અમૃતભાઇનું અમૃત bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમૃતભાઇનું અમૃત

અમૃતભાઇનું અમૃત
    
       “તો સુરેશભાઇ, તમે કેમ કંઇ વાતચીત કરતા નથી? અને આમ પેલી બહુંમાળી ઇમારતની છત તરફ એકીટસે શું જોયા કરો છો? હવે આ ઉંમરે કંઇક જોવાલાયક હોય તો અમને પણ કહેજો, ભાઇ!” એટલું બોલી અમૃતભાઇ મો ફાડીને હસ્યાં ત્યાંરે પોતાના જાડા કાચનાં વજનદાર ચશ્મા આંખ પરથી નીચે સરકી ન જાય એ માટે માથુ ઉંચુ રાખ્યું.સુરેશભાઇ કંઇ કહે એ પહેલા વચ્ચે બેઠેલા મોહનભાઇ ઠપકો આપતા બોલ્યાં “ભલા માણસ, આ સુરેશભાઇને અહિં ગાર્ડનમાં આજે હજુ તો ત્રીજો જ દિવસ છે.તને કે મને એમનો લાંબો પરીચય નથી.તો શું કામ એમની મજાક કરે છે? બધા તારા જેવા મસ્તીખોર ન હોય.”
              
            શહેરનાં એક મોટા ગાર્ડનમાં સાંજનાં સમયે એક સિમેન્ટનાં બાંકડા પર બેસી ત્રણેય વૃદ્ધો સમય પસાર કરવા માટે બેઠા હતા.ઉનાળાની સાંજ હતી.આખો દિવસ તડકાનું વર્ચસ્વ હતુ પણ હવે અવિરત વહેતા પવનનું જોર વધ્યું હતુ.શાળાઓમાં વેકેશન પડી ગયા હોવાથી બાળકોની સંખ્યા પણ નોંધપાત્ર હતી.આમપણ બાળક એક હોય તો પણ નોંધપાત્ર જ બને.હિંચકા અને લસરપટ્ટી માટે બાળકોનો રસ કયાંરેય ઓછો નથી થતો.એટલે જ લસરપટ્ટીઓ ઘસાઇને લીસી અને ચમકીલી દેખાતી હતી.એવી જ ચમકીલી સપાટી અનેક વૃદ્ધોનાં માથા પર પણ નજરે ચડતી હતી.એમાનાં આ ત્રણ વૃદ્ધો અહિં મોટા ગાર્ડનનાં એક બાજુનાં ‘વોક વે’ની લગોલગ ગોઠવેલા બાકડા પર આરામની મુદ્રામાં બેઠા હતા.અમૃતભાઇ,મોહનભાઇ અને આ બાકડાને સાત વર્ષનો સબંધ હતો પણ સુરેશભાઇ તો આ શહેરમાં જ અઠવાડીયા પહેલા રહેવા આવેલા.પહેલા દિવસે સામાન્ય પરીચય થયો.બીજે દિવસે તો એ મૌન જ બેસી રહેલા.અને આ ત્રીજા દિવસે અમૃતભાઇએ એમને મોઢામાં આંગળા નાંખીને બોલવા માટે લાચાર કર્યાં એટલે એ ધીમા સ્વરે બોલ્યાં “સુરજને ડુબતા જોઉં છું.અજવાળીયા દિવસો હવે દુર થયા.હવે તો રહી ફકત લાંબી અંધારી રાત અને વીતી ગયેલી વાત.” 
          
           “માફ કરજો સુરેશભાઇ,પણ તમારી દ્રષ્ટીમાં ખામી છે.એનું સમારકામ કરાવો, ભાઇ!” હંમેસા હાજરજવાબી રહેલા અમૃતભાઇએ કહ્યું.બાંકડામાં વચ્ચે બેઠેલા મોહનભાઇ ફરી વચ્ચે બોલ્યાં “ અલ્યા અમૃત, જાડા કાચનાં ચશ્મા તું પહેરે છે અને સુરેશભાઇ તો આટલી ઉંમરે પણ ચશ્મા નથી પહેરતા.તો એમાં દ્રષ્ટીની ખામી શું?” જીવનનાં પંચોતેર વર્ષનાં અનુભવી અને ચહેરા વાંચવામાં હોશીયાર બનેલા મોહનભાઇને સુરેશભાઇનાં ચહેરે કંઇક ઉંડુ દુ:ખ દેખાયું.એ અજાણ દુ:ખની સહાનુભુતી સ્વરૂપે અમૃતભાઇને ઠપકો આપ્યોં. 
“ખામી એટલા માટે કે સુરજને હજુ ડુબવાને થોડી વાર છે.આ સામેની અગીયાર માળની ઇમારત છે એની પાછળ સુરજ ડુબ્યોં છે.એનો પડછાયો આપણાં પર પડયો છે.સુરજનો તાપ હવે આપણને દઝાડતો નથી.પણ સુંદર અને સોમ્ય ઉજાસ તો હજુ આપણી સાથે રહેવાનો જ, અંતઘડી સુધી.અને વાત વીતી ગઇ તો સારું થયું.શાંતિ તો થઇને! વાત અને તોફાન પુરા થાય પછી મૌનની શાંતિ અદભુત હોય છે. ” અમૃતભાઇનાં આવા શબ્દોથી થોડીવાર માટે એ બાકડા પર શાંતિ થઇ.
             અને એ શાંતિમાં પાછળ લીલા ઘાસમાં કુંડાળું કરીને ઉભેલા અમુક વૃદ્ધોનાં હાસ્યનો અવાજ આવ્યોં. ‘લાફટર થેરાપી’ લઇ રહેલા એ લોકો તરફ જોઇ અમૃતભાઇથી મૌન ન રહેવાયું એટલે એ બોલ્યાં “આ બધા તો એવી રીતે હસે છે જાણે આખી જીંદગીમાં કદી હસ્યાં જ ન હોય.” આ સાંભળી મોહનભાઇને હસવું આવ્યું.પછી તરત જ એમણે સુરેશભાઇ તરફ જોયું તો એમના ચહેરે પથ્થર જેવી સ્થીર સપાટી દેખાઇ.
            
             “સુરેશભાઇ, ભલે આપણો પરીચય લાંબા સમયનો નથી, આપણી દોસ્તી લાંબા સમયની નથી પણ તમે તમારું દુ:ખ તો ઠાલવી શકો છો અહિં.અને અમારી બાંહેધરી છે તમને કે તમારી વાત આ બાંકડેથી સરકીને કયાંય પણ નહિં જાય.અમે તો હવે દુ:ખ ઠાલવીને ખાલી થઇ ગયા.અમારી પાસે હવે ખાલીપો છે એટલે આવો ટાઇમપાસ કરીએ છીએ” મોહનભાઇને આ નવા આવેલા મિત્રનાં ચહેરે ઘણાં બધા દુઃખનો ભાર હોય એવું દેખાતા કહ્યું. 
“ના, એવું કંઇ નથી મોહનભાઇ” સુરેશભાઇ સ્વસ્થ થવાની કોશીષ કરતા બોલ્યાં.
               “ સુરેશભાઇ, આ બાંકડા નીચેની જમીન ખોદીને જુઓ તો તમને અમારા બંનેનાં કેટલાયે દુ:ખો દબાયેલા દેખાશે.દુ:ખને જમીનમાં દબાવો તમારા હૃદયમાં ન દબાવો, યાર!” અમૃતભાઇએ પોતાની કાંડા ઘડિયાલમાં સમય જોતા કહ્યું.અને અમૃતભાઇને ઉંચાનીચા થતા જોઇ મોહનભાઇ ફરી વચ્ચે બોલ્યાં “હજુ દસ મીનીટની વાર છે,અમૃત.દસ મીનીટ પછી તું જઇ શકે છે.પહેલા સુરેશભાઇની વાત આપણે સાંભળવી પડે.” મોહનભાઇએ સુરેશભાઇ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું.સુરેશભાઇએ નજર નીચી કરી.એક ઉંડો સ્વાસ લીધો અને શબ્દોનાં સ્વરૂપે ઉચ્છ્વાસ બહાર કાઢયોં “મારા દુ:ખ તમને જણાવીને હું કે તમે, કોઇ સુખી થવાના નથી.તો શું બધે જ મારે દુ:ખ કહેતા ફરવાનું? અને ઘડપણમાં તો કોણ દુ:ખી ન હોય? કોઇક જ એવા વિરલા હોય, એ પણ દિવો લઇ શોધવા જઇએ તો કદાચ મળે.”
          
           “ભાઇ, તમારો દિવો ઓલવી નાંખો.આ રહ્યોં, હું સુખી ઘરડો તમારી બાજુમાં જ બેઠો છું.તમે ત્રણ દિવસમાં મારી નોંધ ન લઇ શકયાં? તમે મારી સતત બોલ બોલ કરવાની અને હસવાની આ આદત પરથી,મારા ચહેરા પરથી નકકી ન કરી શકયાં કે હું જ એ વિરલો છું,જે ઘડપણમાં પણ સુખી હોય,બિન્દાસ હોય” અમૃતભાઇએ વાકય પુરું કર્યું ત્યાં જ ‘વોકીંગ પાથ’ પર એક યુવાન એનાં મોબાઇલમાં રેડીયો વગાડતો પસાર થયો.બધાને એનાં મોબાઇલમાં પેલું અમિતાભ બચ્ચન પર ફીલ્માવાયુ ગીત વાગતું સંભળાયું ‘બંદા યે બિન્દાસ હૈ....બંદા યે બિન્દાસ હૈ’ જયાં સુધી એ ગીતનું સંગીત સંભળાયું ત્યાં સુધી અમૃતભાઇએ એમના બંને ખભા એ સંગીતનાં તાલે ઉલાળ્યાં.આ જોઇ મોહનભાઇએ હસતા ચહેરે કહ્યું “સુરેશભાઇ, આ આવો જ છે.આની વાત મન પર ન લેતા.આને ખુશ રહેવા સિવાય બીજો કોઇ ધંધો જ નથી.”
             “તારી પાસે બીજો કોઇ ધંધો હોય કરવા જેવો હોય તો બતાવ?” અમૃતભાઇએ સહેજ નીચે સરકી ગયેલા ચશ્મા ઉંચા કરતા કહયું.
“ભાઇ, હું તો નોકરીયાત માણસ હતો.હવે નિવૃતિનો સમય અને પેન્સન,બંનેને વાપરી ખાઉં છું.” મોહનભાઇ થોડી ક્ષણ પછી ફરી બોલ્યાં  “સુરેશભાઇ, તમે શું કરતા? વેપાર કે નોકરી?” 
        
                તરત જ ભુતકાળમાં સરી ગયેલા સુરેશભાઇ બોલવા લાગ્યાં “ હું તો મારા ગામનો મોટો વેપારી હતો, ભાઇ.પૈસેટકે ખુબ સુખી.ગામમાં મારો માન મોભો શિખર પર હતો.દિકરો નાનો અને દિકરી મોટી.દિકરીને સાસરે વળાવી પછી દિકરાને વેપારમાં દાખલ કર્યોં.દિકરાએ એનાં જીવનમાં એક બીજી જ્ઞાતીની સ્ત્રી દાખલ કરી.ઇજજત આપીને દિકરાની ખુશી ખરીદી લીધી.પણ એ સ્ત્રીએ લગ્ન પછી અમારા બંને બાપ-દિકરા વચ્ચે દિવાલ બનવાનું કામ કર્યું.હું વેપારમાંથી, દિકરાનાં મનમાંથી, ગામનાં મોભીપણાંમાંથી અને છેલ્લે મારા ગામમાંથી પણ નીકળી ગયો.અહિં આ શહેરમાં મારી દિકરી અને જમાઇની ઘરે રહેવા આવ્યોં છું.પણ દિકરીનાં ઘરે તો કેટલા દિવસ રહેવું? પત્નિએ તો કયાંરનો સાથ છોડયોં, દેહ છોડયોં.એ તો જયાંરે બધાં સુખ અમારી પાસે હતા ત્યાંરે જ ચાલી ગઇ....કેવી નસીબદાર, સુખમાં ગઇ.” જાણે વાકયનાં અંતે પુર્ણવિરામ મુકાયું હોય એમ એમની એક આંખેથી આંસુ ટપકયું.મોહનભાઇએ એમના ખભે હાથ મુકી મૌન આશ્વાસન આપ્યું.અમૃતભાઇ તો થોડા દુર બેઠા હતા એટલે એમણે શબ્દોથી જ આશ્વાસન આપવાનું નકકી કર્યું અને બોલ્યાં “ બસ, આટલી જ વાત? કે હજુ કંઇ બાકી છે? બાકી હોય તો કહી દો.....આ બાકડાનો નિયમ છે કે અહિં એક જ મોકો મળે છે પોતાના દુ:ખ ઠાલવવાનો....પછી રોજ અહિં દુઃખની ચર્ચાઓ કરવાની મનાઇ છે.જુઓ,એવી સુચનાનું પાટીયું પણ સામે લગાડેલું છે.” અમૃતભાઇએ સામે ફુલછોડનાં મોટા કુંડામાં લાગેલ એક બોર્ડ તરફ આંગળી ચીંધી.એમાં ‘Do not spit’ લખેલું હતુ.સુરેશભાઇએ એ તરફ સતત જોયા કર્યું.પણ મોહનભાઇથી રહેવાયું નહિં એટલે એ ફરી વચ્ચે બોલી પડયાં 
                 “સુરેશભાઇ, આ અમૃતયાની વાતનું ખોટું ન લગાડશો.એ વર્ષો પહેલા નિશાળમાં માસ્તર હતો.પછી મોટો વેપારી થયો, પણ એની કડકાઇ તો હજુ માસ્તર જેવી જ છે.અને આ પાટીયામાં ‘થુંકવાની મનાઇ છે’ એવું અંગ્રેજીમાં લખ્યું છે.અમારે તો આ બગીચાનો એક એક ખુણો જાણીતો થઇ ગયેલ છે.” 
             
               આવી વાત સાંભળી પોતાના બગલથેલામાંથી પાણીની બોટલ કાઢીને સુરેશભાઇએ પાણી પીધું અને અમૃતભાઇ તરફ જોઇને બોલ્યાં “ જુઓ, આ કીડનીની બીમારી લટકામાં મળી છે.ઘરનું ઉકાળેલું પાણી જ પીવું પડે છે.કેટલાય કડવા ઓસડીયા પીધા છે.તમેય કડવા ઘુંટ પીવડાવો તો કંઇ વાંધો નથી.” ત્યાં તો એક ચા વેચવાવાળો ફેરીયો ‘ચાય....મસાલેદાર ચાય” કરતો પસાર થયો.
             “ત્રણ કટીંગ આપજે તો વા’લા” મોહનભાઇએ ચાવાળાને હાથ ઉંચો કરી રોકયોં.ચા પીતી વખતે માંડ મૌન રહી શકેલા અમૃતભાઇ પછી પૈસા આપતા બોલ્યાં “આહાહા....આજે તો તારી ચા બહું મજેદાર હતીને!” સુરેશભાઇ પાસેથી કાચનો ખાલી પ્યાલો પરત લેતા ચાવાળો બોલ્યોં “કાકા, તમે નવા છો.તમે કહો ચા કેવી લાગી? આ અમૃતકાકા તો રોજ આમ જ બોલે છે.”  
“સારી હતી” સુરેશભાઇએ બે જ શબ્દોથી કામ ચલાવ્યું.
“તારે હવે કંઇ કહેવાનું થાય છે?” મોહનભાઇએ અમૃતભાઇને પુછયું.
“જુઓ સુરેશભાઇ, તમારી ઉંમર કેટલી?” અમૃતભાઇએ વકીલની જેમ ઉંધો સવાલ કર્યોં.
“હશે પંચોતેર કે છોતેર.પણ કેમ?” 
“સેવન્ટી થ્રી રનીંગ હીયર.તમને મારા કરતા જીંદગીનો અનુભવ વધારે હોવો જોઇએ, પણ નથી.યાર, આટલી ઉંમરે પહોચ્યાં પછી મને તો એક વાત સમજાય ગઇ છે.બધું આવે છે ને જાય છે.માત્ર આપણે જ ઉભા રહ્યાં છીએ અહિં....એ પણ અડિખમ.દુ:ખનાં વંટોળ્યાં આવીને ચાલ્યાં ગયા....સુખની હવાઓ આવીને ચાલી ગઇ.બસ આપણે ઉભા રહ્યાં.દરેક પ્રકારનો સમય આવીને પસાર થઇ ગયો, આપણે ઉભા રહ્યાં.ઘણું એકઠું કરવાની કોશીષ કરી, બધું હાથમાંથી છુટતાં જોયું પણ આપણે ઉભા રહ્યાં.ઉભા રહેવા સિવાય, જીવવા સિવાય આપણાં હાથની કંઇ વાત હોય તો જણાવો....નથી.હાથની મુઠ્ઠી બંધ રાખો કે ખુલ્લી...આ આવન-જાવન વાયરાઓ હાથમાં પકડાશે? તો જલસા કરોને યાર.જો પેલા મુખ્ય માર્ગની બાજુએ ઉભેલા ઘરડા લીમડાનાં વૃક્ષને....રોજ કેટલાય માણસોને આવતા-જતા જુએ છે.જીવનભર કેટલીય ઘટનાઓ જોઇ હશે એણે....છતા અડીખમ ઉભો છે.અને મસ્ત બની હવામાં લહેરાયા કરે છે.અહિં આ દુનિયામાં માણસે એવા અનુભવે તો આનંદ પામવો જ જોઇએ કે અહિં બધુ અસ્થાઇ રૂપમાં છે.અને અનિશ્ચીત પણ છે.તો આ અસ્થાઇ જીવનને લઇને શું દુ:ખ અને શું સુખ? બસ હું ને મારી આજની ઘડી....આજની મોજ.” અમૃતભાઇ આટલું બોલી ઉભા થઇ ગયા.અને ફરી બોલ્યાં “આજનો કલાસ પુરો, તમને મજા આવી હોય તો આવતીકાલે આ બાંકડા પર ફરી મળીશું.નહિંતર આ બગીચામાં બીજા ઘણાં બાંકડા ખાલી હોય છે.”
          
          “હું સાથે આવું તને મુકવા?” મોહનભાઇએ ચાલતા થયેલા અમૃતભાઇને પુછયું. “ના, ચાલશે.ધીમે ધીમે જતો રહીશ” અમૃતભાઇ પાછળ જોયા વિના જ કહેતા ગયા.
         મોહનભાઇ એમને બગીચાનાં ગેઈટ સુધી જોતા રહ્યાં.ગાર્ડનની લાઇટો ચાલુ થઇ.સુરેશભાઇને ઝબકારો થયો એટલે પુછયું “કેમ તમે એમને મુકવા જવાનું પુછયું? એમને ચાલવામાં તો કંઇ તકલીફ નથી જણાતી?”
        
                  “આ અમૃતનાં આંખનાં પડદા બહું નબળા છે.અંધારું થયા પછી જોવામાં બહું જ તકલીફ થાય છે.જાણે અચાનક અંધાપો આવી જાય એવું.એટલે એ રોજ સુર્યોદય પહેલા ઘરે જતો રહે.અંધારા આવ્યાં પહેલા જ છટકી જાય” મોહનભાઇ હવે બાંકડાની એક તરફ બેસીને બોલતા હતા.
           “એમને માત્ર સલાહ આપવી છે.એને મારા જેવી તકલીફ હોય તો બધી જ ફીલોશોફી ફોક થાય” સુરેશભાઇએ પોતાના દુ:ખનો બચાવ કરતા કહ્યું. મોહનભાઇ થોડું હસીને બોલ્યાં “તો સાંભળો, એમનો મોટો દિકરો આત્મહત્યા કરીને મરી ગયો.નાના દિકરાનું કાર અકસ્માતમાં મૃત્યું થયું.પત્નિ પેરાલીસીસને લીધે પથારીમાં છે.ઘરમાં હવે એક નર્સને પગાર આપી શકે એવી આર્થીક સ્થીતી પણ રહી નથી.એક સમયનો નાનો શિક્ષક અને મોટો બિઝનેસમેન આજે મુકત માનવી બનીને જીવે છે.” આટલું કહી મોહનભાઇ પગથી નીચે રહેલી રેતી ફંફોસવા લાગ્યાં.ઉભા થયા અને બોલતા ગયા “અમૃતનું દુ:ખ મે ફરી રેતીમાં દબાવી દીધું છે.”
         
             બીજા દિવસે સાંજનાં સમયે  સુરેશભાઇ એ જ બાંકડા પર એકલા બેઠા હતા.સમય કરતા થોડા વહેલા પણ આવી ગયેલા.પેલા બંનેની રાહ જોતા હતા.લગભગ અડધા કલાક પછી પેલો ચાવાળો આવ્યોં.એક પ્યાલી ચા લઇ એની પાસેથી અમૃતભાઇનો મોબાઇલ નંબર લીધો પછી ફોન કર્યોં 
“હેલો..અમૃતભાઇ, બગીચામાં આવશો કે નહિં? કયાં છો?”
“અરે સુરેશભાઇ, હું તો હોસ્પીટલમાં આવ્યોં છું.આ મોહનભાઇ અહિં છે.”
“શું થયું એમને? હોસ્પીટલમાં કેમ?”
“લો મોહનભાઇને ફોન આપું છું, એમને જ પુછી લો...ખબર અંતર.” પછી એમના હસવાનો અવાજ પણ આવ્યોં.
“હા સુરેશભાઇ, આ અમૃતીયાનાં કારસ્તાન જુઓને”
“શું થયું?”
“અરે ગઇકાલે ગાર્ડનમાંથી નીકળી ઘરે જતી વખતે એક ખોદેલી ગટરમાં આ આંધળો પડી ગયો.પગમાં ફ્રેકચર છે.અંધારાનો આંધળો ઘરડો ડોસો.એટલે જ બીચારો રોજ અજવાળામાં જીવે છે.”
ફોન મુકીને ચા ની છેલ્લી ચુસકી મારતા સુરેશભાઇ બબડયાં ‘અમૃતભાઇનું મીઠું અમૃત પીવા જેવું છે’ પછી એકલા એકલા હસી લીધા.પેલો ચા વાળો પણ એવું વિચારીને હસ્યોં કે ‘અહિં આ બાકડે બધા આવા જ બેસવા આવે છે.’
                સમાપ્ત.
            - ભરત મારૂ