અઘોર આત્મા-૧૫ - પરકાયા પ્રવેશ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા-૧૫ - પરકાયા પ્રવેશ

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૫-પરકાયાપ્રવેશ)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૪માં આપણે જોયું કે...

પોતાના અંતઃવસ્ત્રો ઉતારીને મેગી તિમિરની બાહોમાં સમાઈ જાય છે. બીજી તરફ, ધારદાર હાડકાની અણી વડે શેન એક કાળા-મોટા ઉંદરનું ગળું ચીરીને એના રક્ત વડે તથા માંસના લોચાઓ વડે કુંડાળાની કિનારી સજાવે છે. વિલી ચૂડેલને કૂંડાળામાં લાવીને એનો ચોટલો અગનજવાળાઓ વચ્ચે ધરીને એના માથાથી અલગ કરી નાખે છે. મધરાત થતાં પ્રેતયોનીનો પ્રતિનિધિ નિર્વસ્ત્ર તપસ્યા ઉપર સવાર થઈ જાય છે. ચૂડેલ પાસેથી છીનવી લીધેલા ચોટલાની તાકાત તેમજ તિમિર-મેગીનાં સહશયનથી પડછાયાની શક્તિ હણાઈ ચૂકી હોય છે. તપસ્યાનાં ભૂતકાળમાં પ્રવેશ કરીને તાગ મેળવેલા એક રહસ્યનો અંતે મેગી ઘટસ્ફોટ કરે છે...

હવે આગળ...)

--------------

‘તપસ્યાનું તો અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું!’ મેગીએ પ્રેતયોનીમાંથી આવેલા કાળા પડછાયાને કરડાકીથી કહ્યું, ‘તારી બલિ માટે જો કોઈ જવાબદાર હોય તો એ તારી મા છે, કે જેણે પૈસાની લાલચમાં તારા જીવનો સોદો કર્યો, મૂર્ખ!’

‘મા...’ દાંત કચકચાવવાનો એક કર્કશ અવાજ ઊઠ્યો. અને કમરામાં રહેલા દરેક કાચનો ચૂરેચૂરો થઈ ગયો. કાળો પડછાયો ધીમે-ધીમે કંપન અનુભવતો બળતા માંસ જેવી તીખી-તીખી વાસ છોડવા માંડ્યો. આખરે એ કાળા ધૂમાડામાં પરિવર્તિત થઈને વિખેરાઈ ગયો!

‘એ ફરી આવશે, તપસ્યા...’ મેગીએ મારા ખભે હાથ મૂકીને દબાવતાં કહ્યું, ‘એની ચૂડેલ મા, કે જે સૌંદર્યવાન યૌવના બનીને, ઉઘાડી પીઠ કરીને નિર્જન જંગલોમાં રખડે છે, એની પાસે પોતાની બલિનો હિસાબ માગશે... ને ફરી ક્યારેક તારી સામે ઉપસ્થિત થશે!’

હું નખશિખ થરથરી ઊઠી. હું વિચારી રહી – શું હજુ મને એ પ્રેતાત્માથી છુટકારો નથી મળ્યો? હું ભાંગી પડી. થાક મારા ચહેરા ઉપર વર્તાઈ રહ્યો હતો. પણ એટલામાં જ તિમિરે મારી દુર્દશા સમજી જઈને, મારી નજીક આવીને મારું માથું એની છાતીમાં છુપાવી દીધું. એની હૂંફથી મારી જીજીવિષા ફરી એક વાર જાગ્રત થઈ ઊઠી. મેં મનોમન ફરી એક વખત મક્કમતાથી નિર્ધાર કર્યો – મારે જીવવું છે! મારે મારા તિમિરને મૃત્યુલોકમાંથી પાછો લાવવાનો છે! મારી મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ.

‘આપણે હવે સમય વેડફ્યા વગર કાલા ડુંગરની તળેટી તરફ જવું જોઈએ.’ શેન એકાએક બોલી ઊઠ્યો, ‘ત્યાંથી ભદ્રકાલીની અવાવરુ ગુફા તરફ... કે જ્યાં અસંખ્ય પ્રેતાત્માઓ સાથે નાગલોકના વંશજો પણ વસવાટ કરે છે. એ ગુફામાંથી તપસ્યાએ અધિપતિ ચંદ્રમણિનો નાગમણિ મેળવવાનો છે જેનાથી તિમિરને પાછો પામવાની અઘોર સાધના સંપન્ન થઈ શકશે.’

‘હા, મને યાદ છે!’ મેં કહ્યું. ‘અઘોરી અંગારક્ષતિએ આદેશ આપ્યો હતો કે...’

‘પરંતુ, અંગારક્ષતિ ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકાય?’ મેગીએ મારી વાત અધવચ્ચે કાપતાં પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.

‘રતીભાર પણ નહિ! અઘોરી અંગારક્ષતિ કપટી, લોલુપ અને વિકૃત છે.’ વિલીએ સ્પષ્ટતા કરી.

‘આમ છતાં, આપણે ભદ્રકાલીની ગુફામાંથી એ નાગમણિ મેળવવો જ પડશે.’ મેં કહ્યું. ‘અઘોરવિદ્યાની શરૂઆતી તાલીમ મેં પણ લીધી છે, માટે જાણું છું. નાગમણિ-સાધના પાર પડવી જ પડશે. પછી જોયું જશે!’

તિમિરે મારો હાથ કસીને એના હાથમાં પકડી રાખ્યો હતો. જાણે કે કહેવા મથી રહ્યો હોય – ‘હું છું તપ્પુ, તારી સાથે જ છું... હંમેશ માટે!’

અમે કાલા ડુંગરની તળેટી તરફ મક્કમતાથી ચાલવા માંડ્યું...

મધરાતનો સન્નાટો મને ભય ઉપજાવવા માટે જાણે કે મરણીયો બન્યો હતો. જીવાત્મા તરીકે હું ફક્ત એકલી જ... ચાર પ્રેતાત્માઓથી ઘેરાયેલી હું ઘનઘોર જંગલનો કાંટાળો રસ્તો કાપતી એક જનૂન સાથે આગળ વધી રહી હતી. ખૂંખાર જંગલી જનાવરોની બિહામણી ગર્જના મારા શરીરનું લોહી થીજાવી દેતી હતી. ને હૃદયની ધડકનો બે-ચાર ઘડી ધબકવાનું ભૂલી જતી હતી. એ રસ્તે ઘણું આગળ નીકળી ગયાં પછી ઓચિંતું જ મારી નજર કાલા ડુંગરની તળેટી તરફ ગઈ. કાળમીંઢ અંધકારમાં દૂર એક અગ્નિ પ્રગટેલો જણાયો. અમારે એ જ તળેટીના રસ્તે આગળ વધવાનું હતું. હું મારો જીવ હથેળી ઉપર રાખીને ચાલતી રહી. જેમ-જેમ એ અગ્નિ નજીક આવતો ગયો તેમ-તેમ મને માલૂમ થતું ગયું કે એ કોઈ સામાન્ય અગ્નિ નહિ, પરંતુ ચિતા સળગી રહી છે!

મડદું બળવાની તીવ્ર વાસ પૂરા વાતાવરણમાં ફેલાઈ રહી હતી. સ્મશાન જેવી ભયાનકતા મારા શ્વાસ રૂંધી રહી હતી. તિમિર તથા મિત્રો મને હિંમત આપી રહ્યાં હતાં. તળેટી તરફનો રસ્તો ઉતરતા અમે જોયું કે સળગતી ચિતામાં એક નહિ, પરંતુ એકસાથે બે મૃતદેહો બળી રહ્યા હતા. અને ચિતાની નજીક એક કાળી ચટ્ટાન જેવો વિશાળ અને વિકરાળ વ્યક્તિ પોતાના બંને પગ પહોળા કરીને ઊભો હતો. ખભાથીયે લાંબા વાળ ગંદી અને ગૂંચવાયેલી હાલતમાં જ છૂટ્ટા મૂકીને એ આક્ષ ભણી ચહેરો કરીને ઊભો હતો. એની કમર ફરતે ઝાડના માત્ર બે-ચાર મોટા પાંદડા કોઈક જંગલી વેલ જોડે બાંધીને લટકાવી રાખ્યા હતા. બંને હાથ ઊંચા કરીને મંત્રોચ્ચાર કરી રહેલા એ વ્યક્તિને જોઈને મને ઓળખતા વાર નહિ લાગી કે એ અઘોરી અંગારક્ષતિ જ છે! ચિતાની અગનજ્વાળાઓ આસપાસનો અંધકાર ખાઈ જઈને બિહામણી રોશની ફેલાવી રહી હતી. થોડી જ મિનિટોમાં અઘોરીએ જમીન ઉપર વેરેલા કોઈક ખાસ દાણા ચિતામાં ઉછાળવા માંડ્યા. જોતજોતામાં ભડકે બળી રહેલી ચિતા શાંત થઈ ગઈ; ઓલવાઈ ગઈ; ઠરી ગઈ...

અને એ સાથે જ અઘોરીએ ચિતામાંથી બંને મૃતદેહોને બહાર ખેંચી કાઢ્યા. ફરી એક વખત બળતાં માંસની ગંધે મારું માથું ભમાવી નાખ્યું. મેં એક ઝાડની ઓથે રહીને ઝીણવટભરી નજરે જોયું તો એક શરીર યુવકનું હતું, ને બીજું યુવતીનું. બંને જણ દેખાવમાં તો યુવાન લાગતાં હતાં, આમ છતાં એમના અડધાથી પણ વધુ પ્રમાણમાં બળી ચૂકેલા મૃતદેહો ભારે જુગુપ્સા જગાડનારાં હતાં. અઘોરી એ બંને યુવક-યુવતીના મૃતદેહોને પગ પકડીને ઢસડતો ઝાડીઓ વચ્ચે ખેંચી ગયો. મૃતદેહોમાંથી હજુ પણ ગંધાતો ધૂમાડો નીકળી રહ્યો હતો. માંસ બળવાની તીખી-તીખી વાસથી મને ચક્કર આવવા માંડ્યા હતા. મહામહેનતે મેં મારા ઉપર કાબૂ મેળવ્યો.

મારી નજરોથી અઘોરી ઓઝલ થઈ ગયો હતો. હું તળેટી તરફના રસ્તા ઉપર હજુ થોડી આગળ વધી. અને જેવી પેલી ઝાડીઓ પાસે પહોંચી કે મારી આંખે અંધારા આવી ગયા. કમકમાટી ઉપજાવે એવું દ્રશ્ય જોઈને હું અવાચક બની ગઈ હતી. અડધા બળેલા શરીરવાળી એ યુવતીના શરીરમાં ધીમે-ધીમે એક હળવો સળવળાટ થઈ રહ્યો હતો. પછી એકાએક જ, એ યુવતી કે જેનું મડદું થોડી મિનિટો પહેલાં સળગતી ચિતામાં ભડકે બળી રહ્યું હતું, એ ઊભી થઈ. એના સંપૂર્ણ કપડાં આગમાં સળગી ચૂક્યા હતા. બળી રહેલા શરીરમાં ઠેર-ઠેર ધૂમાડાની પાતળી સેર ફૂટી રહી હતી. થોડી આગળ વધીને એ યુવતી પેલા યુવકના બળેલા મૃતદેહ ઉપર જઈને સૂઈ ગઈ. અને સંભોગ કરવા માટે તીવ્રતાથી ઉત્તેજિત થવા માંડી. એનાં સિસકારા વાતાવરણને કાળજું કંપાવનારી ભયાનકતા આપી રહ્યા હતા. ચીતરી ચઢે એવું ખોફનાક દ્રશ્ય જોઈને મને ઉબકા આવવા માંડ્યા હતા.

થોડી વાર બાદ યુવતીના મૃતદેહની હવસ સંતોષાતા જ એણે એક ઓડકાર ખાધો. અને યુવકના મૃતદેહ પાસે પલાંઠી વાળીને તૃપ્ત ચહેરે બેસી ગઈ. યુવકનો બળેલો હાથ પોતાના હાથમાં લીધો; ગાલ ઉપર ઘસ્યો. વાંકા વાળીને એણે પોતાના લાંબા તથા અડધા સળગેલા વાળ યુવકની છાતી ઉપર વિખેરી દીધા. પોતાનો ચહેરો યુવકના મૃતદેહની છાતી ઉપર ઘસવા માંડી. થોડી ક્ષણો એ એ જ અવસ્થામાં જડ બનીને પડી રહી. પછી ઓચિંતું જ એણે પોતાના વાળને ઝટકો મારીને ચહેરો ઉંચો કર્યો. એક દર્દનાક હુંકાર કર્યો. મારાથી એક ચીસ પડાઈ ગઈ. મારું આખું શરીર જાણે કે એક નિર્જીવ પૂતળું બની ચૂક્યું હતું. એ મૃત યુવતીના મોમાં યુવકના મૃતદેહની છાતી ઉપરથી કરડી ખાધેલો એક મોટો માંસનો લોચો લબડતો હતો. મૃતદેહનું અર્ધ-શેકાયેલું માંસ એ બેરહેમીથી ચાવી રહી હતી. ફરી એકવાર એ નીચી નમી અને યુવકના બળેલા મૃતદેહની બંને જાંઘ વચ્ચે પોતાનું મોં ખોસી દીધું. ને ફરી એક વાર માંસનો મોટો ટુકડો ખેંચી કાઢ્યો...

મેં ડરતા-ડરતા એ યુવતીની નજીક જઈને પૂછ્યું, ‘ક..ક..કોણ છે તું?’ યુવતી મારા તરફ ત્રાટક કરીને એની આંખમાંથી અંગારા વરસાવી રહી હતી. મેં ફરી એક વખત હિંમત કરીને પૂછ્યું, ‘..અને પેલો અઘોરી? અંગારક્ષતિ... એ ક્યાં છે?’

યુવતીએ પોતાના કદરૂપા ચહેરા ઉપર પથરાયેલા એના ખૂલ્લા-બળેલા વાળ એક ઝાટકો મારીને હટાવી દીધા. મૃત શરીરનું બળેલું માંસ ચાવતા ચાવતા એણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું.

હું ધ્રૂજી ઊઠી. જો કાલા ડુંગરની તળેટી તરફ જવા માટેનો અન્ય કોઈ રસ્તો હોત તો મેં આ રસ્તો ક્યારેય પસંદ કર્યો ન હોત. પરંતુ, મારે અહીંથી જ પસાર થયા વિના છૂટકો નહોતો. આ દરેક ભયનો સામનો કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

એકાએક જ એ મૃત યુવતીનું અટ્ટહાસ્ય રોકાઈ ગયું. ને એના ગળામાંથી જે અવાજ નીકળ્યો એ કાન ફાડી નાખે એવો કર્કશ હતો. બીજી જ ક્ષણે એ ઘોઘરા અવાજમાં બોલી, ‘હું જ છું અઘોરી... હું જ... હું જ અંગારક્ષતિ છું, હું જ...’ અને ફરી એક જોરદાર હાસ્ય જંગલની વિકરાળ રાત્રીમાં ચીસ પાડી ઊઠ્યું.

‘અઘોરીઓ ભરપૂર સંભોગ કરે છે, છતાં પણ... તેમને સંતાન નથી હોતાં?’ શેન મારા કાનમાં મજાકના સ્વરૂપમાં હળવેથી બોલ્યો.

‘કારણ કે અઘોરીઓ સ્ખલન કરતા નથી.’ મેગીએ ફોડ પાડ્યો. ‘સ્ખલિત થયેલા અઘોરીઓ માટે અઘોરપંથમાં આકરી સજા હોય છે.’

‘તો પછી, અઘોરી અંગારક્ષતિનો પુત્ર... મરદાનગીના નામ ઉપર કલંક સમાન, કલ્પ્રિત? એ ક્યાંથી..?’ મારાથી પ્રશ્ન થઈ ગયો.

‘એ જ અંગારક્ષતિની મહા ભયંકર ભૂલ થઈ ગયેલી – ઉત્તેજનાવશ યોનીમાં જ સ્ખલન કરી નાખવાની... અને એની સજામાંથી મુક્તિ મેળવવા માટે એ કઠોર સાધના કરતો રહે છે.’ તિમિરે સમજાવ્યું.

હું ત્યાં જ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. મેં અનુભવ્યું કે તિમિર તથા શેન, વિલી, મેગી –દરેક જણ, દરેક પ્રેતાત્મા-મિત્રો પણ મારી જેમ જ અચંબિત થઈ ગયાં હશે!

‘મેં આ મૃત યુવતીના શરીરમાં પ્રવેશ કર્યો છે, મૂર્ખ તપસ્યા...’ યુવતીની અંદર ભરાયેલા અઘોરી અંગારક્ષતિએ દહાડ નાખી. ‘અઘોરપંથની મારી આ આકરી અને અઘરી સાધના છે – પરકાયાપ્રવેશ... હા...હા...હા...’

હું કંપી ઊઠી.

‘આ મૃતદેહો તો પેલી ઉઘાડી પીઠવાળી ચૂડેલ તરફથી મને મળેલી દક્ષિણા છે, તપસ્યા... વિજાતીય શરીરના મૃતદેહમાં પરકાયાપ્રવેશ કરીને સજાતીય શરીર ધરાવતા મૃતદેહ સાથે સંભોગ કરવાથી મારી અઘોરપંથની સજા માફ થઈ શકશે... હા..હા..હા...’

જંગલ ભેંકાર અને ભયાવહ બની ચૂક્યું હતું.

‘બસ, હવે એક વિકટ સાધના બાકી રહી ગઈ છે - અમૃત-સાધના...’ અઘોરી આકાશ ભણી ચહેરો કરીને ગર્જના કરવા માંડ્યો. ‘અને એ સાધના તારા શરીર દ્વારા પૂર્ણ થશે, તપસ્યા... હા..હા..હા... તારી ભરાવદાર છાતીમાં સમાયેલો અમૃતરસ ચૂસીને... તારી ગુલાબી કોમળ યોનીમાંથી નીકળતું ચીકણું અમૃત-પ્રવાહી ગ્રહણ કરીને... તપસ્યા... તૈયાર રહેજે, અમૃત-સાધના માટે...’

મારી વેદના ચિત્કાર કરી ઊઠી...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૬ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------