નો રીટર્ન-૨ ભાગ - ૮૯ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ - ૮૯

નો રીટર્ન-૨

ભાગ-૮૯

અમારાં પગ નીચે કોઇ અમૂલ્ય ખજાનો દટાયેલો હતો એ ખ્યાલે મારાં ધબકારાં વધારી મુકયાં. અમે ખજાનાની બિલકુલ નજીક હતાં. આ ધરતી નીચે અને સામે દેખાતી પર્વત શૃંખલાંમાં વર્ષો પૂર્વે ધ્વંશ પામેલાં એક અતી સમૃધ્ધ નગરનાં અવશેષો દટાયેલાં હતાં. મને તો વિશ્વાસ નહોતો આવતો કે અમે લોકવાયકામાં વણાયેલી એક દંતકથારૂપ શાપિત જગ્યામાં આવી પહોચ્યાં છીએ. કેટલાય દિવસોની દડમઝલ અને ભારે ખૂનામરકીનો સામનો કર્યાં પછી જ્યાં આજ સુધી કોઇ નહોતું પહોંચી શકયું એવી એક અછૂત ભૂમી ઉપર અમે ઉભા હતાં. આ કોઇ સ્વપ્નથી કમ તો નહોતું જ. એક અવિશ્વસનીય સફર અમે ખેડી હતી. અમારાં કેટલાય સાથીઓ સફર દરમ્યાન ભયાનક મોતે મર્યા હતાં. અરે... અમે ખુદ કેટલીય વખત જીવ સટોસટીની જંગ ખેલી મોતનાં મુખમાં જતાં બચ્યાં હતાં. એક ન ભૂતો ન ભવિષ્યતી રોમાંચક સફરનાં અમે ગવાહ હતાં, તેનો હિસ્સો બન્યાં હતાં. મારાં જીગરમાં અજીબ થનગનાટ ઉમડયો હતો. ખજાનો...! આ શબ્દ જ કોઇનાં પણ રૂઆંટા ખડા કરી દેવા સક્ષમ હતો. અને એ પણ કેટલો મબલખ ખજાનો...! દસ્તાવેજોમાં લખાયેલા શબ્દો જો સાચા હશે તો આ દૂનિયાનાં સૌથી અમીર આદમીઓ અમે બનીશું એમાં કોઇ શંકાને સ્થાન નહોતું. હું અભિભૂત બનીને સામે દેખાતાં પર્વતને જોઇ રહ્યો.

મારી જેવી જ હાલત બીજા બધાની હતી. કાર્લોસ હજું ઘોડા ઉપર જ બેઠો હતો. ભયંકર દર્દ વચાળે પણ તેની બૂઝતી જતી આંખોમાં પર્વતને જોઇને અજબ રોશની ઉભરી હતી. ખજાનાને પામવાની લાલસાએ તેને અત્યાર સુધી જીવિત રાખ્યો હતો. એ જીજીવિષા એકાએક પ્રબળ બની હતી અને તે ટટ્ટાર થયો હતો. તેનાં શરીરમાં જાણે નવાં પ્રાણ ફૂંકાયા હતાં.

“ એના, આખરે આપણી જીત થઇ.. “ તેણે એના સામે જોયું હતું. કાર્લોસનાં હદયમાં છવાયેલી ખુશી ચમક બનીને તેનાં મોં પર છવાઇ હતી.

“ યસ ડાર્લીંગ, આપણે એ પર્વતને ખોળી કાઢયો છે.. “ એના જેવી ખૂંખાર ઔરત પણ અલગ જ લાગણીમાં તણાઇ ગઇ હતી. હજું તો ખજાનો અમારા હાથમાં આવ્યો નહોતો છતાં તે બન્ને ખજાનો મળી ગયો હોય એવી ખુશીથી ઝૂમી ઉઠયાં હતાં.

“ આ આપણો ખજાનો છે એના...! બીજા કોઇનો તેનાં પર હક્ક નથી. આપણે દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ બનીશું. “ કાર્લોસ તેની મદહોશીમાં જ બબડતો હતો. “ તને ખબર છે, અહી સુધી પહોંચવા આપણે કેટલાં માણસો ગુમાવ્યાં છે...? કેટલી જંગ લડી છે..? “

“ હું જાણું છું કાર્લોસ, હું જાણું છું...! તું શાંત થા. હવે આ ખજાનાને મેળવતાં આપણને કોઇ નહી રોકી શકે. આપણે દીધેલી કુરબાનીઓ વ્યર્થ નહી જાય..” એના પણ કોઇ વિરાંગનાની જેમ ટ્રાન્સમાં આવીને બાલતી હતી. તે બન્નેને એમ જ લાગતું હતું કે ખજાનો મેળવવા તેમણે ભરપુર મહેનત કરી છે અને કેટલીય કુરબાનીઓ આપી છે. પણ એ હકીકત નહોતી. એક ખતરનાક ગેંગસ્ટર અને તેની સાગરીત કોઇ બલીદાનની ભાવનાથી કે પોતાનાં દેશનું નામ રોશન કરવાં સફરે નહોતાં નિકળ્યાં. તેઓ દહેશત ગર્દ વ્યક્તિઓ હતાં, પોતાનાં અંગત સ્વાર્થ ખાતર તેમણે આ સફર આરંભી હતી એટલે તેમાં કોઇનાં બલીદાનની વાત તો આવતી જ નહોતી. ઉલટા અત્યાર સુધીમાં તેમણે કેટલાય માણસોને બેરહમીથી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને હજું પણ એવાં જ કંઇક ઇરાદાઓ તેમનાં મનમાં રમતાં હતાં.

“ તને લાગે છે કે હવે આ લોકોની આપણને કોઇ જરૂર છે...? “ કાર્લોસ બોલ્યો અને અમારી તરફ જોયું. તેની આંખોમાં ખતરનાક લોમડી જેવી બદમાશી ભળેલી હતી. એનાએ પણ તિરછી નજરે અમને તાક્યાં. તે કાર્લોસનો ઇશારો ભલીભાંતી સમજી ગઇ હતી. હવે એ લોકોને અમારી જરૂરીયાત નહોતી, અને એ બાબત ખરેખર ખતરનાક હતી.

@@@@@@@@@@@@@

ત્યારે... ક્રેસ્ટો હંમેશની જેમ ખામોશ ઉભો હતો. તેનાં ઇરાદા ખતરનાક જણાતાં હતાં અને તે કાર્લોસનાં હુકમનો ઇંતજાર કરતો હતો. એક એવો હુકમ, જે પહેલેથી અમલમાં મુકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને એ હુકમ હતો અમારાં મોતનો...! કાર્લોસની એજ તો રણનીતી હતી કે જેવાં અમે લોકો ખજાનાંની નજીક પહોંચીએ કે તુરંત અમને ખતમ કરી નાખવાં. જેથી દુનિયાને ક્યારેય એ ખજાના વિશે ખબર જ ન પડે.

એ બાબતથી અમે તદ્દન અનભિગ્ય હતાં. હું અને અનેરી તો કોઇ અલગ ખ્યાલોમાં જ ખોવાયેલાં હતાં. અમને સ્વપ્નેય વિચાર નહોતો ઉદભવ્યો કે કાર્લોસ અમારાં મોતનો આદેશ આપવા તૈયાર થશે. અરે... અત્યાર સુધી કાર્લોસ અમારી સાથે જે રીતે વર્તતો આવ્યો હતો એની ઘણી વખત અમને નવાઇ લાગી હતી કે આ માણસ કાર્લોસ જ છે ને...! તેણે અમારું એટલું સરખી રીતે ધ્યાન રાખ્યું હતું. ક્યારેય અમને શક થાય એવો કોમો નહોતો આપ્યો. પણ ત્યારે ખબર નહોતી કે તેનાં મનમાં કંઇક અલગ જ વિચારો હશે. આજે હવે તેનો મતલબ પુરો થતાં તે અમને ખતમ કરી નાખવાં ઉભો થયો હતો. આખરે તે એની જાત ઉપર આવી ગયો હતો. ગમે તે હોય પરંતુ તે એક માફિયા ડોન હતો. પોતાનાં ફાયદા માટે તે કોઇપણ કક્ષાએ ઉતરી શકતો હતો. અને હવે તે અમને સાચવે પણ શું કામ...? ખજાના સુધી પહોંચવાનો તેનો સ્વાર્થ પુરો થયો હતો. તેણે એના સામું જોયું, જાણે તેની સંમતી લેતો હોય. એનાએ મોં બીજી દિશામાં ફેરવી લીધું એટલે પછી આંખોથી કાર્લોસે ક્રેસ્ટોને ઇશારો કર્યો.

બરાબર એ ક્ષણે જ મારું ધ્યાન એ તરફ ગયું હતું. કાર્લોસે જે રીતે ક્રેસ્ટો તરફ ફરીને ઇશારો કર્યો હતો એ જોઇ મારું માથું ઠનક્યું. કંઇક એવું હતું જે બરાબર નહોતું. કાર્લોસનાં તેવર અચાનક બદલી ગયાં હોય એવું મને લાગ્યું. હું અને અનેરી તેનાથી થોડે દૂર ઉભા હતાં. આટલે દૂરથી તેણે ક્રેસ્ટોને શું ઇશારો કર્યો એ સ્પષ્ટ સમજાયું તો નહોતું પરંતુ મારાં જીગરમાં અચાનક ઉથલ- પાથલ મચી ગઇ હતી. મન કહેતું હતું કે કંઇક બરાબર નથી. આંખોનાં ખૂણેથી જ નજર કરીને મેં ક્રેસ્ટોને નિહાર્યો. તેનાં મજબુત જડબા સખ્તાઇથી આપસમાં બીડાયાં હોય એવું મને લાગ્યું. તે અમારી દિશામાં જ જોઇ રહ્યો હતો. તેણે પોતાની કમરે ખોસેલો લાંબાં ફણાં વાળો છૂરો સાવધાનીથી હાથમાં લીધો. અને... તે દોડયો.

“ અનેરી... ભાગ...! “ મેં જોરથી બૂમ પાડી હતી.

@@@@@@@@@@@@@@@

ક્ષણનાં ચોથા ભાગમાં મારાં ગળામાંથી રાડ નિકળી હતી. એ સીન બહું જલ્દી ભજવાયો હતો. મેં કાર્લોસનાં ઇરાદા ભાપ્યાં હતાં અને એકાએક મારા શરીરની સ્વાભાવિક રિએકશન સિસ્ટમે રિએક્ટ કર્યું હતું. અમારો જીવ ખતરામાં છે એ મને તુરંત સમજાયું હતું અને કાર્લોસનાં ઇશારાનો મતલબ પણ..! તેણે ક્રેસ્ટોને અમારી ઉપર છોડી મૂક્યો હતો અને એ ખૂંખાર જાનવર અમારી તરફ બહું તેજીથી દોડતું આવતું હતું. જાણે કોઇ ભિમકાય પર્વત એકાએક જાગ્રત થઇને અમારી તરફ દોડયો હોય એવું એ દ્રશ્ય હતું. મારા તો મોતિયા મરી ગયાં હતાં. આ સાવ અનઅપેક્ષિત વળાંક હતો. નજરો સમક્ષ મોત દેખાવા લાગ્યું હતું.

ચંદ સેકન્ડ... માત્ર ચંદ સેકન્ડોમાં તે અમને આંબી જવાનો હતો અને પછી છરાનાં એક જ ઝાટકે અમારાં માથાં વધેરાઇને નીચે પડયાં હશે. અમારી વચ્ચેનો ફાંસલો નિરંતર ઓછો થતો જતો હતો... અને, અનેરી હજું સ્તબ્ધતામાં ઉભી હતી. તેણે મારી બૂમ તો સાંભળી હતી પરંતુ હું શું કહેવા માંગુ છું એ સમજી નહોતી.

“ બેવકૂફ... ઉભી છે શું...? ભાગ અહીથી... “ મેં લગભગ તેને ધક્કો માર્યો અને ચિલ્લાયો. છતાં તે હલી નહી અને આંખો ફાડીને ક્રેસ્ટોને આવતો જોઇ રહી. કદાચ તે ધરબાઇ ગઇ હતી, અથવા તો સમજી જ નહોતી કે અહીં શું થઇ રહ્યું છે..? ભારે કટોકટીની એ ક્ષણો હતી. તાત્કાલીક મારે કોઇ એકશન લેવું જરૂરી હતું નહિતર અમે મરવાનાં હતાં એ નક્કી હતું. એક નજર પાછળ ફરીને મેં ક્રેસ્ટો તરફ જોયું. તે માતેલાં સાંઢની જેમ અમારી વધુને વધું નજીક આવી રહયો હતો. મારું દિમાગ તેજીથી દોડતું હતું. એકાએક એક ઝબકારો થયો અને મનમાં જ નિર્ણય લેવાયો. ઝડપથી અનેરી બાજું ફરી, તેને કમરેથી પકડી, ઉંચકીને ઘોડા ઉપર બેસાડી દીધી. મને ખુદને આશ્વર્ય થયું કે મારામાં આટલું બધું બળ આવ્યું ક્યાંથી..? અનેરીને ઉંચકીને ઘોડા ઉપર બેસાડવી એ કોઇ રમત વાત નહોતી..! પણ અત્યારે એ બધું વિચારવાનો સમય નહોતો. મુશ્કેલીમાં ફસાયેલો વ્યક્તિ ક્યારેક અણધાર્યા અને પોતાની હેસીયત બહારનાં પરાક્રમો કરી નાંખતો હોય છે. મેં પણ કદાચ એવું જ કર્યું હતું. હડબડાહટમાં અનેરી ઘોડા ઉપર ચડી બેઠી હતી અને તેણે ઘોડાની રાશ હાથમાં લીધી હતી. એ દરમ્યાન કુદકો મારીને હું પણ તેની પાછળ ચડી બેઠો અને અનેરીને કમરેથી પકડી લીધી.

“ અનેરી... ઘોડો ભગાવ... “ છાતીનાં પાટીયા બેસી જાય એટલાં જોરથી મેં બૂમ પાડી. અનેરીને એકાએક ભાન થયું હતું કે અહીથીં ભાગવાનું છે. તેણે ઘોડાનાં પડખામાં લાત ઠોકી. ઘોડો પણ તેનાં માલીકની ભાષા સમજ્યો હોય એમ ભડકીને જમણી બાજું, ક્રેસ્ટોથી વિરુધ્ધ દિશામાં દોડવા લાગ્યો. પણ... એ એટલું આસાન નહોતું. ઘોડો ભાગ્યો તો ખરો પણ તેની રાહમાં જંગલ અડચણરૂપ બન્યું હતું. ઉબડ- ખાબડ જમીન અને બેતહાશા આડા- અવળા ઉગી નિકળેલાં વૃક્ષોને કારણે તે વધું ઝડપથી દોડી શકતો નહોતો. અને પાછળ... ક્રેસ્ટો કોઇ ગાંડાં હાથીની જેમ તેની રાહમાં આવતાં ઝાડવાઓનો સોથ વાળતો દોડતો આવતો હતો. મને બીક લાગવાં માંડી કે ક્યાંક તે અમને આંબી ન જાય..! મેં કચકચાવીને અનેરીને પકડી રાખી હતી અને અનેરી બેતહાશા ઘોડાનાં પડખામાં તેનાં બૂટનો પાછળનો ભાગ ઠોકી રહી હતી. એ બીચારું મુંગું પ્રાણી એનાથી મુંઝાતું હતું. પડખામાં પડતી લાતો તેને વધું ઝડપથી દોડવા ઉશ્કેરતી હતી પરંતુ સામે આવતાં અવરોધો તેની ગતીને ધીમાં પાડતાં હતાં.

ક્રેસ્ટો ધરતી ધ્રૂજાવતો અમારી પાછળ જ આવતો હતો. અમારી વચ્ચેનું અંતર ઘટતું જતું હતું. રસ્તામાં આવતાં ઝાડવાઓ પણ તેની ભયાનક ગતીને અવરોધી શકતાં ન હતાં. તે લગભગ અમને આંબી જવા જ આવ્યો હતો. મારે જલ્દી કંઇક કરવું પડે તેમ હતું નહિતર અમારું મોત નક્કી હતું. મારાં મનમાં ધમાસાણ ચાલતું હતું કે શું કરું...? કોઇ રસ્તો સૂઝતો નહોતો..અને, ક્રેસ્ટો ઘોડાને આંબી ગયો. તે લગભગ ઘોડાની પીઠ પાછળ આવી પહોચ્યો હતો. માય ગોડ... અમે ઘોડા ઉપર બેઠા હતાં છતાં તેની ઉંચાઇ અમારી બરાબર થતી હતી. હું અનેરીને કચકચાવીને પકડીને બેઠો હતો. તેણે સાવ નજીક આવીને સૂસવાટા ભેર તેનો હાથ ઉગામ્યો અને પવનથીએ તેજ ગતીથી તેણે છરાનો વાર કર્યો. મેં એ જોયું...

“ અનેરી... સમ્ભાલ... “ અનેરીનાં માથાને બન્ને હાથોથી પકડીને જબરજસ્તીથી, બળપૂર્વક મેં નીચું નમાવ્યું અને સાથોસાથ હું પણ નીચો નમ્યો. “ સરરરર.... “ જોરદાર સૂસવાટો કરતો છરો અમારાં માથાની બિલકુલ ઉપરથી પસાર થઇ ગયો. સહેજ... જરાકમાં અમે બચ્યાં હતાં. જો અમે નીચા નમ્યાં ન હોત તો અમારાં ડોકા વધેરાઇ ગયાં હોત. પણ અમે બાલ બાલ બચ્યાં હતાં. મારાં જીગરમાં ધડબડાટી બોલી ગઇ અને શ્વાસ ગળામાં આવીને ભરાઇ ગયો. મોત અમારી નજરો સામે તાંડવ કરતું હતું અને અમે એ બેરહમ મોતથી બચવા બેતહાશા ભાગી રહ્યાં હતાં. ખરેખર આવા સમયે કશું જ સૂઝતું હોતું નથી. બસ.. એક જ જીજીવિષા બચતી હોય છે કે આમાથી બચવા શું કરવું...! માનવી હોય કે કોઇ પ્રાણી... દરેક જીવ પોતાનાં રક્ષણ માટે પોતાનાં શ્વાસની આખરી ક્ષણ સુધી ઝઝૂમતો હોય છે, પછી ભલે તેનો સામનો પોતાનાંથીયે વધું તાકાતવર જીવ સાથે કેમ ન થયો હોય..! મને પણ અચાનક એવું જ ઝનૂન ઉભરાયું. આમ સાવ માયકાંગલાની જેમ મરવા કરતા તો સામનો કરીને મરવું વધું બહેતર વિકલ્પ હતો. મારું દિમાગ ખતરનાક ઝડપે વિચારવાં લાગ્યું. અને... એકાએક.... સામે, રસ્તામાં એક ઘેઘૂર ઝાડની ડાળી રસ્તા વચ્ચે ઝળૂંબતી દેખાઇ. ક્ષણભરમાં એક ઝબકારો મનમાં થયો. જેવાં અમે એ ઝાડ હેઠળથી પસાર થયાં કે તુરંત અનેરીને છોડીને મેં એ ઝળૂંબતી ડાળીને પકડી લીધી. હું ઘોડા ઉપરથી ઉંચકાયો અને ડાળીએ લટકી પડયો. ડાળી મોટી અને મજબૂત હતી. બરાબર એ ક્ષણે જ ક્રેસ્ટો મારી નીચેથી પસાર થયો. તેને ખ્યાલ નહી હોય કે હું આવું કોઇ સાહસ કરીશ એટલે તે એની ધૂનમાંજ દોડતો હતો. તેનું વિશાળકાય માથું મારા પગ હેઠળથી સહેજ જ આગળ ગયું હશે કે મેં કચકચાવીને એક લાત તેનાં માથાનાં પાછળનાં ભાગે ઠોકી. તે સાવ બેધ્યાન પણે દોડતો હતો. તેમાં અચાનક પાછળથી જોરદાર વાર થતાં તેનું સંતુલન ખોરવાયું અને તે ઉછળીને આગળની બાજું ઉથલી પડયો.

એ આખો માજરો કંઇક અલગ રીતે જ ભજવાયો હતો. અચાનક મને એક રસ્તો સૂઝયો હતો અને રસ્તામાં ઝળૂંબતી ડાળી પકડીને હું લટકી પડયો હતો. એ સમયે જ ક્રેસ્ટો મારી નીચેથી પસાર થયો અને મોકો જોઇને મેં લાત ઠોકી દીધી હતી. તેનો ભયંકર પહાડ જેવો દેહ કોઇ મોટા હાથીની જેમ જમીન ઉપર ફસડાઇ પડયો હતો અને ત્યાં ધૂળનાં ગોટેગોટા ઉડયાં હતાં. એક દૈત્ય જેવો વિકરાળ માણસ એમેઝોનની સૂકી ધરતી ઉપર ધડામ કરતો ઉંધેકાંધ ઝિંકાયો. હવે હું તેને કોઇ મોકો આપવાનાં મૂડમાં નહોતો. તે ઉભો થાય અને કોઇ હરકત કરે એ પહેલાં ડાળી છોડીને હું નીચે કૂદયો. હું તેની સાથે હાથોહાથની લડાઇમાં તો ફાવું તેમ નહોતો એટલે કોઇક હથિયાર જેવું શોધવા મારી આસપાસ નજર ઘૂમાવી. એ દરમ્યાન મારાં આશ્વર્ય વચ્ચે ક્રેસ્ટો બહું જલ્દી ઉભો થયો હતો અને મારી તરફ ફર્યો હતો.

તેનો આખો દેહ ધૂળમાં રગદોળાયેલો હતો. તેનાં ચહેરા ઉપર ભયાનક ક્રોધ વ્યાપ્યો હતો. તે બરાબર મારી સામે આવીને ઉભો રહ્યો. તેનાં હાથમાં છરો હતો જેની કાતિલ ધાર અજવાળામાં તગતગતી હતી. અને હું.... સાવ નિહથ્થો તેની સામે ઉભો હતો. એ કટોકટીની ઘડી હતી અને સફરની શરૂઆતથી જ મને ખબર હતી કે ક્યારેક તો આ ઘડી આવશે જ...

( ક્રમશઃ )

મિત્રો... આ કહાની તેનાં અંત તરફ આગળ વધી રહી છે. વધુમાં વધું બે એપિસોડ હવે પછી આવશે. ત્યારે... આપનો આભાર માનવો તો બને છે. સતત નેવું- નેવું પ્રકરણો સુધી અનંત ધીરજથી આપે આ કહાનીને માણી છે એ કોઇ અભૂતપૂર્વ ઘટનાથી કમ તો નથી જ. આજનાં ફાસ્ટ જમાનામાં આટલી લાંબી નવલકથા પ્રકરણ વાઇઝ વાંચવી એ ખરેખર જબરી ધીરજ અને પેશનનું કાર્ય છે. એ બાબતે હું આપ સહુંને ધન્યવાદ કહીશ. આ પછી એક નવી હોરર સસ્પેન્સ નવલકથા શરૂ કરવા જઇ રહ્યો છું તો..

બસ... આવી જ રીતે સાથ નિભાવતાં રહેજો અને વાંચતાં રહેજો.

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 2 અઠવાડિયા પહેલા

Nidhi Raval

Nidhi Raval 2 માસ પહેલા

Sonal Thakkar

Sonal Thakkar 8 માસ પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા