private limited co. books and stories free download online pdf in Gujarati

પ્રાઈવેટ લિમિટેડ કુ.

પ્રાઈવેટ લિમિટેડ કુ.

એક ટ્રેનમાં બે અજાણ્યા યુવાનો સફર કરી રહ્યા હતા. ટ્રેને થોડી ગતિ પકડી પછી પેલા યુવાનો વાતે વળગ્યા. “તમે ક્યાં જાવ છો ?” પહેલા યુવાને પ્રશ્ન પૂછ્યો. “અમદાવાદ, અને તમે ?” સામેથી જવાબની સાથે સવાલ પણ આવ્યો, પહેલા યુવાને જવાબ આપ્યો “હું સુરેન્દ્રનગર જવ છુ અહી રાજકોટમાં રહું છુ.” “સરસ, હું પણ રાજકોટનો જ છુ, અંબાઈ ફળિયામાં રહું છુ.” બીજા યુવાને વાત કહી. “આ લે, અંબાઈ ફળિયામાં કઈ જગ્યાએ ? હું’ય ત્યાજ રહું છુ” પહેલા યુવાને આશ્ચર્ય સાથે પૂછ્યું. “બ્લોક નંબર 301, થર્ડ ફ્લોર, તક્ષશિલા એપાર્ટમેન્ટ” બીજા યુવાને સરનામું આપ્યું. પહેલો યુવાન ઘડીભર બીજા યુવાન સામે જોઈ રહ્યો પછી હળવેથી બોલ્યો મારો સેકન્ડ ફ્લોર, બ્લોક નંબર 201”. થોડીવાર ચુપકીદી પથરાઈ ગઈ. પછી પહેલા યુવાને હળવેકથી બીજા યુવાનને પૂછી લીધું “તમે પણ મારી જેમ પ્રાઇવેટ જોબ કરો છો ભાઈ ?”

મોટાભાગના પ્રાઇવેટ નોકરીવાળા એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં અને એકજ એપાર્ટમેન્ટમાં રહેતા હોવા છતાં એકબીજાને ઓળખતા ન હોય કે જોયેલા ન હોય એવું બને. મોટાભાગના પ્રાઈવેટ નોકરી કરતાં જીવો બિચારા વહેલી સવારે અંધારામાં ઘરની બહાર નીકળી જાય અને ઠેઠ મોડી રાત્રે અંધારમાં ઘરે પાછા આવે છે. પ્રાઇવેટ લિમિટેડ કુ. માં જે કુ. આવે છે તે કંપનીનો નહીં પણ કૂકડાંનો કુ છે. જેમ કૂકડો વહેલી સવારે ઊઠીને આખો દિવસ દોડાદોડી કરીને આમ તેમ ફરતો રહે છે તેમ પ્રાઈવેટ જોબવાળા પણ આખો દિવસ દોડતા રહે છે, તમે કૂકડાંને પકડવાની કોશિશ કરજો, એ તમારા હાથમાં નહીં આવે, બરોબર આજ રીતે પ્રાઈવેટ નોકરી કરતાં માણસને પણ પત્ની, બાળકો, મિત્રો, સગાવહાલા વગેરે બધા પકડવાની કોશિશ કરે છે પણ આ માણસ કોઈના હાથમાં આવતો નથી, તેની પોતાની ઈચ્છા હોય તો પણ નહીં. કોઈ જવલ્લે જ ઘટતી ખગોળીય ઘટનાની માફક પ્રાઈવેટ નોકરી કરતાં માણસને રજા આવે છે. આ ભાગ્યેજ આવતી રજામાં પણ ‘રાત થોડીને વેશ જાજા’ વાળો ઘાટ સર્જાય છે. પત્ની સાથે ખરીદી કરવા કે બહાર જવાનું હોય છે, બાળકો સાથે રમવાનું હોય છે, સગાવહાલાના ઘરે જવાનું હોય છે, મિત્રોને મળવાનું હોય છે, ઘરના નાના મોટા કામ કરવાના હોય છે……… યાદી લાંબી થતી જાય છે, આ બધાને તે વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે ન્યાય આપે છે અને વધારે સાંભળી લે છે.

હમણાં થોડા દિવસ પહેલા અમારી સોસાયટીમાં રાત્રે જોરદાર હો-હા થઈ ગઈ, દેકારો સાંભળીને હું પણ ઘરની બહાર નીકળ્યો, બધા ચોર આવ્યો, ચોર આવ્યોની બૂમો પાડીને એક જણને ઢીબતા હતા, પેલો જણ બિચારો અધમૂઓ થઈ ગયો પછી કેટલાક ભલા લોકોએ તેને છોડાવ્યો અને એક ઘરના ઓટલા ઉપર બેસાડી પૂછતાછ કરી ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ તો અમારી સોસાયટીની છેલ્લી શેરીમાં રહે છે અને મોડી રાતે પ્રાઇવેટ જોબ કરીને પાછો ઘરે આવતો હતો, આખા દિવસની શારીરિક અને માનસિક દોડધામને કારણે આ ભાઈના હાલ-હવાલ વિખાય ગયા હતા, તેથી જ રાતે તેને જોઈને કૂતરા ભસ્યા અને આ ભાઈ ભાગ્યા

આ ભાઈ ભાગ્યો એટ્લે કોઈએ ચોર સમજીને પકડી પાડ્યો અને ઢીબી નાખ્યો, પછી તો આ ભાઈને પાણી આપ્યું, કોઈએ દવાખાને લઈ જવાની વાત કરી ત્યારે એ જણ બોલ્યો કે મને ઘરે જવા દો મારે સવારે વહેલા નોકરીએ જવાનું છે....

આ પ્રાઇવેટ જોબવાળાને પોતાને કમાણીના ફાંફા હોય પણ તેની પાસેથી આખું ગામ કમાણી કરે. પ્રાઇવેટ જોબવાળાને અપ-ટુ-ડેટ રહેવું પડે, વાળ વધે એ ન ચાલે, સાહેબ ખીજાય, એટ્લે અઠવાડિયામાં ત્રણ વાર દાઢી અને મહિનામાં બે વાર વાળ સેટ કરવા પડે એટલે વાણંદભાઈઓનો ધંધો ચાલ્યા કરે, સારા કપડા પહેરવા પડે તેથી કપડાં વેચવાવાળાનું ચાલ્યા કરે, ફરજિયાત બૂટ-મોજા-ટાઈ પહેરવા પડે એટલે એ બધાનું પણ ચાલ્યા કરે, સૂટકેસ કે બેગવાળા કમાય, એ ઉપરાંત સ્ટેશનરીવાળા, ઝેરોક્ષવાળનું, મોબાઈલ અને સીમકાર્ડવાળાનું, શહેરમાં જ નોકરી હોય તો પેટ્રોલવાળાનું અને જો બાહારગામ નોકરી હોય તો ટ્રાવેલ્સ કે એસ.ટી કે ટ્રેનવાળનું ચાલ્યા કરે, જે ગામ જવાનું હોય ત્યાં પણ રિક્ષાવાળા અને ચાવાળા, અને હોટલવાળા આમની પાસેથી કમાય. અને જ્યારે આમને ત્રણ-ચાર મહિને પગાર મળે છે ત્યારે દૂધવાળા, કરિયાણાવાળા અને છોકરાઓની સ્કૂલવાળા કમાય, અને બાકી રહી જતું હોય એમ ચાર પાંચ વર્ષની નોકરી પછી ડૉક્ટર પણ પોતાનો વારો લ્યે.

કોઈ મોટા વારે-તહેવારે ઘરધણી ઘરે હાજર ન હોય તો તમારે સમજી જવાનું કે ભાઈ કા પોલીસમાં છે કા પછી પ્રાઇવેટ જોબ કરે છે. ગમેતેવો તહેવાર હોય છતાં આ ભાઈને રજા ન હોય, એ બિચારો થેલો લઈને બીજા ગામમાં રખડતો હોય. ચૂંટણીમાં કોઈ દિવસ સો ટકા મતદાન નથી થતું. હાલમાં મોટેભાગે ૭૦ ટકાની એવરેજે મતદાન થાય છે, મતદાન ન કરતાં આ 30% ની જો તમે સીબીઆઈ તપાસ કરાવો તો તેમાથી 50% તો પ્રાઇવેટ જોબવાળા નીકળે. હમણાં મારા એક પ્રાઇવેટજોબ કરતાં મિત્રના લગ્ન હતા, અમો બધા વાજતે-ગાજતે માંડવે પહોંચી ગયા, ફેરા ફરવાની થોડી વાર હતી ત્યાં તો તેની કંપનીમાંથી ફોન આવ્યો તેની કંપનીના મોટા સાહેબ આજે માર્કેટમાં વિઝિટ માટે આવવાના છે, જાણે ડી કંપનીમાંથી ફોન આવ્યો હોય એમ મારો મિત્ર ભાગ્યો, જોકે પ્રાઈવેટ જોબ કરતાં વ્યક્તિને પોતાની કંપનીમાથી ફોન આવે કે ડી કંપનીમાથી ફોન આવે તેને મન તો બેઉ સરખું જ હોય છે, ભાગતા વરરાજાનું એક બાવડું ગોરબાપાએ પકડી લીધું “ક્યાં ભાગો છો ? મારી દક્ષિણાનું શું થશે ?” વરરાજા બોલ્યો “મને જવા દ્યો, મારી નોકરીનો સવાલ છે” ત્યાં તો કન્યાના બાપે વરરાજાનું બીજું બાવડું પકડી લીધું “ નહીં જવા દવ, મારી છોકરીનો સવાલ છે” ઘડીક તો ગરમા-ગરમી થઈ ગઈ, પછી લાંબી ચર્ચા-વિચારણાનાં અંતે મારા મિત્રે પોતાનો થેલો કન્યાના બાપને સોંપતા કહ્યું “લ્યો આ મારો થેલો, આ થેલો એ ‘હું’ છું, પછી કન્યાએ થેલા સાથે ફેરા ફર્યા બોલો....

એક સાવ નાના ગામમાં મોટા સાહેબ આવ્યા, સૂટ-બૂટ અને ટાઈમાં સજ્જ મોટા સાહેબને જોઈને ગામવાળાઑ ને આશ્ચર્ય થયું “આપણાં ગામમાં તલાટીમંત્રી’ય કોઈ દિ આવતો નથી તો આ મોટા સાહેબ શું લેવા આવ્યા હશે ?” કુતૂહલાવશ પોણું ગામ આ સાહેબ પાછળ પડ્યું, આખા ગામમાં એક જ ભાંગેલી-તૂટેલી દુકાન હતી, જીવણની. અધિકારી જેવા લાગતા માણસને જોઈને જીવણને પરસેવો વળી ગયો, નક્કી કઈક તપાસ હારુ આવ્યા હશે, સાહેબે જીવણને પૂછ્યું “તમારું નામ શું છે” ત્યાં તો જીવણ કરગરવા માંડ્યો “સાહેબ મે કાઇ નથી કર્યું, તમે કે’તા હોવ તો દુકાન બંધ કરી દવ.” “ અરે, ના ના તમારે ગભરાવવાની જરૂર નથી, ઉભા રહો” કહેતા સાહેબે પોતાના થેલામાથી ચોકલેટની બરણી કાઢી અને જીવણને સમજાવવા માંડ્યા કે આ બરણી તમને આટલામાં પડે, વેચ્યા પછી તમને આટલો નફો થાય....આ જોઈને ગામમાં રહેતા એક બાપાએ શહેરમાં ‘બિઝનેસ મેનેજમેન્ટ’ કે એવું કાઇક ભણતા પોતાના દીકરાને કોલેજમાંથી ઉઠાવી લીધો “તારે જો દસ-બાર લાખનો ધૂંબો મારીને ચોકલેટ જ વહેંચી હોય તો હાલ તને ગામમાં કેબિન નાખી દવ.”

મિત્રો આ તો માત્ર હસવાની વાત થઈ પણ સાચું કહું તો પ્રાઈવેટ જોબની જિંદગી કોક જ જીવી શકે, જીગરવાળા જ આવું જીવી શકે, પોતાના પરિવાર માટે ગમેતેવી પરિસ્થિતિનો સામનો કરી લેતા, અપટુડેટ કપડા પહેરેલા વ્યક્તિને વીસ રૂપિયા બચાવવા માટે ચાલીને જતાં મે જોયા છે, પોતાના પરિવારને ગરમ ભોજન મળી રહે તે માટે તેઓ ગમે તેવું જમી લે છે, પોતાનું અંગત હિત ભૂલીને કંપનીના હિત માટે મથ્યા રહેતા માણસોને મે જોયા છે, પોતાની નાદુરસ્ત તબિયત કે મૂશ્કેલી ભૂલીને ગ્રાહકોની મૂશ્કેલી દૂર કરવા મથામણ કરવી સહેલી નથી, ઓછા પગારમાં સતત હસતા રહી ગ્રાહકોને સંતોષ આપતા તમામ મિત્રોને મારા અભિનંદન છે,

(સમાપ્ત)

યાયાવર કલાર

94274 11600

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED