢળી પડી. જ્યોતિ એ ભોજનમાં વિષ ભેળવી દીધું હતું .

આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. આખા પરિવારને મૃત્યુ પામેલો જોઈને જ્યોતિ બોલી ઉઠી. હવે મારુ કાર્ય પૂર્ણ થયું. કદાચ આ કાર્ય માટે જ મારો જન્મ થયો હતો. અને એટલું બોલતાંની સાથે જ જ્યોતિ પણ ધરતી પર ઢળી પડી. જ્યોતિના પગલાં વિલીન થઇ ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED