No return-2 Part-88 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-૮૮

નો રીટર્ન-૨

ભાગ-૮૮

યસ... ખજાનો અમારી નજરો સમક્ષ જ હતો. તાજ્જૂબીની વાત એ હતી કે એ સ્થળ બે દિવસથી અમારાં ધ્યનમાં આવ્યું હતું છતાં અમે નહોતાં જાણી શકયાં કે એ શું છે..? ઉધઇનાં રાફડામાંથી થોડાક સિક્કાઓ મળવાથી અમારી ખુશીનો કોઇ પાર નહોતો પરંતુ એ ખુશી ઘડીક જ ટકી હતી.

સવારે જાગ્યાં ત્યારથી દિવસનાં અજવાળે ફરીથી અમે એ રાફડા અને તેની આસપાસ તપાસ આરંભી. પણ કંઇ ન મળ્યું. આવું કેમ બને એ મારી સમજમાં ઉતરતું નહોતું. જો અહીથી સિક્કાઓ મળ્યાં તો જરૂર બીજું પણ કંઇક તો મળવું જ જોઇએ. ફક્ત આટલો જ ખજાનો તો હોય નહી ને..! અમે ઠેકઠેકાણે ખોદકામ કર્યું હતું. જ્યાં એવું લાગે કે અહી કશું મળશે, એવી તમામ સંભવિત જગ્યાએ ફરી વળ્યાં હતાં પરંતુ કોઇ પરીણામ મળ્યું નહી. કદાચ એવું બને કે એ સિક્કાઓનું ઉદગમ સ્થાન કોઇ અલગ જગ્યાએ હોય અને અનાયાસે કે પછી જાણી જોઇને કોઇએ તેને અહી મુકયાં હોય કે છૂપાવ્યાં હોય..!

પણ.. હકીકત એ હતી કે બપોર પડતાં સુધીમાં હારી થાકીને અમારે સફર આગળ ધપાવવી પડી હતી. અમારો આખરી પડાવ બસ... થોડાક કિલોમીટર દૂર જ હતો. કમસેકમ નકશાં પ્રમાણે તો એવું જ હતું.

કાર્લોસની હાલત ક્ષણ- પ્રતિક્ષણ બગડતી જતી હતી. તેને તાવ ધીખતો હતો. મહા મુસીબતે તે ઘોડા ઉપર બેસી શકતો હતો. એના સતત તેની પડખે રહીને સધિયારો આપતી હતી કે જલદી તેને સારવાર મળશે. પણ હુ જાણતો હતો કે એ મિથ્યાં વચન હતું. અહી કોઇને પણ કોઇ પ્રકારની સહાય મળવાની નહોતી. એક વખત તમે મુસીબતમાં મુકાયા એટલે એમાંથી છૂટવાનો એક જ રસ્તો બચતો હતો, અને એ રસ્તો હતો તમારું મોત..! અમે બધાં કદાચ આ બાબતથી સારી રીતે વાકેફ હતાં છતાં કોણ જાણે કઇ જીજીવિષાથી હજું સુધી ટકી રહયાં હતાં. પેલાં સિક્કાઓ મળવાથી એક આશા જરૂર બંધાઇ હતી કે ખજાના વાળી કહાનીમાં તથ્ય તો છે જ.

અમે ગાઢ જંગલમાં આવી પહોચ્યાં હતાં. બપોર થઇ હતી છતાં આ વનમાં ઘેઘૂર વૃક્ષોનો એટલો જમાવડો હતો કે સૂર્યનાં કિરણો મહા- મુસીબતે જમીન સુધી પહોંચતાં હતાં. એમ સમજોને કે લગભગ સાંજ જેવું વાતાવરણ હતું. પેલો ચળકતો પર્વત પણ ઝાડવાઓ પાછળ ક્યાંક અદ્રશ્ય બની ગયો હતો. મને તો એવું જ લાગતું હતું કે એ પર્વત જ અમારી આખરી મંઝિલ હોવો જોઇએ.

“ પવન, મારો જીવ ગભરાય છે.. “ અચાનક જ અનેરીએ મને કહ્યું. તે ઘોડા ઉપર બેઠી હતી અને હું ઘોડાની રાશ હાથમાં પકડીને તેની બાજુમાં ચાલતો હતો. વાતાવરણમાં ઉકળાટ અને ઘામ એટલો સખ્ખત હતો કે અનેરી જેવી જ દશા અમારાં બધાની હતી. વારે- વારે પાણીની તલબ ઉદભવતી હતી, અને સૌથી મોટી તકલીફ અત્યારે એ હતી કે જ્યારથી પેલાં સિક્કાઓ મળ્યાં હતાં ત્યારથી મનમાં તરેહ- તરેહનાં વિચારો ઉદભવતાં હતાં જે મનને ગૂંચવતાં હતાં. મને અનેરીની હાલત સમજાતી હતી એટલે તુરંત પાણીની મશકમાંથી તેને પાણી પાયું. આભારવશ નજરે તેણે મારી સામું જોયું.

@@@@@@@@@@@@

જંગલ વિંધીને અમે પેલે પાર બહાર નિકળ્યાં... ચળકતાં પર્વતની તળેટી જાણે અહીથી જ શરૂ થતી હોય એમ પહેલાં થોડું સપાટ ખૂલ્લું મેદાન હતું અને પછી પહાડીનાં ઢોળાવમાં વૃક્ષો છવાયેલાં દેખાતાં હતાં. ઘેઘૂર વનનો ઇલાકો વટાવી અમે એ તળેટીમાં આવી પહોચ્યાં હતાં. ઘોડાઓને ત્યાં જ થોભાવ્યાં અને બધા નીચે ઉતરી પડયાં. વાહ... શું સુંદર નજરો હતો, એકાએક જ જાણે અમારી નજરો સમક્ષ જન્નત પેશ થઇ હતી. સામે દેખાતું દ્રશ્ય કલ્પનાતીત હતું. આ ભયંકર જંગલ વચાળે આવું દ્રશ્ય જોવા મળશે એવું સ્વપ્નેય કોઇએ નહોતું વિચાર્યું. અમે બધાં અવાક બનીને એ નજારો જોઇ રહ્યાં.

“ માય ગોડ... કેટલો સુંદર પર્વત છે... “ અનેરી અભીભૂત શ્વરમાં બોલી ઉઠી. ખરેખર અમારાં બધાનાં મનમાં એવો જ વિચાર ઉદભવ્યો હતો અને અમે સ્તબ્ધ બનીને ખામોશ ઉભા રહી ગયાં હતાં.

અમારી નજરોની સામે દુનિયાની આઠમી અજાયબી આવીને ખડી થઇ હતી. તે એક પર્વત નહોતો પરંતુ પર્વતોની હારમાળા હતી. એ હારમાળાનું સૌથી ઉંચું શિખર અમારી નજરો સમક્ષ દ્રશ્યમાન હતું. સંપૂર્ણપણે લીલોતરીથી મઢેલો પર્વત આંખોને અજબ સૂકૂન બક્ષતો હતો. પર્વતની તળેટીમાં અને પર્વત ઉપર મોટી સંખ્યામાં વૃક્ષો છવાયેલાં હતાં. એ વૃક્ષો પણ કંઇક અલગ પ્રકારનાં હતાં. અત્યાર સુધીની સફરમાં વનમાં અમે મોટા- મોટા, ઘેઘૂર અને ઉંચા વૃક્ષોનો જમાવડો જ ભાળ્યો હતો. જ્યારે આ વૃક્ષો પ્રમાણમાં નાના અને ઝિણાં પર્ણો વાળા હતાં. જેનાથી સમગ્ર પર્વત બધી દિશાએથી એક સરખાં આકારમાં દેખાતો હતો. જાણે કોઇએ પોતાનાં જંગી હાથો વડે સરખો કર્યો ન હોય...! એ ગજબનાક અને કલ્પનાતિત દ્રશ્ય હતું.

અને... એથી પણ વધું અભીભૂત કરનારું દ્રશ્ય તો એ પર્વતની ચોટી( ટોચ) હતી. મેદાની ઇલાકામાં દૂરથી જે ચળકાટ અમને દેખાતો હતો એ ચળકાટ આ જ પર્વતની ટોચનો જ હતો. અને એ ટોચ પણ કેવી...!! એકદમ સફેદ.. ધવલ.. રૂં જેવા પોચાં બરફથી આચ્છાદીત...! જાણે કોઈ જોગી તેનાં માથે બરફ ઓઢીને બેઠો ન હોય..! મને સમજાયું કે દુરથી જે ચળકાટ દેખાતો હતો એ આ બરફનો જ હતો. તેની ઉપર સૂર્યનો પ્રકાશ પડતાં એવું લાગતું જાણે એક સાથે હજ્જારો અરીસાઓમાંથી એ પ્રકાશ પરાવર્તિત થઇને ચો- પાસ ફેલાઇ રહ્યો છે. કેવું અદભૂત અને મનોહર દ્રશ્ય હતું..! પર્વત શૃંખલામાં અડધે સુધી લીલાછમ વૃક્ષોનો જમાવડો અને પછી ઉપર તરફ ઓછાં થતાં જતાં વૃક્ષોની વચાળે જામેલો સ્નો- વાઇટ બરફનો ઢગલો... આહા, એ નજારાને શબ્દોમાં ઢાળવો લગભગ અશક્ય હતો. એ બરફ છેક ટોચ સુધી ફેલાયેલો હતો. અને હજું વાત એટલે નહોતી અટકતી.. પર્વતની સંપૂર્ણ ટોચ તો અહીથી દેખાતી જ નહોતી. એ ટોચ તો ધુમ્મસનાં ઘેરા વાદળો હેઠળ ઢંકાયેલી હતી. લગભગ પોણા ભાગનો પર્વત જ અમે જોઇ શકતાં હતાં. એ પછી ઢગલાબંધ વાદળો આખા પર્વતને પોતાની આગોશમાં સમાવીને બેઠા હતાં. પર્વત અને વાદળોની એ જૂગલબંદી આટલે દૂરથી પણ કુદરતની આલીશાન કારીગરીની ઉત્તમ રચનાં સમાન દેખાતી હતી. હું તો એ દ્રશ્યનાં પ્રેમમાં પડી ગયો હતો. આટલું સોહામણું અને મનમોહક દ્રશ્ય આજ પહેલાં ક્યારેય મેં જોયું નહોતું. અરે જોવાની વાત છોડો, ક્યારેય એ વિશે કલ્પનાં સુધ્ધા કરી નહોતી કે આ જગતમાં આટલી સુંદર કોઇ જગ્યાં હશે..!

પરંતુ... અત્યારે અમને ખબર નહોતી કે સામે દેખાતું દ્રશ્ય જેટલું મનોહર છે એટલું જ ખતરનાક પણ છે. એ ખૂબસૂરતી પાછળ ભયાનક મોતનો ઓછાયો છવાયેલો હતો જેની પાછળથી અમને જાણ થઇ હતી. પેલાં જંગલી આદીવાસીઓનું મૂળ સ્થાન જ આ પર્વત હતો. આ જંગલનાં દેવતાઓએ જ તેમને આ પર્વતની રક્ષા કાજે સર્જયા હતાં.

“ કેટલું સુંદર દ્રશ્ય છે નહિં..? “ અનેરી ઘોડા ઉપરથી નીચે ઉતરી હતી અને મારી પડખે આવીને ઉભી રહી. તે પણ મારી જેમ જ આશક્ત ભાવે પર્વતની ટોચને તાકી રહી હતી. હું તેની તરફ ફર્યો. જગતનાં બે સૌથી ખૂબસૂરત સર્જનો આજે મારી નજરો સમક્ષ હતાં. એક સ્વર્ગની કોઇ અપ્સરાથી પણ દિલકશ અનેરી અને બીજી સામે દેખાતો દેવભૂમી જેવો પર્વત. હું ખરેખર અત્યારે મારી જાતને જગતનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ ગણતો હતો. જે વિષમ હાડમારીઓ વેઠીને અમે અહી સુધી પહોચ્યાં હતાં એ હાડમારીઓ તો અચાનક સાવ નગણ્ય લાગવાં માંડી હતી. એવું લાગતું હતું કે એકાએક હું સ્વર્ગમાં વિહરવા લાગ્યો છું.

“ કાશ, આપણે ખજાના પાછળ આવ્યાં ન હોત તો અહી જ તારી સાથે મેં ગાંધર્વ વિવાહ રચાવ્યાં હોત અને સંસાર માંડયો હોત..! “ મારાં હદયનાં કોઇક ખૂણે અચાનક જન્મેલી લાગણીઓ શબ્દો દ્વારા બહાર નિકળી આવી. અનેરી અવાચક બનીને મને જોઇ રહી. તેનાં ગુલાબી ગાલ એકાએક લાલઘૂમ થઇ ઉઠયાં અને હોઠો ઉપર હળવી મુસ્કાન ઉભરી આવી.

“ એક વખત અહીથી સહી સલામત નિકળીએ પછી તારી દરેક ઇચ્છા પૂરી થશે. થોડી ધીરજ રાખ અને હવે શું કરવાનું છે એ વિચાર..! ” અનેરી બોલી ઉઠી. મને આનંદ થયો કે તેણે મારી લાગણીઓનો યોગ્ય પડઘો પાડયો હતો. અને.. તેની વાત પણ બરાબર હતી. આ અમારો આખરી પડાવ હતો. દાદાજીનાં નકશા પ્રમાણે જો વિચારીએ તો આટલામાં જ એ ખજાનો હોવો જોઇએ. પણ ક્યાં...? એ શોધવાનું હતું. અને... મારાં શરીરમાં ધ્રૂજારી ઉપડી...

એકાએક મને ભાન થયું કે આટલી મહત્વની વાત હું કેમ કરતાં વિસરી ગયો..? અરે.. બીજા બધાને પણ કેમ યાદ ન આવ્યું...? જે બાબત બધાં જ જાણતાં હતાં એ વિશે કેમ કોઇ એક શબ્દ પણ ઉચ્ચારતું નહોતું...? શું જંગલની અમારી ભયાનક સફરે અમારી યાદદાસ્ત છીનવી લીધી હતી...? નહિંતર આવું બને નહીં જ...! અને... એ વાત હતી પેલાં દસ્તાવેજો ની... બ્રાઝિલની લાઇબ્રેરીમાં સચવાયેલાં દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું હતું કે

“ બોલીવીયા અને બ્રાઝિલની સીમા પાસે ગાઢ વનમાં એક હિમાચ્છાદિત પર્વતમાળા નજીક એક ઉંચી સમતલ જમીનનો ભાગ છે. એ ઉંચી પર્વત શૃંખલાઓ હંમેશા ધુમ્મસથી છવાયેલી રહે છે એટલે તેની નીચે શું છે એ જાણવું લગભગ મુશ્કેલ છે. આ જ પર્વત શૃંખલા ઉપર અને તેની આસપાસ પૂર્વે ધ્વંશ પામેલાં એક અતી સમૃધ્ધ નગરનાં અવશેષો વિખરાયેલાં પડયાં છે. એવું અનુમાન કરાતું હતું કે જો ત્યાં ખોદકામ કરવામાં આવે તો સૂવર્ણ, ચાંદી અને રત્નાનાં મોંઘા ભંડારો મળી શકે તેમ છે...! ”

હું અચંભીત હતો કે એ દસ્તાવેજોની વાત કેમ કોઇને યાદ આવતી નથીં..? અરે.. તેમાં સ્પષ્ટ પણે આ જ પર્વતનો ઉલ્લેખ છે છતાં હજું સુધી અમે સમજી શકયાં નહોતાં એ ભારે તાજ્જૂબીની વાત હતી. તેનો સાફ મતલબ નિકળતો હતો કે અમારી મંજીલ અમારી નજરોની સામે જ છે. આ પર્વત અને તેની આસપાસ જ ક્યાંક એ કિંમતી ખજાનો છૂપાયેલો છે. હવે મને ખ્યાલ આવ્યો હતો કે રાત્રે પેલાં ઉધઇનાં રાફડામાંથી મળેલાં સોનાનાં સિક્કાઓ કેમ ત્યાં હતાં..?

જરૂર એ સિક્કાઓ પણ આ ખજાનાનો એક હિસ્સો હશે. દસ્તાવેજમાં સાફ લખાયેલું હતું કે ખજાનો ત્યાં ચો-પાસ વિખરાયેલો પડયો છે. મતલબ કે જેમ એ સિક્કાઓ અમને મળ્યાં તેમ જો વધું સધન ખોદકામ કરવામાં આવે તો બીજી વસ્તુઓ પણ મળવાનાં ચાન્સ હતાં. એ વિચારે મારાં મનમાં ઉત્તેજનાં ભરી દીધી. મતલબ કે અમે ખજાનાવાળી ધરતી ઉપર ઉભા હતાં...! મારા પગની નીચે એક અમૂલ્ય ખજાનો દટાયેલો હતો. “ માય ગોડ... “ મારાં છાતીનાં ધબકારાં આપમેળે વધી ગયાં હતાં.

( ક્રમશઃ )

મિત્રો... આ કહાની તેનાં અંત તરફ આગળ વધી રહી છે. વધુમાં વધું બે એપિસોડ હવે પછી આવશે. ત્યારે... આપનો આભાર માનવો તો બને છે. સતત નેવું પ્રકરણો સુધી અનંત ધીરજથી આપે આ કહાનીને માણી છે એ કોઇ અભૂતપૂર્વ ઘટનાથી કમ તો નથી જ. આજનાં ફાસ્ટ જમાનામાં આટલી લાંબી નવલકથા પ્રકરણ વાઇઝ વાંચવી એ ખરેખર જબરી ધીરજ અને પેશનનું કાર્ય છે. એ બાબતે હું આપ સહુંને ધન્યવાદ કહીશ.

બસ... આવી જ રીતે સાથ નિભાવતાં રહેજો અને વાંચતાં રહેજો.

માતૃભારતી ઉપર “ અંગારપથ “ વન્સ અપોન ઇન ગોવા... એક સસ્પેન્સ થ્રિલર શરૂ કરી છે. જો આપે ન વાંચી હોય તો વાંચજો અને કહાની કેવી છે એ ભૂલ્યાં વગર જણાવજો. તમારો અભિપ્રાય મારા માટે ઘણું અગત્ય ધરાવે છે માટે કોમેન્ટ કરવાનું ભૂલતાં નહી.

ઉપરાંત,

રેટીંગ ચોક્કસ આપજો.

જો આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED