ઘડાનું વિસર્જન
‘ધડામ.....’ લઈને અવાજ આવ્યો. મેં ઊંધું ફરીને જોયું તો એક મજૂરે બીજા મજૂરને આપેલ તગારીનો કેચ પડતો મુકાયો હતો. તગારી તેનાં હાથ માંથી સરકીને નીચે પડેલા ફોર્મવર્ક સાથે અથડાયી હતી.
“લાવ..ભાઈ લાવ. આજે તો આ ધાબાનું કોન્ક્રીટીંગ પતાવી જ નાખવાનું છે” મજૂરોનો કોન્ટ્રાકટર સામે ચા પીતો-પીતો બોલ્યો. મજુરોએ ફરીથી કપચી અને રેતીની તગારીઓની ‘કેચગીરી’ ચાલુ કરી. અમે- હું અને મારો ‘ફિલ્ડસ્ટડી પાર્ટનર’ સિદ્ધાર્થ ત્યાંજ સાઈટ પર બેઠાં-બેઠાં કોન્ક્રીટીંગ જોઈ રહ્યા હતાં.
ફિલ્ડ સ્ટડી એ અમારા અભ્યાસક્રમનો એક અગત્યનો વિષય હતો. જેમાં અમારે જ્યાં કામચાલુ હોય તેવી કોઈ સાઈટ પસંદ કરવાની અને દર શનિવારે કોઈ એક એક્ટિવિટી જોવાની અને રવિવારે એનાં પ્રેઝેન્ટેશનની તૈયારી કરી, સોમવારે કોલેજમાં રજુ કરવાની. આ વિષયમાં બે જણે ગ્રુપમાં કામ કરવાનું હોય છે, જેમણે સાથે આખો દિવસ સાઈટ પર પણ સાથે રહેવાનું અને રિપોર્ટ પણ સાથે જ બનાવવાનો. મારો પાર્ટનર એટલે સિદ્ધાર્થ શાહ. આમ ગુજરાતી પણ વર્ષોથી જ મુંબઈ જ રહેલો અને ત્યાંજ ભણેલો. કોલેજ માટે તે મુંબઈથી અહી શિફ્ટ થયેલ. તે અહીની હોસ્ટેલમાં રહેતો. સિદ્ધાર્થ અમારા ક્લાસમાં અવ્વલ આવતો અને એ પણ દરેક વિષયમાં!!! અને હું આ બધાની ક્યાંય પાછળ. મારો નંબર લગભગ છેલ્લેથી ચોથો-પાંચમો આવતો હશે!!!! નસીબજોગે અમે બંને પ્રથમવાર સાથે કામ કરી રહ્યા હતાં. આ પરિસ્થિતિમાં હું ખુશ હતો અને તે દુઃખી!!!
કોન્ક્રીટની સ્લરીના છાંટા મારા પેન્ટ તથા શર્ટ પર લાગેલા હતાં અને મેં મારા શર્ટની બોય ઊંચી કરીને સમય જોયો, સાંજના ૬:૧૦ થઇ હતી, અમારો સમય પૂરો થયો હતો. હું એકબાજુ ઉભો-ઉભો ટાઈમ-સાયકલ માટે સમય નોંધતો હતો અને સિદ્ધાર્થ સામેની બાજુ એન્જીનીયર પાસેથી કાંઇક સમજતો હતો. ગ્રુપમાં તમે ઠોઠ હોવ તો આ એક સૌથી મોટો ગેરલાભ!!! મેં તેની સામે જોયું, તે વ્યસ્ત હતો. કોન્ક્રીટીંગનો અવાજ બહુ જ હોવાથી મેં બુમ પાડવાનું ટાળ્યું અને સાયકલ આગળ વધારતા તેને ફોન કર્યો. બે-ત્રણ ફોન કર્યા બાદ તેને મારી સામે જોયું અને ડોકું ઊંચું કરી પૂછ્યું “શું છે?”. મેં તેની સામે મારી ઘડિયાળ ઊંચી કરીને સમયની યાદ અપાવી. તેણે તેની ઘડિયાળમાં સમય જોયો અને “પાંચ જ મિનીટ” એવો ઈશારો કર્યો. હું ફરીથી અધુરી સાયકલ પૂરી કરવામાં વ્યસ્ત થયો. મારી બાજુમાંજ બે નાના ટાબરિયાં એકબીજા પર કપચી ફેંકી સમય પસાર કરી રહ્યા હતાં અને તેમની બહેનો એમની મમ્મીને તગારા ભરવામાં મદદ કરી રહી હતી.
“ચાલ ભાઈ....હવે અંધારુ થઇ ગયું છે” સિદ્ધાર્થ મારી બાજુમાં આવ્યો અને બોલ્યો. મેં ફટાફટ ટ્રોલીને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોર પર જતાં લાગતો સમય નોધ્યો અને સાઈટ ઓફીસ તરફ ચાલવા લાગ્યો. “આ વખતે કાંઈ પણ કરીને આપણે સારા માર્ક્સ લાવવાં પડશે હો? ગઈ વખત જેવી ભૂલ આ વખતે નહિ ચાલે” એક હોશિયાર વિદ્યાર્થીએ તેના ઠોઠ પાર્ટનરને કહ્યું.
“હા..ગઈ વખતની જેમ આ વખતે ભૂલ નહિ થાય” મેં વિશ્વાસ અપાવ્યો અને અમે ઓફીસ પહોચ્યાં. હેલ્મેટ અને એપ્રોન ઉતારી બેગમાં મૂકી હું મોઢું ધોવા ગયો. તેણે અમારી નોટબુકસ તેની બેગમાં મુકી અને બેગ પેક કરી તૈયાર થઇ ગયો, તેણે મોઢું ન ધોયું. મને એની આ ટેવ પર ખુજ જ ચીડ આવતી પણ ગયા સોમવારના રીવ્યુમાં અમારે બતાવવાના ડ્રોઈંગમાના એક ડ્રોઈંગને મેં ઊંધું દોરી દીધેલું. જેના કારણે એ દિવસે અમારી ખુબ જ ઝાટકણી થયેલી (સિદ્ધાર્થની પહેલી વાર !!!). એણે સ્કુટર ચાલુ કર્યું અને મેં સીટ ટકાવી, તેણે ધીરે-ધીરે રેસ આપ્યો અને અમે ઘર તરફ નીકળ્યાં.
હું રૂમ ભાડે રાખી મારા પાલનપુરના મિત્રો સાથે રહેતો હતો. બાકીનાં બધા પણ એન્જીનીયરીંગ જ કરતાં હતાં, પણ બધા અલગ અલગ કોલેજમા હતાં.
“સારૂ ચાલ...કાલે મળીએ કોલેજ. અને હા કાલે થોડો વહેલો આવજે. આજે કોન્ક્રીટીંગ જોયું છે એટલે વધારે ડ્રોઈંગની જી.સી. મારવાની થશે” અને તેણે મને ઉસ્માનપુરા ચાર રસ્તા પર ઉતાર્યો.
“હા...હા. વાંધો નહિ” મેં કહ્યું અને રૂમ તરફ ચાલ્યો.
આખા દિવસ તડકામાં સાઈટ પર રહીને આવીએ એટલે પાણી માંગવા જેવા પણ ના રહીએ. એક વાર એન્જીનીયર ચાલુ કોન્ક્રીટીંગે નીચે જાય તો ચાલે પણ અમારાથી નીચે ન જવાય. અમે નીચે જઈએ અને કાંઈ જોવાનું છૂટી જાય તો અમારા પ્રોફેસર દેવાંશુ પંડિત અમારા રિપોર્ટ બધાની વચ્ચે હવામાં ઉછાળે!!
કાલે ઘણું બધું કામ કરવાનું છે, એ વિચારમાં ને વિચારમાં ખબર નહિ હું ક્યારે સુઈ ગયો.
***
રોજની જેમ આજે પણ સવારે ૭ વાગતાની સાથે જ રૂમ પર મોટા અવાજે ગીતો ચાલુ થઇ ગયાં. મારી ઊંઘ ઉડી અને સવાર-સવારમાં જ મને ફિલ્ડસ્ટડી યાદ આવ્યું. હું ઉઠ્યો, આજે મારૂ આખું શરીર કળી રહ્યું હતું. હું ઉઠ્યો અને સીધો બાથરૂમ તરફ ચાલ્યો. રૂમના બે લોકો રૂમની દીવાલ સાથે ફીટ એવા કાચ સામે જોઇને નાચી રહ્યા હતાં.
“ભાઈ..ચેક કરજે પાણી આવે છે કે નહિ? મારી વખતે ખુબ જ ધીમું આવતું હતું” વિક્રમ દાઢી કરતો કરતો બોલ્યો. “હા” માથે ખણતાં-ખણતાં હું બાથરૂમમાં પ્રવેશ્યો. સદનસીબે પાણી આવતું હતું. અમારે અહી પાણીની ખુબ જ તકલીફ રહેતી, વારં-વાર અમારે નીચે મોટર ચાલુ કરવાં જવું પડતું.
હું નાહી-ધોઈને તૈયાર થયો અને કોલેજ જવા નીકળ્યો. હજુ ઘરની બહાર જ ગયો હતો અને સિદ્ધાર્થનો ફોન આવ્યો. “ભાઈ...આજે કોલેજમાં લાઈટ નથી. કાંઇક કામ ચાલુ છે એટલે. બધા કરનનાં ઘરે જાય છે. તું પણ ત્યાં આવીજા”. હું વિચારવા લાગ્યો અને બોલ્યો “ભાઈ તેનાં ત્યાં જી.સી નો સામાન નહિ હોય. એક કામ કરને મારા મિત્રોનો સામાન અહિ મારા રૂમ પર પડ્યો છે, તું અહિ મારા રૂમ પર આવીજા” બે-ચાર સેકંડ વિચારી તે બોલ્યો “સારૂ...તું તૈયારી ચાલુ કર હું દસ જ મિનિટમાં આવું છું”
હું રૂમ પર પાછો ફર્યો અને ગોઠવણ કરવામાં વ્યસ્ત થઇ ગયો. મારા બાકીનાં મિત્રો બાજુનાં રૂમમાં પુરાણા. દસ મિનિટનું કહીને સિદ્ધાર્થ એક કલાક પછી આવ્યો. મને ગુસ્સો આવવો સ્વાભાવિક હતો, પણ મેં હસીને તેને આવકાર્યો. તે પોતાના એક હાથમાં લેપટોપ બેગ અને બીજું એક બેગ ખભા પર નાખીને આવ્યો. તેનાં ખભા પરનાં બેગમાં તેની રોજબરોજ માટે જરૂરી બધી જ વસ્તુ રેહતી.
“સારૂ ચાલ....મંડી પડીએ. બહુજ મોડું થઇ ગયું છે” તેણે પોતાનાં ખભા પરથી બોરી ઉતારી અને બોલ્યો. પોતે મોડો આવ્યો હોવા છતાં તેણે મને કહી સંભળાવ્યું. હું “હા” બોલી કામ પર લાગ્યો. બેડ પરથી બે તકિયા ખેંચી મેં નીચે ફ્લોર પર ગોઠવ્યાં અને ઉપર કાચ મૂકી બલ્બ ચાલુ કર્યો. તે પોતાનું લેપટોપ ચાલુ કરી ગડમથલ કરવા લાગ્યો.
બહાર બીજા રૂમમા બેઠેલાં લોકો કોઈક મુવી જોઈ રહ્યા હતાં, તેનો અવાજ અમારા રૂમ સુધી આવતો હતો અને વાંરવાર સિદ્ધાર્થ મોઢું બગાડી રહ્યો હતો. આ જોઈ હું બહાર ગયો અને તેમને સમજાવ્યાં. આમ તો તેઓ મારી વાત ક્યારેય ના માને, પણ આ વખતે મેં આજીજી કરી અને તેઓ માની ગયા.
હું રૂમમાં પાછો આવ્યો અને બેસવા જ જતો હતો અને ફરીથી તેનું બગડેલું મોઢું જોયું. હું બોલ્યો “સોરી..મેં કીધું છે એમને પણ...”
મને વચ્ચે જ અટકાવી તે બોલ્યો “અરે ના...એતો બરાબર. પણ મને ટોઈલેટ જવું છે. આજે સવારે કરનના ઘરે બટાકા પૌવા થોડા વધારે ખવાઈ ગયા લાગે છે” આ વખતે મેં મોઢું બગાડ્યું અને હસતાં-હસતા બોલ્યો “સામેની બાજુ જ છે...પ્લીઝ” અને તે ગોળીની ઝડપે નીકળ્યો. થોડીજ સેકંડ પછી જોરથી દરવાજો પછડાવાનો અવાજ આવ્યો.
દર દસ મીનીટે હું ઉંચો થઈને ટોઇલેટ બાજુ નજર નાંખતો હતો,પણ તેનો કોઈજ પતો ન હતો. મને થયું કે ‘ભાઈએ બટાકા પૌવા નહિ...માત્ર બટાકા જ ખાધા લાગે છે’
લગભગ ત્રીસ-પાંત્રીસ મિનીટ પછી દરવાજો ખુલ્યો. તેનાં મોઢાં પર અલગ જ ચમક અને ખુશી જણાતી હતી. “બધુ..બરાબર છે ને?” મેં પૂછ્યું.
“હા...મને લાગે છે કે વધારે ખવાઈ ગયું હતું.... આ પૌવા નહિ કાંઇક બીજું જ હતું” તે મોં બગાડી બોલ્યો. આટલુ સાંભળતા જ મને ઉલટી જેવું થયું. તેના કામમાં સ્પીડ હવે વધી ગઈ હતી.
દસેક મિનીટ પછી સુહાસ રૂમ ખખડાવી અંદર આવ્યો અને બોલ્યો “ભાઈ...તારો ફોન આપને?” મેં શંકાની નજરે તેની સામે જોયુ અને બેડ પર આરામથી પડેલ મોબાઈલ તરફ ઈશારો કર્યો. તેણે ફોન લઇ ત્યાં જ ઉભા રહી કાંઇક શોધવાનું શરૂ કર્યું. થોડી વાર રહીને તે સિદ્ધાર્થ તરફ જોઇને બોલ્યો “હાય...સુહાસ” તે પોતાની ઓળખાણ આપતા બોલ્યો. સિદ્ધાર્થે ઊંચુ જોઈ હાથ મિલાવ્યો અને બોલ્યો “સિદ્ધાર્થ...” હું આ જોઈ વિચારમાં પડી ગયો. સુહાસ પાછો મોબાઈલમાં મંડાણો અને કાંઈક કરીને પાછો બોલ્યો “સુહાસ...સુહાસ ચૌધરી...” હવે હું ગીન્નાયો. સિદ્ધાર્થ ફરીથી બોલ્યો “સિદ્ધાર્થ... સિદ્ધાર્થ શાહ...” ફરીથી સુહાસ મારા મોબાઈલમાં કાંઈક ગડમથલ કરવા લાગ્યો અને હસતાં-હસતાં રૂમની બહાર ચાલ્યો. મારી પાસે તેને પ્રશ્નો પુછવા કરતાં વધારે અગત્યનું કામ હોવાથી હું ફરીથી કામમાં જોતરાયો.
અમે કામમાં અત્યંત મગ્ન હતાં અને સિદ્ધાર્થનો મોબાઈલ બીપ થયો, તેનાં ફોન પર આવેલા મેસેજનો એ અવાજ હતો. મેસેજ વાંચતા-વાંચતા તેનાં અલગ જ ભાવ હું જોઈ શક્યો. તેને ફોન મૂકી દીધો. મેં બલ્બ બંધ કર્યો અને ડ્રોઈંગ ચેક કર્યું અને એટલામાં જ મેં હિમાંશુને બાજુનાં રૂમમાંથી ડોકિયું કરતાં જોયો. થોડી વાર રહીને ફરીથી તેનાં ફોન પર મેસેજ આવ્યો. તે વાંચતા જ તેનાં હાવભાવ બદલાઈ ગયા. મને તેનાં હાવભાવ પરથી લાગ્યું કે તે મેસેજ સમજી નથી શકતો. તેણે મારી સામે જોયું અને બોલ્યો “યાર...જોને આ મેસેજ ખબર નહિ શું કહેવા માંગે છે?...અને ફોન પણ નથી લાગતો જ્યારે ફોન કરુછું ત્યારે બિઝી બોલે છે”
મેં મેસેજ વાંચ્યો
“મારા પ્રિય મિત્ર સિદ્ધાર્થ...કેમ છે મજામાં? તું મજામાં જ હોઈશ એ મને ખબર છે...હા પણ અમે મજામાં નથી. તમારી એક નાની ભૂલના કારણે અમારે બધાને બહુ જ ભોગવવાનું થઇ રહ્યું છે....તમારા મોઢાં પર હાલ ચમક છે..પણ અમારા મોંની રોનક ઉડી ગઈ છે. મિત્ર તમે અમારો ઘડો ભરી નાખેલ છે...અને એ પણ છલોછલ. અમે હવે તેને જોઈજ શકતા નથી. જોવાની વાત તો દુર અમે તે એરિયા નજીક પણ નથી જઈ શકતા!!!! તમે કરેલી ભૂલની સજા અમે ભોગવી રહ્યા છીએ. તમે મુકેલો ઘડો ફૂલ્યો ફાલ્યો છે અને દુર્ગંધ ફેલાવી રહયો છે. આ દુર્ગંધ અમારી સુધી તો પહોંચી ગઈ છે અને ટૂંકજ સમયમાં તમારા સુધી પણ પહોચી જશે...જો તમારે તેનો લાભ ન લેવો હોય તો જેમ બને તેમ જલ્દી તમે મુકેલા ઘડાનું તમે પોતે જ વિસર્જન કરી દો.....
લિ...તમારી અને અમારી તબિયતનાં હિતેચ્છુ”
હું વિચારવા લાગ્યો અને બોલ્યો “આવું...કોણ લખે છે? ઘડો...અને ઘડાનું વિસર્જન...”
“ખબર નહિ યાર...અને આનો મતલબ શું?” સિદ્ધાર્થ હેરાન થઈને બોલ્યો. હું ઉભો થયો અને બાથરૂમ જવા નીકળ્યો. રૂમનો દરવાજો ખોલતાં જ અચાનક દુર્ગંધ મારે નાકે આવી. હું ભરમાયો. હું બાથરૂમ તરફ જતો હતો તેમ તે દુર્ગંધ વધુ મજબુતી પકડી રહી હતી. હું ગયો અને જોયું તો ટોઇલેટ સીલ પેક હતું. હું દોડીને તરત જ રૂમ તરફ આવ્યો. પેલા બાજુના રૂમમાં પડેલા લોકો અચાનક જ હસવાં લાગ્યાં.
“આ શું છે? કોણ છે હરામી આ?” અને બીજી બે-ત્રણ ગાળો પણ હું બોલી ગયો. તેઓ હજુ લોતપોત થઇને હસતાં હતાં.
“આ તમારા મિત્રનાં કર્મોનો ઘડો છે...જે છલોછલ ભરાઈ ચુક્યો છે...” વિક્રમ હસતાં-હસતાં બોલ્યો. મને કાઈ જ સમજાયું નહિ. “હે?” મેં પૂછ્યું.
“ઘડો...કર્મો...મેસેજ” સુહાસે હિન્ટ આપી. આ સાંભળતા જ મેસેજ મારી સામે આવ્યો અને હું હસવાં લાગ્યો “બે યાર...આવો ઘડો કોઈ ભરતું હશે...ખરેખર આ માણસ.....”
“ભાઈ..તું એને સમજાવ કે પાણી ના આવતું હોય તો અમને કહેવાય...આવી રીતે ભરેલું છોડીને થોડું અવાય?” જીગર થોડો ગુસ્સેથી બોલ્યો.
હું હસ્યો અને બોલ્યો “આ મેસેજ કોને ટાઈપ કર્યો હતો? સરસ છે..” વિક્રમે હાથ ઉંચો કર્યો અને બોલ્યો “આપણે...”
“જા હવે...એને સમજાવ. પાણી તો મેં ચાલુ કરી દીધું છે...તેને ખાલી ઘડાને છેલ્લી વાર જોવા જવાનું છે...” હિમાંશુ બોલ્યો.
હું નોર્મલ થઇ રૂમમાં પહોચ્યો. મેં હાથે કરીને મોં થોડું બગાડ્યું કે જેથી તે નોટિસ કરે. પણ તે ગમાર કાઈજ સમજ્યો જ નહિ. થોડીવાર વિચારીને હું બોલ્યો “ હું આવું છું પેશાબ કરીને...” થોડીવાર તો તે કાઈ ન બોલ્યો અને અચાનક જ ભાન થતાં ધીમેથી બોલ્યો “ભાઈ...એક મિનીટ..ટોઇલેટમાં પાણી નથી આવતું. પ્લીઝ પહેલા પાણીનું સેટિંગ ક્યાંકથી કરને?” હું હસવાં લાગ્યો અને બોલ્યો “કેમ તારા ઘડાનું વિસર્જન બાકી છે એટલે?” એ વિચારવા લાગ્યો અને પછી તેને સમજાતા બોલ્યો “હા યાર..સોરી. હું કહેવાનું જ ભૂલી ગયો હતો.”
“વાંધો નહિ જા...પાણી આવે છે...વિસર્જન કરી આવ...આઈ મીન સાફ કરી આવ” તે ક્ષોભની લાગણીથી પીડાતા બહાર નીકળ્યો. બેઠેલાં લોકો સામે જોઇને તે બોલ્યો “ સોરી..હું ભુલી ગયો હતો...તમે લોકોએ મને ડાયરેક્ટ કહ્યું હોત તો પણ મેં કરી દીધું હોત...”
“બકા...અમારી હિમ્મત નહોતી આ વસ્તુ બોલવાની...એટલે. જા હવે વિસર્જન કરાવી દે નહીતર શાંતિ નહિ મળે..” અને બધા ખડખડાટ હસવા લાગ્યાં. હું દરવાજા પાસે ઉભો-ઉભો હસીને લોથપોથ થઇ આ સાંભળી રહ્યો હતો.
---અન્ય પાલનપુરી